Opinion Magazine
Number of visits: 9573988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂર્તિઓનાં જળવિસર્જનની ઘેલછા : મસમોટો અપરાધ

બીરેન કોઠારી|Opinion - Opinion|12 August 2020

કેટલા ય પાઠ એવા હોય છે કે અઘરે રસ્તે પણ આપણે તેને શીખવા માગતા નથી. કોવિડ-19ના પ્રકોપ જેવી, સદીમાં એકાદ વાર જવલ્લે પ્રસરતા વિશ્વવ્યાપી રોગચાળા જેવી ઘટનાથી મોટું બીજું કયું નિમિત્ત એ માટે જોઈએ? માર્ચ મહિનાના અંતથી ત્રણેક મહિના સુધી તો સંપૂર્ણપણે, અને છેલ્લા એકાદ મહિનાથી અંશત: માનવીય ગતિવિધિઓ થંભી ગઈ છે. તેની સીધી અને સવળી અસર પર્યાવરણ પર પડી રહી હોવાના અહેવાલો અનેક વાર આ ગાળામાં વખતોવખત પ્રકાશિત થતા રહ્યા છે. આમ છતાં, આપણા પર જાણે કે તેની કશી અસર જ નથી.

હવે ગણેશોત્સવની મોસમ આવશે અને હજી હમણાં જ દશામાના વ્રતની મોસમ ગઈ. દશામાની મૂર્તિઓ પાણીમાં વિસર્જિત કરવા પર વિવિધ શહેરનાં સત્તાતંત્રોએ પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જોવા મળ્યું હતું. કેટલેક ઠેકાણે એના માટે દંડ પણ ઘોષિત કરાયો હતો. આનું કારણ, અલબત્ત, તેને લઈને થનારું જળપ્રદૂષણ નહીં, પણ એ નિમિત્તે એકઠો થનારો જનસમૂહ અને તેના થકી કોરોનાના પ્રસારનો સંભવિત ખતરો હતો. એક અહેવાલ મુજબ, વડોદરામાં આ મૂર્તિઓનું વિસર્જન કરવા બાબતે રાજકીય પક્ષો વચ્ચે વિખવાદ થતાં વિવિધ સેવાભાવી સંસ્થાઓએ આ જવાબદારી ઉઠાવી લીધી હતી. તેને પગલે આશરે છ હજાર જેટલી મૂર્તિઓનું મહી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતમાં તંત્રે નદી પરના ઓવારા અને કૉઝ વે બંધ કરી દીધા હતા, પણ લોકોએ નહેરમાં આ મૂર્તિઓનું વિસર્જન કરી દીધું. આમ, લોકોની શ્રદ્ધા જળવાઈ ગઈ, અને પર્યાવરણને થતું નુકસાન પણ એમનું એમ રહ્યું. તાત્પર્ય એટલું કે એક મહત્ત્વનો પાઠ શીખવાનો હાથમાં આવેલો મોકો આપણે ગુમાવી બેઠા.

સામાન્યપણે લોકો એમ કહેતા જોવા મળે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સાવ પાતળી હોય છે. અનેક લોકોના મનમાં બાઝેલાં ગેરસમજણ અને અંધશ્રદ્ધાનાં બાવાજાળાં દૂર કર્યા એવા પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’એ સ્પષ્ટપણે, પોતાની આગવી શૈલીએ લખેલું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તત્ત્વત: કશો ભેદ નથી, અને બન્ને એક જ બાબત છે. મૂર્તિવિસર્જનની ઘેલછા આ હકીકતનો સચોટ પુરાવો છે. પીવાના પાણીની કાયમી અછત અનુભવતા આપણા દેશમાં જળઆયોજનના નામે મીંડું હોય, ત્યાં પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિઓ જળાશયોમાં વિસર્જિત કરવી કેવડો મોટો અપરાધ છે! જળપ્રદૂષણ કરતા તમામ ધર્મોના લોકોને આ હકીકત લાગુ પડે છે. આ અપરાધ કાનૂની ન હોવાને કારણે તેને રોકવા માટે કશાં પગલાં લેવાતાં નથી. સત્તાકારણીઓ સતત લોકરંજકતાનું રાજકારણ રમતા રહેતા હોવાથી તેઓ આવા ઘેલછાભર્યા કૃત્યોને પ્રોત્સાહન આપતા જોવા મળે છે, અને લોકોમાં એવી કોઈ જાગૃતિનો સદંતર અભાવ છે. જે તહેવારોની ઉજવણીમાં પર્યાવરણપ્રેમ અને કુદરતને સન્માનવાની લાગણી કેન્દ્રસ્થાને હતી, તેને બદલે હવે ધન તેમ જ સત્તાનો નિર્લજ્જ દેખાડો, હુંસાતુંસી, ઉન્માદ અને ઘેલછા સામૂહિક ઉજવણીનાં ચાલક બળ બની રહ્યાં છે. ઉત્તરોત્તર વધતાં જતાં આ લક્ષણોમાં વિનાશ નજર સામે જ કળાતો હોવા છતાં ક્યાં ય પાછા વળીને જોવાપણું થશે એમ લાગતું નહોતું. આવા સંજોગોમાં કોવિડ-19ના વિશ્વવ્યાપી રોગચાળાએ આ બાબતે ફેરવિચાર કરવાની તક પૂરી પાડી હતી. દશામાની મૂર્તિઓનું ધરાર જળવિસર્જન કરીને આપણે પુરવાર કરી આપ્યું છે કે આપણે સુધરવા માગતા નથી.

હજી મોડું થયું નથી. ઉન્માદની અવધિ જેવો ગણેશોત્સવ આવી જ રહ્યો છે. વૈશ્વિક રોગચાળાનો આ સમય ઉજવણીની આપણી પદ્ધતિ અને તેમાં પ્રવેશેલાં દૂષણો બાબતે ફેરવિચાર કરવા માટેની એક તક પૂરી પાડી રહ્યો છે, એમ સમજીને આ બાબતે નક્કર પગલાં ભરવાં જરૂરી છે. હવે એ બાબત કોઈને સમજાવવાની જરૂર નથી રહી કે મૂર્તિના કદને ઈશ્વર પ્રત્યેની આસ્થાના પ્રમાણ સાથે કશી લેવાદેવા નથી. સત્તાતંત્ર મૂર્તિના કદ બાબતે માર્ગદર્શિકા બહાર પાડે કે ન પાડે, સ્વબુદ્ધિએ આપણે નિર્ણય લેવાનો છે. પર્યાવરણની વિપરીત અસરોની જાણકારી માત્ર પાઠ્યપુસ્તકોમાં કે સરકારી જાહેરખબરોમાં જ પૂરાયેલી રાખવી છે કે તેનો સક્રિયપણે અમલ કરવો છે એ નિર્ણય લેવા માટેનો આ ઉત્તમ સમય છે. આજે જૂની ગણાતી પરંપરાનો આરંભ પણ ક્યારેક તો નાને પાયે, અને મોટે ભાગે કોઈ અન્ય હેતુથી જ થયો હશે. જે તે સમયે છૂટીછવાઈ થતી ઉજવણી સમયાંતરે અનેક કારણોસર પરંપરાનું સ્વરૂપ પકડી લે અને ધીમે ધીમે તેમાં અનેક દૂષણો ઉમેરાતાં જાય એવાં અનેક ઉદાહરણો લગભગ દરેક ધર્મની ઉજવણીઓમાં આસાનીથી જોવા મળી શકશે. પ્રત્યેક ઉજવણીના આરંભ પાછળ કોઈ ને કોઈ તર્ક અને પર્યાવરણ પ્રત્યેની નિસબત હોવાનાં કારણો સમજાવતો એક મોટો વર્ગ છે. આવો વર્ગ સિફતપૂર્વક ઉજવણીમાં પ્રવેશેલા વર્તમાન દૂષણને નજરઅંદાજ કરે છે. ભલભલા જાગ્રત અને વિચારશીલ નાગરિકો આ લક્ષણનો શિકાર બને છે, અને એવા ભ્રમમાં રાચતા જોવા મળે છે કે પોતે ભૂતકાળની ઉદાત્ત પરંપરાનું જ વહન કરી રહ્યા છે. 

વર્તમાન અને ભાવિ સમય એવો છે કે જળવાયુનું પ્રદૂષણ નોતરતી તમામ ઉજવણીઓ ફેરવિચાર માગી લેશે. સાથે એમ માનનારો વર્ગ પણ મોટો છે કે કેવળ હિન્દુઓના તહેવારની આવી ઉજવણીઓને જ શા માટે પ્રદૂષણકારક ગણવામાં આવે છે! પ્રદૂષણ કંઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, યહૂદી કે અન્ય કોઈ ધર્મને જાણતું નથી. કોઈ પણ ધર્મમાં, કોઈ પણ તહેવારની થતી જાહેર ઉજવણી જળવાયુનું પ્રદૂષણ કરવા માટે નિમિત્ત બનતી હોય તો તેના અંગે ફેરવિચાર કરવો રહ્યો. તેને બંધ કરવી રહી. આ આફતને પર્યાવરણ બચાવવાના અવસરમાં તબદીલ કરી લેવા જેવી છે! 

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 14-15

Loading

‘વિચારવલોણું’ખ્યાત સુરેશ પરીખની વિદાય

રજની દવે|Opinion - Opinion|12 August 2020

જુલાઇ 28, 2020નો મંગળવાર પ્રો. સુરેશ પરીખની વિદાયના અમંગળ સમાચાર લઈને આવ્યો. છેલ્લાં થોડાં વર્ષોમાં બીમારીને કારણે તેમના ઊભા થવાની આશા નહીંવત્ હતી. સુરેશભાઈ તેમના સ્નેહી મિત્ર ડૉ. અશોક ગોહિલને કહેતા, ‘ઈશ્વર આવે ને કહે ચાલો, તો સાથે ચાલી નીકળીએ, એવી આપણી તૈયારી હોવી જોઈએ.’

છેક ૧૯૭૭માં તેમણે વિચારવલોણું ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. તેના મુખ્ય ઉદ્દેશોમાં બૃહદ સિદ્ધાંતો ઉપરાંત પુસ્તકો-પુસ્તિકાઓ-સામયિકોનું પ્રકાશન મુખ્ય હતું. આ ઉપરાંત, અભ્યાસવર્તુળો અને શિબિરોનું આયોજન પણ ખરું. તેમનું બીજું સર્જન હતું : ’ક્રેસ્ટ એસોસિએટ્સ’ – ઉત્સાહી, સંવેદનશીલ, પ્રતિભાવાન વ્યક્તિઓનું સંગઠન. આ સંગઠન વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ગ્રામ વિકાસના કામમાં વાપરે તેવો પણ ઉદ્દેશ હતો. સુરેશભાઈનું ત્રીજું સર્જન એટલે ‘માનવવિકાસ કેન્દ્ર’. છેલ્લે તેમણે વર્ષ 2010માં ‘વિચારવલોણું પરિવાર ટ્રસ્ટ’ની અમદાવાદ ખાતે નોંધણી કરાવી. ઉપરાંત, તેમની કર્મભૂમિ વલ્લભ વિદ્યાનગરમાં પુસ્તકપ્રેમી પરિવાર પણ સ્થાપ્યો હતો.

પોતાનો પરિચય આપતાં એક વાર તેમણે કહ્યું હતું, “વર્ષો સુધી લોકો વાંચતા-વિચારતા થાય તેમ જ વાંચીને જીવન ગોઠવવાનો પ્રયત્ન કરતા હોય તેને મદદગાર થવું, તેવું કામ કરતો આવ્યો છું.” તે આજીવન સુરેશભાઈનો જીવનમંત્ર રહ્યો. ‘વિચારવલોણુ’નાં પ્રકાશનોની શરૂઆત વર્ષ 1985માં પુસ્તિકા ‘પામવું કે હોવું’(લેખકઃ ભુવનેશ ઓઝા)થી થઈ. અત્યાર સુધીમાં તે ઉપક્રમે આશરે 170 પુસ્તિકાઓ પ્રગટ થઈ હશે. "માણસ ગોઠવો તો દુનિયા ગોઠવાઈ જાય” તે પણ તેમનો કાર્યમંત્ર રહ્યો. વ્યક્તિપરિવર્તન અને વ્યવસ્થાપરિવર્તનમાંથી વ્યક્તિપરિવર્તન પર તેમની પસંદગી છેક સુધી રહી અને તે રીતે પ્રકાશનોની પસંદગી થતી રહી.

યુવાવસ્થામાં સુરેશભાઈ વિમલાબહેન ઠકારના સંપર્કમાં આવેલા. ઉપરાંત, ગાંધીવિચારના સંસ્કાર પરિવારમાંથી મળ્યા હતા. ક્યારેક તેમની વાણીમાં ગાંધી પ્રગટે, કયારેક ઓશો આવી જાય અને ક્યારેક જે. કૃષ્ણમૂર્તિ. આ બધા વચ્ચેની ભીતરી સમાનતા છે કે નહીં તે નક્કી કરવાનું સાંભળનારા પણ છોડી દે. જે વખતે જેવો માર્મિક ઘા કરવાનો હોય તેવો કરે. "હું કયાં કંઈ કામ કરવા આવ્યો છું.” તેમ વારંવાર કહેનાર કરનાર સુરેશભાઈ વણબોલ્યે એમ પણ જણાવતા લાગે કે “હું ક્યાં તમારા મનનું સમાધાન કરવા આવ્યો છું?” તે વારંવાર સ્કૂલના ઘંટનું ઉદાહરણ આપીને કહેતા, “ઘંટ વાગે અને સૌ આઘાપાછા થાય, ઘંટ ત્યાંનો ત્યાં જ રહે.”.

રાજપીપળામાં સન 1933માં જન્મેલા સુરેશભાઈ સુરત-મુંબઈ ભણીને એન્જિનિયર બન્યા અને વલ્લભ વિદ્યાનગરમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી. થોડો સમય મુંબઈમાં સરકારી નોકરી કરી, લોકભારતી (સણોસરા)માં ગ્રામટૅક્નોલોજીનું શિક્ષણ આપ્યું. વિનોબાની ભૂદાન-યાત્રામાં થોડા વખત માટે સક્રિય રહ્યા. સુરત તેમ જ વલ્લભ વિદ્યાનગરમાં એન્જિનિયરિંગના અધ્યાપક તરીકે ૩૩ વર્ષ સુધી કામ કર્યા પછી, ૧૯૯૧માં તે નિવૃત્તિવય કરતાં ત્રણ વર્ષ વહેલા નિવૃત્ત થયા. હૈદરાબાદનાં સુશીલાબહેન સાથે ૧૯૭૦માં તેમનાં લગ્ન થયાં. ૨૦૦૯માં સુશીલાબહેનના અવસાન પછી પણ સુરેશભાઈએ ખંતપૂર્વક તેમનું વિચારવલોણું ચાલતું રાખીને ગુજરાતના વૈચારિક જીવનને સમૃદ્ધ કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 16

Loading

મંદિરની બાબત

આત્મારામ ડોડિયા|Opinion - Opinion|11 August 2020

હવાઓ ખળભળી જ્યાં સળવળી મંદિરની બાબત
ફરી ભયભીત કરવા નીકળી મંદિરની બાબત

રહે અકબંધ ભ્રમણા ને સિંહાસન જાય ના છૂટી
જઇને રાજનીતિમાં ભળી મંદિરની બાબત

અહીં તો ધર્મ તે અફીણ ને તેના જ સૌ આદી
નશો કરવા જ જાણે કે મળી મંદિરની બાબત

ભળ્યું જે અન્નરસમાં ઝેર તે આતંક ફેલાવે
ઘઉં ને બાજરી સાથે દળી મંદિરની બાબત

બીમારી, ભૂખ બાળકને ભણાવી પણ નથી શકતી
અને આ બાબતે તો આંધળી મંદિરની બાબત

ન આવ્યા પ્રશ્ન મુંઝવતા કદીયે કોઈના હોઠે
કહી સૌએ, બધાએ સાંભળી મંદિરની બાબત

પાડોશી ભાઈચારામાં જ કરતા થઇ ગયા શંકા
કરે છે ત્યાં ય જઇ જઇને સળી મંદિરની બાબત

વળી છે કળ હજી હમણાં જ દૃશ્યો ભયજનક ભૂલી
ઘરો જંપ્યા જરા ને ત્યાં વળી મંદિરની બાબત

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 15

Loading

...102030...2,2292,2302,2312,232...2,2402,2502,260...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved