Opinion Magazine
Number of visits: 9576031
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 26

દીપક મહેતા|Opinion - Opinion|11 January 2020

મુંબઈની ઉપમા ન મળે કહીં રે

મુંબઈ જેવી મુંબઈ એક

ત્યાં જામી બે કવિની સાઠમારી છેક 

પોલું છે તે બોલ્યું એમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

*

માખી બોલી મુખ થકી, પ્યારા બચ્ચા પાસ,
જઈ આવું હું જ્યાં સુધી, ઉડીશ માં આકાશ.

*

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય,
ચચ્ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય.

ભગવાનદાસ કાકા આમ તો સાત ચોપડી સુધી ભણ્યા હતા, અને જે ભણેલા તેમાંનું કશું યાદ નહોતું. સિવાય કે આવાં થોડાંક બાળકાવ્યો. ‘હોપ વાચન માળા’ તરીકે ઓળખાતી ગુજરાતીની ચોપડીમાં આવાં કાવ્યો આવતાં એ ભગવાનદાસ કાકાને આજ સુધી મોઢે રહી ગયાં છે. હોપ વાચન માળામાં કોઈ પાઠ કે કવિતા સાથે તેના લખનારનું નામ છપાતું નહિ. પણ નિશાળના માસ્તરે કહેલું કે આ કવિતો તો કવીશ્વર દલપતરામે લખ્યાં છે. હા, જી. આ એ જ દલપતરામ જેમના જન્મને આ મહિનાની ૨૧મી તારીખે ૨૦૦ વર્ષ પૂરાં થશે.

કવીશ્વર દલપતરામ

આમ તો મુંબઈમાં કવિવર નર્મદનું નામ ગાજતું, અને ગુજરાતમાં કવીશ્વર દલપતરામનો દોર-દમામ હતો. નર્મદને જણ્યો સુરતે, પણ તેને જાણ્યો મુંબઈએ. દલપતરામનો જન્મ કાઠિયાવાડના વઢવાણ શહેરમાં, કર્મભૂમિ અમદાવાદ. દલપતરામે લખ્યું છે:

વડું ખ્યાત વઢવાણ છે, સાગર સરખું શહેર,
ઉપજી એમાં એક દિન, આ આનંદ લહેર.

કવિ નર્મદ

નર્મદનો જન્મ ૧૮૩૩માં, એટલે નર્મદ-દલપત વચ્ચે ઉંમરમાં ૧૩ વર્ષનો ફેર. બંને એકબીજાને પહેલી વાર મળ્યા મુંબઈમાં. ૧૮૫૯ના મે મહિનાની ૨૮મી તારીખે. અલબત્ત, એ પહેલાં બંને એકબીજાનાં નામ અને કામથી પરિચિત. એ જ અરસામાં નર્મદે પૂના જવાનું ઠરાવ્યું હતું. પણ કેટલાક મિત્રો તેને ચીડવવા લાગ્યા કે ખરી વાત તો એ છે કે દલપતરામથી ગભારાઈને તમે પૂના ચાલ્યા જવાના છો. બસ, પૂના જવાનું કેન્સલ!

મોહનલાલ ઝવેરી

એ વખતે મુંબઈ-અમદાવાદ વચ્ચે હજી ટ્રેન શરૂ થઈ નહોતી. એટલે મોહનલાલ ઝવેરી સાથે દલપતરામ સુરત ગયા અને ત્યાંથી ૨૪ મેએ ‘ફોલાક્રસ’ નામની આગબોટમાં બેઠા. આ મોહનલાલ ઝવેરીનો જન્મ ૧૮૨૮માં, અવસાન ૧૮૯૬માં. કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે, છેવટે સુરતની મ્યુનિસિપાલિટીના કમિશ્નરને પદે પહોંચ્યા. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. બે દિવસ સુધી તો આગબોટ તાપી નદીમાં જ પડી રહી. પછી મુંબઈ જવા ઊપડી અને ૨૭મેએ સવારે દલપતરામે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો.

  

૧૯મી સદીનું ભૂલેશ્વર

દલપતરામનો પહેલો ઉતારો હતો ભૂલેશ્વરમાં આવેલા સ્વામી નારાયણના મંદિરમાં. મુંબઈનું આ સંપ્રદાયનું આ સૌથી જૂનું મંદિર. નર્મદ અને તેના પિતા લાલશંકર નજીક્માં જ રહે. થોડે દૂર મમ્માદેવીનું મંદિર. તેની નજીક વાસુદેવ બાબાજી નવરંગેની ચોપડીઓ વેચવાની દુકાન. કોણ હતા આ નવરંગે? તેઓ પુસ્તક વિક્રેતા ઉપરાંત પ્રકાશક, લેખક, સંપાદક અને અનુવાદક પણ ખરા. મહાત્મા જ્યોતિબા ફૂલેના ખાસ મિત્ર. ૧૮૬૩માં નવરંગે ઈન્ગલંડ ગયેલા. તેઓ ધાતુની વસ્તુઓ બનાવવાનાં બીબાંની ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી આ વ્યવસાયમાં તેમણે ફૂલેને પોતાના પૂના ખાતેના એજન્ટ નીમેલા. પ્રાર્થના સમાજની પુરોગામી સંસ્થા પરમહંસ સભાના તેઓ સભ્ય હતા. પછીથી તેઓ પ્રાર્થના સમાજ સાથે પણ સંકળાયા હતા. મુંબઈના સમાજ સુધારકોના સહાયક હતા. એટલે નર્મદ ત્યાં અવારનવાર જાય. તે દિવસે પણ જઈને દુકાનમાં બેઠો હતો. એવામાં દલપતરામ આવ્યા, અને અજાણ્યા નર્મદને પૂછ્યું: વાસુદેવ બાબાજીની દુકાન ક્યાં આવી? એ વખતે દલપતરામને આંખનો રોગ હતો, દૃષ્ટિ આછી અને ઓછી થતી જતી હતી. એની સારવાર કરાવવા તો ખાસ મુંબઈ આવેલા. ધૂંધળી નજરને કારણે દુકાનના નામનું પાટિયું નહિ વાંચી શક્યા હોય, એટલે આમ પૂછવું પડ્યું. નર્મદ કહે: આ જ એ દુકાન. દલપતરામ દુકાનમાં આવ્યા, વાસુદેવ બાબાજીને મળ્યા. થોડી વાત થયા પછી વાસુદેવ કહે: અમારા મુંબઈના જાણીતા કવિ નર્મદાશંકર અહીં જ બેઠા છે. ઓળખાણ કરાવી. દલપત-નર્મદ એકબીજાને ભેટ્યા. થોડી વાતો કરીને બંને છૂટા પડ્યા ત્યારે દલપતરામે કહ્યું: “હું સ્વામીનારાયણના મંદિરમાં ઉતર્યો છુ. ત્યાં કાલે તમે આવજો અને ડોક્ટર ભાઉ દાજીને ત્યાં મને લઇ જજો.” નર્મદ કહે, સારું.

વાસુદેવ બાબાજી નવરંગે

ભાઉ દાજી એ જમાનાના પ્રખ્યાત ડોક્ટર. મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ભણેલા. જાતમેળે આયુર્વેદનો પણ અભ્યાસ કરેલો. સમાજ સુધારકોના મિત્ર. સાહિત્ય, સંગીત, નાટકના જાણકાર. ગુજરાતી ભાષા સારી રીતે જાણે. નર્મદ અને બીજા ગુજરાતી લેખકોના મિત્ર. પુરાતત્ત્વવિદ્યાના અભ્યાસી. અંગ્રેજી પદ્ધતિના શિક્ષણના હિમાયતી. રાજકારણમાં પણ રસ. આજે જે જીજામાતા ઉદ્યાન તરીકે ઓળખાય છે તેમાં આવેલા મ્યુઝિયમ સાથે ૧૯૭૫માં ભાઉ દાજીનું નામ જોડવામાં આવ્યું.

ડોક્ટર ભાઉ દાજી 

બીજે દિવસે નર્મદ ગયો ત્યારે દલપતરામ પોતે બનાવેલું ભાઉ દાજી વિશેનું કવિત ગોખી રહ્યા હતા, કારણ આંખની મુશ્કેલીને કારણે વાંચી શકે તેમ તો હતું નહિ. આ કવિત કેવું છે એમ નર્મદને પૂછ્યું ત્યારે નર્મદે કહ્યું કે ઘણું સારું છે. નર્મદ તેમને લઈને ડોક્ટરને ત્યાં ગયો અને બંનેને મેળવ્યા. પછી ૧૩મી જૂને નર્મદ-દલપત બુદ્ધિવર્ધક સભામાં ફરી મળી ગયા. આ સભાની સ્થાપના ૧૮૫૧ના એપ્રિલ મહિનામાં થઇ હતી. તેની બેઠકો નિયમિત રીતે મળતી, જેમાં જુદા જુદા વિષયો પર ભાષણો અને ચર્ચા થતાં. તે દિવસે અગ્રણી સમાજ સુધારક અને સત્યપ્રકાશ સાપ્તાહિકના તંત્રી કરસનદાસ મૂળજી રસાયણ શાસ્ત્ર અંગે ભાષણ કરવાના હતા. ભાષણ પછી દલપતરામે સભાના વખાણ કરતું કવિત સંભળાવ્યું:

સુણો સહુ સ્વદેશી જ્ઞાન ગર્થના સમર્થકો,
બનો બહુ હમેશ બેશ દેશ બુદ્ધિ વર્ધકો,
સ્વદેશ સુધર્યાની સારી વાત તે વિચારવી,
વિશેષ શુદ્ધ બુદ્ધિ બુદ્ધિવર્ધકે વધારવી. 

નર્મદ તેની આત્મકથા મારી હકીકતમાં લખે છે કે દલપતરામને મોઢેથી ધ્યાન દઈને સાંભળેલી આ પહેલી કવિતા.

પણ દલપતરામ અને નર્મદ વચ્ચેની સાઠમારીની શરૂઆત થઈ ૧૮મી જૂને. એક શેઠે વાલકેશ્વરના પોતાના બંગલે એ બંનેને કવિતા વાંચવા માટે બોલાવ્યા. બીજા મિત્રોને એ સાંભળવા પણ બોલાવ્યા હતા. શેઠની મુરાદ બંને વચ્ચે સ્પર્ધા કરાવવાની જ હતી. નર્મદે શેઠને કહેવડાવ્યું કે આવીશ ખરો, પણ કવિતા વાંચીશ નહીં, દલપતરામની સાંભળીશ. મનમાં એવો વિચાર પણ કર્યો કે કોઈ દિવસ જાહેરમાં દલપતરામની હાજરીમાં મારી કવિતા વાંચવી નહિ, કારણ દલપતરામની કવિતા જાહેરમાં નબળી દેખાય એવું મારાથી કરાય નાહી. ઘરેથી નીકળતી વખતે પોતાની કવિતાનાં કાગળિયાં નર્મદે સાથે રાખ્યાં નહોતાં. એ સભામાં દલપતરામે કવિતા વાંચી તે પછી ત્યાં હાજર રહેલા વિનાયકરાવ વાસુદેવે કહ્યું કે હવે આપણે મુંબઈના કવિની કવિતા સાંભળીએ. તેઓ મુંબઈ સરકારમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર તરીકે કામ કરતા હતા અને ગુજરાતી સારી રીતે જાણતા હતા. બીજા બધાએ પણ આગ્રહ કર્યો એટલે નર્મદ ઊભો થયો. પહેલાં કહ્યું કે દલપતરામભાઈ તો સાગર છે ને ઘણા વરસ થયા કવિતા કરે છે. હું તો ખાબોચિયા જેવો ને નવો શીખાઉ છું. દલપતરામભાઈ જેવું મારી પાસે કંઈ નથી, પણ બધાનો આગ્રહ છે માટે ગાઉં છું. નર્મદે પોતાની કવિતા ગાવા માંડી કે તરત વિનાયકરાવ તેની ભારોભાર ‘વાહ વાહ’ કરવા લાગ્યા અને તેથી દલપતરામ ઝંખાવાતા ગયા. બીજે દિવસે સમશેરબહાદુર નામના છાપામાં એ મિજલસનો અહેવાલ છપાયો તેમાં પણ નર્મદનાં ભારોભાર વખાણ હતાં.

વિનાયકરાવ વાસુદેવ

થોડા દિવસ પછી શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ પોતાના જન્મ દિવસની ઉજાણી ગોઠવી હતી તેમાં દલપતરામ અને નર્મદને પણ બોલાવેલા. બંનેને પાદપૂર્તિ કરવાનું કહ્યું. દલપતરામને પાદપૂર્તિ કરવાની ટેવ, નર્મદને નહિ. એટલે દલપતરામ વખણાયા. લક્ષ્મીદાસ શેઠે દલપતરામને ૧૨૫ રૂપિયા બક્ષીસ આપ્યા. છાપાના અહેવાલોમાં પણ દલપતરામનાં વખાણ. પછી તો ગોકુલદાસ તેજપાલ, સર જમશેદજી બેરોનેટ, ડોક્ટર ભાઉ દાજી, જગન્નાથ શંકરશેઠ, વગેરેએ પણ દલપતરામ-નર્મદને પોતાને ત્યાં બોલાવ્યા. ૧૮૫૭માં ‘સ્ત્રીબોધ’ માસિક શરૂ થયું તેના દરેક અંકમાં દલપતરામની કવિતાઓ છપાતી હતી. એટલે પારસી સાહિત્યપ્રેમીઓ તેમના નામથી તો પરિચિત હતા જ. પણ દલપતરામને મોઢેથી કવિતા સાંભળીને પારસીઓ ‘વાહ વાહ’ કરવા લાગ્યા. દલપત-નર્મદ વચ્ચેનો મનભેદ વધતો ગયો.

તો બીજી બાજુ કેટલાક શેઠિયાઓએ દલપતરામ માટે ફંડ એકઠું કરવાનો વિચાર કર્યો. આથી નર્મદ અકળાયો અને ડોક્ટર ભાઉ દાજી પાસે ગયો. ડોકટરે તેને કહ્યું કે ફંડ એકલા દલપતરામ માટે નહિ, તમારા બંને માટે થશે. આ અંગે કેટલાંક છાપાંમાં પણ ઊહાપોહ થયો એટલે છેવટે ફંડનો વિચાર પડતો મૂકાયો. પણ દલપતરામના મનમાં વસી ગયું કે નર્મદના આગ્રહને કારણે જ આમ થયું છે. નર્મદ નિખાલસપણે નોંધે છે કે ‘મને દલપતરામની મોટી ધાસ્તી હતી કે તેઓ વીસ વરસ થયાં કવિતા કરે છે માટે તેની પાસે ઘણી કવિતા હશે, ને મારી પાસે તો કંઈ નથી માટે નવી કવિતા કરવાના પ્રસંગ ઝડપી હું તે કર્યા કરતો.’

નર્મદે પોતાના લખવા-વાંચવા માટે ઘરથી અલગ લાડની વાડીમાં એક ઓરડી ભાડે રાખી હતી. થોડો વખત સ્વામીનારાયણ મંદિરમાં રહ્યા પછી દલપતરામ પણ લાડની વાડીમાં રહેવા આવ્યા એટલે બંને અવારનવાર મળી જતા. નર્મદે એક વાર દલપતરામને પોતાને ઘરે જમવા પણ બોલાવેલા. બાસુંદી-પૂરી જમાડેલાં અને એક પુસ્તક ભેટ આપેલું. ત્યારે દલપતરામે કહ્યું કે તમે જેને કવિતા કહો છો તેને હું કવિતા નથી માનતો. મારા-તમારા વિચાર જુદા છે પણ તમને હું મારા વર્ગી જાણી ચાહું છું. પણ પછી બીજા કોઈને મોઢે દલપતરામ બોલ્યા કે ‘ધૂળ પડી એના બાસુંદી-પૂરી પર.’ આ વાત નર્મદને કાને પહોંચી ત્યારે તે ગિન્નાયો.  

ડોક્ટર ભાઉ દાજીની સારવારથી દલપતરામની આંખની તકલીફ દૂર થઈ એટલું જ નહિ, બંને વચ્ચે અંગત સંબંધ બંધાયો. દલપતરામે લખ્યું:

હું દેખતો ઈશ્વરદત્ત આંખે, તે આંખથી દેખી શક્યો ન ઝાંખે,
હવે નિહાળું ક્ષિતિભાગ ક્ષેત્રે, એ ભાઉ દાજી નરદત્ત નેત્રે.

મુંબઈના પ્રતિષ્ઠિત દફતર આશકારા પ્રેસના બેહરામજી ફરદુનજીએ અને મંગળદાસ નથ્થુભાઈએ પણ મહિને સો રૂપિયાના પગારની નોકરીની દલપતરામને ઓફર કરી, પણ દલપતરામે તે બેમાંથી એકે નોકરી સ્વીકારી નહીં. છેવટે ૧૩મી ડિસેમ્બરે દલપતરામ મુંબઈથી અમદાવાદ જવા નીકળ્યા. તેમના ગયા પછી એક છાપાએ તેમની ટીકા કરતાં લખ્યું કે એક ગરબી ભટ્ટ આવ્યો હતો તે ગરબીઓ ગાઈ ગયો. વર્ષો પછી દલપતરામના દીકરા નાનાલાલ લખે છે: “મને તો આટઆટલે વર્ષે લાગે છે કે પાંડવ-કૌરવના ઝગડાના જેવો દલપત-નર્મદનો ઝગડોયે પરસ્પરના તેજોદ્વેષનો હતો.”

મુંબઈની આ પહેલી મુલાકાત પછી દલપતરામે ‘મુંબાઈની ગરબી’ લખી, તેમાં મુંબઈ વિષે કહ્યું:

વૈભવ દીઠો વૈકુંઠનો રે,
નિરખ્યું સુંદર મુંબઈ શહેર,
ભાસે છે જેની રચના ભલી રે,
લક્ષ્મીની છે લીલા લહેર.
ગુણમય રત્નાગર છે ગાજતો રે,
વહાણો આવે જાય અનેક,
મુંબઈની ઉપમા ન મળે કહીં રે
મુંબઈ જેવી મુંબઈ એક.
ઉપમા વિક્રમની ઉજેણીની રે,
આપ્યે મુંબઈને ન અપાય,
લંકાની શોભા જેવી લખી રે,
તે પણ ગણતીમાં ન ગણાય.

કવીશ્વર દલપતરામની મુંબઈની બીજી મુલાકાત વિષે વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 11 જાન્યુઆરી 2020

Loading

ગુફરન (માફી)

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|11 January 2020

જો મારી કલમના શબ્દો
માફી માગી શકે
એ સૌ શબ્દો માટે
જેની ધારને ઝેરમાં ડૂબાડી ડૂબાડી
જીવલેણ કરી
ફંગોળ્યા છે
અમારામાંના જ કોઈએ તારી તરફ
તો કદાચ લખી શકું ફરી
હું કોઈ પ્રેમ કવિતા
જો આ કવિતા
થઈ આસું વહી જઈ શકે
તોડીને મારા હોવાના ઉંબરા
ધસી જઈ શકે 
તારા ઉજાડી નખાયેલા ઘરની અંદર
વેરવિખેર ઘરવખરી વચ્ચે 
તારી હથેળીમાં પડ્યા
તૂટેલા માટલીના ટુકડાના
છીછરા ગોળાપામાં સમાઈ
એ જો તારી તરસ છિપાવી શકે
તો કદાચ એ ફરી
મારા મોં એ ગણગણતી થઈ શકે
જો આ કાગળ
લઈ જઈ શકે સરહદોની પાર
કતલેઆમ પછી બેઘર થયેલાં
દેશવટો પામેલાં
તારાં ગભરુ નિસાસાઓને
શબ્દોની વચમાંની સાંકડી ગલીઓમાં થઈ
રંગોના ભેદભાવ ભૂંસી નાખતા
એક સુંવાળા, સફેદ અવકાશ ભણી
તો કદાચ  હું
આ કાગળની ચુપકીદીને 
હવે ખમી શકું.

 

Gufran (Forgiveness)

If these words that I pen
can seek forgiveness
for all those words
with sharp arrowheads
soaked in poison
that some of us
flung at you
mercilessly,
then perhaps someday
I can write about love.
If this poem
can flow like tears
breaking the thresholds
of my being
and rush into your 
vandalized homes
and fill a curved clay piece,
of a broken water pot
resting on your palm
and fill your thirst
as you lie amidst the rubble
then perhaps someday
I can hum it again
If this paper
can carry all those
terrified sighs
exiled from their homes
after the massacre
through the narrow lanes
between words
towards a soft, white plateau
of non-discriminatory space
then perhaps
I can tolerate
the silence 
of this sheet of paper.

સૌજન્ય : https://indianculturalforum.in/2020/01/09/gufran-forgiveness/

Loading

બે ચાર જણ પોતાનાં

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|11 January 2020

બે ચાર જણ પોતાનાં
બસ હવે બચ્યાં છે
બાકી ગલી ગલીમાં
સૌ ખંજર લઈ ઊભાં છે.
જઈ પેલા ખૂણામાં 
સારી દે તારા આંસુ
સમજે, ઝીલે, કે લૂછે
એવા હાથ ના બચ્યાં છે.
પાસ આવી પૂછે હાલ
એ માણસ ક્યાં બચ્યાં છે?
વીણી વીણી ને સત્યો
ધરબી દે ઊંડે અહીંયા
પચાવે કરી પ્રયોગો કંઈ
એવા આતમ ક્યાં બચ્યાં છે?
ઇતિહાસની સમજ તારી
તું ભૂલી જા હવે
હકીકતોના નામે
અસતનામા બચ્યાં છે
કરીશ ના કવિતા
અન-અલ-હકની હવે તું
લલકારે સલ્તનતને
કે કંઠે અટક્યાં ડૂમાં છે.
હું તો કહું છું 
દફનાવ આવતીકાલને ય આજે
ઊગવાને સૂરજ કોઈ આંખે
આકાશ ક્યાં બચ્યાં છે?
બે ચાર જણ પોતાનાં 
બસ ફક્ત બચ્યાં છે.

°°°
 
A couple of people

 

A couple of people
to call your own
is all you have now,
for every corner
every street
has someone waiting
with a dagger to kill.
Go, hide in that corner
shed all your tears
there are no palms
to understand, catch,
or wipe them off, dear.
No people, no more,
to ask after you.
Collect your truths
bury them deep
here, right here.
Where to find the soul
that experimented
and embraced these,
and these,
and these?
You better forget
your idea of history
Asatnamaas are left
in the name of facts.
Don't write poems
of an-al-huk any more
sobs throttle the voices
that dare the Empire.
I say, today itself
you cremate tomorrow,
for there are no skies
no eyes
for the Sun to rise.
A couple of people
to call your own now
is all you are left with.

Pratishtha Pandya is a poet and translator working across Gujarati and English, whose first collection “lalala…” (ળળળ…) has been published by Navjivan Samprat. She is a faculty member at the Ahmedabad University.

સૌજન્ય : https://indianculturalforum.in/2020/01/09/gufran-forgiveness/

Loading

...102030...2,5712,5722,5732,574...2,5802,5902,600...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved