Opinion Magazine
Number of visits: 9576435
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગટર નામે ગેસ ચેમ્બર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 October 2019

દેશની સર્વોચ્ચ અદાલતે હાથથી મળ સફાઈ અને ગટર સફાઈમાં થતાં મોત અંગે તલ્ખ ટિપ્પ્ણી કરતાં જણાવ્યું છે કે ભારતની જેમ દુનિયાનો કોઈ દેશ જાણી બૂઝીને તેના નાગરિકને ગેસ ચેમ્બરમાં ધકેલતો નથી. ગુજરાતની વડી અદાલતે પણ આ જ દિવસોમાં માણસને અંદર ઉતારીને કરાવવામાં આવતી ગટર સફાઈ રોકવાના કોઈ ઠોસ એકશન પ્લાનના મુદ્દે સરકારને ઠમઠોરીને જવાબ માંગ્યો છે. પરંતુ આપણાં સંવેદનહીન વહીવટીતંત્રો અને સરકારોને દેશની અને રાજ્યોની અદાલતોની આ ટીકાની કોઈ તમા નથી. હજુ ગયા જૂનમાં જ વડોદરા જિલ્લાના ડભોઈ પંથકના ફરતીકુઈ ગામે ગટર સફઈ કરતાં સાત વ્યક્તિઓના મોત થયાં હતાં. મોડેલ સ્ટેટ ગુજરાતે તેમાંથી કશો બોધપાઠ લીધો નથી. એટલે હાઈકોર્ટની ટીકાના દિવસે જ પ્રાંતિજમાં ગટરમાં ઉતારીને વધુ એક સફાઈ કામદારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.

ભારતની સમાજવ્યવસ્થામાં તળિયે અને વર્ણવ્યવસ્થામાં વર્ણબહારના ગણાવાયેલા લોકોના માથે પરાપૂર્વથી સફાઈ અને હવે આધુનિક જમાનામાં ગટર સફાઈની કામગીરી થોપવામાં આવી છે. ‘રાષ્ટ્રીય ગરિમા અભિયાન’ના અંદાજ મુજબ દેશના કુલ ગટર કામદારોમાં ૯૪ ટકા દલિતો અને બાકીના આદિવાસીઓ અને અન્ય પછાતો છે. સુપ્રીમ કોર્ટના અંદાજ મુજબ કશાં જ સુરક્ષા સાધનો વિના ગટરમાં અંદર ઉતારીને સફાઈ કરાવવાને કારણે દર મહિને દેશમાં ચારથી પાંચ વ્યક્તિના મોત થાય છે. જસ્ટિસ અરુણ મિશ્રા, એમ.આર. શાહ અને બી.આર. ગવઈની ખંડપીઠે એટલે આ કામને નાઝી ગેસ ચેમ્બર સાથે સરખાવ્યું છે.

સરકારી સંસ્થા ‘રાષ્ટૃીય સફાઈ કર્મચારી આયોગ’ના મતે દર પાંચમા દિવસે ગટર કે ખાળકૂવાની સફાઈ દરમિયાન એક કામદારનું મોત થાય છે. ‘રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આંદોલન’ના એક સર્વેનું તારણ જણાવે છે કે ૧૯૯૩થી ૨૦૧૮ સુધીમાં ૧૯૨૭ ગટર કામદારોનાં મોત થયાં છે. અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’નો એક અહેવાલ, ભારતમાં દર વરસે ૨૨ હજાર સ્ત્રી પુરુષો સફાઈ કામ કરતાં મોતના મુખમાં ધકેલાતાં હોવાનું જણાવે છે. દેશમાં માથે મેલું કે હાથથી મળ સફાઈનાં કામમાં જોતરાયેલા લોકોની સંખ્યા ૫૫,૬૨૫ હોવાનું અને તેમાં ૭૦ ટકા મહિલાઓ હોવાનું સરકારી આંકડા કહે છે. જો કે આ ક્ષેત્રે કામ કરતાં સંગઠનો તે આંકડાને ખૂબ જ ઓછા ગણે છે. એક તરફ આપણે મંગળ અને ચંદ્ર સર કરી રહ્યા છીએ. વિશ્વ ગુરુ અને પાંચ લાખ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યા છીએ. દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ગયાની સરકારી જાહેરાતો થાય છે. તો બીજી તરફ માથે મેલું કહેતાં હાથથી મળ સફાઈ કરનારાની સંખ્યા વધી રહી છે. ગટરમાં ગુંગળાઈને સફાઈ કરનારા મરી રહ્યા છે. આ વિરોધાભાસનો ન તો કોઈ જવાબ છે કે ન તો તેની શરમ. અદાલતી આદેશો છતાં આ મુદ્દાની ગંભીરતા સમજાતી નથી.

૧૯૬૯ના ગાંધી જન્મ શતાબ્દી વરસે માથે મેલુ મુક્તિની સરકારી ઘોષણા થઈ હતી. જે ગાંધીના સાર્ધ શતાબ્દી વરસે પણ પૂરી થઈ નથી. ૧૯૯૩માં તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવે લાલ કિલ્લાની રાંગેથી માથે મેલું નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ સરકારી સંકલ્પબધ્ધતા અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવે એ ઠાલું આશ્વાસન જ બની રહ્યું. હવે હાથથી મળ સફાઈ અને ગટર સફાઈની નાબૂદીની છેલ્લી મુદ્દત ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ની જાહેર કરાઈ છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં એક જાહેર હિતની અરજીના ચુકાદામાં ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામનારને રૂ. દસ લાખનું વળતર આપવા આદેશ કર્યો હતો. સરકારો મોટાભાગના કિસ્સામાં વળતર આપીને છૂટી પડે છે અને આ કામની જવાબદારી ખાનગી કંપની અને કો ન્ટ્રાકટર્સ પર ઢોળી દે છે. અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર પ્રતિબંધક ધારો અને સૂકા જાજરૂ બાંધવા પર પ્રતિબંધના કાયદાની જોગવાઈ મુજબ ગટર સફાઈ દરમિયાન થતાં મોતને હત્યા ગણી જવાબદારો સામે કાનૂની પગલાં લેવામાં આવતાં નથી. ન્યાયની અવેજીમાં આર્થિક સહાય આપવી સરકારોને માફ્ક આવે તેવી બાબત છે.

હાથથી મળસફાઈ, ગટર સફાઈ અને ખુલ્લામાં શૌચથી ગુજરાત મુક્ત નથી. રાજ્ય સફાઈ કામદાર નિગમ છેલ્લાં કેટલાંક વરસોમાં ૧૫૨ ગટર કામદારોના મોત થયાંનું કબૂલે છે. ગુજરાત વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારને ગટર સફાઈ માટે મશીન ભેટ આપવાની તૈયારી દર્શાવી હતી. ફરતીકુઈમાં સાત સફાઈ કામદારોના મોત પછી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આવી ઓફર કરી હતી. તે પછી પણ સરકાર જાગતી નથી  ધારાસભ્ય અમિત ચાવડાના એલ.એ.ક્યુ.ના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે રાજ્યમાં હજુ ૩.૭૦ લાખ લોકો ખુલ્લામાં શૌચ જાય છે.  આ મળની સફાઈ સ્વાભાવિક રીતે જ દલિતોને કરવાની આવે છે. ગટર સફાઈ અને હાથથી મળ સફાઈ કરનાર કામદારોના પુનર્વસન માટેની જોગવાઈ છતાં સંવેદનશૂન્ય સરકારો અમલ કરતી નથી. ગટરસફાઈથી થતાં મોતના કિસ્સામાં હત્યાનો ક્રિમિનલ ગુનો પણ કદી દાખલ થતો નથી. હવે દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ રાજ્યોએ ગટર સફાઈ માટે યંત્રો અને માનવયંત્રો વસાવ્યાં છે જે સરાહનીય છે.

ગટર સફાઈ કરનારને તાલીમ અને સુરક્ષાના સાધનો આપવાની વાતો હંમેશાં થાય છે. ક્યારેક ગટર કામદારો સાધનોનો ઉપયોગ કરતાં ન હોવાની પણ ફરિયાદો કરાય છે. તે થકી એમ કહેવાય છેકે દલિત કામદારે સલામતીના સાધનો સાથે ગટરમાં ઉતરવું જોઈએ અને પોતાના માથે મરાયેલો આ પરંપરાગત વ્યવસાય, કૌશલ્ય સાથે જાળવી રાખવો જોઈએ. પરંતુ ગટર સફાઈનું કામ કોઈ માનવીએ ગટરમાં ઉતરીને ન જ કરવું પડે તે દિશામાં વિચારાતું નથી. ગટર કામદારના મોત અટકાવવાનો એકમાત્ર ઉપાય માનવી થકી ગટર સફાઈ પર સંપૂર્ણ પ્રતિબંધ જ હોઈ શકે. જો સમાજ અને સરકારને દલિતની જિંદગીની કોઈ કિંમત હોય તો તેણે ગમે તેટલાં મોંઘા સાધનો વસાવવા જ જોઈએ. ગટર કામદારોના મોત પછી હત્યાનો નહીં પણ બેકાળજીનો આરોપ લગાવાય છે. જો કાનૂની રીતે ગટર સફાઈ પ્રતિબંધિત બને તો જ જવાબદારો સામે પગલાં લઈ શકાશે. જ્યાં માનવશ્રમ જીવલેણ બનવાનો નથી એવા ઘણાં ક્ષેત્રોમાં યંત્રોનો ઉપયોગ કરીને ગરીબોને બેકાર બનાવ્યા છે. તો જ્યાં દલિતોના અસ્તિત્વનો પ્રશ્ન હોય તેવા ગટર સફાઈના કામમાં માત્રને માત્ર યંત્રોનો જ ઉપયોગ કેમ થતો નથી? ગટર કામદારોના મોત એ કોઈ ભૂલ, નિષ્કાળજી કે અકસ્માત નથી પણ હત્યા છે. જાણી બૂઝીને ગેસ ચેમ્બરમાં ધકેલવાનું હવે તો અટકવું જ જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 09 ઑક્ટોબર 2019

Loading

ખેડૂતોની જીવાદોરી સમાન દૂધ મંડળીઓને ટૂંપો દેવાશે ?

મનીષી જાની|Opinion - Opinion|9 October 2019

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં એકસાથે 4,355 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ થયું. જેમાં એક મોટી કંપનીના માલિકો અને બેંકના સત્તાધારીઓ જોડાયેલા છે. આ કૌભાંડને લઈ તેનાં નાનામોટા ખાતાધારકોને અત્યારે રડવાનો વારો આવ્યો છે. પોતે જ પોતાની મહેનતની કમાણીનાં નાણાં પોતાની બેંકમાંથી ના ઉપાડી શકે એનાથી મોટી કરુણતા કઈ હોઈ શકે ?

આ બેંકનું નામ વાંચતા 'કોઓપરેટિવ બેંક' – સહકારી બેંક શબ્દો પર હું અટકી ગયો. 'સહકારી' શબ્દ કેટલો સરસ ! અને તેની પાછળનું વ્યક્ત થતું ધ્યેય પણ કેટલું ઉમદા !

આઝાદી પૂર્વેથી આવી સહકારી પ્રવૃત્તિઓથી સૌએ ગાંધીમાર્ગે ગ્રામીણ ઉદ્ધાર અને ગરીબી નિર્મૂલનનાં સપનાં જોયાં હતાં.

વિદેશી અંગ્રેજ માલના બહિષ્કાર તરીકેનાં આઝાદી આંદોલનોનાં એક ભાગ રૂપે પણ સહકારી પ્રવૃત્તિઓની એક અગત્યની ભૂમિકા હતી.

દેશ આઝાદ થયો તે પછી ય દેશના સ્થાનિક ઉદ્યોગો-હસ્તકળાને પ્રોત્સાહન મળે અને ટકી રહે તે માટે સહકારી મંડળીઓની રચનાને ઉત્તેજન આપવા સરકારે ઘણી યોજનાઓ અને રાહતો ઊભી કરી.

પણ તેનું પરિણામ શું આવ્યું ?

દરેક ક્ષેત્રોના સ્થાપિત હિતોએ, એ પછી બિલ્ડરો હોય કે લોખંડના વેપારીઓ, સૌએ પોતાના જાતિ-જ્ઞાતિ ને ધંધાના હિતમાં સહકારી મંડળીઓ, કોઓપરેટિવ સોસાયટીઓ ઊભી કરી.

અલબત્ત, ગ્રામીણ ગરીબોની સહકારી મંડળીઓ પણ ઊભી થઈ. ચર્મકામ, વણાટકામથી માંડી હસ્તકળાઓની સહકારી મંડળીઓ ઊભી થઈ અને પરંપરાગત ગ્રામીણ ઉદ્યોગોને, ખાસ કરીને ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું.

પરંતુ સૌથી વધારે સહકારી પ્રવૃત્તિઓનાં લાભ અને લૂંટ તો સ્થાપિત તત્ત્વોએ જ મેળવ્યાં. વેપારીઓ, ઉદ્યોગપતિઓ એ સસ્તા વ્યાજે લોનો મેળવવા, ગોટાળાઓ કરવા જ ઉપયોગ કર્યો અને રાજકારણીઓ એ સહકારી પ્રવૃત્તિઓને નામે ગ્રામકક્ષાએથી માંડી ઉપર લગી સત્તાકેન્દ્રો ઊભાં કરવા સહકારી મંડળીઓનો ભરપૂર ઉપયોગ કર્યો.

અને તેને લઈને જ છેલ્લાં વીસેક વર્ષમાં મોટાભાગની કોઓપરેટિવ બેંકો ફડચામાં ગઈ યા માલામાલ બની ગઈ !

એક દૂધમંડળીઓ જ એવી સહકારી પ્રવૃત્તિ રહી કે તે આઝાદી બાદ સતત વિસ્તરતી રહી. ગુજરાતમાં તો તે મોટા પાયે વિસ્તરતી જ ગઈ પણ સાથે સાથે દેશમાંથી ય દૂધના ખાનગી વેપારીઓ કરતાં સહકારી મંડળીઓનું દૂધ શહેરી લોકો પાસે વધુને વધુ પહોંચવા માંડ્યું છે.

એક સમયે વિદેશી અંગ્રેજ પોલસન ડેરીનું મહત્ત્વ દેશમાં હતું. વેપારીઓ અને ખાનગી ડેરી માલિકો દૂધ ઉત્પાદક ગ્રામીણોનું ભારે શોષણ કરતા. ખરેખર તો દૂધના ધંધાની મલાઈ તો વેપારીઓ જ ખાઈ જતા.

વળી મોટાભાગે તો રોડરસ્તા અને વાહન વ્યવહાર સુવિધાઓનાં અભાવમાં દૂધ એક મોટો અને વ્યાપક ધંધો બની શકે એમ તે સમયે હતો જ નહીં.

આ પોલસન વિદેશી ડેરીની સામે ગાંધીમાર્ગે જ સહકારી મંડળીઓની સ્થાપનાથી જ એક પડકાર મંડાયો અને તેમાંથી અમુલનો જન્મ થયો, ને ખેડા જિલ્લાનાં ગામોમાં દૂધમંડળીઓની સ્થાપનાથી શરૂઆત થઈ અને અત્યારે દેશભરમાં અમુલ એ દૂધ ઉત્પાદન ક્ષેત્રનું ઘરે ઘરે પહોંચેલું નામ બની ચૂક્યું છે.

આપણા દેશમાં દૂધ ઉત્પાદન એ કૃષિક્ષેત્રમાં મોટી આવકનું સ્થાન ધરાવે છે. દેશના દસ કરોડ ખેડૂતો દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા છે. દેશના જી.ડી.પી.ની દૃષ્ટિએ જોઈએ તો કૃષિક્ષેત્રમાંથી સૌથી મોટું પ્રદાન ડેરી ઉદ્યોગનું તેમાં રહેલું છે.

આપણા દેશમાં રોજનું 48 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે અને દુનિયાના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનું યોગદાન 17% જેટલું છે.

આપણા ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં સૌથી પહેલાં દૂધ મંડળીઓ બની જ્યાં સવાર-સાંજ ગામની સહકારી મંડળીનાં કેન્દ્ર પર દૂધ ભરી શકાય અને પૂરક આવક નિયમિત મેળવી શકાય.

જ્યાં જે ગામોમાં દૂધ મંડળીઓ છે અને જે ગામોમાં નથી એ બન્ને ગામોના ખેડૂતોના આર્થિક સામાજિક ભેદ પારખી શકાય એવો છે. એક અભ્યાસ મુજબ નાના ખેડૂતોના સામાજિક વિકાસના સંદર્ભમાં જોઈએ તો તેમાં દૂધ ઉત્પાદનનો 70% જેટલો ફાળો છે.

મહારાષ્ટ્રમાં રોકડિયા પાક નિષ્ફળ જતાં, દેવાદાર બનતા ખેડૂતો જે પ્રમાણમાં આપઘાત કરે છે તેટલા મોટા પ્રમાણમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણ આપણા ગુજરાતમાં જોવા મળતું નથી એનું કારણ પણ આ દૂધ મંડળીઓ છે જે ખેડૂતોને પૂરક આવક પૂરી પાડે છે. પાક નિષ્ફળ જતાં આ દેવાદાર બનતા ખેડૂત પરિવારોને બે ટંક રોટલા ભેગા કરવામાં આ આંગણે બાંધેલાં દૂધાળા ઢોરની આવક ઉપયોગી નીવડે છે.

જો કે એટલી વાત પણ નોંધવી જ ઘટે અને મેં જાતે જ ખેડા જિલ્લાના ગામોમાં ફરતાં અનેકવાર જોયું છે કે સાવ છેવાડાના જમીન વિહોણા ખેતમજૂરો કે સીમાંત ખેડૂતોના જીવનમાં, જેમને ત્યાં એકાદ ભેંસ કે ગાય છે તેમનાં જીવનમાં દૂધ સહકારી મંડળીઓ થવાથી બહુ મોટો ફેર પડ્યો નથી. ખરેખર તો એવું જોવા મળ્યું છે કે ગામમાં દૂધ મંડળી ન હતી, ત્યારે આવું એકાદ દૂધાળું ઢોર પરિવાર ને ચા-દહીં કે બાળકોનો પીવાનો પોષક આહાર દૂધ બની રહેતો. પણ દૂધ મંડળી આવવાથી રોકડ આવકની લાલચે દૂધ પરિવારજનોના ઉપયોગને માટે રહેવા દેવાને બદલે બધું જ દૂધ મંડળીમાં વેચી દે છે.

અને છેવટે જોઈએ તો શું હાંસલ થાય છે ? રોકડ આવક મેળવે છે પણ એ આવક તો અંતે અન્ય બજારની વસ્તુઓ ખરીદવામાં જ વપરાય છે ને આખરે રૂપિયા તો વેપારીઓ પાસે જ પહોંચે છે !

આ કડવી વાસ્તવિકતા સાવ છેવાડાના લોકોનાં સંદર્ભે છે જ પરંતુ વ્યાપક સમાજ હિતમાં જોઈએ તો દૂધ મંડળીઓ થવાથી દેશના લોકોને દૂધ અને દૂધ ઉત્પાદનો ઉઘાડી લૂંટ વિના મળી રહે છે. બારે મહિના દેશમાં ક્યાં ય દૂધની અછત થઈ યા રાતોરાત ડુંગળી, બટાકા, ટામેટાંના ભાવની જેમ ભારે ઉછાળો આવતો નથી. દૂધના નામે વચેટિયાઓથી લૂંટ ચાલતી નથી એ મુદ્દો પણ ખાસ આજે દેશમાં જે પ્રકારે મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે અને ખુલ્લી લૂંટ ચાલી રહી છે ત્યારે નોંધવો જ રહ્યો.

પણ હમણાં જુલાઈ મહિનામાં ચીન ખાતે પંદર દેશોના વેપારખાતાના પ્રતિનિધિઓની રિજિયોનલ કોમ્પ્રિહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપના નેજા હેઠળ મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન જે મુક્ત વેપારના કરારો થયા તેમાં ન્યુઝીલેન્ડ સાથે તેમના દૂધ ઉત્પાદનોના કુલ નિકાસના 5% આપણા દેશમાં નજીવી ડ્યુટી સાથે આયાત કરવાના કરાર મહત્ત્વના રહ્યા.

આ 5% મીલ્ક પ્રોડક્ટ્સની આયાતની છૂટથી આપણા દેશના ડેરી ઉદ્યોગના કેવા હાલ બેહાલ થાય તે ચિંતાજનક બાબત બની રહે છે.

ન્યુઝીલેન્ડમાં લોકોની જેટલી વસતી છે તેનાં કરતાં વધારે દૂધાળાં ઢોરની વસતી છે અને દૂધ ઉત્પાદનોના 93% તો નિકાસ થાય છે. દૂધ ઉત્પાદનોની નિકાસ ન્યુઝીલેન્ડના અર્થતંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

ચીન ખાતેની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની આ મિટીંગમાં ન્યુઝીલેન્ડના નિકાસકર્તાઓના પેરવીકારોએ એવી રજૂઆત કરી કે આગામી થોડાં વર્ષોમાં ભારતમાં દૂધની તંગી ઊભી થવાની છે. અને તેના માટે થઈ સસ્તા ભાવના દૂધ ઉત્પાદનોની જરૂર ભારતને તાત્કાલિક ઊભી થશે અને તેને લઈ બન્ને દેશો વચ્ચેના મુક્ત વેપારીના કરારને લઈ આ 5% દૂધના ઉત્પાદનોની આયાત, ઓછી ડ્યુટી એ સ્વીકારવી રહી.

અને આપણા અધિકારીઓ એ આ મુદ્દા સાથે સહમત થઈ સ્વીકૃતિ પણ આપી દીધી એ હવે એક હકીકત છે ! જો કે આ વાતને લઈ છેલ્લા બે મહિનાથી દેશના ડેરી ઉદ્યોગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

અમુલના સત્તાધારીઓ તો આ કરારનો કડક વિરોધ કરતા જણાવે છે કે અત્યારે તો ભારતમાં રોજનું દૂધ ઉત્પાદન 48 કરોડ લીટર છે તે વધીને આગામી 2034 સુધીમાં રોજનું 90 કરોડ લીટર સુધી પહોંચવાનું છે.

ન્યુઝીલેન્ડ હમ્મેશાં પોતાના ભાવ ટકાવી રાખવા, દૂધાળાં પશુ આધારિત અર્થતંત્ર ટકાવી રાખવા પ્રયત્નશીલ રહે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધ ઉત્પાદનોના ભાવ નીચે જાય, મંદી આવે ત્યારે આ જ દૂધાળાં પશુઓના માંસ ના ધંધો,બીફ નિકાસ ના ધંધો પર ભાર આપે છે.

અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મીલ્ક પાવડરના ભાવ કિલોના 150થી160 રૂપિયા છે અને આપણા દેશમાં તેના ભાવ 280થી300 રૂપિયા કિલોના છે.

હવે જો ન્યુઝીલેન્ડ થી સસ્તા ભાવે આ મીલ્ક પાવડર દેશમાં 5% પણ ઠલવાય તો દેશમાં દૂધના ભાવમાં શી અસર થાય ? એક અંદાજ પ્રમાણે આપણા અહીં ના દૂધના ભાવમાં 40% કાપ મૂકવો પડે.અને આ 40% ભાવ કાપ તો છેવટે દૂધ ઉત્પાદક ખેડૂતોને જ વેઠવાનો આવે ને ?

એક જમાનામાં જ્યારે અમુલ ડેરીનો વિકાસ થઈ રહ્યો હતો ત્યારે યુરોપના દેશો તેમના સ્થાનિક બજારમાં દૂધ ઉત્પાદનોના ભાવ જળવાઇ રહે તે માટે, દેશમાં વધુ પડતું ઉત્પાદન થઈ ગયું હોય ત્યારે આપણા દેશમાં મફતમાં મીલ્ક પાવડરના પહાડો ખડકી દેતાં ! જો કે સામે શરત એ કરતાં કે આપણે ડેરી ઉદ્યોગની મશીનરી જે તે મફતમાં મીલ્ક પાવડર આપતાં દેશોની જ ખરીદવાની !

અમીર દેશો દ્વારા ગરીબ દેશોનું શોષણ કેવી રીતે થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે !

આ રીતે જ અગાઉ દેશમાં સ્થાનિક દૂધ ઉત્પાદકોને, ડેરી વિકાસના નામે આડકતરો અન્યાય દૂધના ભાવમાં વેઠવાનો આવેલો જ છે.

પરંતુ આજે દેશના ખેડૂતોની હાલત, ગ્રામીણ અર્થતંત્રની હાલત બદતર છે. અને તેવા સમયે જો આવા મુક્ત વેપારની સામે, વિદેશો સામે ઝૂકી જવાની નીતિ કેટલા મોટા પ્રમાણમાં દેશમાં બરબાદી ઊભી કરશે તે વિચારવું પડે એમ છે.

આમ પણ જ્યારે મોંઘવારીને કારણે ઘાસચારાને અમુલદાણના ખર્ચા ખેડૂતોને પોસાતા નથી અને દૂધની આવક તેને લઈ ઘટતી જાય છે ત્યારે આ ભાવ ઘટાડાનો નવો માર ખેડૂતોની કમર તોડી નાખશે એ સ્પષ્ટ વાત છે.

જો કે હજી આ મુક્ત વેપારીના કરાર માત્ર અધિકારીઓએ કરેલાં છે. પાર્લામેન્ટની મંજૂરી પછી જ તે અમલમાં આવે. આપણા ગુજરાતના મુખ્યપ્રધાને આ સંભવિત દૂધ ઉત્પાદનોની આયાતનો વિરોધ કર્યો જ છે.

દેશની મુક્ત બજારની આજની નીતિ અને ગતિ જે દિશામાં વધી રહી છે ત્યારે આ ભયસ્થાન વિશે વ્યાપક ઊહાપોહ સિવાય બીજો કોઈ રસ્તો જનતા પાસે રહ્યો હોય એવું આજની ઘડીએ કંઈ દેખાતું નથી.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 09 ઓકટોબર 2019

Loading

જિજ્ઞા વોરા : ક્રાઈમ રિપોર્ટર જ્યારે ખુદ ક્રિમિનલ બની ગઈ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 October 2019

પત્રકારોનું કામ સમાચાર આપવાનું હોય છે. એવા પત્રકારો બદનસીબ કહેવાય, જે સમાચાર આપતાં-આપતાં ખુદ સમાચાર બની જાય. જિજ્ઞા વોરા મુંબઈની આવી જ એક બદનસીબ પત્રકાર છે, જે અપરાધ જગતના સમાચારોનું રિપોર્ટીંગ કરતી હતી, અને એમાં ખુદ અપરાધી બનીને સમાચાર બની ગઈ! જે અદાલતમાં એ અપરાધીઓના ખટલાઓમાં હાજરી આપતી હતી, તે જ અદાલતમાં તે બીજા અપરાધીઓની માફક કઠેડામાં ઊભી રહેતી હતી. જે જેલમાં પહેલો દિવસ ગુજારનાર ચકચારી લોકોના જિજ્ઞા ઇન્ટરવ્યૂ કરતી હતી, એ જ જેલમાં જિજ્ઞા કેદી હતી. અને જે સાથી પત્રકારો સાથે જિજ્ઞા આ બધા સમાચારો કરવા જતી હતી, આજે એ જ પત્રકારો ‘અપરાધી’ જિજ્ઞાનો ઇન્ટરવ્યૂ કરે છે.

પત્રકાર તરીકે જેલમાં રિપોર્ટીંગ કરવા જવું અને એ જ જેલમાં અપરાધી તરીકે ૮ વર્ષ રહેવું, એ બંને બાબતમાં કેટલો ફર્ક છે, તે મુંબઈની એક સમયની ટોચની આ ક્રાઈમ રિપોર્ટર જિજ્ઞા વોરાને બહુ ખરાબ રીતે યાદ રહી ગયું છે. જે પોલીસ અને પત્રકારો સાથે તમારી ઊઠબેસ હોય, તે જ પોલીસ અને પત્રકારો તમને હત્યા કેસમાં જેલમાં મોકલવામાં ‘મદદ’ કરે, એવું ક્યા પત્રકારને સપનું આવે? જિજ્ઞા એટલે જ ન્યાય તંત્રનો ભરપૂર પાડ માને છે (“મને પોલીસ કે મીડિયા વિષે બોલતાં હજુ ય ડર લાગે છે,” એવું તેણે એક ટીવી ચેનલને કહ્યું હતું). મુંબઈ હાઇકોર્ટની મહેરબાનીથી જ જિજ્ઞા વોરા આજે મુંબઈના સૌથી સનસનીખેજ હત્યા-કેસમાંથી નિર્દોષ મુક્ત થઇ છે. એમાં એને ૮ વર્ષ લાગ્યાં. એ દરમિયાન એ મુંબઈની ભાઈખલા જેલમાં બંધ હતી. જેલનાં એ ૮ વર્ષનાં કારણે જિજ્ઞાની પારિવારિક અને વ્યવસાયિક જિંદગીના બધા અંકોડા વિરવિખેર થઈ ગયા હતા અને આજે એ એક એક ટુકડા ઊઠાવીને જિંદગીને સાંધી રહી છે.

જ્યોતિર્મોય ડે એટલે કે જે.ડે.ના નામથી જાણીતા મુંબઈના સાંધ્ય દૈનિક ‘મિડ-ડે’ના ૫૬ વર્ષીય વરિષ્ઠ ક્રાઈમ પત્રકારની ૧૧ જૂન, ૨૦૧૧ની દિવસે મુંબઈના પવઈ વિસ્તારમાં મોટરસાઈકલ પર આવેલા ૪ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. મુંબઈના અપરાધ જગતમાં એક જાણીતા પત્રકારની હત્યા એ બહુ મોટી ઘટના હતી. એક મહિનાની અંદર મુંબઈ પોલીસે કેસ ઉકેલી નાખ્યાનો દાવો કર્યો. આ હત્યારાઓ માફિયા ડોન રાજન સદાશિવ નિખલજે ઉર્ફે છોટા રાજનના ભાડૂતી હતા.

રાજનને શંકા હતી કે જે.ડે. હરીફ ડોન દાઉદ ઈબ્રાહિમ વતી કામ કરે છે અને સમાચારો લખે છે. રાજને સતીશ કાલિયા નામના લોકલ ગુંડાને જે.ડે.નું કામ સોંપ્યું હતું. કાલિયાએ બીજા છ જણાને રોક્યા હતા. માત્ર કાલિયાને જ ખબર હતી કે જે.ડે. પત્રકાર છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ સાતેની ધરપકડ કરી, પણ એમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો, જ્યારે જાતીય સતામણી કેસોમાં બદનામ મોદી સરકારના એકવારના મંત્રી એમ.જે. અકબરે શરૂ કરેલા અંગ્રેજી સમાચારપત્ર ‘એશિયન એજ’ની ક્રાઈમ પત્રકાર જિજ્ઞા વોરાની ૨૫ નવેમ્બર, ૨૦૧૧ના રોજ ધરપકડ કરવામાં આવી. પોલીસનો દાવો હતો કે જિજ્ઞા રાજનના સંપર્કમાં હતી અને તેણે જ રાજનને જે.ડે.ની મોટરસાઇકલનો નંબર અને ઘરનું એડ્રેસ પૂરું પાડ્યું હતું. જિજ્ઞાને જે.ડે. સામે વ્યવસાયિક દુશ્મની હતી, પોલીસે કારણ આપ્યું.

જિજ્ઞા વોરા ગુજરાતી પરિવારની છે. મુંબઈની ડી.જી. રૂપારેલ કોલેજમાંથી લોમાં ગ્રેજ્યુએટ થઇ હતી અને કે.જે. સોમૈયા કોલેજમાંથી માસ કોમ્યુનિકેશન કર્યું હતું. એની પહેલી નોકરી ‘ફ્રી પ્રેસ જર્નલ’ સમાચારપત્રમાં હતી. તે પતિથી છૂટી પડી હતી અને માતા-પિતા અને દાદા-દાદી સાથે રહેતી હતી. તે ૩૦ વર્ષની હતી અને એક દીકરો હતો. એક ઈન્ટરવ્યુમાં જિજ્ઞા કહે છે, “મારું જીવન એની (દીકરાની) અને એનું જીવન મારી આસપાસ ફરતું હતું. સવારે એ સ્કૂલે જાય. સાડા અગિયારે હું એને લઇ આવું. પછી તૈયાર થઇને કોર્ટમાં જાઉં અને ઓફિસ જઈને સમાચાર લખું. ૯.૩૦ સુધી પછી આવી જાઉં, કારણ કે એ મારા વગર ખાય નહીં. દોસ્તો બનાવવાની ટાઈમ જ ક્યાં હતો? હું ન તો સ્મોક કરતી હતી, ન તો ડ્રીંક કરતી હતી. પાર્ટી પણ કોલેજના દોસ્તો સાથે કરતી. મારું સામાજિક જીવન સીમિત હતું. મીડિયામાં મારા વિષે બહુ આવ્યું. મારે અને જે.ડે.ને અફેર હતો. હું એનાથી પ્રેગ્નન્ટ થઇ હતી અને એણે જવાબદારી લેવાની ના પાડી દીધી હતી. મેં તો એમની સાથે કામ પણ કર્યું ન હતું. મારાથી ૨૦ વર્ષ સિનીયર હતા. શેની હરીફાઈ? હું છ વર્ષમાં સિનિયર પોઝીશન પર પહોંચી એમાં ય એવું લખાયું કે પથારીઓ ગરમ કરીને ઉપર ગઈ છું. તમે એકલા હો અને પ્રગતિ કરી હોય, તો આવું કરીને જ ને. “

જે.ડે.ની હત્યા થઇ ત્યારે જિજ્ઞા સિક્કિમ ફરવા ગઈ હતી. તેનો પણ એવો અર્થ કાઢવામાં આવ્યો કે એને ખબર હતી એટલે જે મુંબઈ બહાર જતી રહી હતી. હત્યાના બે મહિના પછી, ૩૧ ઓક્ટોબરે, મુંબઈને એક ટેબ્લોઈડ સમાચારપત્રમાં આખું પાનું ભરીને ‘સ્ટોરી’ આવી કે એક મહિલા પત્રકાર જે.ડે.ની હત્યામાં સામેલ છે. એમાં જિજ્ઞાનું નામ ન હતું. ૨૫ દિવસ પછી ક્રાઈમ બ્રાન્ચે સંગઠિત અપરાધ રોકવા માટેના જાલિમ મકોકા કાનૂન હેઠળ જિજ્ઞાની ધરપકડ કરી. ત્યારે તે ૩૭ વર્ષની હતી. “હું નિર્દોષ હતી એટલે અતિ-આત્મવિશ્વાસમાં હતી. એમાં જ હું ભરવાઈ ગઈ,” જિજ્ઞા કહે છે.

એને ભાઈખલાની મહિલા જેલમાં મોકલી દેવામાં આવી. નવ મહિના એ આ જેલમાં રહી. પછી સિંગલ માતા હોવાના આધાર પર તેને જામીન મળ્યા. એ દરમિયાન પહેલાં સી.બી.આઈ. કોર્ટ અને પછી ૨૭ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મુંબઈ હાઈ કોર્ટે જિજ્ઞાને નિર્દોષ મુક્ત કરી. પોલીસે રાજન અને જિજ્ઞાના ફોન કોલ્સના આધારે અને મોટરસાઇકલનો નંબર અને ઘરનું એડ્રેસ પહોંચાડ્યાના આધારે જિજ્ઞાની ધરપકડ કરી હતી. પોલીસ કોર્ટમાં આ સાબિત ના કરી શકી. ફોન કોલ્સ અગાઉ એક ઇન્ટરવ્યૂ માટેના હતા. એમાં ક્યાંય જે.ડે.નો ઉલ્લેખ ન હતો. જિજ્ઞાના ઈમેલ અને સીમ કાર્ડ પરથી પણ એ સાબિત ના થયું કે મોટરસાઈકલનો નંબર અને ઘરનું એડ્રેસ જિજ્ઞાને મોકલાવ્યું હતું. દરમિયાનમાં રાજનની પણ ધરપકડ થઇ ચૂકી હતી અને તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેસમાં તેની ઊલટ તપાસ થઈ, તો તેણે પણ જિજ્ઞાની સંડોવણીની કોઈ વાત ના કરી.

પોલીસ અને મીડિયાએ તો એને કાતિલ બનાવી જ દીધી હતી, પણ ન્યાયિક ત્રાજવાના પ્રતાપે જિજ્ઞા વોરા આજે તમામ કલંકમાંથી મુક્ત બનીને જીવી રહી છે, પણ એમાં એનાં આઠ વર્ષ ગયાં છે, જે એની વ્યવસાયિક, માનસિક, પારિવારિક અને સામાજિક જિંદગીને તહસનહસ કરવા કાફી હતાં. જિજ્ઞાએ તેનાં આ આઠ વર્ષ અને ખાસ કરીને ભાઈખલા જેલમાં પસાર કરેલા મહિનાઓ પર એક પુસ્તક પણ લખ્યું છે : બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાઈખલા: માઈ ડેઝ ઇન પ્રિઝન.

આ પુસ્તક માટે મદદ કરનાર અને આ આઠ વર્ષ સુધી જિજ્ઞાની પડખે ઊભા રહેનાર તેના એડિટર હુસેન ઝૈદી કહે છે કે, “ઉત્તમ સ્ટોરીઓ લાવવાની તેની કુનેહમાં વધી પડતો આત્મવિશ્વાસ અને દુનિયા-જખ-મારે-છેનો તેનો સ્વભાવ તેને પત્રકાર જગતમાં અને પોલીસમાં નડી ગયો. છેવટે એમાં જ એનું પતન થયું.” મુંબઈનું ક્રાઈમ રિપોર્ટીંગ પુરુષના પ્રભુત્વવાળું છે. એમાં જિજ્ઞાએ જે સંપર્કો બનાવ્યા હતા, તે ભલભલાને ઈર્ષ્યા અપાવે તેવા હતા. આજે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અપરાધના જગતમાં કેસ તો સોલ્વ થઇ જાય છે, પણ એમાં ઘણા લોકોના જીવનમાં ઘણી બાબતો સોલ્વ થતી નથી. જિજ્ઞા વોરા એમાંથી એક છે. આજે તે તેના પુસ્તકના પ્રમોશન, મેડિટેશન અને નાનાં-મોટાં કામમાં તૂટેલા તેરને સાંધી રહી છે.

જિજ્ઞા વોરા કહે છે, “એ જેલ હતી. એ ભયાનક જ હોય, પણ હું વગર કારણે જેલમાં હતી, તે વાત પચાવવી અઘરી હતી. એ તમામ મહિનાઓમાં એક દિવસ એવો ગયો ન હતો કે હું રડી ના હોઉં. એક દિવસ મારો દીકરો આવ્યો અને બોલ્યો કે તે મારા માટે પ્રાર્થના કરે છે, જેથી હું બહાર આવી જાઉં. એ દિવસે, મેં નક્કી કર્યું કે હું એના માટે થઈને મક્કમ મનની થઈશ. હું માત્ર તેને, મારા માતા-પિતા અને દાદા-દાદીને જ જવાબદેહ હતી. મને જેલમાંથી બહાર આવવાની બીક લગતી હતી કારણ કે હું અંડરવર્લ્ડની સ્ત્રી હતી, હત્યારણ હતી. અને ખબર ન હતી કે મારો પરિવાર તેમની વચ્ચે મારી હાજરીથી કેવી રીતે વર્તશે.”

જેલમાં ય આવું જ હતું ને. જેલના ‘પરિવાર’ને પણ જિજ્ઞાની હાજરી નડી હતી. તેના પુસ્તકમાંથી થોડા અંશ:

“સૂઈ જા ને, રાંડ,” એ બોલી “શું કરવા અમને હેરાન કરે છે?”

મેં ટચલી આંગળી ઊંચી કરીને બાથરૂમ જવું છે, એવું કહ્યું. પેલીએ મોઢું વાંકું કરીને ટોઇલેટ તરફ ઈશારો કર્યો.

પાણી ભરવાનાં ભૂરા રંગનાં ડ્રમની પાછળ ઇન્ટિયન સ્ટાઈલનાં ચાર ગંદા ટોઇલેટ હતાં. મેં શ્વાસ રોકી રાખ્યો. બારણું અડકાડીને હું બેઠી. મારું માથું અને અડધું શરીર બારણા બહાર દેખાતું હતું.

———————————————-

“તું જિજ્ઞા વોરા છે ને?” એણે શુદ્ધ અંગ્રેજીમાં પૂછ્યું.

એનો ટોન સાંભળીને મને ધ્રુજારી છૂટી અને મેં અચકાઈને કહ્યું, “ય-ય-યસ.”

પરોમીતાએ મારી આંખમાં ડોળા ઘાલીને મને માપતી હોય તેમ કહ્યું, “ડોન્ટ વરી. યુ વીલ બી ફાઈન.”

મેં રાહતનો શ્વાસ લીધો. એણે ઊંધા ફરીને બટાકાની કાતરીનું ઉઘાડું પેકેટ ઉપાડ્યું.

“ખા,” એ બોલી.

મને ખચકાટ થયો, પણ એના ડોળા જોઈને મેં એક કાતરી ઉઠાવીને મોઢામાં મૂકી.

“ચા?” એણે પૂછ્યું.

“ના,” મેં કહ્યું.

“ઓકે,” એ બોલી, “જા તારી જગ્યાએ.”

——————————————-

“તું પત્રકાર છે, નહીં?” એણે પૂછ્યું.

મેં માથું હલાવ્યું.

“તેં મર્ડર કર્યું છે?”

“ના,” હું એવી રીતે બોલી જાણે એ બહુ અગત્યનો જવાબ હતો. “ના,” મેં ભાર દઈને કહ્યું.

“મને ખબર છે,” એ બોલી, “તું સારી છું.”

મને ખબર ના પડી હું શું કહું.

“તને ભૂખ લાગી છે?” તેણે પૂછ્યું.

મેં માથું હલાવ્યું. એ મને જોઈ રહી અને ખિસ્સામાંથી સુકાયેલી બ્રેડનો ટુકડો કાઢ્યો.

“ખા,” એ બોલી, “ખાઈ લે.”

 https://www.facebook.com/permalink.php?story_fbid=2387771894884189&id=1379939932334062&__tn__=K-R 

Loading

...102030...2,6592,6602,6612,662...2,6702,6802,690...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved