જપી-જપી ને શાને પજવે, શાનો કરવો ડોળ છે,
પ્રેમથી છેતરાશે, મારો કાનો તો ડફોળ છે.
વકીલ, પાદરી, તબીબ, મોલવી, ગુરુ, ભૂવા;
છે મીઠીમીઠી વાણી તેમાં અર્થ ગોળગોળ છે.
આ બારદાન એવા જેમાં પાવલી પૂરી નથી,
ને ટાપટીપ એવી જાણે પૂરા આના સોળ છે,
છે ચાર દિ’ની જિંદગીને પોણીતો વિતી ચૂકી,
છતાં મટકતી ચાલ જોઈ બંદો ઓળઘોળ છે,
બતાવે છે ફેસબૂકે બાદશાહી ઠાઠ એ;
લપાટ ખાઈને કરેલો ગાલ લાલચોળ છે.
e.mail : sahilkandoi@yahoo.com
![]()


૧૫ જૂને ગલવાન ખીણમાં ચીન સાથેની અથડામણમાં ભારતના ૨૦ જવાનો માર્યા ગયા એ હકીકત છે. એની આસપાસ સરકાર અને વિપક્ષ અત્યારે દાંડિયા રાસ રમી રહ્યાં હોય એવું લાગે છે. સરકાર કહે છે કે સ્થિતિ પૂર્વવત છે – ચીને ઘૂસણખોરી કરી નથી અને ભારતીય ચોકી પર ભારતનો જ કબજો છે. વિપક્ષનું કહેવું છે કે સ્થિતિ પૂર્વવત્ છે તો ૨૦ સૈનિકો મર્યા કેમ કરતા? વિપક્ષ તો ત્યાં સુધી કહે છે કે સરકારે ગલવાન ખીણ પરનો કબજો પણ જતો કર્યો છે. એ સાચું હોય તો તે ગંભીર ગણાય. હવે આ સમય વાદ-વિવાદનો નથી. વિપક્ષે સરકારની સાથે હોવાની ખાતરી આપી હોય તો સરકારે પણ વિપક્ષને વિશ્વાસમાં લઈને સાચી હકીકત જણાવવી જોઈએ. આપણે દેશની અખંડતા અને એકતાની છાશવારે દુહાઈઓ દેતા હોઈએ ત્યારે આ સમય એકતા અને અખંડતા સિદ્ધ કરવાનો છે. અનેક મતભેદો જ કેમ ન હોય, અત્યારની યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દેશ એક અને અખંડ છે એની શત્રુને ભારતે પ્રતીતિ કરાવવી જ જોઈએ. આ સમય ખોખલાં સૂત્રોનો કે બનાવટી જાહેરાતોનો નથી. કશુંક નક્કર અને વિશ્વસનીય હોય તે અત્યારના સમયમાં અત્યંત જરૂરી છે.