Opinion Magazine
Number of visits: 9576538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુઓ માટે કઈ ત્રણ ચીજ પરાઈ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|1 December 2019

હિંદુઓ માટે ત્રણ ચીજ સાવ પરાઈ છે.

એક આત્મકથા-લેખન. પોતે થઈને પોતાના વિષે લખે એ કેટલી મોટી ગુસ્તાખી! કોઈ અભિમાની આત્મરતિથી પીડાતો માણસ જ આમ કરે. આત્મકથા લેખન તો ઠીક, આપણે ત્યાં એવા અનેક ગ્રંથો છે જેમાં કર્તાનું નામ નથી અથવા પુરોગામી કર્તાઓનાં નામ આપવામાં આવ્યાં છે. જેમ કે વ્યાસના નામે અનેક ગ્રંથો છે જે મહાભારતકાર વ્યાસ પછી થયેલા વિદ્વાનો કે સર્જકો દ્વારા લખાયા છે, પણ તેમણે પોતાનું નામ આપવાની જગ્યાએ વ્યાસનું નામ મૂક્યું હતું. આનું મુખ્ય કારણ નમ્રતા. “મેં કઈ એવી મૌલિક વાત કહી છે જે આગળના વિદ્વાનોએ નથી કહી!” વિચાર એક પરંપરા છે, એક ધારા છે એટલે એમાં ઉમેરો હોય, હજુ વધુ સ્પષ્ટતા હોય; પણ સાવ નવું કે મૌલિક કશું ન હોઈ શકે. આવી નમ્રતાથી પ્રેરાઈને અનેક લેખકોને પોતાનાં પુસ્તકમાં લેખક તરીકેનું પોતાનું નામ નથી જાહેર કર્યું. આને કારણે વ્યાસ એ વ્યક્તિ નથી, પરંતુ પરંપરા છે એમ માનવામાં આવે છે.

પોતાના ધર્મને અને પોતાના ધર્મગ્રંથને વિચારના આ પ્રવાહથી, પ્રવાહપતિતતાથી અને એમાં સ્વાભાવિકપણે રહેલી મર્યાદાઓથી બચાવી લેવા માટે ધાર્મિકજનો તેને અપૌરુષેય કહે છે. વેદ કોઈ પુરુષની રચના નથી એટલે એમાં કહેવાયેલ પ્રત્યેક વાક્ય મૌલિક છે. એ કથનો પહેલીવાર કહેવાયેલાં છે અને માનવજાતના કલ્યાણ માટે ઈશ્વરે કહેલાં છે. કુરાન માટે પણ આમ જ કહેવાય છે. અંગ્રેજીમાં આને રિવીલેશન કહે છે. ખાસ તમારા માટે ઈશ્વરે કહેલું દર્શન. તો વિચાર એક પ્રવાહ છે અને પ્રવાહનું સ્વરૂપ એવું છે કે ધાર્મિક લોકોને પોતાના ધર્મગ્રંથોની કહેવાતી મૌલિકતા બચાવવા માટે તે ‘અપૌરુષેય’ હોવાનો આશરો લઈને તેને તેનાથી બહાર રાખવા પડ્યા છે. આ રીતે જોઈએ તો જે વિચારકોએ પોતાના ગ્રંથના કર્તા તરીકે પોતાનું નામ નથી આપ્યું એ લોકો ખરેખર મહાન હતા.

જો કે આ પરંપરાનો દુરુપયોગ પણ થયો છે. જો કોઈ પૂર્વસૂરીનું નામ આપવાથી પોતાનો ગ્રંથ કાળના ચાળણામાંથી બચતો હોય અને અમર થતો હોય તો મોકો ઝડપવો જોઈએ એવી ગણતરીથી પણ ગ્રંથના કર્તાઓએ પોતાનાં નામ આપ્યાં નથી. હું ભલે અમર ન થાઉં, પણ મારો પરિશ્રમ બચી નીકળે તો ઘણું. નામ છૂપાવવા પાછળની ગ્રંથકર્તાની પ્રેરણા નમ્રતા હોય કે સ્વાર્થ પણ આ પરંપરાને કારણે વિચારવિમર્શમાં સમસ્યાઓ પેદા થઈ છે. કોણ ક્યારે થયો અને કોણે કોની પાસેથી શું લીધું એના તાળા મળતા નથી. ગમે તે દાવાઓ થઈ શકે અને દરેક પાસે પ્રમાણ છે. આપસમાં ઝઘડવું હોય તો પણ પ્રમાણ મળી રહેશે અને એક બીજાનું એક બીજા પરનું ઋણ સ્વીકારવું હોય તો પણ પ્રમાણ મળી રહેશે. આમ એક બીજા પર સરસાઈ મેળવવા ઇચ્છનારાઓને આમાંથી ભરપૂર મસાલો મળી રહે છે.

બીજું, માણસ આખરે માણસ હોય છે. કીર્તિની વાસના પ્રબળ વાસનાઓમાંની એક છે. હવે આત્મકથા લખીને સ્વપ્રસંશા કરવી એ તો આપણે ત્યાં અવિવેક ગણાય એટલે બીજા દ્વારા પ્રશસ્તિગાનો લખાવવાનું શરૂ થયું. બીજા આશ્રિત માણસ પાસે જ્યારે વ્યક્તિની પ્રશસ્તિ કે કૂળપ્રશસ્તિ લખાવવામાં આવે ત્યારે પહેલી ખો સત્યને અને પ્રમાણભાનને આપવામાં આવે. સાવ અસત્ય પણ હોય અને અતિશયોક્તિઓ પણ હોય. આમાંથી આપણે ત્યાં ભાટ-ચારણ-બારોટની એક પરંપરા વિકસી છે. આવાં પ્રશસ્તિગાનોમાં કહેવાયેલી વાતોને પ્રમાણ તરીકે ન લઈ શકાય.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે બીજા પાસે પ્રશસ્તિ કરાવવાને કારણે અને પોતાના કથનને પોતાના કથન તરીકે નહીં કહેવાને કારણે અથવા બીજાના નામે કહેવાને કારણે વસ્તુનિષ્ઠાને કેટલી હાનિ પહોંચી છે! પહેલી નજરે જે નાની વાત લાગે છે તેણે એક બીજા પર સરસાઈ ધરાવવા ઇચ્છનારાઓ માટે, અંગ્રેજીમાં કહીએ તો ફ્રી ફોર ઑલ જેવી સ્થિતિ પેદા કરી આપી છે. કહો જે કહેવું હોય તે, પ્રમાણ મળી રહેશે. આને કારણે આપણે ત્યાં સાંકડી, સંકીર્ણ, સંપ્રદાયીક એજન્ડાવાળી અને કૃતક (જૂઠી) વિદ્વત પરંપરા વિકસી છે.

હવે આનો કોઈ ઉપાય ભલે નથી, પણ આપણી પરંપરાની સારી-નરસી બાજુ સમજી લીધી હોય તો આપણે વિવેક તો જરૂર કરી શકીએ. વર્તમાનમાં અને ભવિષ્યમાં આપણું અને આપણાં સંતાનોનું હિત છે એટલે અતીતને જોતાં શીખવું જોઈએ. જે લોકો પોતાના વર્તમાન અને ભવિષ્યને સુધારવા માટે અતીતનો ઉપયોગ કરે છે તેમનો એજન્ડા સમજી લેવો જોઈએ. તેઓ અતીતનો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે કરે છે અને તમે અતીત માટે વર્તમાન અને ભવિષ્ય ગુમાવો છે. આની ગંભીરતા સમજાય છે?

હિંદુઓ માટે બીજી પરાઈ ચીજ દસ્તાવેજીકરણ છે. ઇતિહાસની ઇન્દ્રિય જ આપણે ધરાવતા નથી એટલે કોઈ ઐતિહાસિક ચીજનું મૂલ્ય આપણને સમજાતું જ નથી, પછી એ વસ્તુ હોય કે દસ્તાવેજ. જો બનારસ જવાનું થાય તો સારનાથના સંગ્રહાલયમાં અવશ્ય જજો. ત્યાં અશોકના શિલાલેખમાંના ચાર દિશામાં જોનારા ચાર સિંહવાળો અશોકસ્તંભ ભગ્ન અવસ્થામાં રાખવામાં આવ્યો છે. એ ચાર સિંહોવાળો સ્થંભનો હિસ્સો બસો-ત્રણસો વરસ સુધી અવાવરુ ખંડેરમાં પડ્યો હતો અને કોઈએ તેને હાથ નહોતો લગાડ્યો. કોઈએ ચોરી પણ નહોતી કરી. બીજા કોઈ દેશમાં આ અમૂલ્ય ઐતિહાસિક ચીજ પડી હોત તો ચોરાઈ ગઈ હોત અને અબજોમાં વેચાતી હોત!

અંગ્રેજોએ સારનાથના ખંડેરને સુરક્ષિત કર્યું હતું અને ચાર સિંહવાળા અશોકસ્તંભને મ્યુઝિયમમાં મૂકાવ્યો હતો. આપણે અવશેષ અને ખંડેર વચ્ચેનો ફરક સમજતા જ નથી. અવશેષ આપણે મન ખંડેર છે. એટલે બનારસમાં જગતગંજ નામની કોલોની સારનાથની ઇંટોથી બંધાઈ છે અને બિહારમાં નાલંદા નજીકનું આખું ગામ નાલંદા વિશ્વ વિદ્યાલયના અવશેષોથી એટલે કે ત્યાંની ઇંટોથી બંધાયું છે. અંગ્રેજોએ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરીને આપણાં ખંડેરોને અવશેષોમાં ફેરવી આપ્યાં હતાં. આપણે જ્યારે રાષ્ટ્રવાદી બની જઈએ છીએ અને કોહિનૂર અને મયૂરાસન માટે લોહી ઉકળી ઊઠે છે ત્યારે આપણે આપણી પરંપરાનું આ પાંસુ પણ સમજી લેવું જોઈએ.

આમ દસ્તાવેજ રાખવાની અને પાછળ મૂકી જવાની આવશ્યકતા આપણને ક્યારે ય સમજાતી નથી. દૂરની ક્યાં વાત કરીએ આપણા દાદા વિષે બે વાત કહેવી હોય તો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ નહીં મળે. મારા પિતાશ્રીની ચોક્કસ જન્મતારીખ અને વર્ષ અમારી પાસે નથી. કોઈ ઘટના ક્યારે બની હતી એમ કહેવું હોય તો મારાં બા કહેતાં કે જયહિન્દ પહેલાં દસ-બાર વરસે વગેરે. મોટા મોટા દુકાળો આપણે ત્યાં માઈલસ્ટોન્સ તરીકે વપરાય છે. આ આપણો સ્વભાવ છે. સ્થાયીભાવ છે. આજે પણ છે. ફિલ્મ આર્કાઇવના ક્યુરેટર રહી ચૂકેલા મારા મિત્ર અમૃત ગંગર કહે છે કે કોઈ હિંદુને મ્યુઝિયમમાં ક્યુરેટર નહીં બનાવવો જોઈએ, કારણ કે સાચવણ હિંદુના સ્વભાવમાં નથી.

જ્યારે રેકોર્ડ રાખવામાં જ ન આવે અને જે રેકોર્ડ હોય તેને જાળવવામાં ન આવે તો સ્વાભાવિકપણે તેને કારણે પેદા થતા શૂન્યાવકાશનો ઉપયોગ આગળ કહ્યું તેવા પોતાના વર્તમાન અને ભવિષ્ય સુધારવા માટે ઇતિહાસનો ઉપયોગ કરનારા કરવાના છે. જેટલો ઇતિહાસ સંદિગ્ધ એટલો તેમને ફાયદો. અહીં પણ તમારે સમજી લેવું જોઈએ કે તેઓ નક્કર દસ્તાવેજરહિત સંદિગ્ધ અતીતનો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે કરે છે અને તમે અતીત માટે વર્તમાન અને ભવિષ્ય ગુમાવો છે.

અને હિંદુઓ માટે ત્રીજી અજાણી ચીજ છે; ઇતિહાસલેખન જેની વાત હવે પછી. 

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 ડિસેમ્બર 2019

Loading

હવાની હાલતઃ ન દેખાતું પ્રદૂષણ ધાર્યા કરતાં મોટું જોખમ બની ચૂક્યું છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 December 2019

૨૦૫૦ સુધીમાં ભારતમાં હવાનાં પ્રદૂષણને કારણે થતાં મૃત્યુનો આંકડો વર્ષે ૩.૬ મિલિયન સુધી પહોંચશે

તાજેતરમાં લંડનની યુનિવર્સિટી કૉલેજમાં થયેલા એક અભ્યાસ અનુસાર જે વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર બહુ વધારે હોય ત્યાં રહેનારાઓને ગ્લુકોમાની તકલીફ થવાની શક્યતાઓ વધી જાય છે. આ સમાચાર વાંચીને મોટે ભાગે તો આપણા પેટનું પાણી પણ નથી હાલવાનું કારણ કે આપણે આપણા સલામત ઘરમાં છાપું પકડીને બેઠા છીએ અને રવિવારની સવાર માણી રહ્યાં છીએ. દિલ્હીમાં હવાનાં પ્રદૂષણનાં હાલ વિષે જેને ખબર હોય એને આમ નહિવત્ કહી શકાય તેવો વિચાર ફરકી જાય કદાચ કે, ‘માળું દિલ્હીવાળાને હવે આ ય નડવાનું’ પણ બસ ત્યાં આ વિચાર અને વાત અટકી જવાના. અહીં જ આપણે થાપ ખાઇએ છીએ.

આ કિસ્સામાં આપણે ‘દિલ્હી અભી દૂર હૈ’માંથી આપણે ‘અભી’ શબ્દ કાઢીને નિરાંતનો ‘ચોખ્ખો’ શ્વાસ લઇએ છીએ કે આપણને આમાંનું કશું ય લાગતું વળગતું નથી. આ અભિગમ એ બહુ મોટી ભૂલની હરણફાળ છીએ. આપણાં દેશની ઉત્તર દિશા ધૂંધળી, મેલી અને પ્રદૂષણથી ખદબદી રહી છે પણ એ રાજકારણને કારણે નહીં, હવાની સતત બગડી રહેલી ગુણવત્તાને કારણે. દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં આપણે ત્રીજા નંબરે છીએ અને આપણી રાજધાની દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીઓની યાદીમાં મોખરે છે.  દિલ્હીમાં હવાનાં પ્રદૂષણને પગલે ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરાઇ છે તો શાળા બંધ રાખવાની ફરજ પણ પડી ચૂકી છે. સરકારી અધિકારીઓ અને વડાપ્રધાનની કચેરીમાં ૨૦૧૭ સુધીમાં જાહેર જનતાનાં નાણાંથી એર પ્યુરિફાયર્સની ખરીદી પણ થઇ ચૂકી હતી, પણ આમ જનતાને આ જોખમમાંથી કોઇ રાહત નથી મળી રહી. આ પરિસ્થિતિ હવા પ્રદૂષણનાં ઉકેલ માટે જરૂરી ગંભીરતા પૂરી પાડે છે પણ છતાં ય આ સમસ્યાનાં ઉકેલની દિશામાં બહુ મોટા પાયે કંઇ થતું હોવાનું હજી નજરે નથી ચઢ્યું.

આજકાલ અખબારોમાં અને અન્ય પ્રસાર માધ્યમોમાં એર પ્યુરિફાયરની જાહેરાતો અને તે અંગે લખાણો આવવાં માંડ્યાં છે અને તે પૂરતી સાબિતી છે કે આપણે પ્રદૂષણનાં સંકજામમાં કઇ હદે સપડાઇ ચૂક્યાં છીએ. તમારા અને મારા ઘરમાં પ્રદૂષણની હેરાનગતિ નથી એટલે આપણે તેનાંથી બચ્યાં છીએ કે બચેલાં રહેશું એવું માની લેવાની ગુસ્તાખી ન કરીએ તો વધારે સારું. શહેરી વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ મોટે ભાગે ટ્રાફિક, અશ્મિગત ઇંધણ, પાવર પ્લાન્ટ્સ, ખેતી અને વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઉદ્યોગોને કારણે ફેલાતું હોય છે. દિલ્હીની આસપાસ કોલસાથી ચાલતાં પ્લાન્ટ્સ ઘણાં છે તો પંજાબમાં ખેડૂતો નકામી કુશકી અને ધાનનો કચરો બાળે છે તે પણ હવાનાં પ્રદૂષણમાં મોટો વધારે કરે છે.

હવાનાં પ્રદૂષણનું સ્તર મોટે ભાગે તેમાં રહેલા હાનિકારક કણોનાં પ્રમાણને આધારે માપવામાં આવે છે. આપણો ગ્રહ અત્યારે હૉલીવૂડની ફિલ્મોમાં જે વિનાશ નોતરાતો દેખાડાય છે સ્થિતિ તરફ ધસતો હોવાની શરૂઆત થવા માંડી છે અને આ માટે એક માત્ર જવાબદાર માણસજાત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનનાં મતે દુનિયા આખીમાં હવાનું સ્તર કથળી રહ્યું છે અને તેને કારણે થતાં અપમૃત્યુનો આંકડો સાત મિલિયને પહોંચ્યો છે. હવાનાં પ્રદૂષણને પગલે વિશ્વ આખાનાં અર્થતંત્ર, ખાદ્ય સલામતી અને ક્લાઇમેટ પર જોખમ તોળાઇ રહ્યું છે.  પાણીમાં પ્રદૂષણ થાય ત્યારે એ આંખોમાં કણાની જેમ ખૂંચે છે કારણ કે એ નરી આંખે જોઇ શકાય છે. હવાનાં મામલે આમ નથી થતું એટલે હવા પ્રદૂષણની ગંભીરતા સમજવામાં આપણે પાછા પડીએ છીએ. એમેઝોનનાં જંગલોની આગ હોય કે પછી કેલિફોર્નિયા કે પછી ઇન્ડોનેશિયામાં આ ઉનાળે લેન્ડ ક્લિયરન્સની આગ હોય આ બધાંને પગલે આકાશનો દેખાવ કેવો થયો હતો તેનાં દ્રશ્યો ભુલાય એમ નથી. તમને ફરી એમ થશે કે બૉસ, આપણાં જંગલોમાં ક્યાં આવું થયું છે તે આપણે ચિંતા કરીએ. ચિંતાની વાત તો જરૂર છે કારણ કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ૨૦૫૦ સુધીમાં ભારતમાં હવાનાં પ્રદૂષણને કારણે થતાં મૃત્યુનો આંકડો વર્ષે ૩.૬ મિલિયન સુધી પહોંચશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દસમાંથી નવ જણ હવાનાં પ્રદૂષણનાં જોખમી સ્તરનાં પ્રભાવમાં આવે છે, પછી ભલેને તમે દુનિયાનાં કોઇ પણ ખૂણે કેમ ન રહેતા હો.

નેશલન ક્લિન એયર પ્રોગ્રામ અનુસાર ભારતમાં ૧૨૯ શહેરો છે જેની હવામાં હાઇ પાર્ટીક્યુલેટ કોન્સટ્રેશન એટલે કે હાનિ પહોંચાડે તેવા કણોની હાજરી છે. પ્રદૂષણ માત્ર ઉત્તર ભારત પૂરતું નથી પણ ચેન્નઇમાં પણ હવા પ્રદૂષણને કારણે લોકોને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ થઇ હોવાનાં સમાચાર આવ્યા છે. આ પ્રદૂષણ સામે પગલાં લેવા માટે આપણી વર્તમાન નીતિ પાછી પડે એમ છે. સરકારે હવા પ્રદૂષણ સામે લડવા માટે કેન્દ્રિય નીતિ બનાવીને તેનું અમલીકરણ પ્રદૂષણથી હેરાન થઇ રહેલાં બધાં જ રાજ્યોમાં થાય તેની તકેદારી રાખવી પડશે. કેન્દ્ર સરકાર આ મામલે દોષનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળી દેશે તો સમસ્યાનો ઉકેલ તો નથી જ આવવાનો. ફેફસાં કે હ્રદયની બિમારીથી થતાં એક તૃતિયાંશ મૃત્યુ હવાનાં પ્રદૂષણને કારણે થયાં હોય છે. પાકિસ્તાનની હવાની હાલત પણ કથળેલી છે.  તાજેતરમાં સુપ્રિમ કોર્ટે હવાનાં પ્રદૂષણ સામે કડક પગલાં ન લેવાતા હોવાની વાતે રાજ્ય અને સ્થાનિક સત્તાધીશો તથા સરકારને આકરી ભાષામાં ઝાટક્યાં છે. એ જજે તો ત્યાં સુધી કહ્યું કે કોથળામાં દારૂગોળો ભરીને બધાંને એક સાથે જ મારી નાખો, શા માટે આવી રીતે લોકોએ વેઠવું જોઇએ.

વિકાસશીલ દેશ હોવાને નાતે આપણે ગામડાંઓમાં બાળવામાં આવતા કચરા, રાંધવામાં બાયોમાસ અને અશ્મિગત ઇંધણનાં ઉપયોગ, કેરોસિનનો ઉપયોગ વગેરે ટાળી શકાય તે દિશામાં કામ કરવું રહ્યું. સૌર ઉર્જાનો વધુમાં વધુ વપરાશ તો શહેરોમાં ઇલેક્ટ્રીક વાહનોનાં ઉપયોગ પર ભાર મૂકવા જેવાં પરિવર્તનો પરિસ્થિતિને બદલશે. આ પરિવર્તન ધીમું ચોક્કસ હોઇ શકે છે પણ સરકાર આ મુદ્દાને વધારે ગંભીરતાથી લે તો તેનું પરિણામ ચોક્કસ મળશે. હાઇબ્રિડ કાર્સની કિંમતો અને કરવેરામાં હળવાશ લોકોને એ દિશામાં વિચારતાં કરશે.

જે રીતે ૨૦૧૩માં ચીને પ્રદૂષણની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે તત્કાલ પગલાં ભર્યા હતાં તેવું જ ભારત સરકારે પણ કરવું પડશે. ૨૦૧૩ની શરૂઆતમાં ચીનની સરકારને પ્રદૂષણનાં જોખમની ગંભીરતા સમજાતાં તરત જ સરકારે ૨૭૭ બિલિયન ડૉલર્સ(ભારતનાં વર્તમાન અર્થતંત્રનો દસમો હિસ્સો)ની યોજના જાહેર કરી જે ૨૦૧૭ સુધીમાં આખા દેશ પર લાગુ કરવાની હતી. કોલસાથી ચાલતાં નવાં શરૂ થયેલાં બોઇલર પ્લાન્ટ્સ પર પ્રતિબંધ મુકાયો તો જૂનાં પર કાર્બન એમિશન ઘટાડવાની હુકમ ફરમાવાયો. આયર્ન અને સ્ટીલનાં પ્લાન્ટ્સને ઉત્પાદન ઘટાડવાનું કહેવાયું તથા મોટાં શહેરોમાં હાઇ-એમિશન વાહનો પર પ્રતિબંધ મુકાયો. ૨૦૧૭માં ચીનનાં વિવિધ વિસ્તારોમાં હવાનાં પ્રદૂષણમાં ૩૬ ટકાથી મમાંડીને ૪૧ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. યુ.એસ.એ.ને સિત્તેરનાં દાયકામાં લાગુ કરાયેલા ક્લિન એયર એક્ટ પછી સંજોગોને કાબૂમાં લાવતા લગભગ એક દાયકા જેટલો સમય લાગ્યો હતો. યુનાઇટેડ કિંગ્ડમમાં આ ધારો ૧૯૫૬માં લાગુ કરાયો કારણ કે ૧૯૫૨માં તેમણે લંડનમાં ગ્રેટ સ્મોગની સ્થિતિ વેઠવી પડી હતી. આપણે ત્યાં આ ધારો ૧૯૮૧થી છે પણ તેનાથી આપણે અત્યારની પરિસ્થિતિથી બચી નથી શક્યાં. હવાનું પ્રદૂષણ સિઝનલ સમસ્યા ભલે વર્તાતી હોય પણ તેની અસર લાંબો સમય રહે અને લોકોનાં સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. હવા પ્રદૂષણનાં ઘણાં કારણો ગ્લોબલ વૉર્મિંગનાં કારણ પણ છે એટલે જો આ પ્રશ્ન ઉકેલાય તો ક્લાઇમેટની કટોકટીમાં પરિવર્તન લાવવામાં પણ આપણું યોગદાન હોઇ શકે છે.

બાય ધી વેઃ 

દિલ્હીની સરખામણી ગેસ ચેમ્બર્સ સાથે થઇ ચૂકી છે અને દુનિયા આખી માટે ભારતનું ‘સ્મોગ’ ઠેકડી ઉડાડવાનો મુદ્દો બની ચૂક્યું છે તેમ પણ સુપ્રિમ કોર્ટે કહ્યું છે. આમ તો ભારતે આ વર્ષે ધી ક્લાઇમેટ એન્ડ ક્લિન એયર કોએલિશનનો હિસ્સો બનીને આ સમસ્યાનાં ઉકેલ તરફ પ્રયાણ ચોક્કસ ભર્યું છે પણ છતાં ય કેન્દ્ર સરકારે લાંબા ગાળાનો અને સસ્ટેનેબલ ઉકેલ શોધવો રહ્યો. માત્ર કોઇ યોજનાનો હિસ્સો બનવાથી સમસ્યાઓ નથી ઉકેલાઇ જતી. ભારત રાતોરાત ચીનની માફક બધું બદલી નહીં શકે પણ હવા પ્રદૂષણ નામનાં આ ન વર્તાતા હત્યારા સામેની લડતનો નિર્ણય વધુ મક્કમ કરવાની જરૂર છે. ચેતવણીમાંથી જોખમનાં સ્તરે તો આપણે આવી પહોંચ્યા છે હજી કેટલાં ફેફસાં અને હ્રદય નબળા પડવા દઇશું?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2019 

Loading

ટૉલ્સ્ટૉય શતાબ્દી

મો.ક. ગાંધી|Gandhiana|1 December 2019

વડીલોનું શ્રાદ્ધ

મારી પોતાની માનસિક સ્થિતિ અત્યારે મુદ્દલ એવી નથી કે હું એક્કે તિથિ અથવા એકે ઉત્સવ ઉજવવાને લાયક રહ્યો હોઉં. થોડા વખત પર नवजीवन કે यंग इन्डियाના એક વાચકે મને પ્રશ્ન પૂછેલો : "તમે શ્રાદ્ધ વિશે લખતાં લખી ચૂક્યા છો કે વડીલોનું ખરું શ્રાદ્ધ તેમની પુણ્યતિથિને દિવસે તેમના ગુણોનું સ્મરણ કરવાથી ને તે પોતાનામાં વણી કાઢવાથી થઈ શકે છે. તેથી હું પૂછું છું કે તમે તમારા વડીલની શ્રાદ્ધતિથિ કઈ રીતે ઊજવો છો?'' વડીલની શ્રાદ્ધતિથિ હું જુવાન હતો ત્યારે ઊજવતો. પણ અત્યારે તમને કહેતાં શરમાતો નથી કે મને વડીલની શ્રાદ્ધતિથિનુ સ્મરણ સરખું ય નથી. કેટલાંયે વર્ષો થયાં એક પણ શ્રાદ્ધતિથિ ઊજવ્યાનુ મને સ્મરણ નથી. એટલી મારી કઠિન સ્થિતિ છે, અથવા કહો કે સુંદર સ્થિતિ છે, અથવા કેટલાક મિત્રો માને છે તેમ ગાઢ મોહની સ્થિતિ છે. જે કાર્ય હાથમાં લીધું હોય તેનું ચોવીસે કલાક રટણ કરવું, મનન કરવું, જેટલે અંશે બને તેટલે અંશે તેને સુવ્યવસ્થિત કરવું તેમાં બધું આવી જાય છે એવું મારું માનવું છે.

એમાં વડીલોની શ્રાદ્ધતિથિ ઊજવવાનુ આવી જાય છે, ટૉલ્સ્ટૉય જેવાના ઉત્સવો પણ આવી જાય છે. દાક્તર હરિપ્રસાદે મને જાળમાં ન ફસાવ્યો હોત તો તદ્દન સંભવિત છે કે આ દસમી તારીખ મેં કોઈ પણ રીતે આશ્રમમાં ઊજવી ન હોત; એવો પણ સંભવ છે કે હું તે વીસરી ગયો હોત. ત્રણ માસ પૂર્વે મારી પાસે એલ્મર મૉડ તેમ જ ટૉલ્સ્ટૉયનુ સાહિત્ય એકઠું કરનારા બીજાઓ તરફથી કાગળો આવેલા કે આ શતાબ્દી નિમિત્ત મારે કંઈક લખી મોકલવું, અને આ તારીખનું હિંદુસ્તાનમાં સ્મરણ દેવડાવવું. એલ્મર મૉડના કાગળનું તારણ કે આખો કાગળ यंग इन्डियाમાં છાપેલો તમે જોયો હશે. તે પછી પાછો હું આ વાત તદ્દન ભૂલી ગયેલો. આ પ્રસંગ મારે સારુ એક શુભ અવસર છે. છતાં ય એ હું ભૂલી ગયો હોત તો પશ્વાત્તાપ ન કરત પણ યુવકસંઘના સભ્યોએ આ તિથિ અહીં ઊજવવાનો પ્રસંગ આપ્યો એ મારે માટે આવકારલાયક છે.

ધર્મગુરુને શોધું છું

દત્તાત્રેયની માફક મેં જગતમાં ઘણા ગુરુ કર્યા છે એમ હું મારે વિશે કહી શકું તો મને ગમે, પણ મારી એ સ્થિતિ નથી. મેં તો એથી ઊલટું કહ્યું છે કે હું હજી સુધી ધર્મગુરુને શોધવા મથી રહ્યો છું. ગુરુ મેળવવાને મોટી લાયકાત જોઈએ છે એવી મારી માન્યતા છે, અને તે દિવસે દિવસે દઢ થતી જાય છે. જેને એ લાયકાત મળી રહે છે તેની પાસે ગુરુ ચાલીને આવે છે. મારામાં એ લાયકાત નથી. ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા. એ મારી સ્થિતિ કોઈ ધર્મગુરુને વિશે નથી.

ટૉલ્સ્ટૉયની અસર

છતાં એટલું તો કહું કે ત્રણ પુરુષોએ મારા જીવન પર મોટામાં મોટી અસર કરી છે. એમાં પહેલું સ્થાન હું રાજચંદ્ર કવિને આપું છું. બીજું ટૉલ્સ્ટૉયને, અને ત્રીજું રસ્કિનને. ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિશે હું વધારે જાણું તો બેમાં કોને પહેલાં પૂરું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજું સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છું. ટૉલ્સ્ટૉયના જીવન વિશે ઘણાએ વાંચ્યું હશે તેટલું મેં નથી વાંચેલું. તેમણે લખેલાં પુસ્તકનું મારું વાચન પણ બહુ ઓછું છે એમ કહીએ તો ચાલે. એમનાં જે પુસ્તકની અસર મારા પર બહુ જ પડી તેનું નામ Kingdom of God Within You એનો અર્થ એ કે ઈશ્વરનું રાજ્ય તમારા હૃદયમાં છે, એને બહાર શોધવા જશો તો ક્યાં ય નહીં મળે. એ મેં ચાળીસ વરસ પર વાંચેલું. તે વેળા મારા વિચારો કેટલીયે બાબતમાં શંકાશીલ હતા; કેટલીયે વખત મને નાસ્તિકતાના વિચારો આવી જતા. વિલાયત ગયો ત્યારે તો હું હિંસક હતો; હિંસા પર મને શ્રદ્ધા હતી, અને અહિંસા વિશે અશ્રદ્ધા હતી. આ પુસ્તક વાંચ્યા પછી મારી એ અશ્રદ્ધા ચાલી ગઈ. ત્યાર પછી એમનાં કેટલાંક બીજાં પુસ્તકો મેં વાંચ્યાં તેની દરેકની શી અસર થઈ તે ન કહી શકું; પણ તેમના સમગ્ર જીવનની શી અસર થઈ તે જ કહી શકું છું.

સત્ય અને અહિંસાની મૂર્તિ

એમના જીવનમાંથી બે વસ્તુ મને પોતાને ભારે લાગે છે. એ કહે તેવું કરનાર પુરુષ હતા. એમની સાદાઈ અદ્ભુત હતી; બાહ્ય સાદાઈ તો હતી, એ અમીર વર્ગના માણસ; આ જગતના છપ્પને ભોગ તેમણે ભોગવેલા. ધનદોલતને વિશે મનુષ્ય જેટલું ઇચ્છે તે બધું તેમને સાંપડેલું. છતાં એમણે ભર જુવાનીમાં પોતાના સુકાનને ફેરવ્યું. દુનિયાના અનેક પ્રકારના રંગો જોયા છતાં, અનેક પ્રકારના સ્વાદ ચાખ્યા છતાં, જ્યારે એમને લાગ્યું કે આમાં કંઈ જ નથી ત્યારે તેમણે પૂંઠ ફેરવી; અને છેવટ સુધી પોતાના વિચારોમાં કાયમ રહ્યા. તેથી એક ઠેકાણે તો મેં લખી મોકલ્યું છે કે ટૉલ્સ્ટૉય આ યુગની સત્યની મૂર્તિ હતા. એમણે સત્યને જેવું માન્યું તેવી રીતે ચાલવાને ઉગ્ર પ્રયત્ન કર્યો; સત્યને છુપાવવાનો કે મોળું કરવાનો પ્રયત્ન ન કર્યો. લોકોને દુ:ખ થશે કે સારું લાગશે, મોટા શહેનશાહને ઠીક લાગશે કે નહીં, એનો વિચાર કર્યા વિના તેમને જે પ્રકારે જે વસ્તુ ભાસી તે જ પ્રકારે તેમણે કહી. ટૉલ્સ્ટૉય એ પોતાના યુગને માટે અહિંસાના એક ભારે પ્રવર્તક હતા. અહિંસાને વિશે જેટલું સાહિત્ય પશ્ચિમને સારુ ટૉલ્સ્ટૉયે લખ્યું તેટલું સોંસરવું ચાલી જાય એવું બીજા કોઈએ લખેલું મારી જાણમાં નથી. એથી આગળ જઈને કહું તો અહિંસાનું સૂક્ષ્મ દર્શન ટૉલ્સ્ટૉયે જેટલું કર્યું, અને એના પાલનનો જેટલો પ્રયત્ન ટૉલ્સ્ટૉયે કર્યો, એટલો અમલ કે એટલો પ્રયત્ન કરનાર અત્યારે હિંદુસ્તાનમાં કોઈ છે એવો મને ખ્યાલ નથી, એવા કોઈ મનુષ્યને હું જાણતો નથી.

અહિંસા એટલે પ્રેમસાગર

મારે સારુ આ સ્થિતિ દુ:ખદાયક છે, મને એ ગમતી નથી. હિંદુસ્તાન કર્મભૂમિ છે. હિદુસ્તાનમાં ઋષિમુનિઓએ અહિંસાના ક્ષેત્રમાં મોટામાં મોટી શોધો કરેલી છે. પણ આપણે વડીલોપાર્જિત મિલકત પર નભી નથી શકતા. એમાં જો વૃદ્ધિ ન કરતા રહીએ તો એને ખાઈ જઈએ છીએ. એ વિશે ન્યાયમૂર્તિ રાનડેએ આપણને ચેતવી મૂકેલા છે. વેદાદિ સાહિત્યમાંથી કે જૈન સાહિત્યમાંથી મોટી મોટી વાતો ગમે એટલી કરીએ, કે સિદ્ધાંતોને વિશે પ્રમાણો ગમે એટલાં ટાંકીએ અને દુનિયાને આશ્ચર્યચકિત કરીએ, તો પણ દુનિયા આપણને ખરા નહીં ગણે. તેથી રાનડેએ આપણો ધર્મ એ બતાવેલો કે આપણે એ મૂડીમાં વધારો કરવો; બીજા ધર્મવિચારકોએ લખેલું હોય તેની સાથે એની સરખામણી કરવી; તેમ કરતાં કાંઈ નવું મળી આવે કે નવું અજવાળું પડે તો તેનો તિરસ્કાર ન કરવો. પણ આપણે તે પ્રમાણે કર્યું નથી. આપણા ધર્માધ્યક્ષોએ એકપક્ષી જ વિચાર કર્યો છે, તેમનાં વાચન, કથન અને વર્તનમાં એકમેળ પણ નથી. પ્રજાને સારું લાગે કે નહીં, જે સમાજમાં પોતે કામ કરે છે તે સમાજને સારું લાગે કે નહીં તો પણ ટૉલ્સ્ટૉયની માફક ચોખ્ખેચોખ્ખું સંભળાવનારા માણસો આપણે ત્યાં નથી મળી આવતા. એવી આપણા આ અહિંસાપ્રધાન મુલકની દયામણી દશા છે.

આપણી અહિંસા નિંદવાલાયક છે. માંકડ, મચ્છર, ચાંચડ, પક્ષી અને પશુઓને જેમ તેમ કરીને નભાવવામાં જાણે આપણે અહિંસાની સમાપ્તિ જોઈ રહ્યા છીએ. તે પ્રાણીઓ રિબાય તો ફિકર નથી કરતા; રિબાવવામાં પોતે ભાગ લેતા હોઈએ તોયે ફિકર નથી કરતા. પણ રિબાતા પ્રાણીને કોઈ પ્રાણમુક્ત કરે, અથવા આપણે તેમાં ભાગ લઈએ, તો તેમાં આપણને ઘોર પાપ લાગે છે. એ અહિંસા નથી એવું હું લખી ગયો છું. અને ટૉલ્સ્ટૉયનુ સ્મરણ કરાવતી વખતે ફરી કહું છું કે અહિંસાનો અર્થ એ નથી. અહિંસા એટલે પ્રેમનો સમુદ્ર; અહિંસા એટલે વેરભાવનો સર્વથા ત્યાગ. અહિંસામાં દીનતા, ભીરુતા ન હોય, ડરી ડરીને ભાગવાનું ન હોય. અહિંસામાં તો દૃઢતા, વીરતા, નિશ્વલપણુદ્ધ હોવું જોઈએ.

મહાપુરુષોને કેમ મપાય?

ટૉલ્સ્ટૉયે પોતે જ કહેલું કે જે પોતાને આદર્શ પહોંચ્યો માને તે ખલાસ થયો સમજવો, ત્યારથી એની અધોગતિ શરૂ થઈ. જેમ જેમ આદર્શની નજીક જઈએ તેમ તેમ આદર્શ દૂર ભાગતો જાય છે. જેમ તેની શોધમાં આગળ વધતા જઈએ તેમ જણાય છે કે હજી એક ટૂક ચડવી બાકી છે. કોઈ ઝપાટાબંધ ટૂકો ન જ ચડી શકે. એમ માનવામાં હીણપત નથી, નિરાશા નથી, પણ નમ્રતા અવશ્ય છે. તેથી આપણા ઋષિઓએ કહ્યું કે મોક્ષ એ શૂન્યતા છે. મોક્ષ મેળવનારે શૂન્યતા મેળવવાની છે. એ ઈશ્વરપ્રસાદ વિના ન આવે. એ શૂન્યતા જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આદર્શરૂપે જ રહે છે. એ વસ્તુને ટૉલ્સ્ટૉયે ચોખ્ખી જોઈ, તેને બુદ્ધિમાં અંકિત કરી, તેની તરફ બે પગલાં ભર્યા, તે જ વખતે એમને લીલી સોટી જડી. એ સોટીનુ એ વર્ણન ન કરી શકે, મળી શકે એટલું જ કહી શકે. છતાં મળી એમ કહ્યું હોત તો ટૉલ્સ્ટૉયનુ જીવન સમાપ્ત થાત.

ટૉલ્સ્ટૉયના જીવનમાં જે વિરોધાભાસ દેખાય છે તે ટૉલ્સ્ટૉયની નામોશી કે ઊણપ નથી, પણ જોનારાની છે. એમર્સને કહ્યું છે કે અવિરોધ એ નાનકડા માણસોનું ભૂત છે. આપણા જીવનમાં કદી વિરોધ નથી આવવાનો એમ બતાવવા જઈએ તો આપણે મૂઆ પડ્યા છીએ. તેમ કરવા જતાં ગઈકાલનું કાર્ય યાદ રાખીને તેની સાથે આજનો મેળ કરવો પડે, અને એવો કૃત્રિમ મેળ સાધતાં અસત્ય આચરવું પડે. સીધો રસ્તો જ એ છે કે જે ઘડીએ જે સત્ય લાગે તે આચરવું. આપણી જો ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હોય તો આપણાં બધાં કાર્યોમાં બીજાને વિરોધ ભાસે તેથી શું? ખરું જોતાં એ વિરોધ નથી પણ ઉન્નતિ છે. તેમ ટૉલ્સ્ટૉયના જીવનમાં જે વિરોધ જણાય છે તે વિરોધ નથી, પણ આપણા મનમાં લાગતો વિરોધનો ભાસ છે. મનુષ્ય પોતાના હૃદયમાં કેટલા પ્રયત્નો કરતો હશે, રામ રાવણના યુદ્ધમાં કેટલી જીતો મેળવતો હશે એનું ભાન એને પોતાને નથી હોતું. જોનારાને તો ન જ હોઈ શકે. તે જરાક લપસ્યો તો તે કંઈ જ નથી એમ જગતને લાગે છે; અને લાગે છે તે સારું જ છે. તેને સારુ જગત નિંદાને યોગ્ય નથી. તેથી સંતોએ કહ્યું છે કે જગત જ્યારે આપણને નિંદે ત્યારે આપણે આનંદ માનવો, અને સ્તુતિ કરે ત્યારે થથરવું. જગત બીજું ન કરી શકે; તેણે તો મેલ જુએ ત્યાં તે નિંદવો જ રહ્યો. પણ મહાપુરુષનું જીવન જોવા બેસીએ ત્યારે મેં કહેલી વાત યાદ રાખવી. પોતે હૃદયમાં કેટલાં યુદ્ધો કર્યા હશે અને કેટલી જીતો મેળવી હશે એનો પ્રભુ સાક્ષી છે; એ જ નિષ્ફળતાઓ એ સફળતાનાં નિશાન છે.

‘બ્રેડ લેબર’ અથવા યજ્ઞધર્મ

બીજી એક અદ્ભુત વસ્તુનું ભાન ટૉલ્સ્ટૉયે લખીને અને પોતાના જીવનમાં ઉતારીને કરાવ્યું. અને તે ‘બ્રેડ લેબર’. એ એમની પોતાની શોધ ન હતી. એક લેખકે એ વસ્તુ રશિયાના સર્વસંગ્રહમાં લખેલી. એ લેખકને ટૉલ્સ્ટૉયે જગત આગળ ઓળખાવ્યો, અને એમની વાત પણ મૂકી. જગતમાં જે અસરખાપણું જણાય છે, દોલત અને કંગાલિયત દેખાય છે, તેનું કારણ એ છે કે આપણે જીવનનો કાયદો ભૂલી ગયા છીએ. એ કાયદો તે ‘બ્રેડ લેબર’. ગીતાના ત્રીજા અધ્યાયને આધારે હું એને યજ્ઞ કહું છું. ગીતાએ કહ્યું છે કે યજ્ઞ કર્યા વિના ખાય તે ચોર છે, પાપી છે. તે જ વસ્તુ ટૉલ્સ્ટૉયે કહી બતાવી છે. ‘બ્રેડ લેબર’નો આડોઅવળો ભાવાર્થ કરી આપણે તેને ન ઉડાવી દઈએ. એનો સીધો અર્થ એ છે કે શરીર વાંકું વાળીને જે મજૂરી ન કરે તેને ખાવાનો અધિકાર નથી. આપણે દરેક જણ ખાવાપૂરતી મહેનત કરી નાખીએ તો જે ગરીબાઈ જગતમાં દેખાય છે તે ન જોઈએ. એક આળસુ બેને ભૂખે મારે છે, કારણ તેથી તેનું કામ બીજાને કરવું પડે છે. ટૉલ્સ્ટૉયે કહ્યું કે લોકો પરોપકાર કરવા મથી રહ્યા છે, તેને નિમિત્તે પૈસા ખરચે છે ને ઇલકાબ મેળવે છે પણ તેમ કરવાને બદલે જરાક જેટલું કામ કરે — એટલે કે બીજાના ખભા પરથી ઊતરી જાય તો બસ છે. અને એ ખરી વાત છે. એ નમ્રતાનું વચન છે. પરોપકાર કરીએ પણ અમારા એશઆરામાંથી લવલેશ ન છોડીએ એમ કહેવું એ તો અખા ભગતે કહ્યું એના જેવું થયું : “એરણની ચોરી, સોયનું દાન.” એમ કંઈ વૈમાન આવી શકે?

ટૉલ્સ્ટૉયે કહ્યું તે બીજાઓએ નથી કહ્યું એમ નહીં. પણ એમની ભાષામાં ચમત્કાર હતો; કેમ કે જે કહ્યું તેનો એમણે અમલ કર્યો. ગાદીતકિયે બેસનાર તે મજૂરી કરવા લાગ્યા. આઠ કલાક ખેતીનું કે બીજી મજૂરીનું તેમણે કામ કર્યું. એટલે એમણે સાહિત્યનું કામ ન કર્યું એમ નહીં.

જ્યારે તે શરીરમહેનત કરતા થયા ત્યાર પછી તો એમનું સાહિત્ય વધારે શોભ્યું. એમણે જેને પોતાનું મોટામાં મોટું પુસ્તક કહેલું છે તે कळा एटले शुं? (वोट इझ आर्ट?) એ તેમણે આ યજ્ઞકાળમાં મજૂરી ઉપરાંતના વખતમાં લખેલું. મજૂરીથી તેમનું શરીર ન ઘસાયું. તેમની બુદ્ધિ વધારે તેજસ્વી થઈ એમ તેમણે પોતે માનેલું. અને એમના ગ્રંથોના અભ્યાસીઓ કહી શકશે કે એ સાચી વાત છે.

રત્નત્રયી

આપણે નિશ્વય કરીએ કે સત્યની આરાધના છોડવાના નથી. સત્ય માટે દુનિયામાં સાચી અહિંસા એ જ ધર્મ છે. અહિંસા તે પ્રેમનો સાગર છે. તેનું માપ જગતમાં કોઈ કાઢી જ શક્યું નથી. એ પ્રેમસાગરથી આપણે ઊભરાઈ જઈએ તો આપણામાં એવી ઉદારતા આવે કે તેમાં આખા જગતને આપણે સંકેલી શકીએ છીએ. એ કઠિન વસ્તુ છે ખરી, છતાં સાધ્ય છે. તેથી આપણે શરૂઆતની પ્રાર્થનામાં સાંભળ્યું કે શંકર હો કે વિષ્ણુ, બ્રહ્મા હો કે ઇન્દ્ર, બુદ્ધ હો કે સિદ્ધ, મારુ માથું તેને જ નમે જે રાગદ્વેષરહિત છે, જેણે કામો જીતેલા છે, જે અહિંસાની — પ્રેમની મૂર્તિ છે. એ અહિંસા લૂલાંલંગડાં પ્રાણીને ન મારવામાં જ નથી આવી જતી. એમાં ધર્મ હોય ખરો, પણ પ્રેમ તો એથી અનંત ગણો આગળ જાય છે. એની ઝાંખી જેને નથી તે લૂલોલંગડાં પ્રાણીઓને બચાવે તો ય શું? ઈશ્વરના દરબારમાં એની કિંમત ઓછી જ અંકાશે. ત્રીજી વસ્તુ તે ‘બ્રેડ લેબર’ — યજ્ઞ. શરીરને કષ્ટ આપીને, મહેનત કરીને જ ખાવાનો આપણને અધિકાર છે. પારમાર્થિક દૃષ્ટિએ કરેલું કામ તે યજ્ઞ. મજૂરી કરીને પણ સેવાને અર્થ જીવવાનું છે, લંપટ થવાને કે દુનિયાના ભોગો ભોગવવા માટે જીવવાનું નથી. કોઈ કસરતી જુવાન આઠ કલાક કસરત કરે તો એ ‘બ્રેડ લેબર’ નથી. તમે કસરત કરો, શરીરને મજબૂત બનાવો, એને હું અવગણી નાખતો નથી. પણ જે યજ્ઞ ટૉલ્સ્ટૉયે કહ્યો છે, ગીતાના ત્રીજા અધ્યાયમાં બતાવ્યો છે તે એ નથી. જીવન એ યજ્ઞને ખાતર છે, સેવાને ખાતર છે એમ જે માનશે તે ભોગોને સંકેલતો જશે. એ આદર્શ સાધવાના પ્રયત્નમાં જ પુરુષાર્થ છે. એ વસ્તુ ભલે સંપૂર્ણતાએ કોઈએ મેળવી નથી. એ દૂર જ ભલે રહે. ફરહાદે શિરીનને સારુ પથ્થરો ફોડ્યા તેમ આપણે પણ ફોડીએ. આપણી એ શિરીન તે અહિંસા. એમાં આપણું નાનકડું સ્વરાજ તો સમાયેલું જ છે. પણ એમાં તો બધું  છે.

[નવજીવન, તા. ૧૬-૯-૧૯૨૮માંથી સંપાદિત]

o

સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 284-288

Loading

...102030...2,6072,6082,6092,610...2,6202,6302,640...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved