Opinion Magazine
Number of visits: 9966187
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીનને આખા વિશ્વે પાઠ ભણાવવાની જરૂર છે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 August 2020

૭૪મું આઝાદીપર્વ હમણાં જ ઉજવ્યું ને લાલકિલ્લા પરથી ત્રિરંગો લહેરાતો આપણે માધ્યમો દ્વારા અનુભવ્યો. વડાપ્રધાને લગભગ દોઢેક કલાકનાં પ્રવચનમાં અનેક અંજલિઓ આપી ને સૌને ભાવથી યાદ કર્યા. આપણા વડાપ્રધાનો સૂત્રો આપતા આવ્યા છે ને એ સિલસિલો હજી પણ ચાલુ જ છે. ‘આરામ હરામ હૈ’, ‘જય જવાન, જય કિસાન’, ‘ગરીબી હટાવ’ ને એવા કૈંક સૂત્રો દેશની પ્રજાને અપાયાં ને હવે આપણે ‘મેઈક ઈન ઇન્ડિયા’, ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ સુધી આવ્યાં છીએ.

આવાં સૂત્રો એક ધ્યેય અને દિશા તો નક્કી કરે છે ને એનાથી પ્રજા દોરવાય છે ને તેનામાં ઉત્સાહ ને જોમ પણ ઉમેરાય છે. તે રીતે સૂત્રો જરૂરી પણ છે, પણ તેનાથી પેટ ભરાતું નથી. ‘ગરીબી હટાવ’વા જતાં ઘણાં હટી ગયાં ને ગરીબી હજી ત્યાં જ ઊભી છે. અનેક યોજનાઓ અને પેકેજો અનેક સરકારોએ જાહેર કર્યાં ને એ ક્રમ હજી જળવાયેલો જ છે, પણ એમાં પ્રજાની ભક્તિ વધી છે, શક્તિ વધી નથી. એ સાચું છે કે જેમ જેમ યોજનાઓ અને સૂત્રો વધ્યાં તેમ તેમ વસ્તી પણ વધી અને કરેલાં કામો દેખાય જ નહીં એવી સ્થિતિ પણ આવી. એ આજે પણ છે. ભ્રષ્ટાચાર છતાં, કામો થયાં જ છે, યોજનાઓનો અમલ પણ થયો જ છે. વીજળી, પાણી ને ખોરાકની દિશામાં પ્રગતિ થઈ જ નથી એવું નથી, પણ વાસ્તવિકતા એ છે કે ગમે એટલું કરો, પનો ટૂંકો જ પડે છે. એમાં ભ્રષ્ટ તંત્રો, પડોશી દેશોની સતત ચાલતી કનડગત, વધતી વસ્તી, આગ-રેલ-રોગચાળો-ભૂકંપ-પર્યાવરણીય પ્રશ્નો જેવી બાબતોને કારણે બે ડગલાં આગળ ચાલીને ત્રણ ડગલાં પાછળ આવવા જેવું જ થાય છે. એમાં કરેલું ધોવાઈ જાય છે.

આખા વિશ્વે એ વિચારવાની જરૂર છે કે સંરક્ષણ બજેટ ઘટે એવું શક્ય છે કે કેમ? એક વખત નહીં, અનેક વખત આ પૃથ્વીનો નાશ થઈ શકે એટલાં શસ્ત્રો આપણે વિકસાવ્યાં છે. આ વિકાસ ડરને કારણે થયો છે. કોઈ દેશ હુમલો કરે તો પોતાનું રક્ષણ કરવા અણુશસ્ત્રો આખા જગતે વિકસાવ્યાં છે. એવી સ્થિતિ નથી કે કોઈ દેશ હુમલો જ ન કરે ને દરેક પોતપોતાના દેશમાં શાંતિથી રહે. યુદ્ધ લાલચ વગર જન્મતું નથી. આ લાલચ અધિકાર વગરની હોય છે. એ લાલચ અતિક્રમણને જન્મ આપે છે ને એ યુદ્ધની ભૂમિકા બને છે. બબ્બે વિશ્વયુદ્ધો અને જાપાનના સર્વનાશ પછી પણ આપણે યુદ્ધોને બાજુ પર મૂક્યાં નથી તે વૈશ્વિક કમનસીબી છે. અણુકરારો કે ના-યુદ્ધ કરારો છતાં નાનામોટાં યુદ્ધો વિશ્વમાં થતાં જ રહ્યાં છે. એમાં ચીન જેવાને વિશ્વસત્તા બનવાની ચળ ઊપડી છે ને તેણે એક યુદ્ધમાં ન થાય એવી મોટી ખુવારીને, કોરોના દ્વારા આખા વિશ્વમાં જન્મ આપ્યો છે. એણે ભારત સાથે મૈત્રીનું નાટક કરીને સરહદી વિશ્વાસઘાત કર્યો ને ભારતની મુશ્કેલી વધારી છે. એ હજી ભારતને ૧૯૬૨નું ભારત જ સમજે છે. તેનો વળતો જવાબ ભારતે આપ્યો જ છે, પણ હજી વધારે કડકાઈથી ભારતે વર્તવાની જરૂર છે.

ખાસ કરીને આત્મનિર્ભર ભારતની વાત સાથે જે વાતો જતી નથી તે અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ભારતની નીતિ અત્યાર સુધી કાચા માલની નિકાસ કરીને તૈયાર માલની આયાત કરવાની રહી છે. આવું ક્યાં સુધી ચાલશે એવી ચિંતા ખુદ વડાપ્રધાને કરી છે. અહીં વાત આયાત ઘટાડવાની જ નથી, આત્મિક કુશળતા વધારવાની પણ છે. આપણે ખરેખર જ આત્મનિર્ભર થવા માંગતા હોઈએ તો આપણામાં રહેલા વિરોધાભાસો અંગે પુનર્વિચાર કરવાનો રહે છે.

ઉદાહરણ તરીકે ચીનની સાન ઠેકાણે લાવવા ભારતે ઢગલો ચાઇનીઝ એપનો જડબેસલાક બહિષ્કાર કર્યો. એની અસર પણ પડી. ચીન થોડું નરમ પણ પડ્યું. તેણે સરહદ પર છમકલાં ઘટાડ્યાં. તે સુધરી જવાનું નથી, પણ તેની મનમાનીમાં ફરક તો પડ્યો જ છે. આ બહિષ્કાર ચાલુ રહેવો જોઈએ, પણ એવું ઓછું જ થાય છે. વડાપ્રધાન એક તરફ આયાત ઘટાડવાની વાત કરે છે ને બીજી તરફ એ જ ચીન પાસેથી આયાત ચાલુ રાખે છે તે બેવડી નીતિ સમજાતી નથી.

આમ ગયાં વર્ષ કરતાં ચીની માલની આયાત ઘટી છે, પણ કોરોના કાળની શરૂઆતમાં આયાત બધા જ દેશોની ઘટી, તે જ રીતે ભારતની પણ ઘટી, પણ છેલ્લા થોડા મહિનાઓમાં ભારતની ચીન પાસેથી આયાત વધી છે. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારતે ચીન પાસેથી ૩૨.૨ અબજ ડોલરની આયાત કરી છે ને માત્ર જુલાઈની જ વાત કરીએ તો ભારતે ૫.૬ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી છે. ૨૦૧૯ની તુલનામાં આયાત ૨૪ ટકા ઘટી છે તે સાચું, પણ હાલના સંજોગોમાં, જ્યારે સંબંધો પૂરા વણસેલા હોય ને બહિષ્કારનો દોર ભારતે જ ચાલુ કર્યો હોય ત્યારે આટલી આયાત પણ શું કામ થવી જોઈએ તે પ્રશ્ન તો છે જ ! એમ કહેવાય છે કે આ આયાતો મેડિકલ પ્રોડક્ટ્સની છે. એનો અર્થ એ થયો કે આરોગ્યને મામલે હજી આપણે ચીન પર જ નિર્ભર છીએ. આ સ્થિતિ સુધરવી જોઈએ. એક તરફ ‘આત્મનિર્ભર ભારત’ની મોટે ઉપાડે જાહેરાત થતી હોય ને બીજી તરફ શત્રુ રાષ્ટ્રની ચીજવસ્તુઓ વગર આપણને ચાલતું ન હોય એ બરાબર નથી. અન્નક્ષેત્રે ભારત સ્વાવલંબી થયું જ છે, પણ મેડિકલ બાબતોમાં પણ આ સ્વાવલંબન અપેક્ષિત છે. એ રાતોરાત ન થાય તે સાચું, પણ સ્વતંત્રતા પ્રાપ્તિનાં ૭૩ વર્ષ પછી આટલી અપેક્ષા વધારે પડતી નથી.

જ્યાં સુધી ચીની માલની આયાતનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતે બહુ જ ચેતીને ચાલવા જેવું છે. ચીન સુપર પાવર થવા હવાતિયાં મારી રહ્યું છે ને તેને માટે તે કંઈ પણ કરી શકે એમ છે. ચીન દવાઓ ને અન્ય સામગ્રીમાં ભયંકર છેતરપિંડી કરી શકે એમ છે. તે જો કોરોના વિશ્વમાં ફેલાવી શકે તો ભારત સાથે તો તે ગમે તે હદની બદમાશી કરી જ શકે. એવામાં દવાઓને મામલે તે વિશ્વાસધાત ન કરે ને નકલી કે ઝેરી દવાઓ ન જ મોકલે એમ માનવાને કોઈ કારણ નથી. આ કોઈને કદાચ વધારે પડતું લાગે પણ તેણે ખેતીને ક્ષેત્રે તેવું કર્યાની વાત બહાર આવી છે.

એવી શંકા છે કે ભારત સહિત અમેરિકા અને અન્ય દેશોમાં એવું બિયારણ ચીને કુરિયર દ્વારા મોકલ્યું છે જે રોગ ફેલાવી શકે. ભારત સરકારના કૃષિ સંશોધન વિભાગને એવાં પેથોજન્સ (રોગકારકો) બિયારણમાંથી મળ્યાનું લાગ્યું છે ને તેણે એ અંગે તપાસ શરૂ કરી છે. ગુજરાત સરકારે પણ આવાં શંકાસ્પદ બીજ પાર્સલોથી ચેતવાની જાણકારી સંબંધિત વિભાગોને આપી છે. અમેરિકાએ પણ આ અંગે તપાસ શરૂ કરી છે ને તેને પાકી શંકા છે કે આવાં રોગકારક બિયારણ વિશ્વભરમાં ચીન પાર્સલ કરી રહ્યું છે. ભારતે અધિકૃત રીતે આ કામ ચીનનું જ છે એવું કહ્યું નથી, પણ ચીન તરફની શંકા અમેરિકાએ તો દર્શાવી જ છે. તે ગંભીરપણે માને છે કે પેથોજન્સ ધરાવતાં બીજ ચીન જ મોકલી રહ્યું છે. અમેરિકા ઉપરાંત કેનેડા, જાપાન, ન્યુઝીલેન્ડ, યુરોપના દેશોમાં પણ આવાં ખોટાં લેબલવાળાં પાર્સલો પહોંચ્યાની વાત બહાર આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના વડાએ પણ એ મામલે ચિંતા પ્રગટ કરી છે કે આવાં પેથોજ્ન્સવાળાં બીજ કામમાં લેવાય તો અન્ન સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા થાય. કેટલાક મહિનાઓથી હજારો શિપમેન્ટ અનેક દેશોમાં આવાં બિયારણના પહોંચ્યાં છે ને તે અંગે તપાસ વૈશ્વિક લેવલે ચાલુ થઈ છે.

ટૂંકમાં આ પ્રકારનાં બિયારણ દેશની બાયોડાયવર્સિટીને નુકસાન પહોંચાડી શકે એમ છે, એટલું જ નહીં, તે ગંભીર પ્રકારના રોગોને આમંત્રણ પણ આપી શકે એમ છે. આવી સ્થિતિ હોય ત્યારે ચીનની કોઈ પણ પ્રકારની મદદ ભારતે કે અન્ય દેશોએ શું કામ લેવી જોઈએ? હાલના સંજોગોમાં ભારતે જ શું કામ, તમામ દેશોએ ચીનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ એવું નથી લાગતું? ચીનને પાઠ ભણાવવાનું આખા વિશ્વે નક્કી કરવું જોઈએ, કારણ તેણે આખું વૈશ્વિક સંતુલન અને અર્થકારણ ખોરવવાનો અક્ષમ્ય અપરાધ કર્યો છે ને આ તેને માટેની ઓછામાં ઓછી સજા છે. શું કહો છો?

૦

e.mail : ravindra21111946@gmail.com

Loading

સારપને સંકોરવાનું પુણ્યકાર્ય

હિમાંશી શેલત|Opinion - Opinion|17 August 2020

‘ભૂમિપુત્ર’ના વાચકવર્ગને એના અંતિમ પૃષ્ઠનું ખેંચાણ બહુ મોટું. સંભવ છે કે અંક મળે ત્યારે એ છેલ્લું પાનું જ પહેલું વંચાતું હોય! હરિશ્ચંદ્ર બહેનોની આ પ્રસ્તુતિ ખૂબ વાચકપ્રિય બનેલી. કાંતાબહેનના અવસાન બાદ હરવિલાસબહેને આ રજૂઆત સંભાળેલી અને એમની વિદાય પછી, 2010થી આશા વીરેંદ્ર દ્વારા આ વિશિષ્ટ વાચન સામગ્રીની સુપેરે માવજત આજ પર્યંત થઈ છે. દસ વર્ષના લાંબા પટ પર અન્ય ભાષાઓની કથાને આમ રજૂ કરવી, ચુસ્તીપૂર્વક એનું સાતસો-સાડી સાતસો શબ્દોનું માળખું જાળવવું અને મૂળ રચનાનાં હાર્દ અને રસને તથા વાર્તા પસંદગીમાં વિષય તથા પાત્ર વૈવિધ્યને ધ્યાનમાં રાખવાં, એ પૂરતી સજ્જતા અને નિષ્ઠાની અપેક્ષા રાખે એ સ્વયંસ્પષ્ટ છે.

આશા વીરેન્દ્ર આ લાંબા ગાળા દરમિયાન પોતાની સજ્જતા અને નિષ્ઠાનો સરસ પરિચય આપી શક્યાં છે. કેવળ પ્રાદેશિક જ નહીં, વિદેશી વાર્તાઓને પણ એમણે ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પૃષ્ઠની આવશ્યકતા મુજબ ઢાળી છે, અને પરિણામે આ કથાઓએ સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. ધર્મ અને જાતપાતના, સામાજિક અને ભૌગોલિક તેમ જ સાંસ્કૃતિક સીમાડા વળોટી જનમાનસને સ્પર્શતી આ કથાસામગ્રી મૂળ તો મનુષ્યના અસ્તિત્વની સારપનો અને મનુષ્યત્વનો મહિમા દાખવે છે.

અહીં એવી કથાઓ પસંદ થઈ છે જે સામાન્યતામાં સંગોપિત અસામાન્યતા, અને ભોંયમાં રોપાયેલા માણસોની ઊંચાઈને વ્યક્ત કરે. કુટુંબજીવન અને પારિવારિક સંબંધો ભારતીય ભાવકોનું મનપસંદ ક્ષેત્ર છે, એ જ રીતે સામાજિક સમસ્યાઓ પણ એમના રસનો વિષય. વાર્તાઓમાં એકવિધતા ન આવે અને એનું વિષયવૈવિધ્ય જળવાય એ પરત્વે આશાબહેને ઠીકઠીક જાગરૂકતા રાખી છે. સ્વયં વાર્તાલેખનની શિસ્તમાં પલોટાયાં હોવાથી કથારસ શી રીતે જાળવવો, વાર્તાનો આરંભ અને અંત કઈ ઢબે અસરકારક બની શકે અને ભાષા સંદર્ભે કેવી કાળજી આવશ્યક ગણાય એનો આશાબહેનને પરિચય છે, અને કથાપ્રસ્તુતિનું આ જમા પાસું લેખાય.

‘ભૂમિપુત્ર’ની આ વાર્તાઓ ‘જન્મભૂમિ’માં, અન્ય સામયિકોમાં અને બીજી પદ્ધતિઓ થકી એક વિશાળ વાચક સમુદાયમાં ફરી વળી છે. એમાંની થોડીક વળી ‘તર્પણ’ એક અને બેમાં સંચયરૂપે પ્રગટ થઈ છે. જો કે ક્યારેક સામગ્રી દીર્ઘ વાર્તા કૃતિને લાયક હોય ત્યારે એને ટૂંકામાં સમાવવાનો પડકાર ભારે પડ્યો હોય એમ પણ નોંધવું રહ્યું. ખીચોખીચ ભરેલા ફલક જેવી આ પ્રકારની રચનાઓમાં વાર્તાને મોકળાશભર્યો શ્વાસ લેવામાં મુશ્કેલી પડી છે. ‘અણમોલ ભેટ’ કે ‘બોજ’ (બંને તર્પણ-2) જેવી કૃતિઓ આનાં ઉદાહરણ છે.

ઘટનાપ્રચુર વાર્તાઓ માટે વિસ્તૃત ફલક અનિવાર્ય બને એ હકીકત નજરઅંદાજ કરવા જેવી નહીં પરંતુ સરેરાશ ભાવકનો અભિગમ તો વાર્તારસ માણવા જેટલો જ હોવાથી આવી બારીકાઈ એને માટે જરૂરી ન ગણાય. સામાન્ય ભાવકવ ર્ગ- જે ઘણો મોટો છે – એને આદર્શ અને વાસ્તવનું મિશ્રણ, લાગણીના ઘટ્ટ-ઘેરા રંગો તથા માનવસંબંધો અને કુટુંબજીવનના આટાપાટા માણવામાં ઘણો સંતોષ મળે છે. જે સામગ્રી એને આવો પરિતોષ આપે તેના તરફ એને આકર્ષણ રહેવાનું. એટલે થોડીક મર્યાદા હોવા છતાં ઉપર નોંધેલી ચોક્કસ પ્રકારની વાચનસામગ્રી માટે એને પક્ષપાત રહેવાનો. પરંતુ જ્યારે આશાબહેન સંયત સૂરે, કલાપક્ષને લક્ષ્યમાં રાખી લેખનપ્રવૃત્ત થયાં છે ત્યારે ‘ખાલીપો’ અથવા ‘શિવ-શંભુ’ કે ‘માઈનું ઘર’(તમામ તર્પણ-1) જેવી સાધ્યંત અસરકારક કૃતિઓ નિષ્પન્ન થઈ છે.

ટૂંકી વાર્તા તો નિમિત્ત, એને આધારે સત્ત્વશીલ અને જીવનલક્ષી સામગ્રી પ્રસ્તુત કરવાનો દસ વર્ષથી વણથંભ ચાલતો આ ઉપક્રમ બિરદાવવાનો અવસર છે. અહીં આ કથાઓમાં હૃદયપલટાનાં સરળ સમીકરણો હાજર છે, પરંતુ એનીયે સકારાત્મક અસર ક્યાંક ને ક્યાંક થતી હશે એમ માનવું ગમે. મનુષ્યની સારપને સંકોરવાનો આ પ્રયાસ અને એનાં રચયિતા – બંને અભિનંદનનાં અધિકારી.

હૈદરાબાદ લીટરેચર ફેસ્ટીવલના ફેસબુક પેજ પરથી સાભાર.

https://bhoomiputra1953.com/2020/07/25/l/

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 જુલાઈ 2020; પૃ. 10

Loading

મારા જીવનનો અર્થસભર દાયકો

આશા વીરેન્દ્ર|Opinion - Opinion|17 August 2020

2010 જૂનથી 2020 જૂન – ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાનાની વાર્તાની લેખિકા તરીકે આ પખવાડિક સાથે જોડાયાને એક દસકો થઈ ગયો. સાત દાયકાના પ્રલંબ પટ પર વિસ્તરેલા જીવનમાંથી એક દશકનો ગાળો ઓછો તો ન જ કહેવાય અને એ પણ મારા જેવી કોઈ એક કામને લાંબો સમય વળગીને ન રહી શકનારી વ્યક્તિ માટે. દિવંગત હરવિલાસબહેન અને કાંતિભાઈના પ્રેમાગ્રહ આગળ નમતું જોખીને આ કામ સ્વીકાર્યું તો ખરું પણ બહુ ગંભીરતાથી લીધેલું નહીં. જોઉં, થાય ત્યાં સુધી કરીશ, નહીં થાય ત્યારે ના કહી દેવામાં ક્યાં વાર લાગવાની છે? – એવી બેફિકરાઈ પણ ખરી ! એમાં વળી કાંતિભાઈએ એવી વાત કરી કે આપણે આ કામ માટે ત્રણ મહિનાનો પ્રોબેશન પિરિયડ રાખીએ – ત્યાં સુધીમાં તમને ન ફાવે તો તમે ના કહી શકો અને અમને એવું લાગે કે વાર્તાઓ જોઈએ એવી નથી લખાતી તો અમે ના કહેવા અથવા બીજા કોઈને આમંત્રણ આપવા છુટ્ટા. મને એમની આ વાત ગમી ગઈ. થયું કે એક-બે વાર્તાઓ લખી જોઈએ, પછી ના કહી જ શકાશે ને?

આજે પાછું ફરીને જોઉં છું ત્યારે સમજાય છે કે મારી એ આનાકાની પાછળ અસ્વીકારનો ભય હતો. જે બંને બહેનોને ખુદ વિનોબાજીએ ‘હરિશ્ચંદ્ર’ નામ પ્રદાન કરેલું એમની કલમથી 45-45 વર્ષોથી ટેવાયેલા વાચકો મારા જેવી શિખાઉને સ્વીકારશે? જો શરૂઆતથી જ કદાચ વાચકોના નકારાત્મક પ્રતિભાવો આવશે તો? આવી બધી મથામણ સાથે કામની શરૂઆત તો કરી પણ 2010ના 1લી જૂનના અંકમાં જ્યારે પહેલવહેલી વાર્તા છપાઈ ત્યારે તો દિલ એવું ધડક ધડક થતું હતું કે એવું તો અત્યાર સુધીમાં આપેલી કોઈપણ પરીક્ષા વખતે ય નહોતું ધડક્યું. મારે કેટકેટલી તાવણીમાંથી પસાર થવાનું હતું ! મારા સૌથી પહેલા અને કડક પરીક્ષક હતા કાંતિભાઈ, એ પછી ભૂલ દેખાય ત્યાં હંમેશાં કાન આમળતા રહેલા મુરબ્બી નારાયણકાકા, ત્યાર બાદ નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન – એવું માનનારા મારા અંતરંગ મિત્રો, આલોચકો અને આ પરીક્ષાના પરિણામનો જેમના પર સૌથી વધુ મદાર હતો એવો વાચકગણ. જો કે ત્યારે અવર્ણીય આનંદ થયો હતો જ્યારે બધાએ ભેગા મળીને પાસ થયેલી જાહેર કરીને વધાવી હતી.

એવું તો નહોતું કે, મેં આ વાર્તાઓથી જ લેખનકાર્યની શરૂઆત કરી હતી. એમ તો લગભગ 15-20 વર્ષોથી જુદાં જુદાં સામયિકોમાં, અખબારોમાં કે પત્રિકાઓમાં મારી વાર્તાઓ, હાસ્ય લેખો, પ્રવાસ વર્ણન કે નિબંધ છપાતાં રહેતાં. પણ આ કામ સાવ જુદા પ્રકારનું હતું. પોતાના બાળકનો ઉછેર કોઈ માને અઘરો ન લાગે પણ અન્યના બાળકની સંભાળ રાખવાની, એની માવજત કરવાની આવે ત્યારે ગભરાટ થવો સ્વાભાવિક છે. અત્યાર સુધી મેં મૌલિક જ લખ્યું હતું પણ ‘ભૂમિપુત્ર’ની વાર્તાઓ ભારતની અથવા વિશ્વની કોઈપણ ભાષાના લેખકની વાર્તાનો આધાર લઈને લખવાની હતી. એમ કહી શકાય કે મારે જશોદામૈયાની ભૂમિકા ભજવવાની હતી. કહેવાય છે કે, ‘કામ કામને શીખવે’ એ પ્રમાણે જેમ જેમ વાર્તાઓ લખાતી ગઈ એમ એ અંગેની સમજ સ્પષ્ટ થતી ગઈ. આઠ કે દસ પાનાંની વાર્તાનો ‘ભૂમિપુત્ર'ના છેલ્લા એક જ પાનામાં એ રીતે સમાવેશ કરવો કે વાંચનારને ક્યાં ય રસક્ષતિ થતી ન લાગે અને એને આખી વાર્તા વાંચ્યાનો સંતોષ પણ મળે. એ માટે કયો મુદ્દો બાદ કરવો અથવા કઈ અગત્યની ઘટનાનો વિસ્તાર કરવો એ બાબતની ફાવટ આવતી ગઈ. પૂર્વસૂરિઓને આપેલું વચન નિભાવવા ખાતર જ જે કામ હાથમાં લીધેલું એમાં ધીરે ધીરે એટલો રસ પડવા લાગ્યો કે જાણે એનું વ્યસન થઈ ગયું.

આ દસ વર્ષના ગાળામાં 40-40 વાર્તાઓનો એક એવા બે સંગ્રહ તર્પણ – 1 (2013) અને તર્પણ – 2 (2014) પ્રગટ થયા. તર્પણ ભાગ 3, 4 અને 5 ની 120 વાર્તાઓ પોતે ક્યારે પ્રકાશમાં આવે એની રાહ જોતી તૈયાર ઊભી છે. હરિશ્ચંદ્ર બહેનોની 45 વર્ષો દરમ્યાન લખાયેલી વાર્તાઓના 18 સંગ્રહો ‘વીણેલાં ફૂલ’ નામથી પ્રકાશિત થયેલા અને ખૂબ લોકપ્રિય થયા છે. મારી વાર્તાઓ એમને તર્પણરૂપે હોવાથી ‘તર્પણ’ નામ આપવાનું નક્કી કર્યું. દસકાના ગાળામાં અનેક સારા-માઠા પ્રસંગો આવ્યા, ઘર ગ્રૃહસ્થીની, વ્યાવહારિક એવી અનેક જવાબદારીઓ આવી પણ ગમે તેવા સંજોગો છતાં દર પંદર દિવસે ‘ભૂમિપુત્ર’ના કાર્યાલય પર વાર્તા પહોંચાડવાનું કામ અચૂકપણે નિભાવી શકાયું એનો ખૂબ સંતોષ છે. આટલા ગાળામાં લગભગ 250 વાર્તાઓ થઈ. એક એક વાર્તા પસંદ કરતા પહેલાં ઓછામાં ઓછી 10 વાર્તાઓ વાંચવી પડે છે. આ હિસાબે જોવા જઈએ તો અત્યાર સુધીમાં ભારતની અલગ અલગ ભાષાઓ જેવી કે, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી વગેરે અને કેટલીય વિદેશી ભાષાની એમ બધું મળીને 2,500 જેટલી વાર્તાઓમાંથી પસાર થવા મળ્યું.

કેટલા ય વાચકમિત્રો પૂછતા હોય છે કે, આટલી બધી નવી નવી વાર્તાઓ તમને મળે છે ક્યાંથી? ચાલો, આજે એ રહસ્ય પરથી પડદો ઊંચકી લઉં. વાર્તાઓ તૈયાર કરવા માટે મુખ્યત્વે જુદી જુદી ભાષાનાં સામયિકોનો આધાર લેવાનો રહે છે. દર મહિને મળતાં નવનીત (હિંદી), સમકાલીન સાહિત્ય, નયા જ્ઞાનોદય, મિળૂન સાર્યાજણી (મરાઠી), સ્ટેટ્સમેન (અંગ્રેજી) વગેરેમાંથી ઘણી વાર્તાઓ મળી રહે છે. વળી ઘણાં સામયિકોમાં દરેક અંકમાં એક ઈતર ભાષાની વાર્તાનો હિંદી અનુવાદ પણ મળે છે. આમ એક વખત વાર્તાનું ચયન થયા પછી એને 750 થી 800 શબ્દોમાં સમાવવાની ગડમથલ ચાલુ થાય. ધીમે ધીમે આ બધી મથામણ એટલી રસપ્રદ લાગવા માંડી કે, ઘણી વખત વાર્તાને આ ઘાટ આપવો કે પેલો, એવી દ્વિધામાં રાતની ઊંઘ પણ ઊડી જતી. વાર્તાનાં પાત્રો સાથે મારી સંવેદના એ હદે જોડાઈ જતી કે, ક્યારેક પાત્રની વેદના, એની તકલીફનો વિચાર કરતાં આંખોમાં આંસુ પણ આવી જાય.

આ દસ વર્ષોએ મને કેટકેટલું આપ્યું છે! આત્મ સંતોષ, આંતરિક સમૃદ્ધિ, ભાષાઓની સુંદરતાનો પરિચય, વાચકોનો પ્રેમ અને આદર – આ બધું કદાચ ક્યારે ય ન મેળવી શકત, જો આ દાયકો મારા જીવનમાં ન આવ્યો હોત તો ! હમણાના કોરોના કાળની વાત કરું તો રોજે રોજના આઘાતજનક આંકડાઓ, સમગ્ર દુનિયાની દયનીય પરિસ્થિતિ અને અમંગળની આશંકાને કારણે મન એવું તો ક્ષુબ્ધ રહે છે કે, કશું પણ સર્જનાત્મક લખવાની કે કંઈ નવું  કરવાની કે વિચારવાની ઇચ્છા જ નથી થતી. એક ઉદાસી ચારેકોરથી ઘેરી લેતી હોય એવી પળોમાં ‘ભૂમિપુત્ર’ માટે વાર્તા તૈયાર કરવાની ચાનકે મને ઉગારી લીધી છે એમ કહું તો ખોટું નથી. ગમે તેટલી નિરાશ પળોમાં પણ બીજું કંઈ નહીં તો વાર્તાઓ વાંચવાનું કામ તો થતું રહે છે અને એ રીતે મનને  સધિયારો રહે છે કે, સમયનો કંઈક તો સદુપયોગ કરી શકાય છે!

દસ વર્ષની આ યાત્રામાં કેટકેટલાનો સાથ, સહકાર, પ્રેમ અને પ્રોત્સાહન મળ્યાં છે. એમાંથી કોઈનાં નામ ગણાવીને કોઈની ય ઓછી કે વધુ કિંમત આંકવાનો  આશય નથી પણ આ તબક્કે એટલું તો જરૂર કહીશ કે આપ સૌના પીઠબળ વિના અહીં સુધી પહોંચવું શક્ય નહોતું. દસ વર્ષના આ મહત્ત્વના મુકામ પછી આ સફર કેટલી આગળ ચાલશે એ તો આપણે કોઈ નથી જાણતા પણ મારી લાગણી વ્યક્ત કરવા નિરંજન ભગતની પેલી પંક્તિઓનો આધાર લેવાનું મને ગમશે કે,

‘કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, (બહેનો તો કેમ ભુલાય !)
આપણો ઘડીક સંગ  રે…
આતમને તોયે જન્મોજનમ લાગી જશે એનો રંગ … કાળની કેડીએ’

‘ભૂમિપુત્ર’ની કેડીએ આપણો સંગ કાયમ રહે એવી અભિલાષા.

https://bhoomiputra1953.com/2020/07/25/મારા-જીવનનો-અર્થસભર-દાયક/

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 જુલાઈ 2020; પૃ. 10-11

Loading

...102030...2,3352,3362,3372,338...2,3502,3602,370...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved