Opinion Magazine
Number of visits: 9574977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં માનવતાવાદી ડૉ કોટનીસ અને ક્યાં હિન્દુત્વવાદી બાબા રામદેવ …

રમેશ ઓઝા|Opinion - Opinion|5 July 2020

જૂન ૧૯૩૮ :

૧૯૩૮ની સાલ હતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવામાં હતું, પરંતુ એ પહેલા જપાને ચીન ઉપર આક્રમણ કર્યું હતું. એ સમયે સુભાષચંદ્ર બોઝ કૉન્ગ્રેસના અધ્યક્ષ હતા અને તેઓ એમ માનતા હતા કે જો બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય તો ભારતની કૉન્ગ્રેસ પાર્ટીએ અને પ્રજાએ જપાન-જર્મની-ઇટલીના ધરી દેશોની મદદ લઈને ભારતને આઝાદ કરવું જોઈએ. દુશ્મનનો દુશ્મન મિત્રનો ન્યાય અપનાવવો જોઈએ. આ બાજુ ચીનના લશ્કરી વડા જનરલ શું દેએ જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે જપાન સામે લડી રહેલા ચીની સૈનિકોની સારવાર સારુ અમને ડોકટરોની જરૂર છે. નેહરુએ એ પત્ર કૉન્ગ્રેસ પ્રમુખ સુભાષચન્દ્ર બોઝને પહોંચતો કર્યો હતો અને સુભાષબાબુએ ૩૦મી જૂન ૧૯૩૮ના રોજ એક નિવેદન બહાર પાડીને ચીન જઈને લશ્કરી સેવા આપનારા ડોકટરો માટે અપીલ કરી હતી.

સુભાષબાબુની અપીલને પાંચ ડોકટરોએ પ્રતિસાદ આપ્યો હતો. એક હતા અલ્હાબાદના ડૉ. એમ. અટલ, બીજા નાગપુરના ડૉ. ચોલકર, બે ડોકટરો કલકત્તાના હતા : ડૉ. બી.કે. બસુ અને ડૉ. દેબેશ મુખર્જી અને એક ડોક્ટર સોલાપુરના ડૉ. દ્વારકાનાથ કોટનીસ. આ પાંચ ડોકટરોને ચીન મોકલવા માટે જાહેર ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો, જેમાં બાવીસ હજાર રૂપિયા જમા થયા હતા. આ પાંચ ડોક્ટરોએ ચીનમાં ખૂબ સેવા આપી હતી, જેમાં ડૉ. કોટનીસનો ચીન માટેનો પ્રેમ અનોખો હતો. થાક્યા વિના કલાકો સુધી તબીબી સેવા આપતા હતા. તેમણે ચીની ભાષા શીખી લીધી હતી અને ચીની મહિલા સાથે લગ્ન પણ કર્યાં હતા. ૧૯૪૨માં તેમને ઘરે દીકરો જન્મ્યો અને બીજા જ મહિને ડૉ. કોટનીસ વાઈની બીમારીમાં ગુજરી ગયા. યોગાનુયોગ એવો હતો કે જે મોરચે ડૉ. કોટનીસ સેવા આપતા હતા એ મોરચે સામ્યવાદી ચીનના સ્થાપક ચેરમેન માઓ ઝેદોંગ પણ હતા અને તેમણે ડૉ. કોટનીસનું ઋણ યાદ રાખ્યું હતું.

કઈ પ્રેરણાથી ડૉ. કોટનીસ અને બીજા ચાર ડોકટરો ચીન ગયા હતા? કોઈએ તેમને મોટો પગાર ઓફર નહોતો કર્યો. તેમના પ્રવાસ ખર્ચ માટે પણ ભારતમાં ફાળો કરવામાં આવ્યો હતો. તેમણે સેવા આપવાનું સ્વીકારીને જીવને જોખમમાં નાખ્યો હતો. તેમને ખબર હતી કે તેમને ગોળી વાગી શકે છે. તો પછી કઈ પ્રેરણા હતી? પ્રેરણા હતી સેવા કરવાની. ખાસ કરીને શક્તિશાળી પ્રજાઓ ગરીબ પ્રજા ઉપર જુલમ કરતી હોય ત્યારે જગતની તમામ શોષિત પ્રજાએ એકબીજાને મદદ કરવી જોઈએ એવી ભાવના હતી. એ ભાવનાની પ્રેરાઈને ચીન માટે ખપી જવા, એક નહીં, પાંચ ભારતીય ડોકટરો આગળ આવ્યા હતા. એ યુગમાં ભારતમાં ગાંધીનો પ્રભાવ હતો, જે શોષણમુક્ત અહિંસક સમાજની રચના કરવા માગતા હતા. એ પ્રભાવથી પ્રેરાઈને પાંચ ડોકટરો ચીન જવા તૈયાર થયા હતા. તેઓ ભારતમાં રહીને ડોકટરી પ્રેક્ટીસ દ્વારા ખૂબ પૈસા કમાઈ શક્યા હોત.

જૂન ૨૦૨૦ :

જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં બાબા રામદેવે બજારમાં દવા મૂકી અને દાવો કર્યો કે એનાથી કોરોનાની બીમારી મટી શકે છે. સરકાર સમક્ષ શરદી-ઉધરસની દવાની મંજૂરી મેળવીને તેને માટેની દવાને કોરોનાની દવા તરીકે રજૂ કરી. નામ રાખ્યું; ‘કોરોનીલ’ આયુર્વેદની દવા બનાવનારાઓ સામાન્ય રીતે તેમની દવાને સંસ્કૃત નામ આપતા હોય છે, જેમ કે અવિપત્તીકર ચૂર્ણ વગેરે. પણ અહીં તો ઝડપથી પૈસા કમાવા હતા એટલે નામ રાખ્યું કોરોનીલ.

સામાન્ય રીતે દવાઓની ચકાસણી થતી હોય છે અને તેના ત્રણથી-ચાર તબક્કા હોય છે. દવા બનાવ્યા પછી ઓછામાં ઓછા છ મહિના બજારમાં મુકતા થાય છે. અનેક ચકાસણીઓમાંથી પસાર થવું પડે છે અને દવા જો જીવનાવશ્યક હોય તો વિશ્વ આરોગ્ય સંસ્થાની પણ મંજૂરી લેવી પડે છે. આપણા બાબાએ રાજસ્થાનની એક હોસ્પિટલમાં કોરોનાના સો દરદીઓને તેમની દવા આપી. સેમ્પલ સાઈઝ માત્ર સો દરદીઓની. એ દરદીઓ કોણ હતા ખબર છે? સોએ સો કોરોનાના સિમ્પટમ્સ વિનાના (માઈલ્ડ પોઝીટીવ) હતા અને સોએ સો યુવાન હતા. બધા સારા થઈ ગયા અને દવા પાસ થઈ ગઈ.

આ માનવજાત સાથેની ઊઘાડી છેતરપીંડી હતી. એમાં માનવીની મજબૂરીનો લાભ લેવામાં આવ્યો હતો. મોતથી ડરતા માનવીને બચાવી લેવાના નામે ખંખેરવાનો ઈરાદો હતો. માત્ર અઢળક પૈસા કમાવા.

કોણ છે આ માણસ? સાધુ છે. ભગવા પહેરે છે. સંન્યાસી છે. દેશપ્રેમી છે. રાષ્ટ્રવાદી છે. હિંદુ છે. હિંદુધર્માભિમાની – આર્યસમાજી – હિન્દુત્વવાદી છે. અને છેતરપીંડી કરીને કોના ખિસ્સા ખાલી કરવાના હતા? ભારતના લગભગ ૮૫ ટકા હિંદુઓના!

આ ફરક છે માનવતાવાદી માનવી ડૉ. દ્વારકાનાથ કોટનીસમાં અને હિન્દુત્વવાદી દેશપ્રેમી બાબા રામદેવમાં. અંગ્રેજી શબ્દકોશનું સંપાદન કરનારા સેમ્યુઅલ જોહન્સન કહી ગયા છે કે, ‘દેશપ્રેમ ધુતારાઓનું આખરી આશ્રયસ્થાન છે.’

આંખ પરની છારી ઉતારવા માટે એટલું પૂરતું નથી? 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જૂન 2020

Loading

૨૧મી સદીમાં આજે પણ જાતીય સમાનતાથી આપણે ૨૫૭ વર્ષ છેટાં છીએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 July 2020

૨૧મી સદીના ભારતમાં આજે પણ ૪ કરોડ ૫૮ લાખ બાળકીઓ જન્મતાં જ ‘ગાયબ’ થાય છે

સ્ત્રીની સ્વતંત્રતા વિષે વાત કરવી અને તેને એ સ્વતંત્રતા જીવવા દેવી એમાં આસમાન જમીનનો ફેર છે, અર્થતંત્રની ઊંચાઇઓ સ્ત્રી-પુરુષની અસમાનતા રહેશે ત્યાં સુધી સર નહીં જ થઇ શકે

યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફંડનો ‘સ્ટેટ ઑફ વર્લ્ડ પૉપ્યુલેશન રિપોર્ટ 2020’ જાહેર થયો છે. આપણે હાલમાં વૈશ્વિક સ્તરે રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ અને એક વર્ષ આમાં જ વેડફાઇ જશે એવો વસવસો એક યા બીજી રીતે આપણને થયા જ કરે છે. પરંતુ જે બાબતોએ સદીઓથી કોઇ વાઇરસની માફક આપણી સમાજ વ્યવસ્થાને નબળી બનાવી છે તેનું સંક્રમણ કોણ જાણે ક્યારે જશે? આ સવાલ કરવાનું કારણ એ કે યુનાઇટેડ નેશન્સના આ વસ્તીના રિપોર્ટમાં જે મુદ્દો રજૂ થયો છે તેમાં વાત છે અર્થતંત્રમાં ભાગીદારી કરવા અંગેની જેન્ડર ગૅપ – સ્ત્રી અને પુરુષની ભાગીદારીનાં રેશિયોમાં જે તફાવત છે – તે પૂરી કરવાનો પ્રયાસ. કમનસીબે આ વૈશ્વિક સ્તરે આ જેન્ડર ગૅપ પૂરી કરવામાં, સ્ત્રી પુરુષને મળતા લાભ, તકો અને અધિકારોમાં સમાનતા લાવવામાં હજી બીજા ૨૫૭ વર્ષ જશે. તમે તમારી જાતને ગમે તેટલી આધુનિક માનતા હોય પણ આ એક કડવું સત્ય છે, જે ગળી નથી જવાનું પણ તેને બદલવા માટે જહેમત કરવાની છે, લડત આપવાની છે.

આખી દુનિયામાં સ્ત્રીઓ સાથે થતા વહેવારમાં આજના કહેવાતા ‘મોડર્ન’ વર્લ્ડમાં પણ જેટલો ફેર પડવો જોઇએ એટલો નથી જ પડ્યો. વૈશ્વિક સ્તરે ‘મિસિંગ વુમન’ આંકડો ૧૪.૨ કરોડ છે.  ભારતની વાત કરીએ તો ૨૦૧૩થી ૨૦૧૭, એમ ત્રણ વર્ષમાં યુ.એન.નાં રિપોર્ટ અનુસાર ૪.૬ લાખ છોકરીઓ જન્મ સમયે જ ‘ગાયબ’ થઇ હતી. એક એવો દેશ જે વૈશ્વિક સ્તરે આગેવાન બનવા થનગની રહ્યો છે, ત્યાં આટલી મોટી સંખ્યામાં છોકરીઓ ‘ગાયબ’ થઇ જતી હોય તો એનું કંઇ ભલું થઇ શકે ખરું?

ભૃણ હત્યાની વાત સમાજના એક વર્ગને કદાચ પછાત લાગી શકે પણ એ આપણા દેશનું બેહૂદું સત્ય છે. આજે પણ ‘સ્ત્રી ભૃણ હત્યા’ વિકાસ અને પ્રગતિની વાત કરતા ભારતની સચ્ચાઇ છે. દરેક હજાર પુરુષે કેટલી સ્ત્રીઓ જન્મે છે તેને આધારે સેક્સ રેશિયો નિયત કરાતો હોય છે. ભારતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ અને બિહાર જેવા રાજ્યોમાં દર હજાર પુરુષ બાળક જન્મે એટલે કે છોકરા જન્મે તેની સામે જન્મતી બાળકીઓની સંખ્યા ૯૦૦થી પણ ઓછી હતી. ભારતમાં સ્ત્રીઓ સામેની બદીઓમાં બાળ લગ્ન સાવ સામાન્ય છે, દર ચાર છોકરીઓમાંથી એકનાં બાળ લગ્ન થયેલા હોય છે. વૈશ્વિક સ્તરે અંદાજે પાંચમાંથી એક છોકરીને બાળ લગ્નની બદીમાં ધકેલી દેવાય છે.

યુ.એન.ડી.પી. ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર જેન્ડર ઇક્વૉલીટી ઇન્ડેક્સમાં જે ૧૮૯ દેશ છે તેમાં ભારતનો નંબર ૧૨૨ છે. સ્વિટ્ઝરલેન્ડ આ મામલે શ્રેષ્ઠ છે.

દરેક સરકાર સ્ત્રીઓનાં ઉત્થાન માટે યોજનાઓ જાહેર કરે છે પણ આપણી સંસદની જ વાત કરીએ તો સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ માત્ર ૧૧.૭ ટકા છે અને એ પણ મહિલાઓ માટે અનામત બેઠકની આટલી બધી હોહા અને અમલીકરણ પછી.

સો કરતાં વધુ દેશ સ્ત્રીઓને કાયદાકીય રીતે અમુક પ્રકારનાં કામ કરવાની મંજૂરી નથી આપતા તેવું તારણ વર્લ્ડ બેંક ૨૦૧૮ના ડેટા પરથી નીકળ્યું હતું. ટેક્નોલોજીકલી વિકાસ થતો હોય તો પણ તેના કારણે સ્ત્રીઓ સાથે થતા અત્યાચાર અને સતામણીનું પ્રમાણ પણ વધ્યું છે. આપણે એક રાષ્ટ્ર તરીકે વિકસવું હશે તો આપણે સમજવું પડશે કે જેન્ડર ઇક્વૉલિટીને લીધે થતી ખોટ પૂરાશે તો જ આપણે માનવીય વિકાસની અસમાનતાનું સ્તર સરખું કરી શકીશું.

આપણે ત્યાં શહેર અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના તફાવતને પગલે સ્ત્રીઓને વેઠવી પડતી તકલીફો પણ અલગ છે. બાળ લગ્ન, દહેજ, વિધવાઓ સાથે થતા ભેદભાવ, કામને લગતી સમસ્યાઓ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સવલતો એક તરફી છે તો શહેરોમાં કોર્પોરેટ્સમાં ખેલાતા પૉલીટિક્સ બહુ મોટો ભાગ ભજવે છે. જો કે ચારિત્ર હનન, માનસિક અને શારીરિક બળાત્કાર, ઘરેલુ હિંસા, અનેક રીતે થતી જાતીય સતામણી આ બધું ગામડું હોય કે શહેર બધે થતું જ હોય છે.

પણ શું આપણે એમ માનવું કે બધું મધ્ય યુગમાં હતું તેવું ‘ડાર્ક’ છે તો ના એવું તો નથી જ. સંજોગો બદલાઇ રહ્યા છે, સ્ત્રીઓને પણ પોતાના હકની સમજ પડે છે, સ્ત્રીઓ રાજકીય, આર્થિક અને સામાજિક સ્તરે પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે લડતા, તેને મેળવતા શીખી છે. પિતૃસત્તાક માનસિકતાને કારણે ભારતે ૪૬ મિલિયન બાળકીઓ ગુમાવી છે. તમે કલ્પના કરી શકો છો કે એ ન થયું હોય તો કેટલી કલાકાર, લેખક, આર્કિટેક્સ્ટ્સ, શેફ, વૈજ્ઞાનિક, ડૉક્ટર્સ, શિક્ષક, એન્જિનિયર, પાઇલટ કે પછી કોઇ એક કુટુંબને સારામાં સારી રીતે સંભાળના સ્ત્રી આપણા સમાજને મળી શકી હોત! વિશ્વમાં જેટલી બાળકીઓ ‘મિસિંગ’ છે તેનો એક તૃતિયાંશ હિસ્સાનો બોજ ભારતને માથે છે. એટલી જ ઇચ્છા કે દુનિયા બદલાય તેના પગલે આપણે બદલાઇએ એ કરતાં આપણે બદલાઇએ અને દુનિયા માટે દ્રષ્ટાંત સાબિત કરીએ તો કંઇ વાત બને. બાકી પરિવર્તન, વિકાસ, પ્રગતિ, વૈશ્વિક સત્તા આ બધાં ઠાલા શબ્દોથી વધારે કંઇ જ નથી અને નહીં હોય.

બાય ધી વેઃ

સ્ત્રીની સ્વતંત્રતા વિષે વાત કરવી અને તેને એ સ્વતંત્રતા જીવવા દેવી એમાં આસમાન જમીનનો ફેર છે. આજે પણ બાળકીઓ જન્મે તે પહેલાં તેમને મારી નખાય છે, આજે પણ રોગચાળામાં લૉકડાઉન થાય તો ઘરેલુ હિંસાના કેસિઝ વધી જાય છે, આજે પણ ‘સ્ટે હોમ, સ્ટે સેફ’નાં ગાણાં વચ્ચે મહિલાઓ પોતાના જ ઘરમાં સલામત નથી. કોરોના વાઇરસની સારવાર લેતી સ્ત્રી પર બળાત્કાર થઇ જ જાય છે, પછી ભલેને અરુણા શાનબાગની વાર્તાએ આપણી આંખોમાં આંસુ લાવી દીધા હોય. આ કહેવાતા ‘વિકાસ’ તરફ દોડી રહેલા આપણા દેશનું સત્ય છે. આપણે પહેલાં તો આ વાસ્તવિકતા બદલવી પડશે પછી જ વિકાસની વાસ્તવિકતાની સહેજ પણ નજીક પહોંચી શકીએ એટલા સક્ષમ થઇ શકીશું, બાકી બધું ફીફા ખાંડવા જેવું જ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જુલાઈ 2020 

Loading

જૉર્જ ફ્લૉયડની હત્યા

હિન્દી - કે. કે. ત્રીપાઠી • અનુવાદ - મનીષ શિયાળ|Poetry|5 July 2020

અમેરિકામાં જૉર્જ ફ્લૉયડની હત્યા પર
કાળાં ધોળાં, બધા જ કંપી ઉઠ્યાં,
ઘડીભરમાં તો આખું અમેરિકા
દારુગોળાની માફક બળી ઉઠ્યું,
સારા છે, એ અમેરિકી જેને
સહનશીલતાને ઘૂંટણ નીચે રોકી રાખી છે
એનાં માટે દેશનો મતલબ
ખાલી માટી, પહાડ, જંગલ-ઝરણાં નથી,
ના તો મતલબ છે, ખાલી સીમાઓ.
એનાં માટે દેશનો મતલબ
વ્યક્તિ છે, વ્યક્તિ પણ,
અને વ્યક્તિનો મતલબ દેશ પણ.
જૉર્જ ફ્લૉયડની હત્યા પર
સડક પર ઊતરેલા, એ લાખો અમેરિકીને,
એ કાળાં હોય કે ધોળાં
કોઈ અમેરિકી દેશ વિદ્રોહી નથી કહેતાં,
ના તો કોઈ એને આફ્રિકા, ઈંગ્લેન્ડ કે પછી
કેનેડા કે મેક્સિકો જવાનું કહે છે,
ના તો પોલીસ, વિરોધમાં શામિલ લોકોને દુશ્મન માને છે,
ના તો લાઠી મારે છે,
અને એ શરમશાર અનુભવે છે,
તેનાં સહકર્મીના અપરાધ ને ક્રૂર કૃત્યથી.
વ્હાઈટ હાઉસનો એ ગોરો સાહેબ પણ
ટોળાંના ભયથી, ભલે બંકરમાં છૂપાયો હોય
પણ ત્યાં ના તો કોઈ કારણ વગર બંદૂકો ફૂટી,
ના તો કોઈ દેખાવમાં મરાયાં.
કદાચ આપણે ભારતનાં લોકો પણ
એમની પાસેથી શીખી શકીએ,
લોકોનાં જીવની થોડી કદર કરી શકીએ,
સહનશીલતાને આપણાં ઘૂંટણ નીચે રાખી
સમય આવ્યે,
પૂરજોશમાં અવાજ ઉઠાવી શકીએ.
આપણે ભારતવાસીઓ પણ
ખરા સાહસી છીએ,
આપણે ઈંતજાર કરીએ છીએ,
પાણી ઘૂંટણ સુધી આવવાનો,
પછી એનાંથી કમર પલળવાનો,
પછી ખભા પર ચઢી
નાક સુધી આવવાનો,
અને આપણું ગળું દબાવવાનો‌.
આટલી સહનશીલતા !
ખબર નહીં સાહસ છે કે જડતા
અથવા એ સાહસ છે, તો આટલું સાહસ ક્યાં ?
અથવા એ જડતા છે, તો આટલી જડતા કેમ ?
કેમ સડકો-પાટાઓ પર પગપાળા ચાલતાં,
મરતાં-કપાતાં, લોકડાઉનના કારણે
હજારો લાખો મજૂર
પત્ની બાળકો સહિત ન ટૂટતી હારમાળાઓ,
ચૂપચાપ કિસ્મતને કોસે છે.
પણ જેને ગાદી પર બેઠાડ્યા
એની સામે ના તો કોઈ અવાજ ઉઠાવે છે,
ના તો કોઈ શિકાયત કરે છે,
ના તો કોઈ બળાપો માંડે છે.
આખરે આટલી નિરાશા કેમ ?
આખરે આટલી હતાશા કેમ ?
રસ્તામાં એ દિલ્લી પણ આવે છે,
જ્યાં સંસદ છે,
કેમ ન ઘેરાય એ સંસદ હજુ,
કેમ ન ઘેરાયા પ્રધાન હજુ,
સામૂહિક સહનશીલતાની તો શરમ છે આ
અને સામૂહિક સંવેદનાનો અંત.
તેથી જ તો અવાજ ઉઠાવનારને
સર્વોચ્ચ અદાલતમાં દેશ વિદ્રોહી કરાર અપાય છે,
ક્દાચ એટલે કોઈ અવાજ ઉઠાવતા નથી.
જો પાણી નાક પર પહોંચવાનો,
ચૂપચાપ ઈંતજાર કરતાં રહેશું, તો
આ જડતા આખા ભારતીયને
એક દિવસ નપાણિયા કરી નાખશે.

Loading

...102030...2,2822,2832,2842,285...2,2902,3002,310...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved