Opinion Magazine
Number of visits: 9681604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

પારુલ ખખ્ખર|Poetry|30 May 2020

સનસનીખેજ થઈ ખબર સૂતી,
છીનવી બાળનું છતર સૂતી.

આભ ઓઢી ધરાના પાથરણે,
જીવતીજાગતી કબર સૂતી.

પીળ કાઢો ને ચીર ઓઢાડો,
એક નારી લઘર-વઘર સૂતી.

બાળ એનો જીવાડશે એને,
થઈને ઇતિહાસમાં અમર સૂતી.

આપસૌને શરમમાં ડુબાડી,
ભર બજારે શરમ વગર સૂતી.

લે હવે બાઈ, મોક્ષ પામી જા,
આમ ના જો ટગર-ટગર સૂતી.

કોણ તારા મરશિયા લખવાનું?
પેન બેહોશ, બેઅસર સૂતી.

ક્યાંય આઘે નથી બની આ બીના,
લ્યો કવિ, આપને નગર સૂતી.

Loading

મહામારી અને યુવાનોનો રાજનીતિ પ્રત્યેનો અભિગમ

ગૌરાંગ રાવલ, ગૌરાંગ રાવલ|Opinion - Opinion|30 May 2020

વિશ્વ આખું ય સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે યુવાનો પર નિર્ભર છે. યુવાનો જ વિશ્વની રાજનીતિ, આર્થિક પરિસ્થિતિ અને સામાજિક બદલાવ નક્કી કરે છે. ભારત દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે, કેમ કે વિશ્વમાં સૌથી વધુ યુવાનોની વસ્તી ભારત દેશમાં છે. કોવિડ મહામારીની અસર પણ સૌથી વધુ યુવાનો પર પડી છે અને આવનારા સમયમાં એ અસર ખૂબ જ નોંધપાત્ર રીતે જોવા મળશે. કોવિડ મહામારીની યુવાનો પર માનસિક, સામાજિક, આર્થિક અને રાજકીય અસર જોવા મળી રહી છે. માનસિક, સામાજિક અને આર્થિક અસર યુવાનોની રાજકીય સમજ નક્કી કરશે કે નહિ એ અત્યારે કહેવું મુશ્કેલ છે પણ મહામારીના સમયે બહુ જ નોંધપાત્ર સંખ્યામાં યુવાનો રાજકીય નીતિઓ અને કાર્યશૈલી વિષે પોતાનાં મંતવ્યો જણાવતા થયા છે. ઘણા યુવાનો જે મહામારી પહેલાં પોતાના રાજનૈતિક વિચારો ખૂલી રીતે વ્યક્ત કરતા ના હતા તેઓ પણ હવે ખૂલીને પોતાના મંતવ્યનો રજૂ કરતા થયા છે.

અગાઉની પેઢી મહામારી પહેલાં પણ રાજનૈતિક વિચારોમાં પોતાનો અવિશ્વાષ, નારાજગી, અને અસંતોષ વ્યક્ત કરતા હતા પણ છેલ્લા ત્રણ દાયકામાં, ખાસ કરી ને ભારત દેશમાં યુવાનોના માનસ પર  રાજકારણ એ 'એક ગંદો અખાડો' છે તેવું પ્રસ્થાપિત કરી તેમના વિચારો અને તેમના પ્રતિકારને દબાવી દેવામાં આવ્યા છે. પરંતુ કોવિડ મહામારી અને તાળાબંધીની અસર સમાજના દરેક વર્ગ પર થઇ છે ત્યારે યુવાનો પણ રાજકારણ પ્રત્યે પોતાનો અભિગમ બદલી રહ્યા છે.

આ મહામારીમાં સરકારે કેવું કાર્ય કર્યું, શું કરવું જોઈતું હતું, સરકારની ક્યાં ભૂલ થઇ, સરકારની કાર્યશૈલીને લીધે કેટલી અનિશ્તિચતાઓ આવી, હવે આગળ સરકાર શું કરશે, તેનું શું પરિણામ આવશે આવા દરેક મુદ્દા પર યુવાનો ચર્ચા કરતા થયા છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક ક્ષેત્રના નેતાઓનાં કાર્યો અને તેમણે આપેલાં નિવેદનો પર યુવાનો માર્મિક ટિપ્પણીઓ કરતા થયા છે. દરેક રાજકીય પક્ષના આઈ.ટી સેલ દરેક વખતની જેમ આ વખતે પણ ખૂબ સક્રિય છે અને યુવાનોના માનસને પોતાના તરફી વળાય તેવા પ્રચાર ચલાવી રહ્યા છે. પણ આ વખતે અલગ વાત એ છે કે યુવાનો આ પ્રચારથી પ્રભાવિત થયા વગર પોતાના વ્યક્તિગત રાજનૈતિક વિચારો પ્રગટ કરી રહ્યા છે જે મૉટે ભાગે રાજકીય પક્ષોના પ્રચાર કરતાં વિપરીત છે.

જો યુવાનો પોતાનો રાજનૈતિક અભિગમ અને તેને વ્યક્ત કરવાની શરૂઆત કરી રહ્યો છે તો ચોક્કસ સવાલ થાય કે આ બદલાવ શા માટે આવ્યો/આવી રહ્યો છે? તેનાં સચોટ કારણો શોધવા મુશ્કેલ છે પણ સામાન્ય સામાજિક સમજ અને અવલોકનથી અમુક કારણો નોંધી શકાય :

1) સરકારની યુવાનો માટેની નીતિ

વૈશ્વિક મહામારીની અસર ખાસ કરીને યુવાનો પર પડશે અને યુવાનો જ વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે તેવી સમજ દુનિયાની દરેક સરકારને છે. કેટલા ય દેશોમાં યુવાનોનાં માનસિક સ્વાસ્થ્ય અને મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન નંબર શરૂ થઈ છે. યુવાનો તાળાબંધીમાં એકલતા અનુભવી રહ્યા છે, ભવિષ્યની અનિશ્ચિતતા અને પ્રશ્નોનું સમાધાન પરિવારના સભ્યો કે ન્યુઝ ચેનલની ખબરો આપી શકતા નથી. આવા સમયે યુવાનની ઓળખની ગોપનીયતા જળવાઈ રહે અને તેને સલાહ આપી શકે તેવા કોઈ ખાસ પ્રયાસો યુવાનોએ અનુભવ્યા નથી. થોડી યુનિવર્સિટીઓએ સામે ચાલીને કાઉન્સિલિંગ સેલ ઊભા કર્યા છે પણ તે અત્યંત માર્યાદિત રીતે કાર્ય કરે છે. સરકાર દ્વારા યુવાનોનાં માનસિક સ્વાસ્થ્યને બિલકુલ મહત્ત્વ નથી અપાયું એ સ્પષ્ટ રીતે યુવાનો સમજી રહ્યા છે.

2) શ્રમિકોની સ્થિતિ

ભારત દેશે, આઝાદી વખતેના ભાગલા પછી, લગભગ પહેલી વાર આટલા મોટા પ્રમાણમાં શ્રમિકોનું આંતરિક સ્થાનાંતર જોયું છે. ખાસ કરીને યુવાનો માટે આવો અનુભવ અવિશ્વશનીય છે.  યુવાનો ટી.વી. અને સોશિયલ મીડિયાના માધ્યમોથી શ્રમિકોની કપરી હાલત જોઈ રહ્યા છે. કેટલા ય યુવાન શ્રમિકો, જેઓ વેદના અને મુશ્કેલીઓ વેઠી પોતાના વતન પરત ફર્યા છે તેઓ કદી ફરી મોટા શહેરોમાં મજૂરી કરવા નહિ જાય તેવા સોગંદ લઇ રહ્યા છે. યુવાન શ્રમિકો ખૂલીને પોતાને મદદ ન મળી હોવા માટે સરકારની નીતિ પર પ્રશ્નો પૂછી રહ્યા છે તો બીજી તરફ મધ્યમ વર્ગના યુવાનો પણ  શ્રમિકોની દયનીય હાલત માટે સરકાર સામે સવાલ કરી રહ્યા છે. એક નાનું બાળક તેની મૃત માંને રેલવે પ્લેટફોર્મ પર જગાડવાનો પ્રયાસ કરે છે તો બીજી તરફ એક સોળ વર્ષની દીકરી પોતાના પિતાને 1,600 કિલિમીટર સાયકલમાં પોતાને વતન લઇ જાય છે. આવાં અનેક દ્રશ્યોએ યુવાનોને વ્યથિત કરી દીધા છે. સરકારી ટ્રેન રસ્તો ભૂલી જાય અને મંત્રીઓ તેનો ગોળમોળ જવાબ આપે જ્યારે બીજી બાજુ સોનુ સૂદ જેવા બૉલીવુડ સ્ટાર એકલા હાથે હજારો શ્રમિકોને કોઈ પણ તકલીફ વિના સુરક્ષિત પોતાને વતન મોકલાવે ત્યારે યુવાનો ખૂલીને પ્રશ્નો કરતા થયા છે કે જો સોનુ સૂદ આ કાર્ય એકલે હાથે કરી શકતો હોય તો સરકાર ચાહે તો શું કરી શકી હોત ?

3) અવિશ્વાસ

24મી માર્ચે જ્યારે દેશમાં તાળાબંધી જાહેર થઇ ત્યારે દેશને મોટા ભાગના નાગરિકોએ આ નિર્ણયનું અભિવાદન કર્યું હતું. યુવાનોએ તો ઉમંગભેર બાલ્કનીઓમાં થાળીઓ પણ વગાડી અને દીવાઓ પણ પ્રગટાવ્યા. શરૂઆતના તબક્કામાં જે પણ માહિતી મળતી તે માહિતી યુવાનોએ માની લીધી પણ ધીમે ધીમે ખોટા સમાચારો(ફેક ન્યુઝ)ની શરૂઆત થઇ. કોવિડની રસી શોધાઈ ગઈ છે, કોઈ એક સમાજ ભારતમાં કોવિડ ફેલાવવા માટે જવાબદાર છે, માખી પણ કોવિડ વાઇરસ ફેલાવે છે, મે મહિનાના તડકાથી કોવિડનાં જીવાણુઓ નાશ પામશે, આ વાયરસ યુવાનોને ઓછો અસર કરશે, મેલેરિયા માટે વપરાતી હાઈડ્રોકસિકલોરોકવીન દવાથી વાયરસ મટાડી શકાય જેવા કેટલા ય ખોટા સંદેશાઓથી યુવાનો વધુ અને વધુ મૂંઝવણમાં મુકાયા.

અમિતાભ બચ્ચન એવું ટ્વીટ કરે કે માખી પણ વાયરસ ફેલાવી શકે છે તો મોટા ભાગના યુવાનો આ માહિતીને સાચી જ માનવાના. કોઈ એક નેતાએ તો ‘ગો … કોરોનો ગો ..' ગીત પણ રજૂ કર્યું જે કેટલા ય યુવાનોએ સાચું માની, થાળી વગાડતાં વગાડતાં ગયું પણ ખરું. પણ ન તો અમિતાભ બચ્ચનની માહિતી સાચી પડી કે ન 'ગો કોરોના ગો' ગીત ગાવાથી કોરોના દેશ છોડી જતો રહ્યો. સરકાર દ્વારા આવી ખોટી માહિતીને અટકાવવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાયા અને આવી માહિતીનો વ્યાપ વધતો જ ગયો. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ શરૂઆતમાં જાહેરાત કરી કે લોકોએ માસ્ક પહેરવો જરૂરી નથી, માત્ર જે લોકો કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવ્યા છે તેઓ જ માસ્ક પહેરે. બે મહિના પછી આખા ય ગુજરાતમાં માસ્ક પહેરવું સરકારે અનિવાર્ય કરી નાખ્યું. તાળાબંધીના શરૂઆતના તબ્બકાઓમાં આશ્વાશન આપવામાં આવ્યું હતું કે જીવન જરૂરી વસ્તુઓ ચોક્કસ મળી રહેશે અને અચાનક એક સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે જાહેર કર્યું કે એક અઠવાડિયા માટે દવા અને દૂધ સિવાય બીજું બધું જ બંધ રહેશે. લોકો એ દિવસે સાંજે એટલા ગભરાઈ ગયા કે કરિયાણાની દુકાને ભીડ ઊભી થઇ. સરકાર દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશ અને આશ્વાસન  પર જ સવાલ ઊભા થવા લાગ્યા.

અને સૌથી મહત્ત્વની ઘટના એ બની કે જ્યારે યુવાનો સાચી અને ખોટી માહિતી સમજવા ઝઝૂમી રહ્યા હતા ત્યારે ગુજરાત સરકારે આધિકારિક પ્રેસ કોન્ફરન્સ જ બંધ કરી દીધી. એટલે સરકાર તરફતથી મળતી આધિકારિક માહિતી જ બંધ થઇ ગઈ. યુવાનો સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે ચોક્કસ અને સ્પષ્ટ માહિતી તેમને મળે પરંતુ તેનાથી વિપરીત અભિગમને કારણે યુવાનોમાં વિશ્વાસ અને અનિશ્ચિતતાઓ ઊભી થઇ છે.

4) પ્રાથમિકતાઓની સમજ

યુવાનો ભલે સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજને ન સમજી શક્યા હોય પણ દેશની પ્રાથમિકતાઓને તો ચોક્કસ સમજી રહ્યા છે. યુવાનો પહેલેથી જ અર્થતંત્ર, નોકરી અને રોજગારને લઇને ચિંતિત હતા ત્યાં આ મહામારીએ તેમને આરોગ્ય, જીવનિર્વાહ માટેના વેતન, મૂળભૂત આવક, ભવિષ્યમાં મહામારી સામે લડવાની સજ્જતા માટેની નીતિઓ, સંશોધનો અને વૈજ્ઞાનિક પ્રગતિને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે. કેટલા ય યુવાનો સીધી રીતે પ્રશ્નો કરે છે કે સરકારે મહોત્સવો અને પ્રોગ્રામો કરવા કરતાં હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો પર ખર્ચ કરવાની જરૂર છે. યુવાનો આરોગ્ય માટેની આધારભૂત વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની શરૂ કરી રહ્યા છે. મોટા મોટા સ્ટેડિયમ કે બિલ્ડીંગો કરતાં તેઓ આરોગ્યના મૂળભૂત માળખાં વિકસાવવામાં ગૌરવ લેવાનું પસંદ કરી રહ્યા છે.

આ સિવાય પણ બીજાં કારણો હોઈ શકે જેથી યુવાનો હવે રાજનૈતિક વિચારો વ્યક્ત કરવા લાગ્યા છે. યુવાનોની બદલતી સમજ, પ્રાથમિકતાઓ અને પ્રશ્નો ચોક્કસ રીતે રાજકીય વિચારોમાં બહાર આવી રહ્યા છે પણ શું તે લાંબા સમય સુધી રહેશે? બની શકે કે લાંબા ગાળે આજના યુવાનો અગાઉની પેઢીની જેમ રાજકીય માળખા પ્રત્યે નિરસ થઇ જાય. એવું પણ બને કે યુવાનો જે કઈ પણ મહામારીમાં અનુભવી રહ્યા છે તે અનુભવો તેમને કોઈ એક ચોક્કસ રાજકીય વિચારસરણી તરફ લઇ જાય. હાલમાં દેશમાં કોઈ મોટી ચૂંટણી નથી જે દેશના મોટા ભાગના યુવાનોનો મિજાજ પારખી શકે. એટલે યુવાનોની રાજકીય વિચારસરણી કઈ રીતે ઊભી થાય છે એ કહેવું મુશ્કેલ છે પણ જે રીતે યુવાનો કોવિડ મહામારીને રાજનીતિક પરિપેક્ષમાં જોઈ રહ્યા છે તેથી ચોક્કસ રીતે કહી શકાય કે યુવાનોનો રાજકારણ માટેનો અભિગમ બદલી રહ્યો છે.

e.mail : raval.gaurang@gmail.com

Loading

ભારતના સ્થળાંતરિતો : કેટલાક આંકડા, કેટલાક અભ્યાસ

સુશાન્ત સિંઘ આંચલ મૅગેઝિન|Opinion - Opinion|29 May 2020

કોવિડ-૧૯ મહામારીને નાથવા માટે ભારત સરકારે જાહેર કરેલા પ્રથમ તબક્કાના 21 દિવસના લૉક ડાઉનને પગલે લાખો શ્રમજીવીઓએ તેઓ જે પ્રાન્તમાં કામ કરીને પેટિયું રળતા હતાં, ત્યાંથી પોતાના વતન તરફ પ્રયાણ કર્યું. તેમના આ સ્થળાંતરથી દેશનું ધ્યાન સ્થળાંતરિત શ્રમજીવીઓ અર્થાત્ માઇગ્રન્ટસ વર્કર્સ/લેબરર્સ તરફ ખેંચાયું. આપણે આ લેખમાં માઇગ્રન્ટસ-સ્થળાંતરિતો કોણ છે, તેમની સંખ્યા કેટલી છે, તે ક્યાંથી ક્યાં સ્થળાંતર કરે છે, કયાં ક્ષેત્રોમાં કામ કરે છે — એવી બાબતો જોઈએ.

ભારતમાં વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ આંતરિક સ્થળાંતરિતો અર્થાત્ ઇન્ટર્નલ માઇગ્રન્ટસની સંખ્યા 45.36 કરોડ એટલે કે દેશની લોકસંખ્યાના 37 ટકા હતી. આ સંખ્યામાં એક રાજ્યમાંથી બીજાં રાજ્યમાં જનાર તેમ જ એક જ રાજ્યની અંદર સ્થળાંતર કરનારનો પણ સમાવેશ થાય છે. (તેમાં ફક્ત શ્રમિકો જ નહીં, બધા પ્રકારની કામગીરી કરનારા લોકો આવી જાય) અત્યારે જોવા મળતું સ્થળાંતર મુખ્યત્વે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થઈ રહ્યું છે. 2011ની વસતિ ગણતરી મુજબ વર્કફોર્સ એટલે કે (ફક્ત મજૂરીકામ નહીં, તમામ પ્રકારનું) કામ કરનારા લોકોનો આંકડો 48.2 કરોડ હતો. 2016માં તે વધીને 50 કરોડને આંબી ગયો હોવાનો અંદાજ છે. વર્ષ 2016ના ઇકોનૉમિક સર્વે વર્ષ પ્રમાણે, કુલ કામ કરનારામાંથી સ્થળાંતરિતોનો આંકડો 10 કરોડ (એટલે કે કુલ કામ કરનારાના વીસ ટકા) જેટલો છે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર, વર્ષ 2020

આંતરરાજ્ય અથવા ઇન્ટરસ્ટેટ સ્થળાંતરનો કોઈ અધિકૃત ડેટા ઉપલબ્ધ નથી. પણ રિસર્ચ ઍન્ડ  ઇન્ફર્મેશન સિસ્ટમના પ્રોફેસર અમિતાભ કુન્ડુએ વર્ષ 2011ની વસતિ ગણતરી, નેશનલ સૅમ્પલ સર્વે ઑફ ઇન્ડિયાનાં સર્વેક્ષણો અને ઇકૉનૉમિક સર્વેના આધારે તેનો અંદાજ આપ્યો છે. તે પ્રમાણે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરનારાની સંખ્યા વર્ષ 2020માં 6.5 કરોડ છે. તેમાંથી 33 ટકા (આશરે 2.1 કરોડ) કામદારો છે. એ કામદારોમાંથી ઓછામાં ઓછો અંદાજ બાંધીએ તો પણ, છૂટક મજૂરી કરનાર કામદારો – કૅઝ્યુઅલ વર્કર્સ 30 ટકા (આશરે ૬૩ લાખ) છે. બીજા 30 ટકા કાયમી કામ ધરાવે છે, પણ અનૌપચારિક કે અસંગઠિત ક્ષેત્રમાં.

કામદારોના ડેટામાં ન ગણવામાં આવતો સામાજિક સુરક્ષા વિનાનો બીજો એક વર્ગ ફેરિયાઓનો છે. એમની સંખ્યાને પણ જો ઉપર્યુક્ત સંખ્યામાં ઉમેરવામાં આવે તો તેનો અર્થ એ થયો કે 1.2 કરોડથી 1.8 કરોડ લોકો તેમના મૂળ રાજ્યથી અલગ રાજ્યમાં રહે છે અને અત્યારે તેમની પર આવક ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાઇટીઝ (સી.એસ.ડી.એસ.) અને અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનાં એક સંયુક્ત અભ્યાસમાં મૂકવામાં આવેલા અંદાજ મુજબ  ભારતનાં મોટાં શહેરોમાં રોજમદારોનું પ્રમાણ 29 ટકા છે. માટે, પોતાના વતનનાં રાજ્યોમાં પાછા જવાની ઇચ્છા ધરાવતા સમૂહોની વાત થાય તેમાં તેમનો સમાવેશ પણ કરવો રહ્યો.

પ્રોફેસર કુન્ડુના અંદાજ મુજબ દેશના કુલ સ્થળાંતરિતોમાંથી ઉત્તર પ્રદેશના લોકોનું પ્રમાણ 25 ટકા (આશરે 40 લાખથી 60 લાખ લોકો) અને બિહારના લોકોનું પ્રમાણ 14 ટકા (આશરે 18 લાખથી 28 લાખ લોકો) છે. ત્યાર પછીના સ્થાને આવે છે રાજસ્થાન (6 ટકા, 7 લાખથી 10 લાખ લોકો) અને મધ્ય પ્રદેશ (5 ટકા, 6 લાખથી 9 લાખ લોકો). આ તમામ લોકો સ્વાભાવિક રીતે જ પોતપોતાના વતનમાં પાછા જવા ઇચ્છતા હશે.

સ્થળાંતરિતો શું મેળવે છે? શું અનુભવે છે?

વર્ષ 2017થી 2019ના ગાળામાં સી.એસ.ડી.એસ. દ્વારા કરાયેલા એક સર્વેક્ષણનું શીર્ષક છે, ‘પોલિટિક્સ ઍન્ડ સોસાયટી બિટ્વીન ઇલેક્શન્સ’. આ સર્વેક્ષણ મુજબ રોજેરોજ તેમ જ દર અઠવાડિયે પગાર મેળવનારા કામદારોમાંથી 22 ટકા કામદારોની માસિક કૌટુંબિક આવક (હાઉસહોલ્ડ ઇન્કમ) રૂપિયા 2,000 હોય છે, 32 ટકા કામદારોની માસિક કૌટુંબિક આવક રૂપિયા 2000થી રૂપિયા 5000 જેટલી હોય છે  25  ટકા કામદારોની રૂપિયા 5000થી રૂપિયા 10,000 જેટલી, 13 ટકા કામદારોની આવક રૂપિયા 10,000થી રૂપિયા 20,000 જેટલી અને ફક્ત 8 ટકા કામદારોની આવક રૂપિયા 20,000થી વધુ હોય છે.

દિલ્હીની ફેબ્રુઆરી 2020ની ચૂંટણી વખતે સી.એસ.ડી.એસ.એ કરેલાં એક સર્વેક્ષણ મુજબ 20 ટકા ઉત્તરદાતાઓની કૌટુંબિક આવક રૂપિયા 10000થી ઓછી હતી. વળી, આટલી ઓછી આવક ધરાવનારામાં બિહારના સ્થળાંતરિતો 33 ટકા અને ઉત્તર પ્રદેશના 27 ટકા હતા.

અમેરિકાના ટેનિસિ રાજ્યની વૅન્ડરબેલ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર તારીક થાચિલે ‘સરક્યુલર માઇગ્રન્ટ પૉપ્યુલેશન ઑફ ઇન્ડિયા’ વિશે અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન બતાવે છે કે સ્થળાંતરિતો તેમના ગામડાંના જીવનના સાંસ્કૃતિક અનુબંધોને પૂરેપૂરા જાળવી પણ નથી શકતા અને પૂરેપૂરા છોડી પણ નથી શકતા. એટલા માટે શહેરમાં એક વખત તેમની આજીવિકા છીનવાઈ જાય, પછી તે સેંકડો માઇલ ચાલીને પણ તેમનાં ગામડાંનાં ઘરે જવા તૈયાર થઈ જાય છે. તાચિલે તેમના સંશોધન માટે લખનૌનાં 51 બજારોના 2,400 મોસમી સ્થળાંતરિતોનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાંથી એ ઉપસી આવ્યું હતું કે સ્થળાંતરિતોના વતનના અનુભવની સરખામણીમાં તેમના શહેરી જીવનમાં પોલીસ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સર્વેક્ષણના 33 ટકા ઉત્તરદાતાઓએ એક વર્ષના શહેરી જીવન દરમિયાન વ્યક્તિગત રીતે પોલીસની હિંસક કાર્યવાહીનો અનુભવ કર્યો હતો, જ્યારે તેમના ગામડાનાં જીવન દરમિયાન આવો અનુભવ કરનારનું પ્રમાણ 5 ટકાથી પણ ઓછું હતું.

મોટે ભાગે શહેરોમાં સ્થળાંતર

વર્ષ 2011ની વસતિ ગણતરીના ડેટાને આધારે જણાય છે કે લૉક ડાઉન બાદ સ્થળાંતરિતોની મુસીબત દિલ્હી, મુંબઈ અને સુરત જેવાં શહેરોમાં વધુ જોવા મળી. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના પ્રોફેસર ચિન્મય તુમ્બેએ દર્શાવ્યું છે કે દિલ્હીમાં સ્થળાંતરનો દર 43 ટકા છે. એટલે કે, તેના કુલ રહીશોમાંથી ૪૩ ટકા ‘બહારના’ છે. દિલ્હીના સ્થળાંતરિતોમાંથી 88 ટકા બીજાં રાજ્યોમાંથી આવેલા છે. બીજી વિગત એવી છે દિલ્હીમાં વસતા કુલ સ્થળાંતરિતોમાંથી 63 ટકા ગ્રામીણ વિસ્તારોના છે. એ જ રીતે, મુંબઈમાં સ્થળાંતરનો દર 55 ટકા છે, 46 ટકા સ્થળાંતરિતો બીજાં રાજ્યોના છે અને 52 ટકા ગ્રામીણ વિસ્તારોના છે. સુરતમાં સ્થળાંતરનો દર 65 ટકા, 50 ટકા સ્થળાંતરિતો બીજાં રાજ્યોના અને 76 ટકા ગ્રામીણ વિસ્તારોના છે.

પ્રોફેસર તુમ્બેએ એ પણ નોંધ્યું છે કે સ્થળાંતરિતો જે જિલ્લામાંથી આવે છે અને એ જ્યાં પાછા જાય છે એ જિલ્લાને લગતી તેમના વિશેની માહિતી જૂની છે અને તે 1990ના દાયકાના અંદાજ પર આધારિત છે. પ્રોફેસર તુમ્બેના સંશોધનપત્રનું શીર્ષક છે : ‘અર્બનાઇઝેશન, ડેમૉગ્રાફિક ટ્રાન્ઝિશન ઍન્ડ ધ ગ્રોથ ઑફ સિટીઝ ઇન ઇન્ડિયા, 1870-2020’. આ સંશોધનમાં ભારતનાં મોટાં શહેરોમાં ગયેલાં સ્થળાંતરિતોનાં મૂળ ગામને લગતી વિગતો 1990ના દાયકાની છે. કારણ કે 2011ની વસતિ ગણતરીની આ બાબતને લગતી વિગતો જાહેર થઈ નથી.

આ વિગતો મહત્ત્વની છે. કારણ કે તેના પરથી સ્થળાંતરિતોના પાછા ફરવાને કારણે ચેપ ફેલાવાની સંભાવના હોય, એવા જિલ્લા ઓળખીને તેમને હાઇ ઍલર્ટ પર રાખી શકાય. દાખલા તરીકે, ઓડિશાના દરિયાકિનારે આવેલા ગન્જમ જિલ્લાના ઘણા લોકો સુરતમાં કામ કરે છે. પ્રોફેસર તુમ્બેએ નોંધ્યું છે કે ‘એઇડ્સ’નો ફેલાવો સુરતથી બીજે પ્રસર્યો હોય એવા કિસ્સા ભૂતકાળમાં નોંધાયા છે. પ્રો. સિદ્ધાર્થ ચન્દ્રાનો અભ્યાસ બતાવે છે કે 1918ના ઇન્ફ્લુએન્ઝાનો ચેપ પહેલાં વિશ્વયુદ્ધમાં યુરોપમાં લડવા ગયેલા સૈનિકો થકી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ફેલાયો હતો. આ સૈનિકો વહાણમાં બેસીને મુંબઈ તેમ જ મદ્રાસ આવ્યા હતા અને પછી ચેપને તેમનાં ગામોમાં લઈ ગયા હતા.

એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થળાંતર

2016-17ના ઇકોનૉમિક સર્વેમાં સ્થળાંતરની વિગતો મળે છે. તે મુજબ સ્થળાંતરિતો પોતાનાં વતનથી જે શહેર-જિલ્લાઓમાં જાય  છે તેમાંથી કેટલાકનાં નામ આ મુજબ છે : ગુરુગ્રામ, દિલ્હી, મુબઈ;  ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધ નગર, મધ્ય પ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ, કર્ણાટકમાં બેંગલુરુ, તામિલનાડુમાં થિરુવલ્લુર, ચેન્નાઈ, કાન્ચિપુરમ, ઇરોડ અને કોઇમ્બતૂર. 

જે જિલ્લામાંથી સૌથી વધુ સંખ્યામાં શ્રમિકો બીજે જતા હોય તે જિલ્લા આ મુજબ છે. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર, બિજનોર, મુરાદાબાદ, રામપુર, કૌશામ્બી, ફૈઝાબાદ અને બીજા 33 જિલ્લા. ઉત્તરાખંડમાંથી ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટેહરી ગઢવાલ, પૌરી ગઢવાલ, પિથોરગઢ, બાગેશ્વર, અલમોડા અને ચંપાવત. રાજસ્થાનમાં ચુરુ, ઝુન્ઝુનુ અને પાલી. બિહારમાંથી દરભંગા, ગોપાલગંજ, સિવાન, સરન, શેખપુરા, ભોજપુર, બક્સર અને જેહાનાબાદ. ઝારખડમાંથી ધનબાદ, લોહારડાગા અને ગુમલા. મહારાષ્ટ્રમાંથી રત્નાગિરી અને સિંધુદુર્ગ.

હાઉસિંગ ઍન્ડ અર્બન પૉવર્ટી ઍલિવિએશન મંત્રાલયના 2017ના અહેવાલ મુજબ દેશના 17 જિલ્લા એવા છે, જ્યાં કુલ માઇગ્રન્ટસના 25 ટકા પુરુષો બહાર જાય છે. આમાંથી ત્રણ જિલ્લા ઉત્તર પ્રદેશના,  છ બિહારના છે અને એક જિલ્લો ઓડિશાનો છે.

ઇકોનૉમિક સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં સરખામણીમાં ઓછાં વિકસિત રાજ્યોમાંથી સ્થળાંતર કરનારાનું પ્રમાણ મોટું હોય છે, જ્યારે ગોવા, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં બહારથી આવતા સ્થળાંતરિતોનું પ્રમાણ વધારે હોય છે. દિલ્હીમાં સૌથી મોટા પ્રમાણમાં સ્થળાંતરિતો ઊમટે છે. દેશમાં 2015-16માં થયેલા કુલ સ્થળાંતરમાંથી અડધા કરતાં વધુ કામદારો દિલ્હીમાં ગયા હતા. પોતાનું રાજ્ય છોડીને જનારા કુલ સ્થળાંતરિતોમાંથી અડધો અડધ ઉત્તર પ્રદેશ અને બિહારના હોય છે. ઝારખંડ અને મધ્ય પ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અન્ય રાજ્યોમાં જાય છે. જ્યારે મહારાષ્ટ્ર, ગોવા અને તામિલનાડુમાં મોટા પ્રમાણમાં સ્થળાંતરિતો આવે છે. 

‘ધ રિપોર્ટ ઑફ ધ વર્કિંગ ગ્રુપ ઑફ માઇગ્રેશન’ દર્શાવે છે કે મહિલા સ્થળાંતરિતોને સમાવનારું સહુથી મોટું ક્ષેત્ર બાંધકામનું છે. તેમાં શહેરી વિસ્તારોમાં 67 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 73 ટકા સ્થળાંતરિત મહિલાઓ છે. સહુથી વધુ પુરુષ સ્થળાંતરિતોને સમાવનારાં ક્ષેત્રો જાહેર સેવાઓ (પરિવહન, ટપાલ અને જાહેર વ્યવસ્થાપન) તથા આધુનિક સેવાઓ (આર્થિક સેવાઓ, રિઅલ એસ્ટેટ, શિક્ષણ, આરોગ્ય વગેરે). તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 16 ટકા અને શહેરી વિસ્તારોમાં 40 ટકા સ્થળાંતરિતો છે.

[સૌજન્યઃ “ધ ઇન્ડિયન એક્સપ્રેસ”, અનુવાદઃ સંજય શ્રીપાદ ભાવે]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020

Loading

...102030...2,3732,3742,3752,376...2,3802,3902,400...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved