Opinion Magazine
Number of visits: 9680726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગજકેસરી યોગ

પંચમ શુક્લ|Poetry|28 August 2020

સર્જક ભેટે કથાકારને, કથાકાર સર્જકને;
બેઉ જણાના સુભગ મિલનનું પુણ્ય ફળે શ્રાવકને!

વૃષભ-જોડલી થનગન થાતી શક્ટ શબ્દનું તાણે,
આળસ મરડી બેઠાં થાતાં અર્થપર્ણ પણ વ્હાણે;
સ્નિગ્ધ વાયુની મુદિત વ્યંજના તેજ કરે પાવકને.

સર્જક ભેટે કથાકારને, કથાકાર સર્જકને;
બેઉ જણાના સુભગ મિલનનું પુણ્ય ફળે શ્રાવકને!

સ્થળ-કાળ મહીંથી ખેંચીને અવકાશ મહીં ફંગોળે,
વખ ઘોળેલા કર્ણકૂપમાં અમીયલ ઢોળાં ઢોળે;
વાચકાછના નર્મમર્મથી દ્રવિત કરે પાતકને.

સર્જક ભેટે કથાકારને, કથાકાર સર્જકને;
બેઉ જણાના સુભગ મિલનનું પુણ્ય ફળે શ્રાવકને!

Loading

અમરતાનો વિભ્રમ

ઝવેરચંદ મેઘાણી|Opinion - Opinion|28 August 2020

'નિરવધી આ કાળ પડ્યો છે, ને વિપુલ આ પૃથ્વી પથરાયેલી છે. આજ નહીં તો કાલે, કોઈ કાળાન્તરે મારો સમાનધર્મી જન્મશે ને મારી કૃતિઓની કદર કરશે'.

કવિ ભવભૂતિએ આ બોલ ભાખ્યો. તે ઉક્તિ આજે પણ અનેક લેખકોનું આશ્વાસન બની રહી છે.‍ જેઓની રચના વર્તમાન યુગના વાચકોને આકર્ષી શકતી નથી. તેઓ પોતાની રચનાનાં યોગ્ય મૂલ્ય મૂલવનારાં ભાવિ વાચકોની રાહ જુએ છે.

કેટલાએક પોતાની કૃતિને અમરત્વ મળે તેવી ઝંખના સેવે છે.' આજની પ્રજા મને સમજી શકતી નથી એટલું બધું મારા સર્જનનું ગહનત્વ છે.' : એવી ભ્રમણા ઘણા ઘણા સેવતા હશે. ક્ષણજીવી સાહિત્ય, સમયજીવી સાહિત્ય અને ચિરંજીવી સાહિત્ય આવા ભેદ દોરાય છે.

રિચર્ડ ઍલ્ડિંગ્ટન નામના વિવેચક આ 'અમરત્વના માયાવીપણા' પર પ્રકાશ નાખે છે. એ કહે છે કે લેખકની અથવા હર કોઈ કલાકારની આ 'અમરતા' એ તો 'રેનેસાં'ના પંડિતોએ ઊભી કરેલ એક કપોલ-કલ્પના છે. જનસામાન્યનાં ધ્યેયો અને પ્રશ્નોથી અળગા ઊભા રહીને માત્ર પોતાના નમ્ર શિષ્યોના અહોભાવમાં રાચનારા મહાન સાહિત્ય સ્વામી, 'ગ્રેટ માસ્ટર’, બનવાની મહત્ત્વાકાંક્ષા તો ગઈકાલની વસ્તુ બની ગઇ છે.

આજના વાર્તાકારે ઉપર કહી તેવી પોતાની અમર પ્રતિભાની એકલતામાં રાચવાનું નથી. જગત એને જુગ જુગ સુધી ન સંભારે તો તેથી એણે નાઉમેદ થવાનું નથી. માનવપ્રાણને અને ઊર્મીઓને દિન પર દિન જાગ્રત તેમ જ ગ્રહણશીલ રાખવાનું જે કર્તવ્ય અદા કરવા માટે લેખકો, કલાકારો અથવા અન્ય કાર્યકર્તાઓનો જે મહાન સંઘ પોતપોતાની શક્તિ-મતિ મુજબ મથી રહેલ છે, તેમાંના એક એકમ તરીકે જ પ્રત્યેક સાહિત્યકારે પોતાના વિશે વિચારી લેવાનું છે.

લોકસંઘના એ વહેતા જીવનનો બુદ્ધિ-ઊર્મીઓનો પ્રવાહ ખરું જોતાં તો વર્તમાનપત્રે જ વહનશીલ રાખવાનો હોય છે. પણ વર્તમાનપત્રનો કાર્યપ્રદેશ જ્યાં પૂરો થાય છે ત્યાંથી જ વાર્તાકારનો શરૂ થાય છે. સમૂહજીવનને સ્પર્શતા બનાવોની વર્તમાનપત્રો અદલ તસ્વીરો ખેંચે છે અને એ તસ્વીરોમાંથી વસ્તુ ઉપાડીને રંગરેખા ભર્યા ભાવચિત્રો વાર્તાકારે આપવાના રહે છે. અખબાર પ્રજા અને સત્ય પીરસવા સાચી ઘટનાઓ આપે, ને વાર્તાકાર પ્રજાને સત્ય પીરસવા સાધન લેખે વાર્તાનો ઉપયોગ કરે.

વાર્તાકારે બનતા બનાવો વિશે નહીં પણ લોકોના વ્યક્તિ-જીવનનાં ઊંડાણોનું આલેખન કરવાનું છે. વર્તમાનપત્રના કરતાં વાર્તાકારના લાભની વાત તો આ છે, કે એને જાહેરખબરો પૂરી પાડનારાઓની અથવા ગ્રાહકોની સારીમાઠી લાગણીનો વિચાર રૂંધી શકતો નથી. અમુક વર્ગને અપ્રિય એવા વિચારો મૂકનાર લેખકને બેશક અમુક પ્રકારના છૂપા બહિષ્કારના તેમ જ નનામાં રુચિહીન ચર્ચાપત્રોના ષડયંત્રના ભોગ થવું જ રહે છે, તેમ છતાં પોતાને જે કહેવાનું છે તે તો પ્રજા પાસે પહોંચી જ જાય છે. ઍલ્ડિંગ્ટનનું કહેવું એવું નથી કે વાર્તાકારે કેવળ વ્યક્તિ-જીવનનું 'રિપોર્ટિંગ' જ કરવાનું છે. નહીં, એથી તો ઘણું વિશેષ એણે આલેખવાનું છે. પરંતુ 'ત્રિકાલાબાધિત અમર કૃતિને' નજર સમક્ષ રાખવી એ તો કોઈ અચોક્કસ પ્રકારની આગામી પેઢીને માટે લખવા બેસવાની બેવકૂફી કરવા બરોબર સમજવું.

ચિરકાળને માટે નિર્માણ થતી કૃતિ એકેય કાળની નહીં રહે, અને ભાવિ પ્રજાને પહોંચાડવાનો સંદેશો એ સરનામે પહોંચવાનો જ નથી. પ્રજાને ન સમજાય એવું સર્જવામાં મહત્તા સમજવી એ છેક વાહિયાત પ્રકારની અદ્ભૂતપ્રિયતા છે. પોતાની કૃતિનો રસ અમુક મર્યાદિત કાળ કરતાં વધારે ટકવાનો છે એવી માન્યતા પણ એક ભ્રમણા છે.

આ યુગની અંદર ઊતરી પડેલો વિપુલ વાર્તાફાલ કેટલાય નિરાશાવાદીઓને સાહિત્યની સંગીનતા કથળી પડી હોવાનો દુઃખભાવ ઉપજાવે છે. હશે કદાચ એમ પણ હશે કે કવિતાના યુગે સરજાવેલાં બલિષ્ઠ અર્કને આજે આપણે ગદ્યનાં નીરમાં મિલાવી મોટો જથ્થો જ નિપજાવીએ છીએ. બીજી દૃષ્ટિએ આપણે એમ પણ કહી શકીએ કે સાહિત્ય આજે પુરાતન જડતાનાં બંધનોમાંથી મોકળું બનીને જીવનના હર કોઈ તત્ત્વને યથેચ્છ ઘાટ આપી રહેલ છે .

સમકાલીન સાહિત્ય – વાર્તાનું અથવા હર કોઈ અન્ય પ્રકારનું – અલ્પજીવી અને કામ ચલાઉ હોવું જોઈએ એનું બીજું પણ એક કારણ છે. આજે સંસ્કૃતિનો એક મહાયુગ સમાપ્તિ પામે છે. અને નવો યુગ હજુ એટલી બધી અચોક્કસ ભૂમિકામાં છે, કે એચ.જી. વેલ્સ સરીખા ક્રાન્તદર્શીને પણ આગામી વિશ્વ-રચનાનો આકાર કેવળ દૂરથી અનુમાનના આધારે જ કલ્પવો પડે છે.

આજ સુધી જેમ ઋતુચક્રની ચોક્કસતા પર અવલંબન લેતું ખેતીવાડીનું જ્ઞાન અમુક નિશ્ચિત ચીલે ચાલ્યા કરતું તે જ રીતે માનવજીવન પર મુકરર ચક્રમાં આંટા લેતું.

બધું જ જાણે કે નક્કી કરી મુક્યાં મુજબ જ બન્યા કરતું. કાલે જે સાચું હતું તે આજે અને કાળાંતરે પણ તેનું તે જ રહેવાનું છે, એવી માન્યતા વચ્ચે ભાવિ અમરતા મેળવવાનો જીવનનો એક ઉદ્દેશ હતો.

આજે એ બધું જ પડી ભાંગ્યું છે. આવતી કાલ સર્વ પ્રકારની અચોક્કસતાનો ભોગ થઈ પડી છે. પરિણામે આજના જીવનનાં બહુવિધ ખળભળાટો વચ્ચે જેમ એક બાજુથી કલાકારને અથવા વાર્તાકારને વિપુલ વસ્તુસામગ્રી હાથ પડવાનો અવસર છે, તેમ બીજી બાજુથી અને ક્ષણજીવીપણાની મર્યાદા છે. એટલે વાર્તાકાર ચાહે તેટલો તેજસ્વી હોય, તો પણ એણે પોતાના પ્રભાવની મર્યાદાને સૈકાઓની તો ગણતરીની બહાર જ રાખવી; એટલું જ નહીં પણ દાયકાઓને હિસાબેય નહિ, વર્ષોને હિસાબે પોતાની કૃતિની આવરદા માપવી રહેશે.

વસ્તુત: આજના સાહિત્યકારે કેવળ એક પ્રામાણિક ને સત્યનિષ્ઠ પત્રકાર બની જવાનું ધ્યેય રાખવું પડશે.

અને એમાં શી શરમ છે ? પત્રકારત્વ કંઈ ઓછું ઈજ્જતવાન છે ?

આજે તો કથાસાહિત્યને માટે મોટો ભય ઊલટાનો એ છે, કે એ થોડાક પંડિતોને સંતોષવા માટે વર્તમાન જીવનપ્રવાહને ઝીલનારી લૌકિકતા રખે ગુમાવી બેસે.

(‘જન્મભૂમિ’ ,30-06-1939; “પરિભ્રમણ 2”)

[સૌજન્ય : અમીતભાઈ ચાવડાની ફેઈસબૂક વૉલ પરેથી સાભાર]

Loading

‘માલી બુક ની લઈ જતા.’

અંકિત દેસાઈ|Opinion - Opinion|28 August 2020

આશુ પટેલનો આજે બપોરે ઝવેરચંદ મેઘાણીના સંદર્ભમાં ફોન આવ્યો, તો વાતવાતમાં મને એક સરસ મજાનો કિસ્સો યાદ આવ્યો. કિસ્સો એમ છે કે ગયા જાન્યુઆરીમાં મહેન્દ્ર મેઘાણીએ ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ નામે ઝવેરચંદ મેઘાણી સાહિત્યનો એક દળદાર સંપાદન ગ્રંથ આપ્યો હતો, અને મારી જેમ અનેક મેઘાણી સાહિત્ય પ્રેમીઓએ એ ગ્રંથ મગાવી લીધેલો. ડિસ્કાઉન્ટ પણ તોતિંગ હતું!

એ ગ્રંથ જ્યારે ઘરે આવેલો ત્યારે મારો દીકરો સ્વર મારી પાસે જ હતો એટલે મેં તેની પાસે પુસ્તકોનું કુરિયર ખોલાવેલું. અને ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ પુસ્તકનું કવર પણ પીળા રંગનું એવું જ આકર્ષક, બાળકોને તો ખાસ ગમી જાય એવું. એટલે સ્વરભાઈને એ પુસ્તક સાથે જરા વિશેષ પ્રીતિ બંધાઈ ગયેલી.

વળી એ પુસ્તકમાં જ ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ અને ‘ચારણકન્યા’ જેવી મેઘાણીની કેટલીક ચૂંટેલી રચનાઓ છે. એટલે ક્યારેક ક્યારેક સ્વરલાલને એમાંથી ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ અને ‘ચારણકન્યા’ સંભળાવું. લૉકડાઉન વનમાં તો લગભગ રોજ રાત્રે સૂતાં પહેલાં હું એને ‘ચારણકન્યા’ના બે-બે પેરા વારંવાર સંભળાવતો અને એના અર્થો સમજાવતો.

આમ, પોતે જ પુસ્તકનું કુરિયર ખોલ્યું હતું અને રોજ તેને એમાંથી કવિતા સંભળાવતો હતો એટલે સ્વરલાલના મનમાં એમ જ ચાલે કે આ પુસ્તક મારું જ છે. મારું એટલે મારા એકલાનું જ! પાપાનું પણ નહીં!

જો કે તેની પઝેસિવનેસ વિશે ત્યારે ખબર પડી જ્યારે અમારા મકાનના એક વડીલ એ પુસ્તક લઈ ગયા. વાત એમ છે કે અમારા મકાનમાં નવમે માળે એક વડીલ રહે અને એ વડીલ આખા લૉકડાઉન દરમિયાન મારે ત્યાંથી થોકબંધ પુસ્તકો લઈ જાય અને એ પુસ્તકો વંચાઈ જાય એટલે જૂનાં પુસ્તકો મૂકીને નવાં પસંદ કરી લઈ જાય.

એવામાં એકવાર એ વડીલ મેઘાણીનું ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ પસંદ કરીને લઈ જતા હતા અને સ્વરભાઈ એ જોઈ ગયા. જોતાવેંત તેણે સત્તાવાર જાહેરાત કરી કે, ‘માલી બુક ની લઈ જતા.’

પેલા કાકાને તો કંઈ તેની કાલીઘેલી ભાષામાં સમજ ન પડી. અને પહેલી વખત સ્વરે જે રિએક્શન આપ્યું હતું એ અમે પણ સમજી નહોતા શક્યા કે એ કહેવા શું માગે છે અને કઈ બાબતને લઈને સ્વર પેલા કાકાને પુસ્તક લઈ જવાની ના પાડે છે.

કાકા તો રુટિન પ્રમાણે પુસ્તક લઈને જતા રહ્યા, પરંતુ એ ગયા કે ગયા સ્વર તો પોક મૂકીને રડવા માંડ્યો અને મારી બુક હમણાં જ જોઈએ જ એમ જિદે ચઢ્યો. મને તો ત્યારે ય નહોતું સમજાયું કે સ્વરનું આ રીતે રડવું માત્ર એક જ પુસ્તક પ્રત્યેની પ્રીતિ છે.

એટલે એ દિવસે તો તેને સમજાવીને છાનો રાખ્યો, પરંતુ થોડા દિવસો પછી જ્યારે પેલા વડીલ જૂના પુસ્તકો લઈને આવ્યા ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થયું કે સ્વરભાઈને માત્ર મેઘાણીના પુસ્તક સાથે જ નિસ્બત છે. કારણ કે કાકાએ અમારે ઘેર આવીને તેમની થેલીમાંથી જેવાં પુસ્તકો બહાર કાઢ્યાં કે સ્વર દોડીને આવ્યો અને માત્ર ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ લઈને ભાગી છૂટ્યો. આ તો ઠીક અંદરના ઓરડામાં જઈને એ પુસ્તક સંતાડી આવ્યો અને કાકા ગયા પછી જ પુસ્તક બહાર કાઢીને ડ્રોઈંગરૂમમાં તેની મૂળ જગ્યાએ ગોઠવી દીધું.

પછી તો જ્યારે જ્યારે કાકા ઘરે આવે કે સ્વરભાઈ જાણે સિયાચેનની જમીન સાચવવાનો હોય એમ ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ તેની મૂળ જગ્યાએથી લઈને અંદરના ઓરડામાં જતો રહે અને કાકા જાય પછી જ એ પુસ્તક પાછો લાવે.

એક રીતે જોવા જઈએ તો આ વાત બાળકની નિર્દોષતાની રમૂજ લાગે. પરંતુ બીજી રીતે વિચારીએ તો મેઘાણીની રચનાઓનો કેટલો પ્રભાવ હશે આખા ય ગ્રંથમાંથી માત્ર ‘ચારણકન્યા’ અને ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ વિશે જ જાણકારી અને સમજણ હોવા છતાં એક બાળક મેઘાણીનાં પુસ્તક બાબતે પઝેસિવ છે. સાહિત્યની સાર્થકતા પણ તો આખરે એમાં જ છેને? અને એને જ કદાચ ચિરંજીવી સાહિત્ય પણ કહેવાતું હશે. નહીંતર હજુ સરખું બોલતા પણ નહીં શીખેલી આજની પેઢી અમસ્તી એ લખાણનાં મોહમાં વશીભૂત થતી હશે?

આશુભાઈને આ વાત કહી તો એ તો ખુશીથી ઝૂમી ઊઠ્યા અને કહે મેઘાણીના જન્મ દિવસે આ પ્રસંગ શેર થવો જ જોઈએ. આખરે મેઘાણી અમસ્તા જ લોકપ્રિય નથી કે નથી તો અમસ્તા જ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા. તેમની પ્રચંડ લોકપ્રિયતા આજે ય, આજની પેઢીમાં ય અકબંધ છે.

[સૌજન્ય : અંકિતભાઈ દેસાઈની ફેઈસબૂક વૉલ પરેથી સાભાર]

Loading

...102030...2,2412,2422,2432,244...2,2502,2602,270...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved