ઘરમાં નહોતું
મૂઠી ધાન
તો
મા ઉકાળતી રહી
હાંડલીમાં પથરા
કલાકોના કલાકો
ચૂલા પર હાંડલી જોઈને
સમજી ગયાં છોકરાં
ને સૂઈ ગયાં
ભૂલીને ભૂખ
•
માથે પોટલાં
ને કાંખમાં છોકરાં
પેટમાં ભૂખ
ને ગળામાં શોષ
આંખમાં આંસુ ને લાચાર હાથ
આટલો આટલો બોજ ઊંચકીને
ભાગ્યા છે અમે ઘર ભણી
બહુ દૂર છે
ધરતીનો છેડો
ને પગમાંથી વહે છે
લોહીની ધાર
અમે તો આવ્યા હતા
રળવા રોટલો
પણ દઈ દીધી અમને
દુનિયા આખીની પીડા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20/21 મે 2020
![]()


આટલું સૂમસામ અમદાવાદ મેં ક્યારે ય નથી જોયું. ૨૦૦૨ના દિવસો તો મારા શાળાજીવનના દિવસો હતા અને મારુ ઘર તોફાનરહિત વિસ્તારમાં. એટલે આવી સ્મશાનવત્ શાંતિ પહેલાં ન તો ક્યારે ય જોઈ છે, ન અનુભવી છે. આજે બપોરે બધું કામ આટોપીને રાશનનો જરૂરી સામાન લેવા માટે હું નીકળી. આખો આશ્રમરોડ સૂમસામ ભાસતો હતો. સૂસવાટા મારતી ગરમ હવા, ઇન્કમટૅક્સ ફ્લાયઓવર નીચે બેઠેલા કેટલાક ઘરવિહોણા લોકો અને વાહનોની છૂટક અવરજવર સિવાય બીજા કશાનું અસ્તિત્વ નહોતું. હું સડસડાટ જઈ રહી હતી, ત્યાં કોઈ બૅન્ક કર્મચારી જેવાં લાગતાં બહેન ચાલતાં જતાં હતાં. પહેલાં તો સહેજ હું આગળ વધી ગઈ, પણ પછી તરત જ પાછળ વળીને એ બહેનને પૂછ્યું કે, ‘હું તમને કઈ મદદ કરી શકું?’ બહેને મારા ગળામાં લટકાવેલો લૉક ડાઉનનો પાસ જોઈને હસીને પ્રમાણિકતાથી કહ્યું કે, 'તમે તો બહાર ફરતા હશો, એટલે હું તમારી પાછળ ના બેસી શકું.' આટલા દિવસથી મને ઘણું બધું સમજાવવા લાગ્યું હતું. હું પણ હસીને મારા રસ્તે આગળ વધી.
હવે થોડા દા’ડા અને આપણા વીરનાયક એમની બીજી રાષ્ટ્રીય પારીનું પહેલું વરસ પૂરું કરશે. સામાન્ય સંજોગોમાં આઠદસ દિવસ અગાઉ તામઝામ ડિમડિમથી માહોલ ગાજી ઊઠ્યો હોત. હજુ પણ એમ બની શકે, સિવાય કે કોરોનાવશ મલાજો જાળવવાનો વિવેક સૂઝ્યો હોય. બલકે, બને કે, કોરોનાસુર નાથ્યાના અવાજો સાથે એન્ટ્રીનો આઇડિયો હોય.