Opinion Magazine
Number of visits: 9664465
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નો કિંગ-૨ : ટ્રમ્પની તાનાશાહી સામે અમેરિકામાં વિરોધ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 June 2025

અમેરિકામાં શનિવારે ૧૪મી જૂને અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન(ACLU)ના અંદાજ મુજબ ૫૦ લાખ લોકોએ લગભગ ૨,૧૦૦ શહેરો અને નગરોમાં ટ્રમ્પની નીતિઓ સામે વિરોધ કર્યો. કોઈ મોટું શહેર કે નગર એ વિરોધથી બાકી નહીં રહ્યું હોય. આ વિરોધનું નામ છે ‘નો કિંગ્સ’.

આ આંદોલનની વેબસાઇટ જોઈએ તો ખબર પડે છે કે કોઈ એનો નેતા છે જ નહીં. એ એક જૂથ છે. એટલે કોઈ “આંદોલનજીવી” એની પાછળ છે એવો કોઈ આક્ષેપ ટ્રમ્પ કરી શકે તેમ નથી. મહદ્ અંશે શનિવારના દેખાવો શાંત જ રહ્યા. “નો જસ્ટિસ, નો પીસ”નો નારો પણ બોલાયો અને સત્તાધીશો સંવેદનશીલ બનશે એવી આશા પણ વ્યક્ત કરાઈ. 

૧૪મી જૂને રાષ્ટ્રધ્વજ દિન હતો અને ટ્રમ્પનો જન્મદિન પણ હતો. શનિવારે ૨.૫ કરોડ ડોલરથી ૪.૫ કરોડ ડોલરના ખર્ચે આર્મી પરેડ વોશિંગ્ટનમાં યોજાઈ અને તે જ દિવસે આ વિરોધો પણ થયા. ૧૯૯૧ પછી પહેલી વાર આવી આર્મી પરેડ અમેરિકામાં યોજાઈ હતી. એમાં જાતજાતનાં શસ્ત્રોનું પ્રદર્શન થયું અને એ પરેડ એક અંદાજ મુજબ બે લાખથી થોડા ઓછા લોકોએ નિહાળી. જો કે, આકાશમાં ફૂટતા ફટાકડા કે રોશની જોવા માટે આઠ લોકો હાજર થયા હતા. 

બીજી તરફ, ૫૦ લાખ લોકોએ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કર્યો! ટ્રમ્પ બીજી વખત સત્તા પર આવ્યા પછી આ સૌથી મોટો વિરોધ થયો છે. ટ્રમ્પ પર મોટો આક્ષેપ એ કરાઈ રહ્યો છે કે તેઓ રાષ્ટ્રપ્રમુખ તરીકેની સત્તાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. 

‘નો કિંગ્સ’ની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે “રાષ્ટ્રધ્વજ પ્રમુખ ટ્રમ્પનો નથી, આપણા સૌનો છે ….. આપણે ઇતિહાસ બનતો જોઈ રહ્યા નથી, આપણે ઇતિહાસ બનાવી રહ્યા છીએ.”

તેની વેબસાઈટ પર એમ પણ લખવામાં આવ્યું છે કે, “નો કિંગ્સ આંદોલનના તમામ પ્રસંગો પાછળનો મૂળ સિદ્ધાંત અહિંસક પગલાં પ્રત્યેની પ્રતિબદ્ધતા છે ….. કોઈ પણ પ્રકારનાં શસ્ત્રો, પછી ભલે ને તે કાનૂની રીતે માન્ય હોય, આ પ્રસંગોમાં લાવવાં જોઈએ નહીં.” 

બોલો, આમાં ક્યાં ય મહાત્મા ગાંધી દેખાય છે, ભલે, એમનું નામ લેવામાં આવ્યું ન હોય?

આ આંદોલનનું જે નામ આપવામાં આવ્યું છે તે સમજવા જેવું છે. લોકશાહીમાં રાજાની જેમ વર્તતા ટ્રમ્પ સામે આ વિરોધ છે. અમેરિકન નાગરિકો એની પ્રતીતિ કરાવી રહ્યા છે કે તેઓ હજુ ટ્રમ્પની ભક્તિમાં પડ્યા નથી અને તેમને લોકશાહીના ઓઠા હેઠળ રાજાશાહી જોઈતી નથી. 

આ ‘નો કિંગ્સ’ આંદોલનનો જે લોગો છે તે રાજમુગટ પર ચોકડી મારે છે. એ એમ કહેવા માગે છે કે ચૂંટાયેલા નેતાએ રાજાની જેમ વર્તવાનું નથી. 

એક રસપ્રદ બાબત એ પણ ખરી કે ‘નો કિંગ્સ’ આંદોલનના ટેકામાં શનિવારે ફ્રાન્સમાં પણ લોકોએ દેખાવો કર્યા. ફ્રાન્સની સરકારે એ થવા પણ દીધા. એને કહેવાય લોકશાહી.

પુતિનના રશિયામાં છેલ્લાં ૨૫ વર્ષમાં મોટા પાયે આવા દેખાવો થયા હોવાનું જાણમાં નથી. પુતિન સામ્યવાદી જોસેફ સ્ટાલિન અને લિયોનિદ બ્રેઝનેવ વગેરેના માર્ગે છે : વિરોધ અને વિરોધીઓને ખતમ કરો. સામ્યવાદી ચીન વિશે તો કશું કહેવાય જ નહીં ને! 

પણ અમેરિકા કંઈ રશિયા કે ચીન નથી. ભારતમાં જો સરકાર સામે દેખાવો યોજવાની પરવાનગી પોલિસ ન આપતી હોય તો સમજવાનું કે ભારત ચીન અને રશિયાના માર્ગે જઈ રહ્યું છે અને નેતાઓ રાજાની જેમ વર્તી રહ્યા છે. 

ભારતીય નાગરિકોએ પણ આ બોલવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે : નો કિંગ્સ. 

તા.૧૫-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યાદ એક સ્પર્શની

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|16 June 2025

“અરે! રમેશ તું ક્યારે આવ્યો?”

“હેમંત, તું અહીં ક્યાંથી?”

 બંને જૂના મિત્રો કોફી સોંપમાં ભેગા થઈ ગયા.

“રમેશ, તું તો કેનેડા હતો ને?”

“હા, મને કેનેડાથી ભારત આવ્યાને છ મહિના થઈ ગયા.”

“અને, તું આજે મળે છે? આ તો ઠીક છે, કે જોગાનુજોગ આપણો મેળાપ થઈ ગયો. ફોન નહોતો કરી શકાતો તારાથી?”

“અરે! અરે! તું મારા પર ગુસ્સે ન થતો. હું તને બધી જ વાત કરીશ. પણ તું અહીંયાં ક્યાંથી? અને એ પણ આપણી કૉલેજની કોફી શોપમાં?”

“રમેશ, ઘણી વખત જૂના દિવસોની યાદો, જૂના મિત્રોની યાદો, બહુ સતાવે ત્યારે અહીંયાં આવી કોફીના કપ સાથે જૂનાં સ્મરણોને મમળાવી લઉં છું.”

“પણ, રમેશ, તું અહીંયાં કોફીશોપમાં ક્યાંથી?”

“બસ, તારી જેમ જ સ્મરણોને તાજાં કરી ખુશ થવા માટે અહીંયાં વારંવાર આવતો રહું છું.” બંને મિત્રો ફરી મળવાનો વાયદો કરી, કોફી પીને છૂટા પડ્યા.

“હેમંત, તું ઘરે છે ને?” થોડા દિવસ પછી રમેશનો ફોન આવ્યો.

“હા આવ, હું પણ, તને ફોન કરવાનું વિચારતો હતો. હું ઘરે જ છું. તું આવ, આપણે ખૂબ વાતો કરવાની ભેગી થઈ ગઈ છે.”

“બોલ, રમેશ. તું  હવે કેનેડા ક્યારે જવાનો છે?”

“ક્યારે ય નહીં.”

“એમ કેમ બોલે છે? શું વાત છે? કે, તે કેનેડાને સદાયને માટે છોડી દીધું ?”

“અરે યાર! હું તને બધી જ વાત કરીશ. તારાથી શું છુપાવાનું હોય! પણ તું એકલો કેમ છો? ભાભી પિયર ગયા છે?”

“ના, હું મારા સસુર સાથે એકલો જ રહ્યું છું. તું મારી વાત સાંભળીશ એટલે તને પણ બધું સમજાઈ જશે.”

“રમેશ, તું તો મને, આપણે સાથે અભ્યાસ કરતા હતા ત્યારથી જાણે છે. તારે વિદેશ જવાની અને ત્યાં જ સ્થાયી થવાની ઇરછા હતી. જ્યારે મને વિદેશ પ્રત્યે મોહ નહોતો. તું વધુ અભ્યાસ અને સેટલ થવા માટે કેનેડા ચાલ્યો ગયો. અમે બે બહેનો અને હું થઈને ત્રણ ભાંડરડાં હતાં. પિતાજી ટેલરિંગ કામ કરતા હતા. અમારા અભ્યાસના ખર્ચને પહોંચી વળવા માટે વધુને વધુ કામ કરતા. ઘરે પણ મોડી રાત સુધી કામ કરતા. ‘બા’ની તબિયતને લીધે પણ આર્થિક મુશ્કેલી રહેતી હતી. પિતાજીને બીડી પીવાની ટેવ હતી. જે કામના દબાણને લીધે વધતી ગઈ અને પરિણામે પિતાજી ટી.બી.ની બીમારીમાં સપડાઈ ગયા. મારી માથે અભ્યાસ સાથે ટેલરિંગ કામની પણ જવાબદારી આવી ગઈ. હું કામના ભારણ સાથે અભ્યાસ પણ માંડમાંડ કરી શકતો હતો.”

“મેં અભ્યાસ સાથે ઘરની જવાબદારી સંભાળવાની શરૂઆત કરી, ત્યાં પિતાજીનું અવસાન થયું અને થોડા સમય પછી બા પણ અમને છોડી ચાલી ગઈ. મારી માથે બે બહેનોની જવાબદારી આવી ગઈ. હું પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતો ગયો અને આર્થિક પરિસ્થિતિ સુધારતો ગયો. બંને બહેનોને સારી રીતે ભણાવીને સારા ઠેકાણે પરણાવી દીધી. મેં એક રેડીમેડ ગારમેન્ટ્સ બનાવતી કંપનીમાં જોબ લઈ લીધી. મને ફેશન ડિઝાઇનિંગનો શોખ હતો. હું પિતાજીને ટેલરિંગ કામમાં મદદ કરતો એ અનુભવ કામ લાગી ગયો. મેં અભ્યાસ સાથે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો હતો.”

“હું જુદીજુદી ફેશન ડિઝાઇન કરતો અને કંપની એ માર્કેટમાં મૂકતી. મારું કામ વખણાવા લાગ્યું. કંપનીના માલિક પણ મારા કામથી ખુશ હતા. અમારી કંપનીની ડિઝાઇનની માર્કેટમાં માગ વધવા લાગી. હું તો મારા કામમાં સખત ડૂબી ગયો હતો. બીજું કંઈ વિચારવાનો સમય જ નહોતો. બને બહેનો તેના ઘરે સુખી હતી.”

“એક વખત કંપનીના માલિકની દીકરીની મુલાકાત થઈ. તેને ખબર પડી કે તેને જે ફેશનના ડ્રેસ ગમે છે, એ તો મેં ડિઝાઇન કર્યા છે. ફરીથી માલિકની દીકરીએ મારી મુલાકાત કરી અને પછી અમારી મુલાકાતો વધતી ગઈ. માલિક મારા કામથી ખુશ હતા. તેને આ બાબતે કોઈ વાંધો નહોતો તેમણે સંમતિ આપી. અમારા, મારા અને માલિકની દીકરી રેખાના લગ્ન થઈ ગયાં.”

“હેમંત, આટલી સારી, તારી સ્થિતિ બની ગઈ હતી, તો પછી વાંધો ક્યાં પડ્યો?”

“અમારા લગ્ન પછી જ બધી સાંસારિક તકલીફો શરૂ થઈ. રેખા, પૈસાદાર બાપની દીકરી હતી. બહુ જ લાડકોડમાં ઉછરી હતી અને વૈભવી જીવન, બધી રીતનું મુક્ત જીવન અને દરેક પ્રકારના મોજશોખ કરવા ગમતા હતા. લગ્ન પહેલાં એ બધું ઠીક હતું. પણ લગ્ન પછી રેખાનું મોડે સુધી પાર્ટીમાં વ્યસ્ત રહેવું, કહ્યાં વગર ગમે ત્યારે મિત્રો સાથે ફરવા ચાલ્યા જવું. આ બધું મને યોગ્ય નહોતું લાગતું.”

“હેમંત, તને મારે પૂછાય નહીં, પણ તારી વાત સાંભળીને તને પૂછવાનું મન થાય છે કે લગ્ન પહેલાં તને રેખાભાભીની આ બિન્દાસ જિંદગીની નહોતી ખબર? અને જો ખબર હતી, તો તે લગ્ન કર્યા શા માટે?”

“રમેશ, તારી વાત બરોબર છે. તને પૂછવાનો પૂરો હક છે. હું આ વાત જાણતો હતો. મેં આ બાબતની ચર્ચા રેખાના પપ્પા સાથે પણ કરી હતી પણ તેમણે મને સમજાવ્યું કે ‘એકની એક દીકરી છે. લાડકોડમાં ઉછરી છે, એટલે રેખાએ અમારા લાડનો ગેરલાભ ઉઠાવ્યો છે. અમે તેને સમજાવવાનો અને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. દીકરી પ્રત્યેના વધુ પડતા પ્રેમે અમને સખ્ત થતા રોક્યા પણ, તું ચિંતા કર મા. અમે તારી સાથે છીએ. લગ્ન પછી બધું જ સરખું થઇ જશે.’ અને મારે પણ કોઈ સધ્ધર સહારાની જરૂર હતી. બંને બહેનો તેની ઘર ગૃહસ્થીમાં સારી રીતે સેટ થઈ ગઈ હતી. આ બધું જાણતો હોવા છતાં મેં રેખા સાથે લગ્ન કરી લીધાં.”

“રમેશ, લગ્ન પછી શરૂઆતમાં બધું જ બરોબર ચાલતું હતું. રેખા પણ ઘીમે ઘીમે ઘર ગૃહસ્થીમાં સેટ થઈ રહી હતી. તેણે બહાર પણ જવાનું ઓછું કરી નાખ્યું હતું. ત્યાં એક દિવસ તેની જૂની સહેલી મળવા આવી અને રેખાના વખાણ કરી ખૂબ ઉશ્કેરી કે તારા વગર અમારી પાર્ટી અને ટૂર, મહેફિલો બધું શુષ્ક અને નિરસ લાગે છે. અમને તારી બહુ ખોટ લાગે છે. આમ વાત કરીને ટૂરનું આમંત્રણ આપીને જતી રહી. અમે રેખાને ટૂરમાં ન જવા માટે બહુ સમજાવી પણ રેખા ન માની અને ટૂરમાં ગઈ. ટૂરમાંથી પાછા આવ્યા પછી, એ જૂનો હરવા ફરવાનો, બિન્દાસ જિંદગીનો ચીલો ચાલુ થઈ ગયો. રેખા મોટા ભાગે રાત્રે મોડી આવતી. ક્યારેક પીધેલ પણ હોય. આ બધી બાબતને લીધે અમારી વચ્ચે વારંવાર ચકમક ઝરતી. નાના મોટા ઝઘડા થતા. તેના પપ્પાએ પણ સમજાવી હતી કે ‘બેટા, લગ્ન પહેલાં જે તું કરતી એ ત્યારે તારી દૃષ્ટિએ યોગ્ય હતું પણ અમારી દૃષ્ટિએ તો એ ત્યારે પણ અયોગ્ય જ હતું. ત્યારે પણ અમે તને બહુ સમજાવી હતી પણ તે તારી બિન્દાસ જિંદગી ચાલુ રાખી હતી. અત્યારે તું જે કરે છે તે અયોગ્ય તો છે જ સાથે સાથે અનૈતિક પણ છે. મારી આબરૂનું પણ તું ધ્યાન રાખતી નથી. આ તો ઠીક છે સમાજમાં મારું વર્ચસ્વ છે, એટલે કોઈ સામે મોઢામોઢ બોલતું નથી પણ પાછળથી બધાં જ કંઈ ને કંઈ વાત કરે જ છે. બેટા, હેમંત જેવો પતિ છે. સારો બિઝનેસ છે. તારી ગૃહસ્થી સંભાળને આ બધી ઝંઝટમાં શું કામ પડે છે?’ આટલી સમજાવટ છતાં રેખામાં કંઈ ફેરફાર ન થયો અને પરિણામે માથેરાનથી તેના બોયફ્રેન્ડ સાથે કારમાં પાછી આવતી હતી. ત્યારે બંને એ ચિક્કાર પીધો હતો. કાર પરનો કંટ્રોલ ગુમાવી દીધો અને કાર ઊંડી ખાઈમાં જઈને પડી. કાર પૂરેપૂરી સળગી ગઈ હતી. બંનેના અંતિમ સંસ્કાર કરવા જેવું કંઈ બચ્યું નહોતું. આ બનાવથી રેખાનાં મમ્મી-પપ્પા ભાંગી પડ્યાં હતાં.”

તેમણે મને કહ્યું, “બેટા, રેખા તો ચાલી ગઈ. પણ, હવે જો તું અમારા ઘડપણનો સહારો બને તો બાકીની જિંદગી તારા સહારે જીવી નાખીએ.”

“રમેશ, પહેલાં તો મારી ઇરછા નહોતી પણ પછી વિચાર્યું કે રેખાએ જે કર્યું તેમાં તેનાં મમ્મી-પપ્પાનો શું દોષ? આજે હું જે કંઈપણ છું એ રેખાના પપ્પાને લીધે છું. હું રેખાના પપ્પા સાથે જ રહું છું. મને દીકરાની જેમ રાખે છે. પણ મેં રેખાને કરેલા પ્રેમના સ્પર્શનો દાહ હજી ભૂલાતો નથી અને વારંવાર રેખાનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે અને મનમાં સવાલ ઊઠે છે? રેખા મારો શું વાંક હતો? કે, તે મને આ સજા આપી.”

રમેશ, ઊભો થયો. હેમંતને પાણી આપ્યું.

“અરે! હું તો મારી કથા માંડીને બેસી ગયો. ભાઈ તું તો કહે, હવે તારે કેનેડા કેમ નથી જવું? કેમ સદા માટે કેનેડાને અલવિદા કરીને આવ્યો છે? તને તો કેનેડાનો બહુ મોહ હતો એટલે તો તું કેનેડા ગયો હતો.”

“તો, હેમંત, હવે મારી વાત તું સાંભળ અને પછી તને પણ મારું ભારત પાછા આવવાનું પગલું યોગ્ય લાગશે.”

“હેમંત, તારી જેવી જ મારી વાત છે. મારી યાદ પણ એક ન ભુલાય એવા દાહક સ્પર્શની છે. આજે તેની યાદ રૂપી સ્પર્શ મને દઝાડી રહ્યો છે. એ ભૂલવા અને બાકીની જિંદગી જીવવા માટે તો ભારત પાછો આવ્યો છું.”

“હેમંત, તારી પાસે તો પિતાતુલ્ય સસરા છે. મારી પાસે તો હું અને મારી યાદો એ સિવાય કંઈ જ નથી બચ્યું. હું કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો. મારો ધ્યેય હતો સારી ડિગ્રી પ્રાપ્ત કરી સારામાં સારી અને ઊંચા પગારની નોકરી લઈને કેનેડામાં જ સેટલ થઈ જવું. અને ભાગ્યના સાથથી, ત્યાં મને આપણા જ ગુજરાતી ફેમિલી સાથે રહેવા, જમવાની વ્યવસ્થા મળી ગઈ હતી. કાકા-કાકી બે જ હતાં. એમને પણ મારી સાથે ફાવી ગયું હતું. મને પણ એ લોકો સાથે સારી રીતે ફાવી ગયું હતું. કાકી તો હાઉસવાઈફ હતાં. કાકા નિવૃત્ત થઇ ગયા હતા. ઘરના આંગણામાં સરસ મજાનો બગીચો હતો. કાકા-કાકીને બગીચાનો શોખ હતો. બંને બગીચાનાં કામકાજ સાથે મોજ મસ્તીથી દિવસો પસાર કરતાં હતાં.”

“કાકાને કોઈ સંતાન નહોતું. મને દીકરાની જેમ રાખતા હતા. હું વિકએન્ડની રજાઓ તેમની સાથે પસાર કરતો. બહાર ફરવા કરતા મને તેમની સાથે રહેવાની મજા આવતી હતી. કાકી નવી નવી વાનગીઓ બનાવવાના શોખીન હતાં. જે વિકેન્ડમાં બનાવતાં. જેથી હું એની મજા માણી શકું. અમે વિકેન્ડને ભરપૂર માણતાં, મોજમજા કરતાં. આ રીતે કાકા-કાકીનો પણ સમય પસાર થઈ જતો.”

“કાકા-કાકી કહેતાં, “દીકરા, અમે બીજા વિકેન્ડની રાહમાં બાકીના દિવસો ખેંચી કાઢીએ છીએ. તારી સાથે અમારી જિંદગી પણ સરળતાથી પસાર થવા લાગી છે.”

“મારી કંપનીમાં એક ‘એની’ નામની કેનેડિયન મારી સહકાર્યકર હતી. અમે સાથે કામ કરતાં કરતાં ક્યારે નજીક આવી ગયાં એ ખબર ન પડી. અમે એક બીજાને ચાહવા લાગ્યાં હતાં. અમે બંને અમારા પ્રેમની લાગણીને સમજતાં હતાં પણ, પહેલ કોણ કરે એ વાતે અટક્યું હતું. અંતે મેં, એક દિવસ કહ્યું, ‘એની, આઈ લવ યુ.’ એનીએ શરમાઈને આંખો ઢાળી દીધી. કેનેડામાં મારા તો બીજાં કોઈ સગાંસંબંધી તો નહોતાં. મેં, કાકા-કાકીને વાત કરી એનીની મુલાકાત કરાવી. કાકીએ કહ્યું, “દીકરા, આ “એની” મને ભરોસા પાત્ર લાગતી નથી. તું રહ્યો સાદો સીધો ભારતીય છોકરો અને એની છે ઊડતું મુક્તપંખી. મારી તને સલાહ છે કે તું આમાં ન પડે તો સારું.” પણ હું એનીના પ્રેમમાં પાગલ હતો. મેં, કાકા-કાકીની સલાહ અવગણીને એની સાથે લગ્ન કરી લીધાં. કાકા-કાકીને પગે લાગીને આશીર્વાદ લીધા. એનીએ ત્યારે પણ કાકા-કાકીને પગે લાગવા માટે અણગમો દેખાડ્યો હતો અને પરાણે પરાણે કાકા-કાકીને પગે લાગી હતી. ત્યારે એ વાતને મેં બહુ ગંભીરતાથી લીધી નહોતી.”

“એની, મને સીધી લાગતી હતી. લગ્ન પછી મને ખબર પડી કે એનીને તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ છે. ક્લબ, પાર્ટીમાં તો એની વગર કોઈને ચાલતું નથી. એનીનો ફોન સતત ચાલુ રહેતો હતો. અમને જોઈએ તેવું એકાંત મળતું નહોતું. એનીને એ બાબતની કોઈ દરકાર નહોતી, માનને કે એનીને મારી સાથેના એકાંતની જરૂરિયાત નહોતી. મેં, એનીને બહુ સમજાવી. મેં, એનીને એક દિવસ કહ્યું, ‘એની હવે હું છું તારી સાથે ચોવીસ કલાકનો સાથીદાર. પછી આ આટલા મોટા ફ્રેન્ડ સર્કલની શું જરૂર છે? આપણી નાની એવી ગૃહસ્થી છે. આવતી કાલે આપણા આંગણામાં ફૂલ પણ ખીલશે.” એનીએ મને ચોખ્ખું સંભળાવી દીધું કે “હું બાળકની માતા બનવા તૈયાર નથી. મારે બાળક જોઈતું નથી. હું તો મોજમજાની જિંદગી જીવવા માગું છું.” અમારી વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. એની જુદા મકાનમાં રહેવા ચાલી ગઈ. મેં ઘણી સમજાવી પણ એ ન આવી. એક દિવસ ડાઈવોર્સના પેપર મને કુરિયર મારફત મળ્યા મને આઘાત લાગ્યો. હું હતપ્રત અને નાસીપાસ થઈ ગયો. કાકા-કાકીએ સાંત્વના આપી મને સાચવી લીધો. એનીએ સાથ છોડી દીધા પછી જો કેનેડામાં રહી શક્યો હોઉં તો તે કાકા-કાકીના સ્નેહ અને લાગણીને લીધે, બાકી હું તો તદ્દન ભાંગી પડ્યો હતો. એક વખત તો મને આપઘાત કરવાનો વિચાર પણ આવી ગયો હતો. કાકા-કાકીએ મને કેનેડામાં રહેવા બહુ સમજાવ્યો પણ, મારું મન કેનેડા ઉપરથી ઉતરી ગયું હતું. મને સતત વતન અને તમારા બધાની યાદ આવતી હતી, એટલે હું મારું બધું જ ત્યાં છોડીને ભારત આવી ગયો.”

“એનીએ આમ શું કામ કર્યું? તે જાણવા માટે મેં તપાસ કરી તો જાણવા મળ્યું, કે એનીને તો તેના બોયફ્રેન્ડ સાથે જ લગ્ન કરવા હતા, પણ તેના મમ્મી-પપ્પા તેના બોયફ્રેન્ડ સાથેના લગ્નની વિરુદ્ધમાં હતાં અને ધમકી આપી હતી કે ‘જો એની તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે તો તેને સંપત્તિના તમામ હકમાંથી બેદખલ કરી સંપત્તિ ટ્રસ્ટને દાન કરી દેશે.’ એટલે એનીએ મને ફસાવ્યો. મારી સાથે લગ્ન કર્યા. જે તેના મમ્મી-પપ્પાને દેખાડવા ખાતર જ હતાં. લગ્ન પછી હું એનીનાં મમ્મી-પપ્પાને એક જ વાર મળ્યો હતો. એનીનાં મમ્મી-પપ્પા અમારા લગ્નથી બહુ ખુશ હતાં અને એનીના હકની સંપત્તિ એનીના નામે ટ્રાન્સફર પણ કરી નાખી હતી.”

“એનીએ પોતાના હકની સંપત્તિ પોતાના નામ પર ટ્રાન્સફર થઈ ગઈ પછી જ મને ડાઈવોર્સ પેપર મોકલ્યા હતા. જેથી ડાઈવોર્સ થયે, એની તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે. આમે ય એની તેના બોયફ્રેન્ડ સાથે જ રહેતી હતી. મેં ડાઈવોર્સ આપી દીધા અને સદાને માટે ભારત એ મીઠા દાહક સ્પર્શને ભૂલવા આવતો રહ્યો. પણ, હેમંત, અમૂક સ્પર્શ એવા હોય છે, જે કદી ભૂલાતા નથી કે ભૂલી શકાતા નથી. એનીએ સંપત્તો માટે મારી સાથે જે બેવફાઈ કરી એ દાહ સતત મને એનીની યાદ આપ્યા કરે છે.”

“તો બેટા, તેને ભૂલવાની દવા શોધવી પડે.”

“પપ્પાજી, તમે?”

“હા બેટા! હેમંત, આમ તો છુપાઈને બીજાની વાત સાંભળવી એ અયોગ્ય છે. મેં તારી વાત સાંભળી જે મને ખબર હતી. પછી રમેશની વાત જાણવાની તાલાવેલી થઈ એટલે વાત સાંભળવા ઊભો રહ્યો. અને તમારી વાતમાંથી મને રસ્તો મળી ગયો.”

“કેવો રસ્તો, પપ્પા?”

“રમેશ, તે કેનેડામાં શું અભ્યાસ કર્યો છે?”

“અંકલ, મેં ત્યાં આઇ.ટી.માં એમ.ઇ. કર્યું છે.”

“અમારે એક, આઇ.ટી. એક્સપર્ટની જરૂર છે. અમે બિઝનેસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરીએ છીએ, એટલે અમારે એક કોમ્યુટર એક્સપર્ટની જરૂર પડશે. હેમંત, મારી વાત  બરોબર છે ને?”

“હા પપ્પા, તમારી વાત બરોબર છે.”

“તો, રમેશ આવતી કાલથી આપણી સાથે જોડાશે.”

“રમેશ તું, અમારી સાથે જોડાઇશ, પણ એ હેમંતના મિત્ર તરીકે નહીં પણ મારા દીકરા તરીકે.”

“હેમંત, આજનો દિવસ મારા માટે શુભ છે. મને બે દીકરાનો સહારો મળી ગયો.” બંનેના ચહેરા ઉપર ખુશી આવી ગઈ.

“હજી મારી વાત પૂરી નથી થઈ.”

“પપ્પા હજી, શું! વાત બાકી છે?”

“ગંગામાં અનાથ આશ્રમના સંચાલક મારા મિત્ર છે. હેમંત, તું મને દર વર્ષે પૂછે છે કે, પપ્પા, તમે તમારા ખાતે દસથી બાર લાખ રૂપિયા લો છો, પણ હિસાબ નથી આપતા કે અમે માગી નથી શકતા. હું એ પૈસા ગંગામાં અનાથ આશ્રમની કન્યાઓનાં લગ્ન માટે આપું છું. ત્યાં દર વર્ષે કન્યાઓના સમૂહ લગ્ન થાય છે. તેમાં એ પૈસા વપરાય છે. મેં રેખાના નિધન પછી તારા માટે એક કન્યા ઘણા વખતથી જોઈ રાખી છે. હવે બીજી કન્યા પણ રમેશ માટે મળી જશે. હેમંત લોકોમાં એવી માન્યતા હોય છે કે અનાથાશ્રમમાં ઉછરેલી દીકરીમાં શું હોય? તેણે ક્યાં મા-બાપના લાડકોડ જોયાં હોય, કે ન ઘર જેવો ઉછેર થયો હોય પણ બેટા, અનાથ આશ્રમમાં મોટી થતી દીકરીઓ અનાથ નથી હોતી. તેનો તો હજાર હાથવાળો નાથ હોય છે. બધી રીતે કેળવાયેલી અને પૂરેપૂરી સંસ્કારી દીકરીઓ હોય. અમે લગ્ન કરીને વિદાય કરેલી દીકરીઓએ અનાથ આશ્રમના સંસ્કાર અને તેના સસુરાલ ગૃહની આબરૂને સમાજમાં ઉજ્જવળ કરી દેખાડી છે. દીકરા, મારે તો તને કંઈ પૂછવાનું નથી મને ખાતરી છે કે તું ના નહીં જ કહે અને રમેશ પણ મારી વાત માનશે.”

હેમંત અને રમેશે સ્નેહભરી અને માન સૂચક નજરે જોયું. “હવે એક સાથે બે દીકરીઓ મારે ઘરે પધારશે.”

“પપ્પા, તમે પણ.”

“હા બેટા, તેં અમને રેખાની ખોટ પડવા દીધી નથી. તો અમારી પણ કંઈક ફરજ બને છે.”

“અને બેટા, બધાં સ્પર્શ દાહક નથી હોતા. સ્પર્શમાં શીતળતા પણ હોય છે. નવા શીતળ સ્પર્શ તમને જૂની યાદ ભૂલાવી દેશે અને મને બે દીકરીઓને મારે ઘરે લાવવાનું પુણ્ય પણ મળશે. આ વિચાર તો મારા મનમાં ઘણા સમયથી ફરતો હતો, પણ તને વાત કરવાનો યોગ્ય મોકો શોધતો હતો, જે આજે મળી ગયો.”

થોડા સમય પછી ગંગામાં અનાથ આશ્રમમાંથી એક સાથે બે કન્યા, બે કારમાં વિદાય થઈ, ‘શીતળ મીઠા સ્પર્શ માટે …..’

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

લાંચને ન આવે આંચ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 June 2025

રવીન્દ્ર પારેખ

આ દેશમાં અનેક કામો વિકાસના થયા છે ને વિશ્વમાં તે ચોથી ઈકોનોમી તરીકે પંકાઈ રહ્યો હોય તો તેની પણ ના નથી. ભલે 81.5 કરોડ લોકોને મફત અનાજ અપાઈ રહ્યું હોય ને છતાં, દેશમાં અત્યંત ગરીબોની ટકાવારી ઘટી હોય, તો તેનોય વાંધો નથી. દુશ્મન દેશને થોડી મિનિટોમાં જ આ દેશનાં સૈન્યે ધોળે દિવસે તારા દેખાડી દીધા હોય તો તે પણ કબૂલ, પણ દેશ ધાર્મિક, સામાજિક અંધશ્રદ્ધાનો વધુ ને વધુ શિકાર થઈ રહ્યો છે તે અંગે વિચારવાનું રહે જ છે. લગ્ન અને લગ્નેતર સંબંધોને કારણે આત્મહત્યા ને હત્યાનું પ્રમાણ જે રીતે વકરતું આવે છે, તે સામાજિક સ્વાસ્થ્ય અંગે ચિંતા ઉપજાવનારું છે. આખો દેશ પરસ્પર હિંસક આક્રમણની છૂપી તૈયારીમાં લાગ્યો હોય એવું પણ લાગે છે. એ ઓછું હોય તેમ દેશમાં, રાજ્યમાં અનેક સ્તરે ચાલતો ભ્રષ્ટાચાર નફફટાઈ અને નિર્લજ્જતાને આંટી જાય એવો છે.

24 ઓકટોબર, 2024ને રોજ વેરાવળ-પાટણની સંયુક્ત મ્યુનિસિપાલિટીના પૂર્વ પ્રમુખે, વર્તમાન ચીફ ઓફિસરને લખેલ પત્રમાં થોડી આવી લાઈનો લખેલી, ‘… સાથે સાથે જે ગત વર્ષે 1 કરોડના કામો મંજૂર થયેલ હતા તેમ 4 કરોડ 25 લાખના કરી નાખવામાં આવેલ હતા. જેમાં કોઈ પણ જાતના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવેલ હતી નહીં. આ 4 કરોડ 25 લાખના કામો માં જે જે રસ્તા રીપેર કરવામાં આવ્યા હતા તે રસ્તા પણ હાલ તૂટી ગયા છે જે ખૂબ ગંભીર બાબત કહેવાય જે રસ્તાના ગત વર્ષે કામો કરવામાં આવ્યાં હતા તે કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે. ગત વર્ષે થયેલ રસ્તાના કામો તપાસી તે કોન્ટ્રાકટર પાસે તાત્કાલિક તે રસ્તા રીપેર કરાવવામાં આવે અને તે કોન્ટ્રાકટર ને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેની માંગણી મૂકી રહ્યો છું.’

પત્રની લખાવટમાં ન પડીએ કે તે લખવાનાં કારણોમાં ન પડીએ તો પણ, વેરાવળ-પાટણ ઉપરાંત રાજ્યમાં અને દેશમાં રસ્તાઓ તૂટવાના ને બંધાઈ રહેલા પુલો તૂટવાના અનેક કિસ્સાઓ મીડિયામાં આવી ચૂક્યા છે ને તે આખરી નથી. બહુ દૂર ન જવું હોય તો બે’ક વર્ષ પર મોરબીનો ખુલ્લો મુકાયેલ પુલ જળાશાયી થયો તે ઘટનાને પણ ભ્રષ્ટાચાર સંદર્ભે યાદ કરી શકાય અને પૂર્ણ વિરામ તો ત્યાં પણ આવતું નથી. ક્યાંક ને ક્યાંક એ ઘટમાળ ન જ ચાલતી હોય એમ માનવાને કોઈ કારણ નથી.

CJI ભલે કહે કે ન્યાયપાલિકા ન્યાયિક આતંકવાદથી બચે, પણ ન્યાયતંત્ર સામે પણ ઘણા સવાલો છે તે ભૂલવા જેવુ નથી. એ ખરું કે ન્યાયિક સક્રિયતા અનિવાર્ય છે, પણ તે એ હદે ન વધવી જોઈએ કે ન્યાયિક આતંકવાદનું રૂપ લઈ લે. એ સાચું છે, પણ ન્યાયતંત્ર સામે આંગળી ચીંધાય એવું પણ થયું જ છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વર્માના લુટિયન્સ દિલ્હી સ્થિત ઘરમાં 14 માર્ચની રાત્રે આગ લાગી ને તેમના સ્ટોર રૂમમાંથી 500-500ની નોટોનાં સળગતાં બંડલો મળી આવ્યાં. તેમની સામે તત્કાલીન CJIએ તપાસ સમિતિ મૂકી. સમિતિને જસ્ટિસ વર્મા સામેના આક્ષેપો સાચા લાગ્યા ને તેમને દોષી ઠેરવવામાં આવ્યા. તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું જેનો તેમણે ઇનકાર કર્યો ને હવે તેમને મહાભિયોગથી દૂર કરવા સુધી વાત આવી છે. એ પણ છે કે મહાભિયોગના નિર્ણય સુધી આવ્યા પછી પણ નથી તો જસ્ટિસ વર્માએ ફોડ પાડ્યો કે નથી તો તપાસ સમિતિએ ખુલાસો કર્યો કે કરોડોનાં બંડલો સ્ટોરરૂમ સુધી પહોંચ્યા કઈ રીતે? જસ્ટિસ વર્મા તો કહે છે કે એ બંડલો તેમને ફસાવવા કોઈકે મૂક્યા છે. જો એવું હોય તો તપાસ સમિતિએ એ વાત ધ્યાને લીધી હતી કે કેમ? લાગે છે તો એવું કે સમિતિએ એ માની લીધું છે કે એ બંડલો જસ્ટિસ વર્માના જ હતા. એમ ન હોય તો સમિતિ પાસે જસ્ટિસ વર્માને દોષી ઠેરવવાનું કારણ જ કયું છે? એનું પણ આશ્ચર્ય જ છે કે પોતે મહાભિયોગ સુધી પહોંચવા તૈયાર છે, પણ એ બંડલો અંગે જસ્ટિસ વર્મા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એ પણ છે કે જો બંડલો જસ્ટિસ વર્માનાં જ હોય તો તે તેમની પાસે ભ્રષ્ટાચાર વગર આવ્યાં હોવાનું મુશ્કેલ છે.

લાગે છે તો એવું કે ભ્રષ્ટાચાર ને લાંચ રૂશ્વત કેટલાક સરકારી અધિકારીઓનાં લોહીમાં ઊતરી ગયાં છે. રાજસ્થાનનાં ઝુનઝુનુનો 11 જૂન, 2025નો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દોડતા સરકારી અધિકારી નરેન્દ્ર સિંહની પાછળ ACBનો અધિકારી પડ્યો છે ને સરકારી અધિકારીને ઝડપી લે છે. તે એટલે ઝડપે છે કે નરેન્દ્ર સિંહ 30,000ની લાંચ લેતા પકડાયો, તો ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. ACB અધિકારી પાછળ પડ્યો છે, એવું લાગતાં સરકારી અધિકારીએ હાથમાં પકડેલું લાંચનું બંડલ ખાલી પ્લોટમાં ફેંકી દીધું. જો કે, ACB અધિકારીએ તેને પકડી પાડ્યો હતો ને આ આખી ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ચૂકી હતી.

સરકારી ઓફિસોમાં લાંચ એ જાણે ફેશન બની ગઈ છે. ઓડિસા વિજિલન્સ ડિરેક્ટોરેટે કાલાહાંડી જિલ્લામાં તૈનાત 2021 બેચના એક આઇ.એ.એસ. અધિકારી ધીમન ચકમાને 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. ધીમન ચકમા ધરમગઢના નાયબ કલેકટર તરીકે કાર્યરત છે. ચકમાએ એક વેપારી પાસેથી 20 લાખની લાંચ માંગી હતી. તેનો 10 લાખનો પહેલો હપ્તો તો ચૂકવાઈ ગયો હતો. બીજા હપ્તા માટે ધમકી અપાઈ હતી કે તે નહીં ચૂકવાય તો કાર્યવાહી થશે. આથી ત્રાસીને ઉદ્યોગપતિએ વિજિલન્સ ડિરેક્ટોરેટમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. ચકમાના ઘરે 8 જૂનને રવિવારે સઘન તપાસ કરતાં બીજી 47 લાખ જેટલી રોકડ મળી આવી હતી.

આ એક જ દાખલો છે. એવું નથી. ગયા એપ્રિલમાં અમદાવાદના આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને, એન્ટિ કરપ્શન બ્યૂરો(ACB)એ છટકું ગોઠવીને 15 લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા. વિગતો એવી છે કે ફરિયાદીની ફેવરમાં કામ કરવા માટે ફરિયાદી અને તેમના ડૉક્ટર મિત્ર પાસેથી 30 લાખની લાંચ માંગવામાં આવી હતી. માર્ચ, 2025માં સુરતમાં રાજ્ય વેરા વિભાગમાં નીલેશ પટેલ નામના એક અધિકારી, એક વેપારીને મળવા પાત્ર રિફંડની રકમની કાર્યવાહી કરવાના બદલામાં, 15,000ની લાંચ લેતાં ACBએ પકડ્યા હતા.

આવા એકલદોકલ કિસ્સાઓ પૂરતી આ વાત નથી. ACBના 9 એકમનાં 76 સફળ ટ્રેપને લીધે છેલ્લા 4 મહિનામાં 109 સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. આ તો ગુજરાતનો જ ચાર મહિનાનો હિસાબ છે. સૌથી વધુ અધિકારીઓ, કર્મીઓ ગાંધીનગર અને અમદાવાદથી ઝડપાયા છે. આ ઉપરાંત નેતાઓ, મંત્રીઓનો ભ્રષ્ટાચાર છૂપો હોય છે, તે એકાએક ધ્યાને આવતો નથી. ગમે ત્યારે પગાર, ભથ્થાં વધારીને મબલખ આવક મેળવતા સાંસદો, મંત્રીઓ ડાબે હાથે પણ ઘણું ગજવે ઘાલતાં હોય છે. એવું નથી કે બધાં જ લાંચિયાંને ભ્રષ્ટાચારી છે. કોઈ કોઈ આ બધાંથી બચીને પણ ચાલે છે, પણ ઘણા વિકાસ પછી પણ આ દેશમાં લાંચરૂશ્વત, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એ હકીકત છે.

અહીં જે ઉદાહરણો લીધાં છે, એમાં જસ્ટિસથી લઈને નાના મોટા સરકારી અધિકારીઓ છે. તેમને સારાં એવાં પગાર-ભથ્થાં મળે છે, જેનો આંકડો લાખોમાં પડે છે. એમને મહિનાનો જેટલો પગાર મળે છે, એટલો તો ઘણાનો વાર્ષિક પગાર પણ નહીં હોય ! કોઈ ગરીબ માણસ પેટ પૂરવા થોડું ઘણું ખોટું કરે ને તે છીંડે ચડે તો સહેલાઈથી ચોર પુરવાર થઈ શકે છે, પણ લાખોમાં આળોટતા આ સરકારી માણસો લાંચ લેવામાં કે ભ્રષ્ટાચાર કરવામાં પૂરા નિર્લજ્જ ને નિષ્ઠુર થઈ શકે છે. એમનાં બેશરમ મોઢાં લાખોનો કોળિયો કરી જાય છે ને ઓડકાર પણ નથી ખાતા. એને લીધે જે કામ થાય છે તેમાં જરા જેટલો પણ ભલીવાર હોતો નથી. તેમને પકડીને જેર કરનાર તંત્રોને સલામ કરવાની રહે. એનો આનદ છે કે ACB તેનું કાર્ય વફાદારીથી કરે છે, પણ કેટલા ય કિસ્સા એવા પણ હશે જે તેમની નજરે ન ચડાય તેની કાળજી રાખતા હશે ને એ સંખ્યા પણ નાનીસૂની નહીં જ હોય. ખરું તો એ છે કે સારો પગાર મેળવનાર અધિકારીઓ પોતે જ સમજીને લાંચ લેવાથી કે ભ્રષ્ટાચાર કરવાથી દૂર રહે, પણ તેવું થતું નથી ને એટલે જ તો ACBએ ફરજ બજાવવી પડે છે.

સાંભળ્યું તો એવું પણ છે કે ACB કે CBI પણ દૂધે ધોયેલ નથી, છતાં આટલા કેસ કરે છે ને લાંચ રૂશ્વત રોકવાની કોશિશ કરે છે તેની અવગણના થઈ શકે નહીં. એટલું સ્પષ્ટ છે કે આપણે તો આશ્વાસનોથી જ રાજી રહેવાનું છે. આવનારો સમય આશ્વસ્ત પણ ન થવા દે એમ બને –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જૂન 2025

Loading

...102030...246247248249...260270280...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved