Opinion Magazine
Number of visits: 9456480
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’

દીપક મહેતા|Opinion - Literature|1 March 2025

“બુદ્ધિપ્રકાશ જુન ૧૮૫૫ : અમારા વાચનારાઓને બહુ ખુશીથી ખબર આપીયે છિયે જે કવેશ્વર દલપતરામ ડાહ્યાભાઈને વરનાક્યુલર સોસાયટીનાં આશીશ્ટેંટ સેક્રીટેરી તથા બુદ્ધિપ્રકાશ ચોપાનીયાના એડીટર ઠરાવા છે.” (અહીં અને હવે પછી બધે અવતરણ ચિહ્નોમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે) 

“બુદ્ધિપ્રકાશ માર્ચ ૧૮૭૯ : કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ : એમની આંખે હરકત થવાથી રાજીનામું મોકલી ગુ.વ. સોસાયાટીના આસિષ્ટંટ સેક્રેટરીની નોકરી તથા આ બુદ્ધિપ્રકાશ ચલાવવાનું કામ છોડી દીધું તે હું ખેદ સહીત જાહેર કરું છુ.”– મહીપતરામ રૂપરામ, ઓનરરી સેક્રેટરી” 

એટલે કે ‘બુદ્ધિપ્રકાશ’ સાથેનો દલપતરામનો સંબંધ લગભગ ૨૪ વરસનો. અલબત્ત, આ સમયગાળામાં એક યા બીજા કારણસર તેમની જવાબદારી બીજા કોઈએ કામચલાઉ ધોરણે સંભાળી હોય એવું ચારેક વખત બન્યું છે. 

કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ

અગાઉ વિદ્યોત્તેજક સભાએ ૧૮૫૦માં શરૂ કરેલું ‘બુદ્ધિપ્રકાશ’ દલપતરામ જોડાયા તે પહેલાં ૧૮૫૪ના માર્ચથી સોસાયટીએ પોતાને હસ્તક લીધું હતું. એ વખતે દલપતરામ સોસાયટી સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા, એટલે ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ કરવામાં તેમનો ફાળો નહિવત. બલકે સોસાયાટીએ ‘બુદ્ધિપ્રકાશ’ પોતાના હાથમાં લીધું એ વખતે દલપતરામ અમદાવાદમાં જ નહોતા.  ‘રાસમાળા’નું પુસ્તક લખવા માટે નોકરીમાંથી ત્રણેક વરસની રજા લઈ ગ્રેટ બ્રિટન જવાનું ફાર્બસે ઠરાવ્યું. ત્યાં સુધી દલપતરામ સોસાયટીની નહિ, ફાર્બસની અંગત નોકરીમાં હતા. પોતે ગયા પછી દલપતરામ નોકરી વિનાના ન થઈ જાય એટલે ફાર્બસે તેમને સાદરાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં નોકરી અપાવી. ૧૮૫૩ના ઓક્ટોબરમાં દલપતરામ અમદાવાદ છોડી આ સરકારી નોકરીમાં જોડાયા. એટલે ‘બુદ્ધિપ્રકાશ’ના નવાવતાર વખતે દલપતરામ તેની સાથે સંકળાયેલા હોય એ શક્ય જ નથી. 

પણ સારા પગાર અને બીજા લાભોવાળી સરકારી નોકરી છોડી ફાર્બસ અને કર્ટિસના આગ્રહથી ૧૮૫૫ના જૂનની પહેલી તારીખથી દલપતરામ સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા અને ૧૮૫૫ના જુલાઈ અંકથી ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી બન્યા. એ અંકના પહેલા પાના પર છપાયેલા નિવેદનમાં દલપતરામે લખ્યું : “હવેથી સોસાઈટી તરફથી ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનીયાં(માં) જે છપાશે તેમાં કેટલાએક વિષય મારા બનાવેલા હશે. તો મારી મહેનત સાંમું જોઈને મહેરબાની કરીનેં આ ચોપાનીયું ખુબ દિલ લગાડીનેં તમારે વાંચવું. નેં બીજાઓને વાંચી સંભળાવવું ને જે રીતે એ ચોપાનીયાંનો વધારે ફેલાવ થાય, એ રીતે કરવામાં મેહેનત લેવી જોઈએ, કે જેથી આપણા દેશનું કલ્યાણ થાય. લોકોની બુદ્ધિનો વધારો થાય. એ કામ મોટા પરોપકારનું છે.” 

તંત્રી તરીકે જોડાયા તે અંકમાં પ્રગટ થયેલું દલપતરામનું નિવેદન

તે પછી તેમણે વાચકો માટે છ સૂચના લખી છે તેમાં પાંચમી આ પ્રમાણે છે : “આ ચોપાનીયામાં કોઈ વખત ઘણી સારામાં સારી વાત તમને પસંદ પડે એવી છપાય ત્યારે તમારે અમને લખી જણાવવું. કે જેથી અમને માલમ પડે કે આવી વાતો વાંચવાથી તમો ખુશી છો તો પછી તેવી બાબતો વીશેષ લખીશું. જે તે બાબત તમને મુદ્દલ પસંદ ન પડે તો તે પણ લખી જણાવશો તો તે વીશે વીચાર કરીશું.” પત્રકારત્વનો અગાઉનો અનુભવ નહીં. હોય પણ ક્યાંથી? છેક ૧૮૪૫ સુધી એક સુરતને બાદ કરતાં હાલના ગુજરાત રાજ્યના વિસ્તારમાં એક પણ છાપખાનું જ નહોતું. એટલે સામયિકો પ્રગટ કઈ રીતે થાય? દલપતરામને નવી કેળવણીનો સ્પર્શ મુદ્દલ નહિ એટલે અંગ્રેજીની જાણકારી જરા ય નહિ.  અને છતાં કેવળ આપસૂઝથી આ વાક્યો લખાયાં છે. અખબાર કે સામયિકના વાચકનો feed back મેળવીને તેને ભાગીદાર બનાવવાની જરૂર આજના કરતાં પણ નવયુગના મંડાણના એ જમાનામાં ઘણી વધારે હતી, અને એ વાત દલપતરામે સહજ સ્ફુરણાથી સ્વીકારી અને જાહેર કરી હતી. 

દલપતરામે પોતાના તંત્રીપણા નીચેના પહેલા જ અંકથી ‘બુદ્ધિપ્રકાશ’ને એક નવું ફોકસ આપ્યું. જુલાઈ ૧૮૫૫ના અંકમાં જ ‘ચોપાનીયું વાંચવાથી ફાયદા વીશે’ નામના લેખમાં લખે છે: “સ્વદેશનો સુધારો થવાનો ઊપાય આવાં ચોપાનીયાં પ્રગટ કરવાં એથી જ મળી આવશે. દેશનો સુધારો એટલે એ કે જેવા વિલાયતના લોકો વિદ્યા તથા હુનરમાં કુશલ છે, ને એક સંપથી મળીને હરેક કામ કરે છે, તેમ જ આપણા દેશના રાજા તથા પ્રજા એવા સુધરેલા થાય, ને આબરૂ, ધન તથા વિદ્યાનો વધારો કરીને તેનો ઊપભોગ સારી રીતે કરે એવું થાય એનું નામ સુધારો કહેવાય.” અલબત્ત, ‘સુધારા’ની આ વ્યાખ્યા કામચલાઉ અને વ્યવહારુ – પ્રોવિઝનલ અને પ્રેક્ટિકલ – છે. 

તેમની એ વખતની વિચારણા કૈંક આવી છે : સુધારો એ મુખ્ય ઉદ્દેશ. તેની સીડીનાં પગથિયાં ત્રણ : વિદ્યા, હુન્નર, અને સંપ. અને તે માટેનો આદર્શ તે વિલાયતના લોકો. પરિણામે ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદનમાં પણ સુધારો કેન્દ્રમાં, અને તેની આસપાસનાં ત્રણ વર્તુળ તે વિદ્યા, હુન્નર, અને સંપ. અને આ માટે આદર્શ વિલાયતના લોકો. એ જ અંકમાં દલપતરામ વણમાગી કબૂલાત લખી આપે છે : “આપણા દેશના સુધારા વિશે મહારા તનમનધનથી હું ખુબ મેહેનત લેવા ચાહું છુ.” 

અને પછીનાં વરસોમાં દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ને અજવાળવા ખરેખર ખૂબ મહેનત કરી છે. ખૂણેખાંચરેથી એ જમાનામાં માહિતી એકઠી કરીને વાચકો સામે મૂકી છે. અને એ માહિતી, કે સુધારાની વાત, બને તેટલી આકર્ષક રીતે, મનોરંજક રીતે પોતાનાં અને બીજાનાં લખાણો દ્વારા રજૂ કરી છે. વાચકો સુધી પહોંચવા માટેનાં તેમના હાથમાં લેખો ઉપરાંત બીજાં બે સાધન : કવિતા અને વારતા. કવિતા મોટે ભાગે પોતે રચેલી. મધ્યકાલીન પરંપરાને અનુસરીને છેલ્લી પંક્તિમાં પોતાના નામની છાપ મૂકતા એટલે ઓળખવી સહેલ. પણ ૧૯મી સદીનાં બીજાં સામયિકોની જેમ ‘બુદ્ધિપ્રકાશ’માં પણ ઘણાં ખરાં લખાણો લેખકના નામ વગર છપાતાં. એટલે એ કોનાં લખેલાં એ આજે કળવું મુશ્કેલ. પણ જેને આપણે ભલે ટૂંકી વાર્તા ન કહીએ, પણ તેની પ્રોટોટાઈપ તો કહી જ શકીએ એવી ઘણી કૃતિઓ ૧૯મી સદીના ‘બુદ્ધિપ્રકાશ’ના અંકોમાં જોવા મળે જ છે, અને તે બધી નહિ તો તેમાંની ઘણી દલપતરામે લખેલી છે. પણ આમ ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? કારણ આવી વારતાઓ માટે દલપતરામે જે ઘાટ અપનાવ્યો છે તેમાં કથા અને સંવાદ ઉપરાંત આરંભે અને અંતે પદ્યની પંક્તિઓ મૂકે છે, અને અંતની પંક્તિમાં પોતાના નામની છાપ મૂકે છે. એટલે આવી વારતાઓનું કર્તૃત્ત્વ તો દલપતરામનું જ. 

દલપતરામની મુખ્ય ઓળખાણ કવીશ્વર તરીકેની. એટલે તેમનાં ગદ્ય લખાણો તરફ થોડું ઓછું ધ્યાન અપાયું છે. તેમની કવિતાનો સંગ્રહ દલપતકાવ્ય (ભાગ ૧, ૧૮૭૯) દલપતરામની હયાતીમાં પ્રગટ થયો. ભલે આંખની તકલીફને કારણે તેમણે પોતે સંપાદન ન કર્યું, પણ તેમની રોજિંદી દેખરેખ નીચે સંપાદનનું કામ તેમના અંતેવાસી બુલાખીદાસ કાળીદાસે કર્યું. કવિ નાનાલાલ કહે છે : “બુલાખીદાસ એટલે પ્રજ્ઞાચક્ષુ દલપતવ્યાસજીના લહિયા ગણેશજી. બાર વર્ષના હતા ત્યારથી દલપતરામ કને રહ્યા હતા.” પણ ગદ્ય લખાણોની બાબતમાં આમ ન બન્યું. ભૂત નિબંધ, કથનસપ્તશતી, લક્ષ્મી નાટક, મિથ્યાભિમાન, જેવી અગાઉ સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રગટ થયેલી ગદ્ય કૃતિઓમાંથી કેટલીક ફરી ફરી છપાતી રહી. પણ દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ માટે વિપુલ પ્રમાણમાં અને વૈવિધ્યસભર જે ગદ્ય લખ્યું તે પાછળથી ગ્રંથસ્થ થયું નહિ. ૧૯૯૯માં ‘દલપત ગ્રંથાવલિ’ના પાંચ ભાગ બહાર પડ્યા તેમાંના ચોથા અને પાંચમા ભાગમાં પણ મુખ્યત્ત્વે તેમનાં સ્વતંત્ર ગદ્ય પુસ્તકો જ સમાવાયાં. ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલાં ગદ્ય લખાણોમાંથી તો થોડાં જ તેમાં સમાવાયાં.  

આજ સુધી અગ્રંથસ્થ રહેલાં દલપતરામનાં આવાં ગદ્ય લખાણો વહેલી તકે ગ્રંથસ્થ કરી લેવાં જોઈએ એવું મારું સૂચન ગુજરાત વિદ્યાસભાએ સ્વીકાર્યું અને તેનું સંપાદન કરવાનું કામ મને સોંપ્યું. એ વખતે મનમાં હતું કે ૨૫૦-૩૦૦ પાનાંનું પુસ્તક થઈ શકશે. પણ આરંભથી ૧૯૦૦ સુધીની ‘બુદ્ધિપ્રકાશ’ની ફાઈલો જેમ જેમ ઉથલાવતો ગયો તેમ તેમ આશ્ચર્ય અને આનંદનો અનુભવ થયો. ઓછામાં ઓછાં ૫૦૦-૬૦૦ પાનાં જેટલાં એવાં ગદ્ય લખાણો જોવા મળ્યાં જે આજ સુધી ગ્રંથસ્થ થયાં નથી. અગાઉ દલપત ગ્રંથાવલિમાં ગદ્ય લખાણો છાપતી વખતે મૂળની જોડણી બદલીને ‘સાર્થ’ પ્રમાણેની કરી નાખી છે. પણ આ સંપાદનમાં મૂળની ભાષા-જોડણી બદલ્યા વગર ગદ્ય લખાણો છાપવાનું નક્કી કર્યું છે અને નવજીવન મુદ્રણાલયમાં કામ શરૂ પણ થઈ ગયું છે. પ્રકાશક, મુદ્રક તથા સંપાદક, વહેલી તકે આ પુસ્તક પ્રગટ કરવા તત્પર છે.

‘બુદ્ધિપ્રકાશ’ના પાછલા પૂંઠા પર દલપતરામ વિશેની મૃત્યુ નોંધ

ફરી દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’ વિષે થોડી વાત. ૧૮૯૮ના માર્ચની ૨૫મી તારીખે દલપતરામનું અવસાન થયું. ત્યારે ‘બુદ્ધિપ્રકાશ’નો એપ્રિલ અંક તો તૈયાર થઈ ગયો હોય. એટલે તેમના અવસાન અંગેની નોંધ એપ્રિલ ૧૮૯૮ના અંકના ચોથા કવર પર છપાઈ છે તેમાં બીજી વિગતો ઉપરાંત લખ્યું છે : “ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને અને આ ચોપાનીયાને જન્મ આપી તેનો ઉત્કર્ષ કરનાર તે જ ગૃહસ્થ હતા. માટે તેમના સ્વર્ગવાસથી ગુજરાતને ઘણી રીતની ખોટ પડી છે. આ ચોપાનીયું છપાઈ રહ્યા પછી આ ખબર મળવાથી તેમના વિષે સવિસ્તર હકીકત આવતા અંકમાં આપવામાં આવશે.” પણ પછી મે અંકમાં જીવરામ અજરામરગોર તથા બાઈ એસ્તર ખીમચંદનાં અંજલી કાવ્યો છાપ્યાં છે, પણ અગાઉની જાહેરાત પ્રમાણે ‘સવિસ્તર હકીકત’ જોવા મળતી નથી. પછીના અંકોમાં પણ નહિ!

લગભગ અઢી દાયકા સુધી સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ સાથે સંકળાયેલા દલપતરામને ‘બુદ્ધિપ્રકાશ’માં સોસાયટીના કોઈ હોદ્દેદારે અંજલી આપી નથી એ જોઈ નવાઈ લાગે, રંજ પણ થાય. કવિ નાનાલાલના ‘કવીશ્વર દલપતરામ’ પુસ્તકનો ત્રીજો ભાગ વાંચતાં આ વાતનો ખુલાસો મળી રહે છે. નાનાલાલ કહે છે : “દલપતરામે સ્થાપવામાં માટી પૂરેલી, મરતી જીવાડેલી, ને વર્ષોભર તનમનથી સેવેલી ત્યહારની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો અવગ્રાહી વિવેકભાવ એક અદ્ભુત નીવડ્યો. … સોસાયટીના સર્ટિફિકેટથી દલપતરામ સજીવન ન્હોતા થવાના, જો કે દલપત સર્ટિફિકેટે સોસાયટી તો સજીવન થઈ છે. લાક્ખો ને કરોડો શબ્દ જેણે ‘બુદ્ધિપ્રકાશ’માં લખ્યા ને સોસાયટીને સમર્પ્યા એમના જીવનપ્રસંગોનો એક હરફ ‘બુદ્ધિપ્રકાશ’ બોલ્યું નહિ કે સોસાયટીને સાંભર્યો નહિ … પ્રકૃતિવશાત્ થયેલી એ વિધિયોગની ભૂલ ઉચ્ચારે છે કે ‘હીણી અસૂયા’ ભરેલાં નગુણાઓ દલપત સોસાયટીના તંત્રના ત્યાહરે તંત્રવાહકો થઈ પડ્યાં હતાં.” છેક ૧૯૨૦માં દલપતરામની જન્મશતાબ્દીને ટાણે પણ ‘બુદ્ધિપ્રકાશ’ના જાન્યુઆરી અંકમાં દલપતરામ વિષે એક અક્ષર પણ જોવા મળતો નથી.  

ગુજરાત દલપતરામને મુખ્યત્વે ‘કવીશ્વર’ તરીકે ઓળખે છે. અને તેમાં કશું ખોટું નથી જ. પણ તેમને હાથે વૈવિધ્યસભર ગદ્યનું જે ખેડાણ થયું છે તે પણ માતબર છે. આપણે તેના તરફ જોઈએ તેટલું ધ્યાન આપ્યું નથી એટલે ગદ્યકાર દલપતરામની છબી જોઈએ તેટલી નીખરી ઊઠી નથી. અને જે જમાનામાં ‘ચોપાનિયું’ પોતે જ એક નવી નવાઈની જણસ હતું એ જમાનામાં  દલપતરામે લગભગ ૨૪ વરસ સુધી આજના ગુજરાતના પહેલા ‘ચોપાનિયા’નું એક માળીની જેમ જતન કર્યું એ પણ કાંઈ નાની સૂની વાત નથી.*

_________________________________________________

* ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’(આજની ‘ગુજરાત વિદ્યાસભા’)ને ૧૭૫ વરસ પૂરાં થયાં, તે નિમિત્તે, વિદ્યાસભા અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીએ 15 ડિસેમ્બર 2024ના રોજ મુંબઈમાં યોજેલા કાર્યક્રમ ‘અવિરત વિદ્યાજ્ઞાન યાત્રા : ૧૭૫ વર્ષ’માં રજૂ કરેલું વક્તવ્ય, થોડા સુધારા-વધારા સાથે. ચિત્રો “બુદ્ધિપ્રકાશ”માં છપાયા નથી. અહીં ઉમેર્યાં છે.

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જાન્યુઆરી 2025 

Loading

धार्मिक अल्पसंख्यकों की माली हालत में सुधार कैसे हो आरक्षण या सकारात्मक कार्यवाही

राम पुनियानी|Opinion - Opinion|28 February 2025

राम पुनियानी

जो लोग न्याय और बराबरी के आदर्शों में यकीन रखते हैं उनके लिए अल्पसंख्यकों, विशेषकर मुसलमानों, की माली हालत गंभीर चिंता का विषय है. भारत में इस्लाम सातवीं सदी में अरब व्यापारियों के साथ मलाबार तट के रास्ते आया. तब से बड़ी संख्या में हिन्दुओं ने इस्लाम अपनाया है. मगर इनमें से ज्यादातर लोग वे थे जो हिन्दू धर्म में जातिगत दमन के शिकार थे और आर्थिक रूप से वंचित थे. जिसे हम मुगलकाल कहते हैं उसमें मुस्लिम बादशाह दिल्ली और आगरा से राज भले ही करते थे मगर उनके राज से समाज के ढांचे पर कोई खास असर नहीं पड़ा. अधिकांश ज़मींदार हिन्दू थे और वे अत्याचार करने के मामले में गरीब मुसलमानों ओर गरीब हिन्दुओं के बीच कोई भेदभाव नहीं करते थे.

सन 1857 के विद्रोह के बाद मुसलमान अंग्रेजों के निशाने पर आ गए. कारण यह कि इस विद्रोह के नेता बहादुरशाह ज़फर थे. मुस्लिम समुदाय को अंग्रेजों के गुस्से का सामना करना पड़ा. स्वाधीनता के बाद मुसलमानों के बारे में मिथक और उनके प्रति पूर्वाग्रह मज़बूत होते गए और वे साम्प्रदायिक ताकतों के सबसे बड़े शिकार बन गए. जहां अन्य समुदाय आगे बढ़े और उनके सदस्यों ने शिक्षा और रोजगार हासिल किए वहीं कई कारणों से मुसलमान पीछे छूट गए. इन कारणों में उनके खिलाफ दुष्प्रचार और उनकी आर्थिक बदहाली शामिल थे.

हमारे संविधान ने यह स्वीकार किया कि दलित और आदिवासी सामाजिक, आर्थिक एवं शैक्षणिक दृष्टि से पिछड़े हैं और इसलिए उन्हें आरक्षण प्रदान किया जाना चाहिए. इस आरक्षण ने इन समुदायों को कुछ हद तक लाभांवित किया. जहां तक ओबीसी का प्रश्न है उन्हें 1990 से राष्ट्रीय स्तर पर 27 फीसदी आरक्षण मिलना शुरू हुआ. लेकिन कई राज्यों ने इसके पहले से ही अपने स्तर पर उन्हें आरक्षण देना शुरू कर दिया था. ओबीसी को आरक्षण का ‘यूथ फॉर इक्वालिटी’ जैसे कई संगठनों ने कड़ा विरोध किया था.

दलितों के लिए आरक्षण का भी बड़े पैमाने पर विरोध हुआ. सन 1980 में और फिर 1985 में गुजरात में दलित-विरोधी हिंसा हुई. इस बीच अल्पसंख्यक आर्थिक बदहाली के दलदल में और धंसते गए. इसका कारण यह था कि संविधान में धर्म के आधार पर आरक्षण देने का कोई प्रावधान नहीं है. कुछ राज्यों ने ओबीसी कोटे के अंदर मुसलमानों को आरक्षण देने का प्रयास किया मगर इसका हिन्दू राष्ट्रवादी ताकतों ने जमकर विरोध किया. मुस्लिम समुदाय की आर्थिक स्थिति के खराब होने के कई कारण हैं. उनके खिलाफ हिंसा होती रही है और हिंसा के डर से वे अपने मोहल्लों में सिमट गए हैं. वे ऐसे इलाकों में रहना पसंद करने लगे हैं जहां उनके आसपास मुसलमान ही रहते हों. उन्हें नौकरियां मुश्किल से मिलती हैं और उनमें शिक्षा का स्तर भी कम है. इस सब के बावजूद जब भी मुसलमानों के लिए आरक्षण की बात होती है तो हिन्दुत्व की राजनीति के पैरोकार जोरजोर से चीखने लगते हैं. वे इसे “मुसलमानों का तुष्टिकरण” बताते हैं.

भारत सरकार ने गोपाल सिंह समिति, रंगनाथ मिश्र आयोग और सच्चर समिति नियुक्त कर मुसलमानों की माली हालत का जायजा लेने का प्रयास किया. इन सभी समितियों और आयोगों की रिपोर्ट में यह बताया गया कि मुसलमानों की आर्थिक स्थिति बहुत खराब है और पिछले कुछ दशकों में उसमें गिरावट आई है.

सच्चर कमेटी ने सन 2006 में अपनी रिपोर्ट सरकार के सामने रखी थी. तत्कालीन प्रधानमंत्री डॉ. मनमोहन सिंह ने कहा था कि इस असहाय समुदाय की मदद के लिए सरकार कदम उठाएगी. अपने एक भाषण में उन्होंने कहा, “अनुसूचित जातियों और अनुसूचित जनजातियों के लिए घटक योजना को फिर से मजबूती देनी होगी. यह सुनिश्चित करने के लिए कि अल्पसंख्यक और विशेषकर मुस्लिम अल्पसंख्यक विकास के फल का स्वाद अन्य समुदायों की तरह चख सकें, हमें नवोन्मेषी योजनाएं बनानी होंगी. संसाधनों पर उनका सबसे पहले दावा होना चाहिए. केन्द्र की कई और जिम्मेदारियां भी हैं जिन्हें संसाधनों की उपलब्धता के अनुरूप पूरा किया जाएगा.’’

भाजपा ने मुसलमानों की मदद करने की बात को हिन्दुओं को लूटने से जोड़ दिया. नरेन्द्र मोदी ने कहा ‘‘वे अब पता लगाएंगे कि हमारी माताओं-बहनों के पास कितना सोना है. वे उसे तौलेंगे, उसकी कीमत का अंदाजा लगाएंगे और फिर वो उसे बांट देंगे और वे उसे किन लोगों को देंगे यह डाक्टर मनमोहन सिंह की सरकार पहले ही साफ कर चुकी है. वह कह चुकी है कि देश की संपत्ति पर पहला हक मुसलमानों का है.’’

इस पृष्ठभूमि में यूएस-इंडिया पॉलिसी इंस्टीट्यूट एवं सेंटर फॉर डेव्हलपमेंट पॉलिसी एंड प्रेक्टिस की हालिया रपट स्वागतयोग्य है. इस रपट का शीर्षक है ‘‘रिथिकिंग एफिरमेटिव एक्शन फॉर मुस्लिम्स इन कंटेम्पोरेरी इंडिया’’ और इसे हिलाल अहमद, मोहम्मद संजीर आलम एवं नज़ीमा परवीन ने तैयार किया है. यह रिपोर्ट मुसलमानों के लिए आरक्षण के मुद्दे से हटकर बात करती है. रिपोर्ट में यह स्वीकार किया गया है कि मुसलमानों में अलग-अलग आर्थिक स्थिति वाले लोग हैं. कुछ लोग धनी हैं और उन्हें आरक्षण की बिलकुल जरूरत नहीं है. अन्यों के मामले में रिपोर्ट उनके धर्म की बजाए उनकी जाति पर ध्यान देने की बात कहती है. रिपोर्ट कहती है कि यह देखा जाना चाहिए कि वे लोग पारंपरिक रूप से कौनसा व्यवसाय करते आ रहे हैं. उनकी रोज़ीरोटी कैसे चलती है.

सुप्रीम कोर्ट द्वारा आरक्षण पर लगाई गई 50 प्रतिशत की उच्चतम सीमा को हटाने की मांग की जा रही है. इसके बाद मुसलमानों को ओबीसी और दलित कोटे में जगह दी जा सकती है. रपट में सीएसडीएस-लोकनीति द्वारा संकलित आंकड़ों का उपयोग किया गया है. रिपोर्ट के लेखक कहते हैं कि मुसलमानों के लिए आरक्षण की बात करना सांड को लाल कपड़ा दिखाना जैसा है इसलिए उन्हें उनके धर्म की बजाए उनके पेशे के आधार पर ओबीसी या एससी कोटे में जगह दी जानी चाहिए. पसमांदा मुसलमान सबसे वंचित हैं और उन्हें दलितों की श्रेणी में रखा जा सकता है. कई ईसाई समुदायों की भी स्थिति यही है. उन्हें भी अपनी रोज़ी-रोटी चलाने के लिए सरकार की मदद की जरूरत है.

रपट में यह भी बताया गया है कि धीरे-धीरे भारतीय राज्य एक खैराती संस्था बन गया है जो सरकार की योजनाओं की जद में आने वालों को ‘लाभार्थी’ कहता है.

रपट के लेखक कहते हैं कि ओबीसी का तार्किक और धर्म से ऊपर उठकर उपवर्गीकरण किया जाना चाहिए. वर्तमान में चल रही योजनाओं और कार्यक्रमों को बेहतर ढंग से लागू किया जाना जरूरी है. हमें सकारात्मक कदम उठाने होंगे. अगर किन्हीं दो उम्मीदवारों की अहर्ताएं और अनुभव समान हैं तो उनमें से जो जाति या लिंग के कारण हाशियाकृत हो उसे प्राथमिकता दी जानी चाहिए. मुस्लिम समुदाय में बड़ी संख्या में शिल्पकार हैं. उन्हें बेहतर तकनीकी उपलब्ध करवाई जानी चाहिए.

यह रपट व्यापक है और वर्तमान हालात को ध्यान में रखती है. हमारी सत्ताधारी पार्टी अल्पसंख्यकों को करीब-करीब दूसरे दर्जे का नागरिक मानती है. मगर सबसे महत्वपूर्ण सवाल यह है कि क्या वर्तमान सरकार अपनी संकीर्ण संप्रदायवादी सोच से ऊपर उठकर इस रपट को लागू करेगी.

24 फरवरी 2025
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

જગ્યાઓ ખાલી રાખવાથી જ પ્રગતિ થતી હોય, તો સરકાર ખાલી જગ્યા રાખે તો થાય કે કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 February 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાતના મંત્રીઓને મહિને 1.71 લાખનો પગાર અને અન્ય સુવિધાઓ મળે છે, પણ મોંઘવારી તેમને ય નડી હોય તેમ, 26 ફેબ્રુઆરીના સમાચાર મુજબ, જુદી જુદી કેટેગરીનાં શહેરો પ્રમાણે, દૈનિક ભથ્થું અઢી ગણું વધારી દેવાયું છે. જેમ કે કોઈ મંત્રી અમદાવાદ, ગાંધીનગર કે સુરત જેવાં એક્સ કેટેગરીનાં શહેરમાં ઊતરે છે તો તેને દૈનિક ભથ્થું હવે 1,000ને બદલે 2,600 રૂપિયા મળશે. એ જ રીતે વાય અને ઝેડ કેટેગરીનાં શહેરોનાં ભાવ પણ નક્કી થયા છે. આ અને આવા વધારા કરવાનો વાંધો નથી, તો સવાલ એ થાય કે બીજી બાબતોમાં સરકાર આંગળા ચાટીને પેટ કેમ ભરે છે? પોતાને માટે ઉદાર થઈ ઊઠતી સરકાર અન્યોને મામલે કંજૂસ કેમ થઈ જાય છે? શું કારણ છે કે વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ તે નથી ભરતી?

ગુજરાત સરકારની કચેરીઓ માટે મંજૂર મહેકમની પુસ્તિકાઓમાં 1 ઓકટોબર, 2024 મુજબ સરકારમાં 3.60 લાખ જગ્યાઓ મંજૂર થઈ છે ને તેમાંથી 2.20 લાખ જગ્યાઓ ભરાઈ છે ને 1.40 લાખ જગ્યાઓ ખાલી છે. ગ્રાન્ટ ઇન એડની વાત કરીએ તો 5.47 લાખ જગ્યાઓ મંજૂર થયેલી છે, તેની સામે 4,49 લાખ જગ્યાઓ ભરાઈ છે ને 97 હજાર જગ્યાઓ ખાલી છે. આમાં 1.21 લાખ કર્મચારીઓ, સરકારમાં અને સંસ્થાઓમાં, એજન્સીઓ દ્વારા આઉટસોર્સિંગથી, 11 મહિનાના કરારથી ને પાંચ વર્ષના ફિક્સ પગારથી રખાયા છે. બીજા શબ્દોમાં કહીએ તો આ નોકરીઓ કામચલાઉ ધોરણે અપાઈ છે. આવું કેમ? મંજૂર થયેલી જ્ગ્યાઓને બદલે આ રીતે કામચલાઉ ધોરણે નોકરીઓ આપીને સરકાર કોને માટે બચાવે છે? એવી બચત સરકાર પોતાને માટે કરતી નથી, એ તો દૈનિક ભથ્થું અઢી ગણું વધારીને તરત જ કમાઈ લે છે. જો આમ ઉદાર થઈ શકાતું હોય તો મંજૂર જગ્યાઓ ભરવામાં કંજૂસાઈ કેમ? એ પણ છે કે એજન્સીઓ દ્વારા ભરાતી જગ્યાઓ દયા-દાન-ધરમમાં ભરાતી નથી. એજન્સીઓ હોજરી ન ભરાય એ રીતે સેવા કરે છે કે હોજરી ભરવા જ સેવાનો લાભ આપે છે, તે સરકાર જાણે, પણ મંજૂર જગ્યાઓ ખાલી રાખવાનો કે અન્ય રીતે ભરવાનો ઉપક્રમ યોગ્ય નથી તે નોંધવું ઘટે.

સરકાર એ બરાબર જાણે છે કે 1.40 લાખ ખાલી જ્ગ્યાઓમાંથી 50 ટકા તો ગૃહ, આરોગ્ય-પરિવાર કલ્યાણ અને શિક્ષણમાં જ છે. સૌથી વધુ 28,645 જગ્યાઓ ગૃહ વિભાગમાં ખાલી છે, જ્યારે આરોગ્ય-પરિવાર કલ્યાણમાં 28,474, શિક્ષણમાં 13,196, મહેસૂલમાં 10,392 અને કાયદામાં 9,689 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત સરકારના અન્ય 22 વિભાગોમાં 54,301 જગ્યાઓ ખાલી છે. આ બધાંમાં કરાર, આઉટસોર્સ ને ફિક્સ પગારની જગ્યાઓ સામેલ નથી. રાજ્યમાં 66 હજાર કર્મચારીઓ 5 વર્ષનાં ફિક્સ પગાર પર લેવાયેલા છે, જેમાં સરકારીમાં 38,000 અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓમાં 28,000 કર્મચારીઓ છે. આ ઉપરાંત સરકારીમાં 75,882 અને ગ્રાન્ટ ઇન એડમાં 45,704 જગ્યાઓ પર આઉટ સોર્સિંગથી અને 11 મહિનાના કોન્ટ્રાક્ટ કે ફિક્સ પગારથી કર્મચારીઓ રખાયેલા છે. 

રાજ્ય સરકાર અને અનુદાન મેળવતી વિવિધ સંસ્થાઓમાં ક્લાસ 1 અને 2ની 23,456 જગ્યાઓ ખાલી છે, જ્યારે ક્લાસ-3ની કુલ 1.69 લાખ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારમાં જ ક્લાસ-1ની 6,561 અને ક્લાસ-2 ની 9,559 જગ્યાઓ ખાલી છે. એ રીતે ક્લાસ-3, ક્લાસ-4ની અનુક્રમે 93,719 અને 30,197 જગ્યાઓ ખાલી છે. અનુદાન મેળવતી સંસ્થાઓની વાત કરીએ તો ક્લાસ-1થી 4 સુધીમાં અનુક્રમે 2,193, 5,143, 75,546, 14,975 જગ્યાઓ ખાલી છે. 

સરકારની કચેરીઓ માટે મંજૂર મહેકમની પુસ્તિકા અનુસાર શિક્ષણ વિભાગમાં 13,392 જગ્યાઓ ભરેલી  છે ને 13,196 જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગની જ આ હાલત હોય ત્યાં શિક્ષકોના દુકાળની તો રાવ પણ ક્યાં ખાવી? આ દુકાળ કેમ છે ને જગ્યાઓ નહીં ભરવાથી સરકારને શું લાભ છે તે સ્પષ્ટ નથી. સરકારને પોતાને કૈં પણ મેળવવામાં વાંધો નથી આવતો, પણ શિક્ષણની બાબતે તે ભયંકર રીતે ઉદાસીન છે, એટલું જ નહીં, આપેલા વાયદાઓ પૂરા કરવામાં ય તેને નાનમ લાગે છે. 2017થી હજારો શિક્ષકોની ભરતી થઈ નથી, કારણ કે તેને કામચલાઉ ભરતીમાં જ રસ છે. જે તે જગ્યાઓ પર ઉમેદવારો નથી મળતા, એટલે ખાલી છે એવું નથી, ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારો નોકરીની રાહ જુએ છે, પણ ભરતી થતી નથી ને આ સ્થિતિ શિક્ષણની જ નહીં, અનેક વિભાગોની છે ને તેની ચાડી તો અહીં આપેલા આંકડાઓ પણ ખાય છે. 

રાજ્ય સરકારે મોટા ઉપાડે 24,700 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી, પણ ભરતીની પ્રક્રિયા જ સરકારે કરી નથી. આવી ઉદાસીનતાને કારણે નોકરી ઇચ્છુક ઉમેદવારો નાહક ઉંમર વધારી રહ્યા છે. ઉંમર પુરાતાં આ જ સરકાર તેમને નોકરીએ રાખવામાં આનાકાની કરશે ને નોકરી વગર હાથ ન ધોવા પડે એટલે ઉમેદવારોએ ગાંધીનગરમાં પડતર માંગણીઓને લઈને આંદોલન કર્યું. આ અગાઉ પણ વિરોધ પ્રદર્શનો થઈ ચૂક્યાં છે, પણ સરકાર આ મામલાને હળવાશથી લઈ રહી છે. વિવિધ માંગણીઓ સાથે ઉમેદવારોનું કહેવું છે કે ઉનાળુ વેકેશન પહેલાં ભરતીની તમામ પ્રક્રિયા પૂરી કરીને ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવે. નિમણૂક પત્રો તો મળતા મળશે, પણ ગાંધીનગરમાં પોલીસે ઉમેદવારોને ટીંગાટોળી કરી 250થી વધુની અટકાયત તો કરી જ ! મહિલા ઉમેદવારોને ઢસડીને લઈ જવાઈ, તો ગુસ્સે ભરાઈ અને પોલીસને સંભળાવ્યું કે અમે ભાવિ શિક્ષકો છીએ, આતંકવાદીઓ નથી. 

અગાઉ પણ સરકારે 24,700ની ભરતીની વાત કરી હતી ને હવે રાજ્ય શિક્ષણ મંત્રી ફરી વધામણી ખાતાં બહાર પડ્યા છે કે સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે. આચારસંહિતાને કારણે ભરતીમાં મોડું થયું છે એવું પણ મંત્રીશ્રીએ ઉમેર્યું. 24,700ની ભરતીની વાત 3 જુલાઈ, 2024ને રોજ થઈ, એ પછી ડિસેમ્બર, 2024 સુધીમાં 24,700ની ભરતીની વાત આવી. તે પછી 16 જાન્યુઆરી, 2025ને રોજ સમાચાર આવ્યા કે એક મહિનામાં શિક્ષકોની ભરતી કરી નિમણૂકો અપાશે અને હવે શિક્ષણ મંત્રી 24 ફેબ્રુઆરીએ એ જ વાત લઈને આવ્યા છે. એમને પૂછી શકાય કે 24,700ની આટલી જાહેરાતો પછી ઉમેદવારોની કેટલામી અટકાયત પછી 24,700ની ભરતી ખરેખર થશે? 

સરકાર અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહી છે, પણ શિક્ષણમાં તેણે ઊંધું માર્યું હોય તેવી સ્થિતિ વધારે છે. સાચું તો એ છે કે સ્કૂલોની સ્થિતિ, શિક્ષકોની અછત, ડેટા ને પરિપત્રોની રમત, શિક્ષકો પાસેથી કરાવાતી કારકૂની ને શિક્ષણેતર પ્રવૃત્તિઓ .. વગેરેમાં શિક્ષણનો સર્વનાશ થઈ રહ્યો છે. કેટલી ય સ્કૂલો એક કે બે શિક્ષકથી જ ચાલે છે. વર્ગો ન હોવાને કારણે એકથી વધુ વર્ગો સાંકડી જગ્યાએ ચાલે છે, આ બધું કોઈ રીતે શિક્ષણની તંદુરસ્તીની ચાડી નથી ખાતું ને આ હાલત ગુજરાતની જ નહીં, આખા દેશની છે. 

નવી દિલ્હી, થિંક ટેન્ક પી.આર.એસ. લેજિસ્લેટિવ રીસર્ચ દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે દેશમાં 35 ટકા સ્કૂલો એવી છે, જેમાં વિદ્યાર્થીઓ 50 કે તેથી પણ ઓછા છે, એટલું જ નહીં, એમના શિક્ષકો પણ એક કે બે જ છે. નીતિ આયોગના જણાવ્યા મુજબ દેશની 10 ટકા સ્કૂલોમાં 20થી ઓછા અને 36 ટકા સ્કૂલોમાં 50થી ઓછા વિદ્યાર્થીઓ છે. 25મી ફેબ્રુઆરીએ જાહેર થયેલ રિપોર્ટ અનુસાર આવી સ્કૂલોમાં વિદ્યાર્થી ઓછા છે, એટલે શિક્ષકો પણ ઓછા છે ને તેમણે એકથી વધુ વિષયો ભણાવવાના આવે છે. 2022-‘23ને હિસાબે ધોરણ 1થી 8માં શિક્ષકોની 16 ટકા જગ્યાઓ ખાલી છે, જેમાં ઝારખંડમાં 50, બિહારમાં 32, મિઝોરમમાં 30 અને ત્રિપુરામાં 26 ટકા શિક્ષકોની ભરતી થઈ નથી. અહીં સવાલ એ થાય કે જગ્યાઓ ખાલી રાખવાથી જ જો પ્રગતિ થતી હોય તો સરકાર પોતે જગ્યાઓ ખાલી કરવા ઉત્સુક છે કે કેમ? 

ખરાબ સ્થિતિ એ છે કે શિક્ષકોનો ઘણો સમય વહીવટી કામોમાં જતો હોવાથી વર્ગમાં શિક્ષણ કાર્ય થઈ શકતું નથી. ગુજરાતમાં જ શિક્ષણની અવદશા છે એવું નથી, દેશમાં પણ શિક્ષકોની ઘટ આંખે ઊડીને વળગે એવી છે. નવી શિક્ષણ નીતિ દાખલ તો પડી ગઈ છે, પણ તેના અમલનું ઠેકાણું નથી. ન શિક્ષક હોય, ન વિદ્યાર્થી હોય, ન વર્ગોનાં ઠેકાણાં હોય, ન પ્રયોગશાળા સરખી હોય, ન લાઇબ્રેરી સજ્જ હોય કે ન પૂરતી સુવિધા હોય, તો શિક્ષણ નીતિ નવી હોય કે જૂની, શો ફરક પડે છે? ગંધ તો એવી પણ આવે છે કે દેશમાં કોઈ એવું છે જે નથી ઇચ્છતું કે ભારત શિક્ષણમાં મોખરે રહે. મોખરે રહે તો વિચારે, વિચારે તો પ્રશ્નો કરે, પ્રશ્નો કરે તો માથું ઊંચકે, માથું ઊંચકે તો આંદોલન કરે …

આ બધું ન થવા દેવું હોય તો શિક્ષણ સુધરે તેવું કોઈ ન ઈચ્છે. પ્રજાને ધાર્મિક અફીણ પાઈને બહુ શિક્ષિત ન થવા દેવાય તો સત્તાધીશો વિના વિરોધે મનમાની કરી શકે એવું, ખરું કે કેમ? આ બહુ તાણેલો વિચાર હોય તો પણ, તે કેવળ કાલ્પનિક નથી એ નક્કી છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ફેબ્રુઆરી 2025

Loading

...102030...234235236237...240250260...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved