Opinion Magazine
Number of visits: 9683806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવો તે કેવો સમાજ જે પોતાની અંદર ડોકિયું પણ કરતો નથી !

રમેશ ઓઝા|Opinion - Opinion|22 December 2019

આ શ્રેણીમાં આપણે જોયું કે હિંદુઓની દાર્શનિક (એમાં શ્રમણ અને બ્રાહ્મણ બંને આવી જાય છે) પરંપરા ખૂબ ઉદાર છે. વિચારની ઉદારતામાં હિંદુઓની બરાબરી કોઈ ન કરી શકે. શ્રમણોએ પુરોહિતોએ પેદા કરેલા અધિકારભેદ સામે, એમાંથી પેદા થયેલા સામાજિક ભેદભાવ સામે, યાચનાપરક કર્મકાંડોના અતિરેક સામે, પશુબલિ ચડાવવા જેવી કુપ્રથા સામે જ્યારે ઊહાપોહ કર્યો તો તેની સામે પણ શરૂઆતના પ્રતિકાર પછી એકંદરે સમન્વયની જ ભૂમિકા બની હતી. મહાવીર અને બુદ્ધ થયા પછી બેએક સદીમાં શ્રમણ-બ્રાહ્મણ સમન્વયની અને પરસ્પર પૂરકતાની ભૂમિકા બનતી ગઈ હતી.

એ અરસામાં ભારતમાં વિદેશથી અનેક લોકો આવ્યા. કોઈ પેટ ભરવા આવ્યા તો કોઈ આક્રમણ લઈને પણ જે આવ્યા તે ભારતમાં વસી ગયા. હિંદુ ખરલ, કહો કે એ સમયની ભારતીય ખરલ એવી હતી કે જે આવ્યા એ એમાં વટાતા ગયા અને અલગ તારવી ન શકાય એટલી હદે ભળી ગયા. આ ખરલ ભારતમાં મુસલમાનો આવ્યા ત્યાં સુધી નિર્વિઘ્ને ચાલતી રહી. મુસલમાનો આવ્યા એ પછી ભારતીય ખરલમાં વિઘ્નો પેદા થવા લાગ્યા. આનાં બે કારણ હતાં. એક તો હિદુ અને ઇસ્લામ ધર્મના સ્વરૂપમાં રહેલો પાયાનો ભેદ અને બીજું કારણ ભારતમાં આવેલા આક્રમણકાર મુસલમાનો એટલા જાહિલ હતા કે તેમને ઇસ્લામના સાચા સ્વરૂપની જ જાણ નહોતી. આમીર ખુસરોએ, તેમની પછીના સૂફીઓએ અને હિંદુ સંતોએ, અકબરે અને દારા શિકોહ જેવા મુસ્લિમ વિદ્વાનોએ ખરલ આડેના વિઘ્નો દૂર કરવાની કોશિશ કરી હતી; પરંતુ તેમને જોઈએ એટલી સફળતા નહોતી મળી.

તમે એક વાત નોંધી? ભારતીય ખરલમાં પેદા થયેલા અવરોધો દૂર કરવાના જેટલા પ્રયાસ મુસલમાનોએ કર્યા છે એટલા હિંદુઓએ નથી કર્યા. આમીર ખુસરો, સૂફીઓ, અકબર, દારા શિકોહ એ બધા મુસલમાન હતા. ખરલમાંનાં અવરોધો દૂર નહોતા થતા એ જોઈને જે કબીરે હિંદુ અને મુસલમાનોનો કાન આમળ્યો એ પણ વાયકા પ્રમાણે મુસલમાન હતો અથવા મુસ્લિમ પરિવારમાં ઊછર્યો હતો. ભારતીય ખરલમાંના અવરોધને દૂર કરવાના પ્રામાણિક પ્રયત્નો મુસલમાનોએ કર્યા છે એ સ્વીકારવા જેટલી ખેલદિલી હોવી જોઈએ. ભારતમાં કોઈ હિંદુ રાજાએ અકબરની માફક હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રયત્નો નથી કર્યા. હિંદુ સંતોનું ધ્યાન હિંદુ-મુસ્લિમ એકતા કરતાં હિંદુઓમાં પ્રવર્તતા જાતિગત ભેદભાવ પર વધુ હતો અને એ સ્વાભાવિક પણ હતું. જાતિગત ભેદભાવ પણ ભારતીય ખરલમાં એક મોટો અવરોધ હતો.

આની વચ્ચે ભારતમાં યુરોપિયનો આવે છે; પરંતુ તે પહેલાં હિંદુઓ માટે બે પ્રશ્ન યક્ષપ્રશ્ન બને છે. એક એ કે હિંદુ દર્શન ઉદાર હોવા છતાં, ભારતમાં સામાજિક ભેદભાવમાં નહીં માનનારું શ્રમણ દર્શન વિકસ્યું હોવા છતાં અને બ્રાહ્મણ-શ્રમણ સમન્વય સધાયો હોવા છતાં જન્મ આધારિત વર્ણવ્યવસ્થા ટકી કેમ રહી અને હલાવી ન શકાય એટલી હદે રૂઢ કેવી રીતે થઈ? હદ તો એ હતી કે આખી એક પ્રજાને ગામની બહાર વસાવવામાં આવે અને તેનો સ્પર્શ પણ કરવામાં ન આવે. ઉદારમતવાદી દર્શન ધરાવતો સમાજ, મહાવીરના પુરુષાર્થનો વારસો ધરાવતો સમાજ અને બુદ્ધની કરુણાનો વારસો ધરાવતો સમાજ આટલો મતાંધ, રૂઢિગ્રસ્ત અને ક્રૂર કેમ બન્યો? ત્યાં સુધીમાં ઇસ્લામમાં જોવા મળતી સામાજિક એકતા અને એક પ્રકારના ભેદભાવરહિત મુસ્લિમ સમાજવાદનો પણ હિંદુઓને પરિચય થઈ ગયો હતો. આ કોઈ પરિબળની હિંદુઓ પર અસર નહોતી થઈ અને જ્ઞાતિકીય ભેદભાવ દલિતો માટે અસહ્ય અને હિંદુઓ માટે શરમજનક બની ગયા હતા. આમ કેમ બન્યું એ પહેલો યક્ષપ્રશ્ન છે.

બીજો યક્ષપ્રશ્ન એ છે કે ઇતિહાસમાં પ્રત્યેક વિદેશી આક્રમણકારો સામે હિંદુઓનો પરાજય કેમ થયો? એકાદ અપવાદ કોઈ શોધી કાઢે તો તેનો કોઈ અર્થ નથી. હકીકત એ છે કે હિંદુઓનો વિદેશીઓ સામે પરાજય થતો રહ્યો છે. શા કારણે?

આ બે યક્ષ પ્રશ્ન પ્રત્યેક હિંદુને કવરાવે છે. આજે પણ કવરાવે છે. ભારતમાં આવેલા યુરોપિયનો; પછી તે ઈસાઈ ધર્મનો પ્રચાર કરનારા મિશનરી હોય, વેપાર કરવા આવેલા વેપારી હોય કે પાછળથી ભારત પર કબજો કરનારા શાસકો હોય, પાશ્ચાત્ય સભ્યતા માટે મગરૂરી ધરાવતા વિદ્વાનો હોય તેમને દરેકને જાણ હતી કે આ બે પ્રશ્નો હિંદુઓની દુઃખતી નસ છે. જો તમે ઉદાર વિચાર ધરાવો છો તો તમારી ઉદારતા તમારાં વર્તનમાં કેમ જોવા નથી મળતી અને તમે વિદેશી (મુખ્યત્વે મુસ્લિમ વાંચો) આક્રમણકારો સામે હાર્યા કેવી રીતે? ઈશારો એવો હતો કે હિંદુઓ બહાર નજર નહીં નાખનારી કોચલામાં જીવનારી પ્રજા છે. એ કોચલામાં જીવે છે એટલે પોતાનાઓને (દલિતો અને સ્ત્રીઓને) રંજાડે છે અને પોતાનાઓને જ પોતાથી દૂર રાખે છે માટે દુશ્મન સામે પરાજીત થતી આવેલી કાયર પ્રજા છે.

આ તો યુરોપિયનોએ કરેલું હિંદુઓનું આકલન છે, પણ હિંદુઓએ કરેલું હિંદુ વિષેનું આકલન ક્યાં? ઉપર કહેલા બે યક્ષપ્રશ્નો વિષે યુરોપિયનો ભારતમાં આવ્યા એ પહેલાં હિંદુઓએ કોઈ વિવેચન કર્યું હોય એવું જોવા મળતું નથી. હિંદુ સમાજના સ્વરૂપ અને મર્યાદાની કોઈ સમીક્ષા કોઈ હિન્દુએ કરી નથી અને કરવાની જરૂર અનુભવી નથી એ ત્રીજો યક્ષપ્રશ્ન છે. આવો તે કેવો સમાજ જે પોતાની અંદર ડોકિયું પણ કરતો નથી. સંતોએ જે કામ કર્યું છે તે તો હિંદુની અંદર બેઠેલા રામને જગાડવાનું અને શોષિતજન સાથે દુષ્કર્મ નહીં કરવાની સલાહ આપવાનું કામ કર્યું છે. તેમની પ્રેરણા કરુણા હતી, સમાજનું નવજાગરણ કરીને તેને બેઠો કરવાનું નહોતું. આ ત્રીજો યક્ષપ્રશ્ન પહેલા બે યક્ષપ્રશ્ન જેટલો જ કોયડારૂપ છે. ક્યારે ય કોઈ હિંદુને એવું લાગ્યું જ નહીં કે ચાલો આપણે આપણને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે કેવા છીએ અને આપણામાં શું ખૂટે છે. આવો તે કોઈ સમાજ હોય!

પરિણામ એવું આવ્યું કે કોઈ હિંદુએ હિંદુ સમાજનું વિવેચન કરીને સમગ્ર હિંદુ ઓળખ વિકસાવી આપી નહોતી અને બીજી બાજુ જ્ઞાતિઓએ હિંદુઓની ખંડિત ઓળખ વિકસાવી હતી. એક તરફ સમગ્ર ઓળખનો અભાવ અને બીજી બાજુ ખંડિત ઓળખ. આવી સ્થિતિમાં યુરોપિયનો ભારતમાં આવે છે. તેમણે આવી સ્થિતિનો લાભ કઈ રીતે લીધો એ આ શ્રેણીમાં હવે પછી વિવેચન કરવામાં આવશે.  

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 ડિસેમ્બર 2019

Loading

સ્વાયત્તતા, સત્તા અને સાહિત્યકાર

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|22 December 2019

આજે આપણે સહુ આ સ્વાયત્તતાનાં મૂલ્યને એક જુદા સંદર્ભે ઘૂંટી રહ્યાં છીએ. એ ચર્ચા ભલે સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા છીનવી લીધી એ સંદર્ભે ઊભી થઈ હોય પણ એનું ઊંડાણ અને એનો વ્યાપ આપણાં અતીત અને વર્તમાનથી લઈ ભવિષ્ય સુધી ફેલાયેલો છે. સ્વાયત્તતાના બે છેડા છે, એક છેડે સત્તા છે જે કળા માત્રને પોતાના આધિપત્ય હેઠળ લાવવા માંગે છે. બીજે છેડે સર્વ કલાઓમાં કાર્યરત કલાકારો-સાહિત્યકારો જે મહદંશે કોઇપણ સત્તાના આધિપત્યને નકારે છે અને પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા સંઘર્ષ કરે છે.

આપણે સહુ સ્વાયત્તતાની ચર્ચા કે સંઘર્ષમાં જોડાયેલા ન તો પહેલા છીએ, ન તો અંતિમ. આ ચર્ચા નવેસરથી શરૂ થઇ ૦૮-૦૩-૨૦૧૫નાં માર્ચ માસથી જ્યારે સરકારે અચાનક અકાદમીની સ્વાયત્તતાનો ભંગ કરી, એનાં બંધારણ અને લોકતંત્રને નાબૂદ કરી પોતાના એક નિવૃત અધિકારીને એનાં અધ્યક્ષ બનાવ્યા. આપણે ઊંઘતા ઝડપાયા. કડકડતી ઠંડીમાં સો મણની તળાઈમાં વીસ શેરની સરસ રજાઈ ઓઢી ઊંઘતા હતા ને અચાનક બૂમાબૂમ થઇ. આંખો ચોળતા ઊભા થયા. કેટલાકની ઊંઘમાં ખલેલ પડી, સ્વપ્નભંગ થયો, એટલે જગાડનારા પર વરસ્યાં. કેટલાકને બરાબર સમજાયું કે પગ તળેથી જમીન સરકાવી લેવામાં આવી છે. કેટલાંક એવા સબ બંદરના વેપારી હતા જે કોઇ પણ વખતે પોતાની દુકાન અને નફા-નુકસાનનાં આધારે તરત કામે લાગી જાય. આજે પણ આ પણ ત્રણે પ્રકારના સાહિત્યકારો આપણી વચ્ચે છે અને એમનાં લેખાંજોખાં આપણે પછી લઈશું. આપણે નહીં તો આવનારો સમય લેશે. પણ વિચારવા ચર્ચવા અને બોધ લેવા જેવો સવાલ તો એ છે કે અકાદમીની સ્વાયત્તતા હણાઈ અને તરત જ અનેક નાનામોટા સાહિત્યકારો, નાગરિક સમાજના સાહિત્ય રસિકો, લોકશાહીની ચિંતા કરનારા સુજ્ઞ નાગરિકો સહુ  કોઈ સ્વાયત્ત અકાદમી આંદોલનમાં ૨૦૧૫નો ગુજરાત સ્થાપના દિવસ આવતા આવતા તો જોડાઈ ગયા. લાંબી પીંજણ વિના નિરંજન ભગત, ચંદ્રકાંત ટોપીવાળા, ધીરુ પરીખ, સિતાંશુ યશશ્ચંદ્ર, હિમાંશી શેલત, અને બીજા અનેક આ સંઘર્ષમાં જોડાઈ ગયાં. આવું કઈ રીતે બન્યું? કેમ જુદા જુદા છેડેથી, જુદી જુદી વિચારસરણી ધરાવતા, ઉત્તર-દક્ષિણ-મધ્ય-બધે વસનારાં સાહિત્યકારો એક સાથે આવી ગયાં? કેટલાંક મિત્રો એક યાં બીજા કારણસર સરકારની અકાદમીમાં ગયા પણ આજે એ ય પાછા પોતાના મૂળ સ્થાને આવી ગયા. સરકારને પણ આ પ્રશ્ન થતો જ હશે ને?

મને આનું માત્ર ને માત્ર એક કારણ દેખાય છે. અને તે એ કે કળા માત્રની પ્રાણપ્રકૃતિ સ્વાયત્તતા છે. એને સત્તાની ઓળખ નથી, સત્તાનું આકર્ષણ નથી, માન-અકરામની પડી નથી, એની અંદર મહત્ત્વાકાંક્ષાઓ નથી, એવું હરગીજ નથી. સાહિત્ય પોતે એક સત્તા છે અને આ સંઘર્ષ સાહિત્યની સત્તા અને રાજ્ય સત્તા વચ્ચેનો છે. સાહિત્ય પાસે સંવેદના અને વિચાર છે તો રાજ સત્તા પાસે ……? સાહિત્યકાર કોઈ પરગ્રહનું નિવાસી નથી. એને કોઈ રાજ સત્તા સાથે આડવેર નથી. એ જાણે છે કે લોકશાહીમાં ચૂંટાયેલી સરકારો એમની પોતાની સરકારો જ છે. એમની તમામ સહાય લેવી કે પુરસ્કારો મેળવવા એ કઈ હીનતાપૂર્ણ વાત નથી. પણ સાથે સાથે આ સાહિત્યકાર એ પણ જાણે છે કે આમાંનું કઈ પણ મહામૂલી સર્જનની સ્વાયત્તતા વિના ન મેળવાય. આ માટે કોઈ કંઠી ગળામાં ન પહેરાય. અને જે કંઠી પહેરી ઉચ્ચાસને બેઠા છે એમનું મૂલ્યાંકન પણ બધાં કરે જ છે.  અહીં સ્વાયત્તતાના મુદ્દે નાનાં-મોટા, ગુણવત્તા કે ક્ષમતા આદિના ભેદ વિના. સહુ એક પંગતે કેમ આવ્યા? તો કારણ એ જ કે સાહિત્યની પ્રકૃતિ સ્વાયત્તતા છે, સત્તાની છત્રછાયા નહીં. આ વાત આપણને કોઈએ શીખવાડવાની, સમજાવવાની કે ભણાવવાની થોડી છે? જેમ રાજનીતિ કે અન્ય શાસ્ત્રોની પોતાની પરમ્પરા છે તેમ કળાસાહિત્યની પણ છે. અને આ પરંપરા એની ગળથૂથીમાં છે.

ચૌદમી સદીનો આપણો પૂર્વજ અસાઈત ઠાકર સામાજિક ભેદભાવને સ્વીકારવાના બદલે એ વખતના સમાજની સામે સંઘર્ષ કરે છે એટલું જ નહીં પણ ભવાઈ જેવું ધારદાર નાટ્યસ્વરૂપ ઘડી આપે છે જેમાંથી  દલપતરામનું મિથ્યાભિમાન આવે, કે ગુર્જરોની ગૌરવગાથા ગાતું મેના ગુજરી પણ આવે અને પોતાનો લોકશાહી અધિકાર માંગતો સિતાંશુનો મકનજી પણ આવે. નાગરી નાત નાતજાતની પાબંધી મૂકી નરસિંહની સ્વાયત્તતા ન આંતરી શકે, અને આંતરે તો નાત બહાર થવાનું પસંદ કરી નરસિંહ વાસમાં બેસી ગાય “એવા રે એવા રે અમે ..” અને એ નરસિંહને અનુસરી ગાંધી પણ ગાય કે "વૈષ્ણવજન તો તેને રે કહીએ …” નર્મદ કંઈ વૈષ્ણવ ધર્મગુરુ જદુરાય સામે નમતું ન જોખે, એ તો વીરતાથી એમનાં પાંચ હજાર સમર્થકોની વચ્ચે જઈ પડકાર ફેંકતો કહે, “આ ધર્મશાસ્ત્ર માણસે રચ્યા છે.” મેઘાણી ભરી અદાલતમાં આઝાદીની માંગ સાથે મેક્સ્વીનીની છેલ્લી પ્રાર્થના લલકારે : “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમ ભયકથાઓ” ને પાંચ વર્ષની કેદ ફરમાવનાર અંગ્રેજ સરકારના ન્યાયધીશની આંખો પણ ભીંજાઈ જાય. અને આઝાદી માટેનો લોકજુવાળ ઑર પ્રજવલિત થઇ ઊઠે. શ્રીધરાણી આઠમું દિલ્લીમાં કવિને ભાંડ કરતી દિલ્લી સરકારને વ્યંગમાં કહે “ભવિષ્યની કોદાળી જ્યારે નમશે / નવી  પેઢીઓ હટશે કે અવગણશે ……” અને પછી અંતે કહે “જડશે ચંદ્રક અનેક નહીં જડે શુદ્ધ વિવેક”. દિલ્લીને અલ્વિદા કરતા ઉમાશંકર કહે : “નવી, સાતમી દિલ્લી, ખબર છે તને તો- / ઇતિહાસ રાજ્ધાનીઓની છેડતી કરે છે. / ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે એને વધું વાંકી વાળતી / દુનિયાની રાજધાનીઓ / રૂડી રૂડી વાતોને નામે, / સાતમી દિલ્લી, નીચે ઉતરી શકીશ / જીવી જઈશ, / દિલ્હીપણાને કરી તારી-અને મારી પણ- / દિલી અલ્વિદા?” અને સ્વાયત્તતા સંદર્ભે ગુજરાતી સાહિત્ય પરિષદની સામાન્ય સભામાં નિરંજન ભગતે કરેલાં અંતિમ ઉદ્‌ગારો હંમેશ યાદ રાખવા જેવા છે. “જે માંગો છો, એ જ ગુમાવી રહ્યાં છો … સમય વહી ગયો છે.”

તો આ આખી પરંપરા આપણને સ્વાયત્તતા માટે સંઘર્ષ કરવાનો બોધ આપે છે. કોઇ પણ સત્તા જ્યારે પોતાનો રંગ સમસ્ત સાહિત્યને આપવા ચાહે, સોને મઢીને પોતાની કંઠી સાહિત્યકારના ગળે બાંધવા ચાહે – એ સ્થિતિ એટલે સાહિત્ય કે સાહિત્યકારની જ નહીં પણ મનુષ્ય માત્રની સ્વાયત્તતાનું હનન છે .. અત્યારે આપણે આ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છીએ અને ત્યારે માનવમાત્રના સ્વાયત્ત રહેવાના મૂળભૂત અધિકારને હણવા માંગતી કોઇ પણ સત્તાને પડકારવી એ આપણી પસંદગી નહીં અનિવાર્યતા છે. અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે કેટલાંક વિદ્વાન મિત્રો કાયમ દ્વિધામાં રહ્યાં છે. જ્યારે ભગત સાહેબે અકાદમી સાથે અસહકાર કરવાનું આહ્વાન આપ્યું ત્યારે એક ગાંધીવાદી મિત્રે સભામાં દલીલ કરી : “અકાદમીનો આવો આભડછેટ શું કામ રાખવો?” અરે ભાઈ મારા, સ્વાયત્તતા છીનવે એ સત્તાની સામે અસહકાર સિવાય સાહિત્યકાર બીજું શું કરી શકે? અને આ વાત જો તમને ન સમજાતી હોય તો ઉપર જણાવી એ આખી પરંપરાનો ફરી અભ્યાસ કરો અને ગાંધીજીને માફ કરો.

મને પ્રતીતિ છે કે સરકાર અકાદમીને ફરી સ્વાયત્ત અને લોકતાંત્રિક કરવાની માંગ આસાનીથી માનવાની નથી. સત્તા હંમેશાં સામ દામ દંડ અને ભેદથી કામ લેતી હોય છે, જે મુજબ ગુજરાત સરકાર કામ લઇ રહી છે. અને એમાં કેટલાક અગ્રણી સાહિત્યકારો પણ પોતપોતાના છેડેથી પ્રસંગોપાત સરકારની આણ સ્વીકારી એમની સાથે રહી કળપૂર્વક કામ કઢાવવાનો અભિગમ ધરાવે છે. તેઓ મોટા છે, આદરણીય છે, આમ જુદા જુદા બહાને સ્વાયત્તતાની આ લડતને હાનિ પહોંચાડવી એ પણ સરકારના સ્વાયત્તતા હનનના એજન્ડાને શક્તિ આપવા બરાબર છે. હવે જ્યારે સાહિત્ય પરિષદનું અધિવેશન આવી રહ્યું છે ત્યારે આપણે સહુએ આપણી સમગ્ર સાહિત્યિક પરંપરાને લક્ષમાં રાખી સ્વાયત્તતાના મુદ્દે સરકાર સામે નક્કર પગલાંઓ ભરવા આગળ વધવું જોઈએ. નહીં કે પાછી પાની કરવા. જો પાછી પાની કરીશું તો સ્વાયત્તતાપરક આપણી સાહિત્યિક પરંપરાના અમૂલ્ય વારસામાંથી આપણે બેદખલ થઈશું. અને પોતાના આવા ઉજ્જવળ વારસાથી બેદખલ થયા પછીનું સાહિત્ય, કેવું હશે, કેવાં સાહિત્યકાર અને કેવો સમાજ હશે? એ વિચારી હું અંદરથી – જયંતિ દલાલને  યાદ કરી કહું તો – હાલી ઊઠું છું.

ભોપાલ, ૧૧-૧૨-૨૦૧૯   

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 09 – 10

Loading

‘નિરીક્ષક’માં પુનઃપ્રકાશિત મારા લેખની આસપાસ

સુમન શાહ|Opinion - Opinion|22 December 2019

(આ લેખમાં મૂકેલા વિચારોનો સંદર્ભ છે : ‘નિરીક્ષક’ ૧૬ નવેમ્બર અને ૧ ડિસેમ્બર, ૨૦૧૯)

પ્રકાશભાઈએ ‘સાહિત્યકારોના ઝઘડા’ નામનો મારો પૂર્વપ્રકાશિત લેખ ૧૬ નવેમ્બરના ‘નિરીક્ષક’માં પ્રકાશિત તો કર્યો પણ એ વાતની જાણ એમણે મને પાછળથી ઇ-મેઇલથી કરી, નહીં કે પહેલાં. આ વાતનું વાંકું ન પાડું, કેમ કે અમે વરસોથી મિત્રો છીએ, આઈ મીન, લેખ એમ જ લઈ લેવાનો એમને હક્ક છે.

મારો લેખ ‘નિરીક્ષક’માં પ્રકાશિત કરવા માટેનો એમનો આશય એમના જ શબ્દોમાં આ પ્રમાણે સ્પષ્ટ છે:

‘મિત્ર સુમન શાહે અચ્છો મુખડો બાંધી સૌને કોઠે પડી ગયેલ જે ‘મૂંગારો’ છે, એની જિકર કરી છે; અને એ પૃષ્ઠભૂ ઉપર આપણે ત્યાં સ્વાયત્તતા, અકાદમી અને પરિષદ સંદર્ભે ચર્ચા છેડી છે, જે ઊહ અને અપોહથી પડ જાગતું ને ગાજતું રહેવું જોઈએ, એને માટે એમણે ખોલી આપેલી સંભાવનાના ઉજાસમાં થોડીએક વાત કરવી લાજિમ સમજું છું. સુમનભાઈની રજૂઆતને એક સિંહાવલોકન સારુ મળી રહેલ સુયોગ લેખે જોઉં છું. ’

પછીથી પ્રકાશભાઈએ મને એક ઇ-મેઇલમાં પણ લખ્યું હતું કે ‘ઊહ અને અપોહ ચાલે તે ઇષ્ટ છે … તમારા લેખે સારી તક આપી.’

આમાં ક્યાં ય એમણે એમ નથી સૂચવ્યું અથવા તો કોઈ પ્રકારે એમ નથી સૂચવાતું કે સુમન શાહની ‘ભૂમિકા’ની ચર્ચા કરવી. પરંતુ ‘નિરીક્ષક’-૧ ડિસેમ્બર, ૨૦૧૯ના અંકમાં મારી ‘ભૂમિકા’-ની ચંદ્રકાન્ત ટોપીવાળાએ ચર્ચા કરી છે, એટલે એ ચર્ચાને હું ફાલતું ગણું છું.

તેમ છતાં, ચર્ચા પ્રકાશિત થઈ જ છે તો હું પણ એમની જેમ જ ઇચ્છું છું કે ‘મુદ્દાઓ ખૂલીને પ્રગટ થવા જોઈએ.’ બે મોટી વાત કરું : પહેલી વાત એ કે ‘નિરીક્ષક’માં મારા નામે જે છપાયું છે એ તેઓ કહે છે એમ, મારો કોઈ ‘પત્ર’ નથી. એ મારો ‘લેખ’ છે. તેઓ કહે છે એમ એની પ્રકાશભાઈએ કશી ‘નુક્તેચીની’ નથી કરી. પ્રકાશભાઈ તો એમણે પોતે જણાવ્યું છે એમ મારી ‘રજૂઆતને એક સિંહાવલોકન સારુ મળી રહેલ સુયોગ લેખે’ જુએ છે.

બીજી વાત એ કે એ ‘ભૂમિકા’ નથી, સમયે-સમયે બંધાયેલાં ‘મંતવ્યો’ છે. ભૂમિકા તો સુચિન્તિત અને વ્યાપક હોય, કેમ કે એમાં બહુ સંકેતોનો સમાસ હોય. મેં જાહેર કર્યું હોય કે ‘હું નથી માનતો કે ચૂંટણી હોય તો જ સ્વાયત્ત થવાય’ – કેમ કે એ કાળે એ મારું મંતવ્ય હોય. એ બાબતે આજે પણ મારું મંતવ્ય એ જ છે. મેં જાહેર કર્યું હોય કે ‘સરકાર મનઘડંત કરશે એમ માની લેવું એ પણ દુરાશય કહેવાય’ – કેમ કે ત્યારે મને એમ લાગ્યું  હોય. જો કે એ બાબતનું મારું એ મંતવ્ય આજે નથી ટકી શક્યું. કેમ કે સરકાર કાર્યવાહક વગેરે સમિતિઓ વિશેના પોતાના જ નિયમોને ચાતરી ગઈ છે. આ ચોખ્ખાંચટ મંતવ્યો છે અને તદનુસારી મારાં વર્તનો છે. મંતવ્યોની પ્રકૃતિ કે બદલાતાં રહે, એ કહેવાની જરૂર ખરી? વળી એ મારી વૈયક્તિક દૃષ્ટિમતિ છે અને તદનુસારનાં એ મારાં મંતવ્યો છે અને એ મંતવ્યો અનુસારનાં એ મારાં વર્તનો છે.

હંમેશાં હું કોઈ પણ સંસ્થામાં તેના નિમંત્રણથી સાહિત્યિક કામ કરવા જ જતો હોઉં છું. સાથે, મારાં પોતાનાં ધોરણો પણ હોય છે અને એ જ ધોરણો અનુસાર હું નીકળી પણ જતો હોઉં છું. એટલે જવા કે નીકળી જવા અંગે કદી મારે મારો બચાવ કરવાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો! જરા પણ નહીં! સાહિત્યપદાર્થને માટેની મારી ખેવના અને તેને સાકાર કરવા માટેનાં મારાં શ્રમ-નિષ્ઠામાં કશી કમી કે ચૂક નથી હોતી.

તેઓ કહે છે એમ મેં અકાદમી પર ‘હલ્લો’ કરાવવા નથી લખ્યું. મારે કોઈ પાસે હલ્લો શું કામ કરાવવો જોઈએ? મેં તો દેખીતી હકીકત છે, તેને જ ચીંધી છે કે અકાદમીમાં હાલ આપખુદી પ્રવર્તે છે, કેમ કે નિર્ણયો બે જ વ્યક્તિથી લેવાય છે. ને તેથી પૂછ્યું છે કે – આમાં કઈ લોકશાહી છે ને કયું બંધારણ? પૂછ્યું છે કે – આ હકીકતની મુખ્યમંત્રીશ્રીને ખબર છે ખરી? પૂછ્યું છે કે – સરકારને પ્રજાજીવનના સેંકડો પ્રશ્નો ઉકેલવામાં રસ છે, તો આ ગંભીર અને અત્યંત સંવેદનશીલ બાબતે તે અક્રિય કેમ છે ? પૂછ્યું છે કે – શું માતૃભાષાના સાહિત્યકારોની વેદનાની કોઈ જ વિસાત નથી?

પરંતુ વિચિત્રતા તો કેવી કે તેઓ આને ‘અત્યંત દુઃખદ’ બાબત કહે છે! એમને એ કેમ નથી સમજાતું કે આ મેં કરેલા એકદમના ગંભીર અને અતિ આવશ્યક પ્રશ્નો છે! ભઈલા મારા, આ બે બાજુથી ‘થાપ’ પણ નથી. ન તો અકાદમી વિશેની કે ન તો પરિષદ વિશેની, પણ વર્તમાન ગુજરાતી સાહિત્યિક પરિદૃશ્ય સમસ્તને વિશેની, મેં, એક સાહિત્યજને, છાપાના જાહેર મેદાનમાં સરકારને કરેલી અને પ્રજા સામે મૂકેલી મૂલ્યવાન પૃચ્છા છે.

મેં જો એક-દોઢ વર્ષ પર લખ્યું હોય કે ‘ફતવો’, તો તેના યૌગિક અર્થમાં – આજ્ઞા કે આદેશના અર્થમાં, છતાં, મારા એ અભિપ્રેતને રદ્દ કરો અને ક્લિષ્ટ પણ રૂપાળા દીસતા એમના શબ્દોમાં ‘સ્વમાની અને સંવેદનશીલ ગુજરાતી લેખકની સહજ પ્રતિક્રિયાનો સંભવિત આલેખ’ કહો; વાસ્તવમાં કશો અર્થ-ફર્ક નથી પડવાનો! ખરી વાત તો એ છે કે એવું કંઈ પણ કહેવું સ્વાયત્તતા તરફીને છાજતું નથી, એમ હું સ્પષ્ટપણે માનું છું. એવુંતેવું કહેવું પાર્ટી / પોલિટિક્સમાં શોભે. સ્વાયત્તતાતરફી તો સમુદાર હોય. સૌને સ્વાયત્ત અને સર્વમુક્ત રાખે. સ્વાયત્તતાતરફી એકદમનો ધૈર્યશાળી હોય ને પોતાના સત્ય પર ખડો રહી બસ ઝઝૂમે. મેં લખ્યું કે ‘લડત ચાલુ રાખો’, ત્યારે બીજી કોઈ પણ ભૂમિકા નહીં પણ સ્વાયત્તતા વિષયક પરિષદની જ ભૂમિકા સ્વીકારીને કહેલું હોયને, ભલા ભાઈ ? એ મારી ભલી લાગણીને ગૂપચાવી જઈને અવળું બોલવું કે મેં ‘સ્વાયત્તતાને હાંસીપાત્ર બનાવી છે’, તો એ શી વસ્તુ થઈ ? એ ક્યાંની તાર્કિકતા છે ? યાદ રહે કે એ બંને વાત મેં અકાદમીની કાર્યવાહક સમિતિના સભ્ય હોવા છતાં, પરિષદના સામાન્ય સભ્ય હોવા છતાં, કહી છે. એમાં પણ વર્તમાન ગુજરાતી સાહિત્યિક પરિદૃશ્ય સમસ્તને વિશેની મેં, એક સાહિત્યજને, સરકાર પ્રતિ વ્યક્ત કરેલી અને પ્રજા સામે મૂકેલી મૂલ્યવાન લાગણી છે.

મેં મારા લેખમાં પરિષદના સ્વાયત્તતા વિષયક પુરુષાર્થની એક બહુ જ નાની સમરી આપી છે; ૬ વાક્યોમાં કહ્યું છે :

૧ : મથામણ ખાસ્સી થઈ પણ નીવેડો ન આવ્યો.

૨ : જો કે એ મુદ્દો હવે મન્દપ્રાણ થઈ ગયો છે.

૩ : એ કાજે કોઈ સાહિત્યકારે ધરણાં ન કર્યાં.

૪ : કેટલાક અંદરનાઓએ જ અસહકારના ફતવાને ફગાવી દીધો.

૫ : પહેલાંના બેયે બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે.

૬ : બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય …

મારાં ૬ વાક્યોને ધ્યાનથી વાંચનારને મારો વક્તવ્યસૂર સંભળાશે કે હું એ પુરુષાર્થ પાછળની મથામણ પ્રત્યે એક હમદર્દીભરી લાગણી વ્યક્ત કરી રહ્યો છું. પરંતુ તેઓ તો, એ પહેલાં પાંચ વાક્યોને ઓળંગી જઈને સીધા પાંચમા અને છઠ્ઠા પર જઈ ઊભા કે ‘પહેલાંના બેયે બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય …’

કોઈ વ્યક્તિ ‘બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય’, કહે ત્યારે એ વ્યક્તિ, એવું હોવાની માત્ર સંભાવના વ્યક્ત કરે છે; મતલબ, એવું ન પણ હોય. પણ નોંધપાત્ર વાત તો એ હોય છે કે ત્યારે એ વ્યક્તિ ‘હૃદયભાવ’ શબ્દના ઉલ્લેખથી સહાનુભૂતિભરી લાગણી વ્યક્ત કરતી હોય છે. એ સમરીમાં મેં સઘળી મથામણનો એ રીતે દિલી સ્વીકાર કર્યો છે. પણ તેઓ એ લાગણીની દિલી ભાષાને ઉકેલી શક્યા નથી. એમણે તો લખી નાખ્યું કે હું ‘આક્ષેપ’ કરું છું ! સમજાય એવું છે કે આક્ષેપ જ કરવો હોય, તો ‘હૃદયભાવ કરમાઈ ગયો છે’, જેવા કૂણા પ્રયોગથી ન કરાય. આખો સાહિત્યસમાજ જોઈ શકે છે કે મુદ્દો આજે મન્દપ્રાણ થઈ ગયો છે. એમ કહેવા – સ્વીકારવામાં વાંધો શો છે ? હું આજની એ અવસ્થા વિશે કહું છું. પણ તેઓ તો બસ વીતી ચૂકેલી બાબતોનો ઇતિહાસ જ ચીંધ્યા કરે છે. ‘પરબે’ ‘સ્વાયત્તતા’ અંકમાં ‘પૂરી કામગીરીનો નકશો’ આપ્યો છે, વગેરે સારી વાત, પણ તેથી શું ? નકશો કેટલો આકારિત થયો છે અને બાકીનો નકશો નકશો જ કેમ રહી ગયો છે, તેની તપાસ કરીને આગળનો માર્ગ શોધવો, એ આજનો સવાલ છે અને મુખ્ય સવાલ છે.

મારે એમને જણાવવું જોઈએ કે હું આ બાબતે ‘લોકોને સક્રિય થવાની’ કશી ‘હાકલ’ નથી કરી શક્યો, પણ મેં સ્વાયત્તતાપ્રશ્નને પ્રશ્ન રહેવા દેનારા સરકાર સમેતના સૌ જવાબદારોને સ્પષ્ટપણે પૂછ્યું છે. જાનફિશાની કરાય પણ એ માટે વ્યક્તિનું જોમ જાગે એવું વાતાવરણ પ્રગટવું જોઈએ. તે કેમ નથી પ્રગટ્યું એ વિચારવું તે આ પ્રશ્ન સાથે સંલગ્ન સૌનું આજે મોટું કરણીય છે.

*    *    *

મારો એ લેખ વિપુલ કલ્યાણીએ એમના ‘ઓપિનિયન’-માં શૅયર કરેલો. ત્યાં એના પ્રતિભાવ રૂપે પ્રકાશભાઈએ મને ‘રી-વિઝિટ’ કરવા કહ્યું, ત્યારે મેં પ્રકાશભાઈને લખેલું કે – “સ્વાયત્તતાની માગણી મૂકનારા, પરિષદ સમેતના સૌ, ભૂતકાળમાં અનેક વાતો કરી ચૂક્યા છે, કોર્ટે જવાના અને સરકારને મળવા સુધીના બનાવો બની ચૂક્યા છે. એમાં રી-વિઝિટ કરવાનો મતલબ શો? એ-ને-એ આર્ગ્યુમૅન્ટ્‌સ કે કંઈ બીજું? બીજું કંઈ જો હોય તોપણ, મારે શું કામ એ બધામાં રગદોળાવું જોઈએ?

“સરકારે ત્યારે પણ મચક નથી આપી. વિશેષ તો એ કે સરકાર હાલ પણ કાર્યવાહક અને માર્ગદર્શક સમિતિઓ જેવી ખુદની જોગવાઈને પણ ચાતરી ગઈ છે. This is a full-size deadlock ever happended as far as Gujarati literary scenario is concerned! મારી વેદના અંગે છે. મારા લેખનો કેન્દ્રવર્તી સૂર એ છે કે સૌ નિરાશ છે. કોઈ જાનફિશાની માટે તત્પર નથી, એમ ટકોરવાનો મતલબ પણ છેવટે તો એ જ છે કે એને માટેનું જોમ બચ્યું નથી. એ સંજોગો વચ્ચે કશી ચર્ચાચર્ચી મારે શું કામ કરવી?

“મને આ બાબતના શાસ્ત્રાર્થમાં કશી જ દિલચસ્પી નથી; જેની અનિવાર્યપણે જરૂરત છે, એ છે, Action by government yeilding a justified result.”

*   *   *

એ પછી ૧૬ નવેમ્બર, ૨૦૧૯ના ‘નિરીક્ષક’માં મારો લેખ પ્રકાશિત કરીને પ્રકાશભાઈએ પરિષદે કરેલી લડતનો એક સિંહાવલોકની પણ સિલસિલાબદ્ધ લેખ રજૂ કરી આપ્યો. એ આશયથી કે ચર્ચામાં સગવડ થાય. હું એ લડત પાછળની સચ્ચાઈ અને જહેમતને પ્રશંસનીય લેખું છું. કોર્ટે જવા સુધીનો આગ્રહ પણ નોંધપાત્ર છે. તેમ છતાં, કશું પરિણામ નથી આવ્યું, એ મારા લેખમાં મુકાયેલી એક એકસૂર હકીકત છે.

મારો એ લેખ યાદ રહે કે સાંપ્રતમાં સાહિત્ય બાબતે સાત્ત્વિક-તાત્ત્વિક ચર્ચાઓ નથી થતી – જેને રસપ્રદ ‘સાહિત્યઝઘડા’ કહેવાય – અને તેને માટેની યુયુત્સા કે જાનફિશાની જોવા નથી મળતી, એ વિશે છે, નહીં કે માત્ર અકાદમીની સ્વાયત્તતા બાબતે. હા, અનેક મુદ્દાઓમાં મેં એને પણ એક ઝઘડવાલાયક મુદ્દો જરૂર લેખ્યો છે.

‘પૅરાશૂટ પ્રમુખ પ્રણાલી’ કે ‘પરબારી નિમણૂક’ જેવા પ્રયોગો કરીએ ત્યારે એ સમજી રાખવું જરૂરી છે કે ચૂંટાઈને આવેલા પ્રમુખ કે સરકારનિયુક્ત અધ્યક્ષ જે તે તંત્રના કશા ને કશા નિયમોથી જ સંભવ્યા હોય છે. એટલે મને પ્રમુખ કે અધ્યક્ષની નામ દઈને પ્રશંસા કે ટીકા કરવી અયોગ્ય લાગે છે. મને તો ‘સરકાદમી’ જેવો પ્રયોગ પણ સાહિત્યાનન્દી લાગે છે. ‘મન્દપ્રાણ’ સામે ‘નિષ્પ્રાણ’, ‘નિર્લેપ’, ‘નિર્‌અસ્તિત્વ’ જેવા પ્રયોગો પણ વાસ્તવિકતાવાચક સુ-તર્ક નથી દીસતા, જો આવું તેવું બોલાતું રહે, તો એથી લડત ‘પાર્ટિઝન’ ભાસે – અમુક ધ્યેયને માટેનો પક્ષિલ પૂર્વગ્રહ. એથી, પ્રકાશભાઈ કહે છે એવા ‘ટ્રિવિયા ભણી લઈ જતા ઍસ્કેપ રૂટ’-ને માટેની ‘સોઈ’ પણ સંભવે.

પ્રકાશ ન. શાહ આપણા સમયના નિત્યજાગૃત ઘણા ઊંડા અને એટલા જ ગંભીર રાજનીતિજ્ઞ અને રાજકાજના સમીક્ષક છે. અને એટલે જ એમની ભાષા પણ રાજનીતિ અને રાજકાજને પહોંચી વળે એવી હોય છે. આઈ મીન, સપાટ અને સરળ નથી હોતી. પણ એનો અર્થ એ નથી કે એ ભાષા સાર્થક નથી. એઓ જો હવે ઊહ અને અપોહ ચાલે એમ ઇચ્છે છે, તો હું કહું કે સામેનું અપોહ હવે ઍક્શન ભણી દોરી જનારા માર્ગદર્શક વિચારો છે. જેમ કે – કેન્દ્રસ્થ અને સર્વ પ્રકારનાં ધ્યાન માગી લેનારી ગૂંચ તો એ છે કે અકાદમીના બંધારણને બાજુએ મૂકવામાં આવ્યું છે. ત્યારે, ચૂંટણી વગેરે જરૂરી બાબતોની બંધારણમાં શી જોગવાઈ છે, એ હકીકતને જ ફોકસમાં રાખવાની અને એને જ વારંવાર જાહેર કર્યા કરવાની જરૂરત છે. લેખકીય કૉન્સ્ટિટ્યૂઅન્સીમાંથી ૯ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રમુખની ચૂંટણી જેવા સમુપકારક ઇલાજનું શું થયું તે મુદ્દાને પણ વારંવાર ટીપવાની જરૂરત છે. સ્વાયત્તતા-ચર્ચા આ જરૂરતથી કેટલી ફંટાઈ ગઈ એનાં લેખાંજોખાં માંડવાની આજે ખાસ જરૂરત છે. એ માટે અકાદમીના વર્તમાન અધ્યક્ષને કે એમની પૂર્વેના અધ્યક્ષને વ્યંગબાણ માર્યાં કરવાનો શો મતલબ છે? એકથી વધુ વાર જઈને સરકારને કહેવાની જરૂરત છે. લડવાની જરૂરત ત્યાં છે.

મારા લેખમાં સ્વાયત્તતાનો મુદ્દો દાખલ કરવા પાછળનો મારો ગર્ભિત આશય પણ એ જ છે કે હવે જે કહેવાનું હોય એ સીધું સરકારને જ કહેવાનું છે. વધુમાં કહું કે ચૂંટાયેલા વિધાનસભ્યોને કે સાંસદોને કહેવાની જરૂરત છે. પ્રશ્નને શિક્ષિત પ્રજાજનોમાં લઈ જવાની જરૂરત છે. શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ સમજી શકે એમ થવું પણ જરૂરી છે. ભણેલું ગુજરાત આખું બોલે કે સમગ્ર વાતમાં સાહિત્યિક બલકે સાંસ્કૃતિક હિત કેટલું તો જોખમાઈ રહ્યું છે, છાપાની કૉલમમાં મુદ્દો લઈ જવા પાછળનો હેતુ જ એ છે કે લોકમત ઊભો થાય.

એક સર્વે અનુસાર, વિશ્વમાં ૧૧માંથી હવે માત્ર બે જ ટોટાલિટેરિયન સ્ટેટ્‌સ બચ્યાં છે. – Eritrea અને North Korea જ્યારે, ૧૬૭ દેશોમાં લોકશાહી પ્રવર્તે છે. એનો અર્થ એ કે વ્યક્તિની સ્વાયત્તતા જોખમાય, તો એની રક્ષાનો એક જ રસ્તો બચે છે અને તે એ કે લોકમત સર્જવો અને લોકશાહીની રીતભાતથી રાજસત્તા સામે લડી લેવું.

પણ આપણે આ બાબતે લોકમત નથી સર્જી શક્યા. સર્વસામાન્ય હકીકત એ છે કે અમદાવાદમાં ભૂવા કેટલા પડ્યા, કઈ પાર્ટીના – કૉંગ્રેસનો કે ભા.જ.પ.નો કયો માણસ કેમ હાલ્યો કે ચાલ્યો, તેની જનસામાન્યને ખાસ્સી જાણ હોય છે, પણ સાહિત્યકારોની આ તકરાર શેને વિશે છે, તેની ભાગ્યે જ કોઈને કશી પણ ખબર છે. જનસામાન્યને વારંવાર લાગે છે કે આપણા સાહિત્યકારો હંમેશાં ‘ઊંચા’ હોવાની ‘ટણી’ – ઍટિટ્યૂડ દાખવતા હોય છે. એટલે કે વિચારવાની પણ જરૂરત છે કે આ મામલામાં સાહિત્યકારને દશાંગુલ ઊંચો સમજી લેવાની જૂની આદત તો નડતર બનીને ભાગ નથી ભજવી રહીને, એ આત્મનિરીક્ષાની પણ જરૂરત છે. ‘સાહિત્યકાર ઊંચો’ એ એક અતિ વપરાશથી મૃતઃપાય થઈ ગયેલું – વૉર્ન આઉટ – નૅરેટિવ છે.

‘ઓપિનિયન’ અંતર્ગત થયેલી ચર્ચામાં એક મિત્રે દર્શાવેલ કે “વરવું તથ્ય એ પણ ઊપસીને સામે આવ્યું કે પરિષદ અને એના આગેવાનો પણ સ્વાયત્તતા અને લોકતંત્ર કરતાં વ્યક્તિનિષ્ઠા અને વ્યક્તિગત પ્રાપ્તિમાં વધુ આસ્થા ધરાવે છે.” મેં એ મિત્રને જણાવેલું કે “જો એ તથ્ય ચિરંજીવી હશે, તો કશું થવાની શક્યતા નથી. લખેલું કે ખરેખર તો સર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિ વચ્ચેના ભેદને સમજવામાં મોડું થયું છે. સર્જન (Creation) ઘરના ખૂણે બેસીને કરવાની વસ્તુ છે, જ્યારે સાહિત્યના હિતને માટેની પ્રવૃત્તિ (Literary activity) એક સ્વરૂપની સામાજિકતામાં લઈ જતી હોય છે ને ત્યારે વ્યક્તિએ વત્તેઓછે અંશે સામાજિકતાનો સ્વીકાર કરવો રહે છે. એમાં કલાના ઉચ્ચાશયોને ઘડીભર બ્રૅકેટમાં મૂકીને એના પ્રસરણના તરીકાઓ માટે તત્પર અને સજ્જન થવું પડે છે. સાહિત્યકલાના પ્રસરણનો એ જ એક ઉપાય છે.”

એ માટે આઇવરી ટાવરેથી નીચે ઊતરવું પડે, પરંતુ આ વાત સિદ્ધાન્તો પાસે બલકે સંસ્થાકીય ઠરાવ ફાઇલોમાં અટકી પડેલી છે. સૂચવાયેલા ભલા ઇલાજો માટે દર્શકને કે નારાયણ દેસાઈને વારંવાર યાદ કર્યા કરવાથી શું વળે? એ એમનો ઉપકાર, બાકી શું ? એમ તો મેં પોતે ઉમાશંકરની, એ શરૂઆતની જેહાદ સંદર્ભે જાહેરમાં સમર્થનાત્મક લખેલું, ‘શબ્દસૃષ્ટિ’નો માનાર્હ તંત્રી હતો તે છતાં! એ જ અન્વયે, તંત્રીપદ છોડ્યું હતું. પણ એ બધું કર્યુંકારવ્યું સંભારી-સંભારીને બીજાઓને સંભળાવ્યા કરવાનું તે શેને માટે? આપણે સત્તા છીએ એવું આપણને લાગ્યા કરે તે સ્વાભાવિક છે પણ એથી કશું નીપજ્યું ન હોય, ત્યારે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનું પણ સ્વાભાવિક લાગવું જોઈએ. મેં લખેલું કે ટીપેલું ટીપ્યા કરવાનો મતલબ શો છે? જરૂરત છે, actionની, ચર્ચાઓની નહીં.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 10 – 12

Loading

...102030...2,6282,6292,6302,631...2,6402,6502,660...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved