Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડિજિટલ અરેસ્ટઃ લોકોના ડર પર છેતરપીંડીનો ખેલ ખેલનારાઓને વર્ચ્યુઅલ વિશ્વમાં મોકળું મેદાન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 February 2025

સાઇબર પોલીસ કમિશનરેટે ગયા વર્ષે, 2024માં, ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીમાં 882.35 ટકા વધારો થયો હોવાનું નોંધ્યું હતું. 2023માં કેસિઝનો આંકડો 102 હતો તો ગયા વર્ષે આંકડો 1,002 કેસિઝનો હતો.

ચિરંતના ભટ્ટ

કિસ્સો 1 – જાન્યુઆરી 2024માં સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર અંકુશ બહુગુણા ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીનો શિકાર બન્યો. છેતરનારાઓએ પોતાની જાતને મુંબઈ પોલીસ અને સી.બી.આઈ.ના માણસ ગણાવીને અંકુશ પર મની લોન્ડરિંગ અને નાર્કોટિક્સના આરોપ મુક્યા. ફોન પર ચાલી રહેલી આ વાતચીતમાં ખોટા કૉલર આઇ.ડી., નકલી અરેસ્ટ વૉરન્ટ અને જેની સાથે ચેડાં કરાયેલા હોય એવા વીડિયો કૉલ્સનો ઉપયોગ કરાયો અને 40 કલાક સુધી અંકુશ બહુગુણા આ કૉલ્સના ચક્રવ્યૂહમાં ફસાયેલો રહ્યો. તે કોઇનો પણ સંપર્ક કરી શકે તેમ પણ નહોતું. તેને પરેશાન કરનારાઓના કહ્યે તેણે તેના મિત્રો અને પરિવારને “આઇ એમ ઓકે”ના મેસેજ કર્યા, પણ અંતે એક મિત્રને શંકા જતા તેણે સાચી પોલીસનો સંપર્ક કર્યો. ચાળીસ કલાક પછી અંકુશ આ હેરાનગતીમાંથી મુક્ત થયો. તેણે પોતાની સાથે જે થયું તેને વિશે સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો.

કિસ્સો 2 – નવી મુંબઈ નેરુળની રહેવાસી મેડિકલ કૉલેજમાં પ્રાધ્યાપક એવી એક મહિલા ડૉક્ટર સાથે હજી ગણતરીના દિવસો પહેલાં ડિજિટલ અરેસ્ટની ઘટના બની. વળી આ ઘટના થોડા કલાકો નહીં પણ લગભગ એક મહિનો ચાલી. 14મી જાન્યુઆરીએ પોતે ઇન્કમ ટેક્સ અધિકારી હોવાનો દાવો કરનાર માણસે તેમનો સંપર્ક કરી તેણે રૂપિયા 8 લાખની કર ચૂકવણી ન કરી હોવાનો આક્ષેપ કર્યો. સ્વાભાવિક છે કે મહિલાએ આ વાત નકારી કારણ કે એવું કંઇ હતું નહીં. તેને તથા કથિત રીતે દિલ્હીના કોઇ વરિષ્ઠ અધિકારી સાથે વાત કરવાની ફરજ પડાઇ અને એ ફોન કૉલ પર તેને ડિજિટલ અરેસ્ટમાં લઇ પોતે જેમ કહે તેમ કરવા કહ્યું. તેની બચત, ફિક્સ ડિપોઝિટ વગેરેની વિગતો તેની પાસે બળજબરીથી કઢાવીને તેને 1 કરોડ 81 લાખ ચૂકવવાની ફરજ પાડવામાં આવી, તે પણ એમ કહીને કે તપાસ પછી પૈસા તેને પાછા મળી જશે. ડરના માર્યે પૈસા આપી દીધા પછી જ્યારે મહિલાએ કોઇ સગાં સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપીંડી થઇ છે અને બાદમાં તેણે સાઇબર પોલીસનો સંપર્ક કરીને કેસ દાખલ કરાવ્યો.

કિસ્સો 3 – વર્ધમાન જૂથના ચેરમેન એસ.પી. ઓસવાલ જે 82 વર્ષના છે તેમને એમ કહીને બે જણાએ સંપર્ક કર્યો કે તેઓ એક મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટની ઓનલાઇન સુનાવણીની વાત કરી, તેમને તેમાં જોડાવા ફરજ પાડી. કોઇ માણસે પોતે જસ્ટિસ ચંદ્રચુડ હોવાનો દાવો કર્યો અને તપાસના ભાગ રૂપે તેમને 8,30,000 ડૉલર્સ જમા કરવા કહેવાયું. કોઇ સિક્રેટ સુપરવિઝન ખાતામાં તેમણે એ પૈસા જમા કર્યા અને બાદમાં તેમને જ્યારે ખ્યાલ આવ્યો કે દાળમાં કાળું છે, ત્યારે પોલીસનો સંપર્ક કર્યો. ભારતમાં થયેલા ડિજિટલ અરેસ્ટના અનેક કેસિઝમાંથી ઓસવાલનો કેસ સૌથી હાઇ પ્રોફાઇલ છે. છેલ્લી અપડેટ અનુસાર પોલીસે 6,00,000 ડૉલર્સ પાછા મેળવ્યા છે. આ કિસ્સામાં સ્કાઇપ એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપીંડી કરાઇ હતી. 

ડિજિટલ અરેસ્ટ શબ્દ હવે નવો નથી. અનેક કિસ્સા બન્યા છે, સરકાર દરેક ફોન કૉલમાં રિંગ વાગે તે પહેલાં સૂચના પણ આપે છે કે પોલીસ કે ન્યાયાધીશ કે તપાસ અધિકારી હોવાનો દાવો કરનારા લોકોની વાતમાં ન ફસાવું પણ છતાં ડિજિટલ અરેસ્ટના કિસ્સા બને છે. લોકોના ડર પર ખેલ ખેલનારા આ ધુતારાઓને પકડવા સરળ નથી. પણ સાવચેતીથી આ ચક્રવ્યૂહથી બચી શકાય છે. 

સૌથી પહેલો ડિજિટલ અરેસ્ટનો કેસ 2019માં યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. આ કિસ્સામાં કૌભાંડીઓએ પોતાની જાતને યુ.એસ. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના અધિકારી ગણાવી એક બે રાજ્યો નહીં પણ દેશ આખામાં અલગ અલગ લોકોને ટાર્ગેટ કર્યા હતા. આમાં શિકાર બનેલા લોકોને એમ કહેવાતું હતું કે તેમનું નામ વાપરીને ડ્રગ્ઝનો વેપલો કરાયો છે અને તેમની ધરપકડ ટાળવા માટે તેમણે પૈસા ચુકવવા પડશે. ખોટા ફોન નંબર અને અધિકારીઓ જેવી ભાષા વાપરી કૌભાંડીઓએ લોકોને ફસાવ્યા હતા. વૈશ્વિક સ્તરે ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સનો વ્યાપ વધ્યો છે. કેનેડા, ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમમાં પણ આવી છેતરપીંડીના અનેક કિસ્સા બહાર આવ્યા છે. 

આપણે ત્યાં ભારતમાં ડિજિટલ પેમેન્ટનું તંત્ર બહુ વિકસ્યું છે. વિદેશથી આવનારાઓ પણ આપણા જી-પેની શૈલીથી પ્રભાવિત થાય છે. પણ કમનસીબે આ આધુનિકતા ડિજિટલ કૌભાંડીઓ માટે સ્વર્ગ બની ગઇ છે અને આપણો દેશ આવી છેતરપીંડીના વ્યાપનો સાક્ષી બની રહ્યો છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર અનુસાર ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ અરેસ્ટના કેસિઝ ધડાધડ વધી રહ્યા છે. 2022માં આખા દેશમાં ડિજિટલ એરેસ્ટના લગભગ દસ હજાર કેસ થયા અને તેનો ભોગ બનેલાઓને કરોડો રૂપિયા ખોવાનો વારો આવ્યો. મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકમાં ડિજિટલ અરેસ્ટના સૌથી વધુ કેસિઝ નોંધાયા છે. વિકસિત રાજ્યોમાં જ્યાં શહેરીકરણ વધારે છે ત્યાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ પણ વધારે થતો હોય અને માટે જ અહીં ધુતારાઓને મોકળાશ મળી જાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરોના ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની સંખ્યામાં 300 ટકા વધારો થયો છે જેમાં ડિજિટલ અરેસ્ટના કૌભાંડ વધી રહ્યા છે. 

ડિજિટલ પેમેન્ટ્સના મામલે ભારત વૈશ્વિક સ્તરે આગળ આવ્યો છે કારણ કે આપણી પાસે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ – યુ.પી.આઇ., એટલે કે આધાર નંબરને કારણે થતા નાણાંની લેવડ-દેવડનું તંત્ર બહુ સારી પેઠે વિકસ્યું છે. આપણી સરકારે કૅશ-લૅસ ઇકોનોમીને આગળ વધારી. આ તંત્ર ચીન અને અમેરિકા કરતાં પણ સારી રીતે વિકસ્યું અને અન્ય રાષ્ટ્રો માટે આપણી આ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા એક દાખલો બની. જો કે આ ડિજિટલ ક્રાંતિએ સાઇબર ક્રાઇમને પણ માર્ગ કરી આપ્યો. ઝડપ, સરળતા અને ઓળખ છતી ન થવી – આ ત્રણ આપણી ડિજિટલ ક્રાંતિના વિશેષ પાસાં બન્યાં તો આ જ કારણો તેની સંવેદનશીલતા પણ બન્યા. આ પાસાંને આધારે જ ધુતારાઓએ લોકોને લપેટમાં લેવાનું શરૂ કર્યું. આપણે ત્યાં સરળતા વધતી પણ સલામતીમાં છીંડા રહી ગયા જેને કારણે ડિજિટલ ધુતારાઓ કોઇપણ નિશાની છોડ્યા વિના ઉચાપત કરી શકે છે. વળી એવું પણ નથી કે અલ્પ શિક્ષિત કે અશિક્ષિત લોકો તેનો ભોગ બને છે, જે ઉપરના કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. જે દેશમાં 750 મિલિયન સ્માર્ટ ફોન યુઝર્સ હોય ત્યાં ડિજિટલ કૌભાંડીઓને કેટલું મોટું મેદાન મળી જાય તેનો અંદાજો લગાડવો મુશ્કેલ નથી. આપણે ત્યાં સાઇબર સિક્યોરિટિને લગતું તંત્ર હજી એટલું પાકટ નથી. કડક ધારાધોરણો ન હોવાથી પણ સાઇબર ક્રિમિનલ્સની દાંડાઇ ઝડપથી નથી પકડી શકાતી. આપણે ત્યાં કહેવત છે કે, “જે જાય દરબાર તેનાં જાય ઘરબાર” – આવામાં વર્દી, યુનિફોર્મથી અને ન્યાય તંત્રની માથાકૂટથી બચવા માંગતા લોકો પોતાના પર કોઇપણ આક્ષેપ મુકાય તો વિચારવા નથી બેસતાં કે આ ખોટું પણ હોઇ શકે છે. 

ટુ ફેક્ટર ઑથેન્ટિકેશન ન હોવું, અજાણી વ્યક્તિઓ સાથે થતા ટ્રાન્ઝેક્શન્સ વગેરે આ કાવતરાંઓનો ભોગ બનનારાઓને લાચાર બનાવી દે છે. એકવાર પૈસા તમારા ખાતામાંથી ગયા એટલે બસ પતી ગયું, એ પાછા મળશે જ એવી કોઇ ખાતરી નથી હોતી. વળી આ પૈસા પડાવનારાઓ પણ જેને ફસાવે તેની પાસેથી એક કરતાં વધુ ખાતાંઓમાં પૈસાની હેરફેર કરાવે, એટલું જ નહીં પણ બહુ જલદી આ પૈસા ક્રિપ્ટો કરન્સીમાં ફેરવી દેવાય છે. સાઇબર પોલીસ કમિશનરેટે ગયા વર્ષે, 2024માં, ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીમાં 882.35 ટકા વધારો થયો હોવાનું નોંધ્યું હતું. 2023માં કેસિઝનો આંકડો 102 હતો તો ગયા વર્ષે આંકડો 1,002 કેસિઝનો હતો. અંદાજે 120 કરોડથી વધારે રૂપિયા લોકોએ આવી છેતરપીંડીમાં ખોયા જ્યારે 2023માં આ રકમ 6 કરોડ 20 લાખની આસપાસ હતી. 

ધુતારાઓ મોટેભાગે પોતે CBI, RBI, EDના અધિકારી કે પોલીસ અધિકારી હોવાનો દાવો કરે છે. ફસાવનારાઓને કહેવાય છે કે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે અથવા તેમની કોઇ સંવેદનશીલ માહિતી જાહેર થઇ જશે. ખોટા ફોન નંબર, ઇમેઇલ્સ અને વેબસાઇટ્સનો પણ ઉપયોગ કરાય છે. ભારતીય ન્યાય સંહિતામાં ડિજિટલ અરેસ્ટને લગતા કોઇ ચોક્કસ કાયદા નથી પણ છેતરપીંડી, ખંડણી, આઇડેન્ટિટી થેફ્ટ વગેરેને લગતી સજા છે જેમાં 3 વર્ષથી લઇને દસ વર્ષ સુધીની જેલ અને દંડ સામેલ છે. સરકારે અત્યાર સુધી 1,700થી વધુ સ્કાઇપ એકાઉન્ટ અને 59,000થી વધુ વૉટ્સએપ એકાઉન્ટ બ્લૉક કર્યા છે. ભારતીય નંબરો પરથી આવતા આંતરરાષ્ટ્રીય કૉલ્સ રોક્યા છે. સાઇબર ફ્રોડનું ઝડપી રિપોર્ટિંગ કરીને લગભગ રૂ. 3,431 કરોડની ચોરી અટકાવી છે. આ ઉપરાંત સતત ટેલિકોમ પ્રતિબંધ, કાયદાને લગતી તાલીમ અને જાગૃતિ અભિયાન ચલાવીને સરકાર પ્રયત્નશીલ છે કે લોકો આવા કૌભાંડોમાં ન ફસાય.

બાય ધી વેઃ 

લોભીઆ હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત તો છે જ પણ અહીં તો લોભીઆ ન હોવા છતાં ય ધુતારાઓના પેટ ભરાય છે. પોતાની છબી જાહેરમાં ન ખરડાય તેનો ડર અથવા તો પોતાને લગતી કોઇપણ માહિતી, તે આધાર કાર્ડનો નંબર હોય કે પાન કાર્ડનો નંબર હોય તે છતી થઇ જશે તો લુંટાઇ જશેનો ભય લોકોને આ કૌભાંડોનો ભોગ બનાવે છે. આપણે ત્યાં તંત્ર તો ખડું થઇ ગયું પણ સલામતીને મામલે આપણે પાછા પડ્યા અને હવે જે જાગૃતિ આવી છે તેનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે. કમનસીબે છેતરપીંડી કરનારાઓ માળા તંત્ર સાબદું થાય તે પહેલાં ખેલ કરી જાય છે. લોકોમાં સાઇબર ક્રાઇમને મામલે જાગૃતિ ફેલાય તે તો જરૂરી છે જ પણ આંતરરાષ્ટ્રીય કાયદા વધારે મજબૂત બને તે પણ બહુ અનિવાર્ય છે. આપણું ન્યાય તંત્ર વધુ અપડેટેડ થાય અને ડિજિટલ અરેસ્ટને લગતા કાયદા ઘડવામાં ઝડપ કરશે તો ડિજિટલ અરેસ્ટના ગુનાઓ અટકશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2025

Loading

કેજરીવાલના ઉદય અને અસ્તની કથા, જેને સર્જન કર્યું એણે જ અંત કર્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|23 February 2025

રમેશ ઓઝા

ભારતીય સંસદીય રાજકારણના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાકીય છેતરપિંડીનો વિરાટ ખેલ રચાયો હતો. ઝીણામાં ઝીણી વિગતો સાથે આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલનો સ્વચ્છ જાહેરજીવનનો ખેલ નિષ્ફળ જાય તો પાછળ બાબા રામદેવને કાળું નાણું નષ્ટ કરવા માટે ઊભા રાખવામાં આવ્યા હતા. મીડિયા, સી.એ.જી., જજો વગેરેને રોલ ફાળવી દેવામાં આવ્યા હતા અને તેઓ તેમની ભૂમિકા ભજવતા હતા. કાઁગ્રેસને કાયમ માટે નેસ્તનાબૂદ કરવાનો ખેલ હતો કે જેથી દેશમાં દાયકાઓ સુધી એકપક્ષીય રાજ સ્થાપી શકાય અને ભારતને હિંદુરાષ્ટ્ર બનાવી શકાય. 

પણ લોકઆંદોલનની એક સમસ્યા છે. લોકઆંદોલનમાં ચારેબાજુથી લોકો જોડાતા હોય છે અને તેમાં ફિલ્ટર રાખી શકાતાં નથી. બન્યું એવું કે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં એવા લોકો જોડાયા જે હિન્દુત્વવાદી નહોતા. મોટી સંખ્યામાં યુવાનો હતા, વિચારકો હતા, જે તે ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો હતા, નિર્ભયતાપૂર્વક અસંમતીનો અવાજ ઉઠાવનારા હતા, મેધા પાટકર જેવા કર્મશીલો હતાં, કેટલાક પ્રમાણિક પત્રકારો હતા, સાહિત્યકારો અને કલાકારો હતા. તેમને એમ લાગ્યું કે આ ખરેખર સ્વચ્છ જાહેરજીવન માટેનું ઉસ્ફૂર્ત પ્રજાકીય આંદોલન છે અને વ્યવસ્થાપરિવર્તનનો શુભ અવસર છે. આપણે દાયકાઓથી જે મનોરથ સેવતા આવ્યા છીએ એ અહીં ચરિતાર્થ થાય એવી સંભાવના નજરે પડી રહી છે. આ લોકોને આવતા રોકી શકાય એમ નહોતા અને જો આવે તો પટકથા ઊંધી દિશામાં ખેલને લઈ જાય. 

અરવિંદ કેજરીવાલ

બન્યું એવું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ.નો ભવ્ય વિજય થયો. એવડો મોટો વિજય કે જેની કલ્પના નહોતી કરી. બીજી બાજુ એવું પણ બન્યું કે લોકસભાની ચૂંટણી પછી યોજાયેલી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને એવો મોટો વિજય મળ્યો કે તેની સામે ભા.જ.પ.નો વિજય કોઈ ગણનામાં ન આવે. વિધાનસભાની ફુલ ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો મળી અને અભૂતપૂર્વ કહી શકાય એટલા ૫૪.૩ ટકા મત મળ્યા. જો કે દિલ્હી એક શહેર માત્ર છે અને દેશ વિરાટ કદ ધરાવે છે એટલે અરવિંદ કેજરીવાલના વિજયને રાષ્ટ્રીય સ્વીકાર તરીકે ન જોઈ શકાય. પણ રાજકારણમાં કશું જ અશક્ય નથી. દાયકા પહેલાં કોણે કલ્પના કરી હતી કે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બનશે અને તેના દાયકા પહેલા ગુજરાતની બહાર લોકોએ નરેન્દ્ર મોદીનું નામ પણ સાંભળ્યું નહોતું. ચમત્કાર અરવિંદ કેજરીવાલ સાથે પણ બની શકે અને કોને ખબર નરેન્દ્ર મોદીનો સૂર્ય ઉગ્યો ન ઉગ્યો અને અસ્ત પણ પામી શકે! આ બાજુ લોકઆંદોલનમાં જોડાયેલા સેક્યુલર લોકો આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા અને તેઓ આમ આદમી પાર્ટીને ભા.જ.પ. અને તેના હિન્દુત્વના વારણ તરીકે જોતા હતા. 

પરસ્પર ભય અને આશંકા બન્ને પક્ષે હતી. આમ આદમી પાર્ટીનું રાજકારણ પટકથાની બહાર જવા લાગ્યું હતું અને તેનું કારણ પ્રામાણિક અને બુદ્ધિમાન સેક્યુલરિસ્ટો હતા. જેનો જન્મ હિન્દુત્વના હેન્ડલ તરીકે થયો હતો એ હિન્દુત્વ વિરોધીઓનું હેન્ડલ બને તો આખી યોજના ઊંધી વળે. આ બાજુ નરેન્દ્ર મોદીએ એટલું ગજું કાઢ્યું હતું કે હવે પહેલી નજરે સંઘને બહારના ભાસતા પણ વાસ્તવમાં હિન્દુત્વ માટે કામ કરતા લોકોની જરૂર નહોતી. એમાં વળી એ હેન્ડલનો કબજો સેક્યુલરિસ્ટોએ લીધો હતો. બીજી બાજુ અરવિંદ કેજરીવાલને દિલ્હીનો વિજય જોઇને એમ લાગ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીની જગ્યા લઈ શકે એમ છે. આમ નરેન્દ્ર મોદીની અસલામતી, અરવિંદ કેજરીવાલના વડા પ્રધાન બનવાના અને નરેન્દ્ર મોદીની જગ્યા લેવાના ખ્વાબ, આમ આદમી પાર્ટીમાં સેક્યુલારિસ્ટોની પ્રભાવી હાજરી અને આમ આદમી પાર્ટીને સેક્યુલારિસ્ટોથી મુક્ત કરવાની સંઘની રણનીતિ એમ બધું જ એક સાથે નજરે પડવા માંડ્યું. 

અરવિંદ કેજરીવાલને વગર કહ્યે સમજાઈ ગયું કે સૌથી પહેલાં તો આમ આદમી પાર્ટીને ઉદારમતવાદી સેક્યુલારિસ્ટોથી મુક્ત કરવાની જરૂર છે. તેમનાં લોકતાંત્રિક મૂલ્યો માટેના અને સાધનશુદ્ધિ માટેના આગ્રહો નડતરરૂપ બનવાના છે અને હવે પછીનું રાજકારણ આ પાર કે તે  પારવાળું ખરાખરીનું હશે. આ ઉપરાંત જ્યાં સુધી સેક્યુલારિસ્ટો પક્ષમાં હશે ત્યાં સુધી સંઘનો સાથ નહીં મળે. તેમણે એકેક કરીને સેક્યુલારિસ્ટોને દૂર કર્યા કે જેથી મનમાની કરી શકાય. અરવિંદ કેજરીવાલે સવાયા હિંદુનો ચહેરો ધારણ કર્યો. “એક દિન હમ ભગવાન રામ ઉનકે હાથોં સે છીન લેંગે” એમ અરવિંદ કેજરીવાલ બોલી ગયા હતા. તેમને ખાતરી હતી કે જો હાથ ઉપર હશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સાથ મળી જશે. નરેન્દ્ર મોદીને અને અમિત શાહને સમજાઈ ગયું કે આ ભરોસો ન કરી શકાય એવો મહત્ત્વાકાંક્ષી માણસ છે. એને એવી રીતે કચડી નાખવો જોઈએ કે તે સંઘને પણ ખપનો ન લાગે, બલકે બોજારૂપ લાગે અને તેને દૂર કરે. 

અને એ પછી ખરાખરીનો ખેલ શરૂ થયો. કચડી નાખવાનો અને બચી નીકળવાનો. બચી નીકળવા અરવિંદ કેજરીવાલ કોમવાદી હિંદુઓનો સાથ મેળવવા સવાયા હિન્દુત્વવાદી હોવાનો ચહેરો ધરાણ કરતા હતા. આમ કરતા કરતા ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી આવી જેમાં ભા.જ.પ.નો અભૂતપૂર્વ વિજય થયો એટલે સંઘને પણ લાગવા માંડ્યું કે હવે સત્તા માટે વૈકલ્પિક ‘બી’ ટીમની જરૂર નથી, પણ એવી ‘બી’ ટીમની જરૂર છે જે સંસદીય રાજકારણમાં કાઁગ્રેસની જગ્યા લઈ શકે. કાલે લોકો નારાજ થાય અને ભા.જ.પ.નો પરાજય થાય તો તેના વિક્પે એવો પક્ષ સત્તામાં આવવો જોઈએ જે ભા.જ.પ. વિરોધી ભલે હોય, પણ હિંદુરાષ્ટ્રનો વિરોધી ન હોય. બન્ને પક્ષો આપણા; એક ‘એ’ અને બીજો ‘બી’. અરવિંદ કેજરીવાલે કાઁગ્રેસની નૈયા ડૂબાડવાનું શરૂ કર્યું. ગુજરાત, ગોવા, હરિયાણા એમ સર્વત્ર જ્યાં જ્યાં કાઁગ્રેસ એક માત્ર વિરોધ પક્ષ હતો ત્યાં અરવિંદ કેજરીવાલે પોતાના ઉમેદવારોને ઊભા રાખીને ફાચર મારવાનું શરૂ કર્યું. ૨૦૧૪થી ૨૦૧૯નાં વર્ષોમાં તેઓ પોતાને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જોતા હતા અને ૨૦૧૯થી ૨૦૨૪ સુધી તેઓ પોતાને કાઁગ્રેસના વિકલ્પ તરીકે જોતા હતા. પણ આ બાજુ નરેન્દ્ર મોદી અને અમિત શાહને કોઈ પણ રૂપે અરવિંદ કેજરીવાલ કબૂલ નહોતા. કાઁગ્રેસ આ કરી શકે છે અને આ તો નહીં જ કરે એમ તમે ખાતરીપૂર્વક કહી શકો પણ અરવિંદ કેજરીવાલ કાલે શું કરશે એ તમે ખાતરીપૂર્વક ન કહી શકો. આ કોઈ પણ પ્રકારની મર્યાદામાં નહીં માનનારો અનપ્રેડીક્ટેબલ માણસ છે. ભલે કાઁગ્રેસ ટકી રહે, પણ આ માણસ ખતમ થવો જોઈએ. 

તો આ છે અરવિંદ કેજરીવાલની રાજકીય યાત્રા. આ છે કેજરીવાલના ઉદય અને અસ્તની કથા. જેણે સર્જન કર્યું એણે જ અંત કર્યો. પણ પ્રજા? પ્રજાનું તો એવું છે કે તે એવા લોકોની પાલખી ઉઠાવીને ફરે જે પ્રજાને બેવકૂફ માનતા હોય અને બેવકૂફ બનાવતા હોય. હસતા હસતા બેવકૂફ બને અને બેવકૂફ બનાવનારાની પૂજા કરે. તમને તે ધર્મગુરુઓના મંડપમાં જોવા મળશે, નેતાઓની સભામાં જોવા મળશે, ટી.વી. ચેનલની સામે બેઠેલો જોવા મળશે, ગૌતમ અદાણીને માભોમના પનોતા પુત્ર તરીકે ઓવારણા લેતો જોવા મળશે. આ પ્રજા છે. પ્રજા તેમનાં હિતમાં આંખ ઉઘાડનારાની હત્યા પણ કરે. સોક્રેટીસ, ઈશુ, ગાંધી આનાં ઉદાહરણ છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2025

Loading

મિડિયા શું છે : લોકશાહીનો ચોથો સ્તંભ કે સરકારી ખાટલો?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|22 February 2025

હેમન્તકુમાર શાહ

‘ગુજરાત ટુડે’ અખબાર દ્વારા આજે અમદાવાદમાં યોજાયેલા એક સેમિનારમાં ‘મિડિયા : લોકશાહીનો ચોથો સ્તંભ’ વિશે વિદ્યાર્થીઓ સહિતના આશરે ૧૩૦ નાગરિકો સમક્ષ આપેલા એક ટૂંકા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા :

(૧) મિડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે, એમ બધા કહે છે પણ બાકીના ત્રણ સ્તંભ કયા એને વિશે કોઈ કશી વાત કરતું નથી.

(૨) બહુ જાણીતા દાર્શનિક એડમંડ બર્ક બ્રિટિશ ઉમરાવસભાના, એટલે કે આપણી રાજ્યસભાના, સભ્ય હતા ત્યારે ઇ.સ. ૧૭૭૧માં તેમણે એ સભામાં એમ કહ્યું હતું કે ઉમરાવસભામાં જે પાદરીઓ છે તે એક સ્તંભ છે, જે અન્ય સભ્યો છે તે બીજો સ્તંભ છે; આમ સભા, એટલે કે આપણી લોકસભા, ત્રીજો સ્તંભ છે;  અને અખબારો ચોથો સ્તંભ છે. આ વાત તો હવે બહુ જૂની થઈ ગઈ. એડમંડ બર્ક દ્વારા આવું કહેવાયેલું તે થોમસ પેઇન નામના એક બીજા દાર્શનિક દ્વારા ઇ. સ. ૧૮૪૦માં નોંધાઈ હતી. 

(૩) હવે આ ચાર સ્તંભ છે : ન્યાયતંત્ર, કે જે સરકારનો જ ભાગ છે, કાયદાનું શાસન, માનવ અધિકારોનું રક્ષણ અને મિડિયા. 

(૪) મિડિયા અને સરકાર બે ભેગા થઈ જાય ત્યારે ભારે મુસીબત ઊભી થાય છે અને ત્યારે તે લોકશાહીનો સ્તંભ નથી રહેતો પણ સરકારનો ચમચો બની જાય છે. 

(૫) મિડિયાના માલિકો અને સરકારો વચ્ચે સાંઠગાંઠ ઊભી થાય છે. મોટા ઉદ્યોગપતિઓ અનેક ટી.વી. ચેનલો અને અખબારોના માલિક હોય છે અને તેમનો નફો એ તેમનો ભગવાન હોય છે ત્યારે તેઓ લોકશાહીનો સ્તંભ બને એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

(૬) બધા સ્તંભ જ્યારે તૂટી રહ્યા હોય, તેમાં તિરાડો પડી હોય, ત્યારે નાગરિકોએ પોતે જ લોકશાહીના સ્તંભ બનવાનું હોય છે.

(૭) ભારતના બંધારણમાં નાગરિકોની વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા લખેલી છે. એને બરકરાર રાખવા માટે અને મજબૂત બનાવવા માટે નાગરિકોએ પોતાની પાસે જે સામાજિક માધ્યમો પ્રાપ્ય છે તેમનો આધાર લઈને પોતાનાં સરકારની નીતિરીતિ વિશેનાં મંતવ્યો વ્યક્ત કરવાં જોઈએ અને એ રીતે પોતે જ લોકશાહીના સ્તંભ બનવું જોઈએ.

(૮) અભિવ્યક્તિ વિના વ્યક્તિ હોઈ શકે જ નહીં. ઘોડાગધેડાં કે માખીમચ્છર જે રીતે હજારો વર્ષ પહેલાં જીવતા હતા એ જ રીતે આજે પણ જીવે છે. માણસે જીવવાની રીતો બદલી છે અને એ રીતમાં તેની પોતાની આઝાદી તેણે સૌથી મહત્ત્વની ગણી છે. એટલે જ ભારતના બંધારણમાં નાગરિકોના અધિકારો લખેલા છે. ચોથા સ્તંભ તરીકે મીડિયા એ અધિકારોનું રક્ષણ કરે એ એની ફરજ છે. જો એ એમ ન કરે તો નાગરિકોએ પોતે જ લોકશાહીના સ્તંભ બનીને એ અધિકારોનું રક્ષણ કરવું પડે. એ જ આપણા સૌની નિયતિ છે. 

(૯) દેશ તો આઝાદ છે જ અને રહેવાનો જ છે. ખરેખર તો, નાગરિકોની આઝાદીની ચિંતા કરવાની જરૂર છે. મિડિયાની એ અગત્યની ભૂમિકા છે. તો જ એ લોકશાહીનો સ્તંભ કહેવાય, નહિ તો એ સરકારી ખાટલો કહેવાય!

તા.૨૨-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...239240241242...250260270...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved