મહેન્દ્ર મેઘાણી
ભાવનગરનો 'લોકમિલાપ' પુસ્તકભંડાર 26મી જાન્યુઆરીથી બંધ થાય છે એ મતલબની પોસ્ટ તેના સંચાલક ગોપાલભાઈ મેઘાણીએ 17મી નવેમ્બરે બપોરે મૂકી ત્યારે નગરના અને ગુજરાતના પુસ્તકચાહકો જાણે એક ધબકારો ચૂકી ગયા.
આ પોસ્ટના પ્રતિભાવમાં સોશિયલ મીડિયામાં જે લખાયું છે તેમાંથી સમજાય છે કે સૌરાષ્ટ્રના નાના સંસ્કારનગર ભાવેણાના સેંકડો પુસ્તકરસિકોને આ પુસ્તકભંડાર સાથે ગાઢ લાગણીનો સંબંધ હતો.
'લોકમિલાપ'ની પુસ્તકમેળાની પરંપરા
લોકમિલાપનો એક પુસ્તક મેળો
અત્યારે વીસેક વર્ષની ઉંમરની નવી પેઢી માટે 'લોકમિલાપ' ગુજરાતી ભાષાનાં ઉત્તમ પુસ્તકો અને સંગીતની ચૂંટેલી સી.ડી. પૂરા પાડનાર 'કૂલ બુકશૉપ' હતી.
પણ તે પહેલાંની અરધી સદી જેમણે જોઈ હોય તે સહુ પુસ્તકરસિયાઓ માટે 'લોકમિલાપ' એટલે ભાવવિશ્વનો એક સમૃદ્ધ હિસ્સો.
તેમના માટે લોકમિલાપ એટલે પુસ્તકભંડાર વત્તા તેની સમાંતરે ચાલેલી એ જ નામની પ્રકાશન સંસ્થા.
કેટલા ય વાચકોનાં કિતાબી દુનિયામાં પગરણ કિશોરવયમાં 'લોકમિલાપ'ની મુલાકાતોથી કે કૉલેજનાં વર્ષોમાં ત્યાંથી કરેલી પુસ્તકોની ખરીદીથી થયાં હતાં.
'લોકમિલાપે' ગયાં સિત્તેર વર્ષમાં લાખો વાચકોને સત્ત્વપૂર્ણ સાહિત્ય ઘણી ઓછી કિંમતે પૂરું પાડ્યું. તદુપરાંત તેણે ઘરઆંગણે અને દેશવિદેશમાં પુસ્તકમેળા કર્યા.
પુસ્તકમેળો શબ્દ મહેન્દ્રભાઈને કારણે લોકજીભે ચઢ્યો. ભાવનગરના તેના વાર્ષિક પુસ્તકમેળાની તો આખા ય પંથકના લોકો રાહ જોતા અને મેળાના દિવસો જાણે અવસર બની જતા!
લોકમિલાપે 'ફિલ્મ મિલાપ' નામના ઉપક્રમ હેઠળ વર્ષો લગી ભાવનગરનાં બાળકોને મોટા પડદે નજીવા દરની ટિકિટમાં સુંદર ફિલ્મો બતાવી.
ગુજરાતી વાચકો માટે 1950થી ઓગણત્રીસ વર્ષ સુધી 'મિલાપ'નામનું વાચન-સમૃદ્ધ માસિક ચલાવ્યું.
'લોકમિલાપ'ના પાયામાં 'ગ્રંથનો ગાંધી'
લોકમિલાપ
'મિલાપ' તે 'લોકમિલાપ'નું પ્રારંભબિંદુ. તેના સ્થાપક-સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં 'ગ્રંથના ગાંધી' બિરુદ પામ્યા છે અને અત્યારે 96 વર્ષની ઉંમરે પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત છે.
મહેન્દ્રભાઈ 'લોકમિલાપ'નો પર્યાય છે એટલે ગયા સાત દાયકા દરમિયાન 'લોકમિલાપે' બહાર પાડેલાં બસો કરતાં ય વધુ પુસ્તકોનાં નિર્માણની કામગીરી લગભગ સંપૂર્ણપણે મહેન્દ્રભાઈના શબ્દકર્મને આભારી છે.
પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરવા માટેની સામગ્રીની પસંદગી તેમ જ તેની મઠારણીથી શરૂ કરીને પુસ્તક એક પણ ભૂલ વિના છપાય, બંધાય, ટપાલી કે દુકાનદાર થકી સમયસર તે વાચકના હાથમાં અને ત્યાંથી સોંસરું તેના હૈયામાં પહોંચે ત્યાં લગીની આખી ય સાંકળની દરેક કડીમાં 'શબદના સોદાગર' મહેન્દ્ર મેઘાણીની મંજાયેલી સમજ અને સખત મહેનત છે.
પોણી સદીથી તેમણે પુસ્તકો તેમ જ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નીવડેલા સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન-પ્રસારનું જે કામ કર્યું છે તે લોકોત્તર છે.
તેમાં ન્યોછાવરી કે ત્યાગનો દાવો તેમણે ક્યારે ય કર્યો નથી. પણ ટૉલ્સ્ટૉય-ગાંધી પ્રણિત 'બ્રેડ-લેબર' એટલે કે ઇમાનદારીપૂર્વકના સખત સતત ઉત્પાદક પરિશ્રમ દ્વારા વધુ સારી દુનિયા બનાવવાની કોશિશની વાત જરૂર કરી છે.
પુસ્તકોથી ક્રાંતિનો વિચાર
વચ્ચે મહેન્દ્ર મેઘાણી. બેઠેલાં મંજરીબહેન (જમણે) અને અંજુબહેન (ડાબે). ઊભેલા ગોપાલભાઈ (ડાબે) અને અબુલભાઈ (જમણે)
'ઇતિહાસમાં બૅલટ કે બુલેટથી ક્રાન્તિઓ આવી હશે, 'લોકમિલાપ' બુક્સથી ક્રાન્તિ લાવવા ધારે છે', એવું મહેન્દ્રભાઈનું જાણીતું કથન છે.
મહેન્દ્રભાઈને વિશ્વાસ છે કે લોકો પુસ્તકો વાંચે તો બદલાવ આવે. પણ લોકો પુસ્તકો વાંચતાં નથી એની તેમને ખબર છે.
એટલે લોકો જે કારણસર પુસ્તકો વાંચતાં નથી તે બધાં કારણોનું તેમણે લોકમિલાપ પ્રકાશન થકી નિવારણ કર્યું. લોકોને લાંબાં લખાણો વાંચવાનો સમય નથી એટલે તેમણે ટૂંકાં લખાણો આપ્યાં.
પુસ્તકો મૂકવા માટે જગ્યા નથી, તો મહેન્દ્રભાઈએ નાનાં કદનાં છેક ખિસ્સામાં સમાઈ જાય એવડાંક પુસ્તકો ય બનાવ્યાં.
લોકો કહે છે કે 'વાંચવાનું અઘરું પડે છે', મહેન્દ્રભાઈએ કહ્યું કે 'લો સરળ સોંસરું વાંચન'.
લોકોએ કહ્યું કે રસ નથી પડતો, મહેન્દ્રભાઈએ કહ્યું કે 'લેખકો કંઈ બધું કંટાળાજનક નથી લખતાં, લો હું તમારા માટે એકદમ સરસ લખાણો વીણી લાવ્યો છું'.
'પુણ્યનો વેપાર'
આપણા દેશમાં કરોડો લોકોને ખરેખર પુસ્તકો પોષાતાં નથી એ જાણનાર મહેન્દ્રભાઈએ પુસ્તકપ્રકાશક તરીકે કરકરસર અને સાદગીભર્યું જીવન સ્વીકારીને વાચકોને ઓછી કિંમતે પુસ્તકો પૂરાં પાડ્યાં.
આ આખી ય વ્યવસ્થાને મહેન્દ્રભાઈ 'પુણ્યનો વેપાર' કહે છે. તેનાં રૂડાં ફળ ગુજરાતને મળ્યાં છે.
વાંચવામાં રસ ધરાવતાં ગુજરાતનાં લગભગ દરેક સ્ત્રી-પુરુષ પાસે લોકમિલાપનાં પુસ્તકો છે.
મહેન્દ્રભાઈ મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનાં સંતાનોમાંના એક. ભાવનગર અને મુંબઈની શાળાઓમાં ભણીને અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજ 1942માં અધવચ્ચે છોડીને પિતાની લેખનની અને પત્રકારત્વની પ્રવૃત્તિમાં સાથી બન્યા.
1948માં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયા. ત્યાંથી ગુજરાતી દૈનિક 'નૂતન ગુજરાત' માટે નિયમિત લખાણો મોકલતાં.
1950માં મુંબઈ પાછા આવીને કોઈ પણ ભારતીય ભાષામાં કદાચ પહેલવહેલું કહી શકાય તેવું 'રિડર્સ ડાયજેસ્ટ' ઢબનું 'મિલાપ' શરૂ કર્યું.
તેમાં ઓગણત્રીસ વર્ષ લગી વિવિધ સામયિકોમાંથી સુંદર સામગ્રી વીણીવીણીને અનુવાદ કરીને, ટૂંકાવીને, માવજત કરીને ગુજરાતી વાચકોને પૂરી પાડી.
બિનધંધાકારી સંસ્થાની શરૂઆત
મહેન્દ્રભાઈ 1951માં મુંબઈથી ભાવનગર આવ્યા અને 1954માં 'લોકમિલાપ કાર્યાલય' શરૂ કરી તેના પુસ્તકભંડાર દ્વારા પુસ્તકોનાં પ્રકાશન અને વેચાણનાં મંડાણ કર્યાં.
ભણતરનું પ્રમાણ ઓછું હોય તેવા જમાનામાં ઓછી વસતિવાળા એક કસબામાં પુસ્તકોનો વ્યવસાય શરૂ કરવામાં ધંધાકીય સાહસવૃત્તિ ઉપરાંત પુસ્તક અને વાચનમાં આદર્શવાદી શ્રદ્ધા પણ હતી.
લોકમિલાપે આરંભે ઝવેરચંદ મેઘાણીનાં ઇતિહાસપુસ્તકો અને તેમની કિશોરકથાઓ તેમ જ કુમારવયના વાચકો માટે પોતે અંગ્રેજીમાંથી અનુવાદ કરેલી સાહસકથાઓ 'કોન-ટિકિ', 'તિબેટની ભીતરમાં' અને 'ભાઈબંધ' જેવાં પુસ્તકો બહાર પાડ્યાં.
1968માં 'લોકમિલાપ કાર્યાલય'નું 'લોકમિલાપ ટ્રસ્ટ'માં રૂપાંતર કરીને તેને સારાં પુસ્તકોના પ્રચાર અને બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા માટેની બિનધંધાદારી સંસ્થા બનાવી.
લોકમિલાપ પુસ્તકભંડારની સુવાસ ફેલાતી ગઈ. તેમાં મૂકવામાં આવતાં પુસ્તકોની પસંદગી, ગ્રાહક માટેની કદરબૂજ, સંચાલકોની સહજ સંસ્કારિતા અને એકંદર આહ્લાદક વાતાવરણને કારણે લોકમિલાપ વાચકો માટે મિલનસ્થાન, વાચનસ્થાન, પુસ્તકતીર્થ બનતું ગયું.
તેમાં મહેન્દ્રભાઈ સાથે જુદા-જુદા તબક્કે વત્તા-ઓછા સમયગાળા માટે તેમના ભાઈઓ નાનક અને જયંત તેમ જ દીકરો ગોપાલ અને દીકરી મંજરી જોડાઈને લગનથી કામ કરતાં રહ્યાં (નાનક, જયંત અને મંજરીએ પછી પોતપોતાનાં પુસ્તકભંડાર પણ કર્યા).
મહેન્દ્રભાઈએ વીસેક વર્ષ પહેલાં 'લોકમિલાપ' પુસ્તકભંડારનાં રોજબરોજના કામમાંથી નિવૃત્તિ લીધી પછી પુસ્તકભંડારની બહોળી જવાબદારી અત્યારે 65 વર્ષના ગોપાલભાઈ અને તેમનાથી એક જ વર્ષ નાનાં તેમનાં પત્ની રાજુ(રાજશ્રી)બહેન સંપૂર્ણ સમર્પિત ભાવે ભારે ખંત અને ચોકસાઈથી નિભાવી છે.
સસ્તાદરે સાહિત્યનો ઉદ્દેશ
એક સમયે અરવિંદભાઈ શુક્લ અને વલ્લભભાઈ ચિખલિયા 'લોકમિલાપ'ના યાદગાર કર્મચારીઓ હતા. વર્ષો સુધી પુસ્તકભંડારની બહાર રોજનો એક સુવિચાર વાંચવા મળતો.
કાળા પાટિયા પર ચૉકથી સુંદર અક્ષરોમાં લખવામાં આવતું અવતરણ ભાવેણાવાસીઓનું એક સંભારણું છે.
એ દૈનિક સુવિચાર અને નવાં પુસ્તકોની સાપ્તાહિક યાદી ખૂબ નિષ્ઠાવાન કર્મચારી વલ્લભભાઈ લખતા.
પુસ્તકોનાં વેચાણમાંથી ધોરણસરની આવક થતી ગઈ એટલે સમાજ માટે ઘસાઈને ઊજળા થવામાં માનનાર મહેન્દ્રભાઈએ 'નહીં નફો નહીં નુકસાન'નાં ધોરણે ઉત્તમ સાહિત્ય સસ્તા દરે લોકોને પૂરું પાડવા માટે જાણે ઝુંબેશ હાથ ધરી.
ગુજરાતી સાહિત્યકૃતિઓની ઓછી કિંમતની આવૃત્તિઓ લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી વિક્રમો સર્જ્યા. વળી, આ પ્રકાશનોમાં આગોતરા ગ્રાહક નોંધાતા હોવાથી, પ્રકાશન પહેલાં જ તમામ નકલો ખલાસ થઈ જતી!
'લોકમિલાપે' ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જયંતી નિમિત્તે 1972માં મેઘાણી સાહિત્યનાં ત્રણ પુસ્તકોનો સંપુટ 'કસુંબીનો રંગ' નામે પ્રકટ કર્યો, જેની એક લાખથીય વધુ નકલોની આગોતરી નોંધાઈ.
'લોકમિલાપ'નાં યાદગાર પ્રકાશનો
પછીના વર્ષે 'આપણો સાહિત્યવારસો' શ્રેણી હેઠળ પાંચ-પાંચ પુસ્તકોના ચાર સંપુટો ગ્રાહકો નોંધી પ્રકટ કર્યા, જેમાં વિવિધ લેખકોની કૃતિઓને ટૂંકાવીને લોકો સામે મૂકી.
તેની સવા બે લાખ નકલો વાચકોએ વસાવી હતી. 'વારસો'માં અનેક સર્જકો આવરી લેવાયા.
કેટલાંક નામ આ મુજબ : કવિઓ – કલાપી, કૃષ્ણલાલ શ્રીધરાણી, નાન્હાલાલ, પ્રહ્લાદ પારેખ, સુંદરમ; વાર્તાકારો – ગિજુભાઈ બધેકા, દ્વિરેફ, ધૂમકેતુ, શરદચન્દ્ર, ટૉલ્સ્ટૉય; નવલકથાકારોમાં ઇશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, ર.વ. દેસાઈ; ગદ્યકારોમાં કાકા કાલેલકર, ચંદ્રવદન મહેતા, જ્યોતીન્દ્ર દવે, રસિકલાલ ઝવેરી.
આ બધા સંપુટોની ખાસિયત એ હતી કે ભૂલો વિના, ખૂબ સુઘડ રીતે છપાયેલાં, સાદગીભરી સુંદરતાવાળાં મુખપૃષ્ઠો સાથેનાં, સાતસોથી નવસો પાનાંનું વાચન વધુમાં વધુ દસથી બાર રૂપિયામાં મળી રહેતું.
એ જ ક્રમમાં લોકમિલાપે ઝવેરચંદ મેઘાણીની છ નવલકથાઓ સમાવતાં ત્રણ પુસ્તકોના, રવીન્દ્રનાથના સાહિત્યવારસાનાં છ પુસ્તકોના અને ત્રણ ગુજરાતી વાર્તાકારોના સંપુટ પણ સસ્તાદરે બહાર પાડ્યા.
સ્વામી આનંદનાં ચૂંટેલાં લખાણોનો સંચય 'ધરતીની આરતી', ચારુચન્દ્ર ચક્રવર્તી 'જરાસંધ'ની નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત નવલકથા 'ઊજળા પડછાયા કાળી ભોંય' જેવાં પુસ્તકો પણ નોંધી શકાય.
પાંચ ગુજરાતી ચરિત્રગ્રંથોને ટૂંકાવીને મહેન્દ્રભાઈ તૈયાર કરેલાં 'ચંદનનાં ઝાડ' નામનાં છણ્ણું પાનાંના પાંચ રૂપિયાના (જેની બજાર કિંમત 13 રૂપિયા થાય) પુસ્તકનો એક લાખ નકલોનો પ્રિન્ટ ઑર્ડર 'લોકમિલાપે' આપ્યો હતો.
કિશોરો માટેની વાર્તાઓના અને બાળકો માટેની ચિત્રકથાઓના સંપુટો પણ બહાર પડ્યા. બે નોખાં પુસ્તકોનો ઉલ્લેખ કરવો જોઈએ.
'ચાલો બાળ ફિલ્મો બનાવીએ' અને 'લોક-ગંગા : ભારત-પાક સંઘર્ષ' (1966). આ બીજાં પુસ્તકમાં 1965ના ઉત્તરાર્ધમાં થયેલા સંઘર્ષ અંગે ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં આવેલા પંચોતેર જેટલા ચર્ચાપત્રોનો સંચય છે.
ખીસાપોથીઓથી કવિતાઓ ઘરે-ઘરે પહોંચાડી
'કાવ્ય-કોડિયાં'નું પ્રકાશન એ તો 'લોકમિલાપ'નું એવું કામ કે જેનો આટલાં વર્ષોમાં ભાગ્યે જ કોઈ સમાંતર જડે. 'કાવ્ય-કોડિયાં' એ કવિતાની રૂપકડી ખીસાપોથીઓ અર્થાત્ પૉકેટ-બુક્સ હતી.
સરેરાશ સિત્તેર પાનાંની એક ખીસાપોથીમાં એક કવિની કવિતાઓ, અને દસ ખીસાપોથીઓનો એક સંપુટ જેનું સંપાદન એક અગ્રણી સાહિત્યકારે કર્યું હોય.
એક સંપુટની કિંમત બારથી પંદર રૂપિયાની વચ્ચે. આઠમા આખા દાયકામાં ગુજરાતી કવિતાઓ ઘરે-ઘરે પહોંચી તે ખીસાપોથીઓ થકી.
ખીસાપોથીઓની સાથે વળી ચાર ઇંચ x અઢી ઇંચનાં કદની ટચૂકડી કાવ્યકણિકાઓની લઘુખીસાપોથીઓ કરી.
આવી ચાળીસ પાનાંની દરેકમાં એક કવિની સો નાની પંક્તિઓ દસ કવિઓનો એક એવા ત્રણ સંપુટ, એક સંપુટની કિંમત પાંચ રૂપિયા.
ઘાટ-ઘડામણમાં થોડા ફેરફાર સાથે ખીસાપોથીઓની હારમાળા પછીનાં વર્ષોમાં, છેક હમણાં 2011 સુધી ચાલુ રહી.
અનેક પ્રકારનાં લખાણો પરની ખીસાપોથીઓ આવી. શરૂઆતમાં 'મેઘાણીની કિશોરકથાઓ' અને 'દાદાજીની વાતો' આવી.
પછી કિશોરીઓને મનોશારીરિક રીતે નાજુક વયમાં વાત્સલ્યમય સલાહ આપતી ખૂબ લોકપ્રિય 'મુગ્ધાવસ્થાને ઉંબરે' અને નાનાભાઈ ભટ્ટનાં જીવનમાંથી શિક્ષણની સ્વાયત્તતાનો પ્રેરણાદાયી પ્રસંગ કહેતી 'શિંગડાં માંડતાં શીખવશું' ખીસાપોથીઓ આવી.
અનેક પુસ્તકોનાં સંક્ષેપ ખીસાપોથી તરીકે આવ્યા : અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર, દર્શકનું 'મારી વાચનકથા', કાકાસાહેબનું 'ઓતરાદી દીવાલો' જયંત પાઠકનું 'વનાંચલ', ગ્રામસેવક બબલભાઈ મહેતાનું 'મારી જીવનયાત્રા' અને ગુજરાતનાં પહેલાં નર્સ કાશીબહેન મહેતાનું 'મારી અભિનવ દીક્ષા', જાપાની શિક્ષક સેઈક્યો મુચાકોનું 'ઇકોઝ ફ્રૉમ અ માઉન્ટેઇન સ્કૂલ' (પહાડી નિશાળના પડઘા) અને અન્ય.
અવતરણો, વિચારમૌક્તિકો, કાવ્યકંડિકાઓને ટુચકાની પણ ખીસાપોથીઓ કે તેનાથી થોડાં મોટાં કદની પુસ્તિકાઓ બની. તે બંનેની સંખ્યા પચાસે પહોંચી શકે.
કિંમત અચૂકપણે દસ રૂપિયાથી ઓછી હોય, છેક 2016-17માં પણ! ગયાં દસેક વર્ષમાં પંદર લાખ ખીસાપોથીઓ ગુજરાતી વાચનારા લોકોનાં ખીસાંમાં ગઈ છે!
મહેન્દ્ર મેઘાણીની 'વાચનયાત્રા'
લોકમિલાપ એક મોટું મોજું હજારો ઘરો અને ગ્રંથાલયોમાં પહોંચ્યું તે 2003થી ચાર વર્ષ દરમિયાન બહાર પડતાં રહેલાં 'અરધી સદીની વાચનયાત્રા'ના ચાર ભાગ થકી.
પાંચસો જેટલાં પાનાંના દરેક ભાગની કિંમત પંચોતેર રૂપિયા, જેનો બજાર ભાવ ચારસો રૂપિયા હોય. દસ નકલોના પાચસો રૂપિયા.
દરેક પુસ્તકમાં એક કે બે પાનાંનાં ઉમદા લખાણો. એ વર્ષોમાં જ્યાં-જ્યાં પુસ્તકો હોય ત્યાં 'અરધી સદી'નો કોઈ ને કોઈ ભાગ હોય જ.
તેને સમાંતરે 'રોજેરોજની વાચનયાત્રા'ના પાંચ ભાગ આવ્યા જેમાં સાઠ દિવસ સુધી રોજનું એક પાનું વંચાય એવી રીતે દરરોજનું પાંચ મિનિટનું વાચન આપવામાં આવ્યું.
'વાચનયાત્રા' પછીનાં તરતનાં વર્ષે મહેન્દ્રભાઈએ તેમના આજીવન આરાધ્ય મહાત્મા ગાંધી વિશેનાં લખાણોનાં બે સંચયો 'ગાંધી-ગંગા' (2007) નામે આપ્યા.
અલબત્ત, આ પહેલાંનાં પચાસ વર્ષમાં લોકમિલાપે રાષ્ટ્રપિતા વિશેનાં મધ્યમ તેમ જ નાનાં અનેક પુસ્તકો કર્યાં જ હતાં.
'ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં'
વળી, 2009 માં 'લોકમિલાપે' 'ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં' નામનું પુસ્તક આપ્યું.
તેમાં મહેન્દ્રભાઈએ ગાંધીજીનાં બે પુસ્તકો એટલે કે આત્મકથા અને 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' માંથી સંકલન અને સંક્ષેપ કર્યાં છે.
કુલ સવા બે લાખ શબ્દોનાં બંને પુસ્તકોને તેમણે 58,000 શબ્દોમાં મૂક્યાં છે.
પાકા પૂંઠાનાં 185 પાનાંના આ પુસ્તકની 'લોકમિલાપે' જુદી-જુદી સવલતો હેઠળ ચાળીસથી દસ રૂપિયા જેટલી કિંમત રાખી હતી.
આ પુસ્તકની મહેન્દ્રભાઈએ કરેલી અંગ્રેજી આવૃત્તિ નવજીવન ટ્રસ્ટે બહાર પાડી છે.
એ વખતે દીકરીને ત્યાં અમેરિકા ગયેલા મહેન્દ્રભાઈએ એ પુસ્તક એ વખતના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને પણ આપવા માગતા હતા!
ગાંધીજી પરના એક પુસ્તકના મહેન્દ્રભાઈએ 'આંસુ લૂછવા જાઉં છું…' નામે કરેલા બેનમૂન સંપાદનને પણ યાદ કરવું રહ્યું.
આ પુસ્તકમાં પ્યારેલાલ નૈયરના અંગ્રેજી પુસ્તક 'ગાંધી : ધ લાસ્ટ ફેઝ'ના મણિલાલ દેસાઈએ 'પૂર્ણાહુતિ' નામે કરેલા અનુવાદના ત્રીજા ભાગનાં છસો પાનાંને દોઢસો પાનાંમાં સારવીને મૂક્યો છે.
2002નાં રમખાણો વખતે…
2002ના ગુજરાત રમખાણની એક તસવીર
પ્યારેલાલે તેમના પુસ્તકના આ ભાગમાં ગાંધીજીએ જીવનના આખરી પંદર મહિનામાં કોમી દાવાનળ ઠારવા માટે એકલવીર બનીને આત્મબળથી ચલાવેલાં શાંતિ-મિશનનું બયાન આપ્યું છે.
મહેન્દ્રભાઈએ આ પુસ્તક ગુજરાતમાં 2002માં ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલાં રમખાણોમાં સાહિત્યના કર્મશીલની ભૂમિકાથી માત્ર બે જ મહિનામાં તૈયાર કર્યું.
તેની પ્રસ્તુતતા વિશે મહેન્દ્રભાઈએ કહ્યું છે, "તેમાં ગુજરાતનું નામ દીધા વિના ગુજરાતની પરિસ્થિતિનું વર્ણન અને ઉકેલ ગાંધીજીએ બતાવ્યાં છે."
મહેન્દ્રભાઈની રાજકીય સંપ્રજ્ઞતા અને સેક્યુલર માનવતાવાદી મૂલ્યો 'મિલાપ' અને 'અરધી સદી'ની સામગ્રી પસંદગીમાં ડોકાતી રહી છે.
તે પ્રકાશનમાં બિલકુલ સીધી રીતે આવી તે 'સૌને માટે રાજકરણનું જ્ઞાન' નામે લોકમિલાપે બહાર પાડેલી ખીસાપોથીમાં.
તે 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વેના મહિનાઓમાં વિનામૂલ્યે વહેંચવામાં આવી હતી. યુવા મતદારોની કેળવણી માટે રાજકીય સમજ કેળવવાં ધારતાં લખાણો તેમાં સમાવવામાં આવ્યાં છે.
ડિજિટલ મીડિયાને કારણે વાચનમાં આવેલી ભારે ઓટની વચ્ચે પણ 'લોકમિલાપ'નાં પ્રકાશનો પ્રકટ થતાં જ રહ્યાં.
મેઘાણીનાં લોકસાહિત્ય પરનાં લખાણો પરથી 'લોકસાહિત્યની વાચનયાત્રા'(2008)નાં સાઠ પાનાંનાં એક એવાં ચાર બહુ વાચનીય સંપાદનો આવ્યાં.
1978માં સંકેલી લીધેલા પેલા 'મિલાપ'નો ખજાનો 'અરધી સદી'નાં હજારો પાનાં પછી પણ ખૂટતો ન હતો.
'સાત વિચારયાત્રા'
એટલે તેમાંથી 'મિલાપની વાચનયાત્રા' (2013) નામે સરેરાશ દોઢસો પાનાંનાં એક એવાં પાંચ પુસ્તકો કર્યાં જેમાંથી દરેકની બબ્બે હજાર નકલો છાપી.
એ જ વર્ષે બેતાળીસ પાનાંની 'સાત વિચારયાત્રા'માં ગુજરાતના સાત ચિંતકોનાં લખાણો એકઠાં કર્યાં.
ચિંતકો આ મુજબ છે : ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, ગિજુભાઈ બધેકા, ગુણવંત શાહ, ફાધર વાલેસ, મનુભાઈ પંચોળી અને વિનોબા ભાવે.
'અંતિમ વાચનયાત્રા' તરીકે મહેન્દ્રભાઈએ સંપાદિત કરેલ પાંચસો પાનાંનું 'ચરિત્રસંકીર્તન' પુસ્તક બરાબર ત્રણ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયું.
તેમાં 'અરધી સદી'ના બધા ભાગમાંથી ચૂંટેલાં 'સરસ માણસો' વિશેના દોઢસોથી વધુ ચરિત્રલેખો, રેખાચિત્રો અને જીવનપ્રસંગો વાંચવા મળે છે.
સવા ચારસો પાનાનું આ પુસ્તક 'સંસ્કાર સાહિત્ય મંદિરે' કર્યું છે, લોકમિલાપે નહીં.
લોકમિલાપે ઘણું કરીને છેલ્લા પ્રકાશન તરીકે 2015માં 'ઝવેરચંદ મેઘાણીની વિચારકણિકા અને ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ' નામની ત્રીસ પાનાંની પુસ્તિકા બહાર પાડી.
ગયા વર્ષથી સંકેલો કરવાના આયોજન સાથે ખીસાપોથીઓ છાપવાની પણ બંધ કરી હતી.
'ડિસ્કવરિંગ ઇન્ડિયા'
2009ના એક પુસ્તકમેળામાં વળતરની ચોખવટ આવી રીતે કરાઈ હતી
'લોકમિલાપ'નાં કેટલાંક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તર પરનાં કામ ઓછાં જાણીતાં છે.
1969ના ગાંધી શતાબ્દી વર્ષ દરમિયાન લોકમિલાપ ટ્રસ્ટે 'ડિસ્કવરિંગ ઇંડિયા' નામે એક પ્રદર્શનની યોજના તૈયાર કરી.
તેમાં જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ બનેલી મુલ્કરાજ આનંદ, ઉમાશંકર જોશી અને ગગનવિહારી મહેતા જેવા સભ્યોની બનેલી એક સમિતિએ ભારતમાં પ્રગટ થયેલાં એક હજાર ચૂંટેલાં અંગ્રેજી પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો અને વિશ્વના પાંચ ખંડોના વિવિધ દેશોમાં સતત એક વર્ષ સુધી પુસ્તક-પ્રદર્શનોનું આયોજન કર્યું.
જેમાં યુરોપ અને અમેરિકાના દેશોમાં મહેન્દ્રભાઈ અને બીજા ખંડોમાં જયંતભાઈ ગયા. તેનાથી લોકમિલાપની શાખ એવી બંધાઈ કે તેમને પરદેશની સંસ્થાઓ પ્રદર્શનો માટે નિમંત્રણ આપતી.
તેનો સ્વીકાર લોકમિલાપ એ શરતે કરતું કે સંસ્થાએ લોકમિલાપે પસંદ કરેલાં પુસ્તકોનો એક સેટ ખરીદવાનો, તેને પ્રદર્શન તરીકે લોકો સામે મૂકવાનો અને તેમાંથી ગ્રાહકો પુસ્તકોની વધુ નકલોના ઑર્ડર લોકમિલાપને આપે.
તે મુજબનાં પુસ્તકો ભારતમાંથી લોકમિલાપની ખૂબ કાર્યક્ષમ લૉજિસ્ટિક વ્યવસ્થાને આધારે પરદેશના વાચક સુધી પહોંચે.
પરદેશમાં લોકમિલાપના પ્રતિનિધિઓની રહેવા-જમવાની વ્યવસ્થા યજમાન સંસ્થા કરે અને પ્રવાસખર્ચ પુસ્તકોનાં વેચાણમાંથી નીકળે એવું આયોજન લોકમિલાપ કરતું.
પછીનાં વર્ષોમાં મહેન્દ્રભાઈએ લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ આફ્રિકા, યુરોપ અને અમેરિકાના દેશોમાં સતત પ્રવાસ કરીને ભારતીય સાહિત્ય દ્વારા આપણી કલા અને સંસ્કૃતિની ઓળખ જગતને આપવાની પ્રવૃત્તિ કરી.
અમેરિકાથી માંડીને ન્યૂઝીલૅન્ડ અને સ્વિડન સુધીના દેશોમાં ગુજરાતી અને ભારતીય સાહિત્યનો પ્રચાર-પ્રસાર કર્યો.
અનેક દેશોનાં સંગ્રહાલયો, જાહેર પુસ્તકાલયો, સંસ્થાઓમાં મહેન્દ્રભાઈ બાળસાહિત્ય અને કળાના સંપુટો ભરેલા થેલા ખભે નાખીને જતા.
વળી, દેશ-વિદેશના વાચકો ભાવનગરના પુસ્તકભંડારમાંથી ભારતીય પ્રકાશનોની માહિતી મેળવતા અને પુસ્તકો મગાવતાં.
લોકમિલાપે 1970માં જર્મનીના વિશ્વવિખ્યાત 'ફ્રેન્કફર્ટ બુકફૅર' અને ઇટાલીના 'બોલ્યોના ચિલ્ડ્રન બુકફૅર'માં ભાગ લીધો હતો.
લોકમિલાપનો એક કિસ્સો તો બેનમૂન છે. 1979નું વર્ષ યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ તરીકે જાહેર કર્યું હતું.
એ વર્ષની ઉજવણી કરવા મહેન્દ્રભાઈએ ભારતના વિવિધ પ્રકાશકોએ બહાર પાડેલાં બાળસાહિત્યનાં અંગેજી પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો.
ત્યાર પછી મહેન્દ્રભાઈએ 'ઍર ઇન્ડિયા'ને સૂચન કર્યું કે લોકમિલાપના બે પ્રતિનિધિઓને યુરોપ અને અમેરિકાના પ્રવાસ માટેની બે ટિકિટો 'ઍર ઇન્ડિયા' આપે.
તેની સામે લોકમિલાપ ઍર ઇન્ડિયાને એટલી કિંમતના બાળસાહિત્યના સેટ આપશે.
એ પુસ્તકોનું ઍર ઇન્ડિયા શું કરશે તેનો પણ અદ્ભુત વિચાર તેમણે કરેલો.
તેમણે કંપનીના સંચાલકોને કહ્યું કે એ પુસ્તકો દુનિયાભરના દેશોમાં આવેલી ઍર ઇન્ડિયાની કચેરીઓમાં રાખવાં અને કચેરીમાં આવનાર યજમાન દેશનાં બાળકોને બાળવર્ષની ઉજવણી નિમિત્તે ભારતનાં બાળકો તરફથી ભેટ આપવાં.
ઍર ઇન્ડિયાએ આ સૂચન તરત વધાવી લીધું અને એ મુજબ યુરોપ-અમેરિકાના દેશોમાં લોકમિલાપના બે પ્રતિનિધિઓએ કુલ અગિયાર મહિના સુધી બાળસાહિત્યનાં પ્રદર્શનો યોજ્યાં.
ગ્રાહકો સુધી પુસ્તકો પહોંચાડતું દંપતી
ગોપાલભાઈ અને રાજશ્રીબહેન
લોકમિલાપની ગયાં વીસેક વર્ષની સિદ્ધિઓના કદાચ મહેન્દ્રભાઈ કરતાં ય ચાર વેઢા વધારે યશભાગી ગોપાલભાઈ અને રાજુ(રાજશ્રી)બહેન છે.
'અરધી સદી'ના ઑર્ડર તો સેંકડાના આંકડામાં અને ખીસાપોથીના હજારના આંકડામાં આવતા.
તે બધાને લોકમિલાપનાં શિસ્ત અને સમયપાલન સાથે ગ્રાહકોને પહોંચાડવાનું કામ આ દંપતીએ અપાર પરિશ્રમથી પાર પાડ્યું છે.
મહેન્દ્રભાઈએ કરીને મૂકેલાં સંપાદનોને પુસ્તકનું અંતિમ સ્વરૂપ તો ગોપાલભાઈને લીધે જ મળતું.
ઉપરાંત લોકમિલાપ માટે થઈને આ દંપતીએ સુખચેન, મોજશોખ, આનંદપ્રમોદ, પ્રસંગ-પ્રવાસ, સાવ અનુભવ્યાં નહીં હોય એવું કદાચ નથી.
પણ તેમના જીવનની અગ્રતા લોકમિલાપ પ્રકાશન અને પુસ્તકભંડાર હતાં એ જોઈ શકાતું હતું. તેમનાં ઉજમ અને તરવરાટ જાણે આખાય પુસ્તકભંડારને અજવાળેલો રાખતા.
સત્તરમી નવેમ્બરે તેમણે નિખાલસતાથી નિર્મળ ભાવે લખ્યું છે, "સિત્તેર વર્ષની સાહિત્યયાત્રા હવે પૂરી કરીએ છીએ. પુસ્તકપ્રેમીઓનો પહેલો પ્રતિભાવ હોય જ કે કેમ બંધ કરો છો?"
"દરેક પ્રારંભનો અંતિમ પડાવ ક્યારેક તો આવવાનો જ. લોકમિલાપના હાલના સંચાલકો આશરે પચાસ વર્ષોથી આ મનગમતું કામ કરી રહ્યા છે."
"હવે તેમની ઇચ્છા આ કામને વિરામ આપી અન્ય પ્રવૃત્તિઓ કરવાની છે, જે એક પુસ્તકભંડાર ચલાવતા મોકળાશથી થઈ શકેલ નથી …. પુસ્તકભંડાર દ્વારા ભાવનગર શહેર તથા દેશ-વિદેશના સાહિત્યપ્રેમીઓને પુસ્તકો પૂરાં પાડ્યાં, સેંકડો પુસ્તકમેળાઓ કર્યા, અનેક પુસ્તક યોજનાઓ કરી, બાળફિલ્મોનાં આયોજન થયાં."
"આવાં વિવિધ મનગમતાં કાર્યો થયાં તેના પાયામાં લોકમિલાપના અનેક કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનત તથા પુસ્તકચાહકોનો સહકાર."
"ભાવનગરની પ્રજાએ અમને આટલાં વર્ષો નર્યો પ્રેમ આપીને એક આદર્શ પુસ્તકભંડાર ચલાવવાની હોંશ સંતોષી છે. એમને, સમગ્ર ગુજરાતના તથા વિદેશના પુસ્તકપ્રેમીઓને વિદાયની પળે નતમસ્તકે પ્રણામ."
પુસ્તકચાહકો પણ કહેશે : નતમસ્તકે પ્રણામ!
સૌજન્ય : “બી.બી.સી. ગુજરાતી”; 02 ડિસેમ્બર 2019