Opinion Magazine
Number of visits: 9574618
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક અન્યાયનો સાત કોઠાળો ચક્રવ્યૂહ ક્યાં સુધી ભોગ લીધા કરશે?

માર્ટિન મેકવાન|Opinion - Opinion|4 August 2020

દરેક જ્ઞાતિના લોકોએ પોતાનાં બાળકોનાં નામ કેવાં રાખવાં કે જેથી સાંભળતાંવેંત વિશેષ ભાવ પેદા કરે, તેના નિયમ ‘મનુસ્મૃતિ’માં જોઈ શકાય છે. બ્રાહ્મણના નામથી 'શુભ; શુકન'; ક્ષત્રિયના નામથી  'તાકાત' ; વૈશ્યના નામથી  'સંપત્તિ'  અને શૂદ્રના નામથી 'નગુણાપણા' (जुगुप्सितम्)ના ભાવ પેદા થવા જોઈએ. (૨:૩૧) બ્રાહ્મણ નામ 'સુખ' સૂચક; ક્ષત્રિય નામ 'રક્ષણ' સૂચક; વૈશ્ય નામ 'સમૃદ્ધિ' સૂચક અને શૂદ્ર નામ 'ચાકરી' સૂચક હોવાં જોઈએ (૨:૩૨)

૧૯૭૭ની સાલમાં કૉલેજના અભ્યાસ દરમિયાન મારા અધ્યાપકોને સર્વેક્ષણમાં મદદ કરવા માટે ગુજરાતનાં ગામડાંમાં જતો ત્યારે સમજાતું ન હતું કે દલિતોનાં નામ 'પોચા', 'પુંજા', 'કચરા', મેલા', 'ગોબર', 'ગાંડા' કે 'ઘેલા' એમ શા માટે રાખતા હશે? જો કે, લોકો કહેતા પણ ખરા કે બાળકોનાં નામ 'આધુનિક' રાખીએ તો પણ નોંધણી કરતી વેળા તલાટી નામને તોડી-મરોડીને અપમાનજનક કરી નાખે છે. આજે પણ દેશમાં દલિત-આદિવાસી સ્ત્રીનાં નામ આ પ્રકારે જોવા મળે છે.

ચિતા પર પીછો ન છોડતો જ્ઞાતિનો ભેદભાવ

ખેર, મૂળ ગુજરાતના અને હાલ ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયેલા નટ-બજાણિયા પરિવારનાં નામ મનુસ્મૃતિેને ધ્યાનમાં લીધા વિના રખાયાં હતાં. પત્નીનું નામ પૂજા, પતિનું નામ રાહુલ અને એમના ચાર વર્ષના દીકરાનું નામ રોહન. ભારતમાં આવાં નામ ધરાવતા અભિનેતાઓ છે, ઉદ્યોગપતિ છે અને રાજકીય નેતા પણ. પરંતુ વિચરતી જાતિમાં ગણાતા આ પરિવારને જે વેઠવું પડ્યું, તે અન્ય 'પૂજા-રાહુલ-રોહન'ને વેઠવાનો વારો નહીં આવે.

પૂજા-રાહુલ-રોહનનો પરિવાર ઉત્તર પ્રદેશમાં આવેલી દુનિયાની અજાયબી જેવા તાજમહાલથી માંડ વીસ કિ.મી. દૂર રેભા નામના ગામમાં રહે છે. તેની સાથે અન્ય ત્રણ ગામ સાથે મળી 'કાકરપુરા' નામની જૂથ પંચાયત બને છે અને તે અછનેર તાલુકામાં આવે છે. રેભામાં પરિવાર સાથે રહેતાં પૂજાને ગર્ભાશયમાં ચેપ લાગતાં, લાંબી બીમારીને અંતે ૨૫ વર્ષની કાચી વયે, ૧૯ જુલાઈ ૨૦૨૦ના રોજ તેમનું મૃત્યુ થયું. કાકરપુર ગ્રામ પંચાયતનાં ચાર ગામ વચ્ચે ૧૧ સ્મશાન સરકારી ચોપડે બોલે છે. નટ-બજાણિયા પરિવારોએ પણ સરકાર પાસે સ્મશાન માટે જમીન માગી હતી. સરકારે એમને જમીન ફાળવવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી ઉત્તર પ્રદેશની કોઈ પણ સરકારે એમને એવું લખીને આપ્યું ન હતું કે સરકારી જમીન પર અને સરકારી નાણાંથી બનેલા સ્મશાન પર તમામ નાગરિકોનો વપરાશ-અધિકાર હોય છે. ગામમાં દલિતો માટે સ્મશાન છે, પણ અખબારી અહેવાલો દર્શાવે છે કે તે જમીન પર બ્રાહ્મણોનું દબાણ છે. સારું કહેવાય; કમ-સે-કમ બાપડી તે જમીન તો આભડછેટમાંથી મુક્ત થઈ છે.

નટ-બજાણિયા પરિવારો માટે અલગ સ્મશાન તો ન હતું, પણ ‘ભલે કોઈ દેવી-દેવતા મારી વ્હારે ન આવે, બંધારણ મારુ રક્ષણ કરશે’ એવો એને અંદર ભરોસો હશે. એટલે પોતાની વ્હાલી પત્નીને અંતિમ વિદાય આપવા માટે તેમણે લાકડાં અને છાણાં ગોઠવીને ગામના સામૂહિક સ્મશાનમાં ચિતા ખડકી. પરણીને, નવોઢાના રૂપમાં જે સાડી પહેરીને પૂજા સાસરે આવી હતી, તે જ સાડીમાં તેનો મૃતદેહ લપેટાયેલો હતો. ચાર વર્ષનો રોહન માને અગ્નિદાહ આપવાનો હતો. રોહનને કોઈ મોટેરા ચિતાની પ્રદક્ષિણા કરાવતા હતા, ત્યાં જ ધમાલ મચી ગઈ.

બસો જેટલા ઠાકુરોનું ટોળું ત્યાં પહોંચી ગયું ને તેમના દેકારે ગામ ગજવ્યું. ઠાકુરોના સ્મશાનમાં દલિતની ચિતા સળગે જ કેમ? પોલીસને બોલાવવામાં આવી. ક્ષેત્રિય પોલીસ અધિકારી અને પોલીસમથકના અધિકારી અન્ય સરકારી અધિકારી સાથે આવી પહોંચ્યા. પણ આ તમામ અફસરો બંધારણની આબરૂના ધજાગરા ઊડતા રોકી ન શક્યા. છ કલાકની રક્ઝક-કાકલૂદી બાદ હારી થાકીને રાહુલે જે હાથથી પોતાની પત્નીનો મૃતદેહ ચિતા પર ખડક્યો હતો, તે જ હાથેથી નીચે ઉતાર્યો. ચિતામાં ગોઠવેલાં અને કંકુથી રંગાયેલાં લાકડાં અને છાણાં પણ છૂટાં કર્યાં. ત્યાંથી ચાર કિલોમીટર દૂર આવેલ 'નગલા લાલ દાસ' ગામે દલિતો માટે 'અનામત' સ્મશાન હતું. ત્યાં પૂજાની અંતિમ વિધિ સંપન્ન થઈ. હજુ હમણાં જ જાહેર થયેલી ભારતની 'નવી શિક્ષણનીતિ' આવનાર ૨૦ વર્ષમાં રોહનને દેશ, રાષ્ટ્ર, કાયદો, બંધારણ, ધર્મ, મૂલ્ય, નૈતિકતા, મૂળભૂત અધિકાર, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર વિશે જે નહીં શીખવી શકે, તેવા બોધપાઠ રોહનને ચાર વર્ષની ઉંમરે એ છ કલાક શીખવી ગયા.

ફરજચૂકની લાંબી યાદી

આ ઘટનાની પોલીસતપાસ નહીં થાય. કારણ કે રાહુલે ફરિયાદ જ નોંધાવી નથી. વાંક તો રાહુલનો જ કહેવાય કે એણે ફરિયાદ સુધ્ધાં ન નોંધાવી. રાહુલે એટલા માટે ફરિયાદ કરવાનું ટાળ્યું કે કમ સે કમ એનું બાકી રહેલું કુટુંબ 'શાંતિથી’ રહી શકે. નહેરુ-દલાઈ લામા-મધર ટેરેસા જેવા અનેક મહાનુભાવોના 'શાંતિ' સંદેશ જગતમાં મશહૂર થઈ ગયા છે. પરંતુ રાહુલનો આ 'શાંતિ-સંદેશ' પ્રચલિત નહિ બને; ભલે ને એની સાથે જે બન્યું તેની વીડિયો ક્લિપ બે લાખથી પણ વધુ લોકોએ જોઈ હોય. શું શાંતિના ઓઠા હેઠળ રાહુલ દલિતોને માર્મિક-ક્રાંતિકારી સંદેશો આપવા માગતો હતો કે 'દલિતોએ આ દેશમાં શાંતિથી જીવવું હોય તો બંધારણને ભૂલી જવું પડશે' ?

સાચી વાત તો એ છે કે રાહુલ જેને 'શાંતિ' કહે છે, તે હકીકતે 'સલામતી'. છે. ગામમાં એકેય નટ-બજાણિયા કુટુંબ પાસે સમ ખાવા પૂરતી જમીન પણ નથી. ઉત્તર પ્રદેશમાં, ક્યા પક્ષના અને કઈ જ્ઞાતિના મુખ્ય મંત્રીએ કઈ જ્ઞાતિની તરફેણમાં જમીન સુધારણા કાર્યક્રમનો કેટલો અમલ કર્યો, તે પૂછવાની હિમ્મત કદાચ રાહુલ પાસે હોય તો પણ એની વાત કોઈ સાંભળવાવાળું નહીં હોય. તેમનું જીવન મજૂરી પર નભે છે. તે પેલી જાતિના લોકો સામે અધિકાર માટે બાંય ચઢાવે, તો રોટલા વિના ટટળે. આ ગામમાં તો સાર્વજનિક હૅન્ડ પંપમાંથી માટલું પાણી ભરતાં દલિતોને કેટલા વાને સો કરવા પડે છે.

રાહુલને બીક લાગી તે સત્ય છે. કાયદા પ્રમાણે તો રાહુલ માટે ફરિયાદ જાતે નોંધાવવાનું જરૂરી જ ક્યાં હતું? ખુદ ક્ષેત્રિય પોલીસ અધિકારી અને પોલીસમથકના વડાની હાજરીમાં ગુનો બન્યો હતો. માટે, તે અધિકારી જાતે જ ફરિયાદી બની શકે. કાયદાના દાયરામાં પોતાના ભાગે આવતી ફરજને બાજુએ મૂકતાં, પોલીસ અધિકારી પણ તત્ત્વજ્ઞાનની વાતો કરવા માંડ્યા છેઃ "જાતિવાદ ઊંડે સુધી લોકોની રગેરગમાં ફેલાઈ ચુક્યો છે." રાહુલને સત્ય સમજાઈ ચૂક્યું હતું કે પોતાની જાહેરમાં થતી બેઇજ્જતીની વીડિયો જોનાર બે લાખ લોકો ભલે એને પડખે કદાચ હોય, પણ સત્તા અને ન્યાયતંત્ર એના પક્ષે નથી. એની સાથે થયેલી ઘટનામાં સર્વોચ્ચ અદાલતના કોઈ ન્યાયાધીશ 'બંધારણના તિરસ્કાર' સબબ 'સ્વપ્રેરિત' (સુઓમોટો) કાર્યવાહી નહીં કરે.

બ.સ.પા. સુપ્રીમો માયાવતી એકથી વધુ વાર રાજ્યનાં મુખ્ય મંત્રી રહી ચુક્યાં છે. તેમણે આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ માગી છે. ત્રણ હજાર વર્ષની વાત કોરાણે મૂકીએ, આઝાદીનાં ૭૩ વર્ષમાં દલિતો પર હિંસા સતત વધી રહી છે ત્યારે કેટલી અને ક્યાં સુધી તપાસ કરીશું? તપાસ પૂર્ણ થયા બાદ પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી ન્યાય ન મળ્યો હોય તેવા સેંકડો દાખલા મોજુદ છે. જેમ દેશના રાષ્ટ્ર પ્રમુખ દલિત હોવાથી દલિતોની જિંદગીમાં ફરક પડતો નથી; જેમ દલિત મુખ્ય મંત્રી હોવાથી ફરક પડતો નથી તેમ ભારતની સંસદનાં બંને ગૃહોમાં ૯૦થી વધુ દલિત સાંસદો હોવાથી પણ કોઈ ફરક પડતો નથી.

જાહેર સ્થળો પર સૌનો અધિકાર

ભારતની સાચી 'એકતા' અને 'અખંડિતતા'નાં દર્શન સ્મશાનભૂમિમાં જ થાય છે. 'હિંદુત્વ' કેટલું મજબૂત છે તેનાં દર્શન પણ આર.એસ.એસ.ને સ્મશાનભૂમિમાં જ થશે. જે સ્મશાનભૂમિને અલગ અલગ જાતિઓ પોતીકી દર્શાવે છે તે હકીકતે સરકારી છે. સરકારી સંસાધનો: તળાવ-કૂવા-સ્મશાન-બગીચા-સ્નાનઘાટ પર વપરાશનો બધા નાગરિકોનો સરખો અધિકાર છે. તે કાયદો આઝાદી પૂર્વે, બોમ્બે લૅજિસ્લેટિવ કાઉન્સિલમાં પસાર થયેલો અને તેના આધાર પર ડો. આંબેડકરે 'મહાડ સત્યાગ્રહ'નું આંદોલન ચલાવેલું. આઝાદી બાદ પ્રખ્યાત સામાજિક કાર્યકર ડો. બાબા આઢવે 'એક ગાંવ-એક પનઘટ' આંદોલન ચલાવેલું. આભડછેટ સામે જે પ્રચંડ આંદોલન આપણે ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં જોયાં તે આઝાદી બાદ આપણે થંભાવી દીધા. કારણ કે બંધારણમાં અસ્પૃશ્યતાના પાલનને આપણે ગુનો ગણ્યો, અત્યાચાર- વિરોધી કાયદો લાવ્યા અને અનામત નીતિ બનાવી સંતોષ માની લીધો.

ફરિયાદ કેવી ને વાત કેવી?

થોડા વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશના જૌનપુર વિસ્તારનાં કેટલાંક ગામડાંની મુલાકાત લીધી હતી. તેમાંનું એક ગામ અક્બરપુર. ત્યારે મુખ્ય મંત્રી દલિત હતાં. પાછલાં ઘણાં વર્ષોથી રાત-દિવસ દલિત અત્યાચારના મુદ્દે સંઘર્ષમાં કાર્યરત રહેનાર મિત્ર, 'ડાયનેમિક એક્શન ગ્રુપ'ના રામકુમાર મારી સાથે હતા. અમારી મુલાકાતના દોઢેક વર્ષ પહેલાં અકબરપુરમાં એક ઘટના બની હતી. સ્થળાંતર કરીને પેટિયું રળતા આઠ મુશહર પરિવારની ત્યાં વસ્તી હતી. છ મહિનાના સ્થાળાંતર બાદ, કાળી મજૂરીની કમાણી લઈને તે ગામ પરત આવ્યા હતા. તે રાત્રે બુકાનીધારીઓ બંદૂક સાથે ત્યાં તેમના ઘરે આવી પહોંચ્યા. દલિતો ડરેલા હતા. તેમણે તેમની સંપૂર્ણ કમાણી તેમના ચરણોમાં ધરી દીધી, એ આશા સાથે કે તેઓ સલામત રહેશે. બંદૂકધારી પૈસા તો લઇ ગયા પણ જતા પહેલા સ્ત્રી અને પુરુષોને અલગ-અલગ ઓરડામાં પૂરી બે નવજવાન સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર કર્યો. આ ઘરમાં પરણીને આવેલી સ્ત્રીએ હજુ પંદર દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો. બીજી સ્ત્રી આ કુટુંબની દીકરી હતી. તેનો પતિ બીજા રાજ્યમાં રળવા ગયો હોઈ તે પિયરમાં હતી.

હું ત્યાં ગયો ત્યારે પણ જુવાનજોધ પુરુષ પોતાના આંસુ ખાળી શકતો ન હતો અને આત્મહત્યા કરવાની વાત કરતો હતો. એનું મન પોતાની જાત પરના તિરસ્કારથી ભરાઈ ગયું હતું કે પોતે પોતાની પત્નીની ઈજ્જત ન બચાવી શક્યો. પૂછતાં ખબર પડી કે બળાત્કાર બાદ તેમને તબીબી સારવાર પણ મળી ન હતી. ઘટનાના દોઢ વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ ન હતી. કારણ પોલીસ સમજાવતી હતી કે તપાસ પૂર્ણ થાય પછી ફરિયાદ નોંધાય.

રાહુલે ખોટું ન લગાડવું જોઈએ. અખબારી અહેવાલો પ્રમાણે આ ગામમાં મુસ્લિમો પાસે પણ સ્મશાનની જમીન ન હોવાથી તે મૃતકોની અંતિમ વિધિ ઘરમાં જ કરે છે. કાશ્મીરમાં આતંકવાદીઓની ગોળીએ વીંધાઈને શહીદ થયેલા દલિત સૈનિકનો રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલો મૃતદેહ ઉત્તર પ્રદેશને ગામડે પહોંચ્યો ત્યારે કહેવાતી ઊંચી જાતવાળાઓએ તેની સ્મશાનવિધિ સામૂહિક સ્મશાનગૃહમાં રોકી હતી. તે અને તેવી ઘણી ઘટનાઓ 'ભેદભારત' પુસ્તકમાં નોંધાઈ છે.

મોંકાણ મસાણની

રાહુલે એટલા માટે પણ ખોટું ન લગાડવું જોઈએ, કારણ દલિતો પણ એ વાતે સહમત છે કે સ્મશાનભૂમિ જ્ઞાતિ અને પેટા-જ્ઞાતિ પ્રમાણે અલગ હોવી જોઈએ. ગુજરાતનાં ગામડાંમાં પણ આ જ ચાલે છે. દલિતોની સ્મશાનભૂમિમાં વાલ્મીકિની અંતિમ વિધિ અશક્ય છે. પેટાજ્ઞાતિની બહાર લગ્ન થઇ શકતાં નથી અને થાય તો હિંસામુક્ત રહેતા નથી. તેમ પેટાજ્ઞાતિની બહાર રહેવાનાં મકાન પણ ભાડે મળતાં નથી. ગામમાં અન્ય પેટાજ્ઞાતિની દલિત વસ્તી ખરી, પણ વાલ્મીકિ વસ્તી ન હોવાથી, તે ગામમાં શિક્ષક તરીકે નિમણૂક પામેલા અને ૧૫-૨૦ કિલોમીટર દૂરથી સાઇકલ પર આવ-જા કરતા વાલ્મીકિ શિક્ષકોની કથા ‘નવસર્જન’ના અહેવાલોમાં નોંધાઈ છે. ભારતનો 'રાષ્ટ્રવાદ' ડૉ આંબેડકરે ઘડેલા બંધારણ પર નહીં, પરંતુ જે વર્ણવ્યવસ્થાની નાબૂદી તે ઇચ્છતા હતા તેના પર ટકેલો છે. આમ જોવા જઈએ તો 'દલિત' ઓળખ એ માત્ર ભ્રમ છે. કારણ કે જ્ઞાતિ-પેટાજ્ઞાતિના સામ્રાજ્યમાં 'દલિત' ઓળખ નિર્મિત થઇ શકે તેમ છે જ નહીં.

આશા રાખીએ, ઘણા વર્ષોના સંઘર્ષ અને હિંસક રાજનીતિ બાદ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે, તેનાથી દલિતોનો ‘હિન્દુ' ધર્મ વધારે સુરક્ષિત થાય.

e.mail : martin.macwan@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 10-12

Loading

દેશને વિનોબા જેવા જાગતલની જરૂર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 August 2020

સર્વોદય આંદોલનના પ્રણેતા વિનોબા ભાવેની એક વાતે ટીકા કરવામાં આવે છે અને તે એક અર્થમાં ઉચિત પણ છે. વિનોબા ભાવેએ ભૂદાન આંદોલન અને ગ્રામદાન આંદોલન શરૂ કર્યું હતું. જેમની પાસે પરિવારના પોષણ માટે જરૂરી હોય એના કરતાં વધારે ભૂમિ હોય એ તેમની વધારાની જમીન ગામના જમીનવિહોણા ખેતમજૂરોને આપે. ગ્રામદાન દ્વારા ગામના લોકો જમીન પરનો માલિકી હક છોડે. તેમને સમૂહ ખેતી કરવી હોય તો સમૂહમાં કરે અને જો વ્યક્તિગત ખેતી કરવી હોય તો વ્યક્તિગત કરે, પણ જમીનની માલિકી એ વ્યક્તિની નહીં હોય. માલિકી ગામની હશે. આનાથી ફાયદો એ થશે કે જમીન ગામની બહારની કોઈ વ્યક્તિને વેચી ન શકાય. ગામની જમીનની માલિકી ગામની રહેશે. આગળ જતાં ગામનાં સંસાધનોની માલિકી ગામની રહેશે. શહેરી પૈસો ગામની ભૂમિ ઉપર કબજો નહીં જમાવે.

એ આ ધરતી ઉપર માનવજાત દ્વારા કરવામાં આવેલો એક અદ્ભુત પ્રયોગ હતો એની ના નહીં. વિનોબાને પણ એમ લાગતું હતું કે આ પ્રયોગ માલિકીભાવથી મુક્તિ આપે છે, સ્વાર્થભાવથી મુક્તિ આપે, છે, સંગ્રહ કરવાની મનોવૃત્તિથી મુક્તિ આપે છે, શહેરીકરણને રોકી શકે એમ છે, શહેરી પૈસાની વિકૃતિઓથી મુક્તિ આપે છે અને ગામડાંઓને તેનું સ્વરાજ આપી શકવાની ક્ષમતા રાખે છે. તેમની એ વાત પણ સાચી હતી. સમસ્યા પેદા થઈ વિનોબાજીના હજુ એક બીજા દૃષ્ટિકોણના કારણે અથવા વલણના કારણે. તેઓ એમ માનતા હતા કે સમાજમાં અને રાષ્ટ્રમાં જે ન બનવી જોઈએ એવી ઘટનાઓ બને છે, તેના તરફ ધ્યાન આપવાની બહુ જરૂર નથી. ભૂદાન અને ગ્રામદાન આદર્શ સમાજની રચના કરવાની સંભાવના રાખે છે અને પૂરી તાકાત લગાડીને સર્વોદય જમાતે એ કામ કરવું જોઈએ. આપણે બીમારીનાં કારણો દૂર કરવાના કામમાં લાગવાનું છે, બીમારીનાં લક્ષણોને નહીં. બીમારીનાં કારણો જશે તો બીમારી અને તેનાં લક્ષણો બન્ને જશે.

પહેલી નજરે આ દલીલ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી હતી અને લોકોને ઉતરી પણ ગઈ હતી, પરંતુ સમસ્યા એ હતી કે ભવિષ્યમાં આકાર પામનારા આદર્શ મહેલના બાંધકામમાં એકેએક કાર્યકર્તા લાગી જાય અને જે મકાનમાં (સમાજમાં) અત્યારે રહેતા હોઈએ ત્યાંની ગંદકીને સાફ કરનાર કોઈ ન હોય તો શું થાય? આ લાખ રૂપિયાનો સવાલ છે. કચરો તો રોજેરોજ સાફ કરવો જોઈએ. મારું બાળપણ મારાં ગામમાં ગારમાટીના મકાનમાં વીત્યું છે અને મને યાદ છે કે મારાં બા દિવસમાં બે વાર ઝાડુ મારતાં.

કોમવાદીઓ, જ્ઞાતિવાદીઓ, પ્રદેશવાદીઓ, ભાષાવાદીઓ, વંશવાદીઓ અને બીજા અનેક પ્રકારના અસ્મિતાવાદીઓ પોતપોતાના ઠરાવેલા દુશ્મનોને રંજાડતા હતા. આ દરેક પ્રકારના વાદીઓને દુશ્મન હોય જ છે અને જો દુશ્મન ન હોય તો એ ટકી ન શકે. આ લોકો પોતાની વગ જમાવવા નઠારાપણાનો આશરો લેતા હતા. ભારતને આઝાદી મળી એ પછી સંસદીય રાજકારણ અસ્તિત્વમાં આવ્યું, લોકોને વોટ બેંકમાં ફેરવવાની જરૂરિયાત અનુભવાઈ, શિક્ષણનો વિસ્તાર થવા લાગ્યો અને લોકોને પોતાની ઓળખનું ભાન થવા લાગ્યું, લોકોને જે તે ઓળખના નામે સંગઠિત કરવાનું શરૂ થયું અને અન્ય લોકો ઉપર વગ જમાવવા સંગઠિત લોકોનું સંગઠિત નઠારાપણું અસ્તિત્વમાં આવ્યું. આ સિવાય પરંપરાગત માનસને પરિણામે બનતી શરમજનક ઘટનાઓ તો ખરી જ. માત્ર નઠારી પ્રવૃત્તિ કરીને સત્તા મેળવવા કેટલાક રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા અને બીજા કેટલાક પક્ષોએ માફકસરનું નઠારાપણું રાજકારણના અનિવાર્ય અંગ તરીકે સ્વીકારી લીધું.

વિનોબાજીએ આવી જમીન ઉપરની નઠારી વાસ્તવિકતા તરફ જોઈએ એટલું ધ્યાન ન આપ્યું એવી તેમની આલોચના કરવામાં આવે છે. આમ છતાં આ દેશમાં અંતરાત્મા રખેવાળો જો કોઈએ સૌથી વધુ આપ્યા હોય તો એ ગાંધીવિચાર પરિવારે. ભારતમાં કોઈ પ્રદેશ એવો નથી અને એવો કોઈ દાયકો નથી કે નઠારાઓને ગાંધીજનોએ પડકાર્યા ન હોય. અનેક ગાંધીજનો વિનોબાજીને કહેતા હતા કે, બાબા દુર્જનોની દુર્જનતા સહન નથી થતી. આત્મા વલોવાય છે. તેમણે વિનોબાજીના દૃષ્ટિકોણથી અલગ પડીને દુર્જનોને પડકાર્યા હતા. આને કહેવાય મર્દાનગી. આને કહેવાય પ્રામાણિકતા. આને કહેવાય પારકી છઠ્ઠીના જાગતલ. ટોળે વળીને કોઈને મારવા એ કાયરતા છે અને અને મૂંગા રહેવું એ નીચતા છે.

હવે કલ્પના કરો કે વિનોબાજીએ તેમના નેતૃત્વમાં નઠારાપણા સામે અવાજ ઉઠાવીને હસ્તક્ષેપ કર્યો હોત તો? તો કદાચ દેશનો ઇતિહાસ જુદો હોત.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑગસ્ટ 2020

Loading

આસામની તારાજી માટે કોણ જવાબદાર? : પાળા પોલિટિક્સમાં દાયકાઓથી ડૂબી રહેલું રાજ્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 August 2020

પૂરના વિષચક્રમાંથી આસામના જનજીવનને છોડાવવું બહુ જ જરૂરી છે, રાજકારણ નહીં આકરી મજબૂત નીતિની જરૂર છે.

આ લખાઇને તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં આસામના પૂરથી પ્રભાવિત થયેલા 26 લાખ લોકો હજી પણ તેનાથી પ્રભાવિત જ હશે. આપણે કોરોનાના આંકડા, અયોધ્યામાં બનતું રામમંદિર, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ, હૉસ્પિટલ્સના તંત્ર, સેલફોન્સ, લૉકડાઉનનો ત્રાસ અને સોનુ સૂદ હવે નવું શું કરતો હશે એમાં જીવતા હોઇશું. ઉત્તર પૂર્વીય રાજ્યમાં પાણીથી તરબોળ થયેલી જિંદગીઓ પલળી ગયેલો કાગળ જેમ ફાટવા માંડે એવી જ સ્થિતિમાં હશે. આસામમાં કંઇ પહેલીવાર પૂર નથી આવ્યાં; આ તો કાયમનું છે અને કાયમની જેમ આ વર્ષે પણ આસામનાં પૂર હાંસિયામાં ધકેલાઇ ગયાં છે. અહીં રાજકીય સ્વાર્થની ગેરહાજરી અને નિરસતાની હાજરીની વાત કરવી તો જરૂરી છે જ પણ આસામનાં ભૂગોળને સમજવું પણ અનિવાર્ય છે.

આસામની વચ્ચોવચ વહેતી બ્રહ્મપુત્રા નદી એટલી વિશાળ છે કે તે સ્પેસમાંથી પણ દેખાય છે. અનેક પ્રવાહો ધરાવતી બ્રહ્મપુત્રા આસામ માટે શ્રાપ પણ છે અને આશિર્વાદ પણ છે. છેલ્લા છ દાયકામાં આસામમાં આવેલી વિવિધ સરકારોએ બ્રહ્મપુત્રા નદી ફરતે ઘણાં પાળા (Embankments) કર્યા. જેમ જેમ પાળા થતા જાય તેમ તેમ નદીનું સ્તર ઉપર આવે અને તેનું વહેણ ઝડપી બને અને પાળા હોય ત્યાંથી તો પાણી વહી જાય પણ જ્યાં તે પૂરા થતા હોય ત્યાં બમણા જોર અને પ્રમાણમાં પાણી ફરી વળે. હવે આમ જ થતું હોય તો પાળા શા માટે બંધાતા ગયા? આ પાળા બાંધવા પાછળ પણ રાજકારણની કોદાળી પાવડો જ કામ કરે છે. સમયાંતરે આ પાળાઓ ભેખડો ધસવાથી અને ભૂલ ભરેલી ગટર સિસ્ટમને કારણે નબળા પડતા ગયા છે. નદી કાંઠે લોકોનો વસ્તાર વધ્યો છે, પૂર્વીય હિમાલયનાં ગ્લેશિયર ક્લાઇમેટ ચેન્જને કારણે ઝડપથી પીગળે છે, જંગલો અને ડુંગરાઓનો સફાયો થાય છે અને પછી બાકીના પર પૂર પાણી ફેરવી દે છે જેના કારણે દર વર્ષે અંદાજે 8,000 ચોરસ કિલોમિટર જમીન ધોવાઇ જાય છે. આસામ તેના કાઝીરંગા નેશનલ પાર્ક માટે જાણીતું છે અને પહેલાં પ્રાણીઓ ઊંચાણવાળાં સ્થળે ખસી જતા તથા પૂરથી બચતા પણ હવે તો એ વિકલ્પ પણ નથી રહ્યો. નેશનલ પાર્કને માટે પૂર જરૂરી છે, એ હવે વાક્ય હવેનાં સંજોગોમાં લાગુ નથી પડતું કારણ કે ઊંચાણવાળાં સ્થળોએ પણ પાણી પહોંચી જાય છે અને પ્રાણીઓ પોતાની જાતને બચાવી નથી શકતાં. વિશ્વનાં બે તૃતિયાંશ ગેંડા કાઝીરંગામાં વસે છે પણ પૂરની તારાજીથી હવે આ ગર્વ આપણે કેટલો વખત લઇ શકીશું એ કહેવું મુશ્કેલ છે.

આ તો ભૌગોલિક સંજોગોની વાત થઇ જે આમ તો માનવ સર્જીત જ છે. પણ વિવેક બુદ્ધિ વાપરી આસામનાં આ ‘કાયમી’ પૂર અંગે વધુ જાગૃત થઇને નુકસાન ઓછું થાય તે દિશામાં તો કામ થઇ જ શકે છે. લાંબા વર્ષોની અવગણના આજની કથળેલી સ્થિતિ માટે જવાબદાર છે. બ્રહ્મપુત્રા નદી પર પાળા તો અંગ્રેજોના સમયથી બનાવાઇ રહ્યા છે કારણ કે આસામ અને બિહાર બંન્ને રાજ્યો રોકડિયા પાક માટે અંગ્રેજોનો સ્વાર્થ સાધવા જરૂરી હતા. સ્વતંત્રતા પછી તકલીફ એ થઇ કે અંગ્રેજોએ જે રસ્તો કાઢ્યો હતો એ સિવાય કોઇ બીજો વિકલ્પ હોઇ શકે કે હોવો જોઇએ એવું વિચારવાનું અત્યાર સુધીની એકેય સરકારને નથી સૂજ્યું. 30 હજાર કરોડને ખર્ચે અત્યાર સુધી માત્ર પાળા જ બંધાયા છે અને જે રીતે પૂરનો પ્રકોપ પ્રબળ બનતો જાય છે એ જોતાં એટલું તો સ્પષ્ટ છે જે કે પાળાઓથી કંઇ જ વળતું નથી. કમનસીબે સરકાર, વહીવટી તંત્ર બધું જ વાંક દેખાનું કામ કરે છે અને પ્રશ્નનો ઉકેલ લાવવામાં કોઇને રસ નથી. ઑલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયને વિરોધ નોંધાવી આ આપત્તિને રાષ્ટ્રીય આફત જાહેર કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વધુ ફંડની માગ કરી છે પણ સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતાં ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ફંડ રિલીઝ કરવાનું વધુ માફક આવે છે. આ બધામાં એવું ય થઇ રહ્યું છે કે સત્તાવાળા યોજનાઓ બનાવે રાખે છે અને બીજી તરફ નાગરિકો પાળાનું સમારકામ જાતે કરવા માંડે છે. આસામમાં જે પણ બંધ છે તે માત્ર હાઇડ્રોપાવરના ફાયદા માટે છે અને તેમાં પાણીના સંગ્રહની જરૂરિયાત પર ધ્યાન નથી અપાતું કે ન તો પૂર નિયંત્રણની કામગીરી માટે તેનો ઉપયોગ થાય છે – જે આમ તો કોઇ પણ બંધ બાંધવા માટેનાં મૂળ કારણ હોવા જોઇએ. પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોમાં પૂર અંગે વધુ જાગૃતિ અને આપત્તિ આવે તે પહેલાં, ત્યારે અને ત્યાર બાદની અસરોમાં ઝડપી કામગીરી કરવા માટે સ્થાનિક સત્તાધીશોની કાર્ય કુશળતા લેખે લાગે તે બહુ જરૂરી છે. આસામે, મેઘાલય જેવા પાડોશી રાજ્યો સાથે મળીને આ આફત સામે કામ કરવું પડશે કારણ કે ત્યાં પણ બ્રહ્મપુત્રા નદીનો તટ પ્રદેશ વિસ્તરેલો છે. પૂરના વિષચક્રમાંથી આસામનાં જનજીવનને છોડાવવું બહુ જ જરૂરી છે, રાજકારણ નહીં આકરી મજબૂત નીતિની જરૂર છે. દસકાઓથી માથે પડતી પૂરની પસ્તાળમાંથી આસામને મુક્ત કરાવવા માટે વિકાસશીલ સત્તાધીશો કેટલી રાહ જોશે? ભારત માત્ર પૈસા રળી આપતા મુખ્ય નગરોમાં નથી વસતું તે ગાદી પર બિરાજમાન નેતાઓને સમજાશે ખરું?

બાય ધી વેઃ

જળબંબાકાર આસામમાં લોકોને પીવા માટે પાણીનું ટીપું ય નથી હોતું. અહીં ચાંદીની ઇંટની નાટ્યાત્મક જાહેરાતોથી વાઇરસમાં મંદિર બનાવવાનો ઉત્સાહ ઉભરાઇ રહ્યો છે પણ દાયકાઓથી નિયમિતપણે પૂરમાં તારાજ થયેલી જિંદગીઓનું કઇ કરવું જોઇએ એ કોઇને ય નથી સૂજતું. આસામનાં લોકો આ અવગણનાથી ટેવાઇ ગયા છે, નસીબજોગે ત્યાં નવી પેઢી માગ કરતી તો થઇ છે પણ બહેરા સત્તાદીશો આ દિશામાં નજર કરે તો જ કંઇક બદલાઇ શકે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑગસ્ટ 2020 

Photos courtesy : BBC

Loading

...102030...2,2402,2412,2422,243...2,2502,2602,270...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved