Opinion Magazine
Number of visits: 9966966
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર

ભરત મહેતા|Opinion - Opinion|17 May 2020

આદરણીય (?) પ્રધાનમંત્રીશ્રી,

ચોથા લૉક ડાઉનની અધવચ્ચે તમારા રાષ્ટ્રજોગ વ્યાખ્યાનની જાહેરાત થતાં હું અચંબામાં પડેલો કે તાબડતોબ તમારે શી જાહેરાત કરવાની હશે? મને થયું કે ૪૦ લાખ મજૂરો વતન જતાં અટવાયા છે, તેમને કોઈક રાહત આપવાની જાહેરાત હશે, રસ્તે રઝળીને મૃત્યુ પામેલાં, રેલવેના પાટા પર મરી ગયેલાં મજૂરો માટે શ્રદ્ધાંજલિના બે શબ્દો હશે, પણ આપના ભાષણમાં એવું કઈ આવ્યું જ નહીં! ખરે જ તમે ‘દયાહીન નૃપ’ છો. તમારા સમર્થકો કહેવા માંડે છે કે આટઆટલા પૈસાની જાહેરાત પૂરતી નથી? અરે ભાઈ, પૈસા જનતાના જ છે. વળી કોરોનાકાળમાં જ કૉર્પોરેટના રૂ.૬૫,૦૦૦ કરોડ માફ થયા છે. પણ રૂપિયાપૈસા સિવાય, તમે જે કહ્યું તેની પહેલાં ચર્ચા કરું.

પહેલાં મહામારીને મહાભયમાં ફેરવી, હવે આફતને અવસરમાં ફેરવવાની વાત ગળે ઊતરતી નથી. કોરોના સાથે સહજ જીવતા શીખવું પડશે! વાહ! તો પચાસ દિવસ શું કામ હેરાન કર્યા ? ‘બાર વરસે બાવો બોલ્યો’ જેવું લાગે છે. કહેવાનો અર્થ એ કે તમારા વ્યાખ્યાનનું પ્રસ્થાનબિંદુ, મુખ્ય ધ્વનિ હતો કોરોના સંકટ એકાએક જાણે ટળી ગયું છે. પણ ના વસ્તુસ્થિતિ આ નથી.

કોરોના દરદીઓ વધી રહ્યા છે, મૃત્યુ વધી રહી રહ્યાં છે, તપાસ થઈ નથી, પ્રભાવિત વિસ્તારો વધી રહ્યા છે ત્યારે કોરોના સામેની લડાઈમાંથી તમે એકાએક ‘રણછોડ’ થઈ ગયા? ૧૩૦ કરોડ પ્રજા પરેશાન છે ત્યારે ઓદ્યોગિકીકરણ અને નવનિર્માણની ફૅન્ટસી દેખાડો છો ! આપના ભાષણમાં લૉક ડાઉન ખૂલ્યાં પછી સંકટ વધે તો તંત્રે કઈ સુવિધા ઊભી કરી હશે, એની બ્લ્યુપ્રિન્ટ પૂરી પાડવાની હતી. પણ કોરોના તો જાણે પતી ગયો ! જે રાજકીય કાર્યકરો ચૂંટણી વખતે દારૂ, ચવાણું અને પૈસા લઈને પ્રજા પાસે જાય છે તે સંકટ વચ્ચે ક્યાં છૂપાઈ ગયા? એમને આમજનતાની પડખે ઊભા રહેવાની હાકલ તમારા વ્યાખ્યાનમાં આવે, એવી મારી આશા ઠગારી નીવડી.

તમે કહ્યું વિશ્વમાં ભારતની પ્રશંસા થાય છે. તમારી પ્રશંસા થાય છે. બરાબર છે, જાતે જ પોતાની પીઠ થપથપાવો. વિશ્વનાં ૪૫ સારાં છાપાંએ ભારતની પ્રશંસા કરી છે એ તમારી નહીં, કેરળની અકલ્પનીય મૉડેલની કરી છે. તમે શું કર્યું? છપ્પનની છાતીની તમારી વાતો ખૂબ થાય છે, તો કેમ એક હોસ્પિટલ સુદ્ધાંની મુલાકાત લીધી નથી? સ્થળાંતરિત મજૂરોના સેંકડો ઇન્ટરવ્યૂ મીડિયામાં આપે જોયા હશે, છતાં હરફ સરખો નહીં !

આવા વખતે તમે પાંચ ‘એલ’ની તુકબંદી કરો છો, નિશાળિયાઓની જેમ. મોકો મળ્યો છે. દુનિયાની કંપનીઓ બારણાં ખખડાવશે, એવી બીજી ફૅન્ટસી લોલીપોપ પકડાવો છો. અત્યારે જ તમારી યુ.પી, આસામ, મધ્ય પ્રદેશ, ગુજરાત સરકારે શ્રમ કાનૂન સ્થગિત કર્યા! આ તમારાં બેવડા ધોરણો છે. ખાદીને પહેલાં લોકપ્રિય બનાવી! શું તમારી મુગ્ધતા છે, સાહેબ. તમારી અને ગાંધીની ખાદી વચ્ચે તમારી અને ગાંધી વચ્ચે છે તેટલું જ અંતર છે. તમે પ્રત્યેક ખાદીની દુકાને પોતાનો ફોટો મૂકવાનો કાયદેસર નિયમ બનાવ્યો! બિચારાઓને રાહત જોઈતી હોય એટલે કરવું પડે. તમારી કાર, ચશ્માં, ઘડિયાળ, બૂટ, કોટ, કાર કે બોઈંગ વિમાન આમાંનું કશું જ સ્વદેશી નથી. બેવકૂફ ન બનાવો, સાહેબ. મીડિયા વિજ્ઞાપન ટેલિકોમ્યુનિકેશન સ્વદેશી કરી આપો, ચાલો. અરે! તમે જેની જાહેરાત કરી હતી તે ચીની બનાવટવાળા JIOની જગાએ BSNLને ફરી ઊભું કરી આપો. તમે પ્રજાને (ટાસ્ક) દેવામાં માહિર છો અને બધા ધંધે લાગી જાય છે. દીવા કરો, થાળી વગાડો, તાળી પાડો, ફૂલ વેરો, હવે  આત્મનિર્ભર બનો, સ્વદેશી બનો! ૧૦૦ ટકા F.D.I. (સીધું વિદેશી મૂડીરોકાણ) કરનાર તમે કયા મોઢે સ્વદેશીની વાત કરો છો? આ તમારું શુદ્ધ પાખંડ છે. સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મજદૂર-કિસાન સંઘ જેવી સંસ્થાને થોડીક ટાઢક વળે એટલા માટે તમે આ બોલ્યા છો. સ્વદેશીની વાત ચાલાકી છે.

હવે આવીએ તમારા રૂ. વીસ લાખ કરોડ પર. સાહેબ, તમારા વ્યાખ્યાન પછી થોડાં જ કલાકોમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની વેબસાઇટ પર ‘ડિકોડિંગ ટ્વેન્ટી લેક્સ’ લેખ આવ્યો, જેમાં આ વીસ લાખનું જુઠ્ઠાણું પર્દાફાશ થયું છે. એમાં લખાયેલું છે કે વર્ષ દરમિયાન નાણાંમંત્રીએ RBIની મદદથી કરેલી તમામ ઘોષણાનો સરવાળો છે. ચાલુ પ્રોજેકટ સમાવવામાં આવ્યા છે, જે બાર-બાર લાખ કરોડના છે અને માત્ર આઠ લાખ કરોડ જ ઉમેરાયા છે! આવું જુઠ્ઠાણું? હજુ આગળ, નિર્મલા સીતારામને ૬ લાખ કરોડના પેકેજની વાત કરી છે તેની પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના બીજા પત્ર ‘ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસે’ પર્દાફાશ કર્યો. જે લોનથી છાપાં ઉભરાયાં તે લોન તા. ૧ માર્ચ, ૨૦૨૦ થી ૨૧ માર્ચ, ૨૦૨૦ લગીમાં અપાઈ ચૂકી છે! શું ઝડપ છે તમારી લોન વહેંચવામાં! આ જ ઝડપથી મજૂરોને ઘેર પહોંચાડયા હોત તો? ૨૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં લોન વહેંચાઈ ગઈ છે, એ યોજના જાહેર થાય છે ૧૪ મે, ૨૦૨૦ના રોજ! ગજબની ઝડપ છે, સાહેબ. અને ૨૪મીથી લૉક ડાઉન. કારખાનાના માલિકો કામદારોને પગાર નથી આપતા, પણ તમે એ ગાળામાં લોન આપી પણ દીધી !

થોડુંક તમારી યોજનાની પોકળતા વિશે જણાવી દઉં. જે ‘આરોગ્યસેતુ’ એપનો રાહુલ ગાંધી વિરોધ કરે છે તે ભૂલી જાવ, પણ તમે જેમને PERSONAL DATA BILLની સમિતિના ચેરમેન બનાવેલા તે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.એમ. શ્રીકૃષ્ણ, તમારા હમદર્દ તેને જનતાના અંગત જીવનમાં દખલગીરી ગણે છે! આ પણ તમે સંસદમાંથી પસાર થયા પહેલાં ફરજિયાત લાગુ કર્યું.

મેં લોકોના ખાતામાં પૈસા પહોંચાડયા છે, એ પણ આપે ગાઈવગાડીને કહ્યું. રેશનિંગ મોડું અને કેટલું અધૂરું આવ્યું છે, તે જાણવાની કોશિશ કરજો. બેંગ્લોરની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ બાર રાજ્યોનો સર્વે કર્યો અને સાબિત કર્યું કે ૬૪ ટકા પ્રજા પાસે જનધન ખાતું જ નથી, પૈસા ક્યાં નાખશો? PM કિસાન યોજનાના પૈસા કેવળ ૨૫ ટકાને જ મળ્યા છે!

અચ્છે દિન, નોટબંધીની જેમ તમે સપનાં દેખાડી, હકારાત્મકતાનો ભ્રમ ઊભો કરી આમજનતાને છેતરી રહ્યા છો. જેમણે તમને ખુશી ખુશી મત આપ્યા છે તેમની સાથેની તમારી છેતરપિંડી લાંબો સમય નહીં ચાલે. 

લિ. તમારી જ માતૃભાષાનો એક માસ્તર

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 મે 2020

Loading

લૉક ડાઉનનો આ હેતુ નથી

દિલીપ ગોહિલ, દિલીપ ગોહિલ|Opinion - Opinion|16 May 2020

લૉક ડાઉન પાછળનો હેતુ ઓછામાં ઓછા લોકો ઘરની બહાર તેવો છે. જેથી ટ્રેસિંગ અને કન્ટેઇનમેન્ટ થઈ શકે. લૉક ડાઉનનો મતલબ કોઈએ એક જગ્યાએથી બિલકુલ જવું જ નહીં એવું ન હોય. પોતાની જ કારમાં, પોતાના જ કુટુંબના સભ્યો સાથે નોકરીના સ્થળેથી વ્યક્તિ વતનના ઘરે જાય. નોકરીના સ્થળે કોઈને ન મળે, રસ્તામાં કોઈને ન મળે અને વતન ગયા પછી ય કોઈને ન મળે. આવું શક્ય બને તે માટે લૉક ડાઉન છે, પણ બહાર નીકળવા જ ના દેવા, એક રૂમમાં પાંચપાંચ સાતસાત મજૂરો રહેતા હોય અને કહીએ કે દરવાજાની બહાર ન નીકળતા, તે નિયમ પાલન કાગળ પ્રમાણે છે, હેતુ પ્રમાણે નથી.

સુરતમાં હીરાબજારમાંથી ભારે દબાણ ઊભું થયું ત્યારે નિર્ણય લેવાયો, ત્યારે તેની પાછળનું લૉજિક વળી જુદું. હેતુ લોકોને એકઠા ન થવા દેવાનો, શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરે રાખવાનો હોય. અને એવી રીતે જરૂર પ્રમાણે એકથી બીજી જગ્યાએ જાય કે કોઈના સંપર્કમાં ના આવે. આટલી કૉમન સેન્સથી કામ કરવાનું હોય. તેના બદલે  સરકારી તંત્ર જૂની પદ્ધતિએ માત્ર પરિપત્ર પ્રમાણે કામ કરે છે.

રાજકોટના પ્રતિનિધિ વિજય રૂપાણી અને વળી સી.એમ., પણ રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન નક્કી કરે કે અમદાવાદથી આવનારાને રાજકોટમાં પ્રવેશ નહીં. એટલે એવું કે ભાવનગર અને બોટાદથી ચેપગ્રસ્ત આવે તે ચાલે, પણ માત્ર અમદાવાદનો ચેપ ના જોઈએ? સુરતથી બસો દોડવા લાગી છે, તે લોકો રાજકોટમાં નહીં આવે? તેમને અટકાવશો કયા લૉજિકથી અને આવવા દેશો તો કયા લૉજિકથી?

e.mail : dilip.abhiyan@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020

Loading

સ્વાસ્થ્યનો વ્યાપક અનુબંધ

ઇલા ભટ્ટ|Opinion - Opinion|16 May 2020

મોટા-નાના, ગરીબ-તવંગર, વિકસિત-વિકાસશીલ આ તમામ દેશો માટે કોવિડ-૧૯ ખતરાનો ઘંટારવ બનીને આવ્યો છે. તેણે આરોગ્ય સેવાઓની નબળાઈઓ, આર્થિક માળખાંની અસ્થિરતા, વધતા કોમી દ્વેષ અને એકંદરે સમાજની નિર્બળતા વિશે આપણી આંખો ખોલી નાખી છે. વર્તમાન આફતનો મુકાબલો કેટલી સારી રીતે કરી શકીશું તેનો આધાર આપણો ફક્ત વૈશ્વિક નહીં, સ્થાનિક પ્રતિભાવ પણ કેવો છે, તેની પર રહેશે. ઉપરાંત, આ કટોકટીમાંથી આપણે કેટલી સારી રીતે બહાર આવી શકીશું તેનો આધાર પુનઃરચના કરતી વખતે આપણે પ્રાથમિકતાઓને નવેસરથી ગોઠવી શકીએ છીએ કે નહીં, તેની પર રહેશે.

અત્યંત ચેપી વાઇરસની સામે સક્રિય બનવાની તાતી જરૂરિયાત છે. તેમ છતાં, જ્યાં શહેરી ગરીબો સડકોના કિનારે, ઝૂંપડાંમાં કે ભીંસંભીંસા થઈને એક-બે ઓરડાનાં ખોરડાંમાં રહે છે, જ્યાં પાણી મર્યાદિત પ્રમાણમાં અને એ પણ જાહેર નળેથી ભરી લાવવું પડે છે, જ્યાં અનેક લોકો વચ્ચે ગણ્યાંગાંઠ્યાં શૌચાલયો છે, એવા ભારતમાં ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ (કેવો વક્રતાપૂર્ણ પ્રયોગ !), વારે ઘડીએ હાથ ધોતા રહેવાનું અને સાવચેતીપૂર્વક ચેપમુક્ત રહેવાનું લગભગ અશક્ય છે.

એવી જ રીતે, લાખો રોજમદારો, સ્થળાંતરિત કામદારો અને સ્વરોજગારી ધરાવતા કામદારો માટે ઘરે રહેવું એ પણ વિકલ્પ નથી. કામ વગર રહેવાનો મતલબ છે રોટલા વગર રહેવું. રોજમદારો પાસે એવી બચત પણ નથી હોતી કે જેના ટેકે ટકી જવાય. માટે, તેમણે ઉધારી કરવી પડે. ઉધારીનો સમયગાળો જેમ લંબાતો જાય, તેમ કરજ ચૂકવવાની સંભાવનાઓ ઓસરતી જાય. દેવામાં ડૂબેલો વિશાળ નિર્બળ જનસમુદાય શી રીતે તંદુરસ્ત અર્થતંત્ર ઊભું કરી શકે? એ તો બબ્બે મહામારીનો શિકાર છેઃ શરીરતંત્રની મહામારી અને અર્થતંત્રની મહામારી.

આપણા કામદારો પાસે અપૂરતી અને બિનઅસરકારક જોગવાઈઓ છે, તેની આપણને જાણ ન હતી? એક દેશ તરીકે આપણે મોટા પાયે પરિણામો સિદ્ધ કરવાનાં બાકી છે અને તેમને ટેકો પૂરો પાડે એવાં માળખાં તથા વ્યવસ્થાઓ માટે કમર કસીને પ્રયત્ન કરવાનો બાકી છે. માટે, અગાઉથી જ મોજૂદ ગરીબીએ મહામારીનો પ્રભાવ વધારી મૂક્યો છે અને આપણા પનારો પાડવા માટેની સમસ્યાઓ પણ વકરાવી દીધી છે. તો હવે આગળ જવા માટે જુદા રસ્તે અને વધારાનું શું કરવું જોઈએ? આર્થિક, શારીરિક અને સાર્વત્રિક પાયમાલી સામે ઝીંક ઝીલવાની ગુંજાશ ધરાવતો સમાજ શી રીતે બનાવી શકાય?

શરૂઆત ત્રણ પ્રાથમિક બાબતોમાં રોકાણથી કરવી પડેઃ અન્ન, પાણી અને મકાન. ત્રણ પ્રાથમિક સેવાઓ પૂરી પાડવી પડેઃ આરોગ્ય, શિક્ષણ અને બૅન્કિંગ. કોઈ પણ સમાજના ક્ષેમકુશળ માટે આ જરૂરી છે. આ છ બાબતો-સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે કોરોનાકાળ પછીના સમાજને ટકાઉ અને ન્યાયપૂર્ણ બનાવી શકીશું.

કોઈ પણ ડૉક્ટર કહેશે કે તંદુરસ્તીની ચાવી છે પૌષ્ટિક ભોજન, ચોખ્ખું પાણી, તાજી હવા અને શારીરિક-માનસિક કવાયત. ટૂંકમાં, મહામારી પછીના સમયમાં આપણે સાજાસમા લોકોની કાળજી અને પાલનપોષણ માટેનાં — કશું થયા પછી કરવા પડે એવા નહીં, પણ કશું થાય નહીં તે માટેના —પ્રયાસોમાં ઘણું રોકાણ કરવું પડશે. સ્થાનિક સ્તરે અન્નનું માળખું ઊભું કરવું પડશે, જે તાજું, સ્થાનિક ધાન, દૂધ અને શાકભાજી છેવાડાના માણસને ઉપલબ્ધ બનાવે અને તે પણ પોસાય એવા ભાવે. કેમ કે, અન્ન આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. શહેરી અને ગામડાંના લોકોને ચોખ્ખું પાણી પૂરું પાડવા માટે ટાંકીઓ બાંધવાની, વરસાદનું પાણી સંઘરવાની તળાવો ખોદવાની અને હાલનાં જળાશયોને સ્વચ્છ કરવાની જરૂર પડશે. કેમ કે, પાણી પણ આરોગ્યનો હિસ્સો છે. આ તકનો લાભ લઈને પર્યાવરણ પર ધ્યાન આપવું પડશે, તે માટે શૌચાલયો બાંધવાં પડશે, ઔદ્યોગિક કચરાનું રિસાયકલિંગ કરવું પડશે, જૈવિક કચરાને ખાતરમાં ફેરવવો પડશે, અબજો વૃક્ષો વાવવાં પડશે અને ઊર્જાની જરૂરિયાતો માટે સૌર તેમ જ અન્ય વૈકલ્પિક ઊર્જાસ્રોત વાપરવા પડશે. કેમ કે, ખુલ્લી હવા પણ આરોગ્યનો જ ભાગ છે. દરેક કામને સન્માનજનક બનાવવું પડશે, જેમાંથી સારી આવક થઈ શકે, વીમો અને ઇજાના સંજોગોમાં વળતર જેવી જોગવાઈઓ હોવી જોઈશે, જે કામદારોને — ખાસ કરીને સ્થળાંતરિત કામદારોને, તેમના પરિવારને અને તેમના સમાજને — ટેકારૂપ બની રહે. કેમ કે, કામ પણ આરોગ્યનો જ મામલો છે.

સ્વરોજગારમાં પરોવાયેલા જુવાન અને નવાસવા-ડગુમગુ લોકોને સ્થાનિક બજાર, ક્ષમતાઓ, તાલીમ, સાતત્યપૂર્વકનું મૂડીભંડોળ અને ત્વરિત લોન પૂરી પાડી શકાય, જેથી તે દેવામાં અને હતાશામાં ડૂબી ન જાય. એ રીતે, બૅન્કિંગ પણ આરોગ્ય સાથે સંકળાયેલો જ મુદ્દો છે. શાળાની અંદર અને બહાર શિક્ષણ મળતું રહે, અક્ષરજ્ઞાનનો પ્રસાર થાય, અનુભવથી મળતા શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવે અને તનમનની સુખાકારી આપે એવા કૌશલ્યવિકાસને પણ પોષવામાં આવે. આ દૃષ્ટિએ શિક્ષણ પણ આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.

છેલ્લે, મહામારી આપણને જે બોધપાઠ શીખવી રહી છે, તે ફરી તાજા કરી લઈએ. પરિવારનો એક સભ્ય બીમાર પડે તો તેની અસર આખા કુટુંબ પર, સમાજ પર, દેશ પર અને પછી બીજા દેશના સમાજ પર થાય છે. દુનિયાના આ છેડે રહેતી એક વ્યક્તિના ક્ષેમકુશળની અસર દુનિયાના બીજા છેડે રહેતા લોકો પર થાય છે. આપણા દરેક કાર્યને એ હકીકત લાગુ પડે છે. આપણે જે ખાઈએ, ખરીદીએ ને વિચારીએ એ બધાની અસરો ને પ્રત્યાઘાતો સમસ્ત પૃથ્વીની જીવસૃષ્ટિ પર પડે છે. આ અનુબંધને લીધે જ પૃથ્વી પર જીવન ટકી રહ્યું છે. આપણે જોવા ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ આપણે સૌ એકમેકની સાથે છીએ અને સંકળાયેલાં છીએ.

[સૌજન્યઃ  ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, અનુવાદઃ ઉર્વીશ કોઠારી]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020

Loading

...102030...2,4962,4972,4982,499...2,5102,5202,530...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved