Opinion Magazine
Number of visits: 9966051
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—55

દીપક મહેતા|Opinion - Opinion|1 August 2020

આજથી બરાબર સો વરસ પહેલાંની એ રાતની વાત

લોકમાન્ય ટિળકની સ્મશાનયાત્રામાં ગાંધીજી ઉઘાડે પગે ચાલ્યા હતા

‘સ્વરાજ્ય નહિ મળે ત્યાં સુધી હિન્દુસ્તાન સુખી અને સમૃદ્ધ નહિ થાય’

સમય : આજથી બરાબર સો વરસ પહેલાંની રાત.

સ્થળ : મુંબઈના કર્ણાક બંદર રોડ પર આવેલું એક મકાન, નામે સરદાર ગૃહ.

૧૯૨૦ના જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ વિદાય લેવાની તૈયારીમાં છે. સરદાર ગૃહ નામના મકાનના ગેસ્ટ હાઉસના એક રૂમની બહાર કેટલાક લોકો ઊભા છે. કોઈ કશું બોલતું નથી. દરેકની નજર નીચે ઢળેલી છે. મન ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યું છે. રાતના બાર વાગવાને હજી થોડી વાર છે. ત્યાં જ એ ઓરડાનાં બારણાં ખૂલે છે. ડો. આર.એચ. ભાંડારકર, ડો. જી.વી. દેશમુખ, ડો. ડી.ડી. સાઠે, અને ડો. સી.આર. આઠવલે ધીમે પગલે બહાર આવે છે. ત્યાં હાજર હતા એ સૌની નજર હવે તેમના તરફ મંડાયેલી છે. પણ ડોક્ટરોની નજર નીચી ઢળેલી છે. ધીમેથી, જાણે પોતાને જ કહેતા હોય તેમ એક ડોક્ટર બોલે છે : ‘અમારાથી બને તે બધું કરી છૂટ્યા છીએ. હવે એમને અમે બચાવી શકીએ તેમ નથી.’

લોકમાન્ય ટિળકનો પાર્થિવ દેહ

અને લોકમાન્ય બાળગંગાધર ટિળકને ખાટલામાંથી ઊંચકીને ભોંય પર સુવડાવવામાં આવે છે. પગે લોઢાની સાંકળ બાંધી હોય તેવી રીતે મિનિટો પસાર થાય છે, લગભગ એક કલાક સુધી. પહેલી ઓગસ્ટ, ૧૯૨૦ની વહેલી સવારે ૧૨:૫૦ વાગ્યે લોકમાન્ય છેવટની વિદાય લે છે. સરદાર ગૃહની લગભગ સામે જ મુંબઈના પોલિસ કમિશ્નરની ઓફિસ આવેલી છે. છેલ્લા થોડા દિવસથી તેમણે સરદાર ગૃહની આસપાસ ચોકી પહેરો તો વધારી દીધો છે અને પોતાના ખબરીઓને મુફતીમાં ગોઠવી દીધા છે. ટિળકના અવસાનના ખબર મળતાં જ પોલિસ કમિશ્નર પહેલું કામ કરે છે આ ખબર ગવર્નર સર જ્યોર્જ લોઈડને તારથી મોકલવાનું. એ વખતે ગવર્નર પૂનામાં હતા. તેમની ઓફિસને તાર મળતાં જ ભર રાતે ગવર્નર સાહેબને જગાડીને ખબર આપવામાં આવે છે. અને મુંબઈ-પૂના વચ્ચે સરકારી ટેલિફોનની ઘંટડીઓ રણકવા લાગે છે.

પૂના સુધી ખબર પહોંચી ગયા છે, પણ મુંબઈમાં ઘણાખરા લોકો હજી ગાઢ નિદ્રામાં છે. પણ જેમ જેમ રાત વીતતી જાય છે તેમ તેમ મોબાઈલ કે ઇન્ટરનેટ વગરના એ જમાનામાં પણ લોકોમાં ખબર ફેલાય છે : ‘લોકમાન્ય કૈલાસવાસી ઝાલે.’ અને સરદાર ગૃહની બહાર લોકો ભેગા થવા લાગ્યા. પહેલે માળે જઈને છેલ્લાં દર્શન કરવા લાગ્યા. પણ આઠ વાગ્યા સુધીમાં તો ભીડ એટલી વધી ગઈ કે કોઈને માટે ઉપર જવાનું શક્ય જ ન રહ્યું. એટલે ટિળકના પાર્થિવ દેહને મકાનની બાલ્કનીમાં એવી રીતે ગોઠવવામાં આવ્યો કે રસ્તા પરથી જ બધા લોકો દર્શન કરી શકે. બીજી બાજુ, અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર અંગે વિચારવાનું શરૂ થયું. એ વખતના મુંબઈના બે આગેવાનો સર ઈબ્રાહિમ રહીમતુલ્લા અને રુસ્તમ પેસ્તનજી મસાણીને નામદાર ગવર્નર સાથે સારો સંબંધ. સવાર પડી એટલે બંનેએ વારા ફરતી ગવર્નરને ફોન જોડ્યા, ટિળકના અંતિમ સંસ્કાર ગિરગામ ચોપાટીની રેતભૂમિ પર કરવા માટે ખાસ મંજૂરી આપવા વિનંતી કરી. કારણ હજારો નહીં, પણ લાખો લોકો હાજર રહેશે, અને તેમને સોનાપુરની સ્મશાનભૂમિમાં તો કોઈ રીતે સમાવી નહિ શકાય. ગવર્નરે પોતાના સલાહકારો સાથે વાટાઘાટ કરી. પછી જણાવ્યું કે બે શરત માન્ય હોય તો મંજૂરી મળશે. પહેલી શરત એ કે એ ભૂમિ પર કાયમી સ્મારક રચવાની મંજૂરી આપવામાં નહીં આવે. અને ભવિષ્યમાં આ મંજૂરી દાખલા તરીકે ટાંકીને બીજી કોઈ વ્યક્તિ માટે આવી મંજૂરી માગવામાં નહિ આવે.

સરદાર ગૃહથી સ્મશાનયાત્રાની શરૂઆત (ચિત્ર)

પૂનાથી બે સ્પેશિયલ ટ્રેનમાં ટિળકના ચાહકો મુંબઈ આવી પહોંચ્યા. તેમણે માગણી કરી કે ટિળકના અંતિમ સંસ્કાર પૂનામાં કરવા જોઈએ, મુંબઈમાં નહિ. પણ થોડી દલીલબાજી પછી તેમને સમજાવી લેવામાં આવ્યા. બપોરે એક વાગ્યે સરદારગૃહથી સ્મશાનયાત્રા નીકળશે અને ગિરગામ ચોપાટી જશે એ ખબર મળતાં જ લોકો રસ્તાઓ પર ઉભરાવા લાગ્યા. રવિવાર હતો એટલે ઘણીખરી ઓફિસો તો બંધ હતી. પણ જે દુકાનો ખુલ્લી હતી તે પણ ટપોટપ બંધ થવા લાગી. જેને જે વાહન મળ્યું તે પકડ્યું. ન મળ્યું તેણે ચાલવા માંડ્યું. સરદાર ગૃહની બહાર એવી તો માનવ મેદની એકઠી થઈ હતી કે સ્મશાનયાત્રા બપોરે એકને બદલે બે વાગ્યે શરૂ થઈ. ઓછામાં ઓછા બે લાખ લોકો તેમાં જોડાયા હતા. યાદ રહે કે એ વખતે ગ્રેટર બોમ્બેની કુલ વસતી લગભગ સાડા બાર લાખની હતી. ટિળકના પાર્થિવ દેહને સ્મશાનયાત્રા માટે નીચે લાવવામાં આવ્યો ત્યારે કાંધ આપનારાઓમાં મહાત્મા ગાંધી અને મૌલાના શૌકત અલીનો સમાવેશ થતો હતો. ટિળકના દેહને એક પાલખીમાં પદ્માસન અવસ્થામાં બેસાડવામાં આવ્યો હતો અને તેમના હાથ પાસે તેમણે જ સ્થાપેલા ‘કેસરી’ અખબારના અંકો મૂકવામાં આવ્યા હતા. તે જ સ્થિતિમાં તેમના અંતિમ સંસ્કાર પણ થયા હતા.

સ્મશાનયાત્રાનો એક નાનકડો ભાગ

વરસતા વરસાદની પરવા કર્યા વગર લોકોનો પ્રવાહ અવિરત ચાલુ જ હતો. ક્રાફર્ડ માર્કેટથી ધોબી તળાવ સુધીના રસ્તા પર તો તસુભાર ખાલી જગ્યા રહી નહોતી. સરદાર ગૃહથી નીકળેળી સ્મશાનયાત્રા શેખ મેમણ સ્ટ્રીટ, ભૂલેશ્વર, સી.પી. ટેંક, ગિરગામ બેક રોડ, ધોબી તળાવ, પ્રિન્સેસ સ્ટ્રીટ, અને ગિરગામ રોડ થઈને ચોપાટી પહોંચી હતી. સરદાર ગૃહથી ચોપાટી સુધી ગાંધીજી ઉઘાડે પગે પાલખી સાથે સ્મશાનયાત્રામાં ચાલ્યા હતા. ધાર્યા કરતાં સ્મશાનયાત્રા ચોપાટી મોડી પહોંચી હતી કારણ રસ્તામાં ઠેર ઠેર લોકોએ પુષ્પાંજલિ આપવા માટે તેને રોકી હતી. ગિરગામ ચોપાટીને કિનારે જ્યાં ગણપતિ વિસર્જન થતું ત્યાં જ ચંદનની ચિતા રચવામાં આવી હતી. સુખડના પારસી વેપારીઓએ આ માટેનું સુખડ પૂરું પાડ્યું હતું. અગ્નિદાહ અપાતાં પહેલાં લાલા લજપતરાય આવ્યા અને તેમણે નમન કરીને અંતિમ વિદાય આપી હતી. સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો હતો. ચિતા પ્રગટી ત્યારે હજારો લોકોની આંખમાં આંસુ તરતાં હતાં. અંતિમ સંસ્કાર દરમ્યાન બે વખત વરસાદનાં જોરદાર ઝાપટાં આવ્યાં, પણ લોકો ત્યાંથી ખસ્યા નહોતા. અગ્નિદાહ દેવાયા પછી ટોળાંમાંથી એક મુસલમાન દોડતો આવ્યો હતો અને તેણે જલતી ચિતામાં ઝંપલાવ્યું હતું. મહામહેનતે તેને બચાવીને હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્રણ દિવસ પછી તેનું મૃત્યુ થયું. તે દિવસે આથમતા સૂર્યની સાથે હિન્દુસ્તાનની આઝાદી માટેની લડતનો એક અગ્રણી, એક સક્રીય સમાજ સુધારક, એક અભ્યાસી વિદ્વાન, એવો તેજપુંજ પણ આથમી ગયો.

લોકમાન્યે શરૂ કરેલા ‘કેસરી’માં સમાચાર

લોકમાન્ય અને ગાંધીજી વચ્ચે મતભેદો હતા, પણ મનભેદ નહોતો. ટિળક ગાંધીજીનો આદર કરતા પણ આઝાદી માટેની લડતની ગાંધીજીની રીત અંગે કહેતા કે તમારા જેટલી ધીરજ મારામાં નથી. લોકમાન્યને અંજલિ આપતાં ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકમાં ગાંધીજીએ લખ્યું કે ‘લોકમાન્ય ટિળક જનતાનું અભિન્ન અંગ હતા. લોકો ઉપર તેમનો જેટલો પ્રભાવ હતો તેટલો પ્રભાવ આપણા યુગમાં બીજા કોઈનો નહોતો. લોકો માટે તેઓ આરાધ્ય દેવતા સમાન હતા. હજારો લોકો માટે તેમનો એક બોલ પણ કાયદા જેવો હતો. આપણી વચ્ચેથી એક મહામાનવે વિદાય લીધી છે. સિંહની ગર્જના હવે મૂંગી થઈ ગઈ છે.’ 

લોકમાન્યના અવસાન પછી ટિળક મેમોરિયલ ફંડ માટે નાણાં એકઠાં કરવા માટે ગાંધીજીએ દેશના ઘણા ભાગોની મુલાકાત લીધી હતી. ત્રણ મહિનાના ગાળામાં તેમણે ૯૯,૩૭,૧૪૫ રૂપિયા એકઠા કર્યા હતા. એ જમાના માટે આ ઘણી મોટી રકમ કહેવાય. એકલા મુંબઈ શહેરમાંથી ૩૭,૫૦,૦૦૦ રૂપિયા ભેગા થયા હતા. મહારાષ્ટ્રમાંથી ૪,૪૧,૪૭૫ અને ગુજરાતમાંથી ૧૫ લાખ રૂપિયા ભેગા થયા હતા. સૌથી ઓછી રકમ કેરળમાંથી મળી હતી, ૨૧,૦૩૮ રૂપિયા. આ ફંડ માટે સૌથી મોટું દાન એક પારસીએ આપ્યું હતું. ગોદરેજ બોઇસ મેન્યુફેક્ચરિંગ કંપનીના એ.બી. ગોદરેજે ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.

સરકારે શરત કરી હતી છતાં થોડા વખતમાં જ ટિળકના માનમાં ચોપાટી પર પૂતળું ઊભું કરવાની માગણી શરૂ થઈ. શરૂઆતમાં તો સરકારે ના પડી, પણ વિઠ્ઠલભાઈ પટેલ (સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ) અને બેરિસ્ટર કે.એફ. (ખુરશેદ ફરામજી) નરીમાનની જહેમત અને સમજાવટ પછી મુંબઈની મ્યુનિસિપાલિટીએ ૧૯૨૫માં તે માટે મંજૂરી આપી. ૧૯૨૬માં ગવર્નરની મંજૂરી પણ મળી ગઈ. લોકમાન્યનું પૂતળું તૈયાર કરવાનું કામ જાણીતા શિલ્પકાર રઘુનાથ ફડકેને સોંપાયું. તેનું એક કારણ એ હતું કે તેમણે લોકમાન્યનાં બીજાં બે પૂતળાં તેમની હયાતીમાં બનાવેલાં અને તે માટે ટિળકના ઘણા બધા ફોટા પાડેલા અને શરીરનું માપ પણ લીધેલું. ૧૯૩૩ના ઓગસ્ટની પહેલી તારીખે તેમણે બનાવેલા પૂતળાની ચોપાટી ખાતે સ્થાપના કરવામાં આવી. તેના પાયામાં લોઢાની એક મોટી પેટીમાં લોકમાન્યનાં પાઘડી, કપડાં, પગરખાં, પુસ્તક ગીતારહસ્યની એક નકલ અને ન.ચિ. કેળકરે લખેલી તેમની જીવનકથાનું પુસ્તક વગેરે મૂકવામાં આવ્યાં અને એ પેટીને જમીનમાં ત્રીસ ફૂટ ઊંડે દાટવામાં આવી. જ્યાં સરદાર ગૃહ આવેલું છે એ રસ્તાને આઝાદી પછી લોકમાન્ય ટિળક માર્ગ એવું નામ અપાયું.

ગિરગાંવ ચોપાટી પરનું લોકમાન્યનું પૂતળું

ટિળકનું અવસાન આકસ્મિક નહોતું, પણ અણધાર્યું જરૂર હતું. ૧૨મી જુલાઈએ તો તેઓ મુંબઈ આવ્યા હતા અને હંમેશ મુજબ સરદાર ગૃહમાં ઉતર્યા હતા. એ વખતે તેમના પર વારંવાર મેલેરિયાના હુમલા થતા હતા. એવો એક હુમલો મુંબઈમાં આવ્યો, પણ થોડા વખતમાં તેઓ સાજા થઈ ગયા. જુલાઈની ૨૦મી તારીખે ટિળકના મિત્ર દિવાન ચમનલાલ મળવા આવ્યા. તેમણે હવાફેર માટે થોડા દિવસ કાશ્મીર જવાનું સૂચવ્યું, પણ ટિળકે ના પાડી. દિવાન ચમનલાલે કહ્યું કે કંઈ નહિ તો મારી સાથે મારી ગાડીમાં થોડું ફરવા તો ચાલો. ખુલ્લી હવામાં તમને સારું લાગશે. એટલે ટિળક તેમની સાથે ગયા. પણ ચોમાસાના ભેજ અને ઠંડકવાળા દિવસો. પાછા ફર્યા પછી ટિળકને તાવ આવ્યો. ૨૩મી જુલાઈએ તેમનો જન્મ દિવસ. અભિનંદનના પુષ્કળ તાર-કાગળ આવ્યા. એ બધા તેઓ જોઈ ગયા. પણ પછી તબિયત વધારે બગડી. ૨૬મીની રાતથી તાવ વધતો ગયો. તેમના ડાબાં ફેફસાંમાં તકલીફ હોવાનું ડોકટરોને જણાયું. એ માટે સારવાર શરૂ કરી. પણ પછી ન્યૂમોનિયા લાગુ પડ્યો. ૨૭મીનો આખો દિવસ ચિંતામાં પસાર થયો. સારે નસીબે તેમનું મગજ હજી બરાબર કામ કરાતું હતું અને તેઓ પૂરેપૂરા ભાનમાં હતા. ટિળકનાં સંતાનો બહારગામથી તેમની ખબર કાઢવા આવ્યાં ત્યારે ટિળક તેમના પર નારાજ થયા. કહે, જરીક તાવ આવ્યો એમાં આમ દોડીને શું કામ  આવ્યા? દીકરાએ પૂછ્યું: તમારે કંઈ કહેવું છે? ટિળકે કહ્યું: ‘હજી તો હું ઓછામાં ઓછાં બીજાં પાંચ વરસ જીવવાનો છું, એટલે ચિંતા ન કર.’ 

૨૮મીએ તાવ ઊતરી ગયો અને નાડીના ધબકારા પણ નિયમિત થયા. ડોકટરો અને બીજાઓને હાશકારો થયો. પણ એ તો બૂઝાતાં પહેલાંનો દીવાનો છેલ્લો ઝબકારો હતો. બપોરે ફરી તાવ ચડ્યો, હૃદયના ધબકારા અનિયમિત બન્યા. લગભગ બેભાન અવસ્થામાં ટિળક બબડાટ કરવા લાગ્યા. ૨૯મી તારીખે કશો સુધારો જણાયો નહિ. એટલું જ નહિ હોજરીમાં પણ તકલીફ જણાઈ. પણ સારવાર કરીને ડોકટરો તેમની તબિયતની કટોકટી પર કાબૂ મેળવી શક્યા. ૩૦મી તારીખે તેમના પર હાર્ટ એટેકનો હુમલો થયો પણ તાબડતોબ થયેલી સારવારથી ટિળક બચી ગયા. પણ તે પછી બીજા ત્રણ હાર્ટ એટેક આવ્યા જે પ્રમાણમાં હળવા હતા. ૩૦મીએ અને ૩૧મીએ તબિયતમાં ખાસ કશો ફેરફાર જણાયો નહિ. પણ પછી ૩૧મીની રાતે સાડા દસ વાગ્યે તેમનું હૃદય થાક્યું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. પહેલી ઓગસ્ટની સવારે ૧૨ ને ૫૦ મિનિટે લોકમાન્યે આ લોકમાંથી પરલોક તરફ પ્રયાણ કર્યું. ૨૯મી જુલાઈએ બપોરે બે વાગ્યે ટિળકે જે છેલ્લા શબ્દો સભાનપણે ઉચ્ચાર્યા તે આ હતા: ‘જ્યાં સુધી સ્વરાજ્ય નહિ મળે ત્યાં સુધી હિન્દુસ્તાન સુખી અને સમૃદ્ધ નહિ થાય. આપણા અસ્તિત્વ માટે સ્વરાજ્ય અનિવાર્ય છે.’

આ શબ્દો બોલાયા તેનાં સ્થળ અને સમય?

સ્થળ : મુંબઈના કર્ણાક બંદર રોડ પર આવેલું એક મકાન, નામે સરદાર ગૃહ.

સમય : આજથી બરાબર સો વરસ પહેલાંની રાત.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ :  “ગુજરાતી મિડ-ડે”, 01 ઑગસ્ટ 2020

Loading

સાત કાવ્યો

ઉદય ચંદ્રકાંત|Poetry|1 August 2020

1.

ક્યાંક વાગતો પાવો !

ભમ્મરિયાળા ભાગ મારા  ને
વળી જન્મોનો ચક્રાવો !
જંતર વાગે, ઝાલર વાગે, વળી
ક્યાંક વાગતો પાવો !

વાટ જોઈ ને વાટ ખૂટી છે
દીવાની વિસાત ખૂટી છે
ક્યારે આવી કરશો દૂર
આ અંતરનો અંધિયારો … ક્યાંક વાગતો પાવો !

હજી કેટલી આજીજી ને
કેટલું માંગશો માન
તમે ઈશ્વર છો એનું
કંઈક તો રાખો ભાન !
પાપ-પુણ્યનો હિસાબ પતાવી
સમય મળે તો આવો … ક્યાંક વાગતો પાવો !

આપી દીધો અંગૂઠો ને
આપી દીધું બાણ
હવે તમે જો આવો નહીં
તો ઉમાપતિની આણ
સુદામાના મિત્ર બનીને
ચપટીક તાંદુલ ખાઓ … ક્યાંક વાગતો પાવો !


2.

વરસાદના છાંટા

છાંટે છાંટે છૂટી જતાં
મનનાં સૌ વળગણ
છાંટે છાંટે જુવાન થતાં
વરસો જૂનાં ઘડપણ !
છાંટાની છાલકે થાતું
ચોખ્ખું મનનું દર્પણ !
છાંટે છાંટે છોળ ઉછાળે
માટીનાં આ કણ કણ !
છાંટે છાંટે છબછબિયાં ને
મનના ખૂણા ઝળહળ !
છાંટે છાંટે મ્હોરી ઊઠતાં
મનનાં શાંત સરવર !
છાંટે છાંટે દીપ જલે ને
છાંટે છાંટે દરશન !


3.

સપનાં થોડા ભીનાં થયાં, બીજું શું !
પાંપણે પલકાર સૂના થયાં, બીજું શું !

ઓળખ નહીં પુરાવો પણ જોઈશે હવે
એમને જોયે જમાના થયા, બીજું શું !

વાત જ્યાં નીકળી દુ:ખ ને વહેંચવાની
સમજદારો પણ દીવાના થયા, બીજું શું !

સચવાયા છે સૌ ચહેરાઓ અકબંધ
સમયે સંબંધો પુરાના થયા, બીજું શું !

ચાલો નિખાલસતાનું ઇનામ તો મળ્યું
વક્ત સાથે થોડા સયાના થયા, બીજું શું !


4.

મૌન બોલતું થાય, વાત વાતમાં !
પાંપણો ભીંજાતી જાય, વાત વાતમાં !

કોઈ એક વાત કહેતાં વર્ષો વીતી જાય
કદીક જીવતર ઉલેચાય, વાત વાતમાં !

ભલા કોણ કરે ભરોસો એ માણસનો
જે બોલી ને ફરી જાય, વાત વાતમાં !

વાત વંટોળે ચડે તો આકાશને આંબે
જે કદીક ધરબાઈ જાય, વાત વાતમાં !

એ મોટો માણસ છે, રખે કંઈ બોલતા
એને કંઈ કહેવાય ? વાત વાતમાં !

વાત જો રંગતે ચડે રાત ઓછી પડે
કદીક શબ્દ ન બોલાય, વાત વાતમાં!

કદીક બોલતાં બોલતાં અટકી જાવ
વણબોલ્યે બધું કળાય, વાત વાતમાં!

વાત જો વણસે તો ધિંગાણે લઈને જાય
બાત જો બને તો બની જાય, વાત વાતમાં !


5.

સમય પણ સમય માગી લે છે
ને કદીક બારીએથી ઝાંકી લે છે !

તમે લીલાશને પંપાળતા હો ઘાસમાં
ત્યારે કોઈક સૂકું-ભઠ્ઠ તમને તાકી લે છે!

ઊતારે હોંશભેર રણમેદાનમાં તમને
ને પછી તમારાં કવચ-કુંડળ માગી લે છે!

સુઝાડીને કેટલા ય રસ્તા ભાગી જવાના
તમારી હિમ્મતને એ રીતે માપી લે છે !

સરકી જાય રેતની જેમ મુઠ્ઠીમાંથી
પણ કોઈક ટકોરે ક્યાંક બાંધી દે છે !


6.

જેની ચર્ચા મુખે મુખે છે
એ શામળિયો તો વૈંકુઠે છે !

પાપ – પુણ્યની વાતો છોડો
જગત આખું ય અડસટ્ટે છે !

આ રખડુ રાતને કોણ સમજાવે?
મિલનની મજા તો મળસ્કે છે !

નીકળશે સૌ સંબંધોનું નિકંદન
આજે લાગણીઓ બધી જંગે છે!

આંખને થયા છે યુદ્ધના એંધાણ
સપનાંઓ બધાં બ્હારવટે છે !


7.

લીલુડી ધરતી

લીલુડી ધરતીનાં લીલાંછમ ઓરતાં
ઝરણાં બનીને આજ દોડતાં
ફૂલના ય અરમાનો આજ રંગો બનીને
પાંખડીએ પાંખડીએ મ્હોરતાં ….. લીલુડી ધરતી

ખાલીખમ નદીયુંનાં આજ સપનાં ફળ્યાં
તે ઠેઠ કાંઠે પૂગી ને હવે ડોલતાં
આભમાંથી વરસતી ભીની લીલાશ ને
પંખીઓ ચાંચ ભરી ચોરતાં …… લીલુડી ધરતી

મનનાં છબછબિયાં કંઈ છત્રીએ છુપાય?
તેથી આંખોથી આંખોને જોડતાં
ઝાલ્યો ઝલાય નહીં આ મનનો હિલ્લોળ
એટલે કાગળમાં હોડીઓ દોરતાં … લીલુડી ધરતી

e.mail : gor.uday.chandra@gmail.com

Loading

યુગપ્રવર્તક સુરેશ જોષી

સુમન શાહ|Opinion - Literature|1 August 2020

પ્રિય વિપુલભાઈ, પંચમભાઈ, ગુજરાતી સાહિત્ય અકાદમીના અન્ય પદાધિકારીઓ અને આ વાર્તાલાપમાં જોડાયેલા યુનાઇટેડ કિંગ્ડમ તેમ જ ગુજરાતના સૌ સુરેશ જોષી-સૃષ્ટિના પ્રેમી, સાહિત્યકલારસિક, દર્શક-શ્રોતાઓ : સૌને, નમસ્કાર.

સુરેશ જોષી જો હયાત હોત તો આયુષ્યનાં એમણે ૯૯ વર્ષ પૂરાં કર્યાં હોત. આ એમનું ૧૦૦-મું વર્ષ છે. જન્મ : ૧૯૨૧; અવસાન : ૧૯૮૬; ૬૫ વર્ષનું આયુષ્ય. આ વાર્તાલાપમાં કેટલાક સંકેતો વડે હું તમને સુરેશ-સૃષ્ટિમાં લઈ જવા માગું છું અને એમના એ શબ્દલોકનાં વિવિધ સ્મરણો સાથે આપણે એમને એક ભાવાંજલિ અર્પીશું.

વિપુલભાઈ, સુરેશભાઈ વિશે તમે વાર્તાલાપ કરવાનું નિમન્ત્રણ આપ્યું તેનો આનન્દ છે, પણ આ ક્ષણે મારી હાલત સારી નથી : શિંગડાંભીડ છે, ડાયલેમા. જો હું સુરેશભાઇને સરળતાથી રજૂ કરવાનું વિચારું છું તો જમણી બાજુનું શિંગડું વાગે છે – એમ કે, સુરેશભાઈને અન્યાય કરી બેસીશ. અને મને જો જરાક પણ અઘરું કહેવાની લાલચ થાય છે તો ડાબી બાજુનું શિંગડું વાગે છે – એમ કે, સભા બોર થઇ જશે. એટલે મારે જો લઈ શકાય તો જમણું કે ડાબું એકેય શીગડું ન વાગે, એવો વચલો રસ્તો લેવો છે.

સુરેશ-સૃષ્ટિમાં, મૌલિક અને અનૂદિત કૃતિઓની સંખ્યા ૫૮ જેટલી થવા જાય છે. એમાં ૧૪ જેટલાં સમ્પાદનો ઉમેરવાં પડે. એમાં, આટલા સાહિત્યપ્રકારો આવરી લેવાયા છે : કવિતા કથાસાહિત્ય નિબન્ધ વિવેચન આસ્વાદ અનુવાદ અને સમ્પાદન.

મોટે ભાગે હું એમની ટૅક્સ્ટ્સને જ આગળ કરીશ, એ ટૅક્સ્ટ્સનું ભાવપૂર્ણ વાચન કરીશ, એને વિશેનાં મારાં વિશ્લેષણો ને તારણો આપીશ, પણ બહુ નહીં. કેમ કે આ જન્મશતાબ્દી વર્ષમાં એમના શબ્દને યાદ કરીને જેટલા એમની નિકટ જઈ શકાય એટલું સારું છે. એટલો આપણો લાભ પણ છે. મને શ્રદ્ધા છે કે એથી આપણી ભાવાંજલિને આપણે વધારે પવિત્ર રાખી શકીશું.

સૌ પહેલાં, હું એમના વ્યક્તિત્વ વિશે કહું. મને એમની પાંચ ઓળખ મળી છે :  ૧ : અતિ  સંવેદનશીલ. ૨: મેધાવી ચિન્તક. ૩ : વરેશ્યસ રીડર. ૪ : ઉત્તમ અધ્યાપક, અને ૫ : સાત્ત્વિક વિદ્રોહી, વિદ્રોહ તો એમનો સ્વભાવ હતો.

કોઈ મને પૂછે કે સાહિત્યસર્જનમાં મુખ્યત્વે સુરેશભાઈ શું હતા, તો મને લાગે છે કે મારે એક જ શબ્દ કહેવો જોઈશે કે સુરેશભાઈ સાહિત્યકલામર્મજ્ઞ હતા – connoisseur. લલિતકલાઓના જ્ઞાતા, સાહિત્યિક રસરુચિના જાણતલ, એવા નિપુણ કે કલાસૌન્દર્યનાં બરાબરનાં તોલમોલ કરી શકે. એમની આ વ્યક્તિતાનો એમની સમગ્ર સૃષ્ટિ પર પ્રભાવ છે, એટલે લગી કે એ વ્યક્તિતા એમની સૃષ્ટિનો મૂળાધાર છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે એમણે આપણા સાહિત્યકારને કલાસૌન્દર્યની દિશા દેખાડી. સાહિત્યલેખન સાંસ્કૃતિક પ્રવૃત્તિ ભલે છે પણ એના પાયામાં કલાદૃષ્ટિ અને સૌન્દર્યને માટેની સૂઝબૂઝ હોવાં જોઈશે. બલકે, વાચકથી સાહિત્ય તો જ અનુભવાશે; તો જ હું અહીં જીવનને એના અસલ સ્વરૂપમાં ઓળખાવી શકાશે; અને માનવજાતને તો જ સાહિત્યમાંથી કશુંક જીવનોપયોગી સાંપડશે.

એમનાં વધારે નૉંધપાત્ર સર્જન-લેખનક્ષેત્રો ૬ છે : ટૂંકીવાર્તા અને નવલ, એટલે કે કથાસાહિત્ય, કવિતા, નિબન્ધ, સમીક્ષા – એટલે કે સિદ્ધાન્ત અને પ્રત્યક્ષ વિવેચના, આસ્વાદ અને અનુવાદ. હું આજે આસ્વાદ અને અનુવાદની વાત નહીં કરું કેમ કે બહુ જ સમય જાય.

કથાસાહિત્યમાં, સુરેશભાઈએ અનોખા સ્વરૂપની ટૂંકીવાર્તા સરજી અને એમનું એ સર્જનસાહસ ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક પ્રકરણ બની ગયું. પાંચ સંગ્રહો છે : ‘ગૃહપ્રવેશ’, ‘બીજી થોડીક’, ‘અપિ ચ’, ‘ન તત્ર સૂર્યો ભાતિ’, ‘એકદા નૈમિષારણ્યે’. એમનો એક સર્જક સંકલ્પ હતો : કહેલું કે ‘ઘટનાનો હું બને એટલો હ્રાસ કરવા માગું છું’. એટલે કે ઘટનાને ગૌણ ગણવી અને એથી જે અવકાશ સરજાય તેમાં સર્જક સંકલ્પને આકારવો. સુરેશભાઇનો કથાસર્જન પાછળનો રસ જુદો હતો. સનસનાટીભરી ઘટનાઓથી કથાને ઉત્તેજક બનાવવાનું સહેલું છે. સુરેશભાઇ ઇચ્છતા હતા કે જે ઘટી ચૂક્યું છે ને એ પછી જે ભાવજગત પ્રગટ્યું છે તેનું નિરૂપણ કરવું મુશ્કેલ હોય છે. એ માટે એમણે ઘટનાને ઑગાળીને ડુબાડી દેવાની, એટલે કે ઘટનાના તિરોધાનની વાત કરેલી. ટૅક્સ્ટ સાથે રાખીને એ વાર્તાઓની વાત થઈ શકે, એટલે અહીં નથી કરી શકતો.

એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ સૌને અઘરો પડેલો ને એક ભાઇએ લેખ કરેલો -‘ગૃહપ્રવેશ આમ ન મળે’. જાણે ગુજરાતી સાહિત્યસમાજના એ ભાઇ રણીધણી ન હોય ! એ લેખ ‘સંસ્કૃતિ’-ના તન્ત્રી ઉમાશંકર જોશીએ પ્રકાશિત કરેલો. કોઇએ એમ પણ કહેલું, સુરેશ જોષીએ ગુજરાતી ટૂંકીવાર્તાને મારી નાખી. સત્ય અવળું છે, એમને કારણે ગુજરાતી ટૂંકીવાર્તા નવપ્રાણિત થઇ છે.

કથાસાહિત્યમાં, સુરેશભાઈની લઘુનવલ જેવી બે કૃતિઓ ખૂબ નૉંધપાત્ર છે : ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ (1973). મનુષ્યજીવનનાં બે મહાન પરિબળો છે, પ્રેમ અને મૃત્યુ. ‘છિન્નપત્ર’ પ્રેમની કથા છે અને ‘મરણોત્તર’ મૃત્યુની. બન્ને આશરે ૧૫-૨૦ લાઇનના નાના નાના ખણ્ડોથી બની છે. ‘છિન્નપત્ર’-માં ૫૦ ખણ્ડ છે અને ‘મરણોત્તર’-માં ૪૫. એટલે એ બન્ને ચાલુ અર્થસંકેત પ્રમાણે નવલકથા નથી. કહેવું જ હોય તો કહી શકાય કે લઘુનવલ છે.

સુરેશભાઇ આપણા સાહિત્યના મોટા ટીકાકાર ખરા પણ એટલા જ મોટા આત્મપરીક્ષક અને આત્મટીકાકાર હતા. પોતે જ પોતાનું વિવેચન કરી શકતા. પોતે જ પોતાને પાસ-નપાસ જાહેર કરી શકતા. આ માણસે પોતાનો પહેલો કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ‘ જાતે જ રદ્દ જાહેર કરેલો !

આ ‘છિન્નપત્ર’ માટે એમણે કેવીક ટૅગ લગાવી છે, જાણો છો? – ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’. એટલે કે એ ડ્રાફ્ટ છે. કાચી સામગ્રી. કાચી સામગ્રી જરૂર ખૂબ જ કીમતી છે. પણ એ પર કામ કરવાનું બાકી છે. એ પર નવલકથાની ઈમારત નથી રચાઇ. કથા માગે એ સ્થાપત્ય અને શિલ્પ બાકી છે.

રચનાનું શીર્ષક ‘છિન્નપત્ર’ એ કારણે છે કે અજય અને માલા આમ તો સાથે હતાં પણ હવે નથી. બન્ને છિન્ન થઇ ગયેલાં પત્રો છે. એટલે કે, ખરી પડેલાં પાંદડાં.

અહીં અજય છે, માલા અને લીલા છે. એ ત્રણેય વચ્ચેના પ્રેમની છે આ કથા. છતાં એ પ્રેમલા-પ્રેમલીની કથા નથી. અજયને બન્ને ચાહે છે એટલે પ્રણય-ત્રિકોણ છે, છતાં એ ત્રિકોણ સામાન્ય નથી, અસામાન્ય છે. અજય માલાને વધારે ચાહે છે – ત્રિકોણની એ રેખા ઊંચી થઇ ગયેલી છે. લીલા પણ અજયને વધારે ચાહે છે – ત્રિકોણની એ રેખા પણ ઊંચી થઇ ગયેલી છે. વળી, ત્રણેયની વચ્ચેના પ્રેમનું કશું પરિણામ તો આવ્યું જ નથી. એનું કારણ દરેકનો સ્વભાવ છે. માલા પ્રેમને સંતાડી રાખવામાં, ગુહ્ય રાખવામાં માને છે. ઘણી વાર માલા પોતાની જોડે જ વાત કરતી હોય છે. ત્યારે અજયને લાગે કે પોતે કેવળ નિમિત્તરૂપ છે. અજય એને સાંભળવા જેટલો ય સભાન નથી થઇ શકતો. એ પોતે કહે છે એમ, ખરે પ્રસંગે જ અનુપસ્થિત થઇ જવું એ એનો સ્વભાવ છે. હળવા સ્વભાવની લીલા એને જ અજયની ભૂલ ગણે છે.

અજયે કહેલું એમ એમના ‘પ્રેમને માથે છાપરું નથી, બંધ બારણાં પાછળનું વિશ્રમ્ભપૂર્વકનું એકાન્ત નથી, એનો અન્ધકાર પણ એનો પોતાનો નથી’.

સૌ મિત્રો છે. બધાં વચ્ચે મન-મેળાપ છે. છતાં બધાં વચ્ચે અન્તર છે. કેમ કે બધાંને શંકાઓ છે, દહેશતો છે. એટલે, ‘છિન્નપત્ર’-માં વ્યક્તિના પ્રેમનો વિજય ને સમાજનો પરાજય એવું સીધુંસટ પરિણામ નહીં જોવા મળે. અહીં પ્રેમ એક શક્યતા છે છતાં જાણે એક અશક્યતા પણ છે. અહીં પ્રેમ હાંસલ કરી લેવા જેવી સ્થૂળ વસ્તુ નથી, પ્રાપ્તિ નથી, પણ વ્યાપ્તિ છે. જેમ કે, અજય વિસ્તરવા માગે છે. માલાને એણે કહેલું : ‘દરેક એકાન્ત આંધળું હોય છે. અન્ધતાના અન્તહીન સમુદ્રમાં કશું મૂલ્યવાન મોતી તાગવા મેં ઝંપલાવ્યું નથી. મારા નક્કર અન્ધકારને ઓગાળવા જ મેં એમાં ડૂબકી મારી છે. મારા અન્ધકારને માંજીને એ ઝગઝગતા હીરા જેવો કરી આપશે.

ધીરે ધીરે રચનામાં એક ભાવજગત આકાર લે છે. એમાં પ્રેમ, આંસુ, શબ્દ, મૌન, એકાન્ત, એકલતા, ભય, શૂન્યતા, વેદના, સ્મૃતિ, પ્રાપ્તિ, વ્યાપ્તિ, વગેરે ઘણું છે. એ સઘળાથી રસાયેલું એ એક ભાવસંકુલ છે.

વિપુલભાઈ, આ રચનામાં પ્રગટેલા ત્રણ વિચારો મને ખૂબ સ્પર્શી ગયા છે:

નાયક અજય કહે છે : My love, you yield to absences, I will not return.

હે મારા પ્રેમ ! (એટલે કે માલા) તું હવે જે ઉપસ્થિત નથી તેના, અનુપસ્થતિઓના શરણે ચાલી જા, હું હવે પાછો નથી આવવાનો. પ્રેમી પ્રિયાને આમ મુક્ત કરી દે છે. પુરવાર એમ થાય છે કે પ્રેમ કશી સ્થૂળ ચીજ નથી. એમાં સફળ થવાય તો  સારી વાત છે, પણ આમ નિષ્ફળતા મળે તો એ વાતનું પણ આવું સુન્દર શમન અને સમાપન કરી શકાય છે.

પ્રેમી અને પ્રિયા ઘણી વાર ચડસાચડસી કરતાં હોય છે, અહંકાર ટકરાતા હોય. પણ અજય માલાને કહે છે : One who loves is inferior and must suffer. પણ પ્રેમ કરનારે સ્વીકારી લેવાનું છે કે પોતાનો દરજ્જો ઊતરતો છે, પોતે ગૌણ છે. એણે એ પણ સ્વીકારી લેવાનું છે કે પ્રેમમાં પોતાને વેઠવું પડશે, સહન ઘણું કરવું પડશે. પ્રેમ આવી શરણાગતિ માગે છે, વિનમ્રતા માગે છે. 

નાયિકા માલા અજયને કહે છે : પુરુષને મન નારી, એકાન્તનું ધન છે. એ એને બહાર નથી કાઢતો. નારી અસૂર્યમ્પશ્યા છે.

રાજાઓ રાણીઓને અન્ત:પુરમાં રાખી મૂકતા, ન તો એ સૂર્યને જોઈ શકે કે ન તો સૂર્ય એમને. માલા આ વિધાન વડે સમગ્ર પુરુષ-સભ્યતા પર ભારે કટાક્ષ કરી રહી છે. અલબત્ત, રચના એ દિશામાં નથી જ જવાની; જુઓને એટલે જ અજય કહે છે : જોને, અહીં તો સમુદ્ર તારી કાયાને આલિંગે છે, પવન તારું વસ્ત્રાહરણ કરે છે ને સૂર્ય તારા અણુ અણુને ચૂમે છે.

સુરેશ જોષીએ કાવ્યો લખ્યાં છે. ‘ઉપજાતિ’, ‘પ્રત્યંચા’ ‘ઇતરા’ ‘તથાપિ’ સંગ્રહો પ્રકાશિત છે, પણ પહેલા સંગ્રહ ‘ઉપજાતિ’-થી પોતાને સંતોષ નહીં થયેલો એટલે એ સંગ્રહને એમણે જાતે જ રદ્દ કરેલો. મારા શોધગ્રન્થ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-માં ‘કવિ-વિવેચકનું કવિતા-સ્વપ્ન’ કહીને મેં એમના કાવ્યસર્જનને ઓળખાવ્યું છે. મતલબ, સ્વપ્ન, જોઈએ એવું સિદ્ધ નથી થયું. એમની સૃષ્ટિમાં કવિતા ક્ષીણકાય રહી છે. કેમ કે કથાસર્જનની સરખામણીએ કાવ્યસર્જનનો વ્યાપાર તૂટક તૂટક ચાલ્યો છે. તેની સિદ્ધિ પણ નિબન્ધ અને ટૂંકીવાર્તાની સિદ્ધિની તુલનાએ અલ્પ છે. તેમ છતાં, ‘એક રોમાન્ટિક કવિનું દુ:સ્વપ્ન’ દીર્ઘકાવ્ય બેનમૂન છે. હું એને ગુજરાતી કાવ્યસાહિત્યનું ઘરેણું ગણું છું.

વિપુલભાઈ, એક જમાનામાં આ કાવ્યનો પાઠ સુરેશભાઈ કરતા એ જ રીતે હું કરી શકતો, પણ હાલ બરાબર નથી કરી શકતો કેમ કે કેટલાયે સમયથી એના પઠનની મને તક નથી મળી.

એક અંશ રજૂ કરું :

મૃણાલ, મૃણાલ
સાંભળે છે તું?
તને મેં જોઈ હતી એક વાર
લીલીછમ તળાવડી / ને લીલો લીલો ચાંદો
લીલી તારી કાયા ને લીલો એનો ડંખ
લાલચટ્ટક ઘા મારો / ને ભર્યું એમાં લાલચટ્ટક મધ
એને ચાખે લાલ લાલ કીડીઓની હાર
એની સંખ્યા ગણે ભૂવાની જમાત
મારી આંખે લીલો પડદો / ઢળે લીલો ચારે કોર અન્ધાર.
મૃણાલ જો ને, ચારે બાજુ ઊડી રહ્યા પવનના લીરા….

થોડીક નિબન્ધસાહિત્યની વાત કરીએ. આમ તો, નિબન્ધ શબ્દ સાંભળતાં જ આપણા મૉં પર કંટાળો ઊપસી આવે, પણ કોઈ જાણકાર બોલે કે સુરેશ જોષીનો નિબન્ધ, તો એના મૉં પર મલકાટભરી તાઝગી છવાઇ હોય. એનું કારણ શું? કારણ એ જ કે એમનો નિબન્ધ નિબન્ધ હોવા છતાં સર્જકતાથી રચાયો છે, રસપ્રદ છે, સુન્દર છે, લલિત છે. એમાં ક્યારેક કિંચિત્ કાવ્યત્વ છે, કંઈક કથાતત્ત્વ છે, નાટ્યત્વ પણ છે. એમની કેટલીક સુખ્યાત નિબન્ધ-રચનાઓનો તમને પરિચય કરાવું.

સાંભળો, આ એક સાત લીટીની નિબન્ધ-રચના :

ઊડતાં પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એણે હવામાં, ખરતાં ખરતાં, જે અદૃશ્ય રેખાઓ આંકી, તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું ચિત્ર અંકાઈ ગયું;
બોલતાં બોલતાં, બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ;
ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલિસ્પર્શનો અનુભવ થયો.
ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે એમ નથી.

(ઈશ્વરનું ચિત્ર : પૃ. ૪૦)

આ વિલક્ષણ પ્રકારની આસ્તિકતા છે. કહેવાતા આસ્તિકોની શ્રદ્ધા સાથે એનો મેળ નથી. એ આસ્તિકતા નિરાળી છે.

એક આ સાંભળો :

રાતે એકધારો વરસાદ ટપકે છે – પૃથ્વી ટચુકડી બાળા હતી, ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે, તેની ધારા જેવો.

હમણાં જ પ્રગટેલી આ કૂંપળ – હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધાં પૂરું ઉકેલ્યું નથી – એના પરથી હાથ પસારીને એક પછી એક બિન્દુ સરી જાય છે, એ સાંભળીને ટચુકડી કૂંપળ ડોકું હલાવીને હૉંકારો પૂરે છે, તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિકતા હું નહીં વ્હૉરી લઉં.

તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે – જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે.

પણે આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મૅલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે.

વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે.

પગ નીચે બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે.

(એકધારો વરસાદ : પૃ. ૬૪)

વર્ષાના દિવસોમાં બીજ ફૂટે તે આપણે જાણીએ છીએ પણ ફૂટે ત્યારે એની પાંખોનો ફફડાટ? નથી જાણતા. સાંભળવાની તો વાત જ શી !

એક આવી જ જાણીતી રચના છે, ‘મધુમાલતીનું દુ:સ્વપ્ન’ (૯૪ : જના). એ બાળવાર્તાની શૈલીએ કહેવાઈ છે.

મધુમાલતીની ગભરુ કળીને દુ:સ્વપ્ન આવ્યું હોય છે. એ કહે છે : આવતી કાલે સૂરજ નહીં ઊગે. એની એ વાતમાં પવન દેડકો સાપ ઢીંગલી ઘુવડ દરિયાદાદા આગિયો વગેરે બધાં જોડાય છે.

એવું લાગે કે સુરેશ જોષી, માત્ર લાલિત્યસભર, સુન્દર અને આસ્વાદ્ય ગદ્ય સરજે છે, પણ ના, એવું નથી. એમને જીવનની કે સંસ્કૃતિ-સભ્યતાની સમીક્ષામાં કે તેની ટીકાટિપ્પણીમાં પણ એટલી જ રુચિ છે. ‘નિ’-નો અર્થ છે, વિચાર. નિબન્ધ એટલે વિચારોનો એક કાળજીપૂર્વક રચેલો બન્ધ. એટલે સુરેશ-સૃષ્ટિમાં એક હળવું પણ અસરકારક ચિન્તન પણ પ્રગટે છે. ’જનાન્તિકે’ અને તે પછીના સંગ્રહો ધ્યાનથી જોનારને આ હકીકતની પ્રતીતિ થશે.

જુઓ, બુદ્ધિવાદે અને વિજ્ઞાને સરજેલાં સંકટોના સંદર્ભમાં સુરેશભાઈ આધુનિક માનવ-સ્થિતિની એક વ્યાપક સ્વરૂપની સમીક્ષા કરે છે. એવો બુદ્ધિવાદ એમને સ્વીકાર્ય નથી. એમની વિચારણાના કેન્દ્રમાં માનવી છે, અને એમને ચિન્તા છે કે માનવીને માનવીથી શી રીતે બચાવી શકાય. કેટલાંક વિધાનો સાંભળો :

સંસ્કૃતિ-વિકાસમાં આખું એક ચક્ર પૂરું કર્યા બાદ માનવી પાછો આદિકાળની બર્બરતા આગળ આવીને ઊભો છે. (૨૮: ઇદમ્ )

આદિ માનવ જંગલી હતો, બર્બર હતો એમ નહિ પણ આજનાં રાષ્ટ્રસંઘ અને લોકશાહીનાં નાટકો ભજવીને જીવનારો માનવી તો ખતરનાક રીતે બર્બર છે. (૨૪ : ઈદમ્)

આખરે બુદ્ધિએ પોતે જ થોડી ગૂંચ ઊભી કરવા માંડી. પૃથક્કરણના અન્તિમે પહૉંચ્યા પછી વિજ્ઞાન અનિશ્ચિતતા આગળ આવીને ઊભું. આથી વળી ભ્રાન્તિના ઉદયની આશા બંધાઈ. ધીમે ધીમે બુદ્ધિ સામેનો પ્રત્યાઘાત ઉગ્ર બનતો ગયો. (૨૦ : ઇદમ્)

એક રચનામાં (૩૪ : ઇદમ્) કહે છે : માનવીએ પ્રાકૃતિક પ્રતિકૂળતા સામે ઝૂઝીને સ્થાપેલા વર્ચસ્‌ની વાત તો ગવાશે, સાથે સાથે આત્મવિનાશક યુદ્ધોની પરમ્પરા, સંહારક શસ્ત્રોની શોધ, પોતે જ ઊભા કરેલા સાર્વત્રિક ભયથી થર થર ધ્રૂજ્યે જવાની અવદશા અને માતા કહીને વેદકાળથી માણસ સત્વતો આવ્યો છે તે પૃથ્વીને નરી વિષમય બનાવી દઈને વ્હૉરી લીધેલું આત્મવિલોપન … આનું મહાકાવ્ય કે આની કરુણાન્તિકા કોણ લખશે?

આવાં જ રસપ્રદ વિધાનો :

લોકશાહીમાં બુદ્ધિ હાથ ઊંચો કરવા સુધી પહોંચી છે.

શાસનનો દણ્ડ અને સત્યની આણ એ બે વચ્ચે ધ્રુવ જેટલું અન્તર પડી જાય છે ને એની વચ્ચે માનવી રહેંસાાઈ જાય છે. એક બાજુથી વ્યક્તિનો લોપ ને સમષ્ટિનું હિત, તો બીજી બાજુ વિભૂતિપૂજા – આ અનિષ્ટોમાંથી માનવી ઊગરી શક્યો નથી.

કેટલાક નિબન્ધો વ્યક્તિચેતનાની ભૂમિકાએ વિસ્તર્યા છે. એક તરફ છે, વૈયક્તિક સ્તરે વિકસેલું વિશ્વ અને બીજી તરફ છે, જાગતિક સ્તરે વિકસેલું વિશ્વ. બન્ને વચ્ચે વિરોધ છે અને તેને વિશેની વેદનાનો એક આર્ત્ત સૂર સંભળાયા કરે છે.

‘ત્રણ અકસ્માત’ (૪૭ : જના) નામનો એક એકદમ સરળ નિબન્ધ છે, છાપાના રીપોર્ટરની શૈલીમાં છે. સાંભળો:

બારણું બંધ કરવાનું રહી જવાથી એક માણસ ઘર છોડીને બહાર નીકળી ગયો.

બે મુદ્દા કહેવા જરૂરી છે : એક તો એ કે આ નિબન્ધોમાં સુરેશભાઈનો એક પ્રકર્ષક ‘હું’ અનુભવાય છે, જેનું હૃદય અતિ સંવેદનશીલ છે, જેનું ચિત્ત અત્યન્ત વિચારશીલ છે.

બીજી વાત : પહેલા સંગ્રહનું શીર્ષક ‘જનાન્તિકે’ રાખ્યું છે, એ સમજવા જેવું છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નટો દ્વારા થતા એક ઉચ્ચારણને જનાન્તિકે કહ્યું છે. બે પાત્રો ત્રીજા પાત્રની હાજરીમાં કાનમાં વાત કરે છે. ત્રીજું પાત્ર ન સાંભળવાનો ડૉળ કરે છે. આ વાતને સુરેશભાઈએ પોતાની રીતે વિકસાવી છે, કહે છે:

આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય છે તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઇચ્છીએ છીએ. આ બે હૈયાં સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં, માટે આ વાત છેક કર્ણમૂળ પાસે જઈને કહીએ, ને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ પણ પેલી વાતમાં ભળે.

એમની સમગ્ર નિબન્ધસૃષ્ટિમાં હૈયેથી છલકાતી અને અનુકૂળ હૈયામાં સંઘરાતી વાતો છે અને તેમાં કર્ણમૂળની રતાશનો રંગ પણ છે.

સમીક્ષા સંદર્ભે, એમની સૃષ્ટિમાં પ્રગટેલા કેટલાક આવિષ્કારોની નૉંધ લેવી જોઈએ : એમણે રજૂ કરેલો રૂપવિચાર, એમણે ઝંખેલો ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનો હ્રાસ, એમણે કરેલું વિવેચનનું વિવેચન, ધંધાદારી તેમ જ અધ્યાપકીય વિવેચનાને વિશેની એમની સૂગ, વિશ્વસાહિત્યને માટેનો એમનો અનુરાગ, વગેરે. જીવન વિશે સાહિત્ય આપણને જુદી જ રીતે અભિજ્ઞ બનાવે છે. સાહિત્યનું અધ્યાપન એ હેતુસર વિકસવું જોઈએ. સુરેશભાઈ તરફથી સાહિત્યના શિક્ષણની સર્વાંગી ચિન્તા કરતું પુસ્તક પણ મળ્યું છે, ‘વિદ્યાવિનાશને માર્ગે’.

એમની સાહિત્યસૃષ્ટિના પ્રભાવે કરીને, મુખ્યત્વે, ગુજરાતી ટૂંકીવાર્તા નિબન્ધ અને સમીક્ષા એટલે કે સિદ્ધાન્ત તેમ જ પ્રત્યક્ષ વિવેચના બદલાયાં છે, તેમાં નવોન્મેષો પ્રગટ્યા છે, તેથી આપણું સાહિત્ય વિકસ્યું છે. પશ્ચિમના અને વિશ્વ સાહિત્યના એમણે કરેલાં આસ્વાદાત્મક લેખનો તેમ જ અનુવાદોને કારણે ગુજરાતી સાહિત્યકારો વિશ્વસાહિત્યને જાણવા-માણવા લાગ્યા બલકે એ બધી વાતોને ગુજરાતીમાં મૂકવા લાગ્યા. ગુજરાતી સાહિત્યનો ક્ષિતિજ-વિસ્તાર થયો. એમના એક અત્યન્ત પ્રભાવક સામયિકનું નામ જ ‘ક્ષિતિજ’ હતું.

કોઈ સમર્થ સાહિત્યકારના કલાસર્જન અને જીવનદર્શનના પ્રભાવે કરીને સાહિત્યકલાક્ષેત્રે યુગ બદલાય છે. તેને અન્યો અનુસરે છે, નવી નવી દિશાઓ ખૂલે છે, બધું બદલાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં, સુધારકયુગ પણ્ડિતયુગ ગાંધીયુગ અને આ આધુનિકયુગ એ રીતે સંભવ્યા છે. સુરેશભાઈ આધુનિક યુગના પ્રવર્તક છે. હું એમને યુગપ્રવર્તક કહું છું પણ આ એક જ વાર્તાલાપ વડે હું એ હકીકતને તન્તોતન્ત નહીં વર્ણવી શકું. એ વ્યવહારુ મુશ્કેલી છે છતાં હું કેટલીક વાતો કરું જેથી એમની એ છબિની લગીર ઝાંખી થાય.

એમના પ્રદાન વિશે હું ત્રણ મુખ્ય વસ્તુઓ જણાવું :

એક તો, સર્જક અને વિવેચક સુરેશ જોષીએ આપણા પરમ્પરાગત સાહિત્યવિચારનું નવેસરથી ઘડતર કર્યું છે. એમણે સમગ્ર ગુજરાતી સાહિત્યને ધરમૂળથી બદલ્યું છે. એથી એક નૂતન આધુનિક યુગનો પ્રારમ્ભ થયેલો.

બીજું, એ નૂતન યુગને ઝીલતું અને પ્રસરાવતું હતું તે એમનું સાહિત્યિક પત્રકારત્વ. ઉમાશંકરે એક વાર કહેલું કે સુરેશ હશે ત્યાંલગી એમના નામે ‘ક્ષિતિજ’ જેવું કોઈ ને કોઈ સામયિક હશે. સુરેશભાઈના તન્ત્રીપદે એકાધિક સામયિકો પ્રગટ્યાં છે. હું માત્ર નામો ગણાવી દઉં : સુધાસંઘ પત્રિકા, ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, સમ્પુટ, ઊહાપોહ, એતદ્ (હજી ચાલુ છે), ‘વિશ્વમાનવ’-ના રવીન્દ્રનાથ વિશેષાંક, જપાની વાર્તા અંક, ‘નવભારત’ દિવાળી અંક. સાયુજ્ય, સેતુ, વગેરે. આ જંગી સાહિત્યિક-પત્રકારત્વ હતું, એ ભૂમિકાએ એમણે આપણને ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખ્યાલથી છોડાવ્યા. આપણને વિશ્વસાહિત્યની ક્ષિતિજ દેખાડી. એમના ‘ક્ષિતિજ’ સામયિકને હું સાહિત્યિક સામયિકોના ઇતિહાસમાં આગવા પ્રકરણનું અધિકારી ગણું છું. એ માટે વિશ્વની કૃતિઓના અનુવાદ, આસ્વાદ, સર્જકોના તેમ જ વિવેચકોના પરિચય, સિદ્ધાન્તચર્ચા જેવી પૂરક પ્રવૃત્તિઓ વગેરે ઘણું છે. સુરેશભાઈએ આપણા સર્જકને, વિવેચકને તેમ જ સાહિત્યના અધ્યાપકને સંકુચિતતાથી મુક્ત કરીને વિશ્વસાહિત્યના વિહારનો માર્ગ ચીંધ્યો છે.

ત્રીજું, એમણે ઇચ્છ્યું કે સાહિત્યપદાર્થની હમેશાં ચર્ચા ચાલવી જોઇએ, પરમ્પરાઓની સમીક્ષાઓ થવી જોઇએ, જુદા જુદા વાદ જાણવા જોઇએ, વિવાદ થવા જોઇએ, પત્રચર્ચાઓ થવી જોઇએ. ઊહ અને અપોહ ચાલુ રહેવો જોઇએ. એમના એવા જ એક બીજા સામયિકનું નામ, ‘ઊહાપોહ’ હતું.

સુરેશભાઈના સર્જન અને લેખનોને પ્રતાપે આપણા સાહિત્યમાં આધુનિક યુગના મંડાણ થયાં. આધુનિકતાવાદી સંવેદનશીલતા અને દર્શન સાથે જોડાવાનું બન્યું.

જુઓ, શબ્દને પૂરો શુદ્ધ અને સર્જનાત્મક બનાવે એવા પુરુષાર્થની પહેલી વાર સ-સંકલ્પ ગવેષણા થઈ.

પહેલી વાર સાહિત્યનો યુગચેતના સાથે આન્તરિક યોગ રચાયો.

સહૃદયત્વ કેળવાય એ માટે વિશ્વ-સાહિત્યના આસ્વાદ અને અનુવાદ શરૂ થયા.

સર્જકતાને અને વિદ્વત્તાને નવા અર્થ મળ્યા છે. લગભગ પહેલી વાર સર્જન અને વિવેચનનું સામંજસ્ય રચાયું .

જીર્ણ પરમ્પરાનો નાશ થયો. દમ્ભ અને જૂઠાણાંને સ્થાને નિખાલસતા અને પ્રામાણિકતાનો મહિમા થયો. 

એમના કેટલાક મુખ્ય વિચારોની માત્ર નોંધ લઇને આ વાતને સમેટી લઉં :

સુરેશ જોષી વિસ્મયના સર્જક હતા. કલાસર્જનમાં વિસ્મયને પરમ સત્ય ગણતા હતા. એટલે સર્જકમાં એમણે, એક શિશુમાં હોય એવી સહજતાની અપેક્ષા રાખેલી.

એટલે, એમની દૃઢ માન્યતા હતી કે સાહિત્યકાર દૃષ્ટા નથી, પણ સ્રષ્ટા છે. સાહિત્ય કંઇ જીવનનાં શ્રેય, આદર્શો, ઉચ્ચગ્રાહો કે માનવકલ્યાણનું સાધન નથી. સાધ્ય તો છે, કલાસૌન્દર્યનું સર્જન.

એટલે, એમનો ખાસ આગ્રહ એ હતો કે સર્જકે કન્ટેન્ટ – સામગ્રી – પર નહીં પણ ફૉર્મ – રૂપનિર્મિતિ – પર ધ્યાન આપવાનું છે. જીવન છે એટલે સામગ્રી તો મળી રહેશે. પણ એને નવાં રૂપ આપવાં એ સર્જકનું કામ છે બલકે એ એનો ધર્મ છે. વિવેચકનો પણ ધર્મ છે કે એ રૂપનિર્મિતિની ચર્ચા પહેલી કરે.

આ માટે એમણે ભાષા પ્રત્યેની સભાનતા અને સર્જનમાં પ્રયોગશીલતા જેવા અનેક વાનાં રજૂ કરેલા છે. એમાં મુખ્ય વિચાર એ છે કે સાહિત્યને રેડિમેડ કે સેકન્ડહૅન્ડ ચિન્તનના વાઘાથી બચાવવું અને જીવનના તળને સ્પર્શી શકે એવું કલાસૌન્દર્ય સરજીને તેને મૂલ્યવાન બનાવવું. મેં તો એમને કલ્પનનિષ્ઠ સાહિત્યકાર કહ્યા જ છે. આ સંદર્ભમાં મુખ્યત્વે એમણે સર્જનમાં કલ્પનનો આગ્રહ રાખેલો. કેમ કે કલ્પન સીધાં જ આપણી જ્ઞાનેન્દ્રિયોને સ્પર્શે છે ને સાહિત્યરસનો નિરાળો અનુભવ કરાવે છે.

એમના સમગ્ર સર્જનમાં આસ્વાદ્ય કલ્પનોનો મધુર વિલાસ છે. શહેર વિશેના એમના એક  કાવ્યનાં આ કલ્પનો જુઓ :

આ શહેર – / સૂકી ડાળ જેવી એની શેરીઓ, / સ્વગતોક્તિ ઉચ્ચારતો આ એકાકી ફુવારો, / … ટોળાંમાં રહીને ચહેરો ભૂંસતાં માણસો, / આસ્ફાલ્ટની ચાદર ઓઢીને પોઢેલાં તૃણશિશુ / … પદયાત્રાનો આરમ્ભ કરવા ઈચ્છતી ગાંધીજીની પ્રતિમા, / વગેરે. શહેરને માટે કહે છે – ‘તકલાદી સ્વર્ગના ઝળહળાટથી અજવાળાયેલું આ નરક -‘ ને પછી જણાવે છે ‘આ બધાં વચ્ચે હું મૌનના પહાડ પર આરોહણ કરું છું, / ધાકથી મારાં અસ્થિ ગાઇ ઊઠે છે / મરણનું મહિમ્નસ્તોત્ર.’ કાવ્યનું શીર્ષક છે, ‘મહિમ્નસ્તોત્ર’. એમનું – ‘ભૂલા પડેલા રોમૅન્ટિક કવિનું દુ:સ્વપ્ન’ એક કલ્પન અને કલ્પન શ્રેણીઓથી રસાયેલું એક નિતાન્ત સુન્દર દીર્ઘકાવ્ય છે. હું એને ગુજરાતી કાવ્યસાહિત્યનું અણમોલ ઘરેણું ગણું છું.

નવલકથા અને ટૂંકીવાર્તા વિશે પણ એમણે કેટલાક ક્રાન્તિકારી વિચારો રજૂ કરેલા :

આ માણસે ૧૯૫૫-માં કહેલું કે ‘આપણી નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે’. એટલે કે, ગુજરાતી નવલકથા મરવા પડી છે. આ વાતનો બહુ ઊહાપોહ થયેલો. વિદ્યમાન નવલકથાકારો ચીડાઇ ગયેલા. વિવેચકો ધૂંધવાઇ ગયેલા. જો કે કેટલાકને તો, નાભિશ્વાસ ચાલે છે એટલે શું ચાલે છે એનીયે ગમ નહીં પડેલી.

અમને ભણાવતા ત્યારે કહેતા – મુનશી તો એક જ નવલકથાના નવલકથાકાર છે. અમને થતું, મુનશીએ કેટલી બધી નવલકથાઓ લખી છે – ઐતિહાસિક પૌરાણિક સામાજિક; છતાં આપણા સાહેબ આમ કેમ કહે છે. એમણે સમજાવેલું કે ભલે અનેક લખી છે પણ મુનશી પાસે બીબું એક જ છે.

કહેતા, આપણા નવલકથાકારો સ્વાનુકરણમાં પાવરધા છે – એટલે કે એક-નું-એક જ લખ્યે રાખે છે. કહ્યું છે ‘કથા કહેવાની કોઇ એક ધાટી લેખકને એટલી ફાવી જાય કે નિરૂપણના નવા અખતરા અજમાવવા જ છોડી દે’. કેમ કે કથયિતવ્ય માંદલું હોય, એ એને રેઢિયાળ ચીલે ચાલી જતાં રોકે નહીં. કહેતા, યોજકસ્તત્ર દુર્લભ: – જેમ અક્ષરમાં મન્ત્રનું સામર્થ્ય ન હોય, જેમ મૂળિયાંમાં ઔષધગુણ ન હોય, તેમ જો લેખકમાં યોજકની સર્જકતા ન હોય, તો લખવું વ્યર્થ છે.

આ આખું ઘડતર મૂળગામી હતું, રૅડિકલ. એથી આમૂલ પરિ વર્તનો થયાં. સાહિત્યિક રુચિ, વેદનશીલતા, સર્જકતા, નિર્ભીકતા, આધુનિકતા, ઊહાપોહ અને પ્રકાર પ્રકારની અભિનવતાથી ધમધમતા એ બે દાયકા,  the late 1950s to earlier 1970s-નાં ૨૦ વર્ષ, નવપ્રસ્થાનનાં વર્ષો હતાં. એથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક જુદી જ સાહિત્યિક સંસ્કૃતિ પ્રગટેલી. સુરેશભાઈ આ ઘટમાળના જનક હતા અને અનેક આધુનિકો અને સમકાલીનોનું પ્રીતિભાજન હતા

સુરેશભાઇને એમના આવા સાત્ત્વિક વિદ્રોહોને કારણે જીવનભર ઘણું વેઠવું પડેલું. એક વાર અમદાવાદમાં સુરેશભાઇનો વ્યાખ્યાન-કાર્યક્રમ હતો. એના અધ્યક્ષે સમાપનમાં આવું કંઇક કહેલું : હિન્દમાં વિદેશી પુસ્તકની એક જ નકલ નથી આવતી : અધ્યક્ષનો મતલબ એમ હતો કે એમને ત્યાં પણ આવે છે; તેઓ પણ વિદેશી સાહિત્ય વાંચે છે. મેં એ બાબતે લખેલું કે ગાયો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ લાવી આપે છે, એનો મહિમા છે. કોઇ એમના પ્રેમીએ જ કહેલું – સુરેશ જોષીને હવે વખારે નાખો – એમ કે એને ખૉળે લો.

જો કે સુરેશભાઇએ આવાં મૅંણાંટૉણાંને સહજ ભાવે વધાવી લીધેલાં. મને કહેતા, સુમન, વિદ્રોહ આપણે હમેશાં જવાબદારીના ભાન સાથે કરવો અને એના પરિણામમાં જે મળે એનો સહર્ષ સ્વીકાર કરી લેવો.

આપ સૌનો આભાર.

===

17 July 2020

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની [Skype માધ્યમ વાટે યોજાઈ] શનિવાર, 04 જુલાઈ 2020ના દિવસે પહેલવહેલી વર્ચયુઅલ બેઠકમાં, ડૉ. સુરેશ જોશી જન્મશતાબ્દી ઉપલક્ષે, ‘યુગ પ્રવર્તક સુરેશ જોશી’ વિષય પર આપેલું વક્તવ્ય.

Loading

...102030...2,3582,3592,3602,361...2,3702,3802,390...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved