Opinion Magazine
Number of visits: 9557336
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તણાવનું ત્રિકોણઃ ભારત-પાકિસ્તાનને મામલે “મધ્યસ્થી” બનવું યુ.એસ.એ. માટે બે ધારી તલવાર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 May 2025

ઑપરેશન સિંદૂરથી ઇમરાન ખાનની મુક્તિ સુધીનો ખેલ વૈશ્વિક રાજકારણને ધરમૂળથી બદલી શકે છે

ચિરંતના ભટ્ટ

2025નું વર્ષ અને દક્ષિણ એશિયા ફરી એકવાર વૈશ્વિક સત્તાના ત્રિકોણના કેન્દ્રમાં છે – એક એવી સ્થિતિ જ્યાં ઇતિહાસ હજી અધૂરો છે, જે પણ યુતિ કે સંગઠન છે તેનો આધાર વ્યવહારિક છે અને પરમાણુ શક્તિ દાવ પર લાગેલી છે.  

એક તબક્કે પાકિસ્તાન ક્રિકેટના મસિહા ગણાતા અને બાદમા લોકપ્રિય નેતા બનેલા ઇમરાન ખાન આમ તો જેલમાં છે, પણ તેમનું શું થશે અથવા તેમની સાથે શું થઈ રહ્યુ છે તેની અટકળો સતત ચાલુ છે. છેલ્લા સમાચાર અનુસાર અમેરિકાનું દબાણ, પાકિસ્તાનની વર્તમાન આંતરિક અરાજકતા અને ત્યાંની લશ્કરી ગણતરીઓને કોઈ ઊહાપોહ વગર પુનર્ગઠન કરવાના હેતુથી ઇમરાન ખાનને થ્રી પોઈન્ટ ડિપ્લોમસીની શરતી મુક્તિ મળે એવી ચર્ચા ચાલી રહી છે. દેશ લોકશાહીના ભ્રમ અને હળવા માર્શલ લૉની વચ્ચે ભીંસાઈ રહ્યો છે, ફુગાવો ફાટ્યો છે અને IMF માથે ધૂણે છે. અધૂરામાંપૂરું લશ્કરી તંત્ર ખંડિત છે ત્યારે પાકિસ્તાન આ સંજોગોમાંથી એ રીતે બહાર નીકળવાના પ્રયાસમાં છે, જે રીતે કોઈ સુરંગ પથરાયેલા મેદાનમાંથી સાવચેતી બહાર નીકળવા પ્રયત્નશીલ હોય. આ એક્ઝિટ એક રાજકીય વ્યૂહરચના સમી હોય તે પાકિસ્તાન માટે અનિવાર્ય છે, એ વાત અલગ છે કે એ સ્તરનું વૈચારિક કૌશલ જો પાકિસ્તાન પાસે હોત તો આ સંજોગો ખડા જ ન થયા હોત. 

પહલગામના આતંકવાદી હુમલાનો જવાબ ભારતે ઑપરેશન સિંદૂરથી આપ્યો. પાકિસ્તાનને આંચકો લાગ્યો પણ છતાં પણ મિયાં પડે પણ ટંગડી ઊંચી વાળો ઘાટ રહ્યો. પરમાણુ હુમલાનો ખતરો માથે તલવારની જેમ તોળાતો રહ્યો પણ નસીબજોગે એ નોબત ન આવી. દુનિયા આખીએ આ ઘટનાઓ ઝીણી નજરે જોઈ. સ્વાભાવિક છે કે કભી હાં, કભી ના કરતા યુ.એસ.એ.એ ફરી ભારત-પાકિસ્તાનના તણાવમાં મંચ પ્રવેશ કર્યો. ડૉનાલ્ડ ટ્રમ્પની સેકન્ડ સિઝન ચાલે છે ત્યારે વ્હાઇટ હાઉસે મધ્યસ્થી બનાવની વાત કરી જો કે એ બધું ટ્વીટ્સમાં હતું પણ વાસ્તવિકતામાં ટેરિફનો બોજ પણ હતો. સહેજ મરકીને અમેરિકાએ યુદ્ધવિરામને પોતાની સફળતા ગણાવી, જો કે ભારતે તો બિંધાસ્ત એમ કહ્યુ કે આ ડિ-એસ્કેલેશન તો એક પક્ષીય છે. યુ.એસ.એ.એ ભારત-પાકિસ્તાન વચ્ચેના વિરામ અંગે જે પણ કહ્યું એમાં પાકિસ્તાનને ધરપત થઇ હશે તો ભારતે ભવાં ચઢાવ્યા હશે. યુ.એસ.એ.નો આ મંચ પ્રવેશ પોતાના માર્કેટિંગનો એક કેમિયો હતો એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ભારત-પાકિસ્તાન અને યુ.એસ.એ.નું આ ત્રિકોણ એવું છે કે એમા કોને શું જોઈએ છે તે કળવું સમય અને સંજોગો સાથે બદલાતું રહ્યું છે. ઘણીવાર આ ત્રિકોણમાં ઘટનાઓ એટલી નાટ્યાત્મક હોય છે કે નાટકની ભાષામાં કે બંધારણમાં તેને સમજવાનો પ્રયત્ન વધું સરળ થઈ પડે. જે ઉપર ચર્ચ્યો એ પહેલો અંક હોઈ શકે જે હાલની પરિસ્થિતિનો ચિતાર આપે છે.

આ ત્રિકોણમાં કોણ શું ઇચ્છે છે?

હવે આ આ ખેલના બીજા અંક પર નજર નાખીએ. પહેલાં આપણી જ વાત કરીએ તો આપણે ત્યાં મોદી સરકારની ત્રીજી સિઝન ચાલે છે. આપણને વિશ્વગુરુ બનવું છે એટલું જ નહીં પણ દક્ષિણ એશિયામાં આપણી જે ભૌગોલિક સ્થિતિ છે, આપણા જે સંજોગો અને ક્ષમતાઓ છે તેના આધારે આપણને સૌથી મોખરાના, અગત્યનાં અને આપણા પાડોશી દેશો કરતાં બધાં જ પાસે વધુ મજબૂત થવાની ચાહના છે. વળી કાશ્મીરના મુદ્દે આપણને કોઈ હસ્તક્ષેપ નથી જોઈતો. આપણને એટલે કે આપણી સરકારને હવે એટલી તુમાખી રાખવી છે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક્સ અને આતંકવાદ સામે અગાઉ રાખેલા સંયમને આપણે વારંવાર સમજાવવો ન પડે – તેની ચોખવટ ન આપવી પડે. આપણને યુ.એસ.એ.નો સાથ માત્ર ટૅક અને સંરક્ષણના મામલે ભાગીદાર તરીકે જોઈએ છે પણ વગર કારણ ચંચુપાત કરનારા મધ્યસ્થી તરીકે નથી જોઈતો.

આ ખેલનું બીજું પાત્ર છે પાકિસ્તાન. પાકિસ્તાનને જોઈએ છે કે તે દેવામાંથી મુક્ત થાય, કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પોતાના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લેવામાં આવે અને પોતાને એક રાષ્ટ્ર તરીકે વૈશ્વિક સ્તરે સન્માનથી જોવાય એ જ પાકિસ્તાનની ઇચ્છા છે. અમેરિકાએ પાકિસ્તાનથી અંતર કર્યું છે અને પાકિસ્તાન ચાહે છે કે ફરી એકવાર અમેરિકા તેના સ્પીડ ડાયલ પર હોય – મદદ જોઈતી હોય ત્યારે નહીં પણ તે પાકિસ્તાનને ગણે છે, તે જે કરે છે તેને તેને માન્યતા આપે છે એ રીતે. 

યુ.એસ.એ.ની વાત કરીએ તો મહાસત્તાનું લેબલ લાગ્યું છે એટલે સત્તા અને નિયંત્રણ વગરનું કશું ય અમેરિકાને પચે એમ નથી. પાકિસ્તાન યુ.એસ.એ. માટે એક એવો છોકરો છે જે નઘરોળ છે પણ છતાં ય મા-બાપના કહ્યામાં હોય – પાકિસ્તાન પોતાના નિયંત્રણમાં રહે તેમ યુ.એસ.એ. ઇચ્છે છે. જો પાકિસ્તાન એક તૂટેલા પરમાણુ બ્લેક હોલની ફિતરત પાળશે તો અમેરિકાને ભારે પડશે. આ તરફ ભારત તેમને માટે ચીનને અપાતો તગડો પ્રત્યુત્તર હોય એવી સ્થિતિ તો અમેરિકાને જોઇએ જ છે પણ વૈશ્વિક ખેલાડી તરીકે ભારત અમેરિકાની ટીમમાં હોય તેવું પણ યુ.એસ.એ ઇચ્છે છે. જો કે ભારતને આ પશ્ચિમ માટે નિયમોને આધિન રહેવાની સ્થિતિ તરીકે નાણે છે. 

બાકીનું આખું વિશ્વ આ ત્રિકોણને ધારદાર અને ધરી પર ઇચ્છે છે પણ તેમાં કંઇપણ સ્ફોટક ન હોવું જોઇએ તેવી જ તેમની ચાહ છે. દક્ષિણ એશિયા હવે કંઇ પ્રાદેશિક કે સ્થાનિક બાબત નથી પણ એક વૈશ્વિક ટ્રિગર પોઈન્ટ છે. 

અહીં સુધી આપણે કેવી રીતે પહોંચ્યા?

ભારત, પાકિસ્તાન અને અમેરિકાના મુદ્દે આપણે એ પણ સમજવું પડે કે જે ત્રિકોણ હતું એ આવું બર્મુડા ટ્રાયંગલ કેમ બની ગયું છે. પરિસ્થિત આટલી વિકટ નહોતી. શીત યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાન અમેરિકાનો લાડકો દીકરો હતો, ત્યારે પાકિસ્તાને CENTO અને SEATOમા જોડાવાનું નક્કી કર્યું અને તગડી લશ્કરી સહાય મેળવી. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ભારતે આ જોડાણ ટાળ્યું અને ડાબેરી ઝુકાવ રાખીને યુ.એસ.એસ.આર. સાથે સંબંધો કેળવ્યા. 1971માં નિક્સને પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં નરસંહાર પર નજર રાખતી વખતે પાકિસ્તાનને ટેકો આપ્યો તો ઇન્દિરા ગાંધી પૂર્વ તરફ વળ્યાં અને સોવિયત સાથેની સંધી પર હસ્તાક્ષર કર્યા અને યુ.એસ.એ.-ભારતની દોસ્તીની કિંવદંતીને દફનાવી દીધી. 1998માં ભારત અને પાકિસ્તાન બન્ને દેશોએ પરમાણુ હથિયાર બનાવ્યા, નવા પ્રતિબંધો આવ્યો અને પછી કારગિલ યુદ્ધ થયું. એ પછી અમેરિકાએ 9/11નો હુમલો ભોગવ્યો.

2011 પછી પાકિસ્તાન અમેરિકાનો NON-NATO સાથી બન્યો જે આતંકવાદ સામેના યુદ્ધ સામે અગત્યનું હતું છતાં પાકિસ્તાને આડોડાઈ ન છોડી. ઓસામા બિન લાદેનને અબોટોબાદમાં પાકિસ્તાને આશરો આપ્યો. આ દરમિયાન ભારતે અર્થવ્યવસ્થામાં ઉદાર અભગિમ અપનાવ્યો અને 2005ના ઐતિહાસિક પરમાણુ કરાર પર હસ્તાક્ષ કર્યા. ધીમી ગતિએ આપણે વોશિંગ્ટન માટે પસંદગીનો ગમતો વ્યૂહાત્મક ભાગીદાર બન્યા.

ટ્રમ્પ પહેલીવાર સત્તામાં આવ્યા ત્યાં સુધીમાં તો પાકિસ્તાનને આતંકવાદ પર લેક્ચરો સાંભળવાની નોબત આવી ગઈ હતી અને ભારત નમસ્તે ટ્રમ્પ રેલી યોજી રહ્યો હતો. આ સ્થિતમાં ટ્રમ્પ કાશ્મીર મામલે મધ્યસ્થી બનવાની લાલચ ન રોકી શક્યા અને એ પીડાની ટીસ ભારત માટે ગહેરી હતી. આજે 2025માં ટ્રમ્પની સિઝન ટુમાં આપણે એ જ આવેગ જોઈએ છીએ – મોટી મોટી વાતો, વ્યૂહાત્મક દખલગીરી અને વ્યવહારિક વૃત્તિ. 

આ સંજોગોમાં શું થઈ શકે છે? 

ભારત એક વિકાસશીલ દેશ છે, આપણે ઉભરી રહેલી તાકાત છીએ. કાશ્મીરમાં અમેરિકા ચંચુપાત કરશે તો આપણને જરા ય ગમવાનુ નથી – અને અત્યારે નહીં ભવિષ્યમાં પણ એ ભારતને કઠશે. ભારત અમેરિકા સાથે સંરક્ષણના સોદાઓ પર સહીં સિક્કા કરશે, સમિટને મામલે સાથી યજમાન પણ બનશે પણ જો અમેરિકા એમ ધારે કે ભારત તેનો કહ્યાગરો દીકરો બનશે તો એમાં અમેરિકા ખાંડ ખાય છે. એવી આજ્ઞા પાલનની અપેક્ષા અમેરિકાએ ભારત પાસેથી કોઈ કાળે ન રાખવી જોઇએ.

પાકિસ્તાન અત્યારે પાતાળલોકની સિઝન થ્રીમાં છે, ઊંડા સંકટમાં છે. પાકિસ્તાનનું અર્થતંત્ર IMFના હપ્તાઓ પર આધારિત છે, ત્યાંનું રાજકારણ દમન અને વિરોધનું રિવોલ્વિંગ ડૉર બની ચુક્યું છે અને પાકિસ્તાની સેના હવે અમેરિકાની ડાહી ડમરી કઠપૂતળી નથી. તે નથી વિશ્વસનીય સાથે કે નથી વિરોધી. 

યુ.એસ.એ.ના મામલે તો એવું છે કે તે જરૂરી તો છે જ પણ તે ભારત માટે ખર્ચાળ દોસ્તી છે. અમેરિકા એ ધનિક છોકરો છે પાર્ટીમાં આવે છે અને પાકિટ ભૂલી જાય છે. ભારતને ખબર છે કે ચીન, સેમી કન્ડક્ટર્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ચિપ્સ અને સેમિડકન્ડક્ટરને મામલે તેણે અમેરિકા સાથે જોડાવું જ પડશે. પણ વોશિંગ્ટનની વિશ્વસનીયતા ઘટી રહી છે ખાસ કરીને જ્યારે તે બે બિલાડી વચ્ચેનો વાંદરો બનીને બન્ને બાજુએ ખેલ કરીને પોતાનો લાભ જુએ છે. 

વૈશ્વિક દૃષ્ટિએ તો આ ત્રિકોણ ઘણીબધી બાબતો પર અસર કરે એમ છે. કાશ્મીરમાં કોઈ ભૂલ થાય તો માર્યા ઠાર, સામે પરમાણુ સુરક્ષાનો પ્રશ્ન છે. પાકિસ્તાનની અસ્થિરતા અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષની સીધી અસર વૈશ્વિક સ્તરે તેલના વ્યાપાર પર અને માટે જ ઊર્જાના માર્કેટ પર અસર કરે તેમ છે. ચીનની વ્યૂહ રચના એવી છે કે ભારત જેટલો વધારે પાકિસ્તાન સાથે માથકૂટમાં ખૂંપશે એટલું ઓછું ધ્યાન તે હિમાલયની સરહદે આપી શકશે. મધ્ય એશિયા અને ગલ્ફ દેશો એટલે કે સાઉદી અરેબિયા, યુ.એ.ઈ. અને ઇઝરાયલ પણ આખી સ્થિતમાં આર્થિક સ્તરે અને દક્ષિણ એશિયાની સ્થિરતાને મામલે જોડાયેલા છે. 

ત્રણેય દેશો ત્રિભેટે આવીને ઊભા છે ત્યારે …

વર્તમાન સ્થિતમાં એવી સ્થિતિ છે કોણ પહેલાં આંખ પટપટાવશે તેને આધારે બધું નક્કી થશે.  આ તબક્કે ઈમરાન ખાનની શરતી મુક્તિ માટે વાટાઘાટો ચાલે છેની ચર્ચા ચાલે છે. એવો સોદો જેમાં રાજકીય દેશનિકાલ, સૈન્યની ટીકા પર ચૂપકીદી અને યુ.એસ.એ. દ્વારા IMFની ઉદારતાને મામલે જે વચેટિયા વેડા કરાયા છે તે તમામ પાસાંને ધ્યાનમાં રખાઈ રહ્યાં છે. આ એક મોટા નાટકના બેકસ્ટેજમાં ચાલતું નાટક છે.

આ તમામમાં ભારતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઑપરેશન સિંદૂરથી ભારત આતંકવાદનો કેવી રીતે જવાબ આપી શકે છે કે આપે છે તેની પર સ્થાનિક રોક લાગી ગઈ છે. જનતાને બોલ્ડ, નિડર અને દેખીતો બદલો ગમે છે. આવી જાહેર લાગણી હોય ત્યારે બેક-ચેનલ ડિપ્લોમસી અથવા સંયમિત ફોટો-ઓપોર્ચ્યુનિટીને માટે બહુ જગ્યા નથી રહેતી. યુ.એસ.એ.ની મૂંઝવણ છે કે શું બન્ને દેશોને સશસ્ત્ર કરતી વખતે એક પ્રામાણિક વચેટિયા તરીકે તે કામ કરી શકશે? શું દક્ષિણ એશિયાની સ્થિરતા અને ચીનની બાદબાકીને મામલે પોતે સંતુલન જાળવી શકશે? 

બાય ધી વેઃ  

ભારત, પાકિસ્તાન અને અમેરિકાનું આ ત્રિકોણ વધારે પેચીદું બની રહ્યું છે. આ સંધીઓની સીધી સાદી રમત નથી પણ ધારણાઓ, પ્રદર્શનકારી રાજદ્વારી અને નક્કર પરમાણુ દાવની ગૂંચવણ છે. ભારત અને પાકિસ્તાન બે ઝગડાખોર પિતરાઈ ભાઈ હોય એ રીતે અત્યાર સુધી અમેરિકાએ બન્ને સાથે વહેવાર કર્યો છે પણ હવે એવું નહીં ચાલે. ભારતમાં ઠહેરાવ છે, મોટપ છે જ્યારે પાકિસ્તાનને સુધારાની જરૂર છે, પુરસ્કારની નહીં. યુ.એસ.એ.ને પોતાની કાયમી આદતો અને ભૌગોલિક રાજકારણની બદલાયેલી વાસ્તવિકતાઓ વચ્ચે પસંદગી કરવી પડશે. અત્યારે વિશ્વ સ્તરે યુક્રેન, ગાઝા, તાઇવાનના તોફાનો ચાલે છે. પરિસ્થિતિ નાજુક છે અને આવામાં દક્ષિણ એશિયામાં જે પણ થાય તે કોઈ સાઇડ શો ન બની શકે. આ એવો મંચ છે જેનાથી આગળના અંકની વાર્તા નક્કી થશે આ શીત યુદ્ધનું નવું વર્ઝન નથી પણ સરહદોની પેલે પાર સળગતી આગ છે. ઇમરાન ખાન મુક્ત થાય તો કામચલાઉ શાંતિ થાય પણ સિવિલ વૉરની સ્થિત પણ થાય. સરહદ પારનો બીજો હુમલો મોકળાશવાળા રાજદ્વારી અભિગમને ફગાવીને પરિસ્થિતિને પરમાણુની રેડ લાઇનની નજીક લઇ જાય તેવું બની જ શકે છે. ટ્રમ્પનું અણધાર્યું વલણ કાં તો નિવડો લાવે કાં તો ધડકા કરે. ભારત આત્મનિર્ભરતા અને બહુપક્ષીયતા (BRICS+, SCO) તરફ વધુ ઝુકે તેવી પૂરી શક્યતા છે. જો પાકિસ્તાન નહીં સુધરે તો આંતરિક બાલ્કનાઇઝેશન એટલે તફાવત એટલે કે નાના પ્રતિકૂળ એકમોમાં તેનું વિભાજન થાય એવું ય બને. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025

Loading

સાવરકર : ગુજરાત સરકારના

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|25 May 2025

હેમન્તકુમાર શાહ

નરેન્દ્ર દામોદરદાસ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વિનાયક દામોદર સાવરકર વિશે ગુજરાત સરકાર દ્વારા ૧૨૦ પાનાંનું એક પુસ્તક ૨૫,૦૦૦ નકલમાં ‘વીર સાવરકર’ શીર્ષક સાથે ૨૦૦૪માં ‘સરફરોશી પુસ્તક શ્રેણી’ હેઠળ પ્રકાશિત કરાયું હતું.

આ પુસ્તકના લેખક છે હરીશ દ્વિવેદી. પુસ્તકના કોપીરાઇટ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પાસે છે. આ આખી શ્રેણીના અધ્યક્ષ તરીકે RSSની ‘વિદ્યાભારતી’ નામની સંસ્થાના એક જમાનાના કર્તાહર્તા હર્ષદ પ્ર. શાહ હતા.

આ પુસ્તકની કોઈ કિંમત છાપવામાં આવી નહોતી. મોટે ભાગે તે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજોમાં સરકાર દ્વારા મોકલવામાં આવી હતી એવું થોડુંક મારી સ્મૃતિમાં છે. 

આ પુસ્તક વિશેની કેટલીક હકીકતો :

(૧) સાવરકરે અંગ્રેજ સરકારની માફી માગતા પત્રો છ વખત લખેલા તેનો કોઈ ઉલ્લેખ આ પુસ્તકમાં છે જ નહિ. એ માફી પત્રોમાં પોતે જેલની બહાર નીકળીને અંગ્રેજો કહેશે તેમ કરશે અને અંગ્રેજ સરકારને વફાદાર રહેશે એવું સાવરકરે લખેલું પણ તેનો ઉલ્લેખ સુદ્ધાં આ પુસ્તકમાં નથી. 

(૨) તેમાં તો એમ લખવામાં આવ્યું છે કે “ભારતના નેશનલ યુનિયન તરફથી આંદામાનમાં કાળા પાણીની સજા ભોગવી રહેલ કેદીઓને મુક્ત કરવા માટેનું એક લોકઆંદોલન શરૂ કરવામાં આવ્યું …. આ આંદોલનનો જેલના અધિકારીઓ ઉપર ખૂબ મોટો પ્રભાવ પડ્યો. તેમણે કેદીઓની મુક્તિ માટે વિચારણા કરવાનો આરંભ કર્યો.” અને વિનાયક સાવરકર આંદામાનની જેલમાંથી મુક્ત થયા! દુનિયામાં ક્યાં ય જેલના અધિકારીઓ કેદીને મુક્ત કરવાની સત્તા ધરાવે ખરા? અરે, આ ‘નેશનલ યુનિયન’ કયું અને કોનું? 

(૩) આંદામાનની જેલમાંથી છૂટીને ભારત આવ્યા બાદ તેમને છેવટે મહારાષ્ટ્રમાં રત્નાગિરિમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. પછી તેઓ ૧૯૩૭માં તેમાંથી છૂટ્યા. જો કે, એ સાલ આ પુસ્તકમાં લખવામાં આવી નથી. 

(૪) “સાવરકરની …. જેલમાંથી મુક્તિ કેટલીક શરતોને અધીન હતી..અંગ્રેજ સરકાર દ્વારા જે જે શરતો મૂકવામાં આવી હતી તે મંજૂર રાખી તેમણે જેલમાંથી મુક્ત થવાનો નિર્ણય લીધો હતો.” – એમ આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે. જો કે, બહુ સિફતપૂર્વક એ શરતો કઈ હતી તે પુસ્તકમાં લખવામાં આવ્યું નથી. નજરકેદમાંથી મુક્ત થયા પછી દેશ આઝાદ થયો ત્યાં સુધી સાવરકરે આઝાદીના આંદોલનમાં એક દાયકા સુધી ભાગ લીધો નહોતો. પણ એ તો અંગ્રેજોની એક શરત હતી!

(૫) સાવરકરે મહંમદ અલી ઝીણાની જેમ જ હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ અલગ રાષ્ટ્રો છે એવું કહેલું. એ સિદ્ધાંતને લીધે જ દેશના ૧૯૪૭માં ભાગલા થયેલા. પણ આ વાતનો કોઈ ઉલ્લેખ આ પુસ્તકમાં છે જ નહિ. 

(૬) પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, “કટ્ટરવાદી હિન્દુઓનો પ્રભાવ પણ ખૂબ જ વધ્યો હતો. આવી વિચારધારામાં માનતી નથ્થુરામ ગોડસે નામની વ્યક્તિએ મહાત્મા ગાંધી પર ત્રણ ગોળીઓ ચલાવી તેમની ક્રૂર હત્યા કરી.” આમાં ક્યાં ય એમ લખવામાં આવ્યું નથી કે ગોડસે તેમના પટ્ટ શિષ્ય જેવા હતા. સાવરકર પોતે કટ્ટરવાદી હિંદુ નહોતા? 

(૭) દેશ ૧૯૪૭માં આઝાદ થયો. તે પછી સાવરકર છેક ૧૯૬૬માં અવસાન પામ્યા. આ ૧૮ વર્ષ આઝાદ ભારતમાં સાવરકરે શું કર્યું તેનો કશો ઉલ્લેખ આ પુસ્તકમાં નથી! 

આવી તો અનેક ઇરાદાપૂર્વક કરવામાં આવેલી ભૂલો સાવરકરનું મહિમામંડન કરવામાં લેખકથી થઈ ગઈ છે! માફીવીર સાવરકર પુસ્તકના લેખકને અને ગુજરાત સરકારને આવી ‘ભૂલો’ બદલ ચોક્કસ માફ કરશે. “માફી તો શક્તિશાળી જ આપી શકે” – એવું તો સાવરકરે તેમના એક માફીનામામાં જ અંગ્રેજ સરકારને લખેલું! 

તા.૨૪-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતે સાચી તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|25 May 2025

રમેશ ઓઝા

૧૯૯૮ના મે મહિનામાં ભારતે પોખરણ ખાતે બીજી વાર વિસ્ફોટ કરીને અણુચકાસણી કરી ત્યારે અમિત શાહે કંઈક ગુસ્સામાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો કે ભારતે અણુવિસ્ફોટ કરીને મોટી ભૂલ કરી છે. હવે ક્યારે ય પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું નહીં બની શકે. કારણ? કારણ કે પાકિસ્તાને ભારતના જવાબમાં અણુવિસ્ફોટ કરીને દુનિયાને સત્તાવારપણે જણાવી દીધું હતું કે પાકિસ્તાન પણ અણુતાકાત ધરાવે છે અણુશસ્ત્રો ધરાવતા દેશોની ક્લબના દરવાજે ઉંબરે ઊભું છે. આ જ અમિત શાહે ૨૦૨૩ના ડિસેમ્બરમાં લોકસભામાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ૨૬ બેઠકો પાકિસ્તાનના કબજ હેઠળના કાશ્મીર માટે અનામત રાખવામાં આવી છે, કારણ કે એ ભૂમિ આપણી છે અને એક દિવસ આપણે તે મેળવીને રહીશું. 

૧૯૯૮માં અમિત શાહ અટલ બિહારી વાજપેયીને લખે છે કે અણુવિસ્ફોટ કરીને ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને છોડાવવાની તક કાયમ માટે ગુમાવી દીધી છે અને ૨૦૨૩માં કહે છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે અને તે મેળવીને રહેશે. વિધાનસભામાં ૨૬ બેઠકો તેની છે. ભારત બાકીનું કાશ્મીર મેળવીને જ રહેશે એવું તો એ પછી અમિત શાહ છેલ્લા એક વરસમાં ચાર-પાંચ વાર બોલ્યા છે. 

ક્યા અમિત શાહ સાચા? ૧૯૯૮માં હતાશા વ્યક્ત કરનારા કે પછી ૨૦૨૩થી અત્યાર સુધી હુંકાર કરનારા? શા માટે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને મુક્ત કરવા સુધી આગળ નહીં લઈ જવામાં આવ્યું? ઉન્માદ તો એવો હતો કે જ્યાં સુધી ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને નહીં છોડાવે ત્યાં સુધી નહીં અટકે. એની જગ્યાએ માત્ર ત્રણ દિવસમાં કહેવાતું યુદ્ધ શમી ગયું. ભારતના ઇતિહાસનું સૌથી ટૂંકુ અને અનિર્ણાયક યુદ્ધ. યુદ્ધવિરામની ઘોષણા પણ કોઈ ત્રીજો દેશ કરે એ તો વળી વિચિત્ર અને શરમજનક ઘટના હતી. કાઁગ્રેસે લાગ જોઇને ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ની હેડલાઈન બતાવતું ક્લીપીંગ દુનિયાને બતાવ્યું હતું. ૧૯૭૧ના ડિસેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું અને યુનો અમેરિકા સહિત દુનિયાના દેશો ભારત પર યુદ્ધવિરામ માટે દબાણ કરતા હતા. ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી વિશ્વદેશોની ભાવનાની વિરુદ્ધ જઈ રહ્યા છે અને ટસના મસ થતા નથી એમ અખબારની હેડલાઈન ચીસો પાડીને કહેતી હતી. 

એવો દેશ જે વિશ્વનું પાંચમાં ક્રમનું મોટું અર્થતંત્ર નહોતું. એવો દેશ જે ગરીબ હતો અને મોટા ભાગની પ્રજા અશિક્ષિત હતી. એવો દેશ જે હજુ બે-ત્રણ વરસ પહેલાં જ પી.એલ.-૪૮૦ હેઠળ મફતના અમેરિકન ઘઉં ખાવાથી મુક્ત થયો હતો. એવો દેશ જેની પાસે આજ જેટલી લશ્કરી તાકાત નહોતી. એવો દેશ જેના આઈ.આઈ.ટી. જેવી શિક્ષણ સંસ્થાઓએ પેદા કરેલા બ્રેઈની ઇન્ડિયન્સોએ વિશ્વના કોર્પોરેટ જગતમાં મહત્ત્વનું સ્થાન નહોતું બનાવ્યું. એવો દેશ જેના એન.આર.આઈ.ઝ(અનિવાસી ભારતીય)ની જગતમાં આજ જેવી કોઈ વગ નહોતી. એવો દેશ જેની પાસે અણુશક્તિ નહોતી. આ સિવાય યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણમાં ભારતને ઘેરવા અમેરિકાએ તેનો સાતમો કાફલો બંગાળના અખાતમાં રવાના કર્યો હતો અને બંગાળના અખાતની નજીક પહોંચી પણ ગયો હતો. ચીન પાકિસ્તાનની પડખે હતું. આમ છતાં ઇન્દિરા ગાંધી ટસના મસ નહોતાં થતાં, અમેરિકા સહિતના વિશ્વદેશોના દબાવની ઐસીતૈસી કરતાં હતાં અને ત્યાં સુધી યુદ્ધવિરામ નહોતું કર્યું જ્યાં સુધી પાકિસ્તાનનાં બે ફાડિયા ન કરી નાખ્યાં. યુદ્ધવિરામ પણ ભારતે સામેથી પોતાની શરતે જાહેર કર્યું હતું. અમેરિકાએ કે બીજા કોઈ દેશે તેની જાહેરાત નહોતી કરી. 

કઈ તાકાત હતી એ? ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વની હતી કે પછી અણુશસ્ત્રોના ન હોવાની હતી જેના વિષે અમિત શાહે ૧૯૯૮માં નારાજગી વ્યક્ત કરી હતી. 

એમાં કોઈ શંકા નથી કે ઇન્દિરા ગાંધીએ જે કુનેહ અને બુલંદ ઈરાદા સાથે નેતૃત્વ કર્યું હતું એ જોઇને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. જનરલ અયુબ ખાન સામે પ્રજાનું અંદોલન, ૧૯૬૯ની સામાન્ય ચૂંટણીમાં શેખ મુજીબર રહેમાનના પક્ષ અવામી લીગને મળેલી બહુમતી, પશ્ચિમ પાકિસ્તાનના નેતાઓની અવળચંડાઈ, પૂર્વ બંગાળમાં આંદોલન અને શેખ મુજીબુર રહેમાનની ધરપકડ વગેરે જોઇને ઇન્દિરા ગાંધીને સમજાઈ ગયું હતું કે હવે પાકિસ્તાનનું વિભાજન શક્ય છે. તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી. અને કેવા લોકો તેમની ટીમમાં હતા? પી.એન. હકસર, ટી.એન. કૌલ, ડી.પી. ધર, પી.એન. ધર, આર.એન. કાઓ વગેરે એકથી એક દંતકથારૂપ અધિકારીઓ તેમની ટીમમાં હતા. તેમણે જયપ્રકાશ નારાયણનો ભારતની તરફેણમાં મત બનાવવા માટે ઉપયોગ કર્યો હતો અને વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેતા હતા. જગત સમક્ષ રોકકળ કરવામાં તેમને શરમ નહોતી આવતી અને બહાદુરીની ખોટી અને કારણ વિનાની ડંફાશ તેઓ મારતાં નહોતાં. આત્મવિશ્વાસ ગજબનો હતો અને લઘુતાગ્રંથિ નામની નહોતી એટલે તેમનાથી સવાયાઓની સેવા લેવામાં સંકોચ નહોતો. આ સિવાય ધીરજ પણ ગજબની હતી. હતાં. ધીરજ વિચક્ષણ રાજપુરુષનો ગુણ છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો અત્યારે ઇન્દિરા ગાંધી હોત તો તેમણે યુદ્ધ કરતાં પહેલાં યુદ્ધ માટેની તક પાકવા દીધી હોત.

પણ એ સાથે એ વાતમાં પણ કોઈ શંકા નથી કે જો ૧૯૭૧માં પાકિસ્તાન અણુશક્તિ ધરાવતું હોત તો ઇન્દિરા ગાંધીને અને ભારતને એવો નિર્ણાયક વિજય ન મળ્યો હોત જે ત્યારે મળ્યો હતો. અણુની સંહારકશક્તિ આપણી કલ્પનાની બહાર છે અને માણસ એક એવું પ્રાણી છે જેની માણસાઈ વિષે ખાતરીપૂર્વક કોઈ ન કહી શકે. સર્વોચ્ચ જવાબદારીવાળી જગ્યાએ ગાંડા અને વિકૃત માણસો પણ પહોંચી શકે છે એમ બર્ટ્રાન્ડ રસેલે તેમના ‘પાવર’ નામનાં પુસ્તકમાં લખ્યું છે. મરતા ક્યા નહીં કરતા એ તો તમે સાંભળ્યું હશે. 

તો વાતનો સાર એ કે અમિત શાહે ૧૯૯૮માં વાજપેયીને જે લખ્યું હતું એ વાતમાં દમ હતો. યુદ્ધમાં હાર-જીત થતી હતી એ દિવસો ગયા. તાકાતની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લડ્યા વિના કે હિંસા કર્યા વિના તમે બીજાને કેટલું નુકસાન પહોંચાડી શકો છો એના પર તાકત આંકી શકાય છે. ચીન આનો જીવતોજાગતો દાખલો છે. આમાં ફાયદો એ છે કે નુકસાન નહીં પહોંચડવા જેટલી ઉદારતા દાખવીને અને એ રીતે ઉપકાર કરીને પણ તમે બીજા સામે તાકાત બતાવી શકો છો. આ શક્તિ હથિયારમાં કે બાવડાંમાં નથી. 

ભારતે સાચી તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ. પણ એ તાકાત દેશની અંદર પ્રજાકીય વિભાજન કરીને કે કોઈને અન્યાય કરીને ન વિકસી શકે. પાકિસ્તાન એનું ઉદાહરણ છે. ૧૯૪૭થી પાકિસ્તાનના શાસકોએ અને ઇસ્લામના ઠેકેદારોએ પાકિસ્તાનની પ્રજાને (મુસલમાનો સહિત) ઈસ્લામને ત્રાજવે તોળીતોળીને બરબાદ કરી નાખ્યું. આ ત્રાજવાત્રેવડ અપનાવવા જેવી નથી એમ પાકિસ્તાનનો ઇતિહાસ કહે છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025

Loading

...102030...231232233234...240250260...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved