Opinion Magazine
Number of visits: 9965897
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શશાંક ત્રિવેદી, તમે રેશનલ છો. ધર્મ તરફ તમારી આસ્થા નહિવત છે.

કમલેશ ઓઝા|Opinion - Opinion|7 September 2020

સંવેદનાની સફરમાં

તમે માનવતાના ધર્મમાં માનો છો. મૂર્તિપૂજામાં કે ભગવાનના દર્શન કરવામાં એક સેકંડનો પણ સમય બગાડતા નથી, શશાંક ત્રિવેદી. પણ આજે તમે ધર્મ વિમુખતામાંથી નીકળી, ઘડીભર ભાવનગરમાં ખારગેટ પર આવેલા જગદીશના મંદિરમાં જઇ ચડો છો. માત્ર અને માત્ર ખાત્રી કરવા કે ખરેખર લોકવાયકા પ્રમાણે ખારગેટ પર આવેલા જગદીશના મંદિરમાં બરોબર આરતી સમયે સવારના દસ વાગે જગદીશ ભગવાનને ધરેલી મટકીની હાંડીમાં બે ત્રણ તડ પડી જાય છે અને લોકો કુતૂહલવશ આ વાતને ચમત્કારમાં ખપાવી, દર્શન કરવા અચૂક આવે છે અને આરતી સમયે અનેક લોકો દર્શન કરવા પહોંચી જતાં હોય છે.

મિ. શશાંક ત્રિવેદી, તમે પણ આજે એ જ રીતે જગદીશ મંદિરના પગથિયા ચડો છો, ત્યાં એક ટાબરિયો, મંદિરના પગથીએ પડેલાં પગરખાંમાંથી એક બૂટની જોડી લઇ ભાગી જાય છે. અને આ દૃશ્ય એક નવયુવાન મંદિરનાં દર્શનાથી પણ જુવે છે, અને તે નવયુવાન આ ટાબરિયાની પાછળ પડી તેને પકડે છે પછી ઢોર માર મારતો મારતો પેલા ટાબરિયાને અધમૂઓ કરી નાખે છે.

તમે, શશાંક ત્રિવેદી, આ બનાવ નજરે જોતા, હચમચી જાવ છો. અને પેલા ટાબરિયાને છોડાવો છો, અને પેલા નવયુવાન મિત્ર સાથે અસંખ્ય માણસોનાં ટોળાંમાં જઇ પહોંચી કહો છો કે ભાઇ, આ ટાબરિયાએ બૂટની ચોરી શું કામ કરી ? તે તો પૂછો. તમારો માનવતાવાદી અભિગમ આ ટોળાંમાં આક્રોશ સાથે બરાડા પાડી ઊઠે છે અને ટોળાંની દરેક વ્યક્તિને પૂછે છે કે ભાઇ, તેણે ચોરી કરી કબૂલ તેના કારણમાં તો તમે જાવ. અને આવા લોકો ચોરી કરે છે તો આપણે આવનારા દર્શનાર્થી બધા તરફ આંગળી ચીંધી, બધા લોખંડબજારના કેટલાક વેપારી છીએ, દાણા બજારના વેપારી છીએ – તરફ આંગળી ચીંધીને કહે છે કે આટલા બધામાંથી કોણ શાહુકાર છે ? કોઇ કહી શકે કોણ ચોરી નથી કરતું મને કહેશો ? કોઇ લોખંડના વજનમાં ચોરી કરે છે, કોઇ સેલ્સ ટેક્સ, ઇન્કમટેક્સમાં ચોરી કરે છે, કોઇ ૧૦૦% સત્યવાદી હરીશચંદ્ર છે ખરો ?

તમે શંશાંક ત્રિવેદી, એમ કહો છો કે હું આ ટાબરિયાએ ચોરી કરી છે, તેનો બચાવ જરા પણ નથી કરતો, પણ શું કામ ચોરી કરી તેના મૂળમાં તો જઇએ, દોસ્તો !

તમારા વચ્ચે પડવાથી ટાબરિયો હેમખેમ બચી જાય છે, ચોરેલા બૂટ પાછા લઇને, પેલો નવયુવાન અને ટોળું વિખેરાઇ જાય છે અને તમે પેલા ટાબરિયાને ખૂબ જ હમદર્દીપૂર્વક પૂછો છો કે ભાઇ, તે ચોરી કેમ કરી હતી ? એ સમજાવીશ, બેટા ?

પેલો ટાબરિયો બોલી શકતો નથી, અને ખૂબ જ મોટેથી રડતો રડતો કહે છે કે સાહેબ, મે ચાર દિવસથી કંઇ ખાધુ નથી. મારી મા માંદી પડી છે, પારકાં કામ કરે છે. ઘરમાં તેલ, લોટ, શાક કશુ જ ન હતું. મને થયું કે બૂટ ચોરીને જે રૂપિયા મળે તેમાંથી હું ઘરની રોજીંદી વસ્તુ લઇ માને આપી મારી ભૂખ ઠારું. મારી માને હું ચોરી કરું છું તે ખ્યાલ જ ન હતો. આ તો મને એવો વિચાર આવ્યો અને સાહેબ, મને મફતમાં તો કોઇ જમવા પણ ક્યાંથી આપે ? અને પૈસા પણ કોણ આપે, સાહેબ ? મારા ઘરમાં હું અને મારી મા બે જ છીએ, મારા બાપા વર્ષો પહેલાં ગુજરી ગયા છે. એ સાહેબ કહેતો રોતા અટકતો નથી.

મિ. શંશાંક ત્રિવેદી, તમે ટાબરિયાની વાત સાંભળી અવાક બની જાવ છો. અને તેને બાજુમાં બેસાડી તેને સાંત્વન આપી ૩૦૦ રૂા. તેના હાથમાં આપી કહો છો કે જા દોસ્ત, ઘર માટે જરૂરી વસ્તુ લઇ આવી તારી માને આપી તમે બન્ને જમી લેજો, અને તમારું વિઝીટીંગ કાર્ડ તેના હાથમાં આપી કહો છો આ મારું કાર્ડ છે. જેમાં મારી ઓફિસનું સરનામું છે બાજુમાં જ લોખંડ બજારમાં મારી નાનકડી ઓફિસ છે. કોઇવાર કામ હોય તો ફરીથી મળજે, બેટા.

મિ. શંશાંક ત્રિવેદી તમે લોખંડ બજારની તમારી ઓફિસમાં સતત કાર્યશીલ હો છો, ત્યાં બે-ત્રણ દિવસ પછી, તમારી ઓફિસમાં પેલો ટાબરિયો અને તેની મા બન્ને આવે છે. અને તેની મા તમને કહે છે કે ભાઇ, બે ત્રણ દિવસ પહેલાં, મારા દીકરાને ચોરી કરવાના ખરાબ વ્યસનમાંથી તમે છોડાવ્યો, તેનો આભાર માનવા આવી છું. અને તમે તેને આપેલા ત્રણસો રૂપિયા પરત કરવા આવી છું. હું માંદી હતી એટલે બાજુમાં લોકોને ત્યાં કામ કરવા જાઉં છું, તેના પૈસા લાવી શકી ન હતી. મારા મજૂરીના પૈસા મને મળી ગયા ભાઇ. આ તમારા ત્રણસો રૂપિયા પાછા લઇ લો.

મિ. શંશાંક ત્રિવેદી, તમે એ બહેનને (ટાબરિયાની માને) સમજાવો છો કે, મેં તમારી જરૂરિયાત વખતે મદદ કરી, તેમાં મેં માનવતાનો ધર્મ અપનાવ્યો. પૈસા પાછા આપવાની જરૂર નથી. પૈસા પાછા નહીં આપો. તમારે કામ આવશે રાખો, તમારી પાસે તેમ કહી તમે એ બહેનને પૈસા પાછા આપો છો, મિ. શંશાંક ત્રિવેદી.

પણ પહેલાં બહેન પૈસા પાછા લેતા નથી, અને તમને કહે છે, શંશાંક ત્રિવેદી, કે ભાઇ અમે ગરીબ માણસ જરૂર છીએ પણ અમે અણહક્કનું ન લઇ શકીએ. મજૂરી કરી પેટિયું રળવું અમારું કામ, પણ મજૂરી વગરનું કંઇપણ અમને ન ખપે. ભાઇ, તમારે આ કરેલી મદદના રૂપિયા ૩૦૦ પાછા લેવા જ પડશે.

મિ. શંશાંક ત્રિવેદી, તમે એ બહેનની વાત પર અવાક થઇ ગયા અને ૩૦૦ રૂપિયા પાછા લેતા લેતા કહ્યું કે બહેન, ચા પીશો ને ? તમે મા-દીકરા બન્નેને ચા પીવરાવો છો, શંશાંક ત્રિવેદી, અને પહેલા બહેનને કહો છો કે બહેન, આ ટાબરિયો તમારો દીકરો ભણવા જાય છે કે નહીં ? બહેન જવાબ આપે છે કે ભાઇ અમારે કેવું ભણવાનું અને કેવી નિશાળ ? અમે અમારી પરિસ્થિતિ વશ પારકા કામ કરીએ. છોકરો મને થોડી મદદ કરે, અને અમે બન્ને રોજનું લાવી રોજ પેટનો ખાડો પૂરીએ. ભાઇ અને ફૂટપાથી વસાહતમાં ઝૂંપડામાં જીવીએ, ભાઇ!

તમે, મિ. શંશાંક ત્રિવેદી, ટાબરિયાની માને કહો છો કે બહેન, જો તમારે ભણાવવો જ હોય તમારા દીકરાને તો હું તેને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધીનો તમામ ખર્ચ આપવા હું તૈયાર છું. પણ તમે ચોક્કસ ભણાવો તો. હું આજથી તેને દત્તક લઉં અને હું સાથે જઇને તેને નિશાળમાં દાખલ કરી જરૂરી ચોપડીઓ અને ડ્રેસ વગેરે આપીને ભણી ગણીને મોટો થાય ત્યાં સુધીની જવાબદારી લઉં. પહેલાં બહેન આ વાત સાંભળી ખૂબ જ રાજી થાય છે અને કહે છે કે ભાઇ, આજથી આ દીકરો તમને સોંપ્યો, ભાઇ.

મિ. શંશાંક ત્રિવેદી, જોતજોતામાં તમે તેને ભણવા માટેની બધી જ જવાબદારી લેતા, લેતા, પેલો ટાબરિયો હસમુખ લીન્ડોચા ભણવામાં ખૂબ જ આગળ વધે છે. અને બી.એસસી. પાસ કરી જી.પી.એસ.સી.ની પરીક્ષા ઉતિર્ણ કરતાં તેને સૌરાષ્ટ્રના એક નાનકડા તાલુકામાં રાજુલામાં, ડેપ્યુટી કલેક્ટર તરીકેની નિમણૂક મળે છે અને હસમુખ અને તેની મા બન્ને તમને મળવા આવે છે કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, મારો દીકરો મોટો કલેક્ટર બની શક્યો તે માત્ર અને માત્ર તમારા આભારી છે ભાઇ, હાશ હવે મારે પારકા કામ નહીં કરવા પડે, ભાઇ.

રાજુલામાં હસમુખ લીન્ડોચા ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરીમાં જોડાય છે – ગાડી બંગલો સ્ટાફ નોકરચાકરવાળી સુવિધા મળતાં હસમુખ લીન્ડોચાના જીવનચક્રમાં મોટો બદલાવ આવે છે.

મિ. શંશાંક ત્રિવેદી, પંદરેક દિવસ પછી તમારી ઓફિસની સામે સાઇરન હોર્ન વગાડતી વગાડતી લાલ લાઇટવાળી ગાડી ઊભી રહે છે. તેમાંથી ડેપ્યુટી કલેક્ટર હસમુખ લીન્ડોચા અને તેની મા બન્ને ઊતરે છે અને તમને મળવા આવે છે. તમને વંદન કરતાં હસમુખ લીન્ડોચા કહે છે કે સાહેબ, આજે હું આપને મળવા ખાસ કામથી આવ્યો છું. મિ. શંશાંક ત્રિવેદી, તમે પૂછો છો કે બોલ ભાઇ, શું કામ માટે આવ્યો હતો તું બરાબર રાજુલમાં સેટલ તો થઇ ગયો ને ?

હસમુખ લીન્ડોચા જવાબ આપે છે કે હા સાહેબ, હું બહુ સરસ રીતે સેટલ થઇ ગયો પણ મને એમ થાય છે કે હું એક વખતનો ચોરી કરતો છોકરો તમારા હિસાબે ડેપ્યુટી કલેક્ટર બન્યો તો હવે મારે આ તમારું ઋણ ચૂકવવા શું કરવું. સાહેબ, મને વિચાર આવે છે કે આટલી પ્રગતિ કરાવનાર માણસને હું કેવી રીતે આ મદદ પાછી વાળું ? મિ. શંશાંક ત્રિવેદી, તમે હસમુખ લીન્ડોચા ડેપ્યુટી કલેક્ટર(પેલો ટાબરિયા)ના નિખાલસ વર્તનથી અવાક બની તમે તેને કહો છો કે ભાઇ, આ ઋણ ચૂકવવા હું કહું તેમ તું કરીશ ?

રાજુલામાં તારા ઘરની આસપાસ ફૂટપાથ પર વસતા લોકો પાસે જઇને તેના નાગાપૂગા રમતાં નિર્દોષ બાળકોને સારાં કપડાં આપી, તે છોકરાઓને ભણાવવાનું ભગીરથ કાર્ય કર, દોસ્ત.

ડેપ્યુટી કલેક્ટર હસમુખ લીન્ડોચા અને તેની મા તમને વંદન કરી આ બીડું ઝડપે છે. રાજુલા પહોંચી ફૂટપાથ વસાહતમાં જઇ પહેલાં તો બધા જ નિર્દોષ બાળકોને સારી રીતે સાફ કરી નવરાવી ધોવરાવી ફૂટપાથી વસાહતમાં વસતા લોકોને સમજાવી આ બાળકોને ત્યાં જ ફૂટપાથ સ્કૂલ શરૂ કરે છે અને આ સ્કૂલમાં જરૂરી સ્ટાફ શિક્ષકોની વ્યવસ્થા કરી આ નિર્દોષ બાળકોને ભણાવવાનો ભગીરથ પ્રયત્ન કરી અનેક હસમુખ લીન્ડોચા જન્માવવાનું માનવધર્મનો મહાયજ્ઞ શરૂ કરે છે – અને તેની મા આવા માનવધર્મના મોટા યજ્ઞમાં સામેલ થઇ ધન્ય ધન્ય અનુભવે છે.

મિ. શંશાંક ત્રિવેદી, તમને આ મહાયજ્ઞમાં આવતી પ્રવૃત્તિથી વાકેફ કરવા હસમુખ લીન્ડોચા રાજુલા આવવાનું આમંત્રણ આપે છે. અને તમે એક દિવસ આ ફૂટપાથી સ્કૂલની મુલાકાત લઇ ધન્ય ધન્ય અનુભવો છો, મિ. શંશાંક ત્રિવેદી.

સલામ, મિ. શંશાંક ત્રિવેદી, તમને. સલામ ચોરી કરતા, કરતા પકડાયેલા ટાબરિયામાંથી હસમુખ લીન્ડોચા ડેપ્યુટી કલેક્ટર તરીકેની કારકિર્દી બનાવવાના પ્રણેતા તમને સલામ. સલામ પેલી ટાબરિયા હસમુખ લીન્ડોચાની માને સલામ જેણે ગરીબાઇમાં જીવતાં જીવતાં ગાંધીમૂલ્યને પચાવી મૂલ્યનિષ્ટ જીવન જીવ્યું. અને સલામ પેલા હસમુખ લીન્ડોચા, ટાબરિયાને સલામ જેણે ફૂટપાથી વસાહતમાં નિશાળ સ્થાપી અનેક હસમુખ લીન્ડોચા જેવા તેજસ્વી તારલાઓ પેદા કરવાના ભગીરથ પ્રયત્નને સલામ, લાખ લાખ સલામ.

e.mail : koza7024@gmail.com

Loading

કોરોનાને મામલે ભારત વિશ્વવિક્રમ કરવા માંગે છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 September 2020

કોરોનાને મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું છે ને બીજા ક્રમે રહેલા બ્રાઝિલને તે પાછળ ધકેલીને  આગળ આવ્યું છે. બ્રાઝિલ ૪૦ લાખ કેસોની સાથે વિશ્વમાં બીજા ક્રમે હતું તેને ૪૧ લાખ કેસોની આગેવાની સાથે ભારતે પછાડ્યું છે ને થોડા જ સમયમાં અમેરિકાને પણ પાછળ ધકેલીને ભારત વિશ્વ વિજેતા બને તો નવાઈ નહીં ! વિશ્વભરમાં મૃતકોની સંખ્યા નવ લાખ નજીક પહોંચી છે ને એવું લાગતું નથી કે ભવિષ્યમાં આ આંકડાઓ ઘટે. જે ઝડપ અત્યારે ભારતની છે એમાં તે વિશ્વવિક્રમ કરે એવા પૂરતા સંજોગો છે. સિત્તેર હજાર લોકોએ અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.

દેશના આરોગ્યમંત્રી કોણ છે તે આરોગ્યમંત્રી સિવાય બધાં જ જાણે છે. એમને યાદ અપાવવું જોઈએ કે સાહેબ, તમે આરોગ્ય મંત્રી છો અને દેશ મંતરાઈ રહ્યો છે, તો જરા જાગો. દેશમાં આરોગ્યમંત્રી છે કે નહીં, તેની ખબર જ નથી પડતી, પણ આરોગ્ય મંત્રાલય ને આરોગ્ય સેતુ એપ તો છે જ. એટલાથી કોરોના કાબૂમાં આવી જશે એવું સરકાર માને છે. આરોગ્ય મંત્રાલય આંકડાઓ બહાર પાડે છે ને કાળજી રાખે છે કે તેના આંકડાઓ મીડિયાથી વધે નહીં, ભલે પછી તેની ગતિ વિશ્વવિક્રમ કરવા તરફની હોય.

દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રની સ્થિતિ સૌથી ખરાબ છે ને એ મામલે કેન્દ્ર સરકાર ચિંતિત છે. છેલ્લા ચોવીસ ક્લાકમાં આ ત્રણ રાજ્યોમાં મોત ૫૨ ટકા ને સક્રિય કેસો ૪૬ ટકા ૬ સપ્ટેમ્બરે નોંધાયા છે. ગઈ ૭ ઓગસ્ટે કેસોની સંખ્યા ૨૦ લાખની હતી, તે એક મહિનામાં બીજા ૨૧ લાખને આંબી ગઈ ગઈ છે. કેન્દ્રે જે તે રાજ્યોને પગલાં લેવાનું કહીને ફરજ બજાવી લીધી છે, કેમ જાણે રાજ્યોને તો અક્કલ જ નથી કે તેણે પગલાં પણ લેવાં જોઈએ ! જો કે દેશની બધી જ સરકારો હાથ ઊંચા કરી દેવામાં કે હાથ ખંખેરી નાખવામાં સફળ છે એટલે ‘કૃષ્ણએ કરવું હોય તે કરે …’ એ પંક્તિ બદલીને ‘કોરોનાએ કરવું હોય તે કરે …’ ગાઈને જ સંતોષ માની લે છે.

સરકારે પ્રજા પાસે થાળી વગડાવીને કે દીવા પેટાવડાવીને કોરોના ભગાડવાની કોશિશ તો કરી, પણ કોરોનાને આંખકાન નથી. એને થાળી દીવા દેખાયાં જ નહીં. હવે સરકારને આંખકાન ન હોય તેમ તે વર્તે છે ને કોરોના તેની જરા ય શરમ રાખ્યા વગર આગળ વધી રહ્યો છે ને  લોકો ખરાબ રીતે મરી રહ્યાં છે.

સરકાર અત્યારે અર્થતંત્રની ચિંતામાં છે. તે વ્યવહાર પૂર્વવત કરવામાં પડી છે. ઉદ્યોગધંધા ચાલે તો દેશ બેઠો થાય એ સાચું છે, પણ લોકોને મરવા તો છોડી ન દેવાયને ! સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધાં છે ને આ મૂર્ખ પ્રજા પોતાની કાળજી લેવામાં માનતી નથી એટલે સંક્રમણ વધ્યું છે. સરકાર જેટલી જ પ્રજા પણ જવાબદાર છે. ધર્મકર્મ, લગ્ન, મરણ અને રાજકારણને નામે પ્રજા ગમે ત્યાં ટોળું વળી જાય છે. એક તરફ ટોળે વળવાની બંધી છે ને બીજી તરફ પ્રજા સમર્થનમાં કે વિરોધમાં વાવટા ફરકાવતી હાજર થઈ જાય છે. આટલી નવરી પ્રજા કોઈ દેશમાં નથી. રાજકારણીઓ પોતે મંદિરોમાં ને સભાઓમાં તેમણે ઠરાવેલા નિયમોનું પાલન ઓછું જ કરે છે. રાજનેતાઓ, અભિનેતાઓ, ડોકટરો કે સામાન્ય પ્રજાની કોરોનાએ શરમ રાખી નથી તે હવે તો બધાંને સમજાવું જ જોઈએ, પણ નથી સમજાતું તે હકીકત છે.

માત્ર સુરતનો જ દાખલો લઈએ તો એવો એક્કે વર્ગ બાકી નથી જે કોરોનાની જાળમાં ના ફસાયો હોય. એનો અર્થ એ કે કોઈ વર્ગ કોરોના અંગે કાળજી લેવાને મામલે સભાન નથી. ડોક્ટર, નર્સ, શિક્ષક, બેન્કર, લારીવાળા, કરિયાણાના, કાપડના વેપારીઓ, રસોઈયા, પોલીસ, ડ્રાઈવર એમ કોઈ કહેતા કોઈ વર્ગ કોરોનાની અસરથી બાકાત નથી. મતલબ કે માસ્ક કે ૬ ફૂટનું અંતર જાળવવાની વાત પ્રજાએ પાળી નથી અથવા તો બહાર પાડેલા નિયમોમાં હજી કંઈ ખૂટે છે. આવું હોય તો સરકારે નિયમો અંગે ફેર વિચારણા કરવાની રહે. માસ્ક ન પહેરનારાઓને ભારે દંડ કરવાનું ઠરાવ્યું ત્યારથી પ્રજા માસ્ક પહેરતી તો થઈ છે, પણ લગ્ન કે સમર્થન-વિરોધનાં ટોળામાં કોઈ નિયમ પળાતો નથી.

છેલ્લા અનલોકમાં ૧૦૦ માણસો ભેગાં થવાની છૂટ અપાઈ છે. જો ખબર હોય કે નિયમો પળાતા નથી, સ્કૂલો, કોલેજો, થિયેટરો બંધ હોય તો સો માણસોની છૂટ શું કામ આપવી જોઈએ? એનાથી સરકારે શું વિશેષ સિદ્ધ કરવું છે? ખરેખર તો ૧૪૪મી આખા દેશમાં લાગુ કરવી જોઈએ. જો આ ઠીક ન લાગતું હોય તો સ્કૂલો, કોલેજો નિયમો અને શરતોને આધીન ચાલુ કરી દેવી જોઈએ. સાધનોને અભાવે નગરમાં પણ ઓનલાઈન શિક્ષણ મુશ્કેલ છે ને શિક્ષણ આપવા પૂરતું અપાય છે ત્યારે જે વિસ્તારોમાં નેટ, મોબાઈલની સુવિધાઓ જ નથી એવાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાનો વાંધો ન હોવો જોઈએ, કારણ ઓનલાઈન શિક્ષણ એમને તો મળવાનું જ નથી ને સરકાર એમના સુધી પહોંચવાની પણ નથી ત્યારે એ વિસ્તારો શિક્ષણથી શું કામ વંચિત રહેવાં જોઈએ? આજ સુધી સરકાર ઓનલાઈન શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકી નથી ને હવે જ્યારે આર્થિક મુશ્કેલીઓ વધી છે ત્યારે પહોંચે એવું લાગતું પણ નથી તો જ્યાં સંક્રમણ નથી એવા વિસ્તારોમાં શિક્ષણ શરૂ કરવામાં કશું ખોટું નથી.

ખાનગી સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોએ ફી ઘટાડવાની માણસાઈ દાખવી છે તો કેટલીક સ્કૂલોએ સંગીત, ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓની ફીની ઉઘરાણીઓ પણ કાઢી છે. એક પણ ચિત્ર દોરાયું નથી કે એક પણ વર્ગ સંગીતનો થયો નથી તેની ફી માંગતાં થોડી પણ શરમ ન લાગે? વાલીઓ એનો વિરોધ ન કરે તો શું કરે? ખાનગી સ્કૂલના શિક્ષકોની સ્થિતિ દયનીય છે. કેટલીક સ્કૂલોની સ્થિતિ સારી ન હોય ને તે શિક્ષકોને વેતન ન ચૂકવી શકે તે સમજી શકાય એમ છે, પણ કેટલી ય ખાનગી સ્કૂલો એવી છે જે તગડી ફી એડવાન્સમાં ઉઘરાવીને મોટું બેલન્સ રાખીને, હોજરી તર કરીને બેઠી છે. આ આખો નફાનો જ ધંધો હતો. એ જેમ જેમ ફી આવતી હતી તેમ તેમ પગાર ચૂકવતી હતી એવું ન હતું. એવી સ્કૂલો શિક્ષકને પગાર ન ચૂકવે એ પાપ છે ને સરકારે એવી સ્કૂલોના શિક્ષકોની જવાબદારી ઉપાડીને તેમને વેતન મળે તે જોવું જોઈએ. શિક્ષણમંત્રી પોતે આ મામલો ઉકેલે એવી એમને વિનંતી છે. એ સાચું છે કે બધે સરકાર પહોંચી ન શકે, પણ એની પાસે છે એવી વ્યવસ્થા બીજા કોઈ પાસે નથી જ, એ સ્થિતિમાં એમની પાસે નહીં તો બીજા કોની પાસે મદદનો હાથ લંબાવી શકાય?

પ્રમાણમાં આરોગ્ય સેવાઓ ઠીક ઠીક ચાલી છે, પણ એમાં ઘણી કાળજી લેવાની જરૂર છે. ડોકટરો બે પ્રકારના જોવા મળે છે. એક એવો વર્ગ છે જે જીવને જોખમે દરદીને સાજો કરવા મથે છે. એમને વંદન જ કરવાં ઘટે. બીજો વર્ગ એવો છે જે કોઈ પણ રીતે પૈસા બનાવવા માંગે છે. ગંભીર પ્રકારનાં હૃદયનાં ઓપરેશનોની ફી નથી હોતી એનાથી અનેકગણી વધારે ફી કોરોનાના દરદી પાસેથી લેવાય છે. તેમાં જો દરદીનું મૃત્યુ થયું તો બિલ ન ભરાય ત્યાં સુધી લાશ પણ સંબંધીઓને સોંપવામાં આવતી નથી. સંબંધીઓ સ્વજન ગુમાવે છે તેનું દુખ હોય તેમાં બિલની પઠાણી ઉઘરાણી માણસાઈ વગરની છે. આજે જ્યારે ખાસ આવક જ નથી રહી ત્યારે આવી ઉઘરાણીઓ લાજ-શરમ વગરની છે ને આવી બાબતો પર સરકારે તાત્કાલિક ધોરણે ધ્યાન આપવાની જરૂર છે.

બનવું તો એવું જોઈએ કે કોરોના પોઝિટિવ નીકળે કે તેની તમામ સારવારની જવાબદારી સરકાર ઉપાડી લે અથવા તો મામૂલી ફીથી રોગીની સારવાર થવી જોઈએ. આવકનાં સાધનો ખાસ રહ્યાં ન હોય એવી સ્થિતિમાં દરદી પાસેથી લાખો રૂપિયા પડાવવામાં માણસાઈ નથી.

જો કોરોના વકરતો જ જતો હોય ને નક્કી કરવામાં આવેલા નિયમોથી સારાં પરિણામો મેળવી ન શકાતાં હોય તો નિયમો અંગે ફેર વિચારણા કરવાની રહે. કમસે કમ ચારથી વધુના જાહેરમાં મળવા પર પ્રતિબંધ મૂકાવો જોઈએ અને કમસે કમ તબીબી અને શૈક્ષણિક સેવાઓ અંગે વધુ માનવીય પ્રયત્નો થાય તે જોવાવું જોઈએ. જોવાશે?

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ધબકાર”, 07 સપ્ટેમ્બર 2020

Loading

અસૂર્યલોકનો સૂર્ય: ભગવતીકુમાર શર્મા

રવીન્દ્ર પારેખ|Opinion - Literature|7 September 2020

આવતી કાલે [05 સપ્ટેમ્બર] શિક્ષક દિન. એ દિવસે સુરતના સપૂત ભગવતીકુમાર શર્માની વિદાયને બે વર્ષ થશે. ચોર્યાસી વર્ષની જિંદગીમાં ૮૪ લાખ ફેરા જેટલું જીવ્યા હોય એટલું વિપુલ સર્જન અને પત્રકારત્વ ભગવતીભાઈએ કર્યું છે. હાઈસ્કૂલમાં હતા ત્યારે જ નબળી આંખોને કારણે ડોકટરે વાંચવા લખવાની મનાઈ ફરમાવેલી. આ જ વાત ‘અસૂર્યલોક’માં ડો. તાંજોરકર દ્વારા લેખકે નવલકથાના નાયક તિલક માટે પણ કહેવડાવી છે. કોઈને એમાં આત્મકથાના અંશો જણાય તો નવાઈ નહીં. બીજો કોઈ છોકરો હોત તો રડીને ખૂણે બેસી ગયો હોત, પણ ભગવતીભાઈ ૧૪ વર્ષની ઉંમરે ગાંધીજીની હત્યાથી વ્યથિત થઈને પહેલી કવિતા લખે છે.

ભગવતીભાઈ થોડી રાહ જોવડાવીને ૩૧ મે, ૧૯૩૪ને રોજ હરગોવિંદ શર્મા અને હીરાબાના કુટુંબમાં અવતરે છે. માતાને તે ભગવતીનો પ્રસાદ લાગે છે ને નામ પડે છે ભગવતી. આ દીકરા પર ભગવતીની કૃપા તો હતી જ, પછી સરસ્વતીનો હાથ પણ માથે મૂકાય છે. નર્મદ પછી ૧૦૧ વર્ષે ભગવતીભાઈ જન્મે છે તો એને સરસ્વતી ખાલી તો ન જ રહેવા દેને!

વીસેકની ઉંમરે ભગવતીકુમાર ‘ગુજરાતમિત્ર’માં જોડાય છે ને છેવટ સુધી એની સાથે જ સંકળાયેલા રહે છે. એક બે નહીં, ૬૪ વર્ષ ‘ગુજરાતમિત્ર’ને એમણે આપ્યા ને હજારો તંત્રીલેખો અને અનેક કોલમોથી પત્રકારત્વ ઉજાળ્યું. એ એક પત્નીવ્રતી જ નહીં, એક પત્રવ્રતી પણ રહ્યા. એમની સાથે ‘ગુજરાતમિત્ર’માં દસ વર્ષ પત્રકારત્વ ખેડવાનો લહાવો મેં પણ લીધો છે. એમના તંત્રીલેખોના બે’ક પુસ્તકો થયાં છે, પણ બીજા ઘણાં થઈ શકે ને તે પત્રકારત્વના ઇતિહાસ લેખે પણ અભ્યાસુઓને ઉપયોગી થઈ પડે એમ છે. આવું સાત્ત્વિક અને સાહિત્યિક પત્રકારત્વ ખેડનાર બીજો પત્રકાર ગુજરાતમાં તો ઠીક, ભારતમાં પણ મને તો દેખાતો નથી. પત્રકારત્વ તેમણે ‘નિર્લેપ’ભાવે ખેડ્યું છે ને પીળું પત્રકારત્વ જોર પર હોય ત્યારે આટલાં સાતત્ય સાથે શુદ્ધ પત્રકારત્વનો મહિમા અપવાદ જ ગણાય. નબળી આંખે પ્રૂફરીડિંગનાં આંખો ફોડનારા કામથી એ શરૂ કરે છે ને દેશભરના વરિષ્ઠ પત્રકારનું સન્માન ‘નચિકેતા પુરસ્કાર’ અટલબિહારી વાજપેયીને હસ્તે મેળવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારને બાદ કરતાં તમામ નાનામોટા પુરસ્કારો એમને મળ્યા છે એટલું જ કહેવું અહીં પૂરતું થશે.

અમારી વચ્ચે ક્યારેક રકઝક પણ થતી. એ નબળી આંખોની ફરિયાદ કરતા રહેતા. હું કહેતો કે દેખતી આંખોવાળા ન કરી શકે એટલું ગંજાવર ને ગુણવત્તા સભર સર્જન અને પત્રકારત્વ તમે કર્યું છે, તો સરસ્વતીનો ઉપકાર માનો કે એણે એનું વાહન તમને બનાવ્યા. માંડ ત્યારે એ શાંત પડતા, પણ નબળી આંખે એમણે અનેક મુશ્કેલીઓ વેઠી છે તેની ના પાડી શકાશે નહીં.

એમની પહેલી નવલકથા ‘આરતી અને અંગારા’ ૧૯૫૬માં છપાઈ. એ પછી તો ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ જેવી ૧૩ નવલકથાઓ પ્રગટ થાય છે. ખાસ કરીને આ ત્રણ નવલકથાઓ કોઈકને કોઈક રીતે સામવેદી સંસ્કારોનો મહિમા કરે છે. ‘સમયદ્વીપ’માં આસ્થા અને નૂતન આવિષ્કારો વચ્ચેનો સંઘર્ષ છે, તો ‘ઊર્ધ્વમૂલ’માં ધાર્મિક સંસ્કારો, મૂળની શોધ માટે પાત્રોને પ્રવૃત્ત કરે છે, તો ‘અસૂર્યલોક’ સંસ્કારોથી જ્ઞાનનો મહિમા કેવી રીતે થઈ શકે તેની વાત કરે છે. ‘સમયદ્વીપ’નું દ્વિઅંકી નાટ્યરૂપ મેં કરેલું ને તે દીપક ગાંધીના દિગ્દર્શનમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રએ ભજવેલું પણ ખરું તો ‘ઊર્ધ્વમૂલ’ના ત્રીજા ખંડનું એક કલાકનું મેં લખેલું રેડિયો નાટ્યરૂપ વિહંગ મહેતાએ ‘આકાશવાણી’ના વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત કરેલું તે પણ યાદ આવે છે.

ભગવતીભાઈની જ એક વાર્તા ‘સુવ્વરની ઔલાદ’ના બે એકાંકી નાટ્યરૂપ તૈયાર થયેલાં. એક નાટ્યકાર જ્યોતિ વૈદ્યે કરેલું તો બીજું લેખન મેં કરેલું જે મુંબઈમાં કાંતિ મડિયાનાં દિગ્દર્શનમાં પ્રસ્તુત થયેલું ને એનું જ વાચિકમ્‌ નરેશ કાપડીઆએ પણ પ્રસ્તુત કર્યું છે. ભગવતીભાઈની પહેલી વાર્તા ૧૯૫૩માં ‘સવિતા’માં પ્રગટ થયેલી. એમના વાર્તાસંગ્રહ ‘વ્યર્થ કક્કો : છળ બારાખડી’ની પ્રસ્તાવના મેં લખેલી. એ ઉપરાંત ‘અડાબીડ’, ‘અકથ્ય’ જેવા બીજા દસેક સંગ્રહો પ્રગટ થયેલા. ‘પ્રતીતિ’, ‘પ્રેમઅંશ’, ‘કૂતરાં’, ‘શંકા’, ’બકોર પટેલનો બહેરાપો’ જેવી ઘણી યાદગાર અને પ્રયોગશીલ વાર્તાઓ ભગવતીભાઈએ લખી છે છતાં, તેઓ શ્વસે તો છે પરંપરાને જ. સુરેશ જોશીના પ્રભાવથી એ અંજાતા નથી ને પરંપરા અને પ્રયોગના સમન્વયથી એ વાર્તા જોડે કામ પાડે છે.

પહેલી કવિતા ૧૯૪૮માં લખાય છે, પણ પહેલો કાવ્યસંગ્રહ ‘સંભવ’ ૧૯૭૪માં ૨૬ વર્ષનાં સંયમ પછી બહાર પડે છે. એ પછી તો ‘છંદો છે પાંદડાં જેનાં’, ‘ઝળહળ’, ‘નખદર્પણ’, ‘અઢી અક્ષરનું ચોમાસું’, ‘ઉજાગરો.’ જેવા દસેક કાવ્યસંગ્રહો બહાર પડે છે. ભગવતીભાઈએ ગઝલો લગભગ ચારેક દાયકા લખી છે, પણ તેમનાં ગીતો ને સોનેટોનું પણ આગવું મહત્ત્વ છે.

મેં, મનહરલાલ ચોક્સી, નયન દેસાઈ અને ભગવતીભાઈએ પંક્તિઓ પર અનેક ગઝલો સાથે બેસીને લખી છે. એવી જ એક ગઝલનો એમનો મત્લા છે :

હું ‘હું’ ક્યાં છું? પડછાયો છું, આ ઘર, ઉંબર ને ફળિયામાં,
હું જન્મોજન્મ પરાયો છું, આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ ગઝલ પરથી જાણીતા દિગ્દર્શક કપિલદેવ શુક્લએ હૃદયસ્પર્શી એકાંકી લખ્યું અને તેને સફળતાપૂર્વક ભજવ્યું પણ ખરું.

આંસુ પણ છેવટે તો નમક જ છે, પણ કેવું નમક છે?

બહુમૂલ્ય સંપદા છે, અકારણ ન વેડફો,
ચડિયાતું કોઈ આંસુથી જગમાં નમક નથી.

મૃત્યુ નિશ્ચિત છે, પણ તે ક્યારે અને કેવી રીતે આવે છે તે જુઓ :

એ બહુ છાનેમાને આવે છે,
મોત બહુ નાજુક બહાને આવે છે

‘હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ …’, ‘અઢી અક્ષરનું ચોમાસું’, ‘મારે રુદિયે બે મંજીરાં’ જેવાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં છે ને તે સંગીતબદ્ધ પણ થયાં છે.

સાધારણ રીતે  ભગવાન બહુ દુ:ખ દેતો હોય એવી ફરિયાદ માણસ કરતો હોય છે, પણ ગીતકારને એ પ્રશ્ન થાય છે કે જે હરિ નિરંતર હૃદયમાં જ છે તે દુ:ખ કેવી રીતે દે? એવું તો નથી ને કે માણસ, હૈયે રહેતા હરિને દુ:ખ દેતો હોય? એટલે કવિ કહે છે :

હરિ, મારે રુદિયે રહેજો રે,
દ:ખ જે દઉં તે સહેજો રે!

આ ભાવ પહેલી વખત ગીતમાં આવ્યો છે.

સોનેટ સાધારણ માણસને બહુ સમજાતાં નથી, પણ ભગવતીભાઈએ સોનેટ બોલચાલની ભાષામાં લખ્યાં છે. સામવેદી સંસ્કારોને લગતાં બે સોનેટ ‘પિતૃકંઠે’ અને ‘ફરીથી’ અદ્ભુત છે. પિતા સામવેદી પંડિત હતા. તેમનું મૃત્યુ થતાં હવે તેમનો વારસો સચવાય એમ નથી એટલે જેમાં સંસ્કારો સચવાયેલા તે લાકડાની પેટી ભારે હૈયે કવિએ બીજાને સોંપી દેવી પડે છે. એ સમયે પિતાને બીજી વખત વળાવ્યા હોય એવી દારુણ વેદના કવિપુત્રને થાય છે :

જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધપે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિ અંકે ફરીથી.  

આ ઉપરાંત માતા, પત્નીને લગતાં ઘણાં સોનેટો ભગવતીભાઈએ લખ્યાં છે. ‘આત્મસાત’ કરીને ૭૨ સોનેટોનો આખો સંગ્રહ પત્ની જ્યોતિબહેનના મૃત્યુ પછી અને પિતાનું ઘર છોડવા સંદર્ભે પ્રગટ થયો છે. એમાં કાવ્યની સમાંતરે કથા પ્રવાહ પણ વહે છે એટલે મેં એ સંગ્રહને ‘સોનેટનોવેલ’ તરીકે ઓળખાવ્યો છે. એમાં એક સોનેટ છે, ‘કાલૌષધિ’. સાધારણ રીતે દુઃખનું ઓષડ દા’ડા’ એમ કહેવાય છે. મૃત્યુનો ઘા સમય રૂઝવી દેતો હોય છે, પણ આ સોનેટમાં કવિ ઈચ્છે છે કે પત્નીના મૃત્યુનો ઘા રૂઝાય જ નહીં. એટલે કહે છે : ‘ટકોરા થંભાવો ! ટિક ટિક કરો બંધ સઘળી -’ કવિ સમયને વહેવા દેવા નથી માંગતો, કારણ સમય વહે તો ઘા રૂઝાય ને પત્ની ભુલાવા માંડે ને કવિ , ‘… એ વેળાને સતત જીવતી’ રાખવા માંગે છે. ‘આત્મસાત’ની પ્રસ્તાવના મેં લખી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ મારી પસંદગીની એમની કવિતાનું સંપાદન પણ ‘શબ્દનું સાત ભવનું લેણું છે.’ પ્રગટ કર્યું છે તો એવી જ રીતે ગઝલનું સંપાદન ‘ગઝલની પાલખી’ પણ મેં કર્યું છે તેનો આનંદ છે.

‘શબ્દાતીત’, ‘બિસતંતુ’, હૃદયસરસાં’, ‘સ્પંદનપર્વ’, ‘નદીવિચ્છેદ’ જેવા દસેક નિબંધ સંગ્રહો છાપામાં ચાલેલી કોલમોમાંથી થયા છે. આ નિબંધો સરકાર, સંસ્કાર, ધર્મ, શિક્ષણ વગેરેને વિષય કરે છે, પણ તેને પુસ્તકરૂપે પ્રગટ કરતી વખતે તે છાપાળવાં ન રહે તેની કાળજી લેવાઈ છે. ભગવતીભાઈના હાસ્યના પાંચેક પુસ્તકો છે તો એકાદ પુસ્તક વિવેચનનું પણ છે. ‘અમેરિકા,આવજે!’ તેમનું અમેરિકા પ્રવાસનું પુસ્તક છે તો ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ તેમનું આત્મકથાનું પુસ્તક છે, જેમાં મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબની કથાની સાથોસાથ ૧૯૪૦ પછીના સુરતની વિકાસ ગાથા પણ સમાંતરે ચાલે છે એટલે એમાં ‘આત્મ’ અલ્પ અને ‘કથા’ વધારે છે. એ અનુવાદ, આસ્વાદથી પણ દૂર રહ્યા નથી.

ભગવતીભાઈને નિકટથી જોયાજાણ્યા છે. એમને વિશે વિચારું છું તો થાય છે કે વર્ષો પછી ટકી રહે એવું એમનાં સર્જનમાં શું છે તો એમની સામવેદી સંસ્કારોથી પ્રભાવિત થયેલી કવિતાઓ, વાર્તાઓ અને ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’ અને ‘અસૂર્યલોક’ જેવી નવલકથાઓને કાળ કોઈ કાળે ભૂંસી નહીં શકે એમ લાગે છે. બીજું ટકશે કે નહીં તે ખબર નથી, પણ આટલું કાળજયી નીવડશે એવી આગાહી હું ગૌરવભેર કરી શકું એમ છું. એમની સ્મૃતિને વંદન કરીને વિરમું.

૦૦૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ધબકાર”, 04 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,3032,3042,3052,306...2,3102,3202,330...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved