Opinion Magazine
Number of visits: 9576320
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શાસક આવે ને જાય આપણને શું ફરક પડે છે’ની ભારતીય ભાવના

રમેશ ઓઝા|Opinion - Opinion|5 January 2020

આશ્ચર્યની વાત છે નહીં! સનાતન ધર્મની અંદર શ્રમણોએ જે સુધારા કર્યા હતા એની અસર લગભગ ભૂંસાઈ ગઈ હતી. બ્રાહ્મણવાદ, કર્મકાંડનો અતિરેક અને સામાજિક અસમાનતા એના એ સ્વરૂપમાં કાયમ હતી. બીજાને પોતાનામાં સમાવતી અને વાટીને એકરસ કરતી ખરલ સામે પેદા થઈ રહેલા અવરોધોને દૂર કરવામાં હિંદુઓએ ભાગ્યે જ કોઈ પ્રયાસ કર્યા હતા. અને ત્રીજું હિંદુઓ હિંદુ સમાજની મર્યાદા અને ઉકેલની બાબતમાં સાવ બેફીકર હતા. શા માટે હિન્દુસ્તાનમાં હિંદુઓની બહુમતી હોવા છતાં હિંદુઓનો પરાજય થયો હતો અને હજુ પણ શા માટે બહુમતી હિંદુઓ પર લઘુમતી મુસલમાનોનું રાજ છે એવો સામાન્ય પ્રશ્ન પણ હિંદુ માનસમાં જાગ્યો નહોતો. આવી તો કોઈ પ્રજા હોય? પણ આ પૃથ્વી પર ભારતીય ઉપખંડમાં આવી પ્રજા હતી. તુલસીદાસે તો કહ્યું પણ હતું કે શાસક આવે ને જાય આપણને શું ફરક પડે છે.

આની વચ્ચે યુરોપમાં પુનર્જાગરણનો યુગ શરૂ થયો હતો જેણે પ્રજામાં નવો ઉત્સાહ અને સાહસ પેદા કર્યાં હતાં. શંકા કરો, પ્રશ્ન કરો અને જાતે ખાતરી કરો. તમારી સુખાકારી તમારા હાથમાં છે, તમારા પુરુષાર્થમાં છે, કોઈની કૃપામાં નથી. આ નવા જોમે ભારત અને યુરોપ વચ્ચે જે મુસ્લિમ વિશ્વ હતું એના અવરોધને હટાવી દીધો. જો ભારત નામનો કોઈ સમૃદ્ધ દેશ છે અને એ દેશમાંથી તેજાનાઓ અને બીજી ચીજો મુસલમાનો આયાત કરીને આપણે ત્યાં વેચે છે તો એ છે ક્યાં? આપણે જ કેમ ત્યાં ન પહોંચી જઈએ?

બસ, આ એક પ્રશ્નમાંથી ભારતની ‘ખોજ’ શરૂ થઈ. એ ‘ખોજ’ સાર્વત્રિક અસર કરનારી વ્યાપક નીવડવાની હતી, માત્ર પૃથ્વી પરનો એક ભૂભાગ શોધવા પૂરતી નહોતી રહેવાની. જ્યારે ખોજ શરૂ થઈ ત્યારે તો એ વ્યાપાર કરવાના અને આરબ વિશ્વના મુસ્લિમ વ્યાપારીઓને વચ્ચેથી હટાવીને વધુ નફો કમાવાના ઈરાદે શરૂ થઈ હતી. તેમણે જ્યારે ભારત નામનો ભૂભાગ શોધી કાઢ્યો ત્યાર પછી તેમને ટીપિકલ ભારતીય માનસ(હિંદુ માનસ કહો)નો પરિચય થવા લાગ્યો હતો અને તેમને અનુભવ થવા લાગ્યો હતો કે આ કોઈ અલગ જ વિશ્વમાં વસતી પ્રજા છે. વાસ્કો ડી ગામાએ ભારતમાં પગ મુક્યો એનો પહેલો જ પ્રસંગ જોઈએ.

વાસ્કો ડી ગામાએ કેરળમાં કાલીકટમાં પગ મુક્યા પછી કાલીકટના રાજા ઝમોરીનના દરબારમાં ગયો. રાજાએ વાસ્કો ડી ગામાને આવવાનું કારણ પૂછ્યું તો તેણે શરમાયા કે સંકોચ વિના કહ્યું હતું કે ઈસાઈઓ અને તેજાનાઓની ખોજમાં. ઈસાઈ ધર્મ મૂકી જવા અને તેજાનાઓ લઈ જવા. આમ છતાં પણ કાલીકટનો રાજા વાસ્કો ડી ગામાને મળીને પ્રસન્ન થયો હતો અને પોર્ટુગીઝ રાજાને મૈત્રીનો પ્રસ્તાવ મોકલ્યો. જવાબમાં પોર્ટુગીઝ રાજાએ ભારત જાણે કે કોઈ ગુલામ દેશ હોય એમ હજુ મોટી સંખ્યામાં વેપાર કરવા સાહસિકોને અને ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા મિશનરીઓને ભારત મોકલ્યા.

એ પછી તો કેરળના સમુદ્રમાં મુસલમાનો અને અને પોર્ટુગીઝો વચ્ચે મારામારી થઈ હતી. પોર્ટુગીઝોની પાછળ પાછળ બીજા યુરોપિયનો આવવા લાગ્યા અને તેમની વચ્ચે મારામારી શરૂ થઈ. હવે જે વેપારી કાફલાઓ આવતા હતા તેમાં તેજાનાની સુરક્ષા માટે સૈનિકો અને ચોકિયાતો આવવા લાગ્યા અને વ્યાપારની લડાઈ હજુ વધુ લોહિયાળ બનવા લાગી. ચાંચિયાઓ જહાજોને લૂંટતા હતા. આ બધું ભારતની ચીજવસ્તુઓ યુરોપમાં લઈ જઇને નફો કમાવા માટેની હતી.

આશ્ચર્ય એ વાતનું છે કે એક પણ હિંદુ વેપારીને ભારતીય ચીજવસ્તુઓ માટેની આવી લોહિયાળ લડાઈઓ જોઈને એવો વિચાર નહીં આવ્યો કે બીજા આપણો માલ વિદેશ લઈ જઈને વેચે તો આપણે કેમ ન વેચીએ! રાજાને પણ એવો વિચાર ન આવ્યો કે વિદેશીઓ પર ભારત આવવા ઉપર પ્રતિબંધ મૂકીને ભારતીય વેપારીઓને નિકાસ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આ સિવાય કાલીકટના રાજાને મૈત્રીના પ્રસ્તાવને પોર્ટુગીઝ રાજાએ ઠુકરાવી તો નહોતો દીધો, પણ તેનો ઉત્તર એક રાજા બીજા રાજાને આપે એવો સાલસતાપૂર્વકનો નહોતો એ છતાં ય રાજાને એ વાતનું કોઈ માઠું નહોતું લાગ્યું. કદાચ વાસ્કો ડી ગામાએ વતન પાછા ફરીને ત્યાંના રાજા સમક્ષ ભારત વિશેનું જે વર્ણન કર્યું હશે તેનું આ પરિણામ હશે. તેમણે કહ્યું હશે કે ભારતીય પ્રજા બહાર નજર નાખવાની આદત નથી ધરાવતી, તે પોતાનમાં મશગુલ રહે છે.

બીજું, કાલીકટના રાજા ઝમોરિને એક વાર વિચાર્યું પણ હોત કે વિદેશી વેપારીઓને ભારતમાં આવતા અટકાવવા જોઈએ અથવા એકબીજાનો માલ લૂંટનારાઓને કે ચાંચિયાગીરી કરનારાઓને અટકાવવા જોઈએ તો તે એમ ક્યાં કરી શકે એમ હતો! ભારત પાસે આટલો મોટો દરિયાકિનારો હોવા છતાં ભારતીય શાસકોએ સમુદ્રની સંભાવનાઓ ઓળખી જ નહોતી. સંરક્ષણની દૃષ્ટિએ નહીં, વિસ્તરવાની દૃષ્ટિએ નહીં કે વ્યાપારની દૃષ્ટિએ પણ નહીં. દરિયાપાર જવું એ હિંદુ માટે પાપ ગણાતું હતું, કારણ કે બૌદ્ધો ધર્મપ્રચાર કરવા વિદેશમાં જતા હતા અને બૌદ્ધોને નીચા બતાવવા માટે આર્યાવર્તને છોડીને વિદેશમાં જવું એને પાપ ગણાવવામાં આવ્યું હતું. આવી ઉદાસીનતાને કારણે સમુદ્રની સુરક્ષા કરવાની પણ કોઈ વ્યવસ્થા ભારતના દરિયાકાંઠાના શાસકો નહોતા ધરાવતા.

આમ હિંદુ પ્રજા, હિંદુ વેપારી અને હિંદુ શાસકની નજર સામે દરિયામાં ભારતીય ચીજવસ્તુઓ દ્વારા નફો કમાવા માટે કત્લેઆમ ચાલતી હતી અને કત્લેઆમ પાંચ પાંચ હજાર ગાવ દૂરથી આવીને લોકો કરતા હતા, પરંતુ અહીંના હિંદુઓને કોઈ ફરક નહોતો પડતો. વિદેશીઓને હિંદુઓનું આ પાસું ધ્યાનમાં ન આવે એવું તો બને જ નહીં. શિકારી ઘરના દરવાજે આવી જાય ત્યાં સુધી તે ન બચવાની કોઈ કોશિશ કરે કે ન શિકારીને તગેડી મૂકવાની. યુરોપિયનોને તરત જ સમજાઈ ગયું હતું કે ભારતમાં ધંધાની અનુકૂળતા તો છે જ, પણ ઈસાઈ ધર્મના પ્રચાર-પ્રસારની પણ અનુકૂળતા છે. આગળ જતા તેમને એ પણ સમજાઈ ગયું કે ધારો તો ભારતને કબજે કરીને રાજ કરવાની પણ અનુકૂળતા છે.

દુન્યવી બાબતો માટે ઉદાસીન હિંદુ એક ગજબનું પ્રાણી છે. શરૂઆતનાં વર્ષોમાં યુરોપિયનોને હિંદુ સમજાતો પણ નહોતો. આવું વલણ ધરાવનારો કોઈ માણસ હોય એ વાતનું તેમને અચરજ થતું હતું. જનકની જેમ ઘરને આગ લાગે તો હિંદુને કોઈ ફરક નહોતો પડતો, પણ ફરક એ હતો કે જનક વેદાંતી હતા જ્યારે મધ્યકાલીન યુગનો હિંદુ નિયતિવાદી હતો. નસીબમાં ન હોય તો મળતું નથી અને નસીબમાં ન હોય તો ટકતું નથી એટલે રડવાનું શું અને રડીને શું ફાયદો! નિયતિ સામે માનવીય પુરુષાર્થ નકામો છે એટલે ધન માટે મ્લેચ્છોને લડતા જોઇને તેને તેમની ઉપર દયા આવતી હતી. અનુસરવાનું બહુ દૂર રહ્યું.

એટલે તો વાસ્કો ડી ગામાએ ભારતમાં પગ મુક્યો એ પછી ૪૧૦ વરસે ગાંધીજીએ તેમની નાનકડી પુસ્તિકા ‘હિંદ સ્વરાજ’માં લખ્યું છે કે ભારતને અંગ્રેજોએ ગુલામ નથી કર્યું, ભારતીયોએ સામેથી ગુલામી વહોરી છે. હિંદુએ પોતે પોતાના માટે રચેલાં વિશ્વને સાચું માની લીધું હતું અને તે બહાર જોતો બંધ થઈ ગયો હતો. ભારતની ખોજ કરવા આવેલા યુરોપિયનોએ ભારતની આ પણ એક ખોજ કરી હતી અને તેમને તેમાં ગોળનો ગાડવો નજરે પડ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 જાન્યુઆરી 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 25

દીપક મહેતા|Opinion - Opinion|5 January 2020

દૂધવાળો આવે, ઘંટડી બજાવે, દૂધ મીઠા લાવે.

જોઈ સિનેમા માંડ સૂતાંતાં : ઊઠવું કેમ ભાવે!

હાય રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે!

ગયે શનિવારે મેટ્રોમાં અંગ્રેજી ફિલ્મ જોઈને ઘરે આવતા મોડું થયું. સવારે મોડા ઊઠવાનું ધાર્યું હતું. પણ ૧૯૫૧ના માર્ચ મહિના પહેલાનાં મુંબઈમાં એ શક્ય નહોતું. કારણ ભગવાનદાસ કાકાને ઘરે જ નહિ, મુંબઈના લગભગ દરેક ઘરની મુલાકાતે રોજ આવનારાઓમાંથી પહેલો, દૂધવાળો વહેલી સવારે આવીને બેલ વગાડ્યા વગર રહેતો નહિ. ૧૯૫૧ના માર્ચની ચોથી તારીખે પંડિત જવાહરલાલ નેહરુએ આરે મિલ્ક કોલોનીનું ઉદ્ઘાટન કર્યું તે પહેલાં તબેલામાંથી તાજું દૂધ ભૈયાજીઓ ઘરે ઘરે પહોચાડતા. સવારે અને બપોરે, એમ બે વાર. રાતના બે-ત્રણ વાગે દૂરના પરામાંના તબેલામાં દૂધ દોહી, પિત્તળનાં ચળકતા હાન્ડામાં ભરી, હાંડાનું મોઢું સૂકા ઘાસથી ઢાંકી, માથે મૂકી, લોકલ ટ્રેનમાં સવાર થઈને ભૈયાજી ઘરે ઘરે દૂધ પહોચાડે. ૧૯૩૩મા ઝવેરચંદ મેઘાણી થોડો વખત મુંબઈવાસી બન્યા ત્યારે મુંબઈનું આ રોજિંદુ ચિત્ર જોઈ તેમણે ‘દૂધવાળો આવે’ કાવ્ય લખ્યું. ઉપલી પંક્તિઓ પછી લખે છે:

બોરીવલી સ્ટેશન, ત્રણ બજે ટનટન, ભેંસો દોહી ભમભમ,
રેલગાડીનાં મો-ફૂફાડે દોટમદોટ આવે –
પાઘડી વિંખાય, તાંબડી ઢોળાય, તોયે વે’લો આવે.

ઉદ્ઘાટન પછી આરે કોલોનીમાં વૃક્ષારોપણ કરતા જવાહરલાલ નેહરુ

આરેની દૂધની બાટલીઓ

આરે કોલોની શરૂ થઇ તે પછી મુંબઈગરાઓએ પહેલી વાર જાડા કાચની બાટલીમાં ભરેલું દૂધ જોયું, પીધું. એ જમાનો હતો દૂધથી માંડીને મોટર સુધીની દરેક વસ્તુની અછતનો જમાનો. મોટર ખરીદવી હોય તો ઓર્ડર બુક કર્યા પછી પાંચ-સાત વર્ષ રાહ જોવી પડે. દૂધ માટે પણ સરકારી ઓફિસમાં જી કાર્ડ કઢાવવું પડે. એલ્યુમિનિયમનાં કાર્ડ પર નામ, સરનામું, નંબર એમ્બોસ કરેલા હોય. રોજ કેટલી બાટલી દૂધ મળશે તે પણ લખ્યું હોય. જેટલી બાટલી દૂધ લેવું હોય તેટલી ખાલી બાટલી કાર્ડ કઢાવતી વખતે જ ખરીદી લેવાની. પછી રોજ સવારે નજીકના સેન્ટર પર કાર્ડ અને ખાલી બાટલી લઈને જવાનું. ખાલી બાટલી આપીને દૂધથી ભરેલી બાટલી લેવાની, અલબત્ત રોકડા દોકડા આપીને. ખાલી બાટલી બરાબર ધોવાઈ ન હોય તો દૂધ લીધા વગર ખાલી બાટલી લઈને પાછા ઘરે આવવું પડે. બે જાતનું દૂધ મળે : હોલ અને ટોન્ડ. બેમાં ટોન્ડ સસ્તું. તે વખતે લોકો આજના જેટલા હેલ્થ કોન્શિયસ નહિ, એટલે ટોન્ડ મિલ્કનાં ફાયદા ન જાને. સસ્તું, એટલે ટોન્ડ તે તો ગરીબગુરબાં માટે એમ મનાતું. બંનેની બાટલી સરખી, પણ ઉપરની એલ્યુમિનિયમની કેપ જૂદા રંગની. પહેલાં તો લોકોને બહુ ભરોસો નહોતો બેઠો સરકારી દૂધ પર. ભૈયાજીનાં દૂધ જેટલું તાજું નહિ. વહેલી સવારે મિલ્ક સેન્ટર પર લેવા જવું પડે, લાઈનમાં ઊભા રહેવું પડે. પણ ભૈયાજીનાં દૂધ કરતાં સસ્તું. એટલે પહેલાં તો ઓછી આવકવાળાઓએ લેવાનું શરૂ કર્યું. પછી મધ્યમ વર્ગ બાટલી (દૂધની) તરફ વળ્યો. પણ ઉપલો અને શ્રીમંત વર્ગ આ સરકારી દૂધ ભાગ્યે જ ખરીદતો.

દૂધવાળો

જેમ ભર્યા ઘરમાં નહિ, દીવા વિના દેખાય;
વર્તમાનપત્રો વિના, જગ ચરચા ન જણાય.

સવાર પડે એટલે બીજા બધા દીવા ઓલવાઈ જાય, પણ એક દીવો એવો કે જે સવારે જ પેટાવાય. કવીશ્વર દલપતરામે ‘વર્તમાનપત્ર વિષે’ નામના કાવ્યમાં કહ્યું છે એમ ત્યારે એ વખતે ‘જગચર્ચા’ જાણવાનું લગભગ એકમાત્ર સાધન એટલે વર્તમાનપત્ર કહેતાં છાપું. ભગવાનદાસ કાકાને ઘરે રોજ સવારે છાપાવાળો નાખી જાય. પણ દૂધવાળાની જેમ બેલ મારીને ઊઠાડે નહિ. બારણે મૂકીને ચાલતો થાય. મહિનાને અંતે હિસાબ કરીને પૈસા આપી દેવાના. બીજું ઘણું બદલાયું છે વખત સાથે, પણ મુંબઈમાં છાપાવાળો બદલાયો નથી. એનો કોઈ વિકલ્પ મળ્યો નથી. હા, એ વખતે છાપાં સતત દાયતિંગ કરતાં, બલકે તેમણે કરવું પડતું. કારણ? કારણ ન્યૂસ પ્રિન્ટની તંગી. પહેલાં તો આયાત થતો. પછી સરકારી પેપર મિલમાંથી દરેક છાપાને માર્યાદિત જથ્થો, ઠરાવેલા ભાવે મળે. ન્યૂસ પ્રિન્ટનું કાળું બજાર પણ ચાલે. થોડાં વરસ તો દરરોજ છાપું કેટલાં પાનાં આપી શકે એ અંગે સરકારે નિયમ બનાવેલા. એટલે બહુ બહુ તો ૧૨ કે ૧૬ પાનાં. એ વખતે છાપામાં આજના જેવું નહિ. ત્યારે ન્યૂસ વધુ, જાહેર ખબર ઓછી. ક્યારેક કોઈ અસાધારણ ઘટના બને ત્યારે સવારનું છાપું બપોરે ‘વધારો’ બહાર પાડે જેમાં પહેલે પાને એ અસાધારણ ઘટના અંગેના સમાચાર છાપ્યા હોય. બાકીનાં પાનાં સવારવાળાં જ હોય. આજની જેમ એ જમાનો દરેક મિનિટે ‘બ્રેકીંગ ન્યૂસ’નો નહોતો એટલે વરસમાં માંડ બે-ત્રણવાર આવો ‘વધારો’ બહાર પડે. પછી આવ્યાં સાંજનાં છાપાં. ૧૯૦૨ના મેં મહિનાની પહેલી તારીખે અરદેશર બેહરામજી પટેલે ‘સાંજ વર્તમાન’ શરૂ કર્યું તે પહેલવહેલું સાંજનું ગુજરાતી છાપું. અરદેશરજીને ક્રિકેટનો જબરો શોખ. પારસીઓ અને અંગ્રેજો વચ્ચેની પહેલી ક્રિકેટ મેચ તેમણે ગોઠવી હતી. ક્રિકેટ અંગે તેમણે ઈન્ગલંડની મુસાફરી પણ કરી હતી. આ ઉપરાંત તેમણે ઘણા નાટકો પણ લખ્યા હતા જે રંગભૂમિ પર સફળતાથી ભજવાયા હતા. સાંજના છાપાના ફેલાવાને પીઠબળ મળ્યું હતું રોજ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓનું. ઓફીસ કે દુકાનેથી પાછા ફરતા સ્ટેશન નજીકથી કે સ્ટેશન પરથી સાંજનું છાપું ખરીદવાનો જાણે વણલખ્યો નિયમ. મુસાફરી દરમ્યાન છાપું વંચાતું જાય. એટલે સમાચાર ઓછા, અને હલકું-ફૂલકું વાચન વધારે એવો ઘાટ સાંજનાં છાપાંનો ઘડાતો ગયો.

અરદેશર પટેલ

કોઈ મુંડ મુન્ડાવે, ને કોઈ દાઢી કાઢી નાખે,
કોઈ રાખે ચોટલી ને કોઈ રાખે ચોટલો,
સરવ ધરમનો મરમ સદાચરણ છે,
દુરાચરણ તે પ્રૌઢ પાપ તણો પોટલો. (દલપતરામ)

ભગવાનદાસ કાકાના દીકરાઓ રોજ દાઢી કરવામાં સ્વાવલંબી હતા, પણ ભગવાનદાસ કાકા નહોતા. એટલે રોજ સવારે તેમની દાઢી કરવા પૂંજાભાઈ રોજ ઘરે આવે. ચામડાની કાળી બેગમાંથી એક પછી એક ઓજારો કાઢે, જાણે કોઈ સર્જન ઓપરેશન કરવા માટે પોતાના ઓજારો કાઢતો હોય તેવી અદાથી. રમીલા વહુ માથે ઓઢીને આવે છે અને પિત્તળના એક જૂના ગન્જીયામાં ગરમ પાણી મૂકી જાય છે. હજી શેવિંગ ક્રીમ કે ફોમ આવ્યાં નથી. એક ડબ્બીમાંથી ગોળ આકારનો શેવિંગ કાઢી પૂંજાભાઈ તેના પર પાણીવાળું બ્રશ ગોળ ગોળ ઘૂમાવે છે અને પછી જે ફીણ થાય તે ભગવાનદાસ કાકાની દાઢી પર લગાડે છે. અને પછી લાંબા, ચળકતા અસ્ત્રાથી દાઢીનાં વાળને નિર્મૂળ કરવા મંડી પડે છે. આ બધાં કામ દરમ્યાન તેની જીભ તો સતત ચાલુ જ હોય છે. ગઈ કાલના છાપામાં વાંચેલા ખબર, પડોશી પાસેથી સાંભળેલી અફવાઓ, બીજા કોઈ ઘરાકે આપેલી ‘ખાનગી’ માહિતી. પૂછે છે : તે હેં કાકા! સાંભળ્યું છે કે અંગ્રેજ સરકાર રૂપિયાની નવી નોટ બહાર પાડવાની છે તેના પર ગાયની ચરબી લગાડવાની છે, જેથી દેશ આંખો વટલાઈ જાય. સાચી વાત? પૂંજાભાઈ આ રીતે ઘરમાં આવે એ વિલાસકાકીને બહુ ગમતું તો નથી, પણ શુ થાય? ગામ જેવો ઘરનો ઓટલો મુંબઈમાં ક્યાંથી કાઢવો?

નળ છે વહેતા મીઠા નીરના રે,
ધોરી રગો શરીરમાં જેમ. (દલપતરામ)  

સવારે એક ભૈયાજી દૂધ આપી ગયા, હવે આવે બીજા ભૈયાજી, વાવડી કહેતા કૂવાનું પાણી લઈને. આમ તો છેક ૧૮૬૦થી મુંબઈમાં પાઈપ વાતે પાણી આપવાનું શરૂ થયું હતું. અને વીસમી સદીમાં તો લગભગ ઘરે ઘરે નળનું પાણી આવતું. આખો દિવસ નહિ, સવારે અને સાંજે થોડો થોડો વખત. પાણી આવે ત્યારે મોટા પીપડામાં ભરી લેવાનું. પછી જરૂર પ્રમાણે વાપરવાનું. પણ ભગવાનદાસ કાકાના કુટુંબની જેમ ઘણા રુઢિચુસ્ત કુટુંબો નહાવા-ધોવા માટે નાળાનું પાણી વાપરે, પણ પીવા માટે નહિ. નળ આવ્યા તે પહેલાં કૂવા અને તળાવો મુંબઈની તરસ છીપાવતા. હવે તળાવો તો લગભગ રહ્યા નહિ, પણ કૂવાઓ તો હતા. આવા કૂવાનું પાણી તાંબાના ઘડામાં ભરીને રોજ સવારે ભૈયાજી ઘરે-ઘરે પહોચાડે. ગરગડી, દોરડું ને હાન્ડાની મદદથી કૂવામાંથી કાઢેલું પાણી લાકડાના મોટા પીપમાં ઠાલવે. એ પીપ એક ગાડા પર ફિક્સ કરેલું હોય. ગાડું હંકારીને ભૈયાજી ઘરે ઘરે જાય અને ઠરાવ્યા પ્રમાણે રોજ એક-બે હાંડા પાણી આપીને જાય. બોમ્બે હાઈ કોર્ટ પાસેના કૂવાની જેમ કેટલાક કૂવાનું પાણી તો પ્રખ્યાત. એક દિવસ એવો પણ આવશે કે જ્યારે પીવાનું પાણી પ્લાસ્ટિકની બાટલીમાં વેચાશે એવું તો ત્યારે કોઈએ સપનામાં પણ ધાર્યું નહોતું.

ભગવાનદાસ કાકાના ઘરથી થોડે દૂર પ્રિન્સેસ સ્ટૃીટ. પારસીઓની સારી એવી વસ્તી. થોડે દૂર ચીરા બજારની માચાલી બજાર. પારસીઓની વસ્તી હોય ત્યાં માચાલી, પાઉં, ઈંડા વગેરે વેચનારા ફેરિયાઓ રોજ આવે. એ વખતે પાઉં એટલે આજે જેને લાદી પાઉં કહીએ છીએ તે જ. સ્લાઈસ્ડ બ્રેડ ત્યારે કોઈએ જોઈ નહોતી. વહેલી સવારે બેકરીમાં તૈયાર થયેલા તાજા, નરમ પાઉં. સાસુન ડોકની તાજી માછલીઓ. પારસી ઘરોની એક લાક્ષણીકતા. કોઈ ફેરિયાએ દાદર ચડીને ઉપર જવું ન પડે. બાલ્કનીમાં એક મજબૂત દોરીનો એક છેડો કઠેડા સાથે બાંધ્યો હોય. બીજે છેડે વાંસની ટોપલી બાંધી હોય – પ્લાસ્ટિકને આવવાને હજી વાર હતી. ફેરિયો આવે ત્યારે ટોપલી ઉપરથી નીચે સરકાવાવાની. ફેરિયો પાઉં કે ઈંડા કે માચાલી તેમાં મૂકે એટલે દોરી ખેંચીને ટોપલી ઉપર લઇ લેવાની. હવે તેમાં પૈસા મૂકીને ફરી ટોપલી નીચે. ફેરિયો પૈસા લઇ લે એટલે ટોપલી ઉપર. ક્યારેક ઘરનું કોઈ માણસ પાકીટ કે રૂમાલ કે એવું કઈ ભૂલી ગયું હોય ત્યારે પણ આ ટોપલી કામ આવે.

મહાલક્ષ્મી પાસેનો ધોબીઘાટ

અને રવિવારની સવારનો આગંતૂક ધોબી

વોશિંગ મશીન તો હતા નહિ, એટલે ભગવાનદાસ કાકાને ઘરે અને બીજા ઘણા ઘરે દર રવિવારે સવારે ધોબી આવે. ઘરમાં પડેલી કોઈ જૂની ડાયરીને ‘ધોબીની ડાયરી’ બનાવી દેવાય. ધોબીને આપવાના બધાં કપડાં ભેગાં થઇ જાય એટલે રમીલા ડાયરીમાં તેણી નોંધ કરી લે. ૫ ખમીસ, ૪ પાટલૂન, ૩ કફની, ૫ સાડી, વગેરે. ધોબી આવીને એ કપડાં લઇ જાય અને આગલે રવિવારે આપેલાં કપડાં ધોઈ, ઈસ્ત્રી કરીને આપી જાય. ધોવા માટે કપડાં મોટે ભાગે જાય મહાલક્ષ્મી સ્ટેશન પાસે આવેલા ધોબી ઘાટ પર. દર મહીહિને હિસાબ કરીને ધોબીને પૈસા ચૂકવાય. હિસાબ થાય સો કપડાના ૧૫, ૨૦, કે ૨૫ રૂપિયાના હિસાબે. રેશમી કે જરીવાળા ભારે કપડાં ધોબીને ન અપાય. ધોવડાવવાની બહુ જરૂર હોય તો નજીકની લોન્ડ્રીમાં અપાય. ભૂલેચૂકે ધોબીથી એક-બે કપડાં ખોવાઈ જાય કે બદલાઈ જાય તો તે દિવસે તેની સાથે ધર્મયુદ્ધ થઇ જાય. ત્યારે કોલસાની ઈસ્ત્રી વપરાતી એટલે કોઈ વાર એકાદ કપડું થોડું બળી પણ ગયું હોય. ત્યારે મિનિધર્મયુદ્ધ થઇ જાય.

વીતેલાં વર્ષનો ટપાલી

પિત્તળનાં વાસણને કલાઈ કરવા દર બે-ત્રણ મહિને કલાઈવાળો આવે. ગરમ ગરમ કલાઈ લગાડ્યા પછી તરત વાસણને પાણીની બાલ્દીમાં ડૂબાડે ત્યારે જે છમકારો થાય તે સાંભળવાની ભગવાનદાસ કાકાની દીકરીને બહુ મજા આવતી – એ નાની હતી ત્યારે. તો વરસમાં એક વાર ઘરે દરજી બેસે. ઘરના નાના-મોટા, સ્ત્રી-પુરુષ-બાળક બધાના આખા વરસનાં કપડા સીવે. બધા માટેનાં કાપડની ખરીદી એક સાથે તાકાને હિસાબે થાય. એટલે બધા છોકરાના ખમીસ-પાટલૂન એક જ કપડાંના, છોકરીઓનાં ફરાક એક જ કપડાંના. દરજી દર વરસે આવે એટલે તેને માપ લેવાની ભાગ્યે જ જરૂર પડે. છતાં જરૂર પડે તો પુરુષો-છોકરાઓના માપ લે, પણ મા-બહેનોના માપ તો લેવાય જ નહિ. જરૂર પડે તો અગાઉ સીવેલું કોઈ કપડું નમૂના તરીકે માગી લે. એવી જ રીતે લગનસારા પહેલાં ઘરે પરોણીગર બેસે. મોતીના બંગાળી, માલા વગેરે ઘરેણાં પરોવીને નવા તૈયાર કરી આપે. એ માટેના સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીના ‘ઘરા’ કે ખોખા પહેલેથી ગુલાલ વાડી જઈને ખરીદી લીધા હોય. જે ઘરેણાં ભાંગ્યા-તૂટ્યાં હોય તે સમાનામા પણ કરી આપે.    

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 04 જાન્યુઆરી 2020 

Loading

માનવતા પોતાના અસ્તિત્વનું સંકટ અનુભવી રહી છે; ક્લાઇમેટ ચેન્જ વર્તમાન યુવા પેઢીનું ઉત્તરદાયીત્વ છે

સુમન શાહ|Opinion - Opinion|4 January 2020

આપણે સહવિચાર કેમ નથી કરતા કે કયાં પરિબળો વડીલ પેઢીઓની કુણ્ઠા બની બેઠાં છે, યુવા પેઢીઓની રૂંધામણ બની બેઠાં છે

૨૦૧૯ની વ્યક્તિ-વિશેષ ગ્રેટા થુન્બર્ગ

૧૬ વર્ષની ગ્રેટા થુન્બર્ગને ‘ટાઈમ’ મૅગેઝિને ‘યુવાશક્તિ’ કહીને ૨૦૧૯ના વર્ષની વ્યક્તિ-વિશેષ ઘોષિત કરી છે. ગ્રેટા ‘ક્લાઈમેટ ચેન્જ’ સંદર્ભે સ્વીડિશ ઍન્વાયર્ન્મૅન્ટલ ઍક્ટિવિસ્ટ છે. એણે ‘ક્લાઈમેટ ક્રાઈસિસ’ નામની મહા પ્રભાવક ઝુંબેશ ચલાવી છે. ગ્રેટા ઇચ્છે છે કે એ મહા સંકટના નિવારણ માટે રાજકારણી સત્તાધીશો ઝડપી ઍક્શન્સ લે. એની ચળવળનું કેન્દ્ર જ ઍક્શન છે.

જન્મ સ્વીડનમાં, ૨૦૦૩માં. ૮ વર્ષની વયે ગ્રેટાએ પહેલી વાર ‘ગ્લોબલ વૉર્મિન્ગ’ વિશે સાંભળેલું. એને વિચાર આવેલો : ‘એવું તો શેનું થવાનું કેમ કે રાજકારણીઓ કાળજી કરીને બધું સંભાળી લેશે.’ ધીમે ધીમે ગ્રેટાના ધ્યાન પર આવ્યું કે એ લોકો તો કંઈ કરતા જ નથી. એટલે એને ઝુંબેશનો વિચાર આવ્યો ને એ માટે એ તત્પર થઈ ગઈ. પોતે જે શાળામાં ભણતી’તી ત્યાંથી એણે શુભારમ્ભ કર્યો – ઑગસ્ટ ૨૦૧૮. ત્યારે એ ૧૫ વર્ષની હતી. ઝુંબેશનું નામ રાખ્યું – ‘સ્કુલ ક્લાઇમેટ સ્ટ્રાઈક’. હુલામણું બિરદ રાખ્યું – ‘ફ્રાઇડેઝ ફૉર ફ્યુચર’. ઍક્ટિવિસ્ટ કહો કે કર્મવીર કહો એવી આ છોકરી શાળામાં ભણવાનું છોડીને સ્વીડિશ પાર્લામૅન્ટની સામે અડ્ડો જમાવીને ધરણાં કરે છે. મુદ્દો એક જ – ગ્લોબલ વૉર્મિન્ગના નિકાલ માટે ઍક્શન લો !

જોત જોતાંમાં બીજાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ જોડાય છે અને ક્રમે ક્રમે ઝુંબેશ રાષ્ટ્રીય અને આન્તરરાષ્ટ્રીય સ્તરે પ્રસરે છે. દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક સ્ટ્રાઇક ! એકવાર તો બે શ્હૅરોમાં થઇને દરેકમાં ૧ મિલિયન વિદ્યાર્થીઓ ! ૨૦ સપ્ટેમ્બરની સ્ટ્રાઇકમાં ૬ દેશોના થઈને આશરે ૪ મિલિયન લોકો ! ઇતિહાસમાં આ વિરોધ-પ્રદર્શન મોટામાં મોટું ગણાય છે.

ગ્લોબલ વૉર્મિન્ગ એટલે પૃથ્વીવ્યાપી ગરમી. ઔદ્યોગિક ક્રાન્તિ પછી ગ્લોબલ તાપમાન ૧ સેલ્સિયસ જેટલું વધી ચૂક્યું છે. સંભાવના છે કે ૨૧૦૦ સુધીમાં એ ૩ સેલ્સિયસે પ્હૉંચી જશે. કાર્બન ડાયોક્સાઇડ બીજાં પ્રદૂષકો અને ગ્રીનહાઉસ ગૅસિઝ રેડિયેશન વગેરે વાતાવરણમાં ભળે પછી વરસો લગી ભળેલાં રહે છે. પરિણામે, પૃથ્વીનો ગોળો વધારે ગરમ અનુભવાય છે. ઇલેક્ટ્રિસિટી પેદા કરવા અમેરિકા ફોસિલ ફ્યુએલ વાપરે છે. ફોસિલ તે ધરતીમાંથી પેદા થતો ગૅસ, કોલસો કે તેલ. એથી ઘણી મોટી માત્રામાં ગરમી અને તેથી પ્રદૂષણ જન્મે છે. ઘણી મોટી માત્રા એટલે ઘણી મોટી – દર વર્ષે ૨ બિલિયન ટન કાર્બનડાયોક્સાઇડ પેદા થાય છે ! પ્રદૂષણનો એવો જ બીજો મહા સ્રોત છે, અમેરિકાનું ટ્રાન્સપોર્ટેશન સૅક્ટર. એથી દર વર્ષે ૧.૭ બિલિયન ટન કાર્બનડાયોક્સાઇડ ધુમાડા રૂપે પેદા થાય છે.

અલબત્ત, અમેરિકા આ સંકટને વિશે એટલું જ જાગ્રત છે. આધુનિક પાવર પ્લાન્ટ્સથી પરિસ્થિતિ ઘણી સુધરી છે. પણ ભલા, આ તો એ અમેરિકાની વાત છે જ્યાં ભાગ્યે જ કોઇ વાહન ધુમાડો ઑકતું વહ્યે જતું હોય. એની તુલનામાં ભારતનાં બધાં જ મોટાં શ્હૅરોનાં વાહનોના નિત્યવર્ધમાન ધુમાડા અભૂતપૂર્વ ધોરણે વાતાવરણને પ્રદૂષિત કરે છે … શું વધારે કહેવું …

ગ્રેટાએ ખુદનાં માબાપને સમજાવ્યાં કે તમારાં કાર્બન-મૅલાં પગલાં મૂકીને ન જશો. આબોહવાને ચોખ્ખી રાખવા ‘લાઈફસ્ટાઇલ ચૉઇસિસ’ અપનાવજો, જેમ કે, પ્લેનના પ્રવાસ છોડી દેજો. માંસાહાર ન કરશો. વગેરે. મે ૨૦૧૯માં ગ્રેટાએ ક્લાઇમેટ ઍક્શન પરનાં પોતાનાં સંભાષણોનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. શીર્ષક સૂચક છે : ‘નો વન ઇઝ ટૂ સ્મૉલ ટુ મેક અ ડિફરન્સ’. સમજાશે કે નાની યુવા ગ્રેટા પોતાના ધ્યેયને વિશે કેટલી તો ખુલ્લી અને ખંતીલી છે; એની વાણી પણ કેટલી તો ધારદાર અને તીખી છે.

જુઓને, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯-ના ‘યુ.ઍન. ક્લાઇમેટ ઍક્શન સમિટ’-માં પણ પ્હૉંચી ગઈ. સામે બેઠેલા રાજકારણી રાજપુરુષોને એણે કેવા તો લબડધક્કે લીધા; કહ્યું કે : આ બધું ખોટું છે ! મારે અહીં શા માટે હોવું જોઇએ? આ મહાસગરની પેલે પાર મારે મારી શાળામાં હોવું જોઈએ ! પણ તમે બધા પધાર્યા છો તે અમને જુવાનોને આશા બંધાવવા ! પણ, હાઉ ડૅર યૂ ! તમે અને તમારા નિ રર્થક શબ્દોએ મારું બાળપણ ને મારાં સપનાં હરી લીધાં છે. જો કે તેમછતાં, હું કેટલાંક લકીઓમાંની એક છું. લોકો યાતનાઓમાં સબડી રહ્યાં છે. લોકો મરી રહ્યાં છે. સઘળી ઇકોસિસ્ટમ્સ ભાંગી પડી છે. આપણે સૌ માસ-ઍક્સ્ટિન્કશનનો પ્રારમ્ભ કરી રહ્યાં છીએ – સમૂહમાં લુપ્ત થઇને નામશેષ થઈ જાશું. પણ તમે લોકો? તમે લોકો જેની વાતો કરો છો, એ તો છે, માત્ર પૈસા ! એ તો છે, નિરન્તરના આર્થિક વિકાસને માટેની પરીકથાઓ ! હાઉ ડૅર યૂ !

‘યુઍન ક્લાઇમેટ ઍક્શન સમિટ’-માં વક્તવ્ય આપતી ગ્રેટા

છેલ્લે ગ્રેટાએ કહેલું : અમે તમારા પર વિશ્વાસ રાખેલો પણ તમે લોકોએ વિશ્વાસઘાત કર્યો છે. અમને જુવાનોને તમારી એ દગલબાજી સમજાઈ ગઈ છે. તમામ ભાવિ પેઢીઓની તમારા પર નજર છે. તમે અમને છેતરવાનું ચાલુ રાખશો તો હું તમને કહી રાખું છું – અમે તમને કદ્દી પણ માફ નહીં કરીએ.

પ્રેસે નૉંધેલું કે ધીટ અને ખંધા રાજકારણીઓ વચ્ચે આ ૧૬ વર્ષની છોકરી ધ્રુસકે ભરાઇને રડી પડેલી.

ગ્રેટાની આ ઝુંબેશને ટ્રમ્પ સહિતના કેટલાક રાજકારણી નેતાઓએ હસી કાઢેલી પણ ઝુંબેશના વ્યાપક સ્વીકાર આગળ એ બધાઓ તકસાધુ અને નમાલા પુરવાર થયેલા. જેમ કે, યુનાઇટેડ નેશન્સના સૅક્રેટરી-જનરલે ગ્રેટાના ધ્યેયનો સ્વીકાર કરતાં આવા મતલબનું કહેલું કે – મારી પેઢી એકાએક નજરે ચડેલા ક્લાઇમેટ ચેન્જનો સરખો મુકાબલો કરવામાં નિષ્ફળ નીવડી છે અને એ નિષ્ફળતાને નવી પેઢીનાં જુવાનો સહી શક્યાં નથી અને તેથી તેઓ ગુસ્સે ભરાય એ સ્વાભાવિક છે. જેમ કે, એ વર્ષના ફેબ્રુઆરીમાં ૨૨૪ જેટલા કેળવણીકારોએ સહીઓ કરીને જાહેરપત્રમાં દર્શાવ્યું કે – અમે ગ્રેટાની ઝુંબેશથી પ્રેરાયા છીએ અને ઇચ્છીએ છીએ કે અમે એને ધ્યાનથી સાંભળીએ.

ગ્રેટાએ ૪ વિષયવસ્તુ રજૂ કર્યાં છે : માનવતા પોતાના અસ્તિત્વનું સંકટ અનુભવી રહી છે : ક્લાઇમેટ ચેન્જ વર્તમાન યુવા પેઢીનું ઉત્તરદાયીત્વ છે : આજે યુવાન છે એ લોકો ક્લાઇમેટ ચેન્જની વિષમ-પ્રમાણ અસરનો ભોગ બનવાના છે : આ પરિસ્થતિ છે અને એ વિશે સાવ ઓછું કામ થયું છે : (ગ્રેટાએ એમ પણ કહ્યું છે કે) રાજકારણીઓએ અને નિર્ણયકારોએ વિજ્ઞાનીઓને સાંભળવાની ખાસ જરૂર છે.

જેમાં શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ જોડાયા હોય એવું જલદ વ્યાપક અને પરિણામદાયક આંદોલન, દેશ આખાની વાત હાલ ન કરીએ, ગુજરાતમાં ‘નવનિર્માણ’ અને ‘અનામત’ પછી ભાગ્યે જ થયું છે. જો કે, ગ્રેટા એક અસાધારણ મનુષ્ય છે. એની ધ્યેયસિદ્ધિ અપૂર્વ છે. તેમછતાં, એના દાખલા પરથી મને કેટલાક સવાલ થયા છે : આપણે ત્યાં પણ ગ્રેટા હોઈ શકે, કેમ નથી? કિશોરીઓ શું કરે છે એમ નહીં આપણે માબાપો એમને આવું કશું કરી શકે એવો ઉછેર આપીએ છીએ ખરાં? આપણે સહવિચાર કેમ નથી કરતા કે કયાં પરિબળો આપણી વડીલ પેઢીઓની કુણ્ઠા બની બેઠાં છે, આપણી યુવા પેઢીઓની રૂંધામણ બની બેઠાં છે? બૌદ્ધિક ગણાતા બહુ-શિક્ષિતો અને સર્જક ગણાતા સાહિત્યકારો જાગતિક પ્રશ્નો વિશે આકર્ષક અને અસરકારક લખી શકે, કેમ નથી લખતા? સત્ય એ છે કે દાઝ ઘણી છે પણ વ્યુત્પત્તિ નથી – પર્ફૅક્ટ પ્રોફિસિયન્સી નથી – ચોપાસ બનતી ઘટનાઓને વિશેની સમ્પ્રજ્ઞતા નથી. વધારે તો આપણે એકમેકની આસપાસમાં જ વ્યસ્ત છીએ …

= = =

પ્રગટ : શનિવાર, ૦૪/૦૧/૨૦૨૦-ના રોજ “નવગુજરાત સમય”માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યથી મૂક્યો છે 

Loading

...102030...2,5782,5792,5802,581...2,5902,6002,610...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved