Opinion Magazine
Number of visits: 9684248
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સપનાં વિનાની આખી રાત: સપનાંનો ગર્ભપાત કે આઝાદીની ઉડાન?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|12 December 2019

હૈયાને દરબાર

કોઈ ગીતના શબ્દો કથાને અનુરૂપ આટલાં બધાં સચોટ હોય? જસ્ટ અનબિલિવેબલ. ‘હેલ્લારો’ ફિલ્મની કથાના અઢળક વખાણ થયા છે. આમ તો ફિલ્મનું દરેકે દરેક પાસું અદ્ભુત છે. પણ ભાઈ, ગીતોનું તો કહેવું પડે! શબ્દે શબ્દે સ્ટોરી છે અને સ્વરે સ્વરે નારી સંવેદનાનો લહેકો અને ટહુકો. અચ્છા નાટ્યકાર સૌમ્ય જોશી આ ફિલ્મમાં સંવાદલેખક અને ગીતકાર તરીકે સ્ટેન્ડ આઉટ થાય છે. સંગીતકાર મેહુલ સુરતીની સંગીતકાર તરીકે ઘણી નામના સાંભળી હતી પરંતુ, એમને પૂરો ન્યાય આપી શકાય એવા ગીતની તલાશમાં હતી. છેવટે, મળ્યાં તો કેવાં લાજવાબ ગીતો મળ્યાં! ફિલ્મ જોઈ તે જ દિવસે આ બધાં ગીતો યુટ્યુબ પર જઈને વારંવાર સાંભળ્યાં તો ય ધરવ નથી થતો.

ભારતની તમામ ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવૉર્ડ જીતનારી અભિષેક શાહ લિખિત-દિગ્દર્શિત ‘હેલ્લારો’ એવી ફિલ્મ છે જેમાં બ્લેક એન્ડ વ્હાઈટ પુરુષપ્રધાનતાની સામે સ્ત્રીઓની લાલ ચટ્ટક સંવેદનશીલતા કસુંબલ આશાવાદ જગવે છે. ઢોલ એ આ ફિલ્મનું એવું પાત્ર છે જે લયબદ્ધ જીવતાં શીખવે છે. સંગીત, સિનેમેટોગ્રાફી અને સંવાદ એ આ ફિલ્મનાં ઊજળાં પાસાં. દરેક ગીતની પોતાની એક કથા છે. આજે વાત કરવી છે સપનાં વિનાની રાત અને વાગ્યો રે ઢોલ ગીતની. બન્ને ગીતમાં સ્ત્રીની લાગણીનો વિરોધાભાસ સમાજને વિચારતો કરી મૂકે છે.

સૌમ્ય જોશી સપનાં વિનાની રાત વિશે હૃદયસ્પર્શી વાત કરે છે. એ કહે છે, "ગીતની પહેલી પંક્તિ છે : તારી નદીઓ પાછી વાળજે …

સિચ્યુએશન પ્રમાણે કચ્છના રણમાં ભૂંગા(એક પ્રકારનાં માટીનાં ખોરડાં-ઘર)ની બહાર પુરુષો ગરબા કરી રહ્યા છે અને ભૂંગાની અંદર સપ્રેશન છે, સ્ત્રીનું સપ્રેશન, એનો દબાવી દેવામાં આવેલો કચડાયેલો અવાજ. ૧૯૭૫ના સમયની આસપાસ ગૂંથાયેલી આ કથા મુજબ એ વખતે સ્ત્રીઓને ગરબા કરવાની પરવાનગી નથી. આ વાત મને ફિલ્મ ડિરેક્ટર અભિષેક શાહે કહી ત્યારે મને થયું કે ઘરની બહાર પુરુષો ભલે ગરબા લેતા હોય પણ ગીત તો ઘરની અંદર છે! એટલે હાલરડા રૂપે ગીતને મૂકવાનો વિચાર આવ્યો કારણ કે, સ્ત્રી મુક્ત મને બોલી ના શકતી હોય તો ગાવાની ક્યાંથી? તેથી હાલરડું જ ગવડાવવું પડે. હાલરડાં હેતનાં અને હૂંફનાં હોય. એમાં સલાહ આપો તો ગરબડ થઈ જાય. એટલે પરોક્ષ રીતે મા તેની દીકરીને ઊંઘાડતાં કહે છે કે સપનાં જોઈશ નહીં. નહીં તો તને ય જાતજાતની ઇચ્છા થશે. એટલે માવડી પાસે એટલું જ માંગજે કે સપનાં વિનાની રાત દે. મારી દૃષ્ટિએ આ ટેરર સોંગ છે. અથવા હોરર સોંગ. સ્ત્રીના મનમાં જે ભય છે એ ઘૂંટાઈને સ્વર દ્વારા બહાર આવે છે.

આ ફિલ્મના સંગીતકાર મેહુલ સુરતી આ તમામ ગીતોની સર્જન પ્રક્રિયા વિશે જબરજસ્ત વાતો કરે છે. તેઓ કહે છે, "હેલ્લારોના ડિરેક્ટર અભિષેક શાહનો રાત્રે દોઢ વાગે ફોન આવ્યો. મેહુલ, એક ફિલ્મ બનાવી રહ્યો છું જેનું સંગીત તારે તૈયાર કરવાનું છે. ફિલ્મમાં ચાર ગીતો એટલે કે ચાર ગરબા ડાન્સ છે. મારા તો પગ તળેથી ધરતી ખસી ગઇ, કારણ કે ફકત ૩૦ દિવસમાં મારે ગીત જેવાં, છતાં ગીત નહીં એવા ચાર ગરબા તૈયાર કરીને આપવાના હતા. બીજી શરત એ હતી કે ગરબા જ છે એટલે ગીત ન લાગવું જોઈએ, ગીત છે તો ય સુગમ સંગીત ના લાગવું જોઈએ, વાત ૧૯૭૫ની છે એટલે ઇલેક્ટ્રોનિક સાઉન્ડનો ઉપયોગ પણ નહીં જ કરવાનો. બહુ જટિલ કામ હતું એટલે પહેલાં તો હું તો ગભરાઈ ગયો. સમય ઘણો ઓછો હતો. છતાં મેં કહ્યું કે થઇ જશે.

બસ, પછી તો દિવસરાત ટ્યુન બનાવવાની, સૂચન આવે તો બદલવાની ને પછી ફાઈનલ ફાઈલ મોકલવાની. તમે માનશો? ચારેય ગરબા મેં ૨૫ દિવસમાં પૂરા કર્યા. આ ચાર ગરબાની ટ્યુનનના મારી પાસે અત્યારે ૨૮ વર્ઝન છે. એટલે રોજના એક-બે ગરબાની ટ્યુન મોકલવાની. ભલું થજો ટેકનોલોજીનું, ગીતની આખી પ્રોસેસ ફોન, વોટ્સ એપ અને મેઈલ દ્વારા જ થઈ છે, અમે એકેય વાર એકબીજાને મળ્યાં નથી. ઓફકોર્સ, રેકોર્ડિંગ માટે સુરત, મુંબઈ, અમદાવાદ પાર વિનાના ધક્કા ખાધા છે. જેણે દર્શકોના હૃદયને હલબલાવી મૂક્યું છે એ સપનાં વિનાની રાત ગીતનું રેકોર્ડિંગ કરવા આદિત્ય ગઢવી અમદાવાદથી સુરત પાંચ કલાકની ડ્રાઈવ કરીને આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે પહોંચી માત્ર કટિંગ ચા અને ભેળ ખાઈને ગીત રેકોર્ડ કર્યું હતું. અજબ એનર્જી અને ગજબનું કમિટમેન્ટ! એને મેં સમજાવ્યું કે આ લોકશૈલીનું ફિલ્મી ગીત છે, ડાયરાનું ગીત નથી એટલે એ રીતે જ ગાવાનું. કમર્શિયલ અભિગમ રાખીને ક્લાસિક ગીતો બનાવવાની ચેલેન્જ મોટી હતી. બીજું, ગરબામાં ભાગ્યે જ ઉપયોગમાં લેવાતાં ઝપતાલમાં આ ગીતનો ઉઘાડ થાય છે. હું તો માનું છું કે ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે પોતાનું સત લઈને ભેગી થઈ એટલે ફિલ્મ આ ઊંચાઈએ પહોંચી શકી છે. એક ગીત તૈયાર થતાં કેટકેટલા કોઠા પાર કરવા પડે એ આવી સર્જન પ્રક્રિયા જાણીએ ત્યારે ખબર પડે. આ ફિલ્મનાં તમામ ગીતોના લેખનમાં સૌમ્ય જોશીની સંવેદનશીલતા શબ્દે શબ્દે પ્રગટે છે, જેમાં પ્રાણ પૂર્યાં છે સંગીતકાર મેહુલ સુરતીએ.

સંગીતમાં કચ્છીપણું જળવાઈ રહે એ માટે જોડિયા પાવા, વાંસળી, સ્થાનિક વાદ્યોનો જ વધારે પ્રયોગ થયો છે. જુદા જુદા વયજૂથની બહેનો પાસે કોરસ ગવડાવ્યું છે જેથી દરેકની અલગ ટોનલ ક્વોલિટી સામૂહિક રીતે જુદી જ એનર્જી સર્જી શકે. આધુનિક, અર્થસભર ગરબા ફિલ્મના મિજાજ, મુક્તિ માટેના તરફડાટ અને ખોટી રૂઢિઓને તોડવામાં ઉદ્દીપક બની રહે છે. જાણે ગરબો જ એક મહત્ત્વનું પાત્ર ન હોય!

ફિલ્મમાં દસ ઢોલ હાથથી અને દસ ડ્રમ સ્ટિકથી વાગ્યા છે. ઢોલી એટલે કે જયેશ મોરેને એ શિખવાડવા ખાસ ઢોલી રોક્યો હતો અને ઢોલના મ્યુઝિકલ પીસ દૃશ્યની લય પ્રમાણે રેકોર્ડ કરીને જયેશ મોરેને મોકલવામાં આવતા. ગીતની હાઈ પીચની ૩૦ સેકન્ડની એક પંક્તિ રેકોર્ડ કરતાં સુપ્રસિદ્ધ લોકકલાકાર મૂરા લાલાને દોઢ કલાક થયો હતો. આવી તો કેટલીયે ઘટનાઓ આ ગીત સાથે સંકળાયેલી છે.

આ જ ફિલ્મનું ખૂબ ગમી ગયેલું બીજું ગીત એટલે વાગ્યો રે ઢોલ …! ભૂમિ ત્રિવેદીના અવાજની ફ્રેશનેસ તથા બોલ્ડનેસ અદ્ભુત રીતે વ્યક્ત થઈ છે આ ગીતમાં. સજ્જડ બમ્મ પાંજરું પહોળું થયું … એ પંક્તિએ તો હાહાકાર મચાવી દીધો છે. પરંતુ તમને ખબર છે, આ સજ્જડ બમ્મ શબ્દ ગીતમાં બેસાડવો અને સ્વરબદ્ધ કરવો કેટલો અઘરો છે! ગીતની આ પંક્તિઓ તો જુઓ! સપનાં અને ઓરતાંનો ગર્ભપાત ના થાય એ માટે ઓરતાના ગાલ પર કાળો ટીકો લગાવવાની વાત કેવી સૂચક!

ઊંઘી નહીં હું તો ઊંઘી નહીં
થોડાં સપનાં જોવાને હાટું ઊંઘી જ નહીં

કાળો ટીકો રે એક કાળો ટીકો
મારાં ઓરતાંના ગાલ પર કાળો ટીકો ..!

"ઈલેક્ટ્રોનિક વાદ્યો વિનાનાં ગીતો લોકો સ્વીકારશે કે નહીં એ દહેશત અને ડર બન્ને હતાં પણ, અમારી ટીમને ખાતરી હતી કે ગીતો સર્વોત્તમ છે અને તહેલકો મચાવી દેશે. ફિલ્મના પહેલા સ્ક્રિનિંગ વખતે અમે બધાં ચોધાર આંસુએ રડી પડ્યા હતાં, કહે છે મેહુલ સુરતી.

વાગ્યો રે ઢોલ એ રાગ ભૈરવીમાં રજૂ થયેલું ગરબા નૃત્ય છે જે ફિલ્મનો માસ્ટર સ્ટ્રોક કહી શકાય. આ ગીતમાં પંચ આવે એટલે પહેલાં સફેદ ત્રણના સ્કેલમાં દોઢસો ટ્રેક બની ગયા પછી ગાયિકા તરીકે ભૂમિ ત્રિવેદીને લેવાનું નક્કી થયું અને એણે કહ્યું કે મારો સ્કેલ સફેદ એક છે. બધાં જ ટ્રેક ફરી રેકોર્ડ કરવામાં આવ્યા! ઐશ્ર્વર્યા મજમુદાર અને શ્રુતિ પાઠકનાં ગીતો પણ ચોટદાર છે. છેલ્લે, વરસાદ પડે ત્યારે શ્રુતિ પાઠકનાં અવાજમાં રેકોર્ડ થયેલું ગીત,

મારા હૈયાના છાંયડાની હૂંફ …
ઠેક્યાં મેં થોરિયાં ને ઠેકી મેં વાડ …

આનંદ, ઉલ્લાસ અને વરસાદના પ્રતીક રૂપે આવે છે. ગીતમાં રાગ મલ્હાર તથા સારંગની છાંટ ભીની માટીની સુગંધ તથા નાયિકાની ઝાંઝરીના રણકારમાં ભળી જઈને દર્શકોને પરમ પરિતૃપ્તિનો અનુભવ કરાવે છે. વારંવાર સાંભળવા ગમે એવાં આ ગીતોએ ફિલ્મને લોકપ્રિય બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે એ નિર્વિવાદ હકીકત છે. હજુ સુધી ના સાંભળ્યાં હોય તો આજે જ સાંભળજો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 ડિસેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=605969     

Loading

ભુલાયેલા સમાજવાદી, અશોક મહેતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 December 2019

દેશના જાણીતા સમાજવાદી નેતા, વિચારક અને લેખક અશોક મહેતાની વિદાયને આજે તો સાડા ત્રણ દાયકા (અવસાન તા. ૧૧મી ડિસેમ્બર ૧૯૮૪) થયા છે. આજની પેઢી માટે તો તે સાવ ભુલાયેલું નામ. રાજકીય પક્ષોના નેતાઓની સભાઓમાં ભાડૂતી ઓડિયન્સ લાવવું પડતું હોય એવા હાલના સમયમાં, કોઈ રાજકીય પક્ષ વ્યાખ્યાનમાળા યોજે અને તેમાં વક્તાને સાંભળવા ટિકિટ ખરીદીને જવું પડે તે ન માની શકાય તેવી બાબત છે. પણ ૧૯૩૯માં અમદાવાદમાં કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષે વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું હતું. એ જમાનામાં સવેતન રંગભૂમિના નાટકોના કલાકારોએ ટિકિટો વેચવા ઘેરઘેર ફરવું પડતું હતું. ત્યારે આ વ્યાખ્યાનમાળામાં અમદાવાદનો પ્રેમાભાઈ હોલ ખરીદેલી ટિકિટોવાળા શ્રોતાઓથી ઉભરાઈ ગયો હતો. કારણ એ હતું કે ૨૮ વરસના અશોક મહેતા “ઈન્ડિયન રેનેસાં એન્ડ નેશનાલિઝમ” પર વ્યાખ્યાન આપવાના હતા ! એક વક્તા તરીકે આ તેમની લોકપ્રિયતા અને સફળતા હતી !

પીઢ અર્થશાસ્ત્રી, સાંસદ અને કેન્દ્રીય મંત્રી, સમાજવાદી પક્ષના પ્રમુખ સ્થાપક, પ્રગતિશીલ આર્થિક અને રાજકીય વિચારધારાના જ્યોતિર્ધર કામદાર-કિસાન નેતા અને લેખક ચિંતક એવા અશોક મહેતા ભારતના સામાજિક, આર્થિક, રાજકીય ઇતિહાસનું અગત્યનું નામ છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ‘અસ્મિતા’ શબ્દનો પ્રયોગ કરનાર, “ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતાનું એ સંતાન. જન્મ ભાવનગરમાં ઈ.સ. ૧૯૧૧ના ઓકટોબરની ૨૪મી તારીખે. મુંબઈમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતક થયેલા અશોક મહેતા કોલેજકાળથી જ અભ્યાસીનું કાઠું ધરાવતા હતા. યુસૂફ મહેર અલીએ સ્થાપેલી “બોમ્બે યુથ લીગ” ઉપરાંત ‘સ્ટુડન્ટસ સ્વદેશી લીગ” અને ‘કમળ દળ”ની પ્રવૃત્તિઓમાં તે સક્રિય હતા. મિત્રોના સહકારથી મુંબઈની કોલેજોના વિદ્યાર્થીઓનું સંગઠન બનાવ્યું હતું. એ સમયે “યુગાંતર” નામક અંગ્રેજી સાપ્તાહિકનું સંપાદન પણ કરતા હતા.

યુવાવસ્થાથી જ અશોક મહેતા આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. કારાવાસ દરમિયાન નાસિક જેલમાં જયપ્રકાશ નારાયણ અને અચ્યુત પટવર્ધનનો ભેટો થયો. જેલનિવાસ દરમિયાનની વિચારણાઓના ફળરૂપે ૧૯૩૪માં ‘કૉન્ગ્રેસ સમાજવાદી દળ”ની રચના કરવામાં આવી. ૨૩ વરસના અશોક મહેતા તેના અગ્રણી સભ્ય હતા. પાર્ટીના સાપ્તાહિક ”કૉન્ગ્રેસ સોસ્યાલિસ્ટ’નું ૧૯૩૯ સુધી તેમણે સંપાદન કર્યું. પ્રજા સમાજવાદી પાર્ટીના એ સ્થાપક મંત્રી (૧૯૫૦-૫૩) અને પ્રમુખ (૧૯૫૯-૬૩) હતા.  કૉન્ગ્રેસે તેના અવાડી અધિવેશનમાં સમાજવાદનો માર્ગ અપનાવ્યો તો તેનાથી આકર્ષાયા અને કૉન્ગ્રેસમાં જોડાયા, વૈચારિક મતભેદો થયા તો છૂટા પણ પડ્યા.

અશોક મહેતાની સંસદીય કારકીર્દિ પણ બહુ તેજસ્વી રહી હતી. ૧૯૫૪-૫૭માં તેઓ પહેલી લોકસભામાં ભંડારા (મધ્યપ્રદેશ) બેઠક પરથી પ્રજા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણીથી લોકસભાના સભ્ય બન્યા હતા. ૧૯૫૭થી ૬૨ની બીજી લોકસભામાં તેઓ બિહારના મુજફરપુરનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા. ત્રીજી લોકસભા(૧૯૬૨)ની ચૂંટણી તેઓ સમાજવાદીઓના  ગઢ સમા દેવરિયામાંથી હાર્યા હતા. ૧૯૬૬-૬૭માં તેઓ રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. તે પછી ચોથી લોકસભામાં (૧૯૬૭-૭૦) તેઓ ભંડારા બેઠક પરથી વિજેતા થયા હતા. જનતા પક્ષના ઉમેદવાર તરીકે તેઓ ૧૯૮૦માં સુરતથી સાતમી લોકસભાની ચૂંટણી હાર્યા હતા. કેન્દ્રમાં બે વાર મંત્રી, લોકસભામાં પ્રજા સમાજવાદી પક્ષના નાયબ નેતા અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ નિમાયા હતા તો પ્લાનિંગ કમિશનના નાયબ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. કટોકટી બાદ રચાયેલી જનતા પક્ષની સરકારે અશોક મહેતાના અધ્યક્ષસ્થાને પંચાયતી રાજ સમિતિની રચના કરી હતી. સમિતિએ પંચાયતી રાજના વિકેન્દ્રીકરણ અને સ્તરીકરણની સુંદર સમીક્ષા કરતો ૧૩૨ ભલામણો સાથેનો અહેવાલ સરકારને આપ્યો હતો. પણ અલ્પજીવી સરકાર તેનો સ્વીકાર કરી ન શકતાં, કર્ણાટક, આંધ્ર અને બંગાળની વિપક્ષશાસિત સરકારો સિવાયના રાજ્યોમાં તેનો અમલ થઈ શક્યો નહોતો.

આઝાદી પૂર્વે મુંબઈના મેયર રહી ચૂકેલા અશોક મહેતા મુંબઈની ચાલીઓમાં ‘મજદૂરોંકે નેતા અશોક મહેતા” તરીકે ખ્યાતિ પામેલા હતા. ૧૯૪૯માં તેમણે” હિંદ મજદૂર સભા”ની સ્થાપના કરી હતી. અશોક મહેતાએ જાહેર જીવનમાં પોતાનો અસલ મિજાજ સદા જાળવી રાખ્યો. વોરસો કરારના દેશોનાં લશ્કરી દળોએ ચેકોસ્લોવેકિયા પર આક્રમણ કર્યું અને ભારતે આ રશિયન કૃત્યને વખોડવાનો નન્નો ભણ્યો તેના વિરોધમાં એમણે કેન્દ્રની કોબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. અસંમતિનો અવાજ કોઈ ભાગ્યે જ ઉચ્ચારતું એવા એ સમયે પોતાના વિચારોને વળગી રહી સત્તાનો ત્યાગ કરનાર અશોક મહેતા ભારતીય રાજનીતિનું એક વિરલ પાત્ર હતા. બીજી પંચવર્ષીય યોજનાની ચર્ચા દરમિયાન વસ્તી નિયંત્રણનું આયોજન તેમના પ્રયત્નોથી દાખલ થઈ શક્યું હતું. આજીવન અપરિણીત અને કેન્દ્રીય મંત્રી  તરીકે રૂ. ૧નો પ્રતીક પગાર લેનાર કે પેટ્રોલિયમ મંત્રી તરીકે પેટ્રોલની કરકસર કરવા નાની અને સાદી કાર વાપરનાર તેઓ સાચા સમાજવાદી હતા.

જ્યારે વૈચારિક મતભેદો ઊભા થયા ત્યારે તેમણે પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યા છે. પ્રજા સમાજવાદી પાર્ટીના મુખપત્ર “જનતા”માં તેમણે “કમ્પલશન્સ ઓફ ધ બેકવર્ડ ઈકોનોમી એન્ડ એરિયાઝ ઓફ કોઓપરેશન” મથાળે લેખ લખી, તેમનો કૉન્ગ્રેસ પ્રત્યેનો ઝુકાવ વ્યક્ત કરી, પંડિત નહેરુ અને કૉન્ગ્રેસ સાથે જોડાવું મુનાસિબ માન્યું હતું. ૧૯૬૯માં કૉન્ગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ ઇંદિરા ગાંધીની શાસક કૉન્ગ્રેસના બદલે મોરારજી-નિજલિંગગપ્પાની સંસ્થા કૉન્ગ્રેસ સાથે રહ્યા હતા. એક જમાનાના ઇંદિરા ગાંધીના આ કેબિનેટ સાથીએ ઇંદિરા ગાંધીના એકહથ્થુ સત્તાવાદ અને કટોકટીના વિરોધની સ્પષ્ટ ભૂમિકા લઈ કટોકટીમાં જેલવાસ વેઠ્યો હતો.

૧૯૭૫-૭૬ના ઈમરજન્સી યુગમાં જ તેમનું “રિફલેકશન્સ ઓન સોસ્યાલિસ્ટ એરા” પુસ્તક પ્રગટ થયું હતું. અશોક મહેતા મેઘાવી વ્યક્તિત્વ અને અનન્ય પ્રતિભા ધરાવતા હતા. રણજિતરામ મહેતાની જન્મશતાબ્દી ટાણેના સમારંભમાં પિતાએ સ્થાપેલી “ગુજરાતી સાહિત્ય પરિષદ”ને પોતાની “મોટીબહેન” તરીકે ઓળખાવનાર અશોક મહેતા એક મોટા ગજાના લેખક હતા. તેમનાં નવ પુસ્તકો પ્રગટ થયાં છે. અચ્યુત પટવર્ધન સાથે તેમણે લખેલું “કોમ્યુનલ ટ્રાયંગલ ઈન ઇન્ડિયા” જાણીતું છે, પરંતુ તે ઉપરાંતના અર્થકારણ, સમાજકારણ, રાજકારણ પરના તેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં “ડેમોક્રેટિક સોશ્યાલિઝમ”, “પોલિટિકલ માઈન્ડ ઓફ ઇન્ડિયા”, “ઇન્ડિયન શિપિંગ”, “ગ્રેટ રિબેલિયન”, “હુ ઓન્સ ઇન્ડિયા”, “પોલિટિક્સ ઓફ પ્લાન્ડ ઈકોનોમી” અને ‘સ્ટડીઝ ઈન એશિયન સોશ્યાલિઝમ’ મુખ્ય છે.

પુરાણપાત્ર “નટરાજ” અશોક મહેતાનું પ્રિય પાત્ર હતું. જેના અંગેઅંગમાં ચૈતન્ય, સ્ફૂર્તિ અને ઉત્સાહ છે એવા “નટરાજ”નો ઉલ્લેખ તેમણે અનેક વ્યાખ્યાનોમાં કર્યો હતો.  સમાજવાદના આ સાચા ભેખધારી નટરાજસમો સમાનતા અને ન્યાયને વરેલો સમાજ ઝંખતા હતા. આજના નવા અર્થનીતિના જમાનામાં જ્યારે સમાજવાદ પર સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે અશોક મહેતાનું અર્પણ અને વિચારો સ્મરણીય છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 11 ડિસેમ્બર 2019 

Loading

ડાયસ્પોરા ગણાતા આપણા લેખકોએ રાજસત્તા અને લેખક-વ્યક્તિ વચ્ચે ઊભા થતા સંઘર્ષની યાતના નથી વેઠી

સુમન શાહ|Opinion - Literature|10 December 2019

દેશવટાના કોયડાને રજૂ કરતી ઇરાની સ્ત્રી-સાહિત્યકાર અઝાર નાફિસિ પોતે અમેરિકામાં ઍક્ઝાયલ છે

‘ડાયસ્પોરિક’-ને સ્થાને ‘બૃહદ્દ ગુજરાતી સાહિત્ય’

મારી ટેવ છે કે ગમતા સાહિત્યકારનું કંઈ પણ મળે, વાંચી નાખું. ‘લોલિટા’-થી જગ આખામાં ગવાઈને ઠીકઠીક વગોવાયેલા વ્લાડિમીર નબોકોવની એક બીજી નવલકથા ‘અદા’ વિશે જાણવા મળ્યું. એ નવલકથાએ, અમેરિકામાં દેશવટો ભોગવતી ઇરાની સ્ત્રી-સાહિત્યકાર અઝાર નાફિસિને (1948-) કેટલી તો પ્રભાવિત કરી છે એ પણ જાણવા મળ્યું.

નાફિસિએ 2003-માં ‘રીડિન્ગ લોલિટા ઇન તહેરાન : એ મૅમ્વાર ઇન બુક્સ’ પ્રકાશિત કરેલું. એ પુસ્તકથી એણે નબોકોવ-પ્રેમીઓના દેશમાં અને સ્વદેશમાં ‘એક જુદી જ નામના’ હાંસલ કરેલી – મતલબ, એથી નાફિસિ પણ ગવાઈને ઠીકઠીક વગોવાઈ હતી.

પણ મારે ખાસ વાત કરવી છે, નાફિસિના તાજેતરના પુસ્તક ‘ધૅટ અધર વર્લ્ડ : નબોકોવ ઍન્ડ ધ પઝલ ઑફ ઍક્ઝાયલ’-ની. (યેલ યુનિવર્સિટી પ્રેસ, 2019). પુસ્તકમાં દેશવટાનો કોયડો વર્ણવાયો છે. પુસ્તક અંગ્રેજીમાં અનુવાદ છે, મૂળે પર્શિયનમાં લખાયું છે. નાફિસિ કહે છે -પુસ્તકને મેં મારા અનુભવો અને નબોકોવની સૃષ્ટિની સંમિશ્ર કથા રૂપે અવધાર્યું હતું. વાસ્તવ અને કલ્પનાને સંતુલિત કેમ રાખી શકાય એ અંગે ખૂબ વિચાર્યું હતું. એક દિવસ મેં નોટબુક ઉપાડી અને શબ્દો ટપકાવ્યા : “મેં નબોકોવ-રચિત કોઈ પુસ્તક જો પહેલું વાંચ્યું, તો તે હતું ‘અદા’. મારા બૉયફ્રૅન્ડ ટૅડે મને ભેટ આપેલું. ફ્લાય-લીફ પર લખેલું : ફૉર અઝાર, માય અદા – ટૅડ : નબોકોવનું મારું એ પહેલું વાચન હતું અને મને બહુ મજા પડેલી. અઘરા શબ્દો માટે ડિક્ષનરી નહીં ખોલેલી. પરીકથા વાંચતી હોઉં એમ વાંચી ગયેલી. મને ‘અદા’ ગણનારો ટૅડ અને હું એકબીજાંના પ્રેમમાં હતાં. સાહિત્યમાં અમને બહુ જ રસ હતો. ‘અદા’ વિશે અમે ઘણી ચર્ચાઓ કરેલી.”

પાંચ ભાગમાં લખાયેલી ‘અદા’ નવલકથા મેં નથી જોઈ. પણ આ લેખના લાભાર્થે ગૂગલ મહારાજ પાસેથી એની રૂપરેખા મેળવી છે : આ, વીન અને અદાની પ્રેમકથા / સ્મૃતિકથા છે. પહેલી વાર મળ્યાં ત્યારે અદા ૧૧ વર્ષની હતી અને વીન ૧૪-નો. અદા વીનની બહેન છે. પોતે કઝિન્સ છે એવું બન્નેને ભાન હતું. બન્ને એકબીજાંના ખૂબ જ પ્યારમાં હતાં. ક્રમે ક્રમે અદા-વીનનો પ્યાર જાતીય સમ્બન્ધે પ્હૉંચે છે. એ અનોખો લવઍફેર વધારે અનોખો હતો – બન્નેના બાપ પણ કઝિન્સ હતા અને બન્નેની મા-ઓ પણ બહેનો હતી. વીન ૧૯-નો થાય છે. પુસ્તક ક્રમે ક્રમે વીનની સ્મૃતિકથા બની જાય છે. જો કે, બન્ને અમીર હતાં, ભણેલાંગણેલાં હતાં. છેલ્લે વીન મનોવિજ્ઞાની રૂપે ખ્યાતિ પામે છે. વગેરે.

દેશવટાના કોયડાને રજૂ કરતી નાફિસિ પોતે અમેરિકામાં ઍક્ઝાયલ છે. સુખ્યાત ઇરાની વિદ્વાન કથાલેખક કવિ સઈદ નાફિસિની નીસ છે. પિતા તહેરાનના મેયર હતા. માતા ઇરાની પાર્લામૅન્ટમાં ચૂંટાયેલી છ સ્ત્રીઓમાં, પહેલી હતી. માતાપિતા બન્ને વિદ્રોહી સ્વભાવનાં. જ્યાં કામ કર્યું ત્યાં તો સવિશેષે બાખડેલાં. એટલે સ્તો, પ્રાઇમ મિનિસ્ટર અને ઇન્ટિરીયર મિનિસ્ટર પ્રતિ ‘ઇનસબૉર્ડિનેશન’ (સત્તાધીશોની અવજ્ઞા) માટે પિતાને જેલમાં નંખાયેલા – ચાર વર્ષે છુટકારો થયેલો. નાફિસિ જણાવે છે કે – અને, હું નબોકોવની જેમ, અમેરિકા ચાલી ગઈ, દેશવટો સ્વીકારીને એનાં દુખડાં વેઠતી રહી.

નબોકોવની સૃષ્ટિ સાથેના નાફિસિના ‘કનેક્ટ’-માં આ બધી બાબતોએ ખાસ્સો ભાગ ભજવ્યો છે. 2008-થી યુ.ઍસ.માં વસે છે. જૉહ્ન હોપ્કિન્સ યુનિવર્સિટીમાં લૅક્ચરર છે. એણે ‘ફ્રીડમ હાઉસ’-ના ટ્રસ્ટીમંડળમાં પણ સેવાઓ આપી છે.

પુસ્તક મુખ્યત્વે એ વાત આગળ કરે છે કે નિરન્તરનો દેશવટો એક લેખકના ભાવિને કેવું તો આંતરે છે. ખાસ તો, સાચું શું લખી શકાશે, એની મૂંઝવણો થાય. નાફિસિએ પેલું પહેલું વાક્ય લખ્યું તો ખરું પણ એને તરત થયું – આ વાક્ય તો, હું જે વાસ્તવની નિરૂપણા કરવા ધારું છું એના દુશ્મનની ગરજ સારશે ! હું ઇચ્છીશ તો પણ એ શબ્દો છપાશે નહીં. કેમ કે યુવા-પ્રેમ પ્રતિબન્ધિત છે. રાજકીય અસમ્મતિ તો હશે જ પણ લોકો ય નહીં સ્વીકારે. બધું સૅન્સર થવાનું. સજા પણ મળે.

એ હકીકતો નાફિસીને વ્યક્તિનું અને વ્યક્તિના ગૌરવનું મહિમાગાન ગાતા નબોકોવ પાસે વળી વળીને લઇ જાય છે. એને સમજાય છે કે કલ્પનારસિત જીવન પ્રત્યેનું કમિટમૅન્ટ કેટલું તો રૂડું હોય છે. એને સંદેશ લાધે છે – કશ્શાયે પ્રકારના ટોટાલિટેરિયનિઝમને કદ્દીયે વશ ન થવું. છતાં, નાફિસિને ઍક્ઝાયલની અવસ્થા સતાવ્યા કરે છે : સ્વદેશથી વિચ્છેદ પામીને હું હાંસિયામાં ધકેલાઈ ગઈ. અનાથ અને અનિકેત. હું મને એકાકી અને કાયમી દેશવટો અનુભવતી લાચાર અનુભવવા લાગી. વગેરે.

નાફિસિને આ રૂપે સમજ્યા પછી મને વતનઝૂરાપાના આપણા ડાયસ્પોરિક કહેવાતા સાહિત્ય અંગે પ્રશ્ન થયો: યુ.કે.-માં વિપુલ કલ્યાણીની રાહબરી હેઠળ વિકસેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’-એ અને યુ.ઍસ.માં વર્તમાન પ્રમુખ રામભાઈ ગઢવીની એકધારી નિશ્રામાં ચાલતી ‘લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકા’-એ ગુજરાતી સાહિત્યને એ બન્ને વિદેશોમાં ટકાવ્યું છે, યથાશક્ય પોષ્યું છે. એ મોટો ઉપકાર છે. બળવન્ત જાની ડાયસ્પોરા-ઍવૉર્ડથી સાહિત્યકારોને નવાજે છે એ પણ ઉપકારક બાબત છે. એ ઍવૉર્ડ યુ.કે.માં કોઈને અપાયો હોય તો તેની મને જાણ નથી. આ સઘળી બાબતો ભરપૂર આવકાર્ય છે. મારો પ્રશ્ન એ છે કે એ સાહિત્યને વતનઝૂરાપાનું ગણવું કેટલું વાજબી છે …

નબોકોવ અને નાફિસિ દેશવટા-ના લેખકો છે. એમને લાચારીથી સ્વદેશ છોડવો પડેલો. એમનું સાહિત્ય ડાયસ્પોરિક ખરું પણ એ ઍક્ઝાયલનું – દેશવટો વેઠનારનું – સાહિત્ય છે. સ્વેચ્છાએ દેશ છોડી ગયેલાનું સાહિત્ય ડાયસ્પોરિક ખરું પણ એ ઇમ્મિગ્રન્ટનું – દેશાન્તરે વસનારનું – સાહિત્ય છે. આ ભેદ અનુસાર, યુ.કે. અને યુ.ઍસ.માં સ્વેચ્છાએ જઈ વસેલા ગુજરાતી લેખકોનું સાહિત્ય સ્પષ્ટપણે દેશાન્તરિતોનું સાહિત્ય છે. એમણે શાસકીય સીતમ નથી વેઠ્યો. એમને દેશવટો સ્વીકારવાનો વારો નથી આવ્યો. કોઇએ એમને કાઢી નથી મૂક્યા. ખાસ્સો પ્રયત્ન કરીને જાતે નીકળી ગયા છે. યુ.કે.માં વસતા અમુક લેખકો યુગાન્ડા વગેરેથી વસ્યા એટલો વાતમાં ફર્ક ખરો …

‘ડાયસ્પોરા’-નો અર્થ છે ઇઝરાયેલ છોડીને જેમને વિદેશે વસવું પડ્યું એવા યહૂદીઓ. વતન વિશેની કશ્શીયે આશા વગરની એમની વ્યથા; વળી, બીજી અનેક કઠિનાઈઓ. જ્યારે, દેશાન્તરિત લેખકો તો એક પ્રકારનો છુટકારો અનુભવતા હોય છે; એમને વતનઝૂરાપો ખરો, પણ નજીવો. વિદેશે જીવન એમને સરળ ભાસ્યું હોય; જીવનસમૃદ્ધ થવા ગયા હોય. જુઓને, યુ.કે. અને યુ.ઍસે.માં આપણા કેટલા ય વ્યક્તિ-વિશેષોએ નામ કાઢ્યું છે, એટલું જ નહીં, વિદેશીઓથી પણ ચડિયાતા પુરવાર થયા છે.

બાકી, સ્વીકારવાલાયક મુદ્દો એ છે કે રાજસત્તા અને લેખક-વ્યક્તિ વચ્ચે ઊભા થતા સંઘર્ષની યાતના આપણા એ લેખકોએ નથી વેઠી. અપવાદ હોઈ શકે છે. પણ, વતનઝૂરાપાનું એક માત્ર કારણ કેટલું નભે, ભલા? ડાયસ્પોરિકમાં તો બીજા અનેક ઉધામાની કથાઓ ઉમેરાતી હોય છે. બીજું, ગુજરાતમાં ને ગુજરાતમાં વતનઝૂરાપો અનુભવાય છે ! અનેક લેખકો વતન છોડીને શહેરોમાં વસ્યા છે ને ગામ-ઘરને વારે વારે સંભારતા હોય છે. મારું મન્તવ્ય છે કે યુ.કે. અને યુ.ઍસે.ના સાહિત્યને ‘બૃહદ ગુજરાતી સાહિત્ય’ કહીએ તો સત્યની નજીક રહેવાય. રૂપાળું લાગે એવું જ કહેવું હોય, તો કહો – મેઈનસ્ટ્રીમ ગુજરાતી લિટરેચરનું વેસ્ટર્ન ઑફ્ફસ્પ્રિન્ગ.

પ્રગટ : ૧૦/૧૨/૨૦૧૯ રોજ “નવગુજરાત સમય”માં પ્રકાશિત લેખ સૌજન્યભેર મૂક્યો છે

Loading

...102030...2,6362,6372,6382,639...2,6502,6602,670...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved