ધીરેથી ચાલશો
તો એ તમને પકડી પાડશે
દોડશો તો પહોંચાશે નહીં
અથવા સાથોસાથ રહો
તો એ ચાલતી ચાલતી વહી જશે ક્યાં ય પણ
અરે કબાડીની દુકાન સુધી પણ —
છોડી દો
તો ત્યાં જ અંધારામાં
કરોડો તારાઓની નજર ચૂકાવી
ચુપચાપ રચી લેશે એ
એક સુવાંગ દુનિયા
એક ઝીણકા શંખમાં
ખરું તો એ છે
કે તમે ક્યાં ય પણ હો
તમને વરસના સૌથી ખરાબ દિવસોમાં પણ
પ્રેમ કરે છે એક નદી
નદી—જે આ સમયે આ ઘરમાં નથી
પરંતુ હશે જરૂર ક્યાં ય ને ક્યાં ય
કોઈ ચટાઈ હેઠળ
અથવા ફૂલદાની નીચે
ચુપચાપ વહેતી
ક્યારેક સાંભળજો
જ્યારે સમગ્ર શહેર ઊંઘમાં હોય
ત્યારે બારણાં પર કાન માંડજો
ધીરેથી સાંભળજો
ક્યાંક આસપાસ
એક માદા ઘડિયાલના નિઃશ્વાસમાં
સંભળાશે નદી!
[હિંદીમાંથી અનુવાદઃ રમણીક અગ્રાવત]
નર્મદાનગર, જિ. ભરુચ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 14
![]()


કોઈ પણ પ્રશ્ન પરથી પ્રજાનું ધ્યાન હટાવવું હોય તો સહેલો રસ્તો એ પ્રશ્નને અઘરો કરવાનો, ગૂંચવી મારવાનો છે. સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતાના પ્રશ્નને એ રીતે ગૂંચવી મારવાની યુક્તિઓ કાબિલેદાદ છે, પણ પ્રજાવિઘાતક છે. તો સ્વાયતત્તા અંગે થોડીક સીધી વાત કરીએ.