Opinion Magazine
Number of visits: 9681407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મજૂરવિરોધી માનસિકતાનું બેશરમ પ્રદર્શન

ભરત મહેતા|Opinion - Opinion|22 May 2020

વિશ્વભરમાં જે જે  દેશોમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે ત્યાં સરકારોએ કેવળ અને કેવળ ધ્યાન કોરોના પર કેન્દ્રિત કર્યું છે. કઈ રીતે સંક્રમણને અટકાવવું, કઈ રીતે આરોગ્યની સુવિધાઓ ઊભી કરવી વગેરે વગેરે. અહીં પણ હજુ અમદાવાદના આંકડા ચોંકાવનારા છે. છતાં સરકાર જાણે કોરોનાકેન્દ્રિત નથી. લૉકડાઉન સિવાય ઉપાય સૂઝતો નથી.

એકાએક સરકારે પોતાની નિષ્ફળતાને ઢાંકવા રૂ. ૨૦ લાખ કરોડનો શોરગુલ શરૂ કર્યો છે. હજુ આ ઓછું હોય તેમ ભાજપે જાણે શું ધાડ મારી છે તેમ 'છ સાલ બેમિસાલ'નો કાર્યક્રમ કરવાની છે ! એમને પ્રચાર વગર ચાલતું નથી. તે એમનો પ્રાણવાયુ છે. આ રૂ. ૨૦ લાખ કરોડના શોરબકોર વચાળે જ કેન્દ્ર સરકારે મહત્ત્વનાં નવ ક્ષેત્રોનું ખાનગીકરણ જાહેર કર્યું ! ‘દેશને વેચવા નહીં દઉં’ની ગુલબાંગો કરનાર વડાપ્રધાને છ સાલમાં એવાં બેમિસાલ કાર્યો કર્યાં છે કે દેશ ખરેખર વેચાઈ ચૂક્યો છે. બાકી, GDP.ની આ હાલત ન હોત કે બેરોજગારીની ચરમસીમા ન હોત, જો તેમણે ખરેખર 'ભાઈઓ-બહેનો' માટે કામ કર્યું હોત તો. તેમનાં ભાઈઓ-બહેનો જુદાં છે. ભા.જ.પ.નાં સાથી સંગઠનો નાનાં-મોટાં ઘણાં છે. નવાં નવાં ઊભાં પણ થાય છે. જેમ કે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ABVP (વિદ્યાર્થી સંગઠન). RSSની આંખો – ભા.જ.પ. અને ભારતીય મજદૂર સંઘ (BMS).

BMSના મહાસચિવ બ્રિજેશ ઉપાધ્યાયે નવ ક્ષેત્રોના ખાનગીકરણને 'હિન્દુસ્તાનના ઇતિહાસનો સૌથી કાળો દિવસ' ગણાવ્યો છે. આ ક્ષેત્રો મહત્ત્વનાં છે. જેમ કે કોલસો, વીજળી. વડાપ્રધાનનું વશીકરણ આપણા મધ્યમ વર્ગ પર એટલું છે કે કોલસાની દલાલીમાં ય એમના હાથ કાળા નથી થયા! બીજી વાત, કંપનીઓએ કહ્યું કે આ ક્ષેત્રો અમે લઈએ, પણ અમારી પાસે પૂરતા પૈસા નથી, સરકાર મદદ કરે ! સરકાર પેલા રૂ.૨૦ લાખ કરોડમાંથી ૯૦ હજાર કરોડ ખાનગી કંપનીઓને આ ક્ષેત્રો સંભાળવા માટે સહાય તરીકે આપશે! જે સરકાર પાસે આરોગ્યકર્મીઓ માટે PPE કીટ નથી, માસ્ક નથી, મજૂરોને વતન પહોંચાડવાની સુવિધા નથી, એ ખાનગી કંપનીને રૂ. ૯૦ હજાર કરોડ આપતાં અચકાતી નથી. આને કહેવાય, મોદી હૈ તો મુમકિન હૈ. હંમેશાં રાષ્ટ્રવાદ અને વંદે માતરમ્ બોલ્યા કરતા RSSના કાર્યકરોની તાકાત છે કે મોદીના આ દેશ વેચવાના કામને પડકારે? એમણે એવું ક્યારે ય નથી કર્યું. તેથી એમનો રાષ્ટ્રવાદ રામમંદિર, ગૌહત્યા કે 370 પૂરતો છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારીથી વંચિત સમુદાય માટે એમણે પણ કંઈ કરવું નથી.

ભારતીય મજદૂર સંઘે મોદીને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી. મહેનતનું ફળ આજે એ મળ્યું કે મોદી સરકારના આ નિર્ણયને બ્રિજેશ ઉપાધ્યાયે હિન્દુસ્તાનના ઇતિહાસનો કાળો દિવસ કહેવો પડ્યો. આ નવ ક્ષેત્રોનું ખાનગીકરણ મજૂરોની સ્થિતિ વિકટ બનાવશે.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ કહ્યું કે પ્રત્યેક નાગરિકને રૂ. સાત હજાર આપો. રઘુરામ રાજન કે કૉંગ્રેસ રૂ. ૭,૫૦૦ આપવા કહે છે. આ રૂપિયા આપે તો પણ કુલ રૂ. ૬૫ હજાર કરોડ થાય. પણ એની તૈયારી નથી. મુઠ્ઠીભર કંપનીઓને ૯૦ હજાર કરોડ આપી શકાય છે. તેથી સમજી ભા.જ.પ.ના મજદૂર સંગઠને પણ સમજી લેવું જોઈએ કે વડાપ્રધાનની પ્રતિબદ્ધતા અને અગ્રીમતામાં મજૂર નથી. આમ પણ, મોદી સરકારના છ વર્ષના ગાળામાં મજૂરોની ચિંતા ક્યારે ય કરવામાં આવી નથી. જેની પરાકાષ્ઠા આપણને કોરોનામાં જોવા મળી. એક તરફ મધ્યમ વર્ગ થાળી-તાળી વગાડતો, દીવા પેટાવતો સરકાર સાથે સૂર મિલાવતો હતો ત્યારે મજૂરો ઠેર ઠેર લૉક ડાઉનનો છડેચોક વિરોધ કરતા હતા. સ્વયંભૂ ટોળેટોળાં નીકળ્યાં હતાં. તેમણે સૂત્રોચ્ચાર નથી કર્યા, દેખાવો નથી કર્યા કોઈની નેતાગીરી વગર, એ લોકો બસ નીકળી પડ્યા હતા. સરકારની હૃદયહીન નીતિને આ ચેતવણી છે. પોલીસ સાથે સંઘર્ષ થયો. કયાંક આ દૃશ્યો જોતાં કાશ્મીર યાદ આવી જાય. પોલીસની અડચણ કે લાઠીઓ ખાવા છતાં મજૂરો નીકળી પડ્યા. મૃત્યુની ખબરો, કંપાવી દેતી વણઝારો, માર્ગ અકસ્માતમાં માતા-પિતા મૃત્યુ પામે અને બાજુમાં બાળકો ટળવળે. ટ્રેનો બંધ હોવાને કારણે ચાલતાં ચાલતાં થાકીપાકીને પાટા પર સૂતેલાં હોય અને ગુડ્ઝ ટ્રેન ફરી વળે! એમના માટે એક હરફ સરખો ય નહીં અને પેલી પા રૂ. ૯૦ હજાર! મોદી સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થવા માટે હજુ વધારે શું થવું જોઈએ?

દેશમાં 60 લાખ અસંગઠિત મજૂરો છે. આ વીસ લાખ કરોડની માફક જ મોદી સરકારના છ બજેટમાં આ અસંગઠિત મજૂરો માટે એક રૂપિયો પણ ફાળવવામાં નથી આવ્યો. રામની વાતો કરનારાને 'તુલસી હાય ગરીબકી કબહુ ખાલી ન જાય' એ યાદ નથી આવતું. અરે! આટલી પીડાથી ટોળેટોળાં નીકળી પડયાં ત્યારે એમની સાથે વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, સાંસદ કે ધારાસભ્ય વાત કરવા સુદ્ધાં નથી ગયા! એમની સહાનુભૂતિમાં ટ્વીટરપ્રેમી વડાપ્રધાને ટ્વીટ પણ નથી કર્યું.

આ ભાગદોડમાં આશરે છસો મજૂરો મરી ગયા છે. આ કુરબાની કોરોનાએ ભરખી લીધેલાં નાગરિકો જેટલી જ થઈ જશે? આ મોત સરકારની મજૂરવિરોધી નીતિનું પરિણામ ગણાશે. મોદી સરકારની એ મહાન સિદ્ધિ છે કે એમની મોહિનીથી ગ્રસ્ત મધ્યમ વર્ગનાં ઘણાંને મજૂરોનાં દૃશ્યો ઝાઝાં વિચલિત નથી કરતા. એ હજુ મજૂરના પક્ષે નહીં, સરકારના પક્ષે  બોલે છે. શું કામ જવું છે વતન? શું કામ રેલવેના પાટા પર સુઈ ગયા? તેમના માટે મોદી સરકારના નિર્ણયો 'આખરી' ગણાય છે. શિક્ષિતો એનું વિશ્લેષણ કરવામાં માનતા નથી ! મજૂર, કિસાન, આદિવાસી, દલિત અને લઘુમતીની પીડાનું આપણને ન દેખાવું  એ નરેન્દ્ર મોદીની અસાધારણ સફળતા છે.

માસ્ક લગાવવો, અંતર જાળવો, હાથ ધુઓ, ફૂલ વરસાવો, સિવિલનાં દૃશ્યો ન જુઓ, વેચાઈ જતો દેશ ન જુઓ, રિબાતો મજૂર ન જુઓ … આશા રાખીએ કે કોરોનાના ચેપની જેમ આ મોહિનીમાંથી પણ મધ્યમ વર્ગ સવેળા બહાર નીકળે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020

Loading

‘બીમારી હવાઈ જહાજોંસે આઈ, સડક પર ભૂખે હમ ઘૂમ રહે હૈં’

કબીર અગરવાલ|Opinion - Opinion|22 May 2020

કોરોનાની હૃદયદ્રાવક કથાઓ

કેશવકુમારે 16 કલાક પહેલાં ખાધું હતું: ‘એક દયાળુ માણસે અમને શાક-રોટલી આપ્યાં.’ પછી કેશવ એના જેવા બીજા પંદર જણની સાથે 26 માર્ચના બુધવારની મધરાતે દોઢસો કિલોમીટર દૂર આવેલા તેના ઘર તરફ ચાલી નીકળ્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનાં બધાં સાધનો બંધ હતાં.

ગુરુવારે બપોરે મેરઠના ખાલીખમ બસ સ્ટૅન્ડે બેસીને એ કહેતો હતો, ‘અમે બધાં અમારા વતન ભોજપુર જઈ રહ્યાં છીએ. અત્યાર સુધી 60 કિલોમીટર ચાલ્યાં, હજુ 90 કિલોમીટર બાકી છે.’ ભોજપુર ઉત્તર પ્રદેશની પશ્ચિમે આવેલાં બિજનોર જિલ્લાનું નાનકડું ગામ છે.

કેશવકુમાર અને તેના સાથીઓ ચારસો રૂપિયાના રોજ પર નોઇડાના મામુરા ખાતે બાંધકામ મજૂરી કરે છે. લૉક ડાઉન જાહેર થયું એ વખતે તો કેશવ અને તેના સાથીઓએ ઘરે પાછા ફરવાનું વિચાર્યું ન હતું. એક સાથી વિપિનકુમારે કહ્યું, ‘અમને કહેવામાં આવ્યું હતું કે 31 માર્ચે બધું પાટે ચડી જશે. પણ જ્યારે મોદીએ જાહેર કર્યું કે ત્રણ અઠવાડિયાં માટે બધું બંધ રહેવાનું છે, ત્યારે અમારા કૉન્ટ્રાક્ટરે અમને કહ્યું કે હવે કામ નથી.’

કામ નહીં એટલે કે પગાર નહીં, અને પગાર નહીં એટલે ખાવાનું નહીં. આ જૂથે મામુરાની સાઇટ પરનું કામ હજુ હમણાં, 16 માર્ચે તો ચાલુ કર્યું હતું. વિપિને ઉમેર્યું, ‘એ કામની અમને જે મજૂરી મળી એ તો અમે 22 માર્ચ પછી ખાવા માટે ખરચી નાખી. હવે અમારા પંદરેય જણની પાસે થઈને કુલ પાંચસો રૂપિયા બચ્યા છે. મારી પાસે બે રસ્તા હતા. કાં તો નોઈડામાં ભૂખ્યા મરવું અથવા તો ચાલતાં ચાલતાં ઘરે પહોંચી જવું.’

એક અંદાજ મુજબ ભારતનાં 46.5 કરોડ શ્રમિકોમાંથી 12 કરોડ શ્રમિકો  સ્થળાંતરિત મજૂરો છે. એમાંથી હવે લાખો તેમના ઘરે પહોંચવા માટે પગપાળા ચાલી નીકળ્યાં છે. તેઓ કોરોનાનો ભોગ બને અને તેનો ચેપ તેમનાં ગામોમાં બીજાંને લગાડે એવું જોખમ છે. એ લોકો ભૂખનો ભોગ બને એ પણ બહુ જ બનવાજોગ છે. 

બપોરે હું મેરઠ પાસેનાં મોહિનુદ્દિનપુરમાં પાંચ પ્રવાસી મજૂરોના બીજા એક જૂથને મળ્યો. તેઓ નોઇડાથી 170 કિલોમીટર ચાલીને નાજીબાબાદનાં તેમનાં ઘરે પહોંચવાના છે. તેમાંથી ભોલેકુમાર પૂછે છે, ‘અહીં ખાવાનું ક્યાં મળશે?’ પાંચસો રૂપિયા રોજ કમાનાર બાંધકામ મજૂર ભોલાએ પણ બુધવારની રાતથી ચાલવાનું શરૂ કર્યું છે. જો કે મોહિનુઉદ્દિનપુરમાં એ જ્ગ્યાએ આમ તો ખાવાપીવાની લારીઓ હોય, પણ અત્યારે લૉક ડાઉનમાં બધું જ બંધ છે. એટલે ભોલે કહે છે : ‘કોરોના સે પેહેલે ભૂખ માર દેગી.’

મને મળેલા બીજા એક કામદારોના જૂથને નસીબજોગે એક ફળવાળા પાસેથી કેળાં મળ્યાં છે. એ છ જણની વચ્ચે થઈને કુલ ત્રણસો રૂપિયા છે, જે તેમણે છેક સુધી ચલાવવાના છે. આ કામદારો પગપાળા ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે દેશનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામન્‌ ગરીબોને આજીવિકાની આફતમાંથી ઊગારવા માટેનું રાહત પૅકેજ જાહેર કરી રહ્યાં હતાં. જો કે ભોલેને સરકાર પાસેથી કોઈ મોટી અપેક્ષા નથી, ‘એ લોકો અમારા માટે શું કરવાનાં? એમણે ગરીબો માટે ક્યારે ય કંઈ કર્યું છે ખરું ?’ ‘બીમારી હવાઈ જહાજોંસે આઈ હૈ, હમ તો લાયે નહીં, પર સડક પર ભૂખે હમ ઘૂમ રહે હૈં.’

ઉત્તર પ્રદેશની સરકાર રાજ્યના 20.37 લાખ બાંધકામ મજૂરોના ખાતામાં એક-એક હજાર રૂપિયા જમા કરશે, શરત એ કે મજૂર એ શ્રમવિભાગ પાસે નોંધાયેલો હોવો જોઈએ. ભોલેના જૂથમાં માત્ર એના જ ખાતામાં પૈસા જમા થાય એમ છે, બાકીનાએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જો કે ભોલેને ય કંઈ બહુ સુખ નથી, ‘આમે ય હજાર રૂપિયા શું છે? મેં આમેય દસ દિવસની મજૂરી ગુમાવી જ છે, કારણ કે કૉન્ટ્રાક્ટરે મને એ દિવસોની મજૂરી આપવાની ના પાડી. અને હું એની પાસે વધુ દિવસ ઉઘરાણી માટે શહેરમાં રોકાઈ શકું એમ હતું જ નહીં, મજૂરી ન મળે, ઘરે પણ ન જવાય અને ભૂખે મરવું પડે!’ મેરઠથી ત્રીસેક કિલોમીટર દૂર દિલ્હી-દેહરાદૂન ધોરી માર્ગ પર સાકોટી ગામે બાંધકામ મજૂરોનું ગાઝિયાબાદથી નીકળેલું એક જૂથ મળે છે. તેમને મુઝફ્ફરનગર પાસે આવેલાં સિસોના ગામે પહોંચવા માટે હજુ સો કિલોમીટર ચાલવાનું છે. એ લોકો નામ નહીં લખવાની વિનંતી કરે છે : ‘અમે મુસ્લિમ છીએ અને કોઈ આફત વહોરવા માગતા નથી.’

હું આ કામદારો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે નાણાંમંત્રીએ આર્થિક સહાયનાં પૅકેજની જાહેરાત પૂરી કરી. તે મુજબ મહાત્મા ગાંધી નૅશનલ રુરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરેન્ટી ઍક્ટ (મનરેગા) હેઠળ દરેક રોજમદારના રોજમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પણ એક મજૂર પૂછે છે, ‘બધું જ બંધ હોય ત્યારે મનરેગા હેઠળે ય કામ ક્યાંથી હોવાનું? … આમ પણ, અમને આશા નથી કે સરકાર અમારા માટે કંઈ કરે. એ અમારા માટે નથી, એ તો પૈસાદારો માટે છે.’

શહેરમાં અટવાયેલાં કે સેંકડો કિલોમીટર પર આવેલાં ઘરે જવા માટે માટે પગે ચાલી નીકળેલા શ્રમજીવીઓને ખાવા માટે અને પાણી માટે મોટે ભાગે સમાજસેવી જૂથોનો સહારો લેવો પડે છે. સરકારે હિજરતી મજૂરો માટે  ક્યાં ય સમૂહ રસોડા કે આશ્રયસ્થાનો શરૂ કર્યાં નથી.

મેરઠના બસ ડૅપોની ભોંય પર બાવીસ વર્ષનો ગૌરવ અને સોળ વર્ષનો વિષ્ણુ આડા પડ્યા  છે. ગૌરવને ગાઝિયાબાદ-મેરઠ વચ્ચે ફેરી કરતી ખાનગી બસના ડ્રાઇવર તરીકે રોજના છસો રૂપિયા મળતા હતા. તેનાથી અરધો પગાર ક્લીનર વિષ્ણુને મળે છે. બંનેનો પગાર 24 માર્ચથી બંધ છે, ખાવાનું નથી અને તેઓ બસ ડૅપોમાં અટવાયેલા છે. ચોવીસ કલાક પહેલાં પોલીસે તેમને પૂરી-શાક ખવડાવ્યાં હતાં, ત્યાર પછી તેમણે ખાવાનું ભાળ્યું નથી. ગૌરવ કહે છે : ‘અમારું વતન બુલંદશહર અહીંથી સિત્તેર કિલોમીટર છે. હું ચાલી નાખવાનું વિચારું છું, પણ આ વિષ્ણુ નાનો છે એટલે કદાચ એ છેક સુધી ચાલી ન શકે તો શું કરવું?’

[“ધ વાયર”; અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020

Loading

કોરોના સામે મુકાબલામાં સરકારી કામગીરીનું સરવૈયું

યોગેન્દ્ર યાદવ|Opinion - Opinion|22 May 2020

આરોગ્ય અને અર્થતંત્રની અભૂતપૂર્વ આફતના બે મહિના પછી, હવે નરેન્દ્ર મોદી સરકારે આ મુસીબતોનો કેવો સામનો કર્યો, તેનું સરવૈયું કાઢવાનો સમય છે. સરકારને ન્યાય ખાતર કહેવું જોઈએ કે વડાપ્રધાન મોદીએ પહેલા લૉક ડાઉનની જાહેરાત કરી ત્યારે અયોગ્ય સમય, અપૂરતી તૈયારીઓ અને અસ્પષ્ટ સંદેશને લગતી મર્યાદાઓ છતાં મેં લૉક ડાઉનનું સમર્થન કર્યું હતું. તેમાં અનિર્ણાયકતા કે વિલંબે આપણી હાલતને વધુ ખરાબ કરી હોત. હવે જોતાં સમજાય છે કે પ્રતિભાવ આપવામાં આપણે મોડા જ હતા. છતાં એ બાબતે સરકારને દોષ દેવાનું યોગ્ય નથી. ત્યારે કોરોના અંગે વૈશ્વિક જાણકારી અને જાગૃતિ એવાં ન હતાં (કે જેથી લૉક ડાઉનમાં વિલંબ કરવા બદલ સરકારને દોષ દઈ શકાય). એવું પણ લાગે છે કે આપણે ઘણા દેશો કરતાં વહેલા જાગ્યા.

આજે ફેલાયેલી અરાજકતાનો બધો દોષ મોદી સરકારના માથે ઢોળી દેવાનું પણ યોગ્ય નથી. અણધારી આવી પડેલી મહામારીથી વ્યવસ્થિતમાં વ્યવસ્થિત જગ્યાએ પણ અંધાધૂંધી મચે. ભારતની નબળી આરોગ્ય પ્રણાલી અને એવી જ તૈયારીઓ જોતાં આપણે ત્યાં તો હાલત ખરાબ જ થાય. માટે, આ મુદ્દે સરકારની ટીકા શું આગોતરું જોઈ શકાયું હોત અને આપણી પરિસ્થિતિની વચ્ચે રહીને શું સિદ્ધ કરી શકાયું હોત, તેને ધ્યાનમાં રાખીને જ થઈ શકે. તેમાં પ્રામાણિક ભૂલોને પૂરતો અવકાશ હોય. આવા પ્રકારની કટોકટીમાં સારામાં સારા નેતા પણ નિર્ણય લેવામાં ગોથું ખાઈ શકે. તેમની ટીકા પણ થઈ શકે. પરંતુ પ્રામાણિક ભૂલો માટે તેમને ઝાટકી ન શકાય.

ખેદની વાત છે કે આટલા વાજબી માપદંડ રાખ્યા પછી પણ તારણ તો એ જ નીકળે છે કે મોદી સરકાર ભારત માટે અણીના વખતે બોદી સરકાર નીવડી છે. આરોગ્ય-કટોકટીનો મુકાબલો કરવામાં સરકારને સાંધા જડતા નથી, તેનાં આર્થિક પરિણામો સાથે પનારો પાડવામાં તે અક્ષમ અને માનવીય કટોકટીની સંભાળ લેવામાં જડ-અસંવેદનશીલ પુરવાર થઈ છે.

પહેલાં આરોગ્ય-કટોકટીની વાત કરીએ. મહામારી સાથે કામ પાડવામાં શરૂઆતના તબક્કે વડાપ્રધાને લીધેલા નિર્ણયો બદલ તેમને દોષી ઠરાવવા ન જોઈએ. સાવચેત રહેવાની વેતરણમાં તેમણે કરેલી ભૂલો બદલ તેમની ટીકા ન થઈ શકે. કારણ કે દુનિયાભરના નેતાઓની જેમ તેમની પાસે પણ કોરોનાના પ્રસાર વિશે વિરોધાભાસી માહિતી હતી. અલબત્ત, કેટલાક સવાલ જરૂર પૂછવાના રહે છે. જેમ કે, શરૂઆતના તબક્કે વધુ ટેસ્ટ કરવાનું સૂચવતા બીજા સૂરને તેમણે કેમ ગણકાર્યા નહીં? વડાપ્રધાને કેરળના મૉડેલમાંથી શીખવાનો અને તેને અપનાવવાનો પ્રયાસ કેમ ન કર્યો? તેમણે રાષ્ટ્રહિતને બદલે રાજકીય ઇર્ષ્યાને પ્રાધાન્ય આપ્યું? તેમના ટેકેદારો મહામારીને કોમવાદી રંગ આપી રહ્યા હતા, ત્યારે તેમણે કેમ એ પ્રયાસોની આકરી ટીકા ન કરી? લૉક ડાઉનથી કેસની સંખ્યાનો ગ્રાફ સપાટ થઈ જવાનો નથી કે ચેપના પ્રસારની સાંકળ તૂટવાની નથી, એ સ્પષ્ટ થઈ ગયા પછી પણ તેમણે લૉક ડાઉનને એકમાત્ર ઈલાજ તરીકે કેમ અજમાવ્યે રાખ્યો? શું તેમણે પોતાના અહમ્ અને છબીની લ્હાયમાં ભૂલસુધારનો રસ્તો ન લીધો? અને છેલ્લે, ઘણા દેશોમાં હોય છે એવી રીતે વડાપ્રધાન કે બીજા કોઈ પ્રધાનની વાત છોડો, કેમ કોઈ વરિષ્ઠ અફસર પત્રકારોના સવાલોના જવાબ આપવા ન આવ્યા? ભાવિ વ્યૂહરચના શી છે? અને સરકાર કશું છુપાવવા માગે છે?

આ બધા સવાલના જવાબ સહેલા નથી અને તેના પરથી દેશ સમક્ષ એક એવી સરકારનું ચિત્ર ઊભું થાય છે, જે ગુંચવાયેલી છે, પણ એ શી રીતે કબૂલવું તે જાણતી નથી અને ગુંચવાડામાંથી નીકળવા માટે મદદ પણ માગતી નથી.

આર્થિક મોરચે સરકારના હાથ બંધાયેલા છે તે ધ્યાનમાં રાખીએ. અલબત્ત, તેના માટે પણ આવકના વધુ પડતા મોટા અંદાજ ને કવેળાએ કૉર્પોરેટ્સનાં મોટાં લેણાંની માફી જેવાં પગલાં કારણભૂત છે. તેમ છતાં, આવી સ્થિતિમાં એટલું તો પૂછવું પડે કે સરકારે ઘણા નોંધપાત્ર અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય છતાં, માગ વધારવાના પ્રયાસ કેમ ન કર્યા? માર્ચમાં ફાળવાયેલી વધારાની રોકડ વાપરવામાં બૅન્કો નિષ્ફળ ગઈ હોવા છતાં, અર્થતંત્રમાં વધુ ને વધુ રોકડ કેમ ઓરવામાં આવી? ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો અને શ્રમિકોની માગણીઓ પ્રત્યે સરકાર કેમ ધ્યાન આપતી નથી? વધારાની આવક ઊભી કરવા માટેનાં કેટલાંક ઉપયોગી સૂચન છતાં સરકારે એ દિશામાં પ્રયાસ કેમ નથી કર્યા? વર્તમાન આફતનો ફાયદો ઉઠાવીને, આફતના કારણ કે ઉકેલ સાથે જેને કશો સંબંધ ન હોય એવા, શ્રમિકોને લગતા, ખેતીવિષયક, પર્યાવરણને લગતા અને રોકાણને લગતા કાયદામાં નીતિવિષયક ફેરફારો કેમ કરવામાં આવ્યા? અને દેશની વાસ્તવિક આર્થિક સ્થિતિ કેવી છે તેની માહિતી કેમ આપવામાં આવતી નથી? ગમે તેમ કરીને રૂ. વીસ લાખ કરોડના આંકડે પહોંચવા માટે, સાવ શિખાઉના અંદાજમાં ફૂલગુલાબી પૅકેજ રજૂ કરવાની શી જરૂર?

આ બધા સવાલો દુઃખદ જવાબ ભણી દોરી જાય છેઃ મંદી અને બેકારીથી ગ્રસ્ત એવા દુનિયાના પાંચમા ક્રમના અર્થતંત્રમાં યથાયોગ્ય પગલાં લેવાનું કામ દોઢચતુર અર્થશાસ્ત્રીઓ અને નાદાન-અહંકારી રાજકીય નેતાગીરી પાસે છે. એ લોકો અર્થતંત્રને બચાવવાને બદલે પોતાની જાતને અને પોતાના માલેતુજાર ગોઠિયાઓને બચાવવાની વેતરણમાં છે.

છેલ્લે વાત કરીએ માનવીય કટોકટીની, જે સડકો પર સેંકડોની સંખ્યામાં ઊમટી પડેલા સ્થળાંતરિત શ્રમિકો થકી ઉજાગર થઈ. વસતિ અને ઊંડી અસમાનતાને લીધે કેટલાક અંશે આવી સ્થિતિ નિર્માય તે નક્કી હતું. છતાં એટલું તો પૂછવું જોઈએઃ આવી સ્થિતિ સર્જાશે તેની સરકારે કલ્પના સુદ્ધાં કરી હતી? અને તેને કેવી રીતે નિવારવી તેનો વિચાર લૉક ડાઉનની જાહેરાત વખતે કર્યો હતો? નિર્મલા સીતારામને પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે, સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા આશરે આઠ કરોડ જેટલી છે. આટલી મોટી સંખ્યામાં શ્રમિકોની સમસ્યાથી સરકારને આશ્ચર્ય કેમ થયું?

લૉક ડાઉનના પહેલા પચાસ દિવસ દરમિયાન રઝળી પડેલા શ્રમિકો માટે ભોજન અને નાણાંકીય સહાયની વિશેષ વ્યવસ્થા કેમ ન હતી? રોજી ગુમાવી ચૂકેલા, ભૂખ્યા અને નિરાશ શ્રમિકો ચાલતા વતનની વાટ ન પકડે તો બીજું શું કરે? સરકાર તેમની પાસેથી બીજા કયા પ્રતિભાવની અપેક્ષા રાખતી હતી? પોતાના જ દેશના આટલા બધા લોકોને આટલા મોટા પાયે હાલાકી પડી હોય એવા અહેવાલ દુનિયાના બીજા કોઈ દેશમાંથી — આફ્રિકાના ગરીબમાં ગરીબ દેશમાંથી પણ — મળતા નથી. લૉક ડાઉનના પહેલા અઠવાડિયે સરકારને શ્રમિકોની હાલાકી વિશે જાણ થયા પછી તેણે કાયદો અને વ્યવસ્થાને લગતી સૂચનાઓ જારી કરવા સિવાય, શ્રમિકોની તકલીફો દૂર કરવા બીજું શું કર્યું? શ્રમિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આટલું મોડું કેમ થયું? અને એ પણ એવા વખતે લેવાયો, જ્યારે તેમાં ચેપ ફેલાવાનું જોખમ વધારે હતું. આફતના સમયે ઘરભેગા થવા ઇચ્છતા લોકો પાસેથી ભાડું લેવાનો આગ્રહ શા માટે? વખાના માર્યા રસ્તા પર આવી પડેલા શ્રમિકોને માનવતાના ધોરણે મદદરૂપ થવાની સીધીસાદી માર્ગદર્શિકા બહાર પાડવામાં પણ ગૃહ મંત્રાલયને કેમ છ અઠવાડિયાં લાગી ગયાં?

રાષ્ટ્રીય સ્તરની માનવીય કટોકટી સાથે સરકારે જે રીતે કામ પાડ્યું તેના માટે ‘અસંવેદનશીલ’ જેવું વિશેષણ તો બહુ હળવું ગણાશે. તેને સંગદિલ કહેવામાં પણ ભોળપણ છે. દેશ સડસડાટ ખાઈમાં ગબડી રહ્યો છે ત્યારે તેના ટોચના રાજકીય સત્તાધીશો રાજકીય કારસ્તાનોમાં, દોષારોપણમાં અને પ્રચારબાજીમાં રાચે છે. આરોગ્ય, અર્થતંત્ર અને માનવતાની રીતે ભારતની સૌથી ખરાબ કહેવાય એવી કટોકટીનો સામનો બેશક સૌથી નિષ્ઠુર અને કદાચ સૌથી અણઆવડતવાળી સરકાર કરી રહી છે.

[“ધ પ્રિન્ટ”, અનુવાદઃ ઉર્વીશ કોઠારી]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020

Loading

...102030...2,3992,4002,4012,402...2,4102,4202,430...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved