Opinion Magazine
Number of visits: 9575601
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉક ડાઉન કટોકટીમાં શ્રમિકો પ્રત્યેની ઉપેક્ષા

નેહા શાહ|Opinion - Opinion|26 April 2020

૧૪મી એપ્રિલે લૉક ડાઉન-૨ની જાહેરાત થઇ ત્યારથી સુરત અને મુંબઈ જેવાં શહેરોમાંથી પરપ્રાંતીય શ્રમિકોમાં ઊભા થઈ રહેલા આક્રોશના સમાચાર આવી રહ્યા છે. ૨૦મી એપ્રિલે સરકારે ઘણી છૂટછાટની જાહેરાત કરી છે. સ્થળાંતરિત શ્રમિકોને રાજ્યની સરહદની અંદર પ્રવાસ કરવાની છૂટ મળી, પણ આંતરરાજ્ય શ્રમિકોને પોતાના વતન પાછા જવાની છૂટ મળી નથી. આ લખાય છે ત્યારે, ૨૨મી એપ્રિલ સુધી તો, સંબંધિત રાજ્યનું પોલીસતંત્ર તેમને તે જ્યાં છે ત્યાં રોકી રહ્યું છે. શ્રમિકોને રેશન નહીં મળવાના, પગપાળા પાછા જવાના, થાકને કારણે રસ્તામાં થતાં મૃત્યુના કે પછી પોલીસ દ્વારા અટકાયતના સમાચાર આવી રહ્યા છે. ૨૧મી એપ્રિલના રોજ, મંગળવારે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પરપ્રાંતીય શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવા ખાસ ટ્રેનોની વ્યવસ્થા ગોઠવી આપવાની વિનંતી કરી છે. એનો અર્થ એ થયો કે શ્રમિકો જ્યાં છે ત્યાં હજુ લાંબુ રોકાઈ રહેવા તૈયાર નથી અને જો આ પરિસ્થિતિ લાંબી ચાલી તો આક્રોશ મોટું સ્વરૂપ લે તેવો ભય છે.

૨૨મી માર્ચથી આજ સુધી કોરોના સામેની લડાઈના આયોજનમાં શ્રમિકો પર પડનારી અસરો અંગે કાંઈ ખાસ વિચારાયું હોય એવું દેખાતું નથી. એમનો વિચાર અને એમના પ્રત્યેની ચિંતા તો પ્રશ્ન ઊભો થયા પછીની છે. તેનો ઉપાય પણ મોટે ભાગે માત્ર ભોજન પૂરું પાડવા પૂરતો મર્યાદિત રહ્યો હોય, એવું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. પ્રશ્ન માત્ર પેટની ભૂખનો નથી, પણ આત્મસન્માનનો અને નાગરિક તરીકેના સમાન અધિકારનો છે. આ મુદ્દો લૉક ડાઉન પહેલાં પ્લેન, ટ્રેન કે પોતાની કારમાં પોતાના ઘરે, સ્વજનો પાસે પહોંચી ગયેલાં મધ્યમ વર્ગીય લોકોને નથી સમજાતો કે નથી એ બાબતે સરકારમાં પૂરતી સંવેદનશીલતા જણાતી.

૧૪મી એપ્રિલે સાંજે સુરતના શ્રમિકો લૉક ડાઉનની અવજ્ઞા કરીને રસ્તા પર ઊતરી પડ્યાના સમાચાર આવ્યા. તેમાં લોકો ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરતા દેખાયા. સુરતથી આવતા સમાચાર પરથી લાગે છે કે ત્યાં અપૂરતા અને હલકી ગુણવત્તાવાળા ભોજનની સમસ્યા માત્ર નિમિત્ત બની છે. મૂળમાં પરપ્રાંતીય શ્રમિકોના મનમાં તરછોડાયાની ભાવના વધુ પ્રબળ હોય એવું વર્તાઈ રહ્યું છે. પહેલા લૉક ડાઉન વખતે પણ તેમને ઘરે જવાનો મોકો ના મળ્યો અને અમીરોમાંથી આવેલી બીમારીમાં તે ફસાઈ ગયા—એવી ભાવના આવી. નાના ઉદ્યોગોમાં કામ કરતાં શ્રમિકોને તેમનું વેતન પણ ન મળ્યું. ઉદ્યોગના માલિકોના ઈરાદા પર શંકા નથી. તેમના ધંધા પણ અટકી પડ્યા છે. એટલે નાણાંની તરલતાનો અભાવ એમને પણ નડ્યો છે, જેને કારણે તે કારીગરોને વેતન ચૂકવી શક્યા નથી. આ વાત સમજાય એવી છે, તો પણ તેની જીવન-મરણની અસર તો કામદારોને જ પડવાની છે.

લૉક ડાઉનની જાહેરાત થયા પછી સરકાર તરફથી રાહત કામગીરીની જાહેરાત બે દિવસ પછી થઈ. ભોજન અને રાહત સામગ્રીનાં વિતરણની ગોઠવણ થતાં અઠવાડિયાથી વધુ સમય નીકળી ગયો. સ્વૈચ્છિક સંસ્થાઓ અને પરગજુ લોકોએ ઘણી બધી જવાબદારી કોઈની રાહ જોયા વિના પોતાના ખભે ઉપાડી લીધી. શ્રમ મંત્રાલય તરફથી વેતન નહીં કાપવા બાબતે એક માત્ર સૂચન આવ્યું. એ સિવાય શ્રમ મંત્રાલય — રાજ્ય તેમ જ કેન્દ્રના — તરફથી કયાં પગલાં લેવાયાં, એ અંગે કોઈ માહિતી મળતી નથી. કેન્દ્રીય શ્રમ મંત્રાલય તરફથી વેતનસંબંધી ફરિયાદો સાંભળવા માટેના કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા છેક ૧૪મી એપ્રિલે થઈ. વોટ્સએપ, ઇ-મેઇલ અને ફોનથી ફરિયાદો નોધવાની ચહેરાવિહીન પદ્ધતિ લોકોને કેટલો ભરોસો અપાવી શકશે, એ તો સમય જ કહેશે, વળી, આ કન્ટ્રોલ રૂમ ફરિયાદ સાંભળ્યા પછી એનું નિરાકરણ કઈ રીતે લાવશે એ ખબર નથી.

આપણા દેશમાં કરોડોની સંખ્યામાં સ્થળાંતરિત શ્રમિકો છે, જેના વિગતે આંકડા સરકાર પાસે છે. લૉક ડાઉન સાથે આર્થિક ચક્રો બંધ થાય અને એની વિપરીત અસર આ ગરીબ વર્ગ પર પડે, એટલી સમજ તો આ દેશનું નેતૃત્વ સંભાળનાર કોઈ પણ વ્યક્તિને પડવી જ જોઈએ અને એ માટે જરૂરી આગમચેતીનાં પગલાં ભરવાની જવાબદારી સંબંધિત મંત્રાલયને પહેલા દિવસથી જ સોંપાઈ જવી જોઈતી હતી. બધું જ કામ વડા પ્રધાન અને ગૃહ મંત્રાલયના કાર્યાલયે કરવાનું ન હોય. આપણા દેશમાં કેન્દ્ર તેમ જ રાજ્યના સ્તરે શ્રમ મંત્રાલય છે. આવડા મોટા સંકટનો સામનો કરવા શ્રમિકો માટેની વ્યવસ્થાનું આયોજન તે કરી શક્યાં હોત. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મદદ લઈને માઈક્રો-પ્લાનિંગ કરવું અશક્ય ન હતું. પણ એ માટેની ઈચ્છાશક્તિ ક્યાંથી લાવવી?

શ્રમ વિભાગ આમ પણ ઉપેક્ષિત રહ્યો છે. દેશે ઉદારીકરણની નીતિ અપનાવી ત્યાર પછી ખાસ. દેશ અને રાજ્યમાં આમ પણ કાયદા સરળ બનાવવાના નામે શ્રમ કાયદાને હળવા બનાવાઈ રહ્યા છે.  નવા લેબર કોડ અમલ થવાની અણી પર છે, જેનાથી શ્રમિકોની સામૂહિક વાટાઘાટોની ક્ષમતા વધુ નબળી પડવાની આશંકા છે. વિકાસના મોડેલ સમા ગુજરાતમાં શ્રમ વિભાગ સાથે ઓરમાયું વર્તન જ થતું આવ્યું છે. લેબર ઈન્સ્પેકટરે કામનાં સ્થળની તપાસની મહેનત ના કરવી પડે, એટલે ઉદ્યોગો જ શ્રમ કાયદાના પાલન અંગે સ્વઘોષણા કરી દેતા હોય છે — અને તે પણ ઑનલાઈન. શ્રમ વિભાગમાં પાછલાં ઘણાં વર્ષોથી સ્ટાફની સંખ્યા જરૂર કરતાં ખૂબ ઓછી હોય છે એટલે સામાન્ય કામ પણ ટલ્લે ચડતાં હોય છે. સરકારી યોજનાનો લાભ મેળવવા પણ શ્રમિકોને અનેક વાર ધક્કા ખાવા પડે, એ સામાન્ય ઘટના છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિક માટે તો મુસીબત અનેક ગણી વધતી હોય છે. શ્રમિકો પ્રત્યે તંત્રની લાગણીશૂન્યતા વર્તમાન આપત્તિના સમયે સપાટી પર આવી છે.

ગરીબ શ્રમિકો પ્રત્યે નઠારા થઇ ચુકેલા તંત્રમાં કેરળનું મૉડેલ થોડી આશા જગાવે છે. ત્યાં દેશની સૌથી વધુ રાહતશિબિરો ચાલે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા રિપોર્ટ મુજબ, દેશની કુલ ૨૨,૫૬૭  રાહતશિબિરમાંથી ૧૫,૫૪૧ એટલે કે ૬૮.૮ ટકા તો માત્ર કેરળમાં છે. આ શિબિરોનું કામ ત્યાંના શ્રમ મંત્રીએ પોતાના હાથમાં લઇ લીધું છે. સ્થળાંતરિત શ્રમિકો હવે ત્યાં મહેમાન શ્રમિક કહેવાય છે. માત્ર સંબોધન બદલવાથી અભિગમમાં મોટો ફર્ક આવ્યો છે. પરપ્રાંતીય શ્રમિકોને ભોજનની બહુ મોટી સમસ્યા હોય. કારણ કે દરેક પ્રાંતની ખાવા-પીવાની ટેવો અલગ અલગ હોય. પોતાના સ્વાદ પ્રમાણેનું ભોજન આટલા લાંબા સમય સુધી ના મળે ત્યારે ઘરની યાદ બમણા જોરથી આવે અને આક્રોશ વધુ ઉછળે. આ પરિસ્થિતિને સંભાળવા માટે કેરળમાં બને ત્યાં સુધી દરેક વ્યક્તિને સીધુંસામગ્રી આપવામાં આવે છે, જેથી દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ સ્વાદ મુજબની રસોઈ બનાવીને જમી શકે. જેમની પાસે રાંધવાની સગવડ નથી, તેમને માટે હવે ઉત્તર ભારતીય ભોજન પીરસાય છે. આ સાથે શિબિરમાં કૅરમ અને પત્તાં આપવામાં આવ્યાં છે, જેથી નવરાશના આટલા બધા સમયમાં કરવાને કોઈ પ્રવૃત્તિ રહે. દરેકને ફોન રીચાર્જ કરી આપવામાં આવ્યા છે, જેથી તે પોતાનાં કુટુંબીજનોના સંપર્કમાં રહે. આટલી સુવિધા આપવાથી જ્યારે લૉક ડાઉનના બીજા દોરની જાહેરાત થઈ ત્યારે ઘરે પાછા જવાની માગમાં તીવ્રતા ન હતી.

કેરળના મૉડેલ પરથી દેખાય છે કે શ્રમિકોના પ્રશ્નોને માનવીય ધોરણે સમજવા જેટલી સંવેદનશીલતા દાખવીને, રચનાત્મક ઉપાયો શોધીને, તેમનો યુદ્ધના ધોરણે અમલ કરવાની જરૂર છે.

e.mail : nehakabir00@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020

Loading

‘શિખાબંધનમ્’ના સ્તરે અટવાયેલી સરકારી યોજનાઓ

બીરેન કોઠારી|Opinion - Opinion|26 April 2020

ઘણી બાળકથાઓ ને બોધકથાઓ એવી હોય છે કે વિવિધ પરિસ્થિતિઓમાં તે નવાં નવાં અર્થઘટન સાથે પ્રસ્તુત બની રહે. આવી જ એક કથા છે બાદશાહ અને તેના દીવાનની. એક વાર બાદશાહના દરબારમાં આવતાં દીવાનને મોડું થાય છે. બાદશાહ તેનું કારણ પૂછે છે. દીવાન હોઠે ચડ્યું એ કારણ જણાવતાં કહે છે, ‘સંધ્યા કરવા રોકાયો એટલે આવતાં મોડું થઈ ગયું.’ બાદશાહ વિધર્મી હોવાથી તેને માટે આ શબ્દ નવો હોય છે. એટલે તે પૂછે છે, ‘સંધ્યા કરવી એટલે શું?’ દીવાન માંડીને આખી વિધિ બાદશાહને સમજાવે છે. એ સાંભળીને બાદશાહને ધૂન ઉપડે છે, ‘મારેય સંધ્યા કરતાં શીખવું છે.’ દીવાનની સ્થિતિ કફોડી બની જાય છે. વિધર્મી બાદશાહથી કંઈ સનાતન ધર્મની વિધિ થાય? સાથે એ પણ મૂંઝવણ કે બાદશાહને સીધી ના શી રીતે પડાય? થોડું વિચારીને તે બાદશાહને બીજા દિવસે નદીએ આવવા જણાવે છે. નક્કી કરેલા સમયે બાદશાહ નદીએ પહોંચે છે. દીવાન અને બાદશાહ નદીનાં પાણીમાં ઊતરે છે. દીવાન સંધ્યાની શરૂઆત કરતાં પોતાના વાળની ચોટલી બાંધે છે અને બોલે છે : ‘શિખા બંધનમ્.’ બાદશાહ આશ્ચર્યથી પૂછે છે, ‘આ શું?’ દીવાન કહે, ‘શિખા બાંધો.’ મૂંઝાયેલો બાદશાહ કહે છે, ‘પણ મારે માથે શિખા નથી.’ દીવાન કહે છે, ‘તો કરાવો. માથાના વાળ ઉતારાવડાવો.’ બસ, પછી શું! માથું બોડાવવાના ખ્યાલે બાદશાહ ભડકી ઊઠે છે અને કહી દે છે, ‘નથી શીખવી મારે સંધ્યા.’ બાદશાહને સંધ્યા કરતાં શિખવવાનો મામલો સીધેસીધી ના પાડવાને બદલે દીવાન સિફતપૂર્વક ટાળી દે છે.

કોવિડ-૧૯ને કારણે ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ. અલબત્ત, આવા અભૂતપૂર્વ સંજોગો અગાઉ કદી સર્જાયા નથી, એટલે કેટલીક મુસીબતો અનપેક્ષિત હોય એ સમજી શકાય એવું છે. આમ છતાં, આવા રાષ્ટ્રીય કટોકટીકાળમાં પણ ધ્રુવીકરણ, જૂઠાણાં, વરવું રાજકારણ અને નફરતના ખેલ ખેલાવાનું ચાલુ છે. ધ્રુવીકરણ કોમનું થાય એથી પણ વધુ આભાસી અને વાસ્તવિક જગતમાં રહેતા લોકોનું થઈ ગયું છે એ વર્તમાન યુગની વાસ્તવિકતા છે. એક તરફ ઈન્ટરનેટને કારણે સુલભ બનેલાં સામાજિક નેટવર્કિંગનાં અનેક માધ્યમો અને કિલ્લા ફરતે ઘેરો ઘાલીને પડ્યાપાથર્યા રહેતા કોઈ સૈન્યના સૈનિકો જેવા તેના ઉપભોક્તાઓ છે. બીજી તરફ આ માધ્યમના અસ્તિત્ત્વ વિશે જાણ સુદ્ધાં ન હોય એવા લોકો છે. આભાસી માધ્યમના સૈનિકો જેવા લોકો પોતાની અંગતમાં અંગત બાબતો આ માધ્યમ પર જાહેર કરે છે, અને સમસુખિયાઓ સાથે તે વહેંચે છે. આવા કપરા સમયમાં તેમને પોતાને ઘેર રહેવાનો વૈભવ પ્રાપ્ત થયો છે. પરિણામે આ સમય કંટાળ્યા વિના, બને એટલો આનંદદાયક રીતે કેમ પસાર કરવો તેના નુસખા તેઓ આ માધ્યમે વહેંચતા રહે છે. તેમની આર્થિક-સામાજિક સ્થિતિ જોતાં એમાં કશું ખોટું નથી.

બીજી તરફ એવો મોટો વર્ગ છે કે જેની સ્થિતિ આ વાતાવરણમાં કફોડી બની છે. ગયા સપ્તાહે સુરતમાં અસંખ્ય શ્રમિકો રસ્તા પર ઊતરી આવ્યા અને તમામ પ્રતિબંધ અને સાવચેતીને અવગણીને પોતાને વતન મોકલી દેવાની માગણી સાથે અશાંતિ પણ સર્જી. આ ઘટના એકલદોકલ છે, પણ તેને અવગણવાને બદલે સંકેત તરીકે જોવી જોઈએ.

દિલ્હીસ્થિત બિનસરકારી સંગઠન ‘જનસાહસ’ દ્વારા ૨૭ માર્ચથી ૨૯ માર્ચ દરમિયાન એક સર્વેક્ષણ હાથ ધરાયું. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને ‘બિલ્ડીંગ એન્ડ  અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (બી.ઓ.સી.ડબલ્યુ.) વૅલફેર બૉર્ડ’ દ્વારા એકત્ર કરાયેલા ઉપકરનાં નાણાં સીધા શ્રમિકોના ખાતામાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી. સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે ૯૪ ટકા, એટલે કે મોટા ભાગના શ્રમિકો બી.ઓ.સી.ડબલ્યુ. કાર્ડ ધરાવતા નથી. પરિણામે નાણાં મેળવવા માટે તેઓ ગેરલાયક ઠરે છે. આ સર્વેક્ષણમાં ઉત્તર અને મધ્ય ભારતના બાંધકામ ક્ષેત્રના ૩,૧૯૬ સ્થળાંતરિત શ્રમિકો પાસેથી આ વિગત મેળવાયેલી હતી. સર્વેક્ષણના આ પ્રમાણને સમગ્ર દેશ માટે લાગુ પાડવામાં આવે તો કહી શકાય કે બાંધકામ ક્ષેત્રે દેશભરમાં સાડા પાંચ કરોડ જેટલા શ્રમિકો છે, તેમાંથી પાંચ કરોડ અને દસ લાખ શ્રમિકો સુધી આ નાણાં પહોંચશે નહીં.

લેખના આરંભે જણાવેલી વાર્તામાં આવે છે એમ, દીવાને બાદશાહને સંધ્યા શિખવવાની તૈયારી બતાવી, પણ એમ કરવા માટે ‘શિખાબંધનમ્’ની શરત પૂરી થવી અનિવાર્ય હતી. શાસન કોઈ પણ હોય, મોટા ભાગની સરકારી યોજનાઓ અને તેની વાસ્તવિકતા મોટે ભાગે ‘શિખા બંધનમ્’ના સ્તરે જ અટવાયેલી રહે છે. વધુમાં ૧૪ ટકા શ્રમિકો પાસે રેશન કાર્ડ નથી અને ૧૭ ટકા પાસે બૅન્કનું ખાતું નથી. ઉલ્લેખનીય છે કે બાંધકામ ક્ષેત્રનું દેશના કુલ સ્થાનિક ઉત્પાદન(જી.ડી.પી.)માં તેનું આશરે ૯ ટકા જેટલું પ્રદાન છે. આ ક્ષેત્રે સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતરિત શ્રમિકો રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. આમાંના ૫૧ ટકા શ્રમિકોને માથે દેવું હતું, જે રોજગાર વિના ભરપાઈ થાય એમ નહોતું. વણનોંધાયેલા શ્રમિકોની સંખ્યા અલગ.

માત્ર બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની આ સ્થિતિ છે. તેની પરથી અન્ય અનેક ક્ષેત્રોના શ્રમિકોની સ્થિતિની કલ્પના કરવી રહી. આવી અભૂતપૂર્વ કટોકટીની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનાં પગલાં લેવામાં વિલંબ થઈ શકે એ સમજી શકાય. પણ આટલા દિવસોમાં એમ કરવા માટેનો ઈરાદો અને એ દિશામાં લેવાતા નિર્ણય કંઈક સંકેત આપે એ જરૂરી છે. ખાસ તો, ગતકડાં જેવા નિરર્થક, છતાં યુદ્ધમાં વિજેતા બની ગયા હોવાનું સૂચવતા આદેશો નિયમિત ધોરણે અપાતા હોય અને તેનું પાલન પણ ભારે ઉત્સાહભેર થતું જોવા મળતું હોય, ત્યારે આ દિશામાં કંઈક નક્કર કામ થાય એવી અપેક્ષા કેમ ન રખાય?

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020

Loading

સરકારની ટીકા એ નકારાત્મકતા નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 April 2020

બંધારણના ઘડવૈયાઓએ ‘વી ધ પીપલ’ને બંધારણમાં મૂળભૂત અધિકારો આપ્યા હતા. પરંતુ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને લોકશાહી અને નાગરિક અધિકારો અભરાઈ પર ચઢાવી દીધા હતા. ૧૯૭૬માં કટોકટી દરમિયાન થયેલા બેતાળીસમા બંધારણ સુધારા દ્વારા, જેમ આમુખમાં ધર્મનિરપેક્ષતા અને સમાજવાદી શબ્દ ઉમેરાયા હતા તેમ નાગરિકની મૂળભૂત ફરજો પણ ઉમેરાઈ હતી. ૨૦૧૫માં બંધારણના પ્રમુખ ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સવાસોમા જન્મ જયંતી વરસથી વર્તમાન વડાપ્રધાને ૨૬મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે રાષ્ટ્રીય ધોરણે મનાવવાનું શરૂ કર્યું છે.

નરેન્દ્ર મોદી ગાંધીનહેરુ કુટુંબના અન્ય નેતાઓની જેટલી ટીકાઓ કરે છે તેટલી ઇન્દિરા ગાંધીની કરતા નથી. નાગરિક અધિકારોના અમલ બાબતે ઉજળા ન જણાતા નરેન્દ્ર મોદીને ઇન્દિરાના કુખ્યાત બંધારણસુધારા દ્વારા અસ્તિત્વમાં આવેલી નાગરિક ફરજો બહુ પ્રિય છે. ૨૦૧૯માં જ્યારે સંસદના સેન્ટ્રલ હૉલમાં વિપક્ષની ગેરહાજરીમાં બંધારણનાં ૭૦ વરસની ઉજવણી થઈ, ત્યારે પણ તેમણે નાગરિકોની ફરજોની જ વાત સવિશેષ કરી હતી. એ વરસે શાળા-મહાશાળાઓમાં, સરકારી કચેરીઓમાં અને સંસદથી સડક સુધી સરકારે બંધારણ દિવસની ઉજવણીમાં બંધારણના અમુખનું નહીં, પણ નાગરિક ફરજોનું પઠન કરવાનો આદેશ કર્યો હતો !

આજે નાગરિક ફરજો યાદ આવવાનું નિમિત્ત અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાનો એક વીડિયો સંદેશ છે. અમદાવાદના નાગરિકોને શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના સંદેશની અપેક્ષા હોય, પણ આ મહામારીમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘરમાં ભરાઈ રહેવાનું અને શાસન આખું વહીવટી તંત્ર કે અધિકારીઓને સોંપી દેવાનું પસંદ કર્યું છે. આ વરસ તો પાછું મહાનગરપાલિકાઓની ચૂંટણીનું છે છતાં રાજકીય નેતાઓ ઘરમાં છે અને મતદારો અધિકારીઓના ભરોસે છે. અમદાવાદમાં કોવિડ-૧૯ની કામગીરી અંગે કેટલાક નાગરિકોના અસંતોષ વ્યક્ત કરતા વીડિયો શું વહેતા થયા કે શ્રીમાન નહેરા પોતાનો પક્ષ નહીં, પણ દુ:ખ વ્યક્ત કરવા ઉપસ્થિત થયા. સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા દરદીઓ ક્રિકેટ રમતા હતા તે વીડિયોનો ઉલ્લેખ કરી કમિશનરે તરત જ સમરસ હોસ્ટેલના ગંદકી અને અન્ય સમસ્યાઓના વીડિયોનો ઉલ્લેખ કર્યો અને નાગરિકોને તેમની ફરજો સમજાવી.

કમિશનરસાહેબને પોતાના કર્મચારી એવા એક મૅડિકલ ઓફિસર બહેનને સારવારમાં રહેલી ઢીલ અને કચાશના વીડિયો અંગે પણ દુ:ખ વ્યક્ત છે. તે કહે છે કે સમગ્ર તંત્ર જ્યારે કોરોના સામે યુદ્ધ લડે છે ત્યારે આવા વીડિયો યુદ્ધ લડતા સૈનિકના બૂટને પોલીશ નથી કરી કે શર્ટનું એકાદ બટન ખુલ્લું છે — તેવા છે. આમ જણાવી તે આવા કૃત્યને ‘નકારાત્મક’ ગણાવે છે. આ જ વીડિયો મેસેજમાં કમિશનર  એમ પણ કહે છે કે આ વીડિયોને કારણે આખો દિવસ મારું તંત્ર દોડતું રહ્યું છે. જો નાગરિકોની ફરિયાદો સૈનિકોના બૂટની પોલીશ કે શર્ટનાં બટન જેવી ક્ષુલ્લક હતી કે તેમાં કોઈ દમ ન હતો કે માત્ર નકારાત્મકતા જ હતી, તો તંત્ર આખો દિવસ દોડતું શા માટે રહ્યું? સરકારની કે તંત્રની ટીકા એ નકારાત્મકતા નથી. એ તો લોકતંત્રની પાયાની બાબત છે, લોકશાહીનો પ્રાણ છે. મિસ્ટર નહેરાને કોણ સમજાવે કે કટોકટી વખતે નગર અમદાવાદના લોકસભા સભ્ય પુરુષોત્તમ માવળંકરે લોકસભામાં કટોકટી વિરોધી જે પ્રવચનો આપેલાં, તેના પુસ્તકનું નામ જ “નો, સર“ છે !

નાગરિકોને તેમની ફરજો યાદ કરાવતા અને પોતાની જવાબદારીઓ ભૂલી જતા કમિશનરસાહેબ, કોવિડ કેર સેન્ટર જે વિસ્તારોમાં શરૂ થાય છે તેની આસપાસના નાગરિકો તેનો વિરોધ કરે છે તેની પણ જિકર કરે છે. અને નાગરિકોને સહકાર આપવા, સંવેદનશીલ બનવા, નકારાત્મકતા છોડવા જણાવે છે. આપણે પૂછી શકીએ કે નાગરિકોને આ સ્થિતિમાં કે આવા ભયમાં મુકવા માટે જવાબદાર કોણ છે? સરકાર, તેના અધિકારીઓ અને તંત્રએ કોવિડ-૧૯ વિશે કરેલો પ્રચાર તો નથી ને? અમદાવાદના નાગરિકોને તેમનું કર્તવ્ય યાદ કરાવતા અધિકારીસાહેબે એ વાતનો પણ જવાબ આપવો જોઈતો હતો કે શહેરની મ્યુનિસિપલ હૉસ્પિટલોના, ખાસ તો એલ.જી. હૉસ્પિટલનાં ડૉક્ટરો અને સફાઈ કામદાર સહિતના આરોગ્યકર્મીઓએ તેમને સુરક્ષા ઉપકરણો નથી મળી રહ્યાં, તે માટે જાહેરમાં ધરણા દેખાવો કેમ કરવા પડ્યા છે? શું આ જ છે આપણી તૈયારી?

સરકારની ટીકા એટલે નકારાત્મકતા અને નાગરિકે મહામારીના સમયે ચૂપચાપ સરકારને સહકાર જ આપવાનો, કોઈ ટીકા નહીં કરવાની — એવું વલણ કદાચ નાગરિકફરજપ્રિય રાજકારણીનું હોઈ શકે. વરિષ્ઠ સનદી અધિકારીને તો એ ન જ શોભે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020

Loading

...102030...2,4392,4402,4412,442...2,4502,4602,470...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved