Opinion Magazine
Number of visits: 9456462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુભાષચંદ્ર બોઝ : અસ્થિરૂપે ક્યારે આવશે દેશના આ પનોતા પુત્ર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 February 2025

2 માર્ચ, 1938માં હરિપુરામાં સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી

એક રાજકીય વ્યૂહ તરીકે નેતાજી સામેના ષડયંત્રનો ઉકળતો ચરુ ચાલુ રાખવાનું હવે પૂર્વવત્ શક્ય નથી. શોભીતું એ છે કે નેતાજીની વતનવાપસી માટે સત્તાવાર પહેલ થકી એક નિર્ણાયક કદમ ભરાય

પ્રજાસત્તાકના અમૃતપ્રવેશના પાંચ-સાત દિવસો પછી લખી રહ્યો છું ત્યારે હજુ થોડા દિવસ પર જ ગયેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતી આસપાસ હાલના સત્તાવિમર્શ વિશે થોડા સ્ફુટ વિચારો ચાલતા અનુભવું છું.

પ્રકાશ ન. શાહ

સાંભ‌ળું છું કે તામિલનાડુના રાજ્યપાલ રવિ આઝાદ હિંદ ફોજના હયાત સૈનિકોને સન્માને છે. એમાં રાજીપાનો ભાવ, જેઓ વતનની આઝાદી વાસ્તે લડ્યા એમને અંગે કૃતજ્ઞતાપૂર્વક ઉમેરાતો પણ અનુભવું છું. પણ ત્યાં સહસા એક થડકો વાગે છે. રવિજી કહે છે કે આઝાદી મળી એ કંઈ સન બયાલીસની ઑગસ્ટ ક્રાંતિથી નહોતી મળી. એ તો આઝાદ હિંદ ફોજ અને નૌસેનાના બળવાને આભારી છે.

રવિજીનું કહેવું કોઈ એકલસૂર નથી. નવી દિલ્હીના હાલના હુકમરાનોના વૃંદવાદનનો એ કંઈક પ્રત્યક્ષ, કંઈક પરોક્ષ હિસ્સો છે. વરસેક પહેલાં દિલ્હીના ઇતિહાસપ્રતિષ્ઠ લાલ કિલ્લામાં ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમનું સત્તાવાર નવઆયોજન થયું એમાં આઝાદ હિંદ ફોજના ત્રણ સેનાનીઓ પર દેશના બ્રિટિશ શાસને માંડેલા ખટલા સામે બચાવ પક્ષે વરિષ્ઠ કાઁગ્રેસમેન ભુલાભાઈ દેસાઈની આગેવાનીમાં જવાહરલાલ નેહરુ સહિતના ધારાશાસ્ત્રીઓ સામેલ હતા. પણ નવા ધ્વનિ-પ્રકાશ કાર્યક્રમમાં નેહરુનું નામ કમી થયું છે. ગાંધીજી ક્યાંક આવે છે તે અનેકમાંના એક તરીકે, આઝાદીની 1857થી 1947ની લડતમાં કેમ જાણે એટસેટરા!

ભાઈ, નેતાજીએ જુદો રાહ લીધો તે પછી એમણે પરદેશથી કરેલાં રેડિયો વક્તવ્યોમાં 6 જુલાઈ, 1944ના રોજ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. ‘મહાત્મા’ સિવાયની એ પહેલી જાહેર ઓળખ હતી. ફોજની જે ટુકડીઓ હતી એમાં ગાંધી બ્રિગેડ ને નેહરુ બ્રિગેટ પણ હતી. ઑગસ્ટ ક્રાંતિને નિષ્ફળ લેખતી હાલની મંડળીને ઇતિહાસવસ્તુ તરીકે ખબર હોવી જોઈએ કે નેતાજીએ એને ‘મહાકાવ્યોનો સંગ્રામ’ (‘એપિક સ્ટ્રગલ’) તરીકે ઓળખાવેલ છે. 

એક વાત અલબત્ત સાચી કે 1947 સુધી પહોંચતા આપણી સેનાના જવાનોનો મિજાજ સ્વાભાવિક જ બ્રિટિશ શાસનથી ફંટાવા લાગ્યો હતો. જાપાને યુદ્ધકેદી બનાવેલ બ્રિટિશ ભારતીય સૈનિકો, નેતાજી સાથે (જાપાનના સત્તાધીશોની અનુકૂળતાથી) આઝાદ હિંદ ફોજ રૂપે જરૂર ગઠિત થયા હતા અને ‘ચલો દિલ્હી’ના નારા સાથે એમણે ઐતિહાસિક કૂચ કરી હતી. આંદામાન-નિકોબારનાં નવાં નામ ‘શહીદ’ને ‘સ્વરાજ’ એ પાડી શક્યા હતા. પણ ફતેહ તો ઢુંકડી નહોતી. જે મહિમા છે તે એમની કુરબાનીનો છે, અને હંમેશ રહેવાનો છે.

નેતાજીના યોગદાનની કદર તેને ઠેકાણે વાજબી જ છે, પણ એથી ગાંધી ને કાઁગ્રેસની સ્વરાજલડતને તથ્યનિરપેક્ષ રીતે ભોંઠી પાડવાની શી જરૂર છે, સમજાતું નથી. હાલના સત્તામંડળના ને હિંદુત્વ રાજનીતિમાં આ મુદ્દે જે દ્વૈધી ભાવ રહ્યો છે તે જરૂર તપાસલાયક છે. સાવરકર એમના સારુ સવિશેષ સન્માન્ય છે, અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા ચોક્કસ જ એમનું મહદ્‌ અર્પણ છે. પણ 1942ના ‘હિંદ છોડો’થી માંડી તે પછીનાં વર્ષોમાં નેતાજીના ‘દિલ્હી ચલો’ની રણભેરીના ગાળામાં સાવરકર અને હિંદુ મહાસભાની સતત હાકલ હિંદુ યુવકોને બ્રિટિશ હિંદની સેનામાં ભરતી થવાની હતી. 

1941માં હિંદુ મહાસભાના ભાગલપુર અધિવેશનથી શરૂ થયેલી આ ઝુંબેશ પછીનાં વર્ષોમાં મદુરા અધિવેશન સુધી પહોંચતા 1 લાખ જેટલી ભરતીએ પહોંચ્યાનો એમનો જાહેર દાવો ઇતિહાસદર્જ છે. જાપાન આપણી સીમાએ ત્રાટકે ત્યારે સાબદા રહી કચ્ચરઘાણ વાળવાનો છે – અને, જુઓ કે, જાપાન-દીધા સહયોગથી આઝાદ હિંદ ફોજ આવી રહી હતી! સાવરકર મહિમા મંડન અને હિંદુત્વ રાજનીતિનો આ આંતરવિરોધ સમજાય છે? સ્વરાજલડત અંગ્રેજોથી ભારતની મુક્તિ સારુ છે કે હિંદુઓથી મુસ્લિમોની અને મુસ્લિમોથી હિંદુઓની મુક્તિ સારુ? દઈ જાણે. 

ઇતિહાસમાં નોંધાયું છે તે તો એ જ છે કે ભારતની અંગ્રેજી હકૂમતમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સરકારી રક્ષા સમિતિ પર હિંદુ મહાસભા ને મુસ્લિમ લીગના સમર્થનપ્રાપ્ત સભ્યો હોંશે હોંશે સહભાગી હતા.

નેતાજીનાં પુત્રી અનીતાએ આ દિવસોમાં ભારત સરકાર જોગ જાહેર ગુહાર પેઠે ધા નાખી છે કે હવે આટલે વરસે તો ભારતમાતાના પનોતા પુત્રને અસ્થિરૂપે વતન આવવા દો. ઉપરાઉપરી રચાયેલ એકાધિક તપાસ પંચોએ નેતાજીની મૃત્યુ-વિગતને સાચી ઠરાવી હતી. નરસિંહ રાવની સરકારે તે લક્ષમાં લઈ નેતાજીનો અસ્થિકુંભ ભારત આણવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પણ તે પૂરી થાય એ પૂર્વે એમની મુદ્દત પૂરી થઈ ગઈ. આગલા બધા તપાસ અહેવાલો વેગળા મૂકી 1999માં વાજપેયી સરકારે મુખર્જી પંચ નીમ્યું. મુદ્દતો પાડતા રહી પંચે અનુત્તર તરેહનો હેવાલ 2005માં આપ્યો. નેતાજીના પરિવાર સાથેની ચર્ચામાં એમણે સ્વીકાર્યું પણ છે કે અમે અમુક ખુલાસા ટાળ્યા છે, પણ તે કેમ એનો ખુલાસો એમણે આપ્યો નથી.

2014માં કંગના રાણાવતના મૌલિક સંશોધન મુજબ આપણે ‘આઝાદ’ થયા તે પછી મોદી સરકારે અને પશ્ચિમ બંગાળની મમતા સરકારે આ પ્રશ્ને બધી જ ક્લાસિફાઈડ ફાઈલો ખુલ્લી કરી છે. વડા પ્રધાન મોદીના નિમંત્રણથી નેતાજી પરિવારે સત્તાવાર સત્કાર પણ ઝીલ્યો … પણ મુઈ ફાઈલોમાંથી કશું નેહરુ સરકાર સામું નીકળ્યું નહીં તે ન જ નીકળ્યું. એક રાજકીય વ્યૂહ તરીકે નેતાજી સામેની કથિત કોન્સ્પિરસીનો ઉકળતો ચરુ ચાલુ રાખવાનું હવે પૂર્વવત્ શક્ય નથી.

શોભીતું એ છે કે અનીતાજીએ સૂચવ્યું છે તેમ નેતાજીની વતનવાપસી માટે સત્તાવાર પહેલ થકી ઇતિહાસન્યાયનું નિર્ણાયક કદમ ભરાય. ક્યાં સુધી એ ઈમ્ફાલે ઊભા આપણા દિલને દરવાજે દસ્તક દેતા રહેશે … છતે વતન, જલાવતન!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 ફેબ્રુઆરી 2025

Loading

‘હિન્દુધર્મને હિન્દુત્વથી બચાવો !’

રમેશ સવાણી|Opinion - Opinion|3 February 2025

ભારતના અગ્રણી લેખક અરુણ શૌરીએ સૌથી મહત્ત્વપૂર્ણ પુસ્તક લખ્યું છે. તેમનું પુસ્તક ‘The New Icon : Savarkar And The Facts – ધ ન્યૂ આઇકોન : સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ’,નું વિમોચન 30 જાન્યુઆરી 2025ના રોજ થવાનું હતું, પણ તે એક દિવસ માટે મોકૂફ રાખવું પડ્યું. 

સાવરકરના ચાહકો પહેલેથી જ નારાજ છે. મહાત્મા ગાંધીની હત્યા, સાવરકરની વિચારધારાના મૂળ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. ટ્રાયલ કોર્ટમાં સાવરકરે અનેક દાવા કર્યા હતા કે ‘મારે નાથુરામ ગોડસેના ગુના સાથે કોઈ લેવાદેવા નથી !’

શૌરી પોતે ભા.જ.પ. અને RSSના આજીવન વિરોધી રહ્યા નથી. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી (1998-2004) હતા. 

હિંદુ સમાજમાં અસ્પૃશ્યતા સામેના જુસ્સાદાર અભિયાન માટે તેઓ સાવરકરને યોગ્ય શ્રેય આપે છે. ગૌરક્ષા અંગે સાવરકરના સાહસિક અને બિનપરંપરાગત વિચારોને વિગતવાર દર્શાવવામાં આવ્યા છે. 1909માં પ્રકાશિત થયેલ સાવરકરનું પુસ્તક ‘ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ ઓફ 1857’, હિંદુ-મુસ્લિમ એકતાની ભાવનાનું સમર્થન કરે છે. જેણે તે સમયે બ્રિટિશ શાસન સામે ભારતીયોના સામાન્ય સંઘર્ષને પ્રેરણા આપી હતી.

પરંતુ આ એવા કારણો નથી કે જેના કારણે સાવરકર (1883-1966) હિંદુ દક્ષિણપંથીના  ‘નવા પ્રતીક’ બની જાય. વાસ્તવમાં, તેમના ચાહકો 1857માં ગાય અને હિંદુ-મુસ્લિમ એકતા અંગેના તેમના વિચારોને આજે છૂપાવવા માંગે છે. 2014 પછી સાવરકરને સૌથી મોટા હિંદુ હીરો એટલે બનાવ્યા કે તે ‘નવા ભા.જ.પ.’ના સમર્થનને મજબૂત કરવા અને તેને સત્તામાં રાખવા માટે મુસ્લિમ વિરોધી નફરત / ધૃણા / દ્વેષને વૈચારિક અને પ્રેરણાત્મક બળતણ પૂરું પાડે છે. આ આધાર દેશભક્તિને આક્રમક હિંદુ સર્વોપરિતાવાદ સાથે સરખાવે છે જેની હિમાયત સાવરકરે આંદામાનની સેલ્યુલર જેલમાંથી (1911-21) છૂટ્યા પછી કરી હતી. RSSના સ્થાપક હેડગેવાર અથવા તેના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા ગોલવલકર કરતાં પણ સાવરકર હિંદુ રાષ્ટ્રવાદના ધ્રુવીકરણ માટે વધુ ઉશ્કેરણીજનક સમર્થન પૂરું પાડે છે.

આ પુસ્તકમાં, શૌરી એક નીડર મૂર્તિભંજક છે. ‘સાવરકર ભારતના સ્વાતંત્ર્ય ચળવળના મહાન ક્રાંતિકારી નેતા હતા’ આ વ્યાપક પ્રચલિત માન્યતાને તેઓ ખોટી સાબિત કરે છે. તેમની 9 દયા અરજીઓનું પૃથ્થકરણ કર્યા પછી, જેમાં સાવરકરે જેલમાંથી મુક્ત થવા પર અંગ્રેજો પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું, શૌરી નિર્ણાયક રીતે બતાવે છે કે કેવી રીતે સાવરકરે, 1921થી 1947 સુધી, ‘તેમણે જે કરવાનું વચન આપ્યું હતું તે કર્યું’ એટલે કે અંગ્રેજોની સેવા-ચાકરી કરી. તેણે આ બે રીતે કર્યું : એવા સમયે જ્યારે શક્તિશાળી સંસ્થાનવાદી સામ્રાજ્યને હરાવવા માટે સૌથી વ્યાપક અને મજબૂત રાષ્ટ્રીય એકતાની જરૂર હતી, ત્યારે તેમણે સ્વતંત્રતા ચળવળને સામાજિક અને રાજકીય રીતે વિભાજિત કરવામાં ફાળો આપ્યો. અંગ્રેજો નહીં પણ મુસલમાનોને અસલી દુ:શ્મન તરીકે રજૂ કરીને સામાજિક એકતા ખંડિત કરી. તેમણે ભારત છોડો આંદોલનની આલોચના કરી. સુભાષ ચંદ્ર બોઝથી વિપરીત, તેમણે અંગ્રેજોને ટેકો આપ્યો. અલબત્ત, આ રમતમાં સાવરકરની હિન્દુ મહાસભા એકલી નહોતી. મુહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગે આખરે ભારતના વિભાજનમાં વધુ મજબૂત અને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જે અંગ્રેજોનું વ્યૂહાત્મક લક્ષ્ય હતું. પરંતુ મુસ્લિમ લીગની જેમ, સાવરકરનો પણ પોતાનો ‘દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત’ હતો, જે અંગ્રેજો માટે ખૂબ અનુકૂળ હતો. ઝીણા એ જ સિદ્ધાંત પર આગળ વધ્યા હતા પણ તે પહેલા સાવરકરે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજનને આગળ ધપાવવાનું શરૂ કરી દીધું હતું.

મુસોલિની અને હિટલરના પ્રશંસક સાવરકર લોકશાહીના વિરોધી હતા અને એક માણસની સરકારની હિમાયત કરતા હતા. ‘ભારતીય ઇતિહાસના છ ગૌરવપૂર્ણ યુગ’માં, તેમણે કહ્યું હતું કે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ક્યારે ય અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતા નહીં. તેથી તેમણે હિંસાનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. સાવરકરે મુસ્લિમ મહિલાઓ પ્રત્યે ઉદારતા દર્શાવવા માટે શિવાજીની આલોચના કરી હતી.

શૌરી સાવરકર દ્વારા પ્રચારિત નફરતના કેટલાક પરિણામોની યાદી આપે છે : ટ્રક ડ્રાઈવરને બહાર ખેંચીને મારી નાખવો; એક લાચાર, ગરીબ બંગડી વેચનારની ટોપલી ઉથલાવી તેને માર મારવો; શાળાની છોકરીઓને ડરાવવી; ‘લવ-જેહાદ’ના નામે યુગલોને મારઝૂડ કરવી; મુસ્લિમોની દુકાનોનો બહિષ્કાર કરવા એલાન કરવા; ઘરોને બુલડોઝ કરવા …

આ જોખમી પુસ્તક લખવા માટે શૌરી કેમ મજબૂર બન્યા? પુસ્તકનું છેલ્લું પાનું જવાબ આપે છે. ભારત હાલમાં હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચેના સંઘર્ષમાં ફસાયેલ છે. હિંદુધર્મ અલગ છે અને હિંદુત્વ અલગ છે. હિંદુત્વ એ રાજ્યને કબજે કરવાનો, વર્ચસ્વ જમાવવાનો, જાળવી રાખવાનો, પ્રોજેક્ટ છે. હિન્દુધર્મ માટે સત્યનું પાલન, નમ્રતા, સેવા, નૈતિક આચરણ જરૂરી છે. તેનાથી વિપરિત, હિંદુત્વ એવી ચીસો પાડે છે કે આપણે દરેક રીતે રાજ્ય પર કબજો જમાવો / આપણે સમાજને દરેક રીતે વશ કરો / જૂઠ અને બળ, ધમકીઓ અને ક્રૂરતા, છેતરપિંડી અને લાંચનો ઉપયોગ કરો ! જ્યારે કોઈ ધર્મને રાજ્ય અને તેના હેતુઓ માટે બળજબરીથી એક સાધન બનાવવામાં આવે છે, ત્યારે તે તેને ગળી જાય છે. એટલે શૌરી ભાવુકતાપૂર્વક કહે છે : ‘હિન્દુધર્મને હિન્દુત્વથી બચાવો ! 

[સૌજન્ય : સુધીન્દ્ર કુલકર્ણી, 30 જાન્યુઆરી, 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દુનિયાની ચિંતા

કવિઃ  કુંવર નારાયણ [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|3 February 2025

નાની અમથી દુનિયા

મોટા મોટા પ્રદેશો

દરેક પ્રદેશમાં મોટા મોટા લડવૈયા

દરેક લડવૈયાની મોટી મોટી બંદૂકો

દરેક બંદૂકના મોટા મોટા ધડાકા

બધાંને દુનિયાની ચિંતા

દુનિયાને બધાંથી ચિંતા

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...261262263264...270280290...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved