દેવેન આજે ખૂબ ખુશ હતો. આજે જિંદગીની મોટી લડાઈ જીતી લીધી હતી. દેવેનને આજે હોસ્પિટલથી ઘર સુધીનો રસ્તો બહુ લાંબો લાગ્યો. એવું નહોતું કે દેવેન પહેલીવાર આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો; હકીકતમાં આ રસ્તો જ દેવેન માટે જીવાદોરી સમાન બની ગયો હતો. અનેક વાર આ રસ્તા પરથી પસાર થયો હતો. દેવેન આજે ફેફસાંના કેન્સરને માત આપીને, તેની પર જીત મેળવીને સંપૂર્ણ પણે સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યો હતો.
આવી સ્થિતિ દેવેનની જ હતી એવું નહોતું. દેવેનની પત્ની અંજલિ, મમ્મી અને પપ્પા પણ વ્યગ્રતાથી ઘરે પહોંચવાની રાહ જોઈ રહ્યાં હતાં. અંતે ઘરનું આંગણું દેખાયું, સૌના મનમાં હાશકારો થયો. મમ્મીએ દીકરાની આરતી ઉતારી; અંજલિએ સૌને મો મીઠું કરાવ્યું અને પપ્પાએ બાથમાં લઈ કેન્સર જેવા જીવલેણ રોગ સામે જંગ જીત્યાની શાબાશી આપી પીઠ થાબડી અને કહ્યું, “દીકરા, મને તારી પર ગર્વ છે. અમે તો જિંદગી હારી ગયા હતા, પણ તેં અને અંજલિએ અમને જીતાડી દીધા, જીવાડી દીધા.”
આજે ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. દેવેન અને અંજલિ એકલા પડ્યાં …. અંજલિ દોડીને દેવેનની બાહોમાં સમાઈ ગઈ. ક્યાં ય સુધી આંસુઓને વહાવતી રહી. દેવેને તેને ક્યાં ય સુધી રડવા દીધી જેથી તેનું મન હળવું થઈ જાય. આખરે આ અંજલિની તપસ્યા અને ધીરજનું તો આ ફળ હતું.
“દેવેન, દેવેન … હું, તો જિંદગી જ હારી ગઈ હતી. મને કંઈ સૂઝતું નહોતું કે હું શું કરું. તારી …. તારી જીજીવિષાએ અને તારી કેન્સર જેવા રોગને માત આપવાની તરસ, તીવ્ર ઈચ્છા અને આત્મવિશ્વાસનું આ પરિણામ છે. દેવેન,મારા દેવેન આજે હું ખૂબ ખુશ છું. આજે હું ફરી જિંદગી જીવતી થઇ ગઈ.”
“ના અંજલિ એવું નથી. હા, મારી જીજીવિષા હતી. રોગ સામે લડવાનો આત્મવિશ્વાસ હતો અને જિંદગીને જીવવાની એક તરસ હતી. પણ તેનું મૂળ કારણ તો તું છો. તે મારામાં ભરપૂર વિશ્વાસ જગાડ્યો; પરિસ્થિતિનો સામનો કરવા માટે હોશલો વધાર્યો, અને વધુમાં કહું તો તે મારું એટલું બધું ધ્યાન રાખ્યું; મારી સેવા કરી કે મને મારા માટે નહીં પણ તારા માટે જંગ જીતવાની મનમાં તરસ જાગી ઊઠી હતી. પછીની વાત તો તું જાણે જ છે.” પતિપત્ની વચ્ચે આવો મીઠો સંવાદ ચાલી રહ્યો હતો.
દેવેને કહ્યું, “અંજલિ, આજે ઘરમાં આવતા જ મને ઊંધે ધેરી લીધો છે; બહુ ઊંઘ આવે છે.” અને વાતો કરતાં કરતાં દેવેન તો ગાઢ નિંદ્રામાં સરી પડ્યો, પણ અંજલિ સામે ભૂતકાળ ચલચિત્રની જેમ પસાર થવા લાગ્યો.
દેવેન અને અંજલિના એરેન્જ મેરેજ હતા. દેવેન સારી કંપનીમાં આસિસ્ટન્ટ ઈસી. એન્જિનિયર હતો જ્યારે અંજલિ હાઉસવાઈફ હતી. અંજલિ પણ ગ્રજ્યુએટ હતી, ધારત તો તેને પણ સારી જોબ મળી શકે એમ હતું, પણ તેણે ફેમિલીને પ્રાધાન્ય આપ્યું હતું. દેવેને પણ અંજલિને જોબ માટેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી હતી. આ વિશે બંને વચ્ચે ક્યારે ય ચર્ચા ન થતી. બંનેનું લગ્નજીવન, સામાજિક અને કૌટુંબિક જીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતું. જીવનમાં કોઈ કમી નહોતી, પણ, અચાનક દેવેન અને અંજલિના જીવનમાં ધરતીકંપ આવ્યો; આખું ય જીવન કડકડભૂસ થતું લાગ્યું. ડોકટરે દેવેનને જોઈને, તપાસીને બીજા સ્ટેજના કેન્સરનું નિદાન કર્યું હતું.
દેવનનું જીવન એકદમ સાદગી ભર્યું હતું. બહાર જમવાનું પણ પ્રસન્ગોપાત થતું અને ઓફિસમાં કેન્ટીનમાં જમવાના બદલે ઘરેથી ટિફિન લઈ જતો. દેવેન અંજલિને કહેતો “હું, ઓફિસમાં તારું બનાવેલું ટિફિન જમતો હોવ, ત્યારે ઘરે તારી સામે જમતો હોવ એવો અહેસાસ થાય છે.” અંજલિ આ સાંભળીને પ્રેમથી હસીને કહેતી “તમારી જેવી બીજા કોઈને ઓફિસમાં ઘરનું ટિફિન જમતી સમયે આવી લાગણી થાય છે?” ત્યારે દેવેન કહેતો કે “ઓફિસમાં મોટા ભાગના તો ઓફિસની કેન્ટીનમાં જ જમી લે છે. બધાંયના નસીબમાં પ્રેમભરી અંજલિ ન હોય.” ત્યારે અંજલિ મીઠો છણકો કરી શરમાઈને રસોડામાં ચાલી જતી.
દેવેનની આવી સાદી લાઈફ સ્ટાઇલ હોવા છતાં દેવેનની તબિયતમાં ગરબડ શરૂ થઈ ગઈ હતી. તાવ, આંખે ઓછું દેખાવું, ક્યારેક શ્વાસની તકલીફ, પેટની ગરબડ, ઊલટી અને અશક્તિ જેવા ચિહ્નો દેખાવાં લાગ્યાં હતાં. એક દિવસ ફેમિલી ડોક્ટરને બતાવતા તેણે કેટલા ય ટેસ્ટ કરાવ્યા અને અંજલિને કહ્યું, “મારે દેવેનની બાબતમાં તમને થોડીક મહત્ત્વની વાત કરવી છે; તમે મારા ક્લીનિકે એકલા આવજો.” ડોક્ટરે આપેલા સમયે અંજલિ મનમાં ગભરાટ સાથે ડોક્ટરસાહેબને મળવા પહોંચી ગઈ.
ડોક્ટરે કહ્યું, “અંજલિબહેન, મારી વાત શાંતિથી, ધીરજ રાખીને સાંભળજો. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી; હું તમારી સાથે છું; પણ, અત્યારની દેવેનની જે પરિસ્થિતિ છે તે ગંભીર અને ચિંતાજનક મને લાગે છે; ગમે ત્યારે શારીરિક પરિસ્થિતિ બદલાઈ શકે છે. દેવેનને જમણી તરફના ફેફસાંમાં કેન્સરની ગાંઠ છે. અત્યારે રિપોર્ટ જોતાં એ બીજા સ્ટેજમાંથી ત્રીજા સ્ટેજમાં પહોંચવા તરફ જઈ રહ્યું છે. આપણે તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈશું; પણ તમારો પોઝિટિવ સપોર્ટ અને દેવેનનો આત્મવિશ્વાસ જેટલો વધારે તેટલું સારું પરિણામ મળવાની શક્યતા વધારે છે. તમે કોઈ જાતની ચિંતા ન કરતા આપણે ચોક્કસ દેવેનને કેન્સર મુક્ત કરી શકીશું.”
ડોક્ટરસાહેબની વાત સાંભળીને અંજલિના પગતળેથી ધરતી ખસી જતી લાગી હતી. એક ક્ષણ તો અંજલિ ભાંગી પડી, પણ તેને ડોક્ટરસાહેબના શબ્દો યાદ આવ્યા, “અંજલીબહેન, તમારો પોઝિટિવ સપોર્ટ અને દેવેનનો આત્મવિશ્વાસ જેટલો વધારે તેટલું સારું પરિણામ મળવાની શક્યતા વધારે છે.” અંજલિએ દેવેનને ખબર ન પડે તેમ સંપૂર્ણ સપોર્ટ આપવાનું નક્કી કરી કેન્સર સામે લડવા માટે મનને મક્કમ કરી નાખ્યું.
ફેમિલી ડોક્ટરના માર્ગદર્શન નીચે દેવેનની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. ટ્રીટમેન્ટની પ્રોસેસથી દેવેન સમજી ગયો હતો કે તેને કેન્સર જેવો કોઈ રોગ છે. એક વખત તેના હાથમાં રિપોર્ટ આવતા એ સમજી ગયો કે તેને ફેફસાંનું કેન્સર થયું છે. દેવેને નક્કી કર્યું કે મારે એવો વર્તાવ કરવો પડશે કે મને કંઈ જ ખબર નથી. જો અંજલિ મને ભાંગી પડેલો જોશે તો અંજલિ પોતે ભાંગી પડશે અને અંજલિ ભાંગી પડે તો …. તો….. ના, મારે કોઈપણ બીજો વિચાર કર્યા વગર કેન્સરને હરાવવું જ પડશે. હું મારી જીજીવિષા અને જિંદગી જીવવાની તરસને એ ઊંચાઈએ લઈ જઈશ કે ત્યાં કેન્સર તો શું બીજો કોઈ ભયંકર રોગ પણ પહોંચી ન શકે, હારીને પાછો વળી જાય.
અંજલિએ વિચાર્યું હું દેવેનમય બની જઈશ. દેવેનને રોગ વિશે વિચારવાની કોઈ તક જ નહીં આપું. અંજલિ સતત દેવેન સાથે રહેવા લાગી. દેવેનનો આત્મવિશ્વાસ અને રોગ સામે લડવાની ઉર્જા વધારતી રહી; પરિણામે ત્રીજા સ્ટેજમાં જતું કેન્સર અટકી ગયું અને ધીમે ધીમે દેવેનની તબિયતમાં સુધારો થતો ગયો.
ડોક્ટરસાહેબે અંજલિને કહ્યું, “અંજલિબહેન, અમે ઘણા કેન્સરના દર્દીઓ જોયા છે. ઘણા તો કેન્સરનું નામ સાંભળીને જ જીવન જીવવાની, જિંદગીની આશા છોડી દેતા હોય છે. જ્યારે તમારા કેસમાં એથી ઊલટું થયું. મને ખ્યાલ છે ત્યાં સુધી દેવેનને પણ તેને થયેલા ફેફસાંના કેન્સરની ખબર છે. તમે બંનેએ હિંમત હાર્યા વગર કેન્સર સામે લડવાની, નવી જિંદગી જીવવાની તરસ એટલી બધી વધારી દીધી કે આખરે કેન્સરે હારીને તમારી તરસને જોઈને તમારી સામે જિંદગી જીવવા માટેની ભેટ ઘરી દીધી. આજે આપણે દેવેનના આખરી રિપોર્ટ કર્યા. દેવેન સંપૂર્ણપણે ફેફસાંના કેન્સરથી મુક્ત છે; જેનો શ્રેય હું મારી ટ્રીટમેન્ટ કરતાં તમારાં બંનેના કેન્સર સામે લડવાના જોમ અને જુસ્સાને આપું છું. તમારી ધીરજ અને તમારી તરસ જિંદગી જીવવા માટેની હતી તેને આપું છું.”
“અંજલિ, એય અંજલિ, ક્યાં ખોવાઈ ગઈ? આજે આપણે હોસ્પિટલમાં નહીં આપણા ઘરે છીએ. આજ પછી કેન્સર તો શું કોઈપણ જીવલેણ રોગ આપણા ઘર સામે જોવાની હિંમત નહીં કરે.”
“હા એટલે તો અતિતમાં આંટો મારવા ચાલી ગઈ હતી, એ શોધવા કે આપણામાં ઊભી થયેલી તરસ જિંદગી જીવવા માટેની તરસ હતી કે આપણે તરસ જિંદગી જીવવા માટે ઊભી કરી હતી.”
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com