Opinion Magazine
Number of visits: 9664072
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેલમાં લખાયેલું એક અનોખું નાટક 

દીપક મહેતા|Opinion - Literature|3 July 2025

ગ્રંથયાત્રા : 7

અઢાર-ઓગણીસ વરસનો એક ટીનએજર છોકરો. નાશિકની જેલમાં પુરાયો છે. ના, હોં! કાળાધોળા કરીને જેલમાં નહોતો ગયો એ. ગાંધીજીની રાહબરી નીચેની દાંડી કૂચમાં ભાગ લીધેલો એટલે ત્રણ મહિનાની જેલની સજા થયેલી. જેલની દીવાલ ખાસ્સી ઊંચી. બહારની દુનિયા તો દેખાય જ નહિ. પણ જેલની બહાર એક વડનું ઝાડ. એ પણ કાંઈ આખું દેખાય નહિ. પણ એ હતું ખાસ્સું ઊંચું, એટલે તેની ડાળીઓનો જાણે કે એક ટુકડો પેલા યુવાન કેદીને જોવા મળતો. એ જોતાં એનું મન થોડાં વર્ષો પાછળ ચાલ્યું જાય. એનું વતન તો ભાવનગર, પણ એક-બે વરસ જૂનાગઢની સ્કૂલમાં ભણેલો. ત્યારે મજેવડી દરવાજે એક ખાસ્સો મોટો વડ. એની ડાળીઓ પર દોસ્તારો સાથે ઝૂલેલો, ધીંગામસ્તી કરેલા. એ બધું યાદ આવે. રાજકીય કેદી હતો એટલે લખવા-વાંચવાની છૂટ હતી. જેલર પાસે કલમ ને કાગળ માંગ્યા, અને જાણે ઝોડ વળગ્યું હોય તેમ માંડ્યો લખવા. લખ્યા પછી જેલમાંના સાથીઓ આગળ વાંચી ગયો. બધાને ગમ્યું. જેલમાંથી બહાર આવ્યો તે પછી ૧૯૩૧માં ચોપડી રૂપે છપાવ્યું એ લખાણ. 

એ ચોપડી હતી એક નાટકની. એનું નામ ‘વડલો.’ અને તેનો યુવાન લેખક તે કૃષ્ણલાલ શ્રીધરાણી. ૧૯૧૧ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે તેમનો જન્મ. આવતી કાલે એ વાતને ૧૦૨ વર્ષ પૂરાં થશે. જૂનાગઢના અભ્યાસનાં વર્ષ બાદ કરતાં ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને પછી ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા. આવો છોકરડો પહેલી વાર નાટક લખતો હોય ત્યારે ઘણુંખરું બીજા કોઈ મોટેરા નાટકકારનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરે. પણ ‘વડલો’ને થોડુંઘણું પણ મળતું આવે તેવું બીજું કોઈ નાટક આપણી ભાષામાં તો ત્યાં સુધીમાં લખાયું નહોતું, આજે પણ લખાયું નથી. ભારતની મરાઠી-બંગાળી જેવી બીજી ભાષાઓના સાહિત્યનો, અંગ્રેજી કે યુરોપીય સાહિત્યનો, એ વખતે શ્રીધરાણીને પરિચય હતો કે નહિ, હતો તો કેટલો, તે આપણે જાણતા નથી. પણ બીજી ભાષાઓમાં પણ એ વખતે આવું નાટક મળવું મુશ્કેલ. જેલમાં બેઠેલા કેદી માટે તો લગભગ અસંભવ. એટલે, લેખકે બીજા કોઈને નહિ, પણ પોતાની જાતને પૂછી પૂછીને આ નાટક લખ્યું છે. નાટકમાં પાત્રો તો ઘણાં છે, પણ માણસો તો ગણ્યાગાંઠ્યા જ છે. ભથવારી, એનો પતિ ગોવાળિયો, નિશાળના તોફાની છોકરાઓ અને એમને મારવા દોડતા આવતા માસ્તરને બાદ કરતાં આ નાટકની સૃષ્ટિમાં માણસો જોવા નથી મળતા. તો પછી નાટકમાં પાત્રો તરીકે આવે છે કોણ? પહેલવહેલો, નાટકનો નાયક વડલો. હા, વડનું ઝાડ. અને ખલનાયક કહી શકાય એવો ઝંઝાવાત. સૂત્રધાર છે કૂકડો. ધીરોદાત્ત નાયકનું ખલનાયકને હાથે મોત થાય છે. એટલે જ કદાચ લેખકે આ નાટકને ‘શોક પર્યવસાયી’ નાટક તરીકે ઓળખાવ્યું છે. ચંદ્રવદન મહેતાએ એમની લાક્ષણિક શૈલીમાં કહ્યું છે : “કહે. કવિ છે. એને ફાવે તેમ કહે. શેનો શોક – શેની ગ્લાનિ – વડલો વાયુએ વિંઝાઈ ગયો એનો? દરેક માણસ મરે છે. એથી આજના અર્થમાં દરેકની ટ્રેજેડી નથી થતી. વડલો લાંબુ જીવે છે, પણ આખરે તો ભલભલાનાં મૂળિયાં ઊખડી જવાનાં છે. પણ વડલો ધીરગંભીર સમભાવશાળી સંવેદનશીલ કૃતિનાયક છે.” નાટકનો અંત પણ નિરાશાપ્રેરક નથી. જુઓ ઝરણીના આ શબ્દો : “વડદાદાનો દેહ પડ્યો છે, પણ પ્રાણ તો હજી અણનમ છે. અને જે ઝંઝાવાતે વડદાદાના મહાન જીવનનો અંત આણ્યો છે તે જ ઝંઝાવાતે વડદાદાના અસંખ્ય ટેટાઓ ગાઉઓના ગાઉ સુધી પ્રસારી દીધા છે. એ ટેટાઓમાંથી વડદાદા જેવા બીજા અસંખ્ય વડલાઓ ફૂટી નીકળશે.” ‘પુનરપિ જનનમ્, પુનરપિ મરણમ્…’ એ શંકરાચાર્યના શબ્દો યાદ આવી જાય એમ છે.

અમાનવીય પાત્રોને આગવું વ્યક્તિત્ત્વ આપવું મુશ્કેલ. પણ અહીં લેખકે એ મુશ્કેલ કામ કરી બતાવ્યું છે. અહીં જે પાત્રો જોવા મળે છે તે છે કોયલ, પોપટ, કાગડો, કાબર, મેના, મોરલો, રાજહંસ, બપૈયો, સૂડો જેવાં પંખીઓ, કમલિની, સૂર્યમુખી, ચંપો, જેવાં ફૂલો, ભાદરવાનો ભીંડો, આકાશી શુક્ર, ચંદ્ર, દેવયાની, મંગળ, ગુરુ, શ્રવણ; અને કિરણ, ઝરણી, ઝાકળ, સમીર, વાદળાંઓ, વીજળી, જેવાં પ્રાકૃતિક તત્ત્વો. ભલે લાંબુ, પણ વડલો છે પાછું એકાંકી. અને કોઈ પણ એકાંકીમાં આટલાં બધાં પાત્રો હોય તો દરેકને આગવું વ્યક્તિત્ત્વ આપવું મુશ્કેલ. અહીં પણ નથી અપાયું. પણ વડ, ઝંઝાવાત, કમલિની, ભીંડો, ઝરણી, જેવાં કેટલાંક પાત્રોને પોતીકું કહી શકાય તેવું વ્યક્તિત્ત્વ લેખકે સફળતાપૂર્વક આપ્યું છે. અને બધાં પાત્રોમાં શિરમોર જેવું તો છે ભથવારીનું પાત્ર. ચંદ્રવદનભાઈએ સાચું જ કહ્યું છે : “આ કલ્પના નીતરની કૃતિમાં નાટ્યતત્ત્વથી ભર્યું ભર્યું પાત્ર તો એક જ છે, અને તે પણ હૃદયંગમ છે. કોણ એ વારુ, પારખી શકો છો? રસપ્રવાહમાં વણાયા-તણાયા હશો તો તરત અંતરથી હોઠે આવશે: ગોધણ ધણીની ભથવારી.” આ ભથવારી જે ગીત ગાય છે તેના પર ચંદ્રવદનભાઈ એટલા તો આફરીન થઇ ગયેલા કે પોતાનું નાટક ‘રમકડાંની દુકાન’ પોતે ભજવતા ત્યારે આ ગીત ઉછીનું લઈને બીજા અંકને છેડે તેનો રાસ જમાવતા. લખે છે: “રમકડાંની દુકાન કદીક ક્યાંક ભજવાય છે, પણ ભથવારીના એ ગીત વિના દુકાનની બરકત દીપી નીકળતી નથી.”

માત્ર એક આ ગીત જ નહિ, નાટકમાં આવતાં ઘણાં બધાં ગીતો તેનું આગવું આકર્ષણ અને આભૂષણ બની રહે છે. શ્રીધરાણીને કવિ તરીકે ભાવકોના મનમાં વસાવવા-ઠસાવવામાં પણ આ ગીતોનો ફાળો નાનોસૂનો નથી. આરંભે અને અંતે આવતું કૂકડાનું ‘અમે તો સુરજના છડીદાર,’ હંસગાન ‘દરિયાના બેટથી ઊડ્યા અમે તો, હિમાળા ડુંગર જાવાં જી!,’ તારાઓનું ગીત ‘સંધ્યા આવી પૂરે કોડિયાં, આભ અટારી શણગારે’, કેટલાં ગણાવવાં. અને પાછાં બધાં ગીતો એવાં છે કે નાટયગીત તરીકે એકદમ બંધ બેસતાં, અને સ્વતંત્ર ગીત તરીકે, કવિતા તરીકે પણ ઊભાં રહી શકે એવાં. ટોટલ થિયેટરની વિભાવનાથી એ વખતે લેખક પરિચિત હશે કે નહિ એની તો ખબર નથી, પણ ભજવાય ત્યારે આ નાટક ટોટલ થિયેટરનો અનુભવ કરાવે એવું છે. મરાઠીનાં કે બીજી ભાષાઓનાં સફળ નાટકોની પાંચમી કાર્બન કોપી જેવાં નાટકો પર નભતી આજની આપણી ધંધાદારી રંગભૂમિ પર આજે કોઈ ન ભજવે, પણ ‘પ્રયોગાત્મક’નો ફાંકો રાખનારાઓએ ભજવી જોવા જેવું છે. 

નાટક લખાયું ૧૯૩૦માં, પહેલી વાર છપાયું ૧૯૩૧માં. પણ આજે ય તાજું અને સોજ્જું લાગે છે. ૧૯૫૨માં ‘સંસ્કૃતિ’ માસિકમાં પ્રગટ થયેલ ‘હું અને કવિતા’ નામના લેખમાં ડૉ. શ્રીધરાણીએ કહ્યું છે: “આમ તો વડલો એક નાટક છે, પણ મારે મન એ એક સોનેટ સિક્વન્સ છે. ઉંમર વધતી જાય તેમ તેમ આપણે પહેલાં લખેલું સુધારવાનું મન થાય, પણ વડલો મારી એક એવી કૃતિ છે જેમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. વડલોથી હું કૃતાર્થતા અનુભવું છું.”

XXX   XXX   XXX

03 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

‘જેટલાં ઘર એટલાં મંદિર !’

રમેશ સવાણી|Opinion - Opinion|3 July 2025

કહેવાય છે કે ગુજરાતમાં વિરોધ પક્ષોનું કાંઈ ચાલતું નથી. હમણાં ‘આપ’ના કેજરીવાલે ગુજરાતની પ્રજાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરી. ના, તમે 1,000 યુનિટ વીજળી આપશો તો પણ ગુજરાતીઓ તમને વોટ નહીં આપે. તમે ગુજરાતીઓને સમજ્યા જ નથી. જો તમારે ગુજરાત માટે જ ઢંઢેરો બનાવવાનો હોય તો આ રહ્યાં મારાં સૂચનો :

[1] દર મહિને પાવાગઢની એક વાર જાતરા કરનારના કુટુંબને પાંચ કિલો ચોખા આપવામાં આવશે.

[2] દર મહિને એક વાર અંબામાતાનાં દર્શન કરનારને એક કિલો તુવરની દાળ આપવામાં આવશે.

[3] દર પૂનમે પગે ચાલીને ડાકોર જતા હિન્દુઓને દર છ મહિને એક જોડી જૂતાં આપવામાં આવશે.

[4] ઘેર સત્યનારાયણની કથા બેસાડનારને ‘મુખ્યમંત્રી પ્રસાદ’ એક કિલો પેંડા આપવામાં આવશે.

[5] સંતોષીમાની કથા કરનાર તમામ મહિલાઓને પાંચસો ગ્રામ ચણા અને સો ગ્રામ ગોળ સંસ્કૃતિ રક્ષક ખાતા તરફથી આપવામાં આવશે.

[6] જો અમે સત્તા પર આવીશું તો હિન્દુ યાત્રા વિકાસ ખાતું ઊભું કરીશું.

[7] દરેક ગામમાં ઓછામાં ઓછો એક પીપળો રોપવામાં આવશે અને એનું નામ ‘રાત્રિપ્રાણપોષક’ રાખવામાં આવશે. એક સરકારી સેમિનારમાં, એક સરકારી યુનિવર્સિટીના સરકારી વિભાગના સરકારી હેડને મેં એવું કહેતાં સાંભળેલાં (અનુસ્વાર identity દર્શક છે) કે પીપળો રાતે સૌથી વધારે પ્રાણવાયુ બહાર પાડે છે. 

[8] દરેક ગાયને શિયાળામાં એક એક ધાબળો આપવામાં આવશે. માતાજીને ઠંડી ન લાગે એ માટે અમે સંવેદનશીલ બનીશું.

[9] રાજ્યની તમામ ભેંસો સમક્ષ રોજ ભાગવતનું પઠન કરી આપણી ભેંસ આગળ ભાગવત કહેવતનું આપણે પાલન કરીશું.

[10] તમામ સરકારી કર્મચારીઓને દર મહિને એક CL-casual leave ઉપરાંત ખાસ યાત્રા રજાઓ આપવામાં આવશે. રજાઓની સંખ્યા છ રાખવામાં આવશે જેથી કર્મચારીઓ સોમવારે નોકરી પર આવવા રવિવારથી માનસિક રીતે તૈયાર થઈ શકે.

[11] જે લોકો ભણેલા છે એમણે જો સ્વેચ્છાએ ‘ભક્તજન’ બનવું હશે તો એમની સર્જરી સરકાર મફતમાં કરાવી આપશે. શરત માત્ર એટલી કે ત્યાર બાદ એ ભક્તજને અમારી પૂજા કરવાની રહેશે.

[12] “વધુ બાળ, જય ગોપાળ.” અમારું સૂત્ર રહેશે. જે હિન્દુ કુટુંબમાં ત્રણ કરતાં વધારે બાળકો જનમશે એમના ઘર પર ‘હિંદુરક્ષક’ લખવામાં આવશે.

[13] જો કોઈ જ્ઞાતિ બાળકોને અને એમાં પણ ખાસ કરીને બાળકીઓને ભણાવવા પર પ્રતિબંધ મૂકશે તો અમે એવી જ્ઞાતિને સરકારી રક્ષણ આપીશું અને એમના ગામની શાળા વાજતેગાજતે બંધ કરીશું.

[14] રોજ સવારે પ્રાર્થના વખતે શાળાનાં બાળકોને મુખ્ય પ્રધાન એમના દિલની વાત કરશે અને ગઈ રાતે એમણે શું ખાધેલું એની વિગતવાર ચર્ચા કરશે.

[15] ‘જેટલાં ઘર એટલાં મંદિર’. જો અમે સત્તા પર આવીશું તો દરેક ઘરના આંગણામાં એક એક મંદિર બનાવવાની પરવાનગી આપીશું અને એમાંથી થતી આવક જે તે કુટુંબની ગણાશે.

[16] જે શિક્ષકો, ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો, પ્રામાણિક બનીને ભણાવશે એમને રોજ સવારે સો દંડબેઠક કરવાનું ફરજિયાત કરીશું. એનાથી એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. ‘તંદુરસ્ત શિક્ષક એ જ સમાજનું ઘરેણું છે.’

[17] હાઈ સ્કૂલના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરો પર અમે વાંચવા પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દઈશું. એને બદલે અમે એમને હિન્દુ ધર્મની સેવા કરવાનું કામ સોંપીશું.

[18] દરેક ગામમાં એક મુખ્ય મંદિર હશે. એના એક પૂજારી હશે. એ પૂજારી જે તે ગામની શાળાના વિદ્યાર્થીઓને પૂજાપાઠ શીખવશે જેથી ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ મોટા થઈને દેવોને સહેલાઈથી રીઝવી શકે.

[19] કાંગ્રેસે કૃત્રિમ વિર્યદાન જેવી વ્યવસ્થા કરીને આપણા દેશની ભેંસોને અને ગાયોને westernize કરી નાખી છે. આ કદી ચલવી નહીં લેવાય. જો અમે સત્તા પર આવીશું તો દરેક ગામને એક પાડો અને એક આખલો આપીશું. એ બન્નેના નિભાવ માટે અમે કુદરતી વીર્યદાન અધિકારીની નિમણૂંક કરીશું. અને એ રીતે બેકારી દૂર કરીશું.

[20] પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કાળું નાણું દેશમાં લાવી દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા આપવાની વાત કરેલી. હવે કાળું નાણું વધી ગયું છે. અમને વિશ્વાસ છે કે વડા પ્રધાન એ બધું નાણું પાછું લાવીને આપણ બધાંને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આપશે. મારા પક્ષના એકએક સભ્યો એ ત્રીસ લાખ જાતરાસ્થળોના વિકાસ માટે ખર્ચશે.

[21] છેલ્લે, દરેક ગામમાં અમે એક એક ગરબા મેદાન બનાવીશું. એનું નામ હશે ‘સરકારી ચાચર ચોક’. ત્યાં ગુજરાતીઓ રોજે રોજ ગરબા ગાઈ શકશે. પ્રવેશ ફી વગર. અમે ગરબાઓ પરના શ્રીમંતોના નિયંત્રણને ખતમ કરી નાખીશું.

[22] બીજી વાર છેલ્લે, અમે દરેક કુટુંબમાં ઓછામાં ઓછો એક એક ગઝલકાર હોય એ માટે ગઝલ સાહિત્યને ઉત્તેજન આપીશું. દરેક ગામમાં ચોતરે મહિને એક વાર ગઝલવાંચન થશે. એ વખતે અમે ગઝલકારોની વાહ વાહ કરવા માટે દરેક ગામને પાંચ પાંચ cheerleaders આપીશું.

[23] હવે સાચે સાચ છેલ્લે, ગુજરાતી સાહિત્યમાંથી વિવેચકોની category નાબૂદ કરીશું. 

[24] હજી બાકી રહી ગયું એક વચન : અત્યારે શિક્ષકો જોડણીદોષ કે વ્યાકરણદોષને દોષ ગણતા નથી. જો અમે સત્તા પર આવીશું તો વિધાનસભામાં ‘ભાષાદોષ અધિકાર કાનૂન’ પસાર કરીશું. એના ઉપક્રમે દરેક ગુજરાતીને ભાષામાં ભૂલો કરવાનો જન્મસિદ્ધ અધિકાર મળશે અને એમની ભૂલોની જે કોઈ ટીકા કરશે એને રોજે રોજ એના લખાણમાં દસ ભૂલો કરવાની સજા આપવામાં આવશે.

This is what Gujarati people want. અને હા, હજી એક આપવા જેવું વચન રહી ગયું : ગુજરાતમાં દારૂછૂટ્ટી કરવામાં આવશે અને નર્મદાની નહેરની સમાન્તરે દારૂ વહે એની સરકાર વ્યવસ્થા કરશે જેથી લોકો નિરાંતે દારૂ પી શકે ! 

સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA. 
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કટ્ટરતા પર પ્રહાર કરતી ‘ધરમપુત્ર’: યે કિસ કા લહૂ હૈ, કૌન મરા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 July 2025

રાજ ગોસ્વામી

થોડા સમય પહેલાં, આપણે અહીં ‘ધૂલ કા ફૂલ’ ફિલ્મની વાત કરી હતી. નિર્દેશક યશ ચોપરા. નિર્માતા બી.આર. ફિલ્મ્સ, એટલે મોટાભાઈ બી.આર. ચોપરા. રિલીઝ 1959. નિર્દેશક તરીકે યશજીની આ પહેલી ફિલ્મ. તે પહેલાં તે કોમેડિયન આઈ.એસ. જોહર અને મોટાભાઈના સહાયક તરીકે કામ કરતા હતા. તે વખતે, હવામાં નહેરુનાં સપનાંના ભારતની સુંગંધ હતી. સિનિયર ચોપરા સામાજિક નિસબતવાળી ફિલ્મો બનાવતા હતા. તેમના લઘુ બંધુ પણ એવી જ ભાવનાથી રંગાયેલા હતા. 

તેમણે નિર્દેશક તરીકે કમાન સંભાળી, ત્યારે તેમણે તેમની પહેલી ફિલ્મ માટે હિંદુ-મુસ્લિમ એકતાનો વિષય પસંદ કર્યો હતો. ‘ધૂલ કા ફૂલ’માં વિવાહેતર સંબંધમાંથી જન્મેલા હિન્દુ બાળકને ઉછેરતા એક મુસ્લિમ વ્યક્તિની વાર્તા હતી. 

ફિલ્મ જબરદસ્ત હિટ થઇ હતી. ચોપરાએ આ વિષયને જે રીતે સંભાળ્યો હતો તેનાથી દર્શકો બહુ ખુશ થયા હતા. મહોમ્મદ રફીના અવાજમાં આ ફિલ્મનું ગીત ‘તું હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ આજે પણ એટલું જ પ્રાસંગિક અને લોકપ્રિય છે.

ફિલ્મની સફળતાથી પ્રેરાઈને, 1961માં, યશ ચોપરા આવી જ એક બીજી ફિલ્મ લઈને આવ્યા; ધરમપુત્ર. આ વખતે તેમાં એક મુસ્લિમ લાવારિસ બાળકને એક હિંદુ પરિવાર મોટો કરે છે તેવી વાર્તા હતી. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાનના વિભાજનની વાત કરતી હોય તેવી આ પહેલી હિન્દી ફિલ્મ હતી. ઉલ્લેખનીય છે કે સિનિયર ચોપરા લાહોરમાં ફિલ્મ પત્રકાર હતા અને કોમી દંગલોમાં જીવ બચવવા માટે પરિવાર સમેત પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા હતા. પાછળ પાછળ યશજી આવ્યા હતા. 

એક જૂના ઇન્ટરવ્યુમાં યશ ચોપરાએ કહ્યું હતું, “હું લાહોરમાં ભણ્યો હતો પરંતુ પ્રાથમિક સ્કૂલ પછી જલંધર આવવું પડ્યું હતું. બેઉ જગ્યાએ સરખી જ હાલત હતી. ત્યાં હિદુઓની કતલ થતી હતી, અહીં મુસ્લિમોની. મેં મારી સગી આંખે ખૂનામરકીનું ગાંડપણ જોયું હતું. મેં જે જોયું હતું તેનો ‘ધરતીપુત્ર’માં ઉપયોગ કર્યો હતો.”

ઐતિહાસિક નવલકથાઓ લખનારા હિન્દી લેખક આચાર્ય ચતુરસેને આ જ નામની એક નવલકથા લખી હતી. ચોપરા કહે છે, “મેં જ્યારે તે વાર્તા વાંચી ત્યારે, મારી અંદર મારા એ અનુભવોએ સળવળાટ કર્યો હશે. ફિલ્મનાં દૃશ્યો વાસ્તવિક લાગતાં હતાં કારણ કે મેં એવું જોયેલું હતું. આજે કોઈ નિર્દેશકને યુદ્ધ બતાવવું હોય તો તેણે વાંચન પર અથવા સાંભળેલી વાતો પર અથવા વિદેશી ફિલ્મ પર આધાર રાખવો પડે.”

ફિલ્મની વાર્તાનો સમય, 1925ના બ્રિટિશ શાસન વખતનો હતો. તે વખતે, આઝાદી માટેના શોરબકોર વચ્ચે દિલ્હીના એક પરિવાર નવાબ બદરુદ્દીન (અશોક કુમાર) સાથે એક ઘટના બને છે; તેમના જીગરજાન દોસ્ત ગુલશન રાયનું અવસાન થાય છે અને બદરુદ્દીન તેના અનાથ પુત્ર અમૃત(મનમોહન કૃષ્ણ)ને તેમની દીકરી હુસ્ન બાનુ(માલા સિંહા)ના ભાઈ તરીકે મોટો કરે છે.

અમૃત ડોકટર બને છે અને સાવિત્રી (નિરુપા રોય) સાથે લગ્ન કરે છે. એક દિવસ, નવાબ ડોક્ટર અમૃત પાસે આવે છે અને એક સમસ્યા કહે છે; હુસ્ન બાનુ તેના શિક્ષક જાવેદ(રહેમાન)ના પ્રેમમાં પડીને પ્રેગ્નન્ટ થઇ છે પરંતુ તે નીચ જાતિનો હોવાથી ગાયબ થઇ ગયો છે. 

સાવિત્રી સાથે ચર્ચા કર્યા પછી, અમૃત એક યોજના બનાવે છે; હુસ્ન બાનુને સિમલા લઇ જવી, ત્યાં તે બાળકને જન્મ આપે અને સાવિત્રી તેને દત્તક લઇ લે. તે બાળક દિલીપ (શશી કપૂર) તરીકે મોટો થાય છે. દયાળુ નવાબ તેમની અડધી સંપત્તિ દિલીપના નામે કરે છે. ત્યાં સુધી કોઈને યાદ પણ નહોતું કે તે મુસ્લિમ સ્ત્રીના કોખે જન્મ્યો હતો. પરંતુ દેશમાં લોહિયાળ કોમી તોફાનોનાં પગલે દિલીપની મુસ્લિમ ઓળખ છતી થાય છે.

તેનાથી વ્યથિત દિલીપ તેની હિંદુ ઓળખને રાષ્ટ્રીય ઓળખ તરીકે સ્વીકારે છે અને મુસ્લિમોને ધિક્કારવાનું શરૂ કરે છે. ત્યાં સુધી કે જાવેદ સાથે લગ્ન કરીને પડોશમાં રહેતી હુસ્ન બાનુ (જે હકીકતમાં તેની માતા છે) તેને પણ તેની નફરતનું નિશાન બનાવે છે.

દિલીપ સાચે જ ધરમપુત્ર હતો. તે તેની માન્યતામાં અડગ છે. તેને તેના કૃત્યનાં પરિણામોની ચિંતા નથી, પણ તે એક પુત્ર અને ભાઈ પણ છે. તે દેશને આઝાદી ન મળે ત્યાં સુધી મીના (ઇન્દ્રાણી મુખરજી) સાથે લગ્ન કરવાનો એ ઇનકાર કરી દે છે. 

વયસ્ક સ્ટાર તરીકે શશી કપૂરની આ પહેલી ફિલ્મ હતી અને તેમણે એક કટ્ટર, ધર્માંધ યુવાનનો કિરદાર બખૂબી નિભાવ્યો હતો. કોમેડિયન દેવેન વર્માની પણ આ પહેલી ફિલ્મ હતી. ચોપરા બંધુઓ માટે ‘ધરમપુત્ર’ કેટલી મહત્ત્વની હતી તે એક હકીકત પરથી સાબિત થાય છે કે આ ફિલ્મના સૂત્રધાર તરીકે તે વખતના મોટા સ્ટાર દિલીપ કુમારે તેમનો અવાજ આપ્યો હતો. 

ધર્મપુત્ર એક અસાધારણ અને સાહસિક ફિલ્મ હતી, પરંતુ તે સમયના દર્શકો તેના માટે તૈયાર નહોતા. ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોવા છતાં, આમ દર્શકોને કોમવાદ અને લગ્ન પહેલાં સેક્સ જેવા વર્જિત વિષયને કારણે તેને પસંદ કરી નહોતી. 

એવા પણ અહેવાલો છે કે ફિલ્મ જોવા આવેલા દર્શકો થિયેટરોમાં ઉશ્કેરાઈ ગયા હતા અને અમુક દૃશ્યો વખતે લાગણીશીલ થઇ ગયા હતા. કદાચ વિભાજન અને કોમી હિંસાના જખ્મો હજુ તાજા હતા, એટલે લોકો તેને પડદા પર સહન કરી શક્યા નહોતા. પરિણામે ફિલ્મને રિલીઝ થયા પછી ઉતારી લેવી પડી હતી અને થોડા સમય પછી ફરીથી મુકવામાં આવી હતી. પણ તે ન ઉપડી તે ન જ ઉપડી.

કહેવાય છે કે આ ફિલ્મ પાસેથી યશ ચોપરાને ઘણી અપેક્ષા હતી, પરંતુ તેમાં તે પાર ન ઉતરતાં તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને આવા રાષ્ટ્રીય વિષયો પર ફિલ્મ નહી બનાવાનું નક્કી કર્યું હતું. પાછળથી આપણે જે રોમેન્ટિક યશ ચોપરાને જોયા હતા તેની શરૂઆત કદાચ આ ફિલ્મ પછી થઇ હતી.

સાહિર લુધિયાનવીએ ફિલ્મમાં એક પ્રભાશાળી ગીત લખ્યું હતું, જે તે વખતના માહોલ અંગે સવાલો ખડા કરતું હતું, પણ આજે ય એટલું જ પ્રાસંગિક છે :

ધરતી કી સુલગતી છાતી કે બેચેન શરારે પૂછતે હૈં

તુમ લોગ જિન્હેં અપના ન સકે, વો ખૂન કે ધારે પૂછતે હૈં

સડકોં કી જુબાન ચિલ્લાતી હૈ

સાગર કે કિનારે પૂછતે હૈં-

યે કિસ કા લહૂ હૈ, કૌન મરા 

એ રહબર-એ-મુલ્ક- ઓ- કૌમ બતા

યે કિસ કા લહૂ હૈ, કૌન મરા 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 02 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...227228229230...240250260...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved