વડાપ્રધાનશ્રીએ 12/05/2020ના રોજ કરેલા ભાષણમાં આપણને આત્મનિર્ભર થવા અનુરોધ કર્યો છે. હજારો-લાખો લોકોએ આ ભાષણ પહેલાં જ આત્મનિર્ભરતાથી જીવવાનું શરૂ કરી દીધેલું.
લોકડાઉન-2ના પ્રારંભથી જ, વતન જવા માટે સરકાર કોઈ મદદ કરવાની નથી એની ખાતરી થયા પછી એમણે થોડાંક કપડાંનો બિસ્તરો ભરીને, મળ્યું એ ખાવાનું લઈને, કોઇની પાસેથી ઉછીના પૈસા લઈને ચાલવા માંડ્યું છે. રસ્તામાં ખાવાનું મળશે કે નહીં, ક્યાંક સૂવા જેવી જગ્યા મળશે કે નહીં, પીવાનું પાણી મળશે કે નહીં એવું પણ વિચારવાનો સમય ન હોય, તો પછી કલાકે કલાકે સૅનિટાઈઝરથી હાથ ધોવાની વાત ક્યાં કરવાની? ટ્ર્ક કે ટેમ્પોમાં ઠસોઠસ ભરાતા લોકોને કેવળ જગ્યા મળવાની ચિંતા હોય, ત્યાં સોશિલ ડિસ્ટન્સ કોણ જાળવે?
આ લોકને ચાલતાં જતાં જોઈને જ વડાપ્રધાનને આત્મનિર્ભરતાનો તુક્કો સૂઝ્યો હશે એવું લાગે છે. એક પ્રશ્ન મારા મનમાં સતત હથોડા મારે છે કે ટ્રકો જાય છે, ટેમ્પો જાય છે, લક્ઝરી બસો જાય છે, તો સરકારી બસો કેમ ક્યાં ય જતી દેખાતી નથી? શું તેમાં સરકારી ભાડા કરતાં વધારે પૈસા ન લઈ શકાય એટલે? આ લક્ઝરી બસોને કોણે મંજૂરી આપી છે? ભારત – પાકિસ્તાન ભાગલા પડ્યા ત્યારે હિજરતીઓના આવા જ પ્રશ્નો સર્જાયા હતાને? એ વખતે બે દેશ જુદા હતા, બે સરકાર જુદી હતી, બે દેશની રેલવે અને સડકવ્યવહાર જુદાં હતાં. અત્યારે તો એક જ દેશ છે, એક જ સરકાર છે, એક જ રેલવે અને વાહન વ્યવહાર છે, છતાં આવી હિજરતીઓ જેવી દશા શા માટે ?
આ લોકો માટે રસ્તો પણ મૃત્યુનો પયગામ લઈને આવ્યો છે. તેઓ એની સામે રોષ પણ પ્રદર્શિત કરી શકતાં નથી. હવે રોજ કોરોનાથી મૃત્યુ પામતાં લોકોના આંકડાની સાથોસાથ અકસ્માતથી અવસાન પામતાં કમનસીબોનાં નામ પણ આવવાં જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020
![]()



જાણીતી કહેણી છે કે એક વ્યક્તિનું મૃત્યુ કરુણતા છે અને વધુ લોકોનાં મૃત્યુ કેવળ આંકડા. અમેરિકામાં ટ્રમ્પ તંત્રની ઊડીને આંખમાં ખૂંચે એવી બેદરકારીને કારણે કોરોના-મૃતકોનો આંકડો એક લાખે પહોંચવામાં છે, ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ આ પ્રસંગની ગંભીરતા પારખીને, કંઈક અનોખું છતાં સંવેદનશીલ કરવાનું વિચાર્યું. તેનું પરિણામ છે રવિવાર, ૨૪ મે ૨૦૨૦ના ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’નું પહેલું પાનું. તેમાં કોરોનાથી મૃત્યુ પામેલી હજારેક વ્યક્તિઓનાં નામ, વય, સ્થળ અને માણસ તરીકે તેમની ખાસિયત વર્ણવતી એક-એક લીટી—આટલું ભારે જહેમતપૂર્વક સંકલિત કરીને મૂકાયું છે. સમાચારનું પેટામથાળું છેઃ ધે વેર નોટ સિમ્પલી નેમ્સ ઑન અ લિસ્ટ. ધે વૅર અસ. (મૃતકો કંઈ નકરી નામાવલિ ન હતાં. એ આપણા જેવાં જ માણસો હતાં).