લંડનથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત ‘ધ ઇકોનોમિસ્ટ’ સામયિકના તાજા અંકમાં ડરામણી ભવિષ્યવાણી છે, “દુનિયામાં કોરોના વાઈરસની બીજી લહેર તો આવી જ નથી, કારણ કે હજુ પહેલી પૂરી નથી થઇ. અંદાજે એક કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે, અને તમે હવે મહામારીમાંથી રસ ગુમાવી દીધો છે, પણ યાદ રાખજો, કોરોનાએ તમારામાંથી રસ નથી ગુમાવ્યો.” છ મહિનામાં આપણે કોરોનાના કેદખાનાથી એટલા ત્રસ્ત થઇ ગયા છીએ કે હવે ‘નોર્મલ’ થવા લાગ્યા છીએ. ક્યાં સુધી ખોફમાં, તનાવમાં, ચિંતામાં, ડરમાં રહેવું? એની પણ એક સીમા હોય છે. માણસનું મગજ નિરંતર ખોફમાં રહેવા સર્જાયું નથી. તેણે ખોફ સાથે નોર્મલ થવું જ પડે.
તમને યાદ છે જ્યારે ભારતમાં કોરોનાના કારણે પહેલું મોત થયું હતું, પછી બીજું મોત થયું હતું અને પછી ત્રીજા-ચોથા-પાંચમાં મોતના સમાચાર આવ્યા હતા, ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હતી? તમને અરેરાટી થઇ હતી, દુઃખ થયું હતું, તમે ચિંતામાં એની વાતો કરતા હતા, સાવધ થવા મહામારીની વિગતો વાંચતા હતા, અને આજે, જુલાઈ મહિનામાં ભારતમાં ૨૦,૦૦૦ લોકોના મોત થઇ ચૂક્યાં છે, અને આપણે હવે એની વાત કરવાનું બંધ કરી દીધું છે. પૂરી દુનિયામાં ૫,૫૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. અત્યારની કે પાછળની એક પણ પેઢીએ છ મહિનામાં આટલા બધા લોકોના મૃત્યુ જોયાં નથી, અને છતાં હવે આપણે દિન-પ્રતિદિન ‘નોર્મલ’ થતા જઈએ છીએ.
આમાં માનવીય માનસિકતાની એક અજીબો-ગરીબ સચ્ચાઈ છે : એક વ્યક્તિના મોતનો આપણી લાગણીઓ પર તગડો પ્રભાવ પડે છે, પણ જેમ જેમ મોતની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ આપણી દરકાર ઘટતી જાય છે. જે લોકોને પંજાબમાં ત્રાસવાદ જ્યારે ચરમસીમાએ હતો, ત્યારનો સમય જો યાદ હોય, તો સમાચારપત્રોમાં રોજ તેના રાઉન્ડ-અપ રિપોર્ટ આવતા હતા : “છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં ત્રાસવાદી હુમલાની બનેલી છૂટક ઘટનાઓમાં ૨૫ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા.” આ એટલું રૂટીન થઇ ગયું કે સમાચારપત્રોમાં એક નાનકડી જગ્યામાં ૨૫ લોકોનાં મોતના સમાચારની નોંધ લેવાતી હતી. આવું કેમ થતું હશે?
રશિયન સરમુખત્યાર જોસેફ સ્ટાલિન જ્યારે કમિસાર ઓફ મ્યુનિશન્સ (શસ્ત્રસરંજામનો કમિશનર) હતો, ત્યારે યુક્રેનમાં પડેલા દુષ્કાળની ચર્ચા કરવા માટે તેણે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. તેમાં એક અધિકારીએ ઊભા થઈને યુક્રેનમાં માણસોની કેવી દયનીય સ્થિતિ છે અને લાખો લોકો ભૂખથી કેવી રીતે મરી રહ્યા છે, તેનું ભાષણ આપ્યું. તેણે ભાષણની શરૂઆત મોતના આંકડાથી કરી, પણ સ્ટાલિને તેને વચ્ચે જ અટકાવીને કહ્યું, “ભૂખથી એક માણસ મરે તો ટ્રેજેડી કહેવાય, પણ લાખો મરે તો સ્ટેટિસ્ટિક્સ કહેવાય.”
એ એક માનવીય વિચિત્રતા જ છે કે આપણે એક મોતની જેટલી તીવ્ર પીડા અનુભવીએ છીએ, એટલી વિશાળ સંખ્યામાં નથી અનુભવતા. પછી તે આપણા માટે સંખ્યા જ બની જાય છે. મનોવૈજ્ઞાનિક તેને સાઇકિક નમ્બિંગ કહે છે, સાઇકિક એટલે માનસિક અને નમ્બિંગ એટલે સુન્નતા અથવા ક્ષુબ્ધતા. આપણે તેને શાહમૃગ વૃત્તિ કહી શકીએ. તબાહી એટલી વિશાળ હોય કે મન સુન્ન થઇ જાય, જડ થઇ જાય અને અહેસાસ ગુમાવી દે. સાઇકિક નમ્બિંગ માણસની હમદર્દીની સીમા નક્કી કરે છે. દુનિયામાં કોરોનાના ૧૧,૭૬૯,૩૧૯ કેસ છે અને મોત ૫,૫૦,૦૦૦ છે. આપણે આપણા પડોશમાં કે ઘરમાં સંક્રમણનો એક કેસ જોઈએ, તો તેમાં આશા જોઈ શકીએ અને પીડા અનુભવી શકીએ, પણ ૧ કરોડ જીવનો સવાલ હોય તો? અસંભવ છે. આપણું મન આટલી બધી જિંદગીઓ અંગે વિચારી શકતું નથી, એટલે એ ખાલી સ્ટેટિસ્ટિક્સ બની જાય છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઓરેગોનમાં મનોવૈજ્ઞાનિક પોલ સ્લાવિકે આ સાઇકિક નમ્બિંગ અંગે ઘણું કામ કર્યું છે. તેમને હંમેશાં એ સવાલ થતો રહ્યો છે કે દુનિયા કેમ સામૂહિક અત્યાચારો અને વિશાળ પ્રમાણમાં લોકોના કષ્ટ પ્રત્યે બેપરવા થઇ જાય છે? સ્લાવિકે તેના એક દાયકાના અભ્યાસમાં તારણ કાઢ્યું હતું કે મનુષ્યનું મન લાખો કે કરોડોની સંખ્યામાં લોકો વિશે વિચાર કરવામાં કે હમદર્દી અનુભવવામાં સક્ષમ નથી. એટલા માટે દિલ્હીના તોફાનોમાં માર્યા ગયેલા લોકો વિશે કે દિલ્હીમાંથી પગપાળા પલાયન થયેલા શ્રમિકો વિશે મોટા ભાગના લોકો એક હદ પછી હમદર્દી અનુભવતા બંધ થઇ ગયા હતા. દુનિયામાં રાજકારણીઓ કોઈ એક વર્ગ પર અત્યાચાર સામે આંખ આડા કાન કરી શકે છે, તેનું કારણ આ જ છે.
આમાં એક આર્થિક થિયરી કામ કરે છે, જેને વેલ્યુ ફંક્શન કહે છે. એમાં જેમ જેમ પૈસાની રકમ વધતી જાય, તેમ તેમ તેમ તેની વેલ્યુ બદલાતી જાય. દાખલા તરીકે મારી પાસે એક પણ રૂપિયો ના હોય અને ૧૦૦ રૂપિયા મળે અને મારી પાસે ૧૦૦ રૂપિયા હોય અને ૨૦૦ રૂપિયા મળે, તો હું બંનેની વેલ્યુ જુદી મહેસૂસ કરીશ. નાના સ્તરે નાનકડો ફેરફાર પણ મોટો પ્રભાવ ઊભો કરે, પણ મોટા સ્તરે પ્રભાવ ઊભો કરવા માટે મોટા ફેરફારની જરૂર પડે. આ જ થિયરી માણસોની જિંદગીઓને પણ લાગુ પડે છે. સીરિયામાં ૨૦૧૧થી ગૃહયુદ્ધ ચાલે છે અને એમાં જાનહાનિનો આંકડો સતત વધતો હતો. એ એટલું ‘નોર્મલ’ થઇ ગયું હતું કે દુનિયાને નોંધ લેવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ૨૦૧૫માં, અલન કુર્દી નામના ત્રણ વર્ષના સીરિયન છોકરાનો મૃતદેહ ભૂમધ્ય મહાસાગરમાંથી તણાઈને બીચ પર આવ્યો, ત્યારે આખી દુનિયામાં સીરિયાના નિરાશ્રિતોની કટોકટી પર ધ્યાન ખેંચાયું.
આપણે જો એમ માનતા હોઈએ કે દરેક મનુષ્યનાં જીવનનું મૂલ્ય એકસમાન છે, તો પછી જેમ જેમ મનુષ્યોનું જીવન ખતરામાં પડે, તેમ તેમ તે જીવનને બચાવવાનું મૂલ્ય પણ સીધી લીટીમાં વધવું જોઈએ. સરવાળાનું આ સાદું ગણિત છે. કોરોના મહામારી જેવી સામૂહિક આપદાઓમાં માણસો જેમ જેમ મરવા લાગે, તેમ તેમ હયાત જીવનને બચાવવાની આપણી ભાવના સીધી લીટીમાં ઉપર જવી જોઈએ. પણ થાય છે ઊંધું; શરૂઆતના પ્રથમ ૧૦૦ લોકોના મૃત્યુ વખતે આપણી જે ચિંતા અને દરકાર હતી, તે જુલાઈ મહિનામાં ૨૦,૦૦૦ લોકોના મોત પર આવીને ગાયબ થઇ ગઈ છે. સરકારે કહ્યું હતું કે આપણે કોરોના સાથે જીવવાનું શીખવું પડશે. આપણે રોજના સરેરાશ ૪૫૦ લોકોના મોત સાથે જીવવાનું શીખી ગયા છીએ!
આપણી નૈતિકતાનું વર્તુળ ઘણું નાનું હોય છે. અમુક વર્ગો માણસોની રક્ષા કરે, પણ પ્રાણીઓની નથી કરતા. એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોનો સંહાર કરતાં અચકાતા નથી. આતંકવાદીઓ મોટી કત્લેઆમથી ‘ખુશ’ થાય છે. મનોરોગી માણસ સમાજના લોકોને રહેંસી નાખીને પણ કશું મહેસૂસ ના કરે. માનવ ઇતિહાસમાં મોટા પ્રમાણમાં યુદ્ધો, અત્યાચારો અને કત્લેઆમ થઇ છે, તેનું કારણ આ સીમિત વર્તુળ છે.
આપણે નિષ્ઠુર છીએ એવું નથી, પણ આપણે આટલા મોટા પ્રમાણમાં જીવનની તબાહીને લાગણીના સ્તરે પ્રોસેસ કરી નથી શકતા. એ જ કારણે ૧૦ લાખથી વધુ યહૂદીઓને મારી નાખનાર હિટલર અને તેના નાઝી અધિકારીઓ જર્મન પ્રજામાં ‘લોકપ્રિય’ હતા. આપણે જેમ ૩૦ મીણબત્તીઓ અને ૩૧ મીણબત્તીઓ વચ્ચેનો ફર્ક સમજી શકતા નથી, તેવી રીતે આપણી લાગણી ૩૦ મોત અને ૩૧ મોત વચ્ચેનો ફર્ક જોતી નથી.
એટલા માટે જ આપણે ઇતિહાસને સતત ભણતા રહેવું જોઈએ. ઇતિહાસ આપણને સતત એ યાદ કરાવતો રહે છે કે સમાજને બહેતર બનાવવો હોય, તો દરેક વ્યક્તિએ તેની આસપાસની દરેક વ્યક્તિની દરકાર કરતાં રહેવું પડશે અને તો જ મોટી સંખ્યામાં લોકોની દરકાર લેવાશે. મધર ટેરેસાએ એટલા માટે જ કહ્યું હતું કે, “હું જો ટોળાં તરફ જોઉં, તો કશું કરી જ ના શકું, પણ એક માણસ તરફ જોઉં, તો કરુણા કરી શકું.”
સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલેથી સાભાર −
https://www.facebook.com/permalink.php?story_fbid=2640315252963184&id=1379939932334062&__tn__=K-R
![]()


બુલંદ અવાજ, સશક્ત અભિનય અને સદાબહાર જુસ્સો. સંવાદ બોલે તો વનરાજ ગર્જના કરતા હોય એવું લાગે. એમણે ગુજરાતી સિવાય હિન્દી અને ઉર્દૂમાં પણ નાટકો કરેલાં. ૧૯૪૩માં ‘ઈપ્ટા’(ઇન્ડિયન પ્રોગ્રેસિવ થિયેટર એસોસિયેશન)ની સ્થાપના થઈ ત્યારે એમાં અનેક નામી કલાકારોની સાથે એ પણ જોડાયા હતા. ૧૯૪૯માં ઈપ્ટામાંથી છૂટા પડીને એમણે ‘રંગભૂમિ’ સંસ્થાની સ્થાપના કરી અંગ્રેજી ભાષા સહિત હિન્દી-ગુજરાતીમાં ઉત્તમ નાટ્યકૃતિઓની ભજવણી કરી હતી. ‘મૃચ્છકટિકમ્’ હિન્દી અને ગુજરાતીમાં ભજવાયું ત્યારે પ્રતાપભાઈએ સાવ અનોખા પાત્ર શકારની ભૂમિકા ભજવીને અપાર લોકચાહના મેળવી હતી. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા પ્રતાપ ઓઝા નવી રંગભૂમિના પ્રણેતાઓમાંના એક. સંગીતમાં ઊંડો રસ ધરાવે અને સાયગલનાં ગીતો સરસ ગાઈ શકે. મિત્રોની મહેફિલમાં તો એમની પાસે સાયગલનાં ગીતો ખાસ ગવડાવવામાં આવે. સ્વાતંત્ર્ય સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત ગુણવંતરાય આચાર્ય લિખિત એમના ‘અલ્લાબેલી’ નાટકે જબરજસ્ત નામના મેળવી હતી. પ્રતાપ ઓઝા અને લીલા જરીવાલાના લીડ રોલમાં લોકચાહના પામેલું આ નાટક રિવાઈવ કરવાની પ્રતાપભાઈની ઘણી ઈચ્છા હતી જે સંજોગવશાત્ પૂરી થઈ શકી નહોતી. નાટકના વિષય, પાત્રની ગુણવત્તા વિશે હંમેશાં સભાન રહેતા પ્રતાપભાઈએ એમની સાથેની અંગત મુલાકાતમાં એક વાર બહુ સચોટ વાત કરી હતી કે મનોરંજન સસ્તી લોકપ્રિયતાના ઘોડાપૂરમાં તણાય ત્યારે વિસર્જનની ઘડીઓ ગણાવા લાગે. સવેતન રંગભૂમિ શરૂ કરવામાં પ્રતાપ ઓઝાનું યોગદાન મોટું હતું.
યુવાપેઢીને આકર્ષે એવાં અદ્ભુત મ્યુઝિકલ નાટકોમાં ‘ખેલૈયા’ તથા ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ અગ્રક્રમે મૂકવાં જ પડે. ફિરોઝ અબ્બાસ ખાનના નિર્માણ-દિગ્દર્શનમાં રજૂ થયેલા ’વેસ્ટ સાઈડ સ્ટોરી’ પર આધારિત ’એવા મુંબઈમાં ચાલ જઈએ’ નાટક ૧૯૯૨માં રજૂ થયું હતું. નાટકમાં રેણુકા શહાણે અને કેદાર ભગતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમેરિકા સ્થિત કવિ ચંદ્રકાન્ત શાહનાં અનોખાં ગીતો અને સ્ક્રીન પ્લેમાં પીયૂષ કનોજિયાએ લાજવાબ સંગીત આપ્યું હતું. એ નાટકનાં ભીંજવી નાખતાં સંસ્મરણો તાજાં કરતાં પીયૂષ કનોજિયા કહે છે, "સંગીતમય નાટક હોવાથી એવા કલાકારોની જરૂર હતી જે સારું ગાઈ શકે તથા અભિનય અને નૃત્ય પણ જાણતા હોય. લગભગ દોઢસો-બસો ઓડિશન પછી માંડ થોડા કલાકારો મળ્યા હતા. આખું નાટક ભવ્ય રીતે રજૂ થયું જેમાં ૧૦થી ૧૨ ગાયનો હતાં. ટાઈટલ સોંગ એવા મુંબઈમાં ચાલ જઈએ … સિવાય પણ એક ગીત મને ખૂબ ગમતું હતું; અનુરાધા આમ એક શબ્દ છે, આમ એક નામ છે અને મારો એ વેદ છે …! ભારતીય અને પાશ્ચાત્ય મેલડીનો ઉપયોગ કરીને આ સરસ ગીત બન્યું હતું. નીરજ વોરા-ઉત્તંક વોરાના સંગીત નિર્દેશનમાં રજૂ થયેલું ‘તાથૈયા’ પણ સુંદર સંગીતમય નાટક હતું.


