Opinion Magazine
Number of visits: 9574797
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાઈકુ અને તાન્કા વિશે એક નોંધ

રવીન્દ્ર પારેખ|Opinion - Literature|25 July 2020

અત્યાર સુધીના સૌથી નાના-લઘુ કાવ્ય પ્રકાર તરીકે હાઈકુનો સ્વીકાર થયેલો છે અને અપવાદો બાદ કરતા ગઝલના શે’ર કરતા પણ હાઈકુ વધુ લઘુ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે. આમ લક્ષ્ય બંનેનું એક છે, ચમત્કૃતિ સાધવાનું, છતાં હાઈકુ કરતાં ગઝલો વધુ ખેડાય છે એ સ્વીકારવું પડે. એનો અર્થ એમ પણ થાય કે હાઈકુ કરતાં ગઝલ કવિઓને સહેલી લાગે છે. જો કે ઉત્તમ કોઈ પણ સર્જન કસોટી કરનારું જ હોય તે કહેવાની જરૂર નથી. લખાતી ગઝલોમાં બધી ગઝલો નથી એમ જ લખાતાં બધાં હાઈકુ, બાહ્ય શરતો પૂર્ણ કરવા છતાં હાઇકુ ન પણ હોય એ શક્ય છે.

ગઝલનો શે’ર હાઈકુ કરતાં વધુ આસ્વાદ્ય લાગવાનું કારણ પણ છે. હાઈકુનું લક્ષ્ય, ચિત્ર ને ચમત્કૃતિ સાધવાનું છે. (ક્યારેક એમાં આધ્યાત્મિક આછેરો સ્પર્શ હોય) એટલું થાય તો હાઈકુ પાસેથી વિશેષની અપેક્ષા નથી. બીજું એ કે તે ઝાઝું ચિંતન ખમી શકે તેવું તેનું કાઠું પણ નથી. ગઝલના શે’રમાં, ચિત્રનું સ્થાન જીવનના વિધવિધ ભાવો લે છે ને તેની ચોટદાર રજૂઆત હોય તો ભાવકને તે વિશેષ આકર્ષે છે. આ ઉપરાંત છંદોનું વૈવિધ્ય, પ્રાસ-અનુપ્રાસની ગોઠવણીથી નીપજતું સૌન્દર્ય પણ ગઝલના શે’રને વધુ આસ્વાદ્ય અને ચમત્કૃતિપૂર્ણ બનાવે છે. આ લાભ સત્તર અક્ષરી હાઈકુને ખાસ મળતો નથી એટલે પણ શે’ર વધુ આસ્વાદ્ય કે લોકપ્રિય બનતો હોય ને ગઝલકાર એ લખવા તરફ વધુ આકર્ષાતો હોય એમ બને.

આમ તો કોઈ પણ કાવ્ય મુદ્રિત સ્વરૂપે દસ્તાવેજી મૂલ્ય પણ ઊભું કરતું હોય છે ને તેનું મુદ્રિત સ્વરૂપ જ ભાવકને આસ્વાદની ભૂમિકા પણ પૂરી પાડતું હોય છે, પણ ગઝલ, ગીત કે ગરબા કે ક્યારેક અછાંદસ દ્રશ્ય-શ્રાવ્યરૂપે પણ મંચ પર નાટ્યાત્મક ચમત્કૃતિ સિદ્ધ કરતાં હોય છે એને કારણે પણ કદાચ તે વધુ લોકભોગ્ય બને છે. આ લાભ દરેક વખતે સોનેટ કે ખંડકાવ્યને મળે જ એવું ન પણ બને. આ પ્રકારોને ક્યારેક સંગીત, નાટ્યાત્મક અભિવ્યક્તિનાં અન્ય ઉપકરણો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે પણ તે વધુ પ્રેક્ષકો કે શ્રોતા સુધી પહોંચે છે. આખ્યાનોને એ રીતે માણભટ્ટોએ લોકપ્રિય કર્યાં જ છે, પણ એમાં માત્ર કૃતિ જ પરિણામદાયી નીવડી છે એમ કહી શકાશે નહીં. એમાં બીજાં ઉમેરણો પણ ભાગ ભજવે છે તે નોંધવાનું રહે.

આ લાભ હાઈકુને કે તાન્કાને મળે તેમ નથી. એટલે પણ હાઈકુ કે તાન્કા, ગઝલથી ય લઘુ સ્વરૂપ હોવા છતાં કવિઓ કે ભાવકોને તે ઓછાં જ આકર્ષે છે. ધારો કે ગઝલની જેમ હાઈકુને સંગીતમાં ઢાળવું છે કે તેની નાટ્યાત્મક રજૂઆત કરવી છે તો તેમ થવાની શક્યતા નહિવત છે, કારણ સત્તર અક્ષરમાં તો તે શમી જાય છે. અન્ય ઉપકરણોની મદદ મળે ત્યાં સુધીમાં તો તે પૂરું થઈ જાય છે. હા, સુરતના ઈશ્વર પટેલે હાઈકુ-તાન્કાનો ‘પતંગિયાનો પગરવ’ નામે એવો સંગ્રહ કરેલો છે જેમાં અનુરૂપ ફોટોગ્રાફ્સ પર હાઈકુ કે તાન્કા પ્રગટ થયાં હોય. એ સિવાય હાઇકુના સંગ્રહો કે સંપાદનો ઘણા કવિઓના પ્રગટ થયાં છે તેની પણ નોંધ લઈ શકાય.

પણ અહીં ઇતિહાસમાં બહુ જવું નથી. વાત હાઈકુ ને તાન્કાના સ્વરૂપ અંગે કરવી છે.

એક બાબત નોંધવા યોગ્ય છે કે હાઈકુ કે તાન્કા લોકપ્રિય ઓછાં હોય કે તેને અન્ય ઉપકરણોથી લોકપ્રિય કરી શકાય તેવું ઓછું હોય તો પણ, એવું કહી શકાય નહીં કે આ બંને સ્વરૂપોની કાવ્યત્વ ધારણ કરવાની ક્ષમતા ઓછી છે. કાવ્યત્વ ન સધાતું લાગે તો તે મર્યાદા કવિની છે, સ્વરૂપની નથી. નબળી ગઝલ લખાય તો તે મર્યાદા ગઝલકારની છે, નહીં કે ગઝલ સ્વરૂપની!

હાઈકુ ને તાન્કા જાપાની કાવ્ય પ્રકાર છે. સોળમી સદીમાં તેનો પ્રારંભ થયો હોવાનું નોંધાયું છે. જાપાની ભાષામાં અક્ષર આખો બોલાય છે, એવું ગુજરાતીમાં નથી. એટલે જાપાની સત્તર અક્ષરો બરાબર ગુજરાતી સત્તર અક્ષરો એવું સમીકરણ અહીં કામ નહીં લાગે. એ હિસાબે ગુજરાતી સત્તર અક્ષરોમાં હાઈકુ લખવું વધારે કસોટી કરનારું છે. તેનું બંધારણ ૫-૭-૫ અક્ષરોનું છે. કેટલાક કવિઓ આ ક્રમ આગળ પાછળ પણ કરે છે, પણ પંક્તિઓમાં ૫-૭-૫ અક્ષરોમાં વધઘટ ક્ષમ્ય નથી. કોઈ ૪-૯-૪નો ક્રમ રાખીને ૧૭ અક્ષરોનો તાળો મેળવી આપે તો તેને હાઈકુમાં ખપાવી શકાય નહીં. એ સાથે જ ૧૭ અક્ષરો ગોઠવી દેવાથી હાઈકુ થઈ જ જાય એની ખાતરી નથી. થાય પણ ખરું ને ન પણ થાય. મારીમચડીને ૧૭ અક્ષરોનો ખેલ પાડવાનો નથી તે વાતે સ્પષ્ટ થઈ જવું ઘટે. ૧૭ અક્ષર તો તેનું બાહ્ય બંધારણ છે, પણ તેનું સૌન્દર્ય તો પ્રગટે છે આંતરિક બંધારણથી. કુદરતી સૌન્દર્ય, તેમાં રહેલું વિસ્મય, તેનું સહજ, પણ ચમત્કૃતિપૂર્ણ પ્રાગટ્ય એ હાઈકુનો આત્મા છે. ૧૭ અક્ષર હોય, પણ આત્મા ન હોય તો તે સજીવ નથી. ટૂંકમાં, પ્રકૃતિ હાઈકુનો પ્રાણ છે. એનો અર્થ એવો પણ નહીં કે પ્રકૃતિને યથાતથ મૂકી દેવાની છે, તે તો ચિત્ર થશે, પણ તેને એવી રીતે મૂકવાની છે કે ભાવકને નર્યા વિસ્મયનો-આનંદનો અનુભવ થાય.

એક બે દાખલા જોઈએ :

ખેતરે પાક તૈયાર થઈ ગયો છે. તે લેવા ગાડું ખેતરે પહોંચ્યું છે. આટલું તો કોઈ પણ લખી-સમજી શકે. અહીં સુધી તો કવિતા પણ નથી, પણ કવિતા અહીં ઉશનસ્‌ કરે છે. આમ – કાલે ખેતરમાં ગાડું હતું ને આજે ગાડામાં ખેતર છે.

     કાલે ખેતરે
ગાડું, ને આજે તો, લો
     ખેતર ગાડે !

               – ઉશનસ્‌

બીજું ઉદાહરણ :

  ફરતી પીંછી
અંધકારની: દીપ
  નહીં રંગાય.

            – સ્નેહરશ્મિ

રાત પડતાં અંધકારની પીંછી જગત પર ફરવા માંડે છે ને બધું તેના રંગે રંગવા માંડે છે, પણ દીવો તેના રંગે રંગાતો નથી, એટલું જ નહીં તે અંધકારને દૂર પણ રાખે છે ને મસ્તીથી ઝગમગે છે. આટલો વ્યાપક અને ઘેરો અંધકાર નાનકડા દીવાને ઘેરી શકતો નથી એ વાત જ કેવી વિસ્મયજનક છે! હવે કોઈ આમાં અંધકાર-અજ્ઞાનને દૂર કરવા જ્ઞાન-દીપનો મહિમા કરે તો ભલે, એ એની વિશેષ ઉપલબ્ધિ !

સ્નેહરશ્મિને એટલે પણ યાદ કરવા પડે કે હાઈકુને ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો મહત્તમ ફાળો છે. જાપાનમાં હાઈકુ લખનારા બાશો, બુસોન જેવા કવિઓને યાદ કરવા પડે તેમ સ્નેહરશ્મિના પ્રદાનની પણ નોંધ લેવી જ પડે.

તાન્કા કે વાકા(waka) કે ઉતા (uta) પણ જાપાની કાવ્ય પ્રકાર છે. હાઈકુનું બાહ્ય બંધારણ ૫-૭-૫નું છે તો તાન્કાનું ૫-૭-૫-૭-૭ એ ક્રમે ૩૧ શ્રુતિનું છે. એક કાળે જાપાનમાં રાજદરબારમાં તે પ્રસ્તુત થતું હોવાથી તેમાં વાણીવિલાસનું તત્ત્વ પણ હતું, પણ મોટે ભાગે તેમાં પ્રકૃતિ, પ્રણયનો મહિમા થતો રહ્યો છે. આમ હાઈકુ કરતાં તે ઓછું પ્રચલિત છે, પણ તેનું ખેડાણ થતું રહ્યું છે તે ખરું. આમ તો તે હાઈકુનો વિસ્તાર લાગે, પણ ત્રીજી પંક્તિમાં હાઈકુમાં આવતી ચમત્કૃતિ તાન્કામાં પાંચમી પંક્તિએ આવે છે. તાન્કામાં, ત્રીજી પંક્તિએ ચમત્કૃતિ નહીં, પણ ભાવ વળાંક આવે ને પાંચમી પંક્તિમાં તે વિચાર કોઈ શિખર સિદ્ધ કરે એવું આયોજન સાધારણ રીતે કવિ કરતો હોય છે. હાઈકુ અને તાન્કામાં સામ્ય, ચિત્ર અને ચમત્કૃતિનું છે જ. બંને સ્વરૂપોમાં વ્યંજના કેન્દ્રમાં રહે છે. એ સાથે જ અપેક્ષિત એ પણ છે કે હાઈકુ ને તાન્કાનો કવિ વધુ સજ્જ હોય, એટલું જ નહીં, તેનો ભાવક પણ સજ્જ હોય તે અપેક્ષિત છે. બહુ જ સાંકડી જગ્યામાં કવિ કશુંક સિદ્ધ કરવા મથતો હોય ને ભાવક એ મર્મસ્થાનો પકડવામાં નિષ્ફળ જાય તો તે કવિને અન્યાય કરી બેસે, એટલે લઘુકાવ્ય સ્વરૂપો કવિની તેમ જ ભાવકની વિશેષ કસોટી કરનારાં છે તે ધ્યાને લેવાનું રહે.

હાઈકુના સંગ્રહો તો મળ્યા છે, પણ તાન્કાના સંગ્રહો ખાસ પ્રગટ થયા નથી. સવાસોથી વધુ તાન્કા સમાવિષ્ટ હોય એવો કિસન સોસાનો એક જ સંગ્રહ ‘અવનિતનયા’ મારી જાણમાં છે. એમાં અનેક ભાવો કાવ્યાત્મક રીતે ઉદ્ઘાટિત થયા છે.

કોઈ પણ ટિપ્પણી વિના એ જ સંગ્રહમાંથી ઉત્તમ તાન્કા કેવું હોય તેનું એક ઉદાહરણ મૂકી મારી વાત પૂરી કરું.

   દર્પણ ધરું
આ છેડે, ઓલે છેડે
   તું મેશ આંજે,
ભરચક્ક મહોલ્લો
વચ્ચે, વાસણ માંજે !

             – કિસન સોસા

૦

e.mail : ravindra21111946@gmail.com

Loading

આ મુશ્કેલ સમયમાં (32)

સુમન શાહ|Opinion - Opinion|24 July 2020

= = = = પ્રેમ આજે પ્રશ્નાર્થ હેઠળ છે. લગ્નસંસ્થા ડામાડોળ છે અને કાલગ્રસ્ત ભાસે છે = = = =

= = = = ભારતીય પરમ્પરામાં કોકશાસ્ત્રના રચયિતા કોક અને કામસૂત્રના રચયિતા વાત્સ્યાયન જેવા કામધર્મીવિજ્ઞાનીઓએ દર્શાવ્યું છે કે યમનિયમસંયમની રીતેભાતે પરમ જાતીય સુખની પ્રાપ્તિ સર્વથા શક્ય છે. ભારતીય સંસ્કૃતિની સંતુલનને વરેલી મહાનતા તો જુઓ, એને યોગાસનો સૂઝ્યાં તેમ ભોગાસનો પણ સૂઝ્યાં ! = = = =

વિજ્ઞાન અને તેમાંથી પ્રભવતી ટૅક્નોલૉજીએ માનવજાતનું ભલું તો કર્યું જ છે પણ નુક્સાન પણ ઘણું કર્યું છે. અણુની શોધ શારીરિક સારવાર અને ઉપકારક ઔષધો પરત્વે કલ્યાણકારી નીવડી છે પણ એણે વિશ્વયુદ્ધની માનસિકતાને વિકસાવી હતી ને તેને કારણે વ્યાપક જનસંહાર જેવી દારુણ ઘટનાઓ ઘટી છે. એ વિકાસ અટક્યો નથી. આમાં જવાબદાર તો માણસ જ છે. એનો વિવેક – એનું જજમૅન્ટ – એનું ડહાપણ – એનું વિઝડમ – જો અસ્ત પામ્યાં હોય કે ઊંઘી ગયાં હોય તો આમ જ બને ! આપણી પાસે એક કહેવત છે : સોનાની છરીથી શાક સમારાય, એને પેટમાં ન ઘોંચાય … પણ ઘોંચનારા હોય છે, મળી આવે છે.

જુઓને, સાયબરનેટિક્સ, ઇન્ફર્મેશન-ટૅક્નોલૉજી, કમ્પ્યૂટર-સાયન્સ વગેરે વગેરે સંશોધનોએ અને તદનુવર્તી ટૅક્નોલૉજીએ માનવસંસારની તાસીરને આજે સાવ બદલી નાખી છે. આપણે સૌ એક એવા ‘ઇલૅક્ટ્રૉનિક’ પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યાં છીએ, જે જીવનમૂલ્યો માટે રસપ્રદ છતાં ધરાર ઘાતક પણ પુરવાર થયું છે.

બે દાખલા ધ્યાનપાત્ર છે : એક દાખલો છે, કૉન્ટ્રાસેપ્શનનો. સન્તતિનિયમનનાં કૃત્રિમ સાધનોની શોધ અને બીજો દાખલો છે, ઈન્ટરનેટે જન્માવેલો જાતીયભોગનો વિલક્ષણ તરીકો, સાયબર સૅક્સ. સાયબર સૅક્સનાં અવર નામો છે, વર્ચ્યુઅલ સૅક્સ, ટૅક્નો સૅક્સ, નેટસૅક્સ. બોલચાલમાં કહેવાતું હોય છે – લેટ’સ બી ફૉર સાયબરિન્ગ …

પૃથ્વી પરના સૌ જીવો સહિત મનુષ્યજીવ માટે જી-વ-ન અને જીવન-સન્તતિ માટે કામવાસનાભોગ અનિવાર્ય છે. એ બાબતે મનુષ્યેતર જીવો કુદરતે અર્પેલી વૃત્તિ અનુસારની પ્રવૃત્તિ કરતાં હોય છે. જેમ કે, અન્ય કોઈ જીવોને અતિવસ્તી નડી નથી. એ જીવો એવું નથી જીવતાં કે એમને સન્તતિનિયમન કરવાં પડે, તે માટે કશાં કૃત્રિમ સાધનો, ઇલાજ કે ઉપચાર અપનાવવાં પડે …

પણ માનવજાતને, ખાસ તો, અર્વાચીન ભારત અને ચીન જેવા દેશોની પ્રજાઓને, સ્વકલ્યાણની સુરક્ષા માટે વસ્તીવધારાને નાથવાની જરૂરત ઊભી થઈ. તે માટે સન્તતિનિયમનને, અને તે માટે ગર્ભાધાનને નિયન્ત્રણમાં લેવાની જરૂર પડી, અને ગર્ભાધાનને રોકવા, સમ્ભોગ જેવી ઘણી કુદરતી ક્રીડાને અવરોધવાની જરૂરત ઊભી થઈ. પણ કૉન્ટ્રાસૅપ્શન મદદે આવ્યું. આપણને અને ચીનને એની જરૂર ખાસ પડી કેમ કે આપણે અતિવસ્તીજન્ય પીડાઓમાં સપડાયેલાં હતાં. એ પીડાઓ હજી ચાલુ છે. પશ્ચિમના સમૃદ્ધ દેશોની પ્રજાઓ સ્વૈરવિહાર અને નિર્મુક્ત મૉજમજા ખાતર કૉન્ટ્રાસેપ્શનને વહાલથી વળગી પડી.

સંલગ્ન ટૅક્નોલૉજીએ નીપજાવેલાં કન્ડોમ અને ફિમેલના અંડાશયમાં ઇંડાં છૂટે એ ઑવ્યુલેશન પ્રક્રિયાને અવરોધનારા સિન્થેટિક સૅક્સ-હૉરમોન્સની પિલ્સ કે પછી કૉઇલ જેવાં સાધનો વપરાશમાં આવ્યાં. પુરુષો ગૅલમાં આવી ગયા. કેટલાક પુરુષો કન્ડોમ ન વાપરે અને સ્ત્રી પિલ્લ લે એવો આગ્રહ રાખે. એથી સંભવે કે સ્ત્રીઓ મેદસ્વીતાનો અથવા વન્ધ્યીકરણનો ભોગ બને. સ્ત્રીને વાંઝ બનાવનારી એ પ્રક્રિયા એવી કે લાઇફનાં તમામ રૂપોને મારી નાખે, તેનો નાશ કરે. તેમ છતાં સ્ત્રીઓ અને પુરુષો બન્ને હસીખુશીથી કૃત્રિમ સાધનો વાપરતાં થઈ ગયાં. મને યાદ છે, અમે ત્યારે કપડવણજમાં હતાં. લેટ સિક્સ્ટીઝનો સમય. એના એક બજારમાં ફુલાવેલાં કન્ડોમનું તોરણ બાંધવામાં આવેલું – આ તરફની દુકાનેથી રસ્તાની સામી બાજુની દુકાન લગીનું એ રૂડું રૂપાળું કૌતુક ભૂરા આકાશના બૅક્ગ્રાઉન્ડમાં હળવી હવાના સેલારા લેતું ઝૂમતું’તું …

કન્ડોમ વગેરેનો વપરાશ આજે તો ચડ્ડી-બનિયન પ્હૅરવા-ઉતારવા જેવો સ્વાભાવિક મનાય છે. પણ કામવાસનાભોગ માટે સાયબર સૅક્સ નવતર પ્રયોગ છે. જરા સમજીએ.

આ કોરોના જો ઇન્ટરનેટને અને સાથોસાથ ફોન, કમ્પ્યૂટર કે ટૅબને ભરખી ગયો હોત તો તો આપણું શું યે થાત? એના પ્રતાપે આપણાં વ્યાખ્યાન, વેબિનાર, ગીતગાન, નૃત્ય કે ચલચિત્ર વિશ્વ આખામાં વાયરલ થઈ શકે છે. આપણે જાત-અલગાવ સ્વીકાર્યો છે છતાં ભેગાં ને ભેગાં હોઈએ એમ જિવાય છે. દેશ-વિદેશ જેટલે દૂર હોવાછતાં નિકટતા અનુભવીએ છીએ. રૂ-બ-રૂ થવાની કે ફેસ-ટુ-ફેસ મળવાની જરૂર નથી રહી. ઇન્ટરનેટે સંપડાવેલું આ ઍક્ચ્યુઅલ નહીં પણ વર્ચ્યુઅલ વર્લ્ડ છે.

વર્ચ્યુઅલ સૅક્સ પણ ઍક્ચ્યુઅલ નથી. વર્ચ્યુઅલ એટલે, એ કે જે ખરેખર નથી પણ ખરાનો આભાસ છે. એમના ‘સૉફિસ્ટ’ ગ્રન્થમાં પ્લેટો બે પ્રકારનાં ઇમેજ-મેકિન્ગની વાત કરે છે : એક છે, પ્રામાણિક નકલ, જેને પુનર્નિર્માણ કહી શકાય. બીજું છે, મૂળને ઇરાદાપૂર્વક મચડીને ઊભું કરાયું હોય. એ નકલ ખરી પણ ખરી નહીં, પ્રપંચ હોય છે. વર્ચ્યુઅલ સૅક્સ પણ ઍક્ચ્યુઅલનું પ્રપંચી બલકે વિકૃત રૂપ છે. વ્યક્તિઓ ‘ગંદું ગંદું’ લખી મોકલતી એ તો જમાનાજૂની વાત છે પણ આજે ઇન્ટરનેટે એ તરીકાને બ્હૅકાવી મૂક્યો છે.

ઝાં બૉદ્રિલા / Baudrillard : Courtesy : Goodreads

ફ્રૅન્ચ સમાજવિજ્ઞાની ઝાં બૉદ્રિલાર્ડ (1929-2007) એમના સુખ્યાત ગ્રન્થ ‘સિમ્યુલાક્રમ ઍન્ડ સિમ્યુલેશન’-માં દર્શાવે છે કે આ પોસ્ટ-મૉડર્ન સંસ્કૃતિ છે ને એમાં ખરા-ખોટા વચ્ચેનો ભેદ ભુંસાઈ ગયો છે. સિમ્યુલાક્રમ મૂળની નકલ નથી પણ એ પોતે જ મૂળ ભાસે છે – એ ‘હાઇપર રીયલ’ છે. હકીકતે એ એમ સૂચવે છે કે કશું છે જ નહીં ને મૂળને શોધવાની કોશિશ મિથ્યા છે. સિમ્યુલેશન એટલે મૂળને રજૂ કરનારી પ્રક્રિયાઓની નકલોને માટેની પ્રક્રિયા. બૉદ્રિલાર્ડ ભારપૂર્વક જણાવે છે કે આજે મૂળ અને નકલ વચ્ચેનો ફર્ક બચ્યો નથી. આઇડિયાઝ અને ઇમેજીસ, સાથે, મૂલ્યો તેમ જ જીવનશૈલી નિરન્તર બદલાતાં ચાલે છે. બદલાવનું એક રૂપ સ્થિર થાય કે તરત તેનાં અવર રૂપો સરજાય છે. સિમ્યુલાક્રાનાં પૂર વહે છે – પ્રિસેશન ઑર ફ્લડ ઑફ સિમ્યુલાક્રા …

સિમ્યુલાક્રા એટલે સમજો, છાયા બલકે છાયાની પણ છાયા. વર્ચ્યુઅલ સૅક્સમાં દૂર દૂરના સ્થાને વસતી બે વ્યક્તિ – સ્ત્રી અને પુરુષ – કમ્પ્યુટર નેટવર્ક દ્વારા એટલે કે વિડીઓ કૉલથી કનેક્ટ થાય છે. એ લાભ પાસે પાસે કે અડોશપડોશમાં રહેનારાં પણ સાક્ષાત્કારને સારું કાયમથી ઝૂરનારાંઓને પણ મળે છે. એઓ સમલૈંગિક પણ હોઈ શકે છે. એકમેકને સૅક્સ્યુઅલિ ઍક્સપ્લીસિટ મૅસેજીસ – જાતીય વાસનાને વિશેના ઉઘાડા સંદેશા – મોકલે છે. જાતીય ભોગનાં વર્ણન કરીને એકમેકને લલચાવે છે. આગળ જતાં, વેબકૅમની મદદથી પ્રાઇવેટ પાર્ટ્સનાં દર્શન કરાવાય છે. રીયલ ટાઈમમાં જાતીય સમાગમના વિડીઓ બતાવાય છે. સામાન્યપણે પુરુષ ઉત્તેજિત હોય અને સ્ત્રીને થોડી વાર લાગે. અથવા ઊંધું ! કેટલાક દાખલાઓમાં હસ્તમૈથુનને પણ સામેલ કરાય છે. પણ આ વર્ચ્યુઅલ સૅક્સમાં સ્ત્રી કે પુરુષ ધીમે ધીમે રાગે પડી જાય છે. સ્ત્રીને ક્રમે ક્રમે સારું લાગવા માંડે છે કેમ કે એને થાય છે કે આમાં ખરેખરી સૅક્સ તો છે જ ક્યાં? ને વધારામાં, નો પ્રૅગ્નન્સી, નો કિડ્સ ! વળી, વાત બિલકુલ ખાનગી અને સાવ સલામત !

આ પ્રવૃત્તિમાં પારસ્પરિક સમ્મતિ ન હોય તો સાયબર સૅક્સ ટ્રાફિકિન્ગ ક્રાઇમ પણ સંભવે છે. વૅરિફાયેબલ ફૅક્ટ્સના અભાવે છેવટે સાર પકડાય કે છેતરામણી થઈ. વ્યક્તિ કૉર્ટે જઈ શકે છે. બાકી, ઉપલક દૃષ્ટિએ આખી પ્રવૃત્તિ નિર્દોષ દેખાય છે. કેમ કે બે જણ આમ વર્ચ્યુઅલમાં મંડ્યાં રહે એમાં ત્રીજા કોઈએ દુ:ખી થવાનું કારણ જ ક્યાં છે? આમાં જોડાનારી વ્યક્તિઓ પરિણિત, અપરિણિત, વિધુર, વિધવા કે નેવર મૅરીડ સિન્ગલ્સ હોય છે. સામી વ્યક્તિ બધું રૅકર્ડ કરી લેતી હોય તો એ જોખમી છે, પ્રાઇવસી સચવાય નહીં. ભાંડો ફોડી દે તો? ખરાં શરીરોની ગેરહાજરીમાં ઇન્ટરનેટ રોમાન્સ પૂરબહાર ખીલ્યો હોય તો વફાદારી નામની બહુમૂલ્ય ચીજ પ્રશ્નાર્થ હેઠળ આવી જાય છે. સાથીની કલ્પનાશક્તિ જ આ ભોગની ગુણવત્તા અને સફળતાનો આધાર છે, એની કમી હોય તો કંટાળો જ નીપજવાનો. અપરિણિત, વિધુર, વિધવા કે સિન્ગલ્સ ઍક્ચ્યુઅલ લાઇફમાં કદી જોડાતાં નથી અને પરિણિતનું દામ્પત્યજીવન સખળડખળ થઈ જાય છે.

પરિણામે, પ્રેમ આજે પ્રશ્નાર્થ હેઠળ છે. લગ્નસંસ્થા ડામાડોળ છે અને કાલગ્રસ્ત ભાસે છે.

મનોવિજ્ઞાનીઓ જણાવે છે કે આ ભોગ બહુ ઝડપથી હોલો – ખોખલો – અને અસંતોષકારી પુરવાર થાય છે. ઘણાં તો ભીરુ હોય છે. એકબીજાંનાં અંગાંગનાં માપ માગવાથી આગળ કશું કામ-ઉત્તેજક સંભવતું નથી. ખરાં શરીરોની અનુપસ્થિતિમાં સંભવતી આ ક્રિયાપ્રતિક્રિયાએ ઑન્ટોલૉજી ઑફ ઍમ્બોડિમૅન્ટનાં દિનરાત વધતાં પરિવર્તનો વિશે વિદ્વાનોને વિચારતા કરી દીધા છે. મોટાભાગના સમાજવિજ્ઞાનીઓ વર્ચ્યુઅલ સૅક્સને સોશ્યલ ટ્રૅસ – કચરો – ગણે છે. સૅક્સોલૉજિસ્ટ્સ – કામશાસ્ત્રીઓ – તેમ જ આ દિશાના સંશોધકો એને ખતરનાક ગણે છે. સંભવ સેવાય છે કે આના અતિચારને પરિણામે પુરુષો નપુંસકતાનો ભોગ બને, સ્ત્રીઓ ઓર્ગેઝમનું – ચરમાનન્દનું – સામર્થ્ય ગુમાવે. મનોવિજ્ઞાન દર્શાવે છે કે એમાં સાયકોલૉજિકલ ડિસઑર્ડરનો પણ પૂરેપૂરો ભય છે. જતે દા’ડે માણસો એકલા એકલા બોલે, લવરી કરે, ગાળો પણ બોલે, સન્નિપાતમાં સરી પડે, વગેરે.

કૉન્ટ્રાસેપ્શન અને વર્ચ્યુઅલ સૅક્સ બન્ને અ-કુદરતી છે. પણ ભારતીય પરમ્પરામાં કોકશાસ્ત્રના રચયિતા કોક અને કામસૂત્રના રચયિતા વાત્સ્યાયન જેવા કામધર્મીવિજ્ઞાનીઓએ દર્શાવ્યું છે કે યમનિયમસંયમની રીતેભાતે પરમ જાતીય સુખની પ્રાપ્તિ સર્વથા શક્ય છે. ભારતીય સંસ્કૃતિની સંતુલનને વરેલી મહાનતા તો જુઓ, એને યોગાસનો સૂઝ્યાં તેમ ભોગાસનો પણ સૂઝ્યાં ! એથી સંભવે સમાધિનો અનુભવ કરાવતી અખણ્ડ રાત્રિઓ.

વિશાળ પરિવારના સંદર્ભમાં ઋગ્વેદકાર કહે છે કે ઘણાં બાળકો ઝંખતો માણસ દુ:ખોને નિમન્ત્રણ આપે છે. આ બૈલ મુઝે માર ! પ્રાચીન ભારતમાં મનાતું હતું કે હજાર અબુધ પુત્રો કરતાં એક બુધી સારો છે. (ભેદ કરીને પુત્રીને બાજુ પર રાખતું આ વિધાન મને નામંજૂર છે). શુક્રની – સૅમિનલ ફ્લુઇડની – જાળવણી પર ભાર મુકાતો હતો. સન્તાનેષણાના હેતુ વિનાનો, સવિશેષે પુત્રેષ્ણા વિનાનો, સમ્ભોગ ધર્માજ્ઞા વિરુદ્ધ હતો. (ભેદ કરીને પુત્રીને બાજુ પર રાખતું આ વિધાન પણ મને નામંજૂર છે). કશીપણ જાતીય ક્રીડા, ધર્મનો ભાગ હતી અને એ ક્રીડાના દરેક તબક્કામાં જોડાવા માટેના વિશિષ્ટ મન્ત્રો હતા, સ્ત્રી-પુરુષે તદનુસાર વર્તવાનું હતું. રજસ્વલાધર્મ પળાતો હતો અને તે પછીના અમુક દિવસે જ સમ્ભોગની છૂટ હતી. અમાસ અને આઠમની તિથિઓ વર્જ્ય અને અપશુકનિયાળ મનાતી હતી. શ્રાદ્ધના દિવસોમાં અને ઘરમાં વડીલો અને અતિથિઓ હોય ત્યારે પણ એ કામ ન કરાય. એમ નક્કી હતું કે અધ્યયનકાળ સમ્પન્ન થાય પછી જ પરણાય અને દામ્પત્યજીવનને પચાસની વય પછી લગભગ સમાપ્ત સમજવાનું હોય. આ બધાં કામધર્માનુશાસનોને અનુવર્તવાથી પ્રજોત્પત્તિને લંબાવી શકાતી, બાળકોની સંખ્યાને નાની રાખી શકાતી.

નર-નારીનું આટલું સુખસમ્પન્ન જાતીય જીવન હોય પછી એને કન્ડોમની શી જરૂર? ફોન ને કૅમેરાનાં રમકડે રમી ખાવાની જરૂર જ ક્યાં …?

= = =

(July 24, 2020: Ahmedabad)

Loading

અમરનાથ યાત્રા બંધ, પણ સોમનાથ યાત્રા ચાલુ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 July 2020

ક્રિકેટની કોમેન્ટ્રી બંધ પડી છે, પણ આપણા નેતાઓ, કમિશનરો, મીડિયા … વગેરે એની ખોટ સાલવા દેતા નથી. બધા કોરોનાનો સ્કોર, કોઈ સિદ્ધિ હોય તેમ જાહેર કરતા રહે છે – વિશ્વમાં દોઢ કરોડથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે ને મૃતકોનો આંક લગભગ સવા છ લાખ પર પહોંચ્યો છે. ગુરુવારે મીડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૨,00,000 તરફ જઈ રહ્યો છે ને મૃતકોનો આંકડો ૨૮,૦૦૦ને આંબી ગયો છે. જૂનના પ્રારંભે ભારતમાં લગભગ ૯,૦૦૦ કેસ હતા. તેમાં ૫૦ દિવસમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. ગુજરાતનો સ્કોર ૫૧,૦૦૦થી વધુ થયો છે ને મૃતકોની સંખ્યા ૨,૨૦૦ને પાર કરી ગઈ છે. સુરતનો આંકડો ૯,૦૦૦ને આંબવામાં છે ને મૃતકોની સંખ્યા ૫૦૦ની નજીક છે. આમ તો રોગની ભયાનકતાનો ખ્યાલ આના પરથી આવવો જોઈએ, પણ લોકો અને તંત્રો જાણકારી મેળવીને કે આપીને ફરજ બજાવી લેતા હોય એવું લાગે છે.

એક તરફ શિક્ષણ વિભાગ સ્કૂલો, યુનિવર્સિટીઓ બંધ રાખવાની વાત કરે છે ને બીજી બાજુએ ૯થી ૧૨ ધોરણની પરીક્ષાઓ ૨૯-૩૦ જુલાઈએ ફરજિયાત લેવાશે જ એની જાહેરાત પણ કરે છે. ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા મર્યાદાઓ વચ્ચે ચાલે છે ને એનું ભવિષ્ય કેવું છે તેનો એક જ દાખલો જોઈએ. વોટ્સએપ પર શિક્ષકો રેકોર્ડેડ વીડિયો મૂકીને અંતર્ધ્યાન થઈ જાય છે ને વિદ્યાર્થીઓ ફાંફાં જ મારતા રહે છે.

હાઇકોર્ટે સ્કૂલો ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવાનો હુકમ ફરમાવ્યો છે. એ સારી વાત છે, પણ ખાનગી સ્કૂલોના શિક્ષકોને પગાર કોણ ચૂકવશે એની કોઈ સ્પષ્ટતા નથી. રાજ્ય સંચાલક મંડળે તો જાહેર કરી દીધું છે કે સ્વનિર્ભર સ્કૂલોએ ફી જ ન લેવાની હોય તો ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવું ને સ્ટાફને છૂટો કરવો. આમ પણ ખાનગી સ્કૂલો ફી લેવા છતાં શિક્ષકોનું હોલસેલમાં શોષણ કરતી જ હતી તો હવે ફી નહીં મળે તો આવી સ્કૂલો શિક્ષકોનું પેટ પાળે એમ બનવાનું નથી. સંચાલક મંડળના હોદ્દેદારો તો શિક્ષકો ભૂખે મરશે તેવી આગાહી કરીને દરમાં ભરાઈ ગયા છે. એમણે એવી તટસ્થતાથી વાત કરી છે કે શિક્ષકો સાથે એમને સ્નાન સૂતકનો ય સંબંધ ન હોય.

એમ લાગે છે કે આભ ફાટ્યું છે ને તંત્રો થીંગડાં મારે છે ને નથી સૂઝતું ત્યાં મનસ્વી નિર્ણયોથી કામ લે છે, એમ કરતાં હાલત વધારે ખરાબ થાય છે. આખો દેશ રઘવાયો થયો હોય તેમ, જેને જેમ ફાવે તેમ સૌ વર્તે છે. એમ લાગે છે કે આખું જગત કોઈનું પણ ગળું કાપીને કોરોના કાળમાં વધારે ને વધારે કમાઈ લેવામાં પડ્યું છે ને એમાં રોગ બેફામ રીતે વકરી રહ્યો છે તે તરફ ધ્યાન ખાસ જતું જ નથી.

ભારત લોકશાહી દેશ છે એ સાચું, તે સ્વતંત્ર દેશ છે એની પણ ના નથી, તો પણ પ્રજા હિતમાં કેટલાક નિર્ણયો સરકારોએ લોકડાઉનના લીધા. એ નિર્ણયોને પ્રજાએ માન્ય પણ રાખ્યા. એવા જ કેટલાક નિર્ણયો અત્યારે સરકારે લેવાની જરૂર છે.

સરકારે બે કામ કરવાં જેવાં છે. એક, કોઈ પણ પ્રકારનું શિક્ષણ ને તેને લગતી પરીક્ષાઓ, સ્થિતિ થોડી પણ સામાન્ય ન થાય ત્યાં સુધી પૂર્ણપણે બંધ રાખવાં અને બે, જ્યાં સ્થિતિ ખરાબ છે ત્યાં તમામ ધાર્મિક સ્થાનો જડબેસલાક રીતે બંધ રાખવાં. યાદ રહે, આમાં શિક્ષણ કે ધર્મનો જરા જેટલો પણ વિરોધ નથી. સ્થિતિ સામાન્ય કરવામાં આ પગલાં મહત્ત્વનાં બની રહે તેમ છે, તેટલા પૂરતું જ તેનું મહત્ત્વ છે.

અત્યારે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી ન લેવાનું હાઈકોર્ટે ઠરાવ્યું છે તે સારી વાત છે, પણ ખાનગી સ્કૂલો ફી ન લેવાની હોય તે સંજોગોમાં શિક્ષકોનો પગાર કેવી રીતે થશે તે અંગે પણ સ્પષ્ટતાઓ સરકારે કરવાની રહે. વારુ, સરકારે સ્પષ્ટતાઓ કરીને અટકી જવાનું નથી, તેણે નક્કર આર્થિક સહયોગ પણ એવી રીતે કરવાનો છે જેથી શૈક્ષણિક સ્ટાફ રસ્તે ન આવી જાય. આમાં થોડી મદદ વાલીઓ પણ કરી જ શકે. સ્કૂલોમાં વેકેશનની ફી લેવાતી જ હતી ને વાલીઓ તે આપતા પણ હતા, એ ક્રમ ચાલુ રાખી શકાય ને અડધી ફી વાલીઓ આપે ને અડધી મદદ સરકાર અને સંચાલકો કરે તો રસ્તો નીકળે એમ છે. શરત એટલી કે એક પણ સભ્યને છૂટો ન કરવો કે ન તો તેને વેતનથી વંચિત રાખવો. સંચાલકો આમાં આડા ફાટી શકે ને કહી શકે કે તેમની પાસે પૈસા નથી. આમ કહેવામાં સચ્ચાઈ સિવાય બધું જ હશે. દુનિયા જાણે છે કે ખાનગી સ્કૂલોએ અનેક બહાને હોજરી ફાડતી ફી ઉઘરાવી જ છે ને ઓનલાઈનને નામે પણ એમાં ઓટ આવી નથી. એની સામે શિક્ષકોને શું ને કેટલું આપ્યું છે તે સંચાલકોએ, જો હોય તો અંતરાત્માને પૂછી જોવા જેવું છે. કેટલાક અપવાદોને બાદ કરતા આજે પણ સંચાલકો શિક્ષકોને પાળી શકે એમ છે, જો દાનત સાફ રાખે તો!

રહી વાત ધાર્મિક સ્થાનોને બંધ કરવાની તો વાત ધર્મ બંધ કરવાની નથી, સ્થાનક બંધ કરવાની છે. અત્યારે ભીડ ન કરવા પૂરતું જ ધાર્મિક સ્થાનોને બંધ રાખવાનું કહેવાનું છે. પ્રજા તરીકે આપણે વખતો વખત સાબિત કર્યું છે કે ગમે તે કારણે આપણે બધા નિયમો બાજુ પર મૂકીને ભયંકર ભીડ કરી શકીએ છીએ. એમાં શરૂઆત રાજકારણીઓથી થાય છે. ચૂંટણીસભા હોય, શક્તિ પ્રદર્શન હોય કે રેલી-રેલા હોય ભીડ કરવાનો કોઈને સંકોચ થતો નથી. એમાં વળી કોઈ તહેવાર ઉજવવાનો રહી જવાનો હોય તો તેનો અફસોસ મીડિયા વ્યક્ત કરીને ધ્યાન ખેંચે છે. જેમ કે અંબાજીની ભાદરવી પૂનમની જાત્રા બંધ રહેવાની. તો ,બંધ ન રહે ને જોખમ વધારે, એમ? આ વખતે ગોવિંદા મટકી નહીં ફોડી શકે તે જાણે જીવનમરણનો પ્રશ્ન હોય તેમ ચગાવવામાં આવે છે. એ મટકી ફોડવા જતાં ઘણાની મટકી ચકલે ફૂટી જાય તે કેમ સમજાતું નથી?

શ્રાવણ મહિનો શરૂ થાય એટલે ભગવાન પ્રગટ થાય તે પહેલાં ભક્તો પ્રગટ થાય છે ને ભીડમાં ધક્કામુક્કી કરવામાં ધન્યતા અનુભવે છે. એ સંજોગો સામાન્ય હોય તો, ભલે એનો આનંદ લેવાય, પણ અત્યારે એ કરવા જેવું છે? બધા નિયમો પળાતા હોય તો પણ દરેક વખતે લોકો નથી જ માનતા તે અનુભવ હોવા છતાં સરકાર નથી જ સમજતી. બીજાની શું વાત કરીએ, આપણા મંત્રીશ્રી પણ કોરોના કાળમાં સોમનાથમાં માથું ટેકવી જ આવ્યા છેને! પછી બીજાનો શો દોષ કાઢવો?

શ્રાવણનો પહેલો દિવસ હતો ને ભક્તોએ સોમનાથમાં એટલી ભીડ કરી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. હવે આમાં ક્યા નિયમો, માસ્કના કે અંતર જાળવવાના પળાયા? ભગવાને એવું ક્યારે કહ્યું કે રોગચાળો ચાલતો હોય ત્યારે પણ મારા દર્શને આવવું જ? એવું કોઈ ભગવાન કહે કે? ભક્તો એટલા ‘પવિત્ર’ છે કે ભગવાનને ય કોરોનાનો ચેપ લગાવી શકે. આ ભક્તિ છે? ધર્મ છે? જો સરકાર જાણતી જ હોય કે ભક્તો ગમે ત્યારે ભીડ કરીને ભગવાનને ત્રાસ કરી શકે એમ છે જ તો મંદિરો ચાલુ રખાવીને તે ડહાપણનું કામ નથી કરી રહી તે નક્કી છે. મંદિરનાં ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ સોમનાથ મંદિર બંધ રાખવું જોઈએ તેને બદલે પાસ સિસ્ટમ દાખલ કરીને રોજના ૧૦,૦૦૦ ભક્તોને દર્શનનો લાભ આપવાની પેરવી કરી છે. તેનાથી બધા નિયમો પળાશે જ તેની કોઈ ખાતરી નથી. વળી આ પાસ મફત અપાશે એવું પણ જાહેર થયું નથી. બને કે એની ફી રખાઈ હોય અને લોકોની ભીડે કમાણીની નવી વ્યવસ્થા કરી આપી હોય એવું ખરું કે કેમ? મંદિરોને આવક અટકી હોય એટલે એ તો ખુલ્લું રાખવાનું વિચારે જ, પણ સરકારને એમાં શું મળવાનું છે તે નથી સમજાતું.

ખરેખર તો આ દેશના મંદિરોએ સરકારની, સેવા સંસ્થાઓની મદદમાં આવવું જોઈએ, કારણ આ દેશના મંદિરો એટલી આવક તો ધરાવે જ છે કે તે આખા દેશને આરામથી ચલાવી શકે, તેને બદલે કમાણીના નવા નુસખા શોધાય ત્યારે ધર્મને નામે કેટલો અધર્મ થઈ શકે, તેનો જ દાખલો પૂરો પડાય છે.

એક તરફ અમરનાથ શ્રાઈન બોર્ડે મંગળવારે અમરનાથ યાત્રા રદ કરી અને એ જ દિવસે સોમનાથ યાત્રા એવી ભીડે ચડી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. જો એ જ ધર્મનું સાચું સ્વરૂપ હોય તો અમરનાથ યાત્રા બંધ કરનારા અધાર્મિક છે એમ કહીશું? જો ઈશ્વર અત્ર, તત્ર સર્વત્ર છે તો ઘરમાં ઈશ્વર નથી એવું કેમ માનીએ છીએ? જો માનીએ છીએ તો વારતહેવારે મંદિરોમાં ભીડ કરીને એ જ ઈશ્વર પર ધસી કેમ જઈએ છીએ? એવા કેટલા ય કિસ્સાઓ છે જેમાં કચડાઈ જવાને કારણે અનેકોએ જીવ ગુમાવ્યા છે. કોઈ ધર્મ કે ઈશ્વર એમ ઈચ્છે કે તેના ભક્તો જીવનું જોખમ ઉઠાવીને ભક્તિ કરે? માનવધર્મ જેવું પણ જગતમાં કંઈ છે ને અત્યારે સૌથી વધારે અનાદર માણસનો થઈ રહ્યો છે. દુખ એ છે કે આપણને એનું દુખ નથી.

૦

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જુલાઈ 2020

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...2,2522,2532,2542,255...2,2602,2702,280...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved