
જૈનેન્દ્રકુમાર
‘ડૉક્ટર આવ્યા છે. આપને સુવિધા હોય ત્યારે …’ ગાંધીજી તકિયેથી ટટ્ટાર થતાં બોલી ઊઠ્યા, ‘સુવિધા …? હમણાં જ છે.’
ડૉક્ટર આવતાં આવતાંમાં તો ગાંધીજી ખુરશી પર જઈ બેઠા. ડોક્ટર પોતાની તૈયારીમાં લાગી ગયા. તે જ ઘડીએ એક મિત્રે નિકટ આવીને મારા કાનમાં કહ્યું, ‘જો જો હોં, એવું ન બને જૈનેન્દ્ર, કે દાંત ડૉક્ટર પાસે જ રહી જાય.’
મને પણ રસ પડ્યો. મેં કહ્યું, “બને કે દાક્તરને મનમાં ય એને માટે લોભ જાગે.’
મિત્રે ગુસપુસ કાનમાં કહ્યું, ‘એ જ તો, પણ જો જો કોઈ પણ ઉપાયે દાંત એની પાસે રહેવા ન પામે.’
મારી દિલચસ્પી વધતી ગઈ. મેં એમને નિશ્ચિંત કર્યા ને ખબરદાર બની ચોકી કરવા લાગ્યો.
ઘડપણનો દાંત. એને ખેંચી કાઢવામાં વાર કેટલી લાગવાની, ને કષ્ટ પણ શું થવાનું ? દાંત ખેંચી કાઢ્યો કે તરત હું એમની નજદીક પહોંચી તરત હું એમની નજદીક પહોંચી ગયો. મેં કહ્યું, ‘લાવો ધોઈ લાવું.’
આમ સહજ ગાંધીજીનો દાંત મારા કબજામાં આવી ગયો. મેં એને ધોયો, લૂછ્યો ને રૂમાં લપેટી એક નાનકડા પરબિડિયામાં પડીકી વાળી કાળજીપૂર્વક ગજવામાં મૂકી દીધો.

સુભદ્રાબહેન ગાંધી
ચોવીસ કલાક તો મારા હૈયાના ધબકાર સુણતો એ મારા કુરતાના ઉપલા ગજવામાં પડ્યો રહ્યો. બીજે દિવસે સવારમાં એક માનનીય બંધુ મારી પાસે આવ્યા. પૂછવા લાગ્યા ‘પછી, પેલો દાંત તમારી પાસે જ છે કે ?’
મેં કહ્યું, ‘જી, બધી રીતે સુરક્ષિત છે. એની કશી ચિંતા કરવા જેવું નથી.’ એમની મતલબને મેં સમજ્યા છતાં વણસમજી કરી નાખી. તે પછી એમને પણ એ વિશે વધુ સ્પષ્ટ કરી કશું કહેવાનું ન સૂઝ્યું …
પાછળથી જાણવા મળ્યું કે એ દાંત તો ભલભલાની મહત્ત્વાકાંક્ષાનો વિષય બની ચૂક્યો હતો. નેપથ્યમાં પ્રસ્તાવ થઈ ચૂક્યો હતો કે, ગમે તેમ તો ય જૈનેન્દ્ર અનધિકારી ગણાય … ને દાંત તો ભારે ઐતિહાસિક જણસ ઠરી. ખેર, એ વસ્તુની ઐતિહાસિકતા વિશે ને મારા અનધિકારીપણા વિશે હું પોતે પણ સભાન હતો એથી જ અંતરમાં થોડી નિર્બળતા ને અવિશ્વાસ સળવળ્યાં .. તો ય ઊંઘતાનો ડોળ કરી પડયો રહ્યો … જાણે બહેરો હોઉં … કશી વાત સાંભળતો જ ન હોઉં.
તે પછી પેલા મિત્ર મળ્યા, એક નહિ, અનેક બહાને વારંવાર મળ્યા … ને દર વખતે મેં એમને આશ્વાસન આપ્યું કે, ‘વસ્તુ અત્યંત સુરક્ષિત છે.’ મિત્રને નિરુપાય ખાલી હાથ પાછા ફરવું પડતું. ને હું આમ અબુધનો પાઠ ભજવ્યે ગયો.
નાનીશીક વાત, પણ ગંભીર બની જાય છે. એ જ બની રહ્યું હતું. ઉચ્ચમાં ઉચ્ચ ક્ષેત્ર લગી વિક્ષોભ પ્રસરી ચૂક્યો હતો … ઈન્દ્રાસન સુધ્ધાં ડોલી ઊઠયું!
એક દિવસ વાતવાતમાં ગાંધીજીએ એકાએક પૂછયું, ‘અરે, જૈનેન્દ્ર, પેલો દાંત તારી પાસે છે ?’
પૂછયું, ‘અરે, જૈનેન્દ્ર, પેલો દાંત તારી પાસે છે ?’ બચાવ કરતો હોઉં એવા ભાવથી મેં કહ્યું, ‘હા છે તો ખરો.’
‘અત્યારે છે ?’
‘જી … પણ આપ એનું શું કરશો ?’
‘શું કરીશ? પાછો મોંમાં તો જડાવી શકવાનો નથી જ.’
સાહસ કરીને મેં કહ્યું, ‘તો, પછી રહેવા જ દો ને … જેવો એ બીજે ગમે ત્યાં હશે તેવો મારી પાસે રહેશે.’
બોલ્યા, ‘આખરે ભઈ, એ છે તો મારો જ ને ? અત્યારે જ મને આપી દે …’
મેં જોયું કે, સામેનો માણસ નકરો મહાત્મા નથી, ધીંગો વકીલ પણ છે … ને તે ઉપરાંત શું ને કોણ નથી એ ? નરદમ અનુલ્લંઘનીય આદેશ. ચૂપચાપ ગજવામાંથી પડીકી કાઢીને ગાંધીજીની આગળ ધરી દીધી.
ગાધી ઐતિહાસિક હતા. એમનો દાંત પણ ઐતિહાસિક બની જાત. સાંચીના સ્તૂપમાં બુદ્ધનો દાંત જ છે ને.
ખેર, એમણે પોતાના એક વિશ્વાસુ માણસના હાથમાં એ દાંત મૂકતાં કહ્યું, ‘જાઓ, આને કોઈ ખૂબ ઊંડા કૂવામાં પધરાવી આવો.’
એ માણસ તો પોતાનું કર્તવ્ય પાર પાડીને મોકળો થઈ ગયો. પરંતુ ગાંધીજી નિરાંતનો શ્વાસ લઈ શક્યા નહિ. ત્રણ ચાર દિવસ પછી વળી તેએાએ એ માણસને પૂછયું, ‘ભાઈ, પેલો દાંત પછી કૂવામાં ફેંકી આવેલા ને?’
‘હા જી.’
‘બરાબર યાદ છે ને તમને ?’
પેલા માણસે કહ્યું, ‘હા.’ ને ગાંધીજીએ નિરાંતનો ઊંડો શ્વાસ લીધો.
દુનિયાને મોહ ને આસક્તિની પકડમાં લઈ જાય એવી પોતાની એક પણ વસ્તુને તેઓ મોકળી રાખવા તૈયાર ન હતા … ને છતાં જગતની નાના પ્રકારની આસક્તિઓ ને એની વિવશતાઓને જોઈને અનુકંપાથી એમનું હૈયું ભીનું થઈ આવતું …!
એમની દૃષ્ટિ જેટલી સૂક્ષ્મ હતી, એટલી જ નિર્મમ હતી. ક્યાં ય મેલનો એક છાંટો પણ તેઓ સહી શકતા નહિ. એમને મન મેલ કંઈ હોય તો તે કેવળ અસત્ય. એ સિવાય ઘોરમાં ઘોર અપરાધી પ્રત્યે પણ તેઓ સદાય ને સહૃદય હતા. આવી સહૃદયતા ને નિર્મમતા વચ્ચે મેળ શી રીતે સાધી શકાતો હશે ? એ સમજવું ગાંધીજીને જાણ્યા વિના સંભવિત નથી.
20 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 339.