Opinion Magazine
Number of visits: 9576415
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટઃ સમુચિત ન્યાયની તાકીદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 January 2020

‘ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૧૯’માં દેશમાં પ્રથમવાર લોકો સુધી ન્યાય પહોંચાડવાની બાબતે રાજ્યોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. સરકાર અને સરકારી એજન્સીઓની આંકડાકીય માહિતી, અહેવાલો અને દસ્તાવેજો પર આ અહેવાલ આધારિત હોઈ તેની અધિકૃતતા સ્વયંસ્પષ્ટ છે. આ અહેવાલ સેન્ટર ફેર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિયેટિવ, દક્ષ, ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સીસ, પ્રયાસ અને વિધિ સેન્ટર ફેર લીગલ પોલિસી એ સંસ્થાઓના સંશોધકોની અઢાર મહિનાની મહેનતના અંતે તૈયાર થયો છે.

૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોને આ અહેવાલમાં આવરી લેવાયા છે. પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયનાં ચાર તંત્રોની ન્યાયના વિતરણમાં રહેલી ભૂમિકા ચકાસવા બજેટ, માનવ સંસાધન, કાર્યબોજ, માળખાકીય સુવિધા અને વિવિધતાના માપદંડના આધારે છેલ્લાં પાંચ વરસની માહિતી પરથી રાજ્યોનું રેકિંગ કરવામાં આવ્યું છે. લોકો સુધી ન્યાય પહોંચાડવામાં મોટાં અને મધ્યમ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. તે પછીના ક્રમે કેરળ, તામિલનાડુ, પંજાબ અને હરિયાણા છે. ૧ કરોડથી ઓછી વસતી ધરાવતાં નાનાં રાજ્યોમાં ગોવા પ્રથમ ક્રમે છે. બહેતરીન કાનૂન અને ન્યાયવ્યવસ્થામાં મહારાષ્ટ્ર અવ્વલ છે તો દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ સૌથી તળિયે છે. મોટાં અને મધ્યમ રાજ્યોના ન્યાય વિતરણમાં ગુજરાત આઠમા ક્રમે છે.

ન્યાયમાં વિલંબ એ અન્યાય બરાબર છે, પરંતુ ઝડપી અને સમયસર ન્યાય મળતો નથી. એક તરફ દેશમાં લાખો કેસો અદાલતોમાં પડતર છે તો બીજી તરફ હજારો જગ્યા ખાલી છે. દેશમાં કુલ ૧૮,૨૦૦ જજીસની જગ્યાઓ મંજૂર થયેલી છે. તેમાંથી ૨૩ ટકા જગ્યા ખાલી છે. જો આ તમામ જગ્યાઓ ભરી દેવામાં આવે તો દેશમાં કોર્ટરૂમની અછત ઊભી થાય તેમ છે, કેમ કે જજીસની મંજૂર જગ્યાઓ જેટલા કોર્ટરૂમ્સ જ આપણી પાસે નથી. આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે જો જજીસની બધી જગ્યા સરકાર ભરી દે તો તેમના માટે નવા ૪,૦૭૧ કોર્ટરૂમ પણ બનાવવા પડે. ૨૦૧૬-૧૭ના વરસમાં પડતર કેસોના નિકાલમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે, પરંતુ બિહાર, યુ.પી., ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત સહિતનાં ૭ રાજ્યોમાં દર પાંચે એક કેસ પાંચ વરસ કરતાં વધુ સમયથી પડતર છે. આપણી અદાલતોમાં કુલ પડતર કેસો ૨.૮ કરોડ છે તેમાંથી ૨૩ લાખ કેસો તો ૧૦ વરસથી પડતર છે. એક ન્યાયાધીશ પર વાર્ષિક સરેરાશ ૧૧ હજાર કેસોનો કાર્યબોજ હોય છે. ૨૫ ટકા જેટલી ખાલી જગ્યાઓ, અદાલતી ખંડોની અછત, વકીલોની ફી સહિત એકંદરે મોંઘી ન્યાયપ્રણાલી જેવાં કારણો તો ન્યાયના વિલંબ માટે જવાબદાર છે જ, પરંતુ અંગ્રેજોના જમાનાની અદાલતોની વેકેશન પ્રથા, છાશવારે વકીલોની હડતાળ, કેસની સતત મુદતો જેવાં કારણોના નિકાલ અંગે પણ વિચારવાનું રહે.

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ન્યાયના સમુચિત વિતરણ માટે પોલીસ અને જેલતંત્રની ભૂમિકા પણ તપાસવામાં આવી છે. પુરાવાની અદાલતો પોલીસતપાસ પર આધારિત છે, પરંતુ જેમ ન્યાયતંત્ર બદહાલ છે તેમ જેલ અને પોલીસતંત્ર પણ બદહાલ છે. ન્યાય અતિ મોંઘો છે અને સામાન્ય માણસની પહોંચની બહાર છે તો સરકાર દ્વારા પૂરી પડાતી મફ્ત કાનૂની સહાય દેખાડો માત્ર છે. અહેવાલ જણાવે છે તેમ સરકાર કાનૂની મદદ માટે વ્યક્તિ દીઠ ૭૫ પૈસા જ ખર્ચે છે ! દેશની કુલ પોલીસ ફેર્સ ૨.૪ કરોડ છે પણ તેમાંથી ૨૨ ટકા જગ્યા તો ખાલી છે. તેમાં પોલીસ અધિકારીઓની ૧૦ ટકા જગ્યાઓ ખાલી છે.

ભારતની જેલો કેદીઓ અને તેમાં બહુમતી કાચા કામના કેદીઓથી ઠાંસોઠાંસ ભરી પડી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના તાજેતરના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૭ અંતિત ૧,૩૬૧ જેલોમાં ૪.૫૦ લાખ કેદીઓ છે. તેમાંથી ૬૭ ટકા અંડર ટ્રાયલ છે. ઇંગ્લેન્ડમાં અંડર ટ્રાયલ કેદીઓનું પ્રમાણ ૧૧ ટકા, અમેરિકામાં ૨૦ ટકા અને ફ્રાન્સમાં ૨૯ ટકા છે જ્યારે ભારતમાં તેનું પ્રમાણ ૬૭ ટકા જેટલું ઊંચું છે. વળી ૭૫.૪ ટકા કાચા કામના કેદીઓ એક વરસથી જેલોમાં બંધ છે. ખાલી જગ્યાઓથી જેલતંત્ર પણ મુક્ત નથી. ભારતની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ છે. અને ૩૩થી ૩૮ ટકા વહીવટી જગ્યાઓ ખાલી છે. જો ક્ષમતા પ્રમાણે કેદીઓને રાખવા હોય તો હાલની સ્થિતિએ વધુ ૧,૪૧૨ જેલકોટડીઓની જરૂર છે. બજેટની ફળવણી અને તેના ઉપયોગના માપદંડે ન્યાયની ચકાસણી ઉત્સાહજનક નથી. દેશના જી.ડી.પી.ના ૦.૦૮ ટકાનો ખર્ચ ન્યાયપાલિકા પર થતો હોય, કાનૂની સહાય માટે વ્યક્તિ દીઠ પોણો રૂપિયો ફાળવાતો હોય અને ફાળવેલું બજેટ પણ ન વપરાતું હોય તો ન્યાયતંત્રમાં સુધારા માટે શું કરવું તેની વિમાસણ થાય છે.

વિવિધતાના મુદ્દે ન્યાયની સ્થિતિ પણ ચિંતાજનક છે. દેશની આબાદીમાં સ્ત્રીઓ અડધોઅડધ છે પણ ન્યાયપાલિકા સિવાયના તંત્ર(પોલીસ અને જેલ)માં તેમની હાજરી બહુ ઓછી છે. ન્યાયતંત્રમાં ૨૬.૫ ટકા, જેલમાં અને પોલીસમાં માત્ર ૧૦ ટકા જ મહિલાકર્મીઓ છે. એકેયમાં ૩૩ ટકા મહિલા અનામતનો અમલ થયો નથી. દેશનાં ઘણાં રાજ્યોને ૩૩ ટકા મહિલા અનામતે પહોંચતા ૩૦૦ વરસ લાગશે. મહિલા જજો અને વકીલોની સંખ્યા વધી રહી છે પણ તે તેમની વસતીના પ્રમાણમાં તો નથી જ. એ જ રીતે સમાજના નબળા વર્ગો અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ પણ ખાસ જોવા મળતું નથી. એક પણ રાજ્યના ન્યાય, પોલીસ અને જેલના વહીવટીતંત્રમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતવર્ગોની અનામતો પૂરેપૂરી ભરાઈ નથી. દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૪.૧૧ ટકા છે પણ ૧૯૯૯-૨૦૧૩માં પોલીસમાં તેનું પ્રમાણ ૩થી ૪ ટકા જ છે.

આ અહેવાલ જેટલો ખાલી જગ્યાઓ, બજેટ અને માળખાકીય સુવિધાઓના અભાવ પર ભાર મૂકે છે તેટલો સિસ્ટમમાં સુધારા પર મૂકતો નથી. ન્યાય, પોલીસ, જેલ અને કાનૂની સહાય એ ચારેય સ્તંભો વચ્ચે બહેતર તાલમેલ કઈ રીતે શક્ય બને અને કઈ રીતે તંત્રમાં ધર્મ, સંપ્રદાય, જાતિ અને લિંગની વિવિધતાનું પ્રમાણ વધારી સમાનતા અને વિશ્વસનીયતા ઊભી કરવી તે અંગે મૌન છે. તેનાં તથ્યો ચોંકાવનારાં અને હતોત્સાહિત કરનારાં છે, પરંતુ ન્યાયપાલિકા અને તત્સંબંધિત તંત્રોમાં સમાજના નબળા વર્ગોના પૂરતા પ્રતિનિધિત્વ વિના સમુચિત ન્યાયની તાકીદ અધૂરી રહેવાની છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 01 જાન્યુઆરી 2020 

Loading

નાગરિક અમિતભાઈ શાહને નામ એક જાહેર પત્ર

ગણેશ દેવી|Opinion - Opinion|1 January 2020

“કોઈ પણ ભારતીય નાગરિકે નાગરિકત્વ સુધારા કાયદાથી ડરવાની જરૂર નથી.” કેવી સરસ વાત કરી, અમિતભાઈ! જે મારા ભાઈઓ અને બહેનો હિન્દુ, જૈન, બૌદ્ધ, શિખ, પારસી અને ઈસાઈ છે અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ધાર્મિક કારણે દમનથી બચવા ભારતમાં ગેરકાનૂની સ્થળાન્તર કરીને આવ્યાં છે, તેમને ભારે રાહત થશે. બીજા પ્રત્યે આટલી સહાનુભૂતિ અને ઊંડી કરુણા દર્શાવવા માટે તમારો ઘણો આભાર. તેમની જુલમની પીડા પર મલમ લગાવવામાં તમે જે દયા દાખવી છે તે માટે તેઓ અને તમામ ભારતીયો તમારા આભારી રહેશે.

પણ તેમના ઉપરાંત બીજા લોકો પણ છે. બાંગ્લાદેશમાં મ્રો નામનો એક વંશીય (એશનિક) આદિવાસી સમુદાય છે, જેમના પોતાનાં દેવદેવીઓ છે. મ્રો આદિવાસીઓ મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ગુરુદ્વારા, દેરાસર કે સિનેગોગમાં નથી જતા. તેઓ માત્ર પ્રકૃતિની પૂજા કરે છે. દૈવ અંગેના તેમના વિચારથી પરિચિત ન હોવાના કારણે નૃવંશશાસ્ત્રીઓ અને વસતિ ગણતરીકારો ધર્મના ખાનામાં તેમને ‘એનિમાસ્ટિક’ ગણે છે. અને મ્રો એકલાનો સવાલ નથી. મૈતેઈ, ત્રિપુરા, માર્મા, તાંચાંગ્યા, બરુઆ, ખાસી, સંથાલ, ચકમા, ગારો, ઓરાઓં, મુન્ડા, માર્માસ અને ત્રિપ્પેરાસ પણ છે. એવી અગિયાર આદિજાતિઓ છે જેમાંના મોટા ભાગના લોકો ચિત્તાગોંગ ટેકરીઓના વિસ્તારમાં રહે છે. બાંગ્લાદેશમાં તેમને ‘લઘુમતી’ ગણવામાં આવે છે.

આ આદિવાસીઓ ઘણા લાંબા સમયથી એક ઈસ્લામી પ્રજાસત્તાકના નાગરિકો છે અને, તમારી જેમ, તેમને પણ ધાર્મિક સતામણીનો ડર છે. ભાઈ, તમારી કૃપાદૃષ્ટિમાંથી તેઓ કેમ બાકાત રહી ગયા? એટલે તો નહિ ને કે પોતાને હિન્દુ ન ગણાવતા હોય તેવા આદિવાસી બાબતે આર.એસ.એસ. કદાચ રાજી ન હોય? બાંગ્લાદેશના સત્તાવાર આંકડા પ્રમાણે આવા લગભગ નવ લાખ આદિવાસીઓ ત્યાં વસી રહ્યા છે, અને આઝાદી પૂર્વેની વસતિ ગણતરીઓ અનુસાર કદાચ એટલી જ સંખ્યામાં તેઓ અત્યારે મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને અસમમાં રહેતા હોઈ શકે છે. તેમનું શું?

અત્યાર સુધીમાં ઘણા લોકો તમને માહિતગાર કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે કે પાકિસ્તાનમાં શિયા અને અહમદી જેવા ‘અન્ય’ ઈસ્લામી સંપ્રદાયો પણ છે જેમને ધાર્મિક કારણે જુલમ સહન કરવો પડે છે. પૂરી નિખાલસતાથી વાત કરીએ તો, અમે સમજીએ છીએ કે ઈસ્લામની વાત આવે અને તમને અગવડ થાય છે, પરંતુ જ્યારે નૅશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે તમે સૂફી, મદારી, દરવેશ અને બાઉલ – જે સૌ અલ્લાના નામે રહેમ માગે છે – તેમનું શું કરશો? તેમનું રહેવાનું ચોક્કસ સરનામું નથી, તેમની પાસે કોઈ ઓળખપત્ર નથી, વંશપરંપરા સાબિત કરવા કશું નથી. તમે યુદ્ધના ધોરણે જે ડિટેન્શન કૅમ્પ ઊભા કરી રહ્યા છે તેમાં ધકેલાનારા સૌથી પહેલા આ લોકો હશે?

તમારા ખરડાના સમર્થનમાં લોકસભામાં ૩૧૧ અને રાજ્યસભામાં ૧૨૫ બટન દબાયાં તે માટે અભિનંદન. તમને કે એમને એ માલૂમ હતું કે એક બટન દબાવ્યે તમે વિશાળ સંખ્યામાં એવા લોકોને મતવિહોણા કરી નાખ્યા છે જેમનો અવાજ કદાચ કદી તમારી સુધી પહોંચવાનો નથી? આવી પ્રજામાં સૌથી પહેલાં દેશભરમાં રહેતા બસોએક સમુદાયોના આશરે ૧૩ કરોડ ડિનોટિફાઈડ અને વિચરતા લોકો આવે છે. અંગ્રેજ શાસન દરમિયાન તેમને ૧૮૭૧ના ‘ગુનાઈત આદિવાસીઓના કાયદા’ હેઠળ ખોટી રીતે ગુનાઈત ગણાવવામાં આવ્યા હતા, અને જવાહરલાલ નહેરુએ ૧૯૫૨માં ડિનોટિફિકેશનની પ્રક્રિયા આદરીને તેમનું એ કલંક મિટાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં સુધીમાં તેઓ ૧૯૫૧ની વસતિ ગણતરીમાં સામેલ થવાની તક ચૂકી ગયા હતા. એ પછીથી જ્યારે વસતિ ગણતરીના આધારે નૅશનલ સિટિઝન્સ રજિસ્ટર બનાવાયું ત્યારે તેઓ મોડા પડી ચૂક્યા હતા. થોડા ઓછા કમનસીબ એવા અમુક સમુદાયોને બાદ કરતાં બાકીના ન તો શિડ્યુલ્ડ ટ્રાઈબ(એસ.ટી.)માં સમાવેશ પામ્યા, ન શિડ્યુલ્ડ કાસ્ટ(એસ.સી.)માં.

તમારી એ દલીલ સાચી છે અમિતભાઈ, કે નહેરુએ પાકિસ્તાનના નેતા લિયાકત અલી ખાન સાથે સમજૂતી ના કરી હોત, તો તમારે અન્ય દેશોમાં સતાવાયેલા હિન્દુઓને ભારતીય નાગરિક તરીકે સ્વીકારવાની આ બધી પળોજણ કરવી ના પડી હોત. નહેરુએ જે કાંઈ કર્યું તે બધાને ઉલટાવવાનો તમારો અડગ નિર્ધાર પ્રશંસનીય છે. પણ ભારતની ડિનોટિફાઈડ જાતિઓ(ડી.એન.ટી.)નું શું? તેઓ હજુ ચાર રસ્તાની લાલ બત્તીએ ફુગ્ગા વેચે છે અને તેમની પાસે કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર નથી, ન આધાર કાર્ડ, ન ગૅસ જોડાણ, ન વીજળી બિલ, પછી પાસપોર્ટ તો ક્યાંથી હોય. નહેરુએ તેમના ડિટેન્શન કૅમ્પ ૧૯૫૨માં ખોલી નાંખ્યા હતા અને તેમને મુક્ત કર્યા હતા. તે ઘડીએ તેમને જે આશા સાંપડી એ હવે તમે છીનવીને તેમને પાછા એ જ ડિટેન્શન કૅમ્પમાં મોકલશો જ્યાં તેઓ ૧૮૭૧થી ૧૯૫૨ સુધી ફસાયા હતા?

અલબત્ત, ચાહે કાશ્મીર હોય કે ધર્મનિરપેક્ષતા હોય કે અટકાયતમાં મુકાયેલી પ્રજાનું ડિનોટિફિકેશન હોય, બધી મુશ્કેલીઓ નહેરુથી જ શરૂ થાય છે, બીજા કોઈથી નહિ. નરેન્દ્રભાઈ આપણને છેલ્લાં છ વરસથી સમજાવી રહ્યા છે કે આપણી બધી સમસ્યાઓના જડમાં નહેરુ, રાજીવ અને કૉંગ્રેસ જ છે. તમે, નરેન્દ્રભાઈ અને તમે જેમનો વારસો લઈ આવ્યા છો તે આર.એસ.એસ.ના નેતાઓ વારંવાર કહી ચૂક્યા છે કે સેક્યુલરિઝ્‌મની ભારતની સમજ ભારે ભૂલભરેલી છે. દયા આવે એવી વાત છે કે અમે સ્યુડો-સેક્યુલરો એટલું સમજવા તૈયાર નથી કે ભારતમાં રહેતી દરેકેદરેક વ્યક્તિ હિન્દુ છે, ચાહે તે પોતે પોતાના ધર્મ વિષે કાંઈ પણ દાવો કરે કે પોતે કોણ છે તે વિષે કાંઈ પણ માને. ગાય પર ખતરો હોવાની સાચીખોટી માન્યતાના કારણે જ્યારે લોકો ટોળે વળીને કોઈ બિચારાને રહેંસી નાખે અને દેશભરમાં બુદ્ધ, બાસવન્ના, કબીર, મીરા, નાનક અને ગાંધીને યાદ કરીને આપણી સંમિલિત પરંપરાઓની વાત થાય ત્યારે ‘દેશભક્તો’ કેવા વાંસે પડી જાય છે તે તો તમારી જાણમાં હશે જ.

તમે સારું કર્યું કે કાશ્મીરને આટલા મહિનાઓથી નિર્‌-વાચ બનાવી દીધું, બિનજરૂરી સવાલો પૂછતા લોકોને ચૂપ કરી દીધા, અને માત્ર સરખા વિચારના યુરોપીય લોકોને જ કાશ્મીર આવવા દીધા જેથી તેઓ જોઈ શકે કે આખો પ્રદેશ કેવો શાંત થઈ ગયો છે. જામિયા મિલિયાના કૅમ્પસ પર પોલીસના ગોળીબાર પછી તમે દેશને જે કહ્યું કે તોફાની તત્ત્વોને દંડ મળશે એ અને નાગરિકતા કાયદા સામે વિરોધો બહાર આવ્યા ત્યારે તમે કલમ ૧૪૪ લાગુ કરી એ પણ ભલું જ કર્યું. અમે તો હજુ યાદ કરીએ છીએ, તમે કેવી રીતે ગુજરાતમાં કોમી રમખાણોને ‘અંકુશ’માં લાવી દીધાં હતાં, અને તમારી સમજ મુજબના ‘ભારતીયતાના મૂળ સત્ત્વ’(‘આઇડિયા ઑફ ઇન્ડિયા’)ને પૂર્ણ સમર્પિત રહીને રમખાણના કેસોનો કેવો નિકાલ લાવ્યા હતા.

પણ, અમિતભાઈ, ભારતના નાગરિકો જ્યારે ટી.વી. પર દેખાવો જોઈ રહ્યા છે અથવા એમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે આ ‘વિન્ટર ઑફ ડિસકન્ટેન્ટ’, (નારાજીનો આ શિયાળો) જરા જુદો છે. ચિત્રમાં એના એ જ, ‘ટુકડે-ટુકડે’ ટોળીવાળા તમારા કાયમી વિરોધીઓ જ નથી. વિરોધમાં વિશાળ સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ અને યુવાન નાગરિકો પણ જોડાયા છે જે કોઈ રાજકીય છાવણીમાં નથી. તેઓ અજબ વાતો કરે છે, જેમ કે, ‘માનવ માત્ર સૌથી પહેલાં તો માત્ર માનવ છે.’ તેઓ ભારતીય નાગરિક હોવાનો દાવો કરે છે – જો કે તમે કદાચ સંમત ન થાવ – અને તેઓ તેમનો ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ જીવંત રાખવા માગે છે. અમિતભાઈ, એવું બને કે ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે? આમ તો તમને સામાન્ય રીતે તો આત્મ-સંદેહ થતો નથી, પણ તમને નથી લાગતું, ક્યારેક એવી ઘડી આવે છે જ્યારે હર કોઈ માટે પોતાના વિચાર અને વર્તન વિશે એક વાર ફેરવિચાર કરવાની આવશ્યકતા ઊભી થાય છે? શું તમે નથી વિચારતા કે આ દેશના જે નાગરિકો નાગરિકતાને ધર્મ, ભાષા, જાતિ વગેરેથી ઉપર સમજે છે તેઓ તમને કંઈક સંદેશ આપી રહ્યા છે? શું તમે વિચારો છો ખરા, અમિતભાઈ?

(લેખક સાહિત્યવિવેચક અને સાંસ્કૃતિક કર્મશીલ છે, પિપલ્સ લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે અને લેખકોના ‘દક્ષિણાયન’ નામના અભિયાનના આગેવાન છે.)

[Courtesy : Free Press Journal]

અનુવાદ − આશિષ ઉપેન્દ્ર મહેતા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 01-02

મૂળ અંગ્રેજી લેખની કડી :-

https://www.freepressjournal.in/analysis/an-open-letter-to-citizen-shah-ganesh-devy

Loading

ક્યાં છે વસુધૈવ કુટુમ્બકમ્‌

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|1 January 2020

દેશભરમાં લાખો લોકો ઊમટી પડ્યા છે – બંધારણની કલમો જાહેરમાં વાંચે છે, રાષ્ટ્રગીત ગાય છે અને ત્રિરંગો લહેરાવે છે. તે છતાં સરકારના સમર્થકો એમની ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા છે. કહે છે કે સરકારના વિરોધીઓને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી ભારત આવતા હિન્દુ શરણાર્થી માટે અનુકંપા નથી; એ શરણાર્થીને  ભારતીય નાગરિકત્વથી વંચિત રાખવા માગે છે. અમે ખરા માનવાધિકારના રક્ષક છીએ, આ બધા ‘સેક્યુલર’ લોકો દંભી છે. આવે વખતે કટાક્ષની કોઈ જરૂર નથી લાગતી.

નાગરિકતાના નવા કાયદાના વિરોધીઓને પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનની હિન્દુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ કે ખ્રિસ્તી પ્રજા તરફ કોઈ નફરત, તિરસ્કાર કે દ્વેષ નથી; પણ એ સૌ સાચી માનવતામાં માને છે. એમનું દિલ પ્રત્યેક વ્યક્તિ, જેણે ક્યાં ય પણ સતામણી સહી હોય, એમને માટે ખુલ્લું છે. અને એનો અર્થ એમ કે એ દેશની મુસ્લિમ પ્રજાને પણ સ્વીકારવા એ તૈયાર છે. એવો દાવો કરવો કે આ ત્રણ દેશની મુસ્લિમ પ્રજા સુખેથી રહે છે અને ત્યાંની લઘુમતી કોમો પર જુલમ કરે છે, એ સાવ વાહિયાત વાત છે. એવો દાવો કરવાવાળા કાં તો પોતાની અજ્ઞાનતા દર્શાવે છે અથવા નિર્લજ્જપણે ભાવનાશૂન્યતા બતાવે છે, કારણ કે એ ત્રણ દેશમાં એવા ઘણા મુસ્લિમ છે, જે ત્યાંની સરકારનો વિરોધ કરે છે અને એ માટે એમણે ઘણું સહ્યું છે.

CAA કાયદામાં ઘણા બીજા વાંધાજનક મુદ્દા છે દાખલા તરીકે તેનો રાષ્ટ્રીય નાગરિક યાદી જોડેનો સંબંધ. એને કારણે ઘણા ભારતીય નાગરિક વ્યથિત અને નારાજ થયા છે, કારણ કે જે મુસ્લિમ નાગરિક પાસે સરખા દસ્તાવેજ નહીં હોય, તો એમને પોતાનું નાગરિકત્વ પુરવાર કરવું પુષ્કળ અઘરું પડશે. લાંબીચોડી પ્રક્રિયા વગર એમનાથી પોતાનું ભારતીયપણું પુરવાર નહીં કરાય અને એમને સીધેસીધા કૅમ્પમાં લઈ જવાશે. આને લીધે ભેદભાવ વધશે અને આ એક ઘોર અન્યાય છે. સી.એ.એ. ધારા મુજબ કેટલાક શરણાર્થીને આપમેળે નાગરિકત્વ મળશે. આમ, એક પ્રકારના વ્યક્તિત્વને વધારે મહત્ત્વ આપી અને બીજાં બધાં પાસાંઓની ઉપેક્ષા કરી, આ કાયદાનો પાયો જ આધારહીન અને નબળો બન્યો છે – અથવા બનાવાયો છે.

આપણે જન્મીએ તે વખતે આપણે નથી હોતા હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી; નથી હોતા ગુજરાતી કે પંજાબી; ને નથી હોતા સવર્ણ કે દલિત. આ બધી લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓ માનવસર્જિત છે અને એ આપણે ગ્રહણ કરીએ છીએ વડીલો ને સમાજ દ્વારા, અને બીજા લોકો આપણને ચોકઠામાં બેસાડી દે છે. બાલ્યાવસ્થામાં આપણે તો હોઈએ છીએ ભોળા, નિખાલસ અને નથી હોતી આપણને આવા બધા વિભાજક વિચારોની કોઈ ગતાગમ. ભાષા, ધર્મ, જાતિ-આ બધી લાક્ષણિકતાઓ આપણે શીખીએ છીએ પછીથી – અનુકરણ કરીને, ગોખીને, મનમાં ઠસાવાય એ રીતે. અને સમય જતાં આવી વિચારસરણીઓ દૃઢ થતી જાય છે અને કેટલાક એ માટે મારવા અને મરવા તૈયાર થઈ જાય છે. 

સેતાનિક વર્સીસ નવલકથામાં સલમાન  રુશ્દીએ લખ્યું છે :

“સવાલ : શ્રદ્ધાનો વિપરીત શબ્દ શું?

ના, અવિશ્વાસ નહીં – એ તો ખૂબ અંતિમ શબ્દ છે, વિવાદ બંધ કરી દે છે – અવિશ્વાસ પણ એક પ્રકારની શ્રદ્ધા જ થઈ.

વિપરીત શબ્દ છે શંકા : પોતાનો વિચાર વ્યક્ત કરવો એટલે અસંમત થવું – તાબે ન થવું – વિરોધ કરવો.”

શ્રદ્ધાનો વિપરીત શબ્દ છે તર્કસંગતતા.

પેલી મહિલા કે જેને ભણવા જવું છે કે નોકરીએ લાગવું છે; પેલો પુરુષ, જેને પ્રેમ છે બીજા પુરુષ જોડે, સ્ત્રીમાં જેને  રસ નથી; એ પ્રજા, જે જુદા પ્રકારનાં કપડાં પહેરે છે, જુદી વાનગીઓ બનાવે છે અને બહુમતી પ્રજા કરતાં જુદી દેખાય છે; પેલું કુટુંબ જે જુદી ભાષા બોલે છે અને ‘રાષ્ટ્રભાષા’ નથી સમજતું; અજ્ઞેયવાદી લેખક જેને પરમાત્માના અસ્તિત્વ વિષે શંકા છે; આ સૌ કોઈ બહુમતથી અસંમત છે. પણ ભારતની નવી સાંકડી વ્યાખ્યા પ્રમાણે આમાંથી કોઈને નાગરિકતાનો હક નહીં મળે, જો એ ત્રણ  પાડોશી દેશમાં ધાર્મિક દૃષ્ટિએ લઘુમતીમાં ન ગણાય.

માની લો કે પાકિસ્તાની પ્રાધ્યાપક જૂનેદ હાફિઝ, જેમને ધર્મનિંદાના વાહિયાત આક્ષેપને કારણે ફાંસીની સજા અપાઈ છે, એ કોઈ રીતે ભારત આવે અને આશ્રય માગે, તો એમને આ નવા કાયદાનો લાભ નહીં મળે, કારણ કે સરકારની વ્યાખ્યા મુજબ તે મુસ્લિમ ગણાય. બાંગ્લાદેશી લેખિકા બોનયા અહમદ અમેરિકન નાગરિક છે, એટલે આ તો કાલ્પનિક દાખલો છે, પણ ૨૦૧૫માં એમની નજર સમક્ષ એમના પતિ અભિજિત રાયની હત્યા થઈ હતી, કારણ કે એ દંપતી ધર્મવિરોધી પુસ્તકો લખતાં અને છાપતાં હતાં. બોનયા પર પણ તલવારથી હુમલો થયો હતો. પણ બોનયા તો છે નાસ્તિક, બુદ્ધિજીવી અને એમનું નામ મુસ્લિમ છે – એટલે એમને પણ આ કાયદા હેઠળ લાભ નહીં મળે. હું ઘણા બાંગ્લાદેશી ચિત્રકાર, કલાકાર, લેખક અને પત્રકારને ઓળખું છું. જેમણે ધર્મવિરોધ કર્યો છે, જેમના જીવ જોખમમાં છે, પણ એમના નામ મુસ્લિમ છે અને સી.એ.એ. એમને મદદપૂર્વક નહીં થાય.

તદુપરાંત પાકિસ્તાનની શિયા કે અહમદી પ્રજા કે આ ત્રણે દેશની સમલૈંગિક પ્રજાને પણ સી.એ.એ. લાગુ નહીં થાય, જો એ વ્યક્તિઓ મુસ્લિમ હોય અથવા જેમની ગણના મુસ્લિમ પ્રજામાં થાય. શ્રી લંકાના તમિળ શરણાર્થીને પણ ફાયદો નહીં મળે અને મ્યાનમારની રોહિંગ્યા પ્રજાને પણ નહીં – વિચાર કરી જુઓ, આ નવો કાયદો રચાયો છે એ પ્રજા માટે કે જે પ્રજા પર ધાર્મિક કારણસર અત્યાચાર થાય છે; રોહિંગ્યા પર અત્યાચારનું કારણ છે એમનો ધર્મ. અને મ્યાનમારમાં તેઓ લઘુમતીમાં છે. પણ મોટા ભાગના રોહિંગ્યા રહ્યા મુસ્લિમ, એટલે ભારતનો દરવાજો એમને માટે બંધ. વળી, બીજો એક પ્રશ્ન છે – પર્યાવરણીય કટોકટી કારણે વીસ-ત્રીસ વર્ષ પછી દુનિયાભરમાં દરિયાનો વિસ્તાર વધવાનો અને એને કારણે બાંગ્લાદેશથી કદાચ લાખો શરણાર્થી સરહદ ઓળંગી ભારત આવશે – ત્યારે ભારત સરકાર શું કરશે? બધી હોડીઓ પાછી મોકલશે? આવનારી પ્રજાના દસ્તાવેજ માગશે? એમના ધર્મ વિશે સવાલ પૂછશે?

સી.એ.એ. મૂળભૂત પાયો જ અસ્થિર છે અને ભેદભાવ પ્રસરાવે છે. અને હાસ્યાસ્પદ તો એ વાત છે કે આ કાયદો બાંગ્લાદેશ સાથે તકરાર શરૂ કરે છે. ભારતની પાડોશમાં બાંગ્લાદેશ એક માત્ર દેશ છે, જેની જોડે મોદી – સરકારે અત્યાર સુધી તો સંબંધો બગાડ્યા નથી.  

એક સીધો અને સરળ ઉપાય છે  – જો સરકારને ખરેખર ત્રાસિત અને પીડિત શરણાર્થીને  મદદ કરવી હોય, તો પ્રત્યેક શરણાર્થીને  – સર્વમુક્તિ, એટલે કે amnesty આપી દેવી. પછી એ નહીં જોવા બેસવાનું કે એમનો ધર્મ કયો અને કયા દેશથી એ આવ્યા. જો એ વ્યક્તિના માનવાધિકારનો ભંગ થયો હોય, જો એ પોતાને દેશ રહે, તો એમના જીવને જોખમે હોય, તો ભારતના દરવાજા એમને માટે ખુલ્લા રહેવા જોઈએ.

એ વાત ખરી કે ભારતે યુ.એન.ના શરણાર્થી કન્વેન્શનમાં નથી કરી સહી, નથી આપ્યું સમર્થન – પણ ૨૦૧૪ સુધી ભારતે એ આંતરરાષ્ટ્રીય માપદંડનું ઉલ્લંઘન પણ નથી કર્યું. તિબેટ, અફઘાન, મ્યાનમારની ચીની, રોહિંગ્યા અને કાચીન પ્રજા, શ્રીલંકાના તમિળ અને પૂર્વ પાકિસ્તાની (જે પછી બન્યા બાંગ્લાદેશી) – આ સર્વેને મોકળા મને અને ઉદારચિત્તે ભારતે આશ્રય આપ્યો છે, જે “અતિથિ દેવોભવઃ” સિદ્ધાંતનું ઉદાહરણ છે અને ભારત માટે એક ગૌરવની વાત છે. પણ પાછલાં પાંચ વર્ષમાં એ આદર્શથી ભારત ખૂબ દૂર જવા માંડ્યું છે; દેશ સંકોચાતો ગયો છે, વામણો થયો છે અને એટલા જ માટે ભારતનાં શહેરોમાં શેરીઓમાં અને ગલીઓમાં લાખો લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે.                      

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 03-04

Loading

...102030...2,5822,5832,5842,585...2,5902,6002,610...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved