Opinion Magazine
Number of visits: 9966307
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિંદગી એક બાર ફિર મિલના, ઇસ દફા તુજ કો પ્યાર કર ના સકે તેરા દામન ખુશી સે ભર ના સકે, તુજ કો કહ ભી ના સકે હમ અપના

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 June 2020

કેટલાંક ગીતો ફિલ્મોનું અવિભાજ્ય અંગ હોય છે. એને ફિલ્મમાંથી દૂર કરો, તો ખૂન નીકળી આવે! કલ્પના કરો કે ઋષિકેશ મુખર્જીએ બનાવેલી રાજેશ ખન્નાની 'આનંદ' (૧૯૭૧) ફિલ્મમાંથી 'કહી દૂર જબ દિન ઢલ જાયે, સાંજ કી દુલ્હન બદન ચુરાયે …' કાઢી નાખીએ તો? કલ્પના અઘરી છે. આ ગીત 'આનંદ' ફિલ્મ અને રાજેશ ખન્નાના પાત્ર બંનેનો આત્મા છે. લીમ્ફોસરકોમા ઓફ ઇન્ટેસ્ટિનથી પીડાતા અને દર એક દિવસે મૃત્યુની નજક જતા નટખટ અને નખરાળા આનંદની હસતાં-હસતાં મરવાની જે દુવિધા છે, તે આ ગીતમાં ઝીલાઈ છે. કેન્સર જેવા ગંભીર અને હતાશ વિષય પર બનેલી 'આનંદ' સ્નેહ અને ઉમ્મીદની ફિલ્મ હતી, અને ગયા સપ્તાહે જેમનું ૭૭ વર્ષે અવસાન થયું, તે ગીતકાર યોગેશે બખૂબી એ ભાવને આ ગીતમાં ઢાળ્યો હતો. રાજેશ ખન્નાને એકવાર તેના ગમતાં ગીત વિષે પૂછવામાં આવેલું, ત્યારે તેણે મુકેશે સ્વરબદ્ધ કરેલા આ ગીતને યાદ કર્યું હતું.

ફિલ્મમાં આમ ખુશમિજાજી આનંદ અંદરથી ભયભીત છે અને અધૂરી ઉમ્મીદોથી નાસીપાસ છે, તે આ ગીતમાં પ્રગટ થાય છે. ફિલ્મમાં જેમ ડો. ભાસ્કર બેનર્જી(અમિતાભ બચ્ચન)ને આનંદની સકારાત્મકતા પર ચીડ ચઢે છે, તેમ દર્શકોને પણ સતત એવું લાગે છે કે આનંદ સુખી હોવાનો ઢોંગ કરી રહ્યો છે, અને તે નકલી ભાવ એટલો કઠે છે કે આનંદ જ્યારે 'કહી દૂર જબ દિન ઢલ જાયે …' ગાય છે, ત્યારે દર્શક તરીકે આપણને પણ એક પરિચિત દુઃખને અનુભવીને 'હાશકારો' થાય છે.

યોગેશ ગૌડ ૧૬ વર્ષની ઉંમરે લખનૌથી મુંબઈ નસીબ અજમાવવા આવેલા. તેમના પિતા ધાન સિંહ ગૌડ એન્જીનિયર હતા. યોગેશ કોલેજમાં હતા, ત્યારે જ પિતાનું અવસાન થઇ ગયું, અને ઘર ચલાવાની જવાબદારી યોગેશ પર આવી ગઈ. તેમનો એક કાકા-ભાઈ બજેન્દ્ર ગૌડ મુંબઈમાં પટકથા લેખક હતો, તેની તેમણે મદદ માગી, પણ એમાં ઉપેક્ષા થઇ એટલે યોગેશે જાતે જ કામ શોધવાનું ચાલુ કર્યું. તેમને કવિતાઓ લખવાનો શોખ હતો, અને એમાં તેમની મુલાકાત સંગીત નિર્દેશક રોબિન બેનર્જી સાથે થઇ, અને એક વર્ષ આંટાફેરા માર્યા પછી, ૧૯૬૨માં રોબિનજીની એક ફિલ્મ 'સખી રોબિન'માં તેમણે છ ગીતો લખ્યાં. તેનું એક ગીત 'તુમ જો આઓ તો પ્યાર આ જાયે' મન્નાડેના અવાજમાં લોકપ્રિય થયું. આ ફિલ્મમાં એક ગીતના ૨૫ રૂપિયા લેખે તેમને ૨૫૦ રૂપિયા મળ્યા હતા.

એ પછી છ-સાત વર્ષ સુધી યોગેશ નાની-નાની ફિલ્મોમાં ગીતો લખતા રહ્યા, પણ એમાં ખાસ ગજ ના વાગ્યો. તેમના ભાગ્યનું પાંદડું ફર્યું 'આનંદ' ફિલ્મથી. તેઓ ગાયક કલાકાર સવિતા બેનર્જી મારફતે સુપ્રસિદ્ધ સંગીતકાર સલિલ ચૌધરીના સંપર્કમાં આવ્યા (પાછળથી સવિતા અને સલિલ'દા પતિ-પત્ની બન્યાં હતાં). કવિ શૈલેન્દ્રનું અવસાન થયું હતું એટલે સલિલ ચૌધરી નવા ગીતકારની તલાશમાં હતા. તેમણે યોગેશ પાસે ગીતો લખાવ્યાં અને તેમને તે પસંદ આવ્યાં.

સલિલ'દાએ તે વખતે બાસુ ભટ્ટાચાર્યની એક ફિલ્મ માટે યોગેશ પાસે ત્રણ ગીતો લખાવ્યાં હતાં અને મુકેશના સ્વરમાં રેકોર્ડ કર્યા હતાં. બદનસીબે એ ફિલ્મ ના બની અને એલ.બી. લક્ષ્મણ નામના ફિલ્મ નિર્દેશકે (અનાડી, અસલી-નકલી, બુઢ્ઢા મિલ ગયા) એ ત્રણે ગીતો ખરીદી લીધાં. યોગેશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “દાદા(સલિલ ચૌધરી)એ મને એમના ઘરે બોલાવીને એક ધૂન આપી, અને કહ્યું કે ગીત બનાવ, અને પોતે ચાલવા જતા રહ્યા. એમાં હું ધૂન ભૂલી ગયો. હવે લખું કેવી રીતે? ડરનો માર્યો હું ત્યાંથી ભાગી છૂટ્યો અને બસ પકડવા જતો હતો કે મને ધૂન યાદ આવી. હું પાછો દાદાના ઘરે આવ્યો અને ગીત લખ્યું. દાદાને એ ગમી ગયું.”

ઋષિકેશ મુખર્જી ત્યારે 'આનંદ' ફિલ્મ બનાવી રહ્યા હતા અને તેમણે જ્યારે આ ગીતો સાંભળ્યા તે બે ગીતોથી બહુ પ્રભાવિત થયા. તેમને લાગ્યું કે આ ગીતોના બોલ, મુકેશનો અવાજ તેમના 'આનંદ' માટે એકદમ બંધબેસતો છે. તેમણે એલ.બી. લક્ષ્મણને કહ્યું કે મને આ બે ગીતો આપી દો. લક્ષ્મણે કહ્યું કે બે ના મળે! કોઈ એક પસંદ કરો. ઋષિકેશે એમાંથી જે ગીત પસંદ કર્યું તે 'કહી દૂર જબ દિન ઢલ જાયે …' બીજું ગીત લક્ષ્મણે જયા ભાદુરી-અનિલ ધવનની ફિલ્મ 'અન્નદાતા' (૧૯૭૨) લીધું; નૈના હમારે સાંજ સકારે, દેખેં લાખો સપને … સચ યે કહીં હોગે યા નહીં, કોઈ જાને ના યહાં

'કહી દૂર જબ દિન ઢલ જાયે …' ગીત યોગેશ માટે હુકમનો એક્કો સાબિત થયું. આમ બહુ સાધારણ ગીત હતું, પરંતુ 'આનંદ'ની અસાધારણ કહાનીના કારણે એમાં ચાર ચાંદ લાગી ગયા. પૂરા ગીતમાં હિરો આનંદ માત્ર એટલો જ ભાવ વ્યક્ત કરે છે કે તે કોઈકને ખૂબ જ યાદ કરી રહ્યો છે. કોને? ખબર નથી. છતાં વિરહનો એ ભાવ આ ગીતમાં સુંદર રીતે વ્યક્ત થાય છે; 'તભી મચલ કે, પ્યાર કે ચલ કે, છુએ કોઈ મુજે પર નજર ના આયે' અને 'કહીં તો યે, દિલ કભી, મિલ નહીં પાતે, કહીં સે નિકલ આયે, જનમો કે નાતે.'

મજાની વાત એ છે કે આ ફિલ્મ હિરોઈન વગરની છે. રાજેશ ખન્ના, જે સૌથી મોટો રોમેન્ટિક સુપરસ્ટાર હતો, તેની જે સળંગ ૧૭ હીટ ફિલ્મો આવી હતી, તેમાં 'આનંદ' તદ્દન બિન-રોમેન્ટિક હતી, અને છતાં તે બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ તેમ જ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એકટર, બેસ્ટ સપોર્ટીંગ એકટર, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ એડિટીંગ અને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ જીતી ગઈ હતી. રાજેશ ખન્ના તોતિંગ સ્ટાર તો હતો જ, પણ એક્ટરે ય ઉત્તમ હતો. એ ઋષિ'દા જેવા મધ્યમ-કક્ષાની, પણ અત્યંત સંવેદનશીલ ફિલ્મોના સર્જકો સાથે તેનું સ્ટારડમ પડતું મૂકીને ફિલ્મો કરતો હતો. ‘આનંદ’ ફિલ્મ તેણે માત્ર ૭ લાખમાં કરી હતી, જ્યારે તેની ફી પચીસેક લાખની આસપાસ હતી. એ જ કારણ હતું કે તેનો પસંદીદા ગાયક કિશોર કુમાર હતો, પણ ઋષિ'દાના કહેવાથી જ તેણે મુકેશનું આ ગીત ફિલ્મમાં લેવા દીધું હતું. આ એક ગીતમાં આનંદની વ્યથાની સાથે બાકીના પાત્રોના ભાવનાત્મક સંબંધનું ઊંડાણ છતું થઇ ગયું.

“જો દેખતા થા, જો જીતા થા, વોહી લિખા હૈ,” યોગેશે બે વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે …’ વ્યથાનું ગીત હતું અને યોગેશ તેમના ઘરની બાલ્કનીમાં બેસીને સૂર્યાસ્ત જોતા હતા, તેના અનુભવમાંથી તે આવ્યું હતું. એમણે કહ્યું હતું, “હું હંમેશાં મારી આજુબાજુના લોકો પર ગીતો લખતો હતો. એમનાથી દૂર જઈને કેવી રીતે લખું?” ‘આનંદ’માં તેમનું બીજું એક ગીત પણ મશહૂર થયું હતું, જે અત્યંત સરળ રીતે લખાયું હતું : જિંદગી કૈસી હૈં પહેલી, હાય .. કભી તો હંસાએ, કભી યે રુલાયે.

આ ગીત ફિલ્મની કહાનીનો હિસ્સો ન હતું. ઋષિ’દા તેને ફિલ્મના ટાઈટલ પડે, ત્યારે થીમ-સોંગ તરીકે બેકગ્રાઉન્ડમાં રાખવા માંગતા હતા. રાજેશ ખન્નાએ તે સાંભળ્યું, તો તેને એ બહુ ગમી ગયું અને તેણે ઋષિકેશ મુખર્જીને વિનંતી કરી કે આ ગીત માટે કહાનીમાં કોઈક પ્રસંગ ઊભો કરો, એટલા સરસ ગીતને આવી રીતે વેડફી ના દેવાય. તે વખતે ફિલ્મનો હિસ્સો ના હોય, તેવાં ગીતો રેડીઓ પર વાગતાં ન હતાં, એટલે રાજેશના હૈયામાં ફિલ્મની લોકપ્રિયતાની હિત પણ વસેલું હતું. એ સૂચનના આધારે ઋષિ’દાએ પ્રસંગ રચ્યો, જેમાં આનંદ દરિયા કિનારે મસ્તફકીરની જેમ ચાલે છે, આકાશમાં બલૂન ઊડે છે અને પાછળ આ ગીત વાગે છે : જિન્હોને સજાયે યહાં મેલે, સુખ-દુઃખ સંગ ઝેલે … વો હી ચુનકર ખામોશી, યું ચલ ગયે અકેલે, કહાં? ફિલ્મનો જે ભાવ હતો, તે આ ગીતમાં પણ ઝીલાયો હતો. ફિલ્મમાં જોની વોકરનું પાત્ર મુરારી લાલ ઉર્ફે ઈસાભાઈ સુરતવાલા કહે છે, “મરતે મરતે ચેલા ગુરુ કો જીના સીખા ગયા. દુઃખ અપને લિયે રખ, આનંદ સબ કે લિયે.”

ઋષિકેશ મુખર્જીએ એક જાપાનીસ ફિલ્મ જોઈ હતી અને તેમને તેની વિષયવસ્તુ એટલી પસંદ આવી કે તેમણે તેના આધારે ‘આનંદ’ જ નહીં, જયા ભાદુરીને કેન્દ્રમાં રાખીને ૧૯૭૫માં ‘મિલી’ બનાવી હતી. ‘મિલી’માં પણ યોગેશ સર્વકાલીન મધુર ગીત લઈને આવ્યા, જેમાં હીરો શેખર દયાલ(અમિતાભ બચ્ચન)ની એકલતા અને ખુદનું જ અજાણ્યાપણું છલોછલ બહાર આવ્યું હતું : બડી સુની સુની હૈ, જિંદગી યેહ જિંદગી, મેં ખુદ સે યહાં, અજનબી અજનબી. તેને યોગાનુયોગ કહેવાય કે શું કહેવાય તે ખબર નથી, પણ બંને ફિલ્મોમાં ભાવનાત્મક રીતે ચકનાચૂર થઇ ગયેલા અમિતાભને આનંદ અને મિલી ઠંડક પહોંચાડે છે. અમિતાભની એ અતિસંવેદનશીલતા જ તેને સુપરસ્ટારડમ તરફ લઇ ગઈ.

યોગેશનાં શ્રેષ્ઠ દસ ગીતોની યાદી બને, તો ઉપર જે વાતો કરી, તે ત્રણ ગીતો પહેલા ત્રણ નંબરે આવે. બાકીનાં સાત આ પ્રમાણે છે :

૪. રિમ ઝિમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન … ભીગે આજ ઇસ મૌસમ મેં, લાગી કૈસી એ અગન (મંઝિલ)

૫. રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેકે યુહી જીવન મેં … જૈસે મહેકે પ્રિત પિયા કી, મેરે અનુરાગી મન મેં (રજનીગંધા)

૬. જાનેમન જાનેમન તેરે દો નયન, ચોરી ચોરી લેકે ગયે દેખો મેરા મન (છોટી સી બાત)

૭. ન બોલે તુમ, ન મૈને કુછ કહા, મગર ન જાને એસા કયું લગા (બાતો બાતો મેં)

૮. મૈને કહા ફૂલો સે, હંસો તો વો ખિલ ખિલા કે હંસ દિયે (મિલી)

૯. ઊઠે સબ કે કદમ, તરા રમ-પમ-પમ, અજી એસે ગીત ગાયા કરો (બાતો બાતો મેં)

૧૦. કોઈ રોકો ના, દીવાને કો, મન મચલ રહ, કુછ ગાને કો (પ્રિયતમા)

… અને છેલ્લે યોગેશના એક બિન–ફિલ્મી ગીતના શબ્દો, જે કદાચ તેમની સંઘર્ષપૂર્ણ ફિલ્મ કારકિર્દીનું પ્રતિક છે :

જિંદગી એક બાર ફિર મિલના, ઇસ દફા તુજ કો પ્યાર કર ના સકે

તેરા દામન ખુશી સે ભર ના સકે, તુજ કો કહ ભી ના સકે હમ અપના

પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2020

Loading

કડવીબેનનું ગીત

રાધિકા પટેલ|Poetry|26 June 2020

'કડવી' તે લીમડાની ડાળ;
સાચ-સાચ બોલવાની જીદે મૂકી છે કડવીની જીભે જંજાળ,
'કડવી' તે લીમડાની ડાળ …

સીધા ઉતારીને લાવી છે ઝાડથી, તાજાં છે 'કડવી'નાં વેણ;
ના ચાખ્યા, ના જોખ્યા, ના બાંધ્યા, ના સાંધ્યા કે 'કડવી'ને આવડે ન રેણ.
ઊંડું હોય પાતર તો ઝીલી પણ લે, એક છીછોરાએ દઈ દીધી ગાળ,
'કડવી' તે લીમડાની ડાળ …

'કડવી'ના બોલને મોહરાં, મુખોટાં, ના પહેરાવ્યાં કોઇદી'યે વાઘા;
છતરાયા ચાલે છે પળકોરાં કડવીથી, ખીદમતિયાં આઘા ને આઘા.
'કડવી' તો સાવેય ઊઘાડો અરીસો કે શાણાંઓ રાખે સંભાળ,
'કડવી' તે લીમડાની ડાળ ..

ઠળયાવી ચોકલેટું વેચી-વેચીને,આજ તગડાં થયા છે કંદોઈ;
પડઘામાં પથરાં લઇ પાછી ફરી છે આ 'કડવી' છે કરમી કળોઈ.
'કડવી'ની કથનીનો આવે ના પાર, એની જીભે બેઠો છે વેતાળ,
'કડવી' તે લીમડાની ડાળ ..

e.mail radhikapatel1976@yahoo.com

Loading

અશાંત મૌન

અશોક ચાવડા ‘બેદિલ’|Poetry|26 June 2020

શું શાંત?
હા, હું શાંત …
પણ તું …
બોલ ને તું …
કેમ તું શાંત?
નથી – ગોડફાધર, ગોડમધર કે ગોડબ્રધર
નથી – રંગબેરંગી પાઘડી, પાલવ કે ફીધર
સાચે જ સઘળું શું શાંત હોય છે?
અહીં પણ શું કાસ્ટિંગ કાઉચ હોય છે?
કાવ્યમહોર પહેલાં મીઠું આઉચ હોય છે!
કવિતામાં ભલી વાર ન હોય
પણ પૂંઠ પર ગ્રાન્ટેડનો થપ્પો જોઈએ ગાંધીનો
‘પ્રસ્તાવ’ ના હોય તો ‘પરિતોષ’ ના હોય આંધીનો
પરિતોષક પંપાળે પારિતોષિક સુધી.
કવિતા દેવી
કવિતા લેવી
કવિતા કહેવી
કવિતા સહેવી
મુદ્દામાં ચર્ચાય
મુદ્રામાં વેચાય
કવિતાનું એવું કદી કળી ખીલે કદી ફૂટે પાન
કોઈને પ લખી
કોઈને પા લખી
કોઈને પિ લખી
કોઈને પી લખી
એમ બારાક્ષર બસ લખી લખીને
ખીલે ને ખીલે બંધાય
શાહીમાં લોહી ગંધાય
એ પછી મનગમતો ઢાળ
એ પછી થનગનતી જંજાળ
કોને કોને કહેવું કે જરા સંભાળ
હાક થૂ … આવું હોવું કેવળ ગાળ
કવિની પેઢી કવિ જ ન હોય હંમેશાં
કવિને સીધી લીટીનો સદા ન હોય વારસદાર
પણ કવિને આકા હોય
કોઈને કાકી કે કાકા હોય
અને એ હોવાનાં ફાંકા હોય
અરે, કોઈ કોઈને તો ગજાં મુજબનાં ઉપવસ્ત્રનાં તાકા હોય
મંચ મુજબનાં, લંચ મુજબનાં, પ્રપંચ મુજબનાં
એક એવું વર્તુળ જેમાં ઘૂસ્યા કે બધું ધૂળ ધૂળ ધૂળ
હા, ધોળામાં ય ધૂળ પડે કે
કદી એટલે ઊંડું મૂળ સડે કે
ઓલ્યું આનંદ બક્ષીએ કહ્યું છે ને …
‘બાહર સે કોઈ અંદર ન જા સકે
અંદર સે કોઈ બાહર ન જા સકે’
કરવત ક્યાં જઈ મેલાવું તો જવાબ : કાશી
અવૉર્ડ કોને અલાવું તો ગુલાબ : માશી
જવાબ ઉત્તર
મૂતર મૂતર
કોઠાકબાડા છૂમંતર
બસ …
એવું જ કંઈ ચાલે છે હે ભ્રમિતા દેવી
સરસ્વતીજીનાં સાધકો અને લક્ષ્મીજીનાં આરાધકો વચ્ચે
કોઈ ચાલી રમે કે કોઈ દોટી રમે
કોઈ લખોટે રમે કે કોઈ લખોટી રમે
પણ રમે રમલમાં
આગવા અમલમાં
મંદાક્રાંતામાં
ધોમધખતા તડકામાં
મંદ મંદ શાતામાં
જેવી જેની હોંશ
જેવી જેની પહોંચ
બસ હોંચી હોંચી હોંચી
વારફરતી પડાવવાનું ઘોંચી
ઉંમરનાં ઊગતા પડાવે
ઉંમરનાં ઢળતા પડાવે
બસ પડાવે
કોઈને કોઈ પડાવે
કોઈને એકાવન અની
કોઈને બાવન બની
કોઈને ત્રેપન કની
મળતી રહે છે બેઠક
કોણ કોની કઠપૂતળી
કોની દોરી કોનાં હાથમાં
કોણ કોનાં સાથમાં
કોણ કોની બાથમાં
સાલ્લા, સવાલો … સવાલો … સવાલો …
કોણ કોનો દવલો ને કોણ કોનો વહાલો …
ખૈર,
શબ્દખાસડાંને થીંગડાં મારીમારીને સાંધી રાખવાના
કોઈને ખુલ્લા ઢાંકવાના તો કોઈને બાંધી ચાખવાના
અને રાહ જોયા કરવાની મૂર્ધન્ય શબ્દગીધની
જે ચૂંથે રાખે કવનશવ અંતિમ વસ્ત્રાહરણ સુધી
હવે
તું શાંત!
હું શાંત!
શું શાંત?

(‘અશ્કાનાં ચપ્પાં’, કટાક્ષકવિતાસંગ્રહ, પ્રકાશ્ય)

https://www.facebook.com/ashokchavdabedil/posts/3345700685454066

Loading

...102030...2,4102,4112,4122,413...2,4202,4302,440...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved