Opinion Magazine
Number of visits: 9966995
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાના અવાજ મોટા થઈને સંભળાય છે

આશિષ કક્કડ|Opinion - Opinion|21 April 2020

અત્યારે અમારા વોઇસ આર્ટિસ્ટના વ્યવસાયમાં પણ વર્ક ફ્રોમ હોમ છે. છૂટાછવાયાં થોડાં રૅકોર્ડિંગનાં કામ આવે તે મોબાઇલમાં રેકોર્ડ કરીને મોકલી દેવાનાં. એકંદરે વાતાવરણ એકદમ શાંત છે. નોઇઝ પોલ્યુશન ખૂબ ઓછું. અને એટલે જ નાના નાના અવાજ મોટા થઈને સંભળાતા હોય છે.

આમ તો રસોઈ, વાસણ-કપડાં, ફિલ્મ વગેરેની વચ્ચે એ નાના અવાજો નોંધ્યા ના હોત. પણ રૅકોર્ડિંગ કરતી વખતે એ જ અવાજોને કારણે અટકી જવું પડતું’તું એટલે ધ્યાન ગયું. અમુક અવાજો વખતે માત્ર થોડું અટકીને, અવાજ પૂરો થાય એટલે એ વાક્ય ફરી બોલીને રૅકોર્ડિંગ ચાલુ રાખવાનું. પણ લાંબા ચાલે એવા અવાજો વખતે અચોક્કસ સમય માટે રૅકોર્ડિંગ અટકાવી દેવું પડે. એ પતે ત્યાં સુધી બીજાં કામ કરવાનાં. કે પછી …

એ અવાજ ટૂંકા ગાળાનો છે કે લાંબો ચાલશે એ સમજવા ધ્યાનથી એ અવાજ સાંભળવો પડે અને વિચારવું પડે કે પરિસ્થિતિ શું છે. જેમ કે,

• ફળ-શાકવાળાનાં ટહેલ-ટહુકા .. એક-બે મિનિટ ચાલે. એ જાય ત્યાં સુધી પંખો ચાલુ કરી હવા ખાઈ લેવાની. (કેમ કે રૅકોર્ડિંગ ચાલુ હોય ત્યારે પંખો બંધ રાખવો પડે)

• છૂટાંછવાયાં પસાર થતાં વાહનોના અવાજલિસોટા કે એકલદોકલ પક્ષીનો કલરવ કે પછી કૂતરાનું ભસવું … એ વખતે અટકી અને છેલ્લું વાક્ય ફરી બોલીને તરત આગળ વધવાનું.  હા, પક્ષીઓ જો સમૂહમાં (બિલાડીને કે એવું કંઇ જોઇને) કલબલાટ કરે કે કૂતરાં પણ સમૂહમાં ભસે (શેરીયુદ્ધ થાય) તો થોડું લાંબુ ચાલે.

• કટરનો (ડ્રીલિંગ જેવો) અવાજ આવે, એનો અર્થ એક પાડોશી એના વરંડામાં કંઈક કામ કરી રહ્યો છે. ‘એન્જિનિયર નવરા ના બેસે’ એવું જનરલાઇઝ નહીં કરવાનું. જો હું અગાસીમાં જઇને બૂમ પાડીને એને કહું તો એ થોડી વાર પોતાનું કામ અટકાવી દે.

• એકાએક હાર્મોનિયમ વાગવા માંડે તો બાજુવાળા અન્કલ રિયાઝ કરી રહ્યા છે. ધ્યાનથી ગીત સાંભળું, જો ગીત હેમંતકુમારનું હોય તો અન્કલનો અવાજ પણ ઉમેરાય. તે ‘વૉઇસ ઑફ હેમંતકુમાર’ છે. ગીત રફી કે કિશોરનું હોય તો સમજવાનું કે એ હાર્મોનિયમની પ્રૅક્ટિસ કરે છે. બંને પરિસ્થિતિમાં રૅકોર્ડિંગ બંધ કરીને ડ્રોઇંગ રૂમમાં જતા રહેવાનું.

• જ્યારે માણસનો બોલવાનો-વાતો કરવાનો અવાજ આવે ત્યારે — કોઈ અજાણ્યું ઇયર પ્લગ લગાવીને ફોન પર વાત કરતું નિકળ્યાનો અવાજ છે? કશો વાંધો નહીં, પસાર થઈ જશે. લગભગ ૩૦ સેકંડ. સોસાયટીના એક ‘મહાનુભાવ’ ‘અમુક’ ફોન પર વાત કરવા અહીં સોસાયટીના નાકા પર આવે છે. એ છે? તો બેથી પાંચ મિનિટ. રાજસ્થાનીમાં અસ્ખલિત વાત થઇ રહી છે? હા, સોસાયટીના ‘રામા’ઓ મારા ઘરની બહાર ગરમાળાના છાંયે પાળી પર બેસતા હોય છે. (મોટા ભાગના દેખાતા બંધ થઇ ગયા છે. કોઇ રડ્યુખડ્યું બાકી હશે તે) ફોન પર ગામડે ખબર અંતર પૂછતા હોય. પાંચથી સાત મિનિટ.

• એકાએક ભાવાવેશમાં ભજન કે ધૂન ગાવાનો અવાજ આવે છે. એક બહેનના પતિ, જે એક ધાર્મિક સંસ્થાનના વ્હિસલ બ્લોઅર હતા, તેમની સરેઆમ હત્યા થઈ (અને આશ્ચર્યજનક રીતે ‘કોઈ પકડાયું’ નહીં) પછી એ બહેન મારી નજીકના જ એક ઘરમાં એમના ભાઇ સાથે રહે છે. મોટા ભાગનો સમય પૂજા-પાઠમાં વિતાવે છે. આમ તો એમનો અવાજ નથી આવતો, પણ ક્યારેક ભાવાવેશમાં એ મોટો થઇ જાય.

• નાના બાળકના રડવાનો અવાજ .. પાડોશીનાં બાળકો? ના, એ બંને પાંચ અને સાત વર્ષનાં છે. આ તો બીજાં પાડોશીની દીકરીનો અવાજ છે, જે એકાદ વર્ષની છે. કેમ રડતી હશે? આમ તો એ હસતીરમતી છે. આટલું રડે નહીં. ઝાંપે જઈ બૂમ પાડું છું. “શું થયું? કેમ આટલું રડે છેએએ …?” “કંઇ નંઈ … બસ, રમ્યા જ કરવું છે .. નહાવાની વાત આવે એટલે ભેંકડો ..” હંઅઅ … નાહવા લઈ જાય એટલો વખત જ એ કકળાટ કરે. ફરી પાછી હસતીરમતી.

• અચાનક એક ધૂત્કારનો અવાજ આવે છે .. “એઈ … છટ્ … જતી રે’ … હટ હટ” પ્રકારનો. ના, શબ્દો એવા નહોતા, મારું ધ્યાન તો સ્ક્રીપ્ટમાં હતું. ટોન એ પ્રકારનો હતો. સ્ત્રીનો અવાજ. હા, નજીકના એક ઘરનાં ફલાણાબહેનનો અવાજ છે. કદાચ ગરોળી જોઈ ગયાં હશે. ફરીથી, “નીકળ નીકળ” જેવું કંઈ બોલ્યાં. હા, ગરોળી જ લાગે છે. પણ ના … આગળ પણ કંઈક બોલે છે. કોઇ માણસને કહેતાં હોય એવું લાગે છે. છૂટાછવાયા શબ્દો કાને પડે છે. વચ્ચેના શબ્દોનો માત્ર ટોન જ પકડાય છે, જે આમ તો ઉપર મુજબનો જ છે. પૅનિક એટેકની જેમ એમનો અવાજ ઝડપ પકડે છે. “તારે … છેએએ … તું તોઓ … હઅટ્ટ … જોઈએ જ નઇઇઇ …. હાઆઆ … નીકળ મારા ઘરની બાઆઆઆર … જા .. જા .. અમણાં ને અમણાં … કોઇ આને કાઆઢોઓઓઓઓઓ ….” હા, એ કદાચ એમની વહુને વઢે છે … કે પછી એમના મોટી ઉંમરનાં નણંદને …? ખબર નહીં. અમુક અવાજ બંધ થઈ જાય તો ય ગુંજ્યા કરતા હોય છે.  એમાં પછી તમે કામ ના કરી શકો.

e.mail : ashishkakkad@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 ઍપ્રિલ 2020

Loading

કોરોનાનાં વ્યવધાનો બાદ

રમણ વાઘેલા|Poetry|21 April 2020

અહીં ‘હોવા”નું આપણું તો કાચું !
ક્યારે આવીને કોઈ માપી જશે હળવેથી
આપણા અહમ્‌ની તૉરી,
ક્યારે આવીને કોઈ કાપી જશે અધવચ્ચે
આપણા આયુષની દોરી.
માયા ને મમતાના મધમીઠા સ્વાદ મધ્યે
નજરે પડતું ના કશું સાચું !
અહીં ‘હોવા’નું  આપણું તો કાચું !
અઢળક ઉધામા કોરા શ્વાસોમાં ધબકે
ને મઝધારે અટકી જાય વાણી,
પહેરેલો દેહ લાગે ઉપરથી શાણો તોયે
આતમની વારતા ક્યાં જાણી?
આડાં-ઊભાં ને કદી ઊંચાંનીચાં ગામ
બળ્યાં રોજરોજ છાપામાં વાંચુ !
અહીં “હોવા”નું આપણું તો કાચું !

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 ઍપ્રિલ 2020

Loading

કોરોનાથી મરે છે લોકો, કોરોનાને કારણે મરે છે લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 April 2020

હરિયાણાના ગુરુગ્રામની ઝૂંપડપટ્ટીમાં છેલ્લા આઠ વરસથી રહેતાં, પત્ની અને બે બાળકોના ૩૦ વરસના પિતા, નામે મૂકેશે આત્મહત્યા કરી છે. મૂકેશ મૂળે બિહારના ગયા જિલ્લાના એક ગામના. મજૂરીની શોધમાં તે છેક હરિયાણા આવી રહ્યા. કલરકામ કરી ઘર ચલાવતા હતા. લૉક ડાઉનને કારણે બેકાર હતા. છેલ્લા ચાર દિવસથી ભૂખ્યા હતા. પત્ની-બાળકોની ભૂખ મિટાવવા કંઈ કરી શકે તેમ નહોતા. એટલે તેમણે ઝાડ પર લટકીને જીવનનો અંત આણ્યો. મેઘાલયનો અનાથ યુવાન એલ્ડ્રિન લિંગદોહ રોજીરોટી માટે તાજનગરી આગરામાં આવી વસેલો. અહીંની એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. લૉક ડાઉનને લીધે કામ બંધ થયું. ખાવાના ફાંફાં પડવા માંડ્યાં. એટલે તેણે આત્મહત્યા કરી.

બાવીસ વરસનો દલિત યુવાન રોશનલાલ યુ.પી.ના લખીમપુરના તેના ગામે પાછો તો આવ્યો. તે કોરોના નૅગેટિવ હોવાનું પૂરવાર થયું, તોમય પોલીસની ધોંસ અને મારથી તેણે જીવનનો અંત આણવો પડ્યો. અસમ ઈન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બખ્તરુદીને સિલચર જિલ્લાના સોના બારીઘાટ ગામના માર્કેટમાં લૉક ડાઉનનો અમલ શું કરાવ્યો કે લોકોએ તેને મારી નાંખ્યો. બિહારના સીતામઢી જિલ્લાના મધાઉસ ગામે પાંચ સ્થ્ળાંતરિત મજૂરો મહારાષ્ટ્રથી પોતાના ગામ આવ્યા હોવાની ખબર આપનાર યુવાનને પેલા પાંચેયે ભેગા મળીને મારી નાંખ્યો. ૫૦ વરસના નરેશ શિંદે એમ્બ્યુલન્સના ડ્રાઈવર હતા. તેઓ દરદીઓને લઈને જતા હતા. મુંબઈ-પુણે હાઈવે પરની ચોકી પરના પોલીસોએ તેમને રોક્યા અને તે દરદીઓ નહીં, પણ મુસાફરો લઈ જાય છે એમ કહીને તેમને માર માર્યો. માથામાં ભારે ઈજાથી કણસતાં કણસતાં તેમણે દવાખાને જવા ઘણી કાકલૂદી કરી ત્યારે પાસે હતા એ બધા પૈસા પડાવી લઈને છોડ્યા, પણ એ પોતાનો જીવ બચાવી ન શક્યા.

બિહારના ભોજપુર જિલ્લાના જવાહર ટોલામાં ૧૧ વરસના દલિત બાળક નામે રાહુલ મુસહરનું, લૉક ડાઉન પછી ઘરમાં ખાવા દાણો નહોતો એટલે, ભૂખમરાથી મોત થયું. લૉક ડાઉન પછી ઘરે જવાની કોઈ સગવડ નહોતી તો પગપાળા નીકળેલા ચાર લોકો તામિલનાડુમાં જંગલ રસ્તે જતા હતા, ત્યારે જંગલની આગ તેમને ભરખી ગઈ. પોલીસથી બચવા કશ્મીરના મજૂરોએ પણ અજાણ્યો ખતરનાક પહાડી રસ્તો પસંદ કર્યો. થોડા દિવસો પછી પાંચ ફૂટ બરફ નીચે ઢંકાયેલા તેમના મૃતદેહ હાથ લાગ્યા. ઉત્તર પ્રદેશના અલીગઢના ૪૫ વરસના સંજયકુમાર ટી.બી.ના દરદી હતા. લૉક ડાઉનમાં દવાખાના બંધ હતા. એટલે દવા ન મળતાં તેમણે દમ તોડ્યો. ૫૫ વરસનાં લક્ષ્મીબાઈને મધ્ય પ્રદેશના ઉજ્જૈનની ગાર્ડી મેડિકલ કૉલેજ હૉસ્પિટલે લાવવામાં આવ્યાં, પણ હૉસ્પિટલના આઈ.સી.યુની ચાવી જ કોઈ પાસે નહોતી. ગંભીર હાલતમાં તેમણે એમ્બ્યુલન્સમાં જ આંખ મીંચી દીધી. આવું જ મોત ભોપાલની ગૅસ ટ્રૅજેડી હૉસ્પિટલમાં ૬૮ વરસનાં મુન્નીબાઈને મળ્યું.

ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ગામે મૂળે યુ.પી.ના રામપુરના બુઝુર્ગ ગામના ૧૦ મજદૂરો ફસાયા હતા. તેમાંનો એક યુવક નીતેશ સતત માનસિક તણાવમાં રહેતો હતો. ઘરે જવાતું નહોતું અને ખાવાનાં  સાંસાં હતાં. “મન નહીં લગનેકે કારણ મૈં આત્મહત્યા કરને જા રહા હું’ એવો મૅસેજ મૂકીને તે માછણ ડેમમાં ડૂબી મર્યો. ૫૫ વરસના જગદીશભાઈ કાનજીભાઈ ધંધુકિયા રાજકોટના મવડી પ્લૉટની સોસાયટીમાં રહેતા હતા. અપરણિત જગદીશભાઈ ઈંટભઠ્ઠામાં કામ કરતા હતા. લૉક ડાઉનથી કામ બંધ હતું. માનસિક હાલત નબળી અને ગરીબીનો ભાર તેમને આત્મહત્યા કરવા મજબૂર કરી ગયો. કર્ણાટકના બેલ્લારી, બિહારના ભોજપુર અને આંધ્રના સાઈબરાબાદ ઉર્ફે હૈદરાબાદમાં લૉક ડાઉન પછીના ભૂખમરાથી મોતના બનાવો નોંધાયા છે. મધ્યપ્રદેશના માહેશ્વરી તાલુકાના એક ગામનો આદિવાસી યુવક રાશન લેવા નીકળ્યો હતો, પણ પોલીસના બેરહેમ મારનો ભોગ બની મરી ગયો.

કન્નોજ યુ.પી.ના એક ગામના શેરસિંહ ગુજરાતથી ચાલતા ઘરે જવા નીકળ્યા હતા. ૪૦ લોકોનો એમનો સમૂહ હતો. રસ્તામાં ભૂખ અને થાકથી તેમને લોહીની ઊલટી થઈ અને અવસાન પામ્યા. દિલ્હીમાં હોમ ડિલિવરી બૉય તરીકે કામ કરતા, ૩૯ વરસના ત્રણ બાળકોના એક પિતા ૨૦૦ કિલોમીટર ચાલતા ઘરે પહોંચ્યા, પણ ભૂખ અને થાકથી જીવતા ન રહી શક્યા. હરિયાણાના ત્રણ કામદારો અને બે બાળકો લૉક ડાઉન પછી ઘરે ચાલતા જતાં હતાં. તે રસ્તામાં રોડ એક્સિડન્ટમાં માર્યાં ગયાં. ૧૮ મહિનાના બાળક સાથે સાત સ્થળાંતરિત મજૂરો હૈદરાબાદમાં રોડ અકસ્માતમાં માર્યા ગયા. આવી જ રીતે મુંબઈ વિરાર રોડ પર ચાલતા જતા ૭ મજૂરો માર્યા ગયા હતા.

“હિંદુસ્તાનકો બચાનેકે લિયે” અને” કોરોનાકા પ્રભાવી મુકાબલા” માટે પ્રધાન સેવકે કશી તૈયારી વિના જે લૉક ડાઉનનું પગલું ભર્યું તેના કારણે ગરીબોની જે હાલત થઈ છે તેની એક ઝલક ઉપરના બનાવોમાં જોવા મળે છે. “ધ પ્રિન્ટ”માં પત્રકાર શિવમ્‌ વિજ, સંશોધકો કનિકા શર્મા, તેજેસ જીએન અને અમન દ્વારા એકઠી કરાયેલી માહિતીના આધારે લખે છે તે મુજબ, ૧૩મી એપ્રિલ સુધીમાં કોરોનાને કારણે મરનારાંનો આંકડો ૩૩૧નો હતો, તો લૉક ડાઉને જે સ્થિતિ પેદા કરી હતી તેને કારણે ૧૯૫ લોકોના મોત થયાં હતાં! સૌથી વધુ ૫૩ લોકોનાં મોત ભૂખ, થાક, તબીબી સહાયના અભાવને લીધે થયાં હતાં. લૉક ડાઉન પૂર્વે જ ટ્રેન અને બસ સેવા બંધ થઈ ગઈ હતી. ઘણાં મજૂરોએ ચાલતાં જ ઘરે જવા માંડેલું. રસ્તામાં થયેલા અકસ્માતોમાં ૩૫ લોકોના મોત થયાં હતાં ૩૯ લોકોએ લૉક ડાઉનને કારણે સર્જાનાર સ્થિતિની ચિંતામાં જીવ ગુમાવ્યો હતો. કોરોનાકાળમાં પણ કેટલાક લોકોએ સ્વયંભૂ જમાદારી કરીને હિંસક અપરાધ આચરી ૭ લોકોને આ દરમિયાન મારી નાખ્યા હતા. દારૂ ન મળવાથી તેના કાયમી બંધાણીઓ મરાયા હતા, તો. પોલીસ અને પાડોશીઓને કારણે પણ લોકો મરાયા હતા.

આ એવા લોકો હતા જે ન તો ધર્મસ્થળે યાત્રા કરવા ગયા હતા કે ન તો કોટાની શિક્ષણ ફેકટરીમાં ભણવા ગયા હતા. તેઓ ટ્વીટર પર ‘સ્ટે બૅક હોમ’નું અભિયાન ચલાવી શકે એમ નહોતા. હા તેઓ પગપાળા માઈલોના માઈલો ચાલીને જઈ શકે તેમ હતા. કોટાના પેલાં સંપન્ન વર્ગનાં બાળકો માટે મોદી-યોગીએ મોકલેલી ૩૦૦ બસો તેમની તહેનાતી કરવાની નહોતી. તેમના જીવની તો કોઈ કિંમત જ નહોતી. કેમ કે તેમને ખાતરી હતી કે તેઓ તેમને ગમે તેટલા રંજાડે, મત તો તે તેમને જ આપવાના છે. અગાઉનો નોટબંધીનો અનુભવ સરકાર અને શાસન પાસે હતો. બીજા દેશોની જેમ આપણા દેશમાં ‘સ્ટે એટ હોમ’ કે ‘વર્ક ફ્રોમ હોમ’ કરી શકાય તેમ નથી. દેશમાં કરોડો મજૂરો બીજાં રાજ્યોમાં પેટિયું રળે છે. કુલ કામદારોના ૯૦ ટકા અસંગઠિત ક્ષેત્રમાં અસ્થાયી મજૂરી પર નભે છે.

પ્રધાન સેવકના દિલમાં તેમની પ્રાથમિકતા તેમના ત્રીજા રાષ્ટ્રજોગ સંબોધનમાં નહીં, બ્લૉક ડાઉન પૂર્વે જ હોવી જોઈતી હતી. ૧૩મી એપ્રિલ સુધીમાં એકત્ર કરાયેલો ૧૯૫નો આ મૃત્યુ આંક બીજા તબક્કાના લૉક ડાઉન પછી વધ્યો હશે. ૧૯ દિવસના બીજા લૉક ડાઉનમાં ગરીબોની હાલત વધુ કફોડી થઈ છે અને આ આંકડા પણ વધતા ગયા છે. સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવની ગણતરી અનુસાર લૉક ડાઉનને કારણે રોજગાર ગુમાવીને ગરીબ બનનાર લોકોની સંખ્યા, ઓછામાં ઓછી એક કરોડ થવાની છે. જો સરેરાશ પાંચ વ્યક્તિનું કુટુંબ ગણીએ તો પણ પાંચ કરોડ લોકો રોજીરોટી વગરના બન્યા છે. લૉક ડાઉનના આર્થિક ઝટકાથી જો મૃત્યુદરમાં માત્ર ૦.૧ ટકાનો પણ વધારો થાય તો ગરીબી અને ભૂખમરાથી મરનારા લોકોની સંખ્યા ૫૦ હજાર હશે, જે ભારતમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા કરતાં અનેક ગણી વધારે છે. ભારતમાં લોકો કોરોનાથી મરે છે અને ગરીબો કોરોના ઉપરાંત અવિચારી લૉક ડાઉનના કારણે ઊભી થયેલી હાલાકીના કારણે પણ મરે છે.

(વધુ વિગતો માટે જુઓ ટ્વીટર થ્રેડ www.twitter.com/-kanikas-/stat)     

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 ઍપ્રિલ 2020

Loading

...102030...2,5702,5712,5722,573...2,5802,5902,600...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved