Opinion Magazine
Number of visits: 9576324
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મૂકનાયક’ની શતાબ્દી અને પત્રકાર આંબેડકર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 January 2020

અછૂતોના સવાલોને વાચા આપવા આગવું સામયિક હોવું જોઈએ એમ માનતા ડો. બાબાસાહેબ આંબેડકરે જીવનના જુદાજુદા તબક્કે પાંચ સામયિકો ચલાવ્યાં હતાં. તેમના પ્રથમ સામયિક “મૂકનાયક”નું આ શતાબ્દી વરસ છે.

ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રથમ  મરાઠી દલિત પાક્ષિક “મૂકનાયક”નું આ શતાબ્દી વરસ છે. કોલ્હાપુરના સુધારક રાજવી શાહુ મહારાજની આર્થિક મદદથી ૩૧મી જાન્યુઆરી ૧૯૨૦ના રોજ “મૂકનાયક”નો આરંભ થયો હતો. આશરે સવાત્રણેક વરસ ચાલેલું “મૂકનાયક” દલિત પત્રકારત્વનો પહેલો સબળ આવિષ્કાર મનાય છે. જો કે એ પૂર્વેની દલિત પત્રકારત્વની ભૂમિ સાવ વંધ્ય નહોતી. કેટલાંક દલિત સામયિકો જરૂર પ્રકટ થતાં હતાં. પરંતુ તે અપર્યાપ્ત, વેરવિખેર અને ઘણાં અશક્ત હતાં.

ડો. આંબેડકરે તુકારામનો આ અભંગ “મૂકનાયક”ના ધ્યેયમંત્ર તરીકે પસંદ કર્યો હતો :

કાય કરું આતા ધરુનિયા ભીડ
નિ:શંક હે તો વાજવિલે?
નવ્હે જગી કોણી, મુકીયાંચા જાણ,
સાર્થક લાજુન નવ્હે હિત.

અર્થાત્‌ “હવે હું સંકોચ રાખીને શું કરું ? આમ પણ અત્યાર સુધી હું બિંદાસ બોલતો રહ્યો છું. દુનિયામાં મૂંગાનું કોઈ કામ નથી. શરમથી કોઈ અર્થ કે હિત સરતા નથી. ટૂંકમાં, હું ચૂપ બેસવાનો નથી.”

બાબાસાહેબે તેમનું સામયિક કરોડો બેજુબાનોની જુબાન બનશે તે તુકારામના અભંગના આ શબ્દો થકી સ્પષ્ટ કર્યું હતું. પ્રવેશાંકના તંત્રીલેખ “મનોગત”માં “મૂકનાયક”ની જરૂરિયાત ચીંધતા લખ્યું હતું, “અમારા બહિષ્કૃત લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને ભવિષ્યમાં થવાનો છે તેનો ઉકેલ શોધવા માટે, તેમના ભવિષ્ય અને ભાવિ માર્ગ શોધવાની ચર્ચા માટે સામયિક કરતાં મોટું અન્ય કોઈ સાધન નથી.” એ સમયે પ્રગટ સામયિકો સંદર્ભે તેમનું અવલોકન હતું કે, “મુંબઈ ઈલાકામાંથી પ્રકાશિત સમાચારપત્રો જોતાં જણાય છે કે તેમાંના મોટાભાગનાં તો કેટલીક વિશેષ જાતિઓનાં હિતોની રક્ષા કરનારાં છે. તેમને બીજી જાતિઓનાં હિતોની તો પરવા નથી જ પણ ક્યારેક તો તેઓ બીજી જાતિઓની વિરોધમાં પણ પ્રવૃત્ત હોય છે. બુદ્ધિવાદ જેમને માન્ય છે એવાં કેટલાંક સારાં સામયિકો પણ પ્રગટ થઈ રહ્યાં છે. તે ગૌરવની વાત છે. તેમાં બહિષ્કૃત સમાજના પ્રશ્નોની વારંવાર ચર્ચાઓ થાય છે. પરંતુ તેમાં સંપૂર્ણપણે બહિષ્કૃતોના જ પ્રશ્નોની ચર્ચા થાય તે શક્ય નથી.” દલિતોના આગવા સામયિકની અનિવાર્યતા અને તેના ઉદ્દેશ વિશે તેમનું માનવું હતું કે, “બહિષ્કૃતોનાં જીવન સંબંધિત પ્રશ્નોનું ઊંડાણથી અધ્યયન કરવા માટે એક સ્વતંત્ર સમાચારપત્ર હોવું જોઈએ એ વાતનો કોઈ જ ઈન્કાર કરી શકે તેમ નથી. એ જરૂરિયાત પૂરી કરવા માટે આ સામયિક(મૂકનાયક)નો જન્મ થયો છે. વાચકો ગ્રાહકોનો સહયોગ મળશે તો ”મૂકનાયક” આપણા લોકોના ઉત્થાન માટે નીડરતાથી ઉચિત માર્ગ બનાવશે.”

૧૯૧૭માં વિદેશમાં અભ્યાસ કરીને પરત ભારત આવેલા ડો. આંબેડકરના ભારે જીવન સંઘર્ષના એ દિવસો હતા. દલિત ચળવળમાં ઝંપલાવતાં પૂર્વે તેઓને ઘરના બે છેડા ભેગા કરવા યોગ્ય કામની તલાશ હતી. તો વિદેશમાં અધૂરા રહેલા અભ્યાસની પણ ચિંતા હતી. આ તમામ સ્થિતિમાં ૨૯ વરસના યુવાન આંબેડકરે “મૂકનાયક”નો આરંભ કર્યો. મરાઠીમાં બાર ભાગમાં બાબાસાહેબનું વિસ્તૃત જીવનચરિત્ર લખનાર ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેના જણાવ્યા મુજબ બાબાસાહેબ આ સામયિકના સર્વેસવા હતા, પરંતુ તંત્રી નહોતા. પહેલાં પાંચેક અંકોના તંત્રી પાંડુરંગ નંદરામ ભટકર અને તે પછીના અંકોના તંત્રી જ્ઞાનદેવ ધ્રુવનાક ઘોલપ હતા. ૩૧મી જાન્યુઆરી ૧૯૨૦ થી એપ્રિલ ૧૯૨૩ સુધી ‘મૂકનાયક” પ્રગટ થયું હતું. તે દરમિયાનનો મોટો ગાળો (૫ જુલાઈ ૧૯૨૦થી ૩ એપ્રિલ ૧૯૨૩) ડો. આંબેડકર લંડનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા. તેમ છતાં તેમણે સતત “મૂકનાયક”ની ફિકર રાખી હતી. ‘મૂકનાયક’ના તમામ અંકો તો આજે પ્રાપ્ય નથી. પરંતુ ૧૯૯૧ના આંબેડકર શતાબ્દી વરસે મહારાષ્ટ્ર સરકારે આંબેડકરી સાહિત્યના બેનમૂન સંપાદક વસંત મૂનના સંપાદનમાં મૂકનાયકના ઉપલબ્ધ તમામ અંકો ગ્રંથરૂપે પ્રકાશિત કર્યા હતા.

જાણીતા લેખક પત્રકાર ડો. શ્યૌરાજસિંહ બેચૈને પત્રકાર આંબેડકર વિશે ગહન સંશોધન કરીને ડો. આંબેડકરના મરાઠી ભાષામાં પ્રગટ સામયિકોનો બિનમરાઠી ભાષીઓને પરિચય કરાવ્યો છે. ૧૩ તંત્રીલેખો સહિત લગભગ ચાળીસેક લખાણો ડો. આંબેડકરે ‘મૂકનાયક’માં લખ્યા હતા. ભારતમાં પ્રવર્તતો જાતિભેદ, દલિતોની સ્થિતિ અને દલિતોની દ્રષ્ટિએ સ્વરાજ જેવા વિષયો પર ડો. આંબેડકરે પોતાના વિચારો રજૂ કર્યા છે. દલિત ચળવળના અહેવાલો અને સમાચારો અહીં છે. વાચકોના પત્રો અને તે પર સંપાદકના જવાબો પણ છે. અસ્પૃશ્યતા અને વર્ણવ્યવસ્થા વિશેના ડો. આંબેડકરના નિર્ભીક વિચારો મૂકનાયકમાં પ્રગટ થયા છે. જન્મ આધારિત જાતિપ્રથાને એક સીડી વગરના મિનાર સાથે સરખાવી તેમણે પ્રવેશાંકના સંપાદકીયમાં લખ્યું હતું, “હિદુ સમાજ એક બહુમાળી ઈમારત જેવો છે. તેના પ્રત્યેક માળે એકએક જાતિ વસે છે. પરંતુ આ ઈમારતમાં કોઈ સીડી જ નથી. એટલે જે જ્યાં વસે છે ત્યાં જ જીવેમરે છે. ન કોઈ ઉપર જઈ શકે છે કે ન નીચે આવી શકે છે.” નવયુવાન આંબેડકરને બ્રિટિશ ગુલામી મંજૂર નહોતી પરંતુ અસ્પૃશ્ય ભારત પણ સ્વીકાર્ય નહોતું. તેથી તો તેમણે ૨૮મી ફેબ્રુઆરી ૧૯૨૦ના સંપાદકીયમાં “આ સ્વરાજ નથી તે તો અમારા ઉપર રાજ છે”, તેમ કહીને અધિકારવંચિત બહિષ્કૃતોના અધિકારોની યાદી રજૂ કરી અંતે લખ્યું હતું, “સ્વરાજ આપો તો એવું આપો જેમાં અમારો પણ થોડો હિસ્સો હોય”.

આંબેડકરી ચળવળમાં આરંભથી જ ગુજરાતનું યોગદાન રહ્યું છે. ડો. આંબેડકરના સામયિકોમાં પણ ગુજરાતના ઉલ્લેખો જોવા મળે છે. ‘મૂકનાયક’ના સત્તરમા અંક(૨૫મી સપ્ટેમ્બર ૧૯૨૦)ના સંપાદકીય ’આપણું આંદોલન’માં તેમણે હજારો વરસોથી ચાલતા અસ્પૃશ્યોના જાગૃતિ આંદોલનોનો ચિતાર આપ્યો છે. તેમાં સૌ પ્રથમ ગુજરાતના પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં વીર માયા નામક દલિત યુવાનના બલિદાનની અને બદલામાં તેમણે અસ્પૃશ્યોને અપાવેલા માનવ અધિકારની વાત કરી છે.

અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપવા એક મુખપત્ર હોવું જોઈ એ વાત ડો. આંબેડકરને વિલાયતમાં વિધ્યાભ્યાસ દરમિયાન જ સમજાઈ ગઈ હતી. પોતાના સમગ્ર જાહેર જીવન દરમિયાન જુદા જુદા તબક્કે એમણે કુલ પાંચ સામયિકો : મૂકનાયક (૧૯૨૦), બહિષ્કૃત ભારત (૧૯૨૭), સમતા (૧૯૨૮), જનતા (૧૯૩૦), અને પ્રબુદ્ધ  ભારત (૧૯૫૬) ચલાવ્યા હતા.  સાડા ત્રણ દાયકાના પત્રકારત્વ ક્ષેત્રના ખેડાણમાં બાબાસાહેબે માતબર પ્રદાન કર્યું હતું. પોતાના સામયિકોનાં નામો પણ તેમણે તત્કાલીન સ્થિતિ અને સમયસંદર્ભને ધ્યાનમાં રાખીને પસંદ કર્યા હતા. જ્યારે દલિતો સાવ જ મૂક હતા, અબોલ હતા ત્યારે “મૂકનાયક” અને જ્યારે તેમની સામાજિક સ્થિતિ બહિષ્કૃતોની હતી ત્યારે “બહિષ્કૃત ભારત”, સમાનતામૂલક સમાજની સ્થાપના માટે “સમતા” અને અધિકારપ્રાપ્તિ માટે “જનતા”, દલિતોના ધર્મ પરિવર્તન પછી તેમણે “જનતા”નું નામ બદલીને “પ્રબુદ્ધ ભારત” રાખ્યું. ધર્મપરિવર્તન કરીને દલિતો પ્રબુદ્ધ બની ગયા છે તેવો આ સામયિકના નામકરણ પાછળ ડો. આંબેડકરનો ઉદ્દેશ હતો.

દલિત પત્રકારત્વ પર અમીટ છાપ છોડી જનારા ડો. આંબેડકરના પ્રથમ સામયિક “મૂકનાયક”ના શતાબ્દી વરસે એક સદી જૂના દલિત પત્રકારત્વની નબળી ધારા અને ભારતીય મીડિયામાં હાંસિયાના લોકોના અલ્પ સ્થાનનો સવાલ ઊભો છે.

(તા.૨૯-૧૨-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 29 જાન્યુઆરી 2020 

Loading

ગરીબનાં કપડાંની ગંધથી ચીડ અનુભવતા અમીર અને મૂડીવાદનું ‘પેરાસાઈટ’ સત્ય

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|29 January 2020

સિનેમા વિશે એવું કહેવાય છે કે વાર્તા જેટલી લોકલ એટલે કે સ્થાનિક હશે તેટલી વધુને વધુ લોકો સુધી પહોંચશે.

કોઈ એક શહેરના ગરીબ અને પૈસાદાર પરિવાર વચ્ચેનો ભેદ રજૂ કરતી આવી જ એક સાઉથ કોરિયન ફિલ્મ આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. વર્ષ 2019માં આવેલી 'પેરાસાઈટ' (Parasite) નામની આ સાઉથ કોરિયન ફિલ્મને આ વર્ષે યોજાનાર અકાદમી (Oscar) એવોર્ડ્સ માટે કુલ 4 નોમિનેશન્સ મળ્યા છે અને વિશ્વ પ્રખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તે સુપ્રસિદ્ધ 'Palme d'Or' એવોર્ડ જીતી ચૂકી છે.

સાઉથ કોરિયન લેખક-ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho)ની ફિલ્મ 'પેરાસાઈટ'(Parasite)નો અર્થ થાય છે પરોપજીવી એટલે કે બીજા ઉપર જેના જીવનનો આધાર છે તેવું. આ ફિલ્મમાં જે વાર્તા રજૂ કરવામાં આવી છે તે દુનિયાના કોઈ પણ દેશને લાગુ પડે છે કારણ કે તમામ દેશોમાં પૈસાદાર અને ગરીબો વચ્ચેની ખાઈ વધી રહી છે, પૈસાદાર લોકો વધુ પૈસાવાળા અને ગરીબ લોકો વધુ ગરીબ થઈ રહ્યા છે.

હાલમાં જ એક એવો ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશિત થયો છે કે ભારતના અરબપતિઓ પાસે દેશના કુલ બજેટ કરતાં પણ વધુ પૈસા છે. ભારતના કુલ 63 અરબપતિઓ પાસે દેશના નીચલા તબક્કાના 95 કરોડ લોકો કરતાં ચાર ગણી વધારે સંપત્તિ છે. દુનિયા હાલ જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે અને વસ્તીમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં બેરોજગારી સૌથી મોટો પડકાર છે. 'પેરાસાઈટ' (Parasite) નામની આ ફિલ્મમાં શહેરના પૈસાદાર બિઝનેસમેનના ઘરે નોકરી કરતા એક ગરીબ પરિવારના કુલ ચાર સભ્યોની વાર્તા છે. કામની શોધમાં ભટકતા આ ગરીબ પરિવારના દીકરાને બિઝનેસમેનના ઘરે અંગ્રેજીના શિક્ષક તરીકેની નોકરી મળે છે અને તે તેના આખા પરિવારને (માતા, પિતા અને બહેન સહિત) ત્યાં વિવિધ કામોમાં નોકરી અપાવે છે. પૈસાદાર બિઝનેસમેનના પરિવારને તેમના ત્યાં કામ કરતાં આ ગરીબ લોકો માટે નહીં પણ તેમના કપડાંમાંથી આવતી ગંધની ચીડ હોય છે. ગરીબનાં કપડાંમાંથી આવતી દુર્ગંધને નફરત તરીકે જોતા પૈસાદાર પરિવારને તેની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે તે આ ફિલ્મના અંતમાં ખુલ્લુ થાય છે. પેરાસાઈટ એક ડાર્ક કોમેડી થ્રિલર ફિલ્મ છે કે જેમાં રહસ્ય, રોમાંચ, હિંસા, લાગણીનો સમન્વય છે.

સાઉથ કોરિયન ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) શરૂ થાય છે શહેરના નીચલા તબક્કાનું જીવન જીવતાં લોકોની વસ્તીમાં માત્ર એક રૂમના ઘરમાં રહેતાં ચાર સભ્યોના પરિવારની વાર્તાથી. આ ગરીબ પરિવારમાં માતા-પિતા અને તેમના અકેક દીકરો-દીકરી છે. પરિવારની આર્થિક સ્થિતિ નાજુક છે અને તેઓને બે ટંકના ભોજનનાં પણ ફાંફાં છે. તેઓ નોકરી શોધી રહ્યાં છે ત્યારે જ એક હિતેચ્છુ મિત્ર આવીને આ પરિવારના દીકરા માટે નોકરીની વ્યવસ્થા કરી આપે છે. બેરોજગારીનો સામનો કરી રહેલાં પરિવારના દીકરાને આખરે શહેરના શ્રીમંત બિઝનેસમેનના ઘરે શાળામાં અભ્યાસ કરતી તેમની છોકરીને અંગ્રેજી શીખવાડવાનું કામ મળે છે. બિઝનેસમેનના પરિવારમાં પણ કુલ ચાર સભ્યો, પતિ-પત્ની અને તેમનાં બે બાળકો (નાનો દીકરો અને ટીનેજ દીકરી) છે. ગરીબ પરિવારનો આ યુવક જ્યારે પહેલી વખત બિઝનેસમેનના ઘરે જાય છે, ત્યારે તેમનું ઘર અને વૈભવી જીવનશૈલી જોઈને ચોંકી જાય છે. અહીં કામ શરૂ થાય બાદ આ યુવક તેની બહેનને આ બિઝનેસમેન પરિવારના નાનકડા પરંતુ તોફાની દીકરાના કેરટેકર તરીકે નોકરીએ લગાડે છે. પછી તેમના પિતાને આ બિઝનેસમેનના ડ્રાઈવર તરીકે અને માતાને ઘરની સેવિકા તરીકે નોકરીએ લગાડે છે. આમ આ આખા ગરીબ પરિવારના ચારેય સભ્યો તે બિઝનેસમેનના પરિવારમાં કોઈના કોઈ કામે નોકરીએ લાગી જાય છે.

એક દિવસ આ બિઝનેસમેન પરિવાર બહારગામ ફરવા જાય છે એટલે ગરીબ પરિવારના ચારેય સભ્યો આ વૈભવી ઘરમાં આવીને મસ્તી કરવા લાગે છે ત્યાં જ અચાનક આ ઘરમાં અગાઉ કૂક (રસોઈયા) તરીકે કામ કરતી મહિલાનો પ્રવેશ થાય છે અને ફિલ્મમાં અણધાર્યો વળાંક આવે છે. જ્યારે આ મહિલા ઘરમાં પ્રવેશે છે ત્યારે ત્યાં નોકરી કરતાં અને માલિકની ગેરહાજરીમાં પાર્ટી કરતાં આ ગરીબ પરિવારના સભ્યો સંતાઈ જાય છે, માત્ર તેમની માતા કે જે ત્યાં સેવિકા છે તે હાજર રહે છે. ત્યાં જ આ ફિલ્મનું એક મહત્ત્વનું રહસ્ય ખૂલીને દર્શકો સામે આવે છે જે જબરદસ્ત ચોંકાવનારું હોય છે. બાદમાં ફિલ્મમાં જે એક પછી એક ઘટનાઓ બને છે તે જોઈને દર્શકો હચમચી જાય છે, જેમાં હત્યા, દગો, ઈર્ષ્યા, ચીડ, અભિમાન વગેરે સામેલ છે.

'પેરાસાઈટ' (Parasite) ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ એક જ ઘરમાં કરવામાં આવ્યું છે, ફિલ્મમાં કોઈ એક મુખ્ય હિરો નથી અને તમામ પાત્રોની મુખ્ય ભૂમિકા હોય તે રીતે વાર્તા લખવામાં આવી છે. ફિલ્મમાં જે ગરીબ પરિવારની વાત છે તેઓ જમીનની નીચે ભોંયરામાં એક રૂમમાં રહેતાં હોય છે જ્યારે શ્રીમંત પરિવાર રસ્તાથી ઉપરની બાજુએ ઢાળ પર મોટા બંગલામાં રહેતો હોય તેવું દેખાડ્યું છે જે પૈસાદાર અને ગરીબ વચ્ચેના ભેદને સાંકેતિક રીતે રજૂ કરે છે (આ ઘર પણ ફિલ્મના કોઈએક પાત્ર તરીકે ઉપસી આવે છે). ગરીબ પરિવારના ઘરમાં હવા-ઉજાસ નથી આવતો, જ્યારે પૈસાદારના ઘરના મુખ્ય હોલમાં જ સામે ગાર્ડન છે જ્યાં ભરપૂર સૂર્ય પ્રકાશને અવકાશ છે. બિઝનેસમેનના ત્યાં નોકરી કરતાં પરિવારના આ ચારેય લોકોનાં કપડાંમાંથી આવતી ગંધને લઈને તે બિઝનેસમેન ચીડ અનુભવે છે. ફિલ્મના એક દ્રશ્યમાં તે બિઝનેસમેન તેની પત્નીને કહે છે કે આ ગરીબ લોકો તેમની મર્યાદામાં રહે છે પણ તેમનાં કપડાંમાંથી આવતી ગંધ હવે તે મર્યાદા પાર કરી ગઈ છે.

ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) વિશે વાત કરતાં તેના ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho) એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે હું મારી ફિલ્મો સાઉથ કોરિયામાં બનાવું છું જે એક નાનકડો દેશ છે. જેમાં તમને સાઉથ કોરિયાનો ઇતિહાસ અને સામાજિક સંદર્ભો ચોક્કસ જોવા મળશે. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં એક પૈસાદાર પરિવાર માટે શિક્ષક તરીકે નોકરી કરી હતી જે અનુભવ મેં મારી ફિલ્મ 'પેરાસાઈટ'માં દર્શાવ્યા છે. 'પેરાસાઈટ'માં જે બિઝનેસમેનની વાત છે તે કોઈ ખરાબ વ્યક્તિ નથી પણ તે પરિસ્થિતિ અનુસાર વિચારે છે અને નિર્ણય લે છે. મેં આ ફિલ્મ દ્વારા સમાજમાં જોવા મળતી અસામનતા, વર્ગ સંઘર્ષ, ધ્રુવીકરણને પડદા પર રજૂ કર્યાં છે જેમાં પૈસાદાર પરિવારના ઘરે નોકરી કરતાં ગરીબ પરિવારના ચાર સભ્યોની મજબૂરીની વાત છે. આપણે અત્યારે જે સમયમાં જીવી રહ્યા છીએ ત્યાં સમાજમાં મૂડીવાદ સત્તાધીશ છે અને આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. માત્ર સાઉથ કોરિયા નહીં પણ સમગ્ર વિશ્વ તે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં મૂડીવાદ(capitalism)ના સિદ્ધાંતોને નકારી શકાય નહીં. પેરાસાઈટની વાર્તા વિશ્વવ્યાપી છે, તે દુનિયાના કોઈ પણ દેશના શહેરમાં રહેતા અમીર-ગરીબ વચ્ચેનો ભેદ છે. દુનિયાની દરેક વ્યક્તિ તેના અને તેની સામેથી પસાર થતી વ્યક્તિના ક્લાસ (અમીર-ગરીબ) વિશે વિચારતો હોય છે. તે વ્યક્તિ કેટલી પૈસાદાર છે? શું તે પ્લેનમાં જ મુસાફરી કરે છે? શું તેનું ઘર ખૂબ મોટું છે? આ પ્રકારના પ્રશ્નો આપણને પણ થતા હોય છે અને તે ફિલ્મ 'પેરાસાઈટ'(Parasite)નો એક ભાગ છે.

ફિલ્મમેકિંગની પ્રક્રિયા વિશે વાત કરતાં 'પેરાસાઈટ'ના ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho) વધુમાં જણાવે છે કે ફિલ્મ લખતી વખતે મારા મગજમાં જે-તે દ્રશ્યો અને તેનો અવાજ આકાર લે છે, હું ફિલ્મના વિવિધ દ્રશ્યોના સ્ટોરી બોર્ડ તૈયાર કરું છું અને પછી શૂટિંગ શરૂ કરું છું. જો હું ફિલ્મમેકિંગમાં ના આવ્યો હોત તો હું કાર્ટૂનિસ્ટનું કામ કરતો હોત, પણ હવે ફિલ્મમેકિંગ સિવાય બીજુ કશું કામ આવડતું નથી. અલગ-અલગ વિષય આધારિત ફિલ્મોનું નિર્માણ કરતા ફિલ્મેમકર બોંગ જૂન-હો(Bong Joon-ho)ની અન્ય જાણીતી ફિલ્મો 'મેમરીઝ ઓફ મર્ડર' (2003), 'ઓક્જા' (2017), 'ધ હોસ્ટ' (2006), 'મધર' (2009) અને ફ્રેન્ચ ગ્રાફિક નોવેલ આધારિત ફિલ્મ 'Snowpiercer' (2013) વગેરે છે. બોંગ જૂન-હો (Bong Joon-ho) વિશ્વની જે ફિલ્મોથી પ્રભાવિત થઈને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં આવ્યા તેમાં ડિરેક્ટર આલ્ફ્રેડ હિચકોક, બ્રાયન દે પાલ્મા, Werner Herzogની ફિલ્મોનો સમાવેશ થાય છે. ભારતીય સિનેમાઘરોમાં ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) તારીખ 31 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 1946માં આવેલી ડિરેક્ટર ચેતન આનંદની ભારતીય ફિલ્મ 'નીચા નગર'માં પણ અમીર-ગરીબ વચ્ચેના વર્ગ સંઘર્ષની વાત હતી. આ ફિલ્મને પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુપ્રસિદ્ધ 'Palme d'Or' એવોર્ડ મળ્યો હતો.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે.)

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

આ ગૃહિણીઓ

અજ્ઞાત : હિન્દી • બકુલા ઘાસવાલા : મુક્તાનુવાદ : ગુજરાતી|Opinion - Opinion|28 January 2020

 

આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે!
વેલણથી રોટલીઓને ગોળાકાર આપવામાં
પોતાની જાતને આકારિત કરવાનું ભૂલી જતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે!

કલાકો સુધી ઘરનો ખૂણેખૂણો
ચમકતો રાખવા લાગી રહેતી એ
ભીંછરા વાળને સુંવાળા કરવાનો
સમય ફાળવી શકતી નથી
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે!

સગાંવહાલાંની માંદગીમાં
આખું ઘર માથે લેતી એ
પોતાનાં જ માથાના દુખાવાને
નજરઅંદાજ કરી બધી
તકલીફોને ટાળી દેતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન  જ હોય છે !

લોહીપાણી એક કરીને
બધાંનાં સપનાંને સાકાર કરવાનાં હુન્નરમાં
એ પોતાની અધૂરી આકાંક્ષાઓનું
દિલમાં જ દફન  કરી દેતી હોઈ છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે !

સૌની નજર ઉતારતી હોય છે
ત્યારે જરાતરા આમતેમ થાય તો
એ જ નજરથી ઊતરી જતી હોઈ છે
આ ગૃહિણીઓ થોડી મણિબેન જ હોય છે !

એક બંધનમાં બંધાઈને
કંઈકેટલાં સગપણમાં બંધાઈ જતાં
કંઈકેટલી આડખીલી પાર કરતી
બધાંને વહાલથી એકગાંઠ રાખતી હોય છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે !

પિયરથી સાસરા સુધી
બધી જવાબદારી પાર પાડતી
ગઈકાલની ઢીંગલી આજે
ડાહીડમરી થઈ જતી હોઈ છે
આ ગૃહિણીઓ પણ થોડી મણિબેન જ હોય છે!

————————————————-

"ये गृहिणियाँ भी थोड़ी पागल सी होती हैं"।।
————————————————-
सलीके से आकार दे कर
रोटियों को गोल बनाती हैं
और अपने शरीर को ही
आकार देना भूल जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।

ढेरों वक्त़ लगा कर घर का
हर कोना कोना चमकाती हैं
उलझी बिखरी ज़ुल्फ़ों को
ज़रा सा वक्त़ नही दे पाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती है।।

किसी के बीमार होते ही,
सारा घर सिर पर उठाती हैं
कर अनदेखा अपने दर्द
सब तकलीफ़ें टाल जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं ।।

खून पसीना एक कर
सबके सपनों को सजाती हैं
अपनी अधूरी ख्वाहिशें सभी
दिल में दफ़न कर जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।

सबकी बलाएँ लेती हैं
सबकी नज़र उतारती हैं
ज़रा सी ऊँच नीच हो तो
नज़रों से उतर ये जाती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।
બધાંની અલાબલા માથે લઈને

एक बंधन में बाॅंध कर
कई रिश्तें साथ ले चलती हैं
कितनी भी आए मुश्किलें
प्यार से सबको रखती हैं
ये गृहिणियाँ भी
थोड़ी पागल सी होती हैं।।

मायके से सासरे तक
हर जिम्मेदारी निभाती है
कल की भोली गुड़िया रानी
आज समझदार हो जाती हैं
ये गृहिणियाँ भी…..
वक्त़ के साथ ढल जाती हैं ।।

અજ્ઞાત : હિન્દી : મુક્તાનુવાદ : ગુજરાતી 

Loading

...102030...2,5572,5582,5592,560...2,5702,5802,590...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved