Opinion Magazine
Number of visits: 9456491
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે …

નેહા શાહ|Opinion - Opinion|7 March 2025

નેહા શાહ

આ ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ કોઈને હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ સ્ત્રીઓના સંઘર્ષને યાદ કરવાનો છે. સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે મહિલાઓએ કરેલી પ્રગતિને બિરદાવવાનો દિવસ છે જે સ્ત્રી અને પુરુષ – સૌને સમાન અધિકાર મળતા હોય એવા પ્રગતિશીલ સમાજની રચના તરફ આગળ લઇ જાય. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો ઉદ્દભવ ૨૦મી સદીની શરૂઆતમાં શ્રમજીવી સ્રીઓના સંઘર્ષમાંથી થયો. ૧૯૦૮માં યુ.એસ.માં હજારો સ્ત્રીઓ શેરીઓ પર ઉતરી આવી જેની મુખ્ય માંગ કામના કલાકો ઘટાડવાની, સમાન કામ માટે સમાન વેતનની હતી તેમ જ કામની શરતો સુધારવાની હતી. ૧૯૦૯થી યુ.એસમાં ફેબ્રુઆરીના છેલ્લાં અઠવાડિયામાં મહિલા દિન ઉજવવાની શરૂઆત થઇ. ૧૯૧૩-૧૪ દરમ્યાન પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થઇ ચુક્યું હતું. આ અરસામાં રશિયામાં સ્ત્રીઓએ ફેબ્રુઆરી મહિનાના અંતમાં મહિલા દિવસ મનાવ્યો જેના મંચ પરથી યુદ્ધનો વિરોધ કર્યો. આ જ અરસામાં યુરોપના ઘણાં દેશોની સ્ત્રીઓએ યુદ્ધનો વિરોધ કર્યો. ૧૯૧૭ સુધી પ્રથમ વિશ્વ યુદ્ધમાં બે  મિલિયનથી વધુ રશિયન સૈનિકો મૃત્યુ પામ્યા હતાં. આ માહોલમાં રશિયન સ્ત્રીઓએ ‘પીસ એન્ડ બ્રેડ’ એટલેકે ‘શાંતિ અને રોટી’ માટેની ચળવળ ચલાવી, જેની શરૂઆત જ્યોર્જિયન કેલેન્ડર પ્રમાણે ૮મી માર્ચે થઇ. એના ચાર જ દિવસ પછી રશિયાના ઝારે રાજીનામું આપ્યું અને ત્યારબાદની તત્કાલ સરકારે સ્ત્રીઓના મતાધિકારને મંજુરી આપી. સમાનાધિકારની દિશામાં આ એક મોટી સફળતા હતી. એટલે જ જ્યારે ૧૯૭૫માં યુ.એન.એ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાનું નક્કી કર્યું ત્યારે ૮ માર્ચનો દિવસ પસંદ કરવામાં આવ્યો. ત્યારથી મહિલા દિનની ઉજવણી સ્ત્રીઓના મૂળભૂત પ્રશ્નોને સંબોધવાનો અગત્યનો મંચ રહી છે. આ દિવસે સ્ત્રી સશક્તિકરણના પ્રયત્નોને સુદૃઢ અને સુગઠિત કરતાં નવા સંકલ્પો થાય અને નવા કાર્યક્રમો માટે નવી દિશા ખુલે.  

લૈંગિક સમાનતાના સંઘર્ષનાં પ્રવાસમાં એક મહત્ત્વનો પડાવ ૧૯૯૫માં આવ્યો. જ્યારે ચીનના બેજિંગ ખાતે યોજાયેલી મહિલાઓ અંગેની ચોથી વૈશ્વિક કોન્ફરન્સના ઉપક્રમે ભેગા થયેલા વિશ્વના ૧૮૯ દેશોનાં પ્રતિનિધિઓએ લૈંગિક સમાનતાની દિશામાં યોગ્ય પગલાં લેવા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવતા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. ‘બેજિંગ ઘોષણા પત્ર’ તરીકે ઓળખાતો આ દસ્તાવેજ અને એ સાથે ઊભો થયેલ કાર્યમંચ આટલાં વર્ષો પછી આજે પણ મહિલાઓના અધિકાર માટે સૌથી પ્રગતિશીલ બ્લુપ્રિન્ટ ગણાય છે જેને વિશ્વ વ્યાપી સમર્થન મળેલું છે. શિક્ષણ, આરોગ્ય, શાંતિ, રાજકીય ભાગીદારી, આર્થિક સશક્તિકરણ તેમ જ મહિલા વિરોધી હિંસાને નાબૂદ કરવા માટેનાં કાયદા ઘડવામાં, કાર્યક્રમ તૈયાર કરવામાં તેમ જ નીતિ તૈયાર કરવામાં બેજિંગ ઘોષણાનો ઘણો મોટો ફાળો છે.

મહિલા સશક્તિકરણનાં ત્રીસ વર્ષની આ યાત્રામાં ઘણું પ્રાપ્ત થયું છે, ઘણું બાકી રહ્યું છે અને ઘણી જગ્યાએ પગલાં પાછા પણ પડ્યાં છે! સમાન હક તરફ જતો રસ્તો સીધો અને સરળ નથી. કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત સંકટની અસર પુરુષની સરખામણીએ સ્ત્રીઓ પર અનેક ગણી વધારે પડતી હોય છે. પૂર કે ધરતીકંપ જેવી કુદરતી હોનારત હોય કે પછી યુદ્ધમાં થયેલી તારાજી હોય, મૃત નાગરિકોમાં સ્ત્રીઓની  સંખ્યા વધુ રહેવાની. વળી સંકટ સમયે ઊભી થતી અછતનો ભોગ પણ સ્ત્રીઓ જ વધારે બને છે. ખોરવાયેલા જનજીવનમાં સ્ત્રીઓના જ શિક્ષણની કુરબાની લેવાય છે. દરેક સંકટ સમયે મહિલાઓ વિરુદ્ધ હિંસા પણ વધી જાય છે. કોરોના મહામારી સમયે આપણે જોયું કે ઘરેલુ હિંસા એક બીજી મહામારી તરીકે બહાર આવી. આજે પણ દર ત્રણમાંથી એક સ્ત્રી ઘરેલું હિંસાનો ભોગ બની રહી છે અને એ પણ ત્યારે કે જ્યારે બેજિંગ ઘોષણા પછી વિશ્વના દેશો સામૂહિક રીતે મહિલા વિરોધી હિંસાનો પ્રતિકાર કરી રહ્યા છે. ૧૯૯૫ પહેલા માત્ર ૧૨ દેશોમાં ઘરેલું હિંસા વિરુદ્ધ કાયદો હતો. આજે, ૧૯૩ દેશોમાં અલગ અલગ કાયદાઓ મળીને કુલ ૧,૫૮૩ કાયદા છે, જેમાંથી ૩૫૪ સીધા ઘરેલું હિંસા વિરુદ્ધ છે. છતાં ઘરેલું હિંસા કાબૂમાં આવતી નથી.  

વળી, બજાર તો પોતાની તક ચૂકતું નથી. બજારના પ્રવાહોએ મહિલા દિવસને સંઘર્ષના પ્રતીકમાંથી એક ઉપભોગતાવાદી દિવસમાં જ બદલી નાખ્યો છે. કાર્ડ, કેક, ગુલાબ, હોટેલ, કપડાં કે ઘરેણાં જેવી અનેક વસ્તુઓ પર મહિલા દિવસનું ડિસ્કાઉન્ટ આપી સ્ત્રીની અંદરના ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મધ્યમ વર્ગની ઘણી સ્ત્રીઓ મહિલા દિવસને પોતાના ભાગે આવેલો એક માત્ર દિવસ સમજી એક દિવસની આઝાદી માણી લેવા આ ઓફરોનો છૂટથી ઉપયોગ કરે, ફરવા જાય, હોટેલમાં જમવા જાય અને આનંદ કરે. એનો મતલબ સ્ત્રીની આનંદ કરવાની આઝાદી એક દિવસ પૂરતી પ્રતીકાત્મક જ! બાકીના દિવસોમાં તો ઠેર ના ઠેર. મહિલા દિનના વ્યાપારીકરણથી એની ઉજવણી પાછળનો ઝુઝારુ મિજાજ મોળો પડી રહ્યો છે. નાની મોટી ખરીદી થકી સશક્તિકરણનો અહેસાસ પામતાં વર્ગને અસમાન તક, અસમાન વેતન, અસંગઠિત ક્ષેત્રમાં લંબાતા કામના કલાકો, વધતી જતી અસલામતી, વધતી જતી હિંસા, વિશ્વના અનેક ખૂણે ચાલી રહેલાં યુદ્ધ, પર્યાવરણના બદલાવ જેવા પ્રશ્નો સામે અવાજ ઉઠાવવાનું જરૂરી નથી લાગતું. કારણ કે આ બધાં પ્રશ્નોને એકબીજા સાથે જોડતી કડી જોવાનું ચુકી જાય છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ નહીં, પણ મરણફાળ ભરી રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 March 2025

રવીન્દ્ર પારેખ

વિધાનસભામાં શિક્ષણ મંત્રી ડિંડોરે, આચાર્યની ભરતી સંદર્ભે પુછાયેલા પ્રશ્નના જવાબમાં, ભરતી પ્રક્રિયાની પારદર્શકતા દર્શાવવા, પહેલાં ‘સેટિંગ’ ચાલતું હતું, પણ હવે નથી ચાલતું, એવું કહ્યું, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે સંભળાવતાં કહ્યું કે ‘ખેલે ગુજરાત’ની વાત કરો છો, તો રમતગમતના શિક્ષકો નથી, તેનું કૈં કરોને ! ટૂંકમાં પારદર્શકતા એટલે છે કે ભરતી થતી નથી. હવે તો દુનિયા જાણે છે કે સરકાર શિક્ષકો વગર સ્કૂલો ચલાવવાનો પુરુષાર્થ કરી રહી છે. હજારો શિક્ષકોની ભરતી કરવાને બદલે કામચલાઉ શિક્ષકોથી કામ કાઢવામાં સરકાર એટલી વ્યસ્ત છે કે 2017થી કાયમી શિક્ષકોની ભરતીમાં તે  અખાડા જ કરી રહી છે. વિધાનસભામાં સરકાર જ કહે છે કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં 2,317 શિક્ષકોની ખાલી પડેલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલે છે. અમદાવાદની જ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં વય નિવૃત્તિને લીધે 278 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. 2023-’24માં કહેવાતી ભરતી છતાં આચાર્યોની 900 જગ્યાઓ ખાલી છે. એમાં પણ ભરતી પ્રક્રિયા ચાલે છે. ભરતી પ્રક્રિયા ચાલે છે ને ચમત્કાર એ છે કે ભરતીને બદલે ઓટ જ દેખાય છે.

ગુજરાતમાં વિવિધ વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી છે, પણ સરકાર કાયમીને બદલે, કોન્ટ્રાક્ટ પર, ઓછા પગારે કર્મચારીઓની ભરતી કરે છે ને એ રીતે શિક્ષિત યુવાઓનું ભરપટ્ટે શોષણ કરે છે. ટી.આર.બી. જવાનો, જ્ઞાનસહાયકો, કારકૂનો વગેરેને એક જ લાકડીએ હાંકીને સરકાર 8થી 15 હજારનો પગાર ચૂકવી કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખે છે. કોન્ટ્રાક્ટ પર રાખવા કોન્ટ્રાકટરો રખાય છે ને તેમને કરોડો રૂપિયા ચૂકવાય છે. એ ચૂકવાય છે, પણ શિક્ષકોને ચૂકવતાં ચૂંક ઊપડે છે. સરકાર કામચલાઉ નથી, તો શિક્ષકો કામચલાઉ કઈ રીતે હોય? સરકાર પોતાનો પગાર ને ભથ્થાં મનમરજી વસૂલે છે ને ફિક્સ પગારદારો પગાર વધારવા 5,228 અરજીઓ કરે છે, પણ રૂપિયાનો ય વધારો થતો નથી. સરકાર અંગત લાભો મેળવવામાં અમીર છે ને કર્મચારીઓ, શિક્ષકોને લાભ આપવામાં ગરીબ છે. 

એ ગરીબી વખતોવખત જાહેર માધ્યમોએ ગાઈ-બજાવીને બતાવી છે. શિક્ષકોની ભરતીમાં તો દારિદ્રય છે જ, પણ સ્કૂલોનું, વર્ગોનું દળદર પણ દૂર થતું નથી. કેટલી ય સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે, તો કેટલી ય સ્કૂલો એક જ વર્ગમાં ચાલે છે. સરકાર ગમે તેવી હશે, પણ તે પ્રમાણિક છે તે ખરું. શિક્ષણ વિભાગ જ વિધાનસભા ગૃહમાં જાહેર કરે છે કે રાજ્યમાં 327 સરકારી પ્રાથમિક શાળામાં એક જ ઓરડો છે. બડાશ એવી હાંકવામાં આવે છે કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, પણ એનું સાદું ગુજરાતી એવું થાય કે ગુજરાત હરણફાળ નહીં, પણ મરણફાળ ભરી રહ્યું છે. 

327 પ્રાથમિક શાળાઓ એવી હોય જ્યાં એક જ ઓરડામાં સ્કૂલને બેસવાની શિક્ષણ વિભાગ ફરજ પાડે, તો તેને જુદી જુદી એ.સી. કેબિનોમાં બેસવાનો અધિકાર કેટલો તે વિચારવાનું રહે. આ સ્થિતિ સ્વીકારવાને બદલે વિભાગ એવો બચાવ કરે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પૂરતા નથી. તો, સવાલ એ થાય કે પૂરતા શિક્ષકો કોને લીધે નથી? વિદ્યાર્થીઓ નથી, તો પ્રવેશોત્સવ ઊજવીને, મંત્રીઓ ને ધારાસભ્યો ને સરકારી અધિકારીઓ ગામડે ગામડે ફરીને પ્રવેશ કોને અપાવે છે? ને કોઈ પણ સ્કૂલ એક જ ઓરડામાં સમાઈ જાય એટલી નાની કે સાંકડી કઈ રીતે હોય? એક બાજુ સ્માર્ટ ક્લાસની વાતો થતી હોય ને બીજી બાજુ સ્કૂલને બેસવા એક જ ઓરડો હોય એનો કોઈને સંકોચ જ ન હોય એ કેવું? 

ઉપરથી સરકાર ઉમેરે છે કે ઓરડા માટે હજી વાટ જોવી પડશે. આગામી વર્ષોમાં તબક્કાવાર ઓરડા બનાવવામાં આવશે. સરસ, પણ ત્યાં સુધી શું? તેનો જવાબ નથી. ખરેખર તો યુદ્ધને ધોરણે વર્ગો તૈયાર કરાવવા જોઈએ, તેને બદલે સરકાર પૂરી ખંધાઈથી કહે છે કે આગામી વર્ષ, નહીં, વર્ષોમાં ઓરડા તબક્કાવાર બનાવાશે. આ તો શૈક્ષણિક અછતની, કેળવેલા દુકાળની વાતો થઈ, પણ જે શિક્ષકો સ્કૂલોમાં રખાય છે, એનો કેવોક ઉપયોગ થાય છે તે જોવા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ઉદાહરણ જ પૂરતું થઈ પડશે.

દેખીતું છે કે રાજ્યમાં જ શિક્ષકોની ઘટ હોય, તો સુરતની શિક્ષણ સમિતિમાં ન હોય એવું તો ન બને. આ ઘટ વચ્ચે શિક્ષકો બિનશૈક્ષણિક કામગીરીનો બોજ વેંઢારે તે ખાતર પર દિવેલ જ ને ! હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલે છે, એવામાં 700થી વધુ શિક્ષકોને પરીક્ષાની કામગીરી સોંપવામાં આવી છે. સમગ્ર શિક્ષામાં પણ 250થી 300 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. રમતોત્સવમાં 100 જેટલા શિક્ષકો રોકાયેલા છે. એ ઉપરાંત લગભગ દરેક શાળામાંથી ચાર-પાંચ શિક્ષકો વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે લાવવા લઈ જવાની કામગીરી કરે છે. આટલું ઓછું હોય તેમ RTEની કામગીરી માટે 65 શિક્ષકોની માંગ કરવામાં આવી છે. આ ત્રાસથી ગળે આવી જતાં યુનિયને ઉચિત રીતે જ તેનો વિરોધ નોંધાવ્યો. RTEની કામગીરીમાંથી શિક્ષકોને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં નહીં આવે તો તેવી કામગીરીના બહિષ્કારની ચીમકી યુનિયને આપી છે. એક તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો નોકરીની આશામાં સુકાઈ રહ્યા છે ને બીજી તરફ શિક્ષકોની ઘટ છતાં, છે તે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં જોતરીને, વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત કરવામાં આવી રહ્યા છે. આ આખા વેપલામાં વિદ્યાર્થીઓનો ક્યાં ય વિચાર પણ થતો નથી તે દુ:ખદ અને શરમજનક છે.

RTEની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે એટલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગરે શાસનાધિકારીને પત્ર લખ્યો છે. પત્રમાં એ ઉલ્લેખ પણ છે કે આ શિક્ષકોને ગયે વર્ષે પણ RTEની કામગીરી સોંપવામાં આવી હતી. RTEની કામગીરી લાંબો સમય ચાલનારી પ્રવૃત્તિ છે ને જ્યારે પરીક્ષાઓ નજીક હોય ત્યારે અભ્યાસક્રમ પૂરો કરવાનું વધારે જરૂરી છે. આ વાત શિક્ષણ સમિતિની ધ્યાન બહાર ન જ હોય, છતાં RTEની કામગીરી સોંપીને, સમિતિ, વિદ્યાર્થીઓનાં ભણતરને ભોગે શિક્ષકોને આવી પ્રવૃત્તિમાં જોતરે એ અક્ષમ્ય છે. શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં શિક્ષકોને જોતરવાની શિક્ષણ સમિતિને નવાઈ નથી. આ બધી કામગીરી શિક્ષિત બેકારોને સોંપવામાં આવે તો તેમને આવક થાય, પણ તેવું ન કરતાં શિક્ષકોને આવાં કામોમાં રોકીને, સમિતિ, પોતાને ‘શિક્ષણ સમિતિ’ તરીકે ઓળખાવે તેનું આશ્ચર્ય છે. ખરેખર તો સરકારે, સરકારી કામો માટેના શિક્ષકો અને શિક્ષણ માટેના શિક્ષકો એવી અલગ કેટેગરી ઊભી કરવાની જરૂર છે, જેથી વર્ગમાં ભણાવે તે પણ શિક્ષક હોય તેનો ખ્યાલ રહે. મહાસંઘે ઈતર પ્રવૃત્તિમાં શિક્ષકોને જોતરવા સંબંધી બહિષ્કારની ચીમકી આપી છે તે યોગ્ય જ છે. એ બહાને મહાસંઘને પણ બહાર આવવાનું થયું તે ય ઓછું નથી.

– તો, આ હાલત છે પ્રાથમિક શિક્ષણની ! શિક્ષણ વિભાગને શિક્ષણ કઈ રીતે હરણફાળ ભરતું લાગે છે તે એ જાણે, પણ ભાગ્યે જ કોઈ રાજ્યમાં શિક્ષણ આટલું કથળેલું હશે. શિક્ષણ વિભાગ ઘોરતો હોય એવું તો નથી, કારણ પોતાની પરિસ્થિતિનો ગૃહમાં ચિતાર તો શિક્ષણ વિભાગ જ આપે છે. એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે કે એક જ ઓરડામાં સ્કૂલ ચાલે છે એવા અહેવાલો વિભાગ જ આપે છે. શિક્ષકો ખાઈબદેલા કે ખુશામતખોરો હશે, પગાર ઉપરાંતનો કારભાર પણ કરતા હશે, પણ મોટે ભાગના ભણાવવા માંગે છે ને તેમણે પરિપત્રો ને ડેટામાં ખોવાઈ જવું પડે છે તે બરાબર નથી. શિક્ષકે રસી પાવા જવું પડે છે, વસ્તી ગણતરી કરવા જવું પડે છે, મતદાનમાં બૂથ સાચવવું પડે છે, આદેશ થતાંમાં કોઈ સભામાં સ્કૂલને લઈને હાજર થવું પડે છે … આવું આવું તો ઘણું કરવું પડે છે. આ કામ શિક્ષકોએ કરવાનાં છે ને તે પણ બાળકોનું શિક્ષણ જોખમાય એ રીતે? આ યોગ્ય છે? અભણ માણસ પણ એને યોગ્ય નહીં ઠેરવે, તો શિક્ષિતોના રાજમા એ યોગ્ય કઈ રીતે હોય? ને છતાં એને સુધારવાનું નથી વિચારાતું. વિચારાતું હોત તો છતે શિક્ષકે ભરતી પૂરતી સંખ્યામાં થઈ હોત ! એક વિધાનસભ્યની સીટ ખાલી પડે તો તેની અલગ ચૂંટણી થાય છે, તો વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતી ન થતી હોય તો કૈં નહીં કરવાનું? શિક્ષકો હોય ને તે વર્ગમાં ભણાવવા ન પામે તો તે છે શેને માટે? 

શિક્ષણ પ્રદૂષણ તો ન હોયને ! હોય તો એ અટકવું જોઈએ ને કોઈ પણ ભોગે અટકવું જોઈએ … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 માર્ચ 2025

Loading

પુનશ્ચ હરિઓમ

નારાયણ દેસાઈ|Gandhiana|6 March 2025

લાખો ભારતીયો ગાંધીને એક ‘મહાત્મા’ તરીકે ઓળખતા હતા. મારાં માતા-પિતા સહિતના આશ્રમના અંતેવાસીઓ એમને ‘બાપુ’ કહીને બોલાવતા.

મને એ સમજતાં વાર ન લાગી કે ગાંધી એક રાજકીય નેતા પણ હતા. એમને મળવા અને સન્માનવા આખા દેશના રાજકીય નેતાઓ અવારનવાર આવતા. તોયે આશ્રમનાં અમારા જેવા બાળકોને મન ગાંધી ન તો ‘મહાત્મા’ હતા, ન તો રાજકીય નેતા – ‘બાપુ’ સુદ્ધાં નહીં! જો કે જરા મોટો થતાં હું પણ એમને ‘બાપુ’ કહેતો થયો.

આશ્રમનાં બાળકો માટે ગાંધીજી તો સૌ પહેલાં અમારા સ્નેહાળ ગોઠિયા જ ! તેઓ એક એવા દોસ્ત હતા જેમની સાથે તમે સવારસાંજ ધીંગામસ્તી કરી શકો. અમદાવાદની સેન્ટ્રલ જેલનો દરવાજો અમારી એ પદયાત્રાનો છેલ્લો મુકામ. તેની નજીક પહોંચતાં જ ગાંધીજી એકદમ દોડવા લાગે; અને અમે બે ટાબરિયાં, જે એમને હાથલાકડીની જેમ બન્ને બાજુથી દોરતાં હોઈએ, તેમને એમની સાથે કદમ મિલાવવા ભાગવું જ પડે ! એક એવા દોસ્ત, જેમની સાથે આશ્રમનાં બાળકો સાબરમતીમાં તરવા પણ જાય. કોઈક ઉત્સવ પ્રસંગે જ્યારે અમે કોઈક નાટક ભજવવાનું વિચાર્યું હોય ત્યારે તેઓ સરળતાથી પૂછી પણ શકે કે નાટકમાં એમણે કયો વેશ ભજવવાનો છે ? એક એવા દોસ્ત, જેમની સાથે અમે કોઈ પણ જાતની બીક વગર ઝઘડી પણ શકીએ. જ્યારે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે એમના પર આધાર પણ રાખી શકીએ. અમારે માટે એ તો વિશિષ્ટ મિત્ર જ.

આમાંની છેલ્લી લાગણી અમને બાળકોને જ હતી, એવું નહીં, એવી લાગણી તો આશ્રમની લગભગ દરેક આબાલવૃદ્ધ વ્યક્તિની હતી. બાપુ તો જો કે આશ્રમના દરેક જણને ચાહતા પણ દરેક ચોક્કસ વ્યક્તિ પર તેઓ જે પ્રેમ ઢોળતા, તે તેમને તો વિશિષ્ટ જ લાગતો અને આ જાતનો લાગણીસંબંધ જે દરેકને ફક્ત પોતાને માટે જ છે, એવી ભાવના પેદા કરતો. તે ફક્ત આશ્રમના અંતેવાસી પૂરતો જ હતો એમ નહીં; એ તો દેશના ખૂણેખૂણે વસતાં સેંકડો લોકો સુધી કે સરહદ પાર રહેલા કેટલાં ય લોકો સુધી પણ વિસ્તરેલો હતો.

એવું શું હતું કે અમારામાંથી દરેક જણ અનુભવતું કે ગાંધી માત્ર મારી જ ખૂબ કાળજી લે છે ? જ્યારે જ્યારે તેઓ અમને રૂબરૂ કે અગણિત પત્રો દ્વારા મળતા, ત્યારે અમને જુદી જુદી રીતે જુદા જુદા પ્રસંગે પણ અનોખી રીતે સંબોધતા. જ્યારે અમારી સાથે તેઓ વાત કરતા હોય ત્યારે, તેઓ એમની આંખો દ્વારા અને એમના મૃદુ, મીઠા અવાજ દ્વારા અમારા હૃદયમાં એમની સંપૂર્ણ લાગણીને રેડી દેતા. ગાંધી કુશળ વક્તા કરતાં પણ નિઃશંક રીતે ઉત્તમ શ્રોતા હતા. ઘણીવાર તેઓ એવી સહૃદયતાથી સાંભળતા કે અમને થતું, તેઓ અમે જે શબ્દો નથી બોલ્યા, તે પણ સમજી ગયા છે. સંવાદ કરતાં કરતાં ગાંધી અન્ય વ્યક્તિ સાથે તાદાત્મ્ય અનુભવી શકતા.

સેવાગ્રામમાં કોઈકે ગાંધીની રોજિંદી બેઠકની પાછળ નાનકડું સૂચનાપત્રક મૂકેલું, એમાં બબ્બે શબ્દોનાં ત્રણ વાક્યો લખાયેલાં હતાં. એ ગાંધીનો સમય વેડફાય નહીં એવી કાળજી રાખવાનો જ હતો. મોટા અક્ષરોમાં તેમાં લખાયું હતું :

‘જલદી કરો, ટૂંકમાં પતાવો, ભાગવાનું રાખો.’

આવી સહેજ શુષ્ક સૂચનાઓ વિશે મુલાકાતીઓ શું વિચારતાં હશે? એવી આશંકા સાથે કિશોર હું, ગાંધીની કુટિરમાંથી બહાર આવતી વ્યક્તિની પાછળ પાછળ જતો. એમની ટૂંકી મુલાકાત વિશે હું જ્યારે જ્યારે પૂછતો, ત્યારે નવાઈ પામતો. મને જાણવા મળતું કે એમાંના મોટા ભાગનાં લોકો સંપૂર્ણ સંતોષ અનુભવતાં હતાં. “હા, એ ખરું કે સમય ખૂબ ઓછો મળ્યો. પણ જે મળ્યો, તે અમને પૂરેપૂરો મળ્યો.” સૌનો મોટે ભાગે આવો જ જવાબ હોય.

ગાંધી દરેકને સાંભળતા હોય ત્યારે તેને માનવસહજ ગૌરવ આપતા. એમની અહિંસા પાછળ એ જ મહત્ત્વનો સિદ્ધાંત કહી શકાય. તેઓ દરેક સાથે પૂરતા આદરથી વર્તતા. મુલાકાતીનાં ધન, જ્ઞાન, વય કે જાતિ-લિંગનાં લેબલ જોયા વગર એક માનવી તરીકે જે ગરિમા એને આપવી જોઈએ, તે આપતા. માનવી દ્વારા સર્જાયેલી વાડાબંધીની દુર્ગંધથી અભડાયા વગરના સભ્ય જીવનના ઝરણાંમાંથી પ્રગટતા અસ્તિત્વની ગુણસભરતા ગાંધી સાથે વાત કરતાં દરેક વ્યક્તિ અનુભવતી. ગાંધી સાથે જે કોઈ સંકળાયું હશે, તે દરેક સાથેના ગાંધીના વ્યવહારમાં તેમનાં વિચાર, શબ્દો કે કાર્યોમાંનું સીધી સરળ લીટી જેવું સત્ય હંમેશ પ્રતિબિંબિત થતું.

[‘મારા ગાંધી’]
06 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 246

Loading

...102030...226227228229...240250260...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved