Opinion Magazine
Number of visits: 9681853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્થળાંતરનાં કારણો

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|29 May 2020

વર્ષ ૨૦૦૧ની વસતિ ગણતરીમાં સ્થળાંતરિતોની કુલ સંખ્યા ૩૧.૪૫ કરોડ હતી, જે વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરીમા વધીને ૪૫.૩૬ કરોડ થઈ છે. સ્થળાંતરિતોમાં મહિલાઓનું પ્રમાણ ૭૦ ટકા ઊંચું છે. આશરે ૪૯ ટકા એટલે કે અડધાઅડધ લોકો લગ્નને કારણે સ્થળાંતર કરે છે.

વર્ષ ૨૦૦૧ની વસતિ ગણતરી વખતે કામધંધા અને રોજગારી માટે સ્થળાંતર કરતા લોકોનું પ્રમાણ ૧૪.૪ ટકા હતું, જે વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી વખતે ઘટીને ૧૦.૨ ટકાએ પહોંચ્યું હતું. લગ્ન પછી રહેવાનું ગામ બદલાય તેને પણ તકનિકી દૃષ્ટિએ સ્થળાંતર ગણવામાં આવે છે. એટલે છેલ્લી ત્રણ વસતિ ગણતરીઓથી લગ્ન એ મહિલાઓ માટે સ્થળાંતરનું સૌથી મોટું કારણ ગણાય છે.

વર્ષ ૧૯૮૧-૧૯૯૧માં ૬૫.૯ ટકા મહિલાઓ, ૧૯૯૧-૨૦૦૧માં ૬૪.૯ ટકા મહિલાઓ અને ૨૦૦૧-૨૦૧૧માં ૬૯.૭ ટકા મહિલાઓ પોતે લગ્નને કારણે સ્થળાંતર કર્યું હોવાનું જણાવ્યું હતું. સ્થળાંતર કરનાર કુલ ૧૪ કરોડ પુરુષોમાંથી સૌથી વધુ ત્રણ કરોડ પુરુષોએ સ્થળાંતર માટે ધંધા-રોજગારનું કારણ આપ્યું હતું. વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરીમાં નોંધાયેલા સ્થળાંતરિતોમાંથી ૬૪ ટકા લોકો દસ વર્ષ કરતાં વધુ સમયથી નવી જગ્યાએ વસતાં હતાં.

“ધ હિંદુ”, ડિસેમ્બર ૨, ૨૦૧૬ના અહેવાલને આધારે

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020

Loading

ભારતના સ્થળાંતરિતો : કેટલાક આંકડા, કેટલાક અભ્યાસ

સુશાન્ત સિંઘ આંચલ મૅગેઝિન|Opinion - Opinion|29 May 2020

કોવિડ-૧૯ મહામારીને નાથવા માટે ભારત સરકારે જાહેર કરેલા પ્રથમ તબક્કાના 21 દિવસના લૉક ડાઉનને પગલે લાખો શ્રમજીવીઓએ તેઓ જે પ્રાન્તમાં કામ કરીને પેટિયું રળતા હતાં, ત્યાંથી પોતાના વતન તરફ પ્રયાણ કર્યું. તેમના આ સ્થળાંતરથી દેશનું ધ્યાન સ્થળાંતરિત શ્રમજીવીઓ અર્થાત્ માઇગ્રન્ટસ વર્કર્સ/લેબરર્સ તરફ ખેંચાયું. આપણે આ લેખમાં માઇગ્રન્ટસ-સ્થળાંતરિતો કોણ છે, તેમની સંખ્યા કેટલી છે, તે ક્યાંથી ક્યાં સ્થળાંતર કરે છે, કયાં ક્ષેત્રોમાં કામ કરે છે — એવી બાબતો જોઈએ.

ભારતમાં વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ આંતરિક સ્થળાંતરિતો અર્થાત્ ઇન્ટર્નલ માઇગ્રન્ટસની સંખ્યા 45.36 કરોડ એટલે કે દેશની લોકસંખ્યાના 37 ટકા હતી. આ સંખ્યામાં એક રાજ્યમાંથી બીજાં રાજ્યમાં જનાર તેમ જ એક જ રાજ્યની અંદર સ્થળાંતર કરનારનો પણ સમાવેશ થાય છે. (તેમાં ફક્ત શ્રમિકો જ નહીં, બધા પ્રકારની કામગીરી કરનારા લોકો આવી જાય) અત્યારે જોવા મળતું સ્થળાંતર મુખ્યત્વે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થઈ રહ્યું છે. 2011ની વસતિ ગણતરી મુજબ વર્કફોર્સ એટલે કે (ફક્ત મજૂરીકામ નહીં, તમામ પ્રકારનું) કામ કરનારા લોકોનો આંકડો 48.2 કરોડ હતો. 2016માં તે વધીને 50 કરોડને આંબી ગયો હોવાનો અંદાજ છે. વર્ષ 2016ના ઇકોનૉમિક સર્વે વર્ષ પ્રમાણે, કુલ કામ કરનારામાંથી સ્થળાંતરિતોનો આંકડો 10 કરોડ (એટલે કે કુલ કામ કરનારાના વીસ ટકા) જેટલો છે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર, વર્ષ 2020

આંતરરાજ્ય અથવા ઇન્ટરસ્ટેટ સ્થળાંતરનો કોઈ અધિકૃત ડેટા ઉપલબ્ધ નથી. પણ રિસર્ચ ઍન્ડ  ઇન્ફર્મેશન સિસ્ટમના પ્રોફેસર અમિતાભ કુન્ડુએ વર્ષ 2011ની વસતિ ગણતરી, નેશનલ સૅમ્પલ સર્વે ઑફ ઇન્ડિયાનાં સર્વેક્ષણો અને ઇકૉનૉમિક સર્વેના આધારે તેનો અંદાજ આપ્યો છે. તે પ્રમાણે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરનારાની સંખ્યા વર્ષ 2020માં 6.5 કરોડ છે. તેમાંથી 33 ટકા (આશરે 2.1 કરોડ) કામદારો છે. એ કામદારોમાંથી ઓછામાં ઓછો અંદાજ બાંધીએ તો પણ, છૂટક મજૂરી કરનાર કામદારો – કૅઝ્યુઅલ વર્કર્સ 30 ટકા (આશરે ૬૩ લાખ) છે. બીજા 30 ટકા કાયમી કામ ધરાવે છે, પણ અનૌપચારિક કે અસંગઠિત ક્ષેત્રમાં.

કામદારોના ડેટામાં ન ગણવામાં આવતો સામાજિક સુરક્ષા વિનાનો બીજો એક વર્ગ ફેરિયાઓનો છે. એમની સંખ્યાને પણ જો ઉપર્યુક્ત સંખ્યામાં ઉમેરવામાં આવે તો તેનો અર્થ એ થયો કે 1.2 કરોડથી 1.8 કરોડ લોકો તેમના મૂળ રાજ્યથી અલગ રાજ્યમાં રહે છે અને અત્યારે તેમની પર આવક ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાઇટીઝ (સી.એસ.ડી.એસ.) અને અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનાં એક સંયુક્ત અભ્યાસમાં મૂકવામાં આવેલા અંદાજ મુજબ  ભારતનાં મોટાં શહેરોમાં રોજમદારોનું પ્રમાણ 29 ટકા છે. માટે, પોતાના વતનનાં રાજ્યોમાં પાછા જવાની ઇચ્છા ધરાવતા સમૂહોની વાત થાય તેમાં તેમનો સમાવેશ પણ કરવો રહ્યો.

પ્રોફેસર કુન્ડુના અંદાજ મુજબ દેશના કુલ સ્થળાંતરિતોમાંથી ઉત્તર પ્રદેશના લોકોનું પ્રમાણ 25 ટકા (આશરે 40 લાખથી 60 લાખ લોકો) અને બિહારના લોકોનું પ્રમાણ 14 ટકા (આશરે 18 લાખથી 28 લાખ લોકો) છે. ત્યાર પછીના સ્થાને આવે છે રાજસ્થાન (6 ટકા, 7 લાખથી 10 લાખ લોકો) અને મધ્ય પ્રદેશ (5 ટકા, 6 લાખથી 9 લાખ લોકો). આ તમામ લોકો સ્વાભાવિક રીતે જ પોતપોતાના વતનમાં પાછા જવા ઇચ્છતા હશે.

સ્થળાંતરિતો શું મેળવે છે? શું અનુભવે છે?

વર્ષ 2017થી 2019ના ગાળામાં સી.એસ.ડી.એસ. દ્વારા કરાયેલા એક સર્વેક્ષણનું શીર્ષક છે, ‘પોલિટિક્સ ઍન્ડ સોસાયટી બિટ્વીન ઇલેક્શન્સ’. આ સર્વેક્ષણ મુજબ રોજેરોજ તેમ જ દર અઠવાડિયે પગાર મેળવનારા કામદારોમાંથી 22 ટકા કામદારોની માસિક કૌટુંબિક આવક (હાઉસહોલ્ડ ઇન્કમ) રૂપિયા 2,000 હોય છે, 32 ટકા કામદારોની માસિક કૌટુંબિક આવક રૂપિયા 2000થી રૂપિયા 5000 જેટલી હોય છે  25  ટકા કામદારોની રૂપિયા 5000થી રૂપિયા 10,000 જેટલી, 13 ટકા કામદારોની આવક રૂપિયા 10,000થી રૂપિયા 20,000 જેટલી અને ફક્ત 8 ટકા કામદારોની આવક રૂપિયા 20,000થી વધુ હોય છે.

દિલ્હીની ફેબ્રુઆરી 2020ની ચૂંટણી વખતે સી.એસ.ડી.એસ.એ કરેલાં એક સર્વેક્ષણ મુજબ 20 ટકા ઉત્તરદાતાઓની કૌટુંબિક આવક રૂપિયા 10000થી ઓછી હતી. વળી, આટલી ઓછી આવક ધરાવનારામાં બિહારના સ્થળાંતરિતો 33 ટકા અને ઉત્તર પ્રદેશના 27 ટકા હતા.

અમેરિકાના ટેનિસિ રાજ્યની વૅન્ડરબેલ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર તારીક થાચિલે ‘સરક્યુલર માઇગ્રન્ટ પૉપ્યુલેશન ઑફ ઇન્ડિયા’ વિશે અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન બતાવે છે કે સ્થળાંતરિતો તેમના ગામડાંના જીવનના સાંસ્કૃતિક અનુબંધોને પૂરેપૂરા જાળવી પણ નથી શકતા અને પૂરેપૂરા છોડી પણ નથી શકતા. એટલા માટે શહેરમાં એક વખત તેમની આજીવિકા છીનવાઈ જાય, પછી તે સેંકડો માઇલ ચાલીને પણ તેમનાં ગામડાંનાં ઘરે જવા તૈયાર થઈ જાય છે. તાચિલે તેમના સંશોધન માટે લખનૌનાં 51 બજારોના 2,400 મોસમી સ્થળાંતરિતોનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાંથી એ ઉપસી આવ્યું હતું કે સ્થળાંતરિતોના વતનના અનુભવની સરખામણીમાં તેમના શહેરી જીવનમાં પોલીસ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સર્વેક્ષણના 33 ટકા ઉત્તરદાતાઓએ એક વર્ષના શહેરી જીવન દરમિયાન વ્યક્તિગત રીતે પોલીસની હિંસક કાર્યવાહીનો અનુભવ કર્યો હતો, જ્યારે તેમના ગામડાનાં જીવન દરમિયાન આવો અનુભવ કરનારનું પ્રમાણ 5 ટકાથી પણ ઓછું હતું.

મોટે ભાગે શહેરોમાં સ્થળાંતર

વર્ષ 2011ની વસતિ ગણતરીના ડેટાને આધારે જણાય છે કે લૉક ડાઉન બાદ સ્થળાંતરિતોની મુસીબત દિલ્હી, મુંબઈ અને સુરત જેવાં શહેરોમાં વધુ જોવા મળી. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના પ્રોફેસર ચિન્મય તુમ્બેએ દર્શાવ્યું છે કે દિલ્હીમાં સ્થળાંતરનો દર 43 ટકા છે. એટલે કે, તેના કુલ રહીશોમાંથી ૪૩ ટકા ‘બહારના’ છે. દિલ્હીના સ્થળાંતરિતોમાંથી 88 ટકા બીજાં રાજ્યોમાંથી આવેલા છે. બીજી વિગત એવી છે દિલ્હીમાં વસતા કુલ સ્થળાંતરિતોમાંથી 63 ટકા ગ્રામીણ વિસ્તારોના છે. એ જ રીતે, મુંબઈમાં સ્થળાંતરનો દર 55 ટકા છે, 46 ટકા સ્થળાંતરિતો બીજાં રાજ્યોના છે અને 52 ટકા ગ્રામીણ વિસ્તારોના છે. સુરતમાં સ્થળાંતરનો દર 65 ટકા, 50 ટકા સ્થળાંતરિતો બીજાં રાજ્યોના અને 76 ટકા ગ્રામીણ વિસ્તારોના છે.

પ્રોફેસર તુમ્બેએ એ પણ નોંધ્યું છે કે સ્થળાંતરિતો જે જિલ્લામાંથી આવે છે અને એ જ્યાં પાછા જાય છે એ જિલ્લાને લગતી તેમના વિશેની માહિતી જૂની છે અને તે 1990ના દાયકાના અંદાજ પર આધારિત છે. પ્રોફેસર તુમ્બેના સંશોધનપત્રનું શીર્ષક છે : ‘અર્બનાઇઝેશન, ડેમૉગ્રાફિક ટ્રાન્ઝિશન ઍન્ડ ધ ગ્રોથ ઑફ સિટીઝ ઇન ઇન્ડિયા, 1870-2020’. આ સંશોધનમાં ભારતનાં મોટાં શહેરોમાં ગયેલાં સ્થળાંતરિતોનાં મૂળ ગામને લગતી વિગતો 1990ના દાયકાની છે. કારણ કે 2011ની વસતિ ગણતરીની આ બાબતને લગતી વિગતો જાહેર થઈ નથી.

આ વિગતો મહત્ત્વની છે. કારણ કે તેના પરથી સ્થળાંતરિતોના પાછા ફરવાને કારણે ચેપ ફેલાવાની સંભાવના હોય, એવા જિલ્લા ઓળખીને તેમને હાઇ ઍલર્ટ પર રાખી શકાય. દાખલા તરીકે, ઓડિશાના દરિયાકિનારે આવેલા ગન્જમ જિલ્લાના ઘણા લોકો સુરતમાં કામ કરે છે. પ્રોફેસર તુમ્બેએ નોંધ્યું છે કે ‘એઇડ્સ’નો ફેલાવો સુરતથી બીજે પ્રસર્યો હોય એવા કિસ્સા ભૂતકાળમાં નોંધાયા છે. પ્રો. સિદ્ધાર્થ ચન્દ્રાનો અભ્યાસ બતાવે છે કે 1918ના ઇન્ફ્લુએન્ઝાનો ચેપ પહેલાં વિશ્વયુદ્ધમાં યુરોપમાં લડવા ગયેલા સૈનિકો થકી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ફેલાયો હતો. આ સૈનિકો વહાણમાં બેસીને મુંબઈ તેમ જ મદ્રાસ આવ્યા હતા અને પછી ચેપને તેમનાં ગામોમાં લઈ ગયા હતા.

એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થળાંતર

2016-17ના ઇકોનૉમિક સર્વેમાં સ્થળાંતરની વિગતો મળે છે. તે મુજબ સ્થળાંતરિતો પોતાનાં વતનથી જે શહેર-જિલ્લાઓમાં જાય  છે તેમાંથી કેટલાકનાં નામ આ મુજબ છે : ગુરુગ્રામ, દિલ્હી, મુબઈ;  ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધ નગર, મધ્ય પ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ, કર્ણાટકમાં બેંગલુરુ, તામિલનાડુમાં થિરુવલ્લુર, ચેન્નાઈ, કાન્ચિપુરમ, ઇરોડ અને કોઇમ્બતૂર. 

જે જિલ્લામાંથી સૌથી વધુ સંખ્યામાં શ્રમિકો બીજે જતા હોય તે જિલ્લા આ મુજબ છે. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર, બિજનોર, મુરાદાબાદ, રામપુર, કૌશામ્બી, ફૈઝાબાદ અને બીજા 33 જિલ્લા. ઉત્તરાખંડમાંથી ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટેહરી ગઢવાલ, પૌરી ગઢવાલ, પિથોરગઢ, બાગેશ્વર, અલમોડા અને ચંપાવત. રાજસ્થાનમાં ચુરુ, ઝુન્ઝુનુ અને પાલી. બિહારમાંથી દરભંગા, ગોપાલગંજ, સિવાન, સરન, શેખપુરા, ભોજપુર, બક્સર અને જેહાનાબાદ. ઝારખડમાંથી ધનબાદ, લોહારડાગા અને ગુમલા. મહારાષ્ટ્રમાંથી રત્નાગિરી અને સિંધુદુર્ગ.

હાઉસિંગ ઍન્ડ અર્બન પૉવર્ટી ઍલિવિએશન મંત્રાલયના 2017ના અહેવાલ મુજબ દેશના 17 જિલ્લા એવા છે, જ્યાં કુલ માઇગ્રન્ટસના 25 ટકા પુરુષો બહાર જાય છે. આમાંથી ત્રણ જિલ્લા ઉત્તર પ્રદેશના,  છ બિહારના છે અને એક જિલ્લો ઓડિશાનો છે.

ઇકોનૉમિક સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં સરખામણીમાં ઓછાં વિકસિત રાજ્યોમાંથી સ્થળાંતર કરનારાનું પ્રમાણ મોટું હોય છે, જ્યારે ગોવા, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં બહારથી આવતા સ્થળાંતરિતોનું પ્રમાણ વધારે હોય છે. દિલ્હીમાં સૌથી મોટા પ્રમાણમાં સ્થળાંતરિતો ઊમટે છે. દેશમાં 2015-16માં થયેલા કુલ સ્થળાંતરમાંથી અડધા કરતાં વધુ કામદારો દિલ્હીમાં ગયા હતા. પોતાનું રાજ્ય છોડીને જનારા કુલ સ્થળાંતરિતોમાંથી અડધો અડધ ઉત્તર પ્રદેશ અને બિહારના હોય છે. ઝારખંડ અને મધ્ય પ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અન્ય રાજ્યોમાં જાય છે. જ્યારે મહારાષ્ટ્ર, ગોવા અને તામિલનાડુમાં મોટા પ્રમાણમાં સ્થળાંતરિતો આવે છે. 

‘ધ રિપોર્ટ ઑફ ધ વર્કિંગ ગ્રુપ ઑફ માઇગ્રેશન’ દર્શાવે છે કે મહિલા સ્થળાંતરિતોને સમાવનારું સહુથી મોટું ક્ષેત્ર બાંધકામનું છે. તેમાં શહેરી વિસ્તારોમાં 67 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 73 ટકા સ્થળાંતરિત મહિલાઓ છે. સહુથી વધુ પુરુષ સ્થળાંતરિતોને સમાવનારાં ક્ષેત્રો જાહેર સેવાઓ (પરિવહન, ટપાલ અને જાહેર વ્યવસ્થાપન) તથા આધુનિક સેવાઓ (આર્થિક સેવાઓ, રિઅલ એસ્ટેટ, શિક્ષણ, આરોગ્ય વગેરે). તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 16 ટકા અને શહેરી વિસ્તારોમાં 40 ટકા સ્થળાંતરિતો છે.

[સૌજન્યઃ “ધ ઇન્ડિયન એક્સપ્રેસ”, અનુવાદઃ સંજય શ્રીપાદ ભાવે]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020

Loading

કોવિડ-૧૯નો મુકાબલોઃ હજુ સાચા રસ્તે જવાની તક છે

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|29 May 2020

કોવિડ-19ના કારણે વિશ્વભરમાં શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ ‘ઝૂમ’ એપના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. જો કે આ પ્રકારની શિક્ષણપદ્ધતિ માત્ર યુવાનો માટે નથી. અમારા જેવા પ્રૌઢો માટે પણ તે ઘણી ઉપયોગી નીવડી શકે છે. એટલે જ થોડા સમય પહેલાં મેં દેશના ટોચના આરોગ્ય નિષ્ણાતોના બે કલાકના ડિજિટલ ક્લાસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેનો ફાયદો એ થયો કે વર્તમાન મહામારી વિશે મને વધુ ઊંડાણથી સમજવા મળ્યું, જે પ્રાઇમ ટાઇમની ટી.વી. ચર્ચાઓમાંથી ક્યારે ય ન મળી શકે.

આરોગ્ય નિષ્ણાતોના ડિજિટલ ક્લાસમાં કુલ છ અનુભવી વ્યાવસાયિકો હતાઃ વર્ષો સુધી આરોગ્યક્ષેત્રે કામ કરી ચૂકેલા બે પૂર્વ અધિકારીઓ, સામુદાયિક આરોગ્ય નિષ્ણાત તરીકે જાણીતા બે તબીબો અને યુનિવર્સિટીમાં અધ્યાપન કરાવતા બે તબીબ. આ તમામ વચ્ચે એક સમાનતા હતી. તે બધા ભારતમાં જ રહે છે, તેમનું કાર્યક્ષેત્ર પણ ભારત જ છે, એ લોકો સન્માનનીય વ્યક્તિઓ છે. છતાં, મોદી સરકારે આ તજ્જ્ઞો પાસેથી ક્યારે ય કોઈ જાતની સલાહ લીધી નથી. (આ લેખ પાછળનો ઉદેશ્ય એ જ છે કે સ્થિતિ બદલાય.)

તજ્જ્ઞોના બે કલાકના વર્ગમાંથી ઘણી મહત્ત્વની વાતો મેં નોંધી. મને જે જાણવા-શીખવા મળ્યું તે અહીં સંક્ષિપ્તમાં રજૂ કરું છું. એક વાત સ્પષ્ટ જણાય છે કે, શરૂઆતના લૉક ડાઉને વાઇરસને વધુ ફેલાતો અટકાવી બીમારીને નિયત્રિંત કરી. પરંતુ સરકારે આ સમયનો ઉપયોગ વધુ ટેસ્ટ કરવા, નવાં થનારાં સંભવિત હૉટ સ્પોટને અટકાવવા કે લોકોને સાચી અને વિશ્વસનીય માહિતી આપવા માટે ન કર્યો.

લૉક ડાઉનની સામાજિક અને આર્થિક અસરોની ઘણી ટીકા કરવામાં આવી. કેન્દ્ર સરકારે તેના અણધાર્યા અને ઓચિંતા નિર્ણયથી નાગરિકોની રોજી-રોટી છીનવી લીધી. માત્ર ચાર જ કલાકની નોટિસથી દેશના લાખો શ્રમિકો પોતાના વતનથી દૂર ભોજન, આશ્રય અને રોકડ રકમ વગર રઝળી પડ્યા. જનઆરોગ્યની દૃષ્ટિએ પહેલું લૉક ડાઉન કોઈ પણ જાતના આયોજન વગરનું હતું. માર્ચની મધ્યમાં ઘરે પાછા ફરવા ઈચ્છુક શ્રમિકો કોરોનાથી સંક્રમિત ન હતા. જો તેમને ઘરે જવાનો સમય આપવામાં આવ્યો હોત, તો તે સહીસલામત રીતે ઘરભેગા થઈ શક્યા હોત. આ ભૂલ બહુ મોડેથી સુધારીને, લૉક ડાઉનનાં છ અઠવાડિયા પછી સરકારે સ્પેશિયલ શ્રમિક ટ્રેન શરૂ કરી, ત્યાં સુધીમાં તો વતનવાપસી માટે ઇચ્છુક સેંકડો લોકો સંભવતઃ કોરોનાના વાહક બની ચૂક્યા હતા. કેન્દ્ર સરકાર હવે રાજ્યો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ દેશના ભાગલા પછીની આ સૌથી મોટી માનવસર્જિત આપત્તિની અને કારુણીની  જવાબદારી છેવટે તો વડાપ્રધાનની જ છે. લૉક ડાઉનની કલ્પના અને ત્યાર પછી તેના અમલમાં ચોક્કસ પ્રકારનો વર્ગભેદ ઊડીને આંખે વળગતો હતો. પરિણામે પહેલેથી વ્યાપક રીતે ઘર કરી ગયેલા સામાજિક ભેદભાવનાં મૂળિયાં વધુ ઊંડાં ઊતર્યાં અને મજબૂત થયાં. આવક અને રોજી વિનાના લાખો કામદારો અભાવ અને આર્થિક સંકડામણના આરે આવી ઊભા છે. તેમની પાસે હલકી ગુણવતાનું અને પેટ પૂરતું નહીં એવું ભોજન છે, જેનાથી તે કોવિડ-19નો જ નહીં, બીજી અનેક બીમારીઓનો પણ ભોગ બની શકે છે.

મહામારીના મુકાબલા સંદર્ભે મોદી સરકારે ઘણી બધી ભૂલો કરી છે. તેમની ભૂલોને કારણે સ્થિતિ વધુ વણસી છે. આપણી અર્થવ્યવસ્થા સુસ્ત છે. સામાજિક સૌહાર્દ તણાવગ્રસ્ત છે. આરોગ્યસેવાઓ પર જરૂર કરતાં વધારે બોજ છે. છતાં પણ હજુ કેટલીક એવી બાબતો છે, જેને સરકાર સુધારી શકે છે. આ સંદર્ભમાં જ નિષ્ણાતોનાં પાંચ મહત્ત્વનાં સૂચન છે.

વાઇરસ હજુ ગ્રામીણ વિસ્તારમાં ફેલાયો નથી. આસામ, ઓડિશા અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં ઓછા કેસ છે. જો કે, એવો આત્મસંતોષ લેવાનો કોઈ અર્થ નથી. કેમ કે આગામી દિવસોમાં આ સ્થિતિ બદલાઈ શકે છે. જો આ રાજ્યોમાં કેસ વધશે તો તે રાજ્યોની નબળી આરોગ્ય સેવાઓની પોલ ખુલી જશે.

સરકારે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) સાથે સંકળાયેલા ન હોય તેવા પણ કેટલાક ટોચના મહામારી નિષ્ણાતોની મદદ લેવી જોઈએ. છેલ્લા કેટલાક સમયગાળામાં જે તજ્જ્ઞોએ આપણને HIV, H1N1 અને પોલિયો પર કાબૂ મેળવવામાં મદદ કરી છે, તેમનો સરકારે બિલકુલ સંપર્ક કર્યો નથી. આ નવી મહામારીના મુકાબલા માટે અને તે અંગેની નીતિ ઘડવા માટે તેમનું જ્ઞાન ઉપયોગી સાબિત થઈ શકે. આ  પગલું હજુ પણ લઈ શકાય છે. આ મહામારી માત્ર આરોગ્યને લગતો નહીં, સામાજિક મુદ્દો પણ છે. એ બાબતના પૂરતા સંકેતો મળી રહ્યા છે કે  કોવિડ-19 મહામારી દારુનું સેવન, ઘરેલુ હિંસા, તણાવ, આત્મહત્યા માટેનું કારણ બની રહી છે. તેની સાથે જ મૃત્યુ, ગરીબી, બીમારી, બેરોજગારી પણ આ મહામારીનું અનિવાર્ય પરિણામ છે. એટલે આરોગ્ય નિષ્ણાતો ઉપરાંત પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત એવા અર્થશાસ્રીઓ, સમાજવિજ્ઞાનીઓ અને મનોવિજ્ઞાનીઓ સાથે પણ સરકારે પરામર્શ કરવો જોઈએ.

સરકારે તેના વહીવટના હાલના કન્ટ્રોલ એન્ડ કમાન્ડ (નિયત્રંણ અને નિર્દેશ) માળખા અંગે  ફેરવિચાર કરવો જોઈએ. કેન્દ્રે હાલની સરખામણીમાં રાજ્ય સરકારોનું વધારે સન્માન કરવું જોઈએ. રાજ્યોને ચુકવાનું જેટલુ ભંડોળ બાકી છે, તે ઝડપથી ચૂકવી દેવું જોઈએ. આ ઉપરાંત રાજ્યોને વધારાની રકમ પણ આપવી જોઈએ. કેમ કે મહામારી સામેની લડાઈના મોરચે રાજ્યો જ આગળ છે. કેન્દ્રથી રાજ્યો અને રાજ્યોની રાજધાનીઓથી લઈને પંચાયતો-નગરપાલિકાઓ સુધી શાસનનું અધિક વિકેન્દ્રીકરણ થવું જોઈએ.

ભીલવાડા કે કેરળમાં મળેલી સફળતા નીચેથી ઉપર તરફ જોવાના દૃષ્ટિકોણ અને સશક્ત સ્થાનિક નેતૃત્વનું પરિણામ છે. કમનસીબે મોદી સરકાર તેનું અનુકરણ કરવાને બદલે દ્વેષપૂર્ણ રીતે મહામારીની આડમાં પોતાની તાકાત વધારવામાં પડી છે. વડાપ્રધાનનું ખુદનું ધ્યાન વ્યક્તિગત છબી ચમકાવવામાં છે, તો તેમના ગૃહપ્રધાન સતત રાજ્યો સામે દંડો ઉગામતા રહે છે. નિષ્ણાતોની ચર્ચા દરમિયાન એક નિષ્ણાતને પૂછવામાં આવ્યું કે આગામી દિવસોમાં સરકારે શું કરવું જોઈએ? તો તેમનો જવાબ હતો, “કોવિડ સંબધી મુદા અને નિર્ણયોમાંથી ગૃહ મંત્રાલયને સદંતર બાકાત કરી દેવું જોઈએ."

મહામારી સામે એકસંપ થઈ લડવાની ભાવનાને વધુ દૃઢ બનાવવાની જરૂર છે. મોદી સરકારે તેના છ વરસના શાસનકાળમાં સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) સાથે દુશ્મનીભર્યો અને અવિશ્વાસપૂર્ણ વ્યવહાર કર્યો છે. આ મહામારીથી કદાચ એમની આંખ ખૂલી હશે કે હતાશા ઓછી કરવામાં આ ક્ષેત્ર અગત્યની ભૂમિકા ભજવી શકે છે. લાચાર બનેલા લોકો માટે જમવાની વ્યવસ્થા હોય, આરોગ્યસંબંધી કોઈ સલાહ હોય કે પછી લોકોની રહેવાની વ્યવસ્થા કરીને તેમનું કાઉન્સિલિંગ કરવું હોય. નાગરિક સંગઠનોએ આ મુશ્કેલ ઘડીમાં શ્રેષ્ઠ કામ કર્યું છે.

ભવિષ્ય તરફ નજર નાખતાં એ વાતની હાશ થશે અને આશા બંધાશે કે ઉત્તર અમેરિકા અને યુરોપની સરખામણીમાં આપણી વસતિમાં યુવાનોનું પ્રમાણ વધુ છે. નસીબજોગે ભારતમાં રોગચાળો કદાચ ઓછા લોકોનો જીવ લેશે. એટલે જ કહી શકાય કે સંકટ ટળી ગયા પછી આપણે અર્થવ્યવસ્થા, સમાજ અને આરોગ્યસેવાઓનું વધુ સુરક્ષિત અને સતર્ક રીતે પુનર્ગઠન કરવાની જરૂર છે. એ ત્યારે જ શક્ય છે જ્યારે કેન્દ્ર સરકાર તેની કામ કરવાની શૈલીમાં પરિવર્તન લાવે.

કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સ્વતંત્રતા સાથે ભંડોળ આપતા શીખવું પડશે. તેણે સ્વતંત્ર વિચારોને અને નાગરિક સંગઠનોને કાયમ દબાવ્યા કરવાને બદલે વધુ વિકસવા દેવાં પડશે. આ માટે વડાપ્રધાનની  કાર્યશૈલીમાં પણ મૌલિક પરિવર્તન આવવું જોઈએ. તેમણે બીજાને ધ્યાનથી સાંભળવાની અને વ્યાપક રીતે સલાહ લેવાની જરૂર છે. તેમણે એવા એકતરફી નિર્ણયો ન લેવા જોઈએ જેનાં પરિણામનો અંદાજ તેમને ખુદને જ ન હોય. દેશમાં મોટી સંખ્યામાં એવા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો છે, જેમને વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર કોવિડ પછીની દુનિયાનો કઈ રીતે સામનો કરી શકાય, તેની ચર્ચા માટે નિમંત્રી શકે છે. બેશક, વડાપ્રધાન એટલા ખુલ્લા મનવાળા અને ઉદાર છે કે નહીં તે અલગ મુદ્દો છે.

અનુવાદઃ ગૌતમ ડોડીઆ

e.mail : gautamdodia007@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020

Loading

...102030...2,3752,3762,3772,378...2,3902,4002,410...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved