સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ જે. ચેલમેશ્વર દ્વારા લોકાર્પિત ‘સ્ટેટસ ઓફ પોલીસિંગ ઈન ઈન્ડિયા-૨૦૧૯’ અભ્યાસનો એક મહત્ત્વનો હિસ્સો પોલીસની સ્થિતિ અંગેનો છે. પોલીસનાં જે મનોવલણો, માન્યતાઓ અને વિચારો જોવા મળે છે તથા ફરિયાદી નાગરિકો પ્રત્યેનું તેનું જે અસંવેદનશીલ વર્તન છે તેનાં મૂળમાં પોલીસની સાધનહીન અવસ્થા અને ભારે કાર્યબોજ રહેલાં છે, તેવું આ સર્વેક્ષણથી ફલિત થાય છે.

દેશના ૫૧ ટકા અર્થાત્ દર બીજો પોલીસ ભારે કાર્યબોજ તળે દટાયેલો છે. આદર્શ પોલીસ અધિનિયમ પ્રમાણે તો પોલીસની નોકરી આઠ કલાકની હોવી જોઈએ, પરંતુ ભારતમાં પ્રત્યેક પોલીસકર્મીને સરેરાશ ૧૪ કલાક કામ કરવું પડે છે. ૮ કલાક કામ કરતાં હોય તેવા પોલીસકર્મી દેશમાં માત્ર ૧૩ ટકા જ છે. કુલ પોલીસબળના ચોથા ભાગના (૨૪ %) રોજ ૧૬ કલાક કરતાં વધુ, ૨૦ ટકા ૧૩થી ૧૬ કલાક અને ૩૭ ટકા ૯થી ૧૨ કલાક કામ કરે છે. દેશના અડધા કરતાં વધુ પોલીસને કોઈ ‘વીકલી ઓફ' મળતો નથી. ૧૦માંથી ૮ પોલીસને ઓવરટાઈમ મળતો નથી. નિર્ધારિત કામના કલાકો કરતાં જે વધુ કલાકો પોલીસ કામ કરે છે તે તેની ફરજનો ભાગ મનાય છે.
પોલીસના કામના કલાકોમાંના આ વધારાનું અને કાર્યબોજનું કારણ પર્યાપ્ત માત્રામાં પોલીસનું ન હોવું તે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના માપદંડ પ્રમાણે દર એક લાખ નાગરિકે ૨૨૨ પોલીસ હોવા જોઈએ. અને ભારતમાં દર ૪૫૦ ભારતીયે એક પોલીસ હોવો જોઈએ, પરંતુ ભારતમાં દર એક લાખની વસતીએ ૧૪૪ જ પોલીસ છે. જમ્મુ કશ્મીર, પંજાબ અને પૂર્વોત્તર રાજ્યો સિવાયનાં કોઈ રાજ્યોમાં નક્કી કરેલા માપદંડ પ્રમાણેનું પોલીસબળ નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં દર એક લાખની વસતીએ માત્ર ૮૯ પોલીસ છે. બિહારમાં સૌથી ઓછા એક લાખે ૬૫, આંધ્રમાં ૯૪ અને પશ્ચિમ બંગાળમાં ૯૭ છે. ગુજરાતમાં દર એક લાખની વસતીએ ૧૧૩ એટલે કે યુ.નો.ના માપદંડથી અડધા જ પોલીસ છે. વળી હાલમાં જે પોલીસબળ છે તેમાંથી ચોથા ભાગની જગ્યાઓ ખાલી છે. યુ.પી.માં પોલીસની ૧.૨૯ લાખ, બિહારમાં ૫૦,૨૯૧, પશ્ચિમ બંગાળમાં ૪૮,૯૮૧, તેલંગાણામાં ૩૦,૩૪૫ અને ગુજરાતમાં ૨૧,૦૭૦ જગ્યા ખાલી છે. નિર્ધારિત માપદંડો કરતાં અડધી જ જગ્યાઓ મંજૂર થયેલી હોય, તે પૈકી ચોથા ભાગની ખાલી હોય અને મોટાભાગના પોલીસ સ્ટાફ્ને સતત વી.આઈ.પી. બંદોબસ્તમાં તહેનાત કરેલો હોય કે ગુજરાતમાં તો આઈ.પી.એસ. અધિકારીઓ ઓર્ડર્લી કહેતા પોતાના ઘરકામ માટે સરકારી પગારે પોલીસોને રોકતા હોય ત્યારે પોલીસનો કાર્યબોજ અનેક ગણો વધી જાય છે.
આપણું પોલીસતંત્ર કેવું સાધન સુવિધાવિહોણું છે તે પણ આ અભ્યાસમાં ઉજાગર થયું છે. સર્વેક્ષણ હેઠળના પોલીસથાણામાંથી ૭૦ ટકામાં વાયરલેસ નથી. ૨૨૪ પોલીસ સ્ટેશનમાં ટેલિફોન નથી. ૧૨ ટકામાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. ૧૮ ટકામાં શૌચાલય નથી. ૧૪ ટકામાં ફરિયાદીને બેસવાની વ્યવસ્થા કે જગ્યા નથી. ૨૦ ટકામાં મહિલા પોલીસ માટે અલગ શૌચાલય નથી. ૪૬ ટકા પોલીસની ફરિયાદ છે કે તપાસ માટે જરૂરી હોય ત્યારે વાહન ઉપલબ્ધ હોતું નથી. એટલે ગુનાના સ્થળે સમયસર પહોંચી શકાતું નથી. દર પાંચમાંથી ૩ પોલીસ પરિવારે પોલીસ ક્વાર્ટરની જર્જર હાલતની ફરિયાદો કરી હતી. અલગ મહિલા પોલીસથાણા તો મોટા પ્રમાણમાં નથી. ઘણાં પોલીસથાણાઓમાં એક પણ મહિલા પોલીસ નથી. પોલીસને સ્ટેશનરી ઈત્યાદિની ખરીદી માટે નિયમિત ગ્રાન્ટ મળતી નથી. ૨૩ ટકા પોલીસ સ્ટેશનોમાં કેદીને ખાવાનું આપવાની વ્યવસ્થા નથી. પૂરતા પોલીસ ફોર્સના અભાવે ગુનેગારને કોર્ટમાં સુરક્ષા સાથે ન લઈ જઈ શકવાનું પ્રમાણ ૭૨ ટકા છે. ગુનેગાર માટે વાહનનો અભાવ ધરાવતાં ૬૦ ટકા પોલીસ સ્ટેશન છે.
પોલીસના આધુનિકીકરણની ઘણી વાતો અને બજેટ જોગવાઈઓ થાય છે, પરંતુ હજુ પોલીસ સ્ટેશનોમાં કમ્પ્યૂટર્સ પહોંચ્યાં નથી અને દર પાંચમાંથી ત્રણ કમ્પ્યૂટર કાર્યરત નથી. આધુનિક ટેક્નોલોજીની કમી, તાલીમનો અભાવ, જર્જર સુવિધાઓ અને કાર્યભાર તળે પોલીસતંત્ર ભીંસાયેલું છે. પોલીસને નોકરીના આરંભે તાલીમ મળે છે પરંતુ ઈન સર્વિસ તાલીમનો અભાવ મોટાપાયે છે. બિહાર, આસામ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ અને ગુજરાતમાં દર પાંચમાંથી એક પોલીસકર્મીને ટ્રેનિંગ મળી નથી. માનવ અધિકાર ભંગના ધામ સમા બિહારમાં પોલીસ માટે માનવ અધિકારની કોઈ તાલીમ નથી. ૧૭ ટકા પોલીસ સ્ટેશનોમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ સિસ્ટમ નથી. ૪૨ ટકામાં ફોરેન્સિક ટેક્નોલોજી સંબંધી સગવડો નથી. પશ્ચિમ બંગાળમાં ૩૦ ટકા અને અસમમાં ૨૮ ટકા પોલીસનું કહેવું છે કે તેમને ત્યાં ચાલુ હાલતમાં કમ્પ્યૂટર નથી. સાયબર અપરાધ અને ફોરેન્સિક ટેક્નિકની તાલીમ બહુ ઓછા પોલીસ ધરાવે છે.
બ્યૂરો ઓફ પુલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો એક અહેવાલ પણ પૂરતા પોલીસ ફોર્સ અને સાધન-સુવિધાના અભાવે અપરાધ પર લગામ લગાવી શકાતી ન હોવાનું અને ગુના વધતા હોવાનું સ્વીકારે છે. રોજિંદાં કામો અને તપાસ માટે પાયાની સગવડોના અભાવે પણ પોલીસતંત્ર કાર્યક્ષમ રીતે કામ કરી શકતું નથી. ચારમાંથી ત્રણ પોલીસ જણાવે છે કે કાર્યબોજને કારણે કામ કરવું મુશ્કેલ છે. ૭૨ ટકા પોલીસકર્મી તેમના કામમાં રાજકીય દબાણ આવતું હોવાનું કબૂલે છે. આ બધાની અસર તેમના કામ પર તો પડે જ છે. શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.
પોલીસમાં જોડાનાર મોટા ભાગની વ્યક્તિઓને આપણે દેશભક્ત માનીએ છીએ, પરંતુ આ અભ્યાસનું સૌથી ચોંકાવનારું તારણ એ છે કે ૩૭ ટકા પોલીસ એમ કહે છે કે જો તેમને આજે મળે છે તેટલો પગાર અને સગવડો મળે તો તેઓ પોલીસની નોકરી છોડી દેવા માંગે છે. આ બાબત દર્શાવે છે કે પોલીસ પોતાની નોકરીથી કેટલો ત્રસ્ત છે અને સરકારો આ બાબતે કેટલી બેફ્કિર છે.
આ અભ્યાસમાં જે પોલીસનાં મનોવલણો અને સ્થિતિ વ્યક્ત થયાં છે તે આપણે આ દિશામાં કેટલાં પછાત છીએ તે દર્શાવે છે. વ્યાપક પોલીસ સુધાર અને સંપૂર્ણ આધુનિક સુવિધાઓ સાથેનું કાર્યબોજથી મુક્ત પોલીસતંત્ર જ એકમાત્ર ઉકેલ છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 23 ઑક્ટોબર 2019
![]()










અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છેઃ રિઇન્વેન્ટિંગ ધ વ્હીલ. એટલે કે શોધાઈ ચૂકેલું ફરી ફરી શોધવું. ઇતિહાસમાં, સમાજમાં, સાહિત્યમાં ઘણી વાર નવા જ્ઞાનના સર્જનની સાથે, અગાઉ શોધાઈ કે લખાઈ ચૂકેલું પણ વખતોવખત યાદ કરવું જરૂરી બને છે. ગુજરાતના પ્રથમ હરોળના સર્જક અને જાહેરજીવન-રાજનીતિમાં પણ એટલો ઊંડો રસ લેનારા, ‘લોકભારતી’ ખ્યાત મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં લખાણ વાંચતાં એ લાગણી મનમાં તાજી થાય. તેમની બહુ વખણાયેલી નવલકથાઓ ઉપરાંત નાગરિક સમાજ, લોકશાહી અને શાસનકર્તાઓની સરળ સમજ માટે તેમનાં લખાણ પાયારૂપ બને એમ છે. ભલે તે જુદા સમયમાં લખાયાં હોય.
મેકિયાવેલીનું વિશ્લેષણ સચોટ હોવા છતાં, તેનો ઉપયોગ પ્રજાને નાગરિક તરીકે ઘડવા માટે નહીં, પ્રજાની નબળાઈનો ગેરલાભ ઉઠાવીને રાજ્ય ટકાવી રાખવા માટે થયો. ગુજરાતીમાં હિટલરની આત્મકથાની જેમ મેકિયાવેલીનાં લખાણો માટે પણ વિવેકવિહોણું મનોરુગ્ણ આકર્ષણ જોવા મળે છે. તેનાથી બચીને ‘દર્શકે’ મેકિયાવેલીનાં લખાણોથી થયેલા નુકસાન વિશે ટીકા કરી હતી. લોકશાહી સંદર્ભે તેમનું બીજું પ્રિયપાત્ર હતું સોક્રેટિસ. ગ્રીસમાં એથેન્સમાં થયેલા સીધી લોકશાહીના પ્રયોગમાં સોક્રેટિસનું વિશેષ મહત્ત્વ છે. અન્યાયી કાયદાની નજરમાં ગુનેગાર ઠર્યા પછી મૃત્યુદંડની સજા તરીકે હસતા મોઢે ઝેર પીનાર સોક્રેટિસનું શું સ્વપ્ન હતું? ‘દર્શકે’ લખ્યું, ‘સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાંશાહીમાં, ઘેટાંશાહીમાં, લાંચરુશવતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો … બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી. તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’
સોક્રેટિસના જમાનામાં ગ્રીસમાં સોફ્સ્ટિો હતા, જેમના વર્તમાન અવતારો આજુબાજુ નજર નાખતાં સહેલાઈથી મળી આવશે. તેમના વિશે ‘દર્શકે’ લખ્યું હતું, સોક્રેટિસના સમયમાં પણ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી વક્તાઓ હતા. તે સોફ્સ્ટિો કહેવાતા. સોક્રેટિસે તેમની જોડે ચર્ચા કર્યા પછી નિર્ણય બાંધેલો કે આ સોફ્સ્ટિો બુદ્ધિની વારવનિતાઓ છે. બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફ્સ્ટિ. લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ – આ બધું સોફ્સ્ટિો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય. લોકશાહીમાં સોફ્સ્ટિો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે.