Opinion Magazine
Number of visits: 9574663
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘માલી બુક ની લઈ જતા.’

અંકિત દેસાઈ|Opinion - Opinion|28 August 2020

આશુ પટેલનો આજે બપોરે ઝવેરચંદ મેઘાણીના સંદર્ભમાં ફોન આવ્યો, તો વાતવાતમાં મને એક સરસ મજાનો કિસ્સો યાદ આવ્યો. કિસ્સો એમ છે કે ગયા જાન્યુઆરીમાં મહેન્દ્ર મેઘાણીએ ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ નામે ઝવેરચંદ મેઘાણી સાહિત્યનો એક દળદાર સંપાદન ગ્રંથ આપ્યો હતો, અને મારી જેમ અનેક મેઘાણી સાહિત્ય પ્રેમીઓએ એ ગ્રંથ મગાવી લીધેલો. ડિસ્કાઉન્ટ પણ તોતિંગ હતું!

એ ગ્રંથ જ્યારે ઘરે આવેલો ત્યારે મારો દીકરો સ્વર મારી પાસે જ હતો એટલે મેં તેની પાસે પુસ્તકોનું કુરિયર ખોલાવેલું. અને ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ પુસ્તકનું કવર પણ પીળા રંગનું એવું જ આકર્ષક, બાળકોને તો ખાસ ગમી જાય એવું. એટલે સ્વરભાઈને એ પુસ્તક સાથે જરા વિશેષ પ્રીતિ બંધાઈ ગયેલી.

વળી એ પુસ્તકમાં જ ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ અને ‘ચારણકન્યા’ જેવી મેઘાણીની કેટલીક ચૂંટેલી રચનાઓ છે. એટલે ક્યારેક ક્યારેક સ્વરલાલને એમાંથી ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ અને ‘ચારણકન્યા’ સંભળાવું. લૉકડાઉન વનમાં તો લગભગ રોજ રાત્રે સૂતાં પહેલાં હું એને ‘ચારણકન્યા’ના બે-બે પેરા વારંવાર સંભળાવતો અને એના અર્થો સમજાવતો.

આમ, પોતે જ પુસ્તકનું કુરિયર ખોલ્યું હતું અને રોજ તેને એમાંથી કવિતા સંભળાવતો હતો એટલે સ્વરલાલના મનમાં એમ જ ચાલે કે આ પુસ્તક મારું જ છે. મારું એટલે મારા એકલાનું જ! પાપાનું પણ નહીં!

જો કે તેની પઝેસિવનેસ વિશે ત્યારે ખબર પડી જ્યારે અમારા મકાનના એક વડીલ એ પુસ્તક લઈ ગયા. વાત એમ છે કે અમારા મકાનમાં નવમે માળે એક વડીલ રહે અને એ વડીલ આખા લૉકડાઉન દરમિયાન મારે ત્યાંથી થોકબંધ પુસ્તકો લઈ જાય અને એ પુસ્તકો વંચાઈ જાય એટલે જૂનાં પુસ્તકો મૂકીને નવાં પસંદ કરી લઈ જાય.

એવામાં એકવાર એ વડીલ મેઘાણીનું ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ પસંદ કરીને લઈ જતા હતા અને સ્વરભાઈ એ જોઈ ગયા. જોતાવેંત તેણે સત્તાવાર જાહેરાત કરી કે, ‘માલી બુક ની લઈ જતા.’

પેલા કાકાને તો કંઈ તેની કાલીઘેલી ભાષામાં સમજ ન પડી. અને પહેલી વખત સ્વરે જે રિએક્શન આપ્યું હતું એ અમે પણ સમજી નહોતા શક્યા કે એ કહેવા શું માગે છે અને કઈ બાબતને લઈને સ્વર પેલા કાકાને પુસ્તક લઈ જવાની ના પાડે છે.

કાકા તો રુટિન પ્રમાણે પુસ્તક લઈને જતા રહ્યા, પરંતુ એ ગયા કે ગયા સ્વર તો પોક મૂકીને રડવા માંડ્યો અને મારી બુક હમણાં જ જોઈએ જ એમ જિદે ચઢ્યો. મને તો ત્યારે ય નહોતું સમજાયું કે સ્વરનું આ રીતે રડવું માત્ર એક જ પુસ્તક પ્રત્યેની પ્રીતિ છે.

એટલે એ દિવસે તો તેને સમજાવીને છાનો રાખ્યો, પરંતુ થોડા દિવસો પછી જ્યારે પેલા વડીલ જૂના પુસ્તકો લઈને આવ્યા ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થયું કે સ્વરભાઈને માત્ર મેઘાણીના પુસ્તક સાથે જ નિસ્બત છે. કારણ કે કાકાએ અમારે ઘેર આવીને તેમની થેલીમાંથી જેવાં પુસ્તકો બહાર કાઢ્યાં કે સ્વર દોડીને આવ્યો અને માત્ર ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ લઈને ભાગી છૂટ્યો. આ તો ઠીક અંદરના ઓરડામાં જઈને એ પુસ્તક સંતાડી આવ્યો અને કાકા ગયા પછી જ પુસ્તક બહાર કાઢીને ડ્રોઈંગરૂમમાં તેની મૂળ જગ્યાએ ગોઠવી દીધું.

પછી તો જ્યારે જ્યારે કાકા ઘરે આવે કે સ્વરભાઈ જાણે સિયાચેનની જમીન સાચવવાનો હોય એમ ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ તેની મૂળ જગ્યાએથી લઈને અંદરના ઓરડામાં જતો રહે અને કાકા જાય પછી જ એ પુસ્તક પાછો લાવે.

એક રીતે જોવા જઈએ તો આ વાત બાળકની નિર્દોષતાની રમૂજ લાગે. પરંતુ બીજી રીતે વિચારીએ તો મેઘાણીની રચનાઓનો કેટલો પ્રભાવ હશે આખા ય ગ્રંથમાંથી માત્ર ‘ચારણકન્યા’ અને ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ વિશે જ જાણકારી અને સમજણ હોવા છતાં એક બાળક મેઘાણીનાં પુસ્તક બાબતે પઝેસિવ છે. સાહિત્યની સાર્થકતા પણ તો આખરે એમાં જ છેને? અને એને જ કદાચ ચિરંજીવી સાહિત્ય પણ કહેવાતું હશે. નહીંતર હજુ સરખું બોલતા પણ નહીં શીખેલી આજની પેઢી અમસ્તી એ લખાણનાં મોહમાં વશીભૂત થતી હશે?

આશુભાઈને આ વાત કહી તો એ તો ખુશીથી ઝૂમી ઊઠ્યા અને કહે મેઘાણીના જન્મ દિવસે આ પ્રસંગ શેર થવો જ જોઈએ. આખરે મેઘાણી અમસ્તા જ લોકપ્રિય નથી કે નથી તો અમસ્તા જ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા. તેમની પ્રચંડ લોકપ્રિયતા આજે ય, આજની પેઢીમાં ય અકબંધ છે.

[સૌજન્ય : અંકિતભાઈ દેસાઈની ફેઈસબૂક વૉલ પરેથી સાભાર]

Loading

જોઈએ છે : દેશને મજબૂત વિપક્ષ અને વિકલ્પ

રમેશ ઓઝા|Opinion - Opinion|27 August 2020

સોમવારે કૉંગ્રેસની કાર્યસમિતિમાં જે રીતની ચર્ચા થઈ અને જે નિર્ણય લેવાયો એનાથી કોંગ્રેસીઓને નિરાંત થઈ કે નિરાશા એ આપણે જાણતા નથી, પરંતુ દેશના લોકતંત્રની ખેવના કરનારાઓને તો નિરાશા જરૂર થઈ હશે. દેશને અત્યારે મજબૂત વિરોધ પક્ષની અને રાજકીય વિકલ્પની જરૂર છે. આ બન્ને કામ કૉંગ્રેસ કરી શકે એમ છે, પરંતુ એ પહેલાં કૉંગ્રેસે ચુસ્તદૂરુસ્ત થવું પડે એમ છે. એમાં કોઈ શંકા નથી કે કૉંગ્રેસ અત્યારે બીમાર અવસ્થામાં છે અને તેને સાજા થવાની જરૂર છે.

ત્રણ પ્રશ્ને કૉંગ્રેસના નેતાઓએ નિર્ણય લેવો પડે એમ છે. એ ત્રણ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે વિચારધારાનો. ભલે પચીસ વરસ વિરોધ પક્ષમાં રહેવું પડે, પણ આઝાદીના આંદોલનમાં ભારત વિશેની જે કલ્પના (આઇડિયા ઓફ ઇન્ડિયા) વિકસી છે એને માટે કૉંગ્રેસ સમર્પિત હોવી જોઈએ. કૉંગ્રેસે એ કલ્પના વિકસાવી હતી, કૉંગ્રેસે એ કલ્પનાનું પોષણ કર્યું છે, કૉંગ્રેસે એ મુજબ રાષ્ટ્રઘડતર કર્યું હતું અને કૉંગ્રેસ એ કલ્પનાના વિરોધીઓ સામે રાજકીય રીતે ઝઝૂમી હતી. હિંદુ રાષ્ટ્રવાદની સામેનો ધ્રુવ સર્વસમાવેશક રાષ્ટ્રવાદનો છે. આજે હિંદુ રાષ્ટ્રવાદ આક્રમક છે તો એનો અર્થ એવો નથી કે તેનું ક્યારે ય પતન નહીં થાય. એકાદ દશકામાં નવમૂડીવાદ રાષ્ટ્રવાદને ભરખી જવાનો. અત્યારે જે અંધાધૂંધ ખાનગીકરણ થઈ રહ્યું છે એ આ વાત સાબિત કરે છે. લોકોને ડરાવી, રડાવી અને લડાવીને રાજકારણ કરવું હોય તો મજબૂત પ્રચારયંત્રણા જોઈએ અને એ નાણાં વિના શક્ય નથી.

આવી લઘુતાગ્રંથિના રાજકારણનો વિકલ્પ છે આત્મવિશ્વાસથી ભરપૂર સર્વસમાવેશક ભારતીય રાષ્ટ્રવાદનો. કૉંગ્રેસ એનું પ્રતિનિધિત્વ કરતી હતી અને ભવિષ્યમાં પણ કરવું જોઈએ. હિંદુઓના મત ગુમાવવાના ડરથી કૉંગ્રેસ હિંદુ તરફી સમાધાનકારી રાજકારણ કરશે તો તે ફાવે એ શક્યતા ઓછી છે. હિંદુઓને રીઝવવામાં જેમની મહારથ છે એની સામે મુકાબલો કરવાનો કોઈ અર્થ નથી. હકીકતમાં ૧૯૮૯ની સાલથી કૉંગ્રેસ હિંદુઓથી ડરીને રાજકારણ કરે છે જેને પરિણામે કૉંગ્રેસ માટે બાવાના બેઉ બગડ્યા જેવું થયું છે. હિંદુ કોમવાદીઓના મત મળ્યા નહીં અને ઉદારમતવાદીઓના મત ગુમાવ્યા. ટૂંકમાં કૉંગ્રેસે તેના મૂળ સ્થાને પાછા ફરવું જોઈએ અને હિંમતથી પાછા ફરવું જોઈએ. પછી સત્તામાં પાછા ફરતા ભલે દાયકો-બે દાયકા લાગે. કોંગ્રેસીઓએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભારતમાં ઉદારમતવાદી હિંદુઓ આજે પણ બહુમતીમાં છે અને જે ભ્રમિત છે તેમનો ભ્રમ ભાંગશે.

પણ અત્યારની કૉંગ્રેસ માટે આ શક્ય છે? એ જ તો ખાટલે મોટી ખોડ છે. સોમવારની બેઠકમાં કૉંગ્રેસ કાર્યસમિતિના સભ્યોએ સાત કલાક ચર્ચા કરી, પણ એમાં કૉંગ્રેસ શા માટે એની કોઈ ચર્ચા જ કોઈએ નહીં કરી. કૉંગ્રેસના જે ૨૩ નેતાઓએ કૉંગ્રેસના હંગામી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો એમાં પણ વિચારધારાની વાત આવતી નથી. કૉંગ્રેસ શા માટે એ જો ખૂંટો રોપાઈ જાય તો એ પછી કૉંગ્રેસને ઊભી કરનારા મળી રહેશે.

બીજો પ્રશ્ન એ છે કે ગાંધીપરિવારનું શું કરવું? એક સમયે નેહરુ-ગાંધી પરિવાર બે ભૂમિકા ભજવતો હતો. એક ભૂમિકા હતી કોંગ્રેસીઓને જોડી રાખવાની અને બીજી ભૂમિકા હતી દેશની જનતાને કૉંગ્રેસને મત આપવા માટે પ્રેરિત કરવાની. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ બીજી શક્તિ  ગાંધીપરિવારે ગુમાવી દીધી છે. હજુ આજે પણ કોંગ્રેસીઓને જોડી રાખવામાં પરિવાર સફળ નીવડી રહ્યો છે, પણ હજુ આગળ કેટલો સમય? મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ૨૩ કાઁગ્રેસીઓનો પત્ર સંકેત આપે છે કે એનો પણ હવે અંત આવી રહ્યો છે. કાઁગ્રેસીઓ પરિવારની વાત સાંભળે છે  એનું કારણ એ નથી કે પરિવારની આણ કે પ્રતિષ્ઠા છે, પરંતુ તેઓ એકબીજાને નકારે છે. તેઓ કોઈને નકારવા માટે અથવા કોઈના નકારથી બચવા માટે પરિવારનો ઉપયોગ કરે છે. જ્યાં સુધી પરિણામ મળશે ત્યાં સુધી સાંભળશે અને જ્યારે પરિણામ નહીં મળે ત્યારે આપસમાં લડી લેશે, પણ પરિવારને સાંભળવાનું બંધ કરી દેશે.

શું સોનિયા ગાંધીને, રાહુલ-પ્રિયંકા ભાઈબહેનને અને વરિષ્ઠ કાઁગ્રેસીઓને એટલી વાત નથી સમજાતી કે પરિવારે પ્રજાને પ્રેરવાની મહત્ત્વની શક્તિ તો સાવ ગુમાવી દીધી છે અને બીજી કાઁગ્રેસીઓને જોડી રાખવાની શક્તિ પણ ધીરેધીરે ગુમાવી રહી છે? જો વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરવામાં આવે તો એક દિવસ પરિવાર આબરૂ ગુમાવશે અને કૉંગ્રેસમાં યાદવાસ્થળી થશે અને ખતમ થઈ જશે.

તો પરિવાર સામે અને કાઁગ્રેસીઓ સામે બીજો પ્રશ્ન છે પરિવારનું શું કરવું? કૉંગ્રેસ કાર્યસમિતિમાં (અને બહાર પણ) પરિવારના ગુણદોષની ચર્ચા નહોતી થઈ. એ પછી ત્રીજો મુંઝવનારો પ્રશ્ન કાઁગ્રેસીઓ સમક્ષ છે જેને ભારતીય રાજ્યશાસ્ત્રમાં ‘કૉંગ્રેસ સીસ્ટમ’ તરીકે ઓળખાવવામાં આવે છે. ૧૯૬૦ના દાયકામાં જાણીતા સમાજશાસ્ત્રી રજની કોઠારીએ ભારતીય રાજકારણના બદલાયેલા સ્વરૂપને કૉંગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવ્યું હતું. કૉંગ્રેસ સીસ્ટમ એટલે ઈલેકશન મેનેજમેન્ટ. એક એવી સીસ્ટમ જે ચૂંણની જીતાડી આપે. જે સત્તામાં પુન: પુન: સ્થાપિત કરી આપે. કૉંગ્રેસ સતામાં હતી એટલે કૉંગ્રેસે આવી એક સીસ્ટમ વિકસાવી હતી અથવા વિકસી હતી જે હવે બધા પક્ષોએ અપનાવી છે. ભારતીય જનતા પક્ષ પણ આનાથી મુક્ત નથી. આ કૉંગ્રેસ સીસ્ટમ ઇન્ડિયન પોલીટિકલ સીસ્ટમ બની ગઈ છે.

શરૂઆત કૉંગ્રેસે કરી હતી એટલે તેનું પરિણામ કૉંગ્રેસ ભોગવી રહી છે. બીજા પક્ષો પણ હવે કિંમત ચૂકવતા થયા છે અને બી.જે.પી.નો વારો હવે પછી આવશે. કૉંગ્રેસ સીસ્ટમનો પહેલો ભોગ પક્ષઅંતર્ગત લોકતંત્ર બને છે. પક્ષ લોકસંગઠન મટી જાય છે એટલે લોકનેતા મળતા બંધ થઈ જાય છે. કૉંગ્રેસ પાસે આજે નેતાઓ છે, લોકનેતાઓ નથી. કૉંગ્રેસ સીસ્ટમે તેનું કાસળ કાઢી નાખ્યું છે. જે ૨૩ નેતાઓએ પત્ર લખ્યો હતો એમાંના કોઈ લોકનેતા નથી. કપિલ સિબ્બલ, શશી થરૂર અને બાકીના બધા નેતાઓ સીધા ઉપરથી આવીને નેતા બન્યા છે. કોઈએ શરદ પવાર કે નરેન્દ્ર મોદીની માફક નીચેથી શરૂઆત નથી કરી. તેઓ પોતે કૉંગ્રેસ સીસ્ટમનું સર્જન છે.

આમ આ કૉંગ્રેસ સીસ્ટમનું શું કરવું એ ત્રીજો પ્રશ્ન છે અને સોમવારની કાર્યસમિતિમાં એના વિષે પણ કોઈ વાત નહોતી થઈ. જ્યાં સુધી કૉંગ્રેસ આ ત્રણ પ્રશ્નો હાથ નહીં ધરે ત્યાં સુધી કૉંગ્રેસનો ઉદ્ધાર થવાનો નથી અને ભારતીય લોકતંત્રના ભવિષ્ય વિશેની આપણી ચિંતાનો અંત આવવાનો નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 ઑગસ્ટ 2020

Loading

હો આવ્યા આવ્યા ખેલૈયા આવિયા રંગરાજિયા ખેલૈયા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 August 2020

હૈયાને દરબાર

૧૯૮૧ની સાલ અને ૧૭ સપ્ટેમ્બરનો દિવસ ગુજરાતી નાટ્યજગતમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયો. શું અસબાબ હતો એ નાટકનો ને શું પ્રચંડ લોકપ્રિયતા! કેટલાક દર્શકો તો દરેક શોમાં એક, બે નહીં પચ્ચીસ વાર હાજર. પૃથ્વી થિયેટરને ફેમસ કરનાર તેમ જ ટાટા થિયેટરને છલકાવી દેનાર એ નાટક એટલે ‘ખેલૈયા’. જબરજસ્ત ગુજરાતી મ્યુઝિકલ પ્લે!

ગીતો તો એવાં રમતિયાળ કે લોકો આજે ય ભૂલી શકતા નથી. પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, દર્શન જરીવાલા, ઉદય શેટ્ટી, કિરણ પુરોહિત, સુરેન ઠાકર, મમતા શેઠ જેવા જાંબાઝ કલાકારો. આમિર ખાન એમાં બેક સ્ટેજ કરે, બોલો! ચંદ્રકાન્ત શાહ નાટ્યલેખક, રજત ધોળકિયા સંગીતકાર અને મહેન્દ્ર જોશી દિગ્દર્શક. સ્ટાર સ્ટડેડ પ્લે કહીએ ને, બસ એવું જ! જો કે, આ સ્ટાર્સ એ વખતે તો લબૂક ઝબૂક થતા વીસ-બાવીસ વર્ષના નાના છોકરડા! પણ, દરેકનો સ્પાર્ક એવો હતો કે એ બધા તેજોમય સૂરજ થઈને નાટ્યજગતને અજવાળશે એનો અંદેશો બધાને આવી જ ગયો હશે. ને સાહેબ, એક નાટકમાં સોળ-સત્તર ગીતો! નવી-આધુનિક રંગભૂમિમાં આ તદ્દન નવતર પ્રયોગ હતો. બ્રોડવે મ્યુઝિકલ્સ પ્રકારનો. ઓફકોર્સ, એવી ભવ્ય મંચસજ્જા નહીં, પણ થીમ આખી એવી. ૨૨૦ની કેપેસિટી ધરાવતા પૃથ્વી થિયેટરમાં શો ભજવાય ત્યારે દરેક શોમાં ત્રણસો દર્શકો આવી જાય, જેમાંના કેટલાક ગેટ પાસે ઊભા રહીને જુએ, કેટલાક બેક સ્ટેજની વિંગમાંથી. ક્યારેક તો એટલો ધસારો થાય કે સ્ટેજ ઉપર બન્ને બાજુ એમને લાઈનબંધ બેસાડી દેવા પડે! કલાકારો તો સક્ષમ હતા જ પણ નાટકનું સંગીતેય કાબિલેદાદ! આ મ્યુઝિકલ પ્લેના રજત ધોળકિયાએ કમ્પોઝ કરેલાં ગીતો અને એની કથા જ નાટકનો જાન હતાં!

આ નાટકના કયા ગીત વિશે વાત કરું એ બહુ મોટી દુવિધા છે. કોઈક ગીતના શબ્દો અદ્ભુત છે તો કોઈકનું સંગીત. કોઈની વળી સિચ્યુએશન સરસ છે. એટલે પહેલાં તો આ સંગીતમય નાટકના સર્જનની વાત કરું.

અમેરિકાના બોસ્ટન શહેરમાં કવિ-નાટ્યલેખક ચંદ્રકાન્ત શાહ રહે છે. ચંદુના નામે મિત્રો સંબોધે છે. ચાર વર્ષ પહેલાં એમની એક પાર્ટીમાં આ નાટકના અમુક કલાકારોને ‘ખેલૈયા’ના ટાઈટલ સોંગ પર ઝૂમતા-ગાતા જોઈને વિચાર આવ્યો કે કોઈક નાટક કેવી સહજ રીતે કલાકારની જિંદગીનું અવિભાજ્ય અંગ બની જાય છે! જે મસ્તીથી બધાં ગાતાં હતાં એ દૃશ્ય મારા મન પર અંકિત થઈ ગયું હતું.

આ સદાબહાર ગીતો તથા નાટ્યસર્જન વિશે અમેરિકાથી રાત્રે બાર વાગે ઉત્સાહપૂર્વક વાત કરતાં ચંદ્રકાન્ત શાહ કહે છે, ‘’ખેલૈયા’ની વાત આવે એટલે હું ચાર્જ્ડ અપ થઈ જાઉં છું. આ નાટક મૂળ ‘ધ ફેન્ટાસ્ટિક્સ’ નામના ૧૯૬૦માં ભજવાયેલા ઓફ્ફ બ્રોડવે મ્યુઝિકલનું નાટ્ય રૂપાંતર છે. અમારા નાટ્યગુરુ, દિગ્દર્શક દિનકર જાનીની નજરે આ નાટક પડ્યું. એમણે કોઈ નાટ્યસંગ્રહમાં એ વાંચ્યું હતું. એમના અને મહેન્દ્ર જોશીના સૂચનથી મેં એનું નાટ્ય રૂપાંતર કર્યું. ‘ધ ફેન્ટાસ્ટિક્સ’ની લોકપ્રિયતા એટલી બધી હતી કે અમેરિકામાં એ ૪૨ વર્ષ ચાલ્યું હતું. મારા હાથમાં તો હીરો આવી ગયો હોય એવું લાગ્યું. મચી પડ્યો લખવા. નાટ્ય કલાકારોનો મીઠીબાઈ અને એન.એમ. કોલેજમાં અડ્ડો. ફિરોઝ, પરેશ, હનીફ, દર્શન એ બધા મિત્રો તથા નાટકના જીવ એટલે કલાકારો બીજે શોધવા જવાનો તો પ્રશ્ન જ નહોતો. ‘અવાન્તર’ પ્રોડક્શન મિત્રોએ જ ભેગા મળીને શરૂ કર્યું હતું એના નેજા હેઠળ રિહર્સલ્સ શરૂ કરી દીધાં. પૃથ્વી થિયેટર એ વખતે સાવ નવું હતું. ગુજરાતીઓને એ વિશે બિલકુલ ખબર નહોતી. પહેલો શો અમે પૃથ્વીમાં કર્યો અને જે ધસારો થયો એ જોઈને પૃથ્વી થિયેટરના સ્થાપક અભિનેતા શશિ કપૂર રોમાંચિત થઈ ગયા. લોકો પૃથ્વી થિયેટરને જાણતા થયા એનો પુષ્કળ આનંદ હતો. તેથી અમે એમને વચન આપી દીધું કે આ નાટકના પહેલા પચાસ શો અમે પૃથ્વીમાં જ કરીશું. હકીકતે તો, અમે બધાં પાર્લાની કોલેજોમાં ભણતાં એટલે પૃથ્વી થિયેટરની નજીકમાં હોવાથી શશિ કપૂરે પહેલેથી જ પૃથ્વી થિયેટર અમને એક વર્ષ માટે નાટકો કરવા આપી દીધું હતું જેમાં અમે ૩૬ એકાંકીઓ કર્યાં હતાં. શશિ કપૂરને પૃથ્વી થિયેટરથી લોકો પરિચિત થાય એવી ઈચ્છા અને અમારે બીજાં થિયેટરો શોધવાની ઝંઝટ નહીં એટલે ડીલ પાક્કી થઈ ગઈ. પૃથ્વી થિયેટર ગુજરાતી દર્શકોથી ઊભરાવા માંડ્યું અને અમારા બધાનું શેર લોહી ચડતું ગયું. દરમ્યાન એન.સી.પી.એ.નું પ્રતિષ્ઠિત ટાટા થિયેટર નવું જ બન્યું હતું. હજાર દર્શકોની કેપેસિટી ધરાવતું એ ઓડિટોરિયમ ‘ખેલૈયા’ના પહેલા જ શોમાં છલકાઈ ગયું. પહેલી વાર અમને રૂ. ત્રીસ હજારની કમાણી થઈ હતી. પૃથ્વીમાં તો એ વખતે રૂ. ૧૫ની ટિકિટ હતી. એમાં શું મળે? નાટકનું મુખ્ય પાત્ર બની ગયેલા વાદ્ય પિયાનોને લાવવા-લઈ જવામાં જ કમાણીના અડધા રૂપિયા ખર્ચાઈ જતા, બાકીના રૂપિયા કલાકારોના ચા-નાસ્તા અને ટેક્સીભાડામાં. કમાણી કંઈ નહીં છતાં પ્રેક્ષકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને જ અમે પોરસાતા હતા.

નાટકનો ઉઘાડ શીર્ષકગીત ખેલૈયા…થી થાય છે. પિયાનોની પહેલી ટ્યૂન શરૂ થતાં જ દર્શકો નાટક સાથે જોડાઈ જાય છે. ગીત છે ; હો આવ્યા આવ્યા ખેલૈયા, આવિયા, રંગરાજીયા ખેલૈયા..! ગીતની પંક્તિઓમાં સપનાની સિંદૂરી સાંજ અને યુવા હૈયાંની કુમાશનું સાયુજ્ય મનમોહક છે. ટહુકાતી સાંજ, મઘમઘતી સાંજ, રણકતી, કલબલતી સાંજનો બપૈયા, ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા..! તળપદો ગુજરાતી શબ્દ બપૈયો ગીતમાં સરસ ગોઠવાઈ ગયો છે. કોયલ કૂળના આ શરમાળ પંખી જેને હિન્દીમાં પપીહા કહીએ છીએ એ જ ’બપૈયો’ ગીતમાં તાર સ્વરે ગવાય ત્યારે આખા હોલમાં એના ટહુકા પડઘાય. એક સાથે બધા કલાકારોને સ્ટેજ પર નાચતા-ઝૂમતા જોઈને જ દર્શકો આફરીન થઈ જાય. ગીતના અંતમાં વેસ્ટર્ન સિમ્ફની જેવું મ્યુઝિક મનને તરબતર કરી દેવા કાફી છે.

પરેશ રાવલ નાટકમાં ત્રણ પાત્રો ભજવે છે. એક સૂત્રધાર અક્ષયકુમાર તરીકે, બીજું નાટક કંપનીના માલિક અને ત્રીજું છોકરીના બનાવટી પ્રેમીનું.

આરંભમાં સૂત્રધાર કાવ્યાત્મક ભાષામાં નાયિકા(મમતા શેઠ)ની ઓળખ આપે છે ; આંખોમાં ખીલે છે સપનાં ટમ ટમ! નાયક(ફિરોઝ અબ્બાસ ખાન)ની ઓળખ પ્રસ્થાપિત થાય છે મસ્ત મજાના ડ્યુએટ સોંગથી, આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં રઘવાતું કોડીલું નામ!

અભિનયના એક્કા પરેશ રાવલ જૂની સ્મૃતિઓ તાજી કરતાં કહે છે, "નિરાશ માનસિકતા સાથે કોઈ આવ્યું હોય તો ફૂલગુલાબી કરી નાખે એવું નાટક અમે ભજવ્યું હતું. પ્રેમ, સંવેદના, લાગણીની અહીં રમતિયાળ ચર્ચા થતી. પ્રૌઢને જુવાન કરી દે એવી જડીબુટ્ટી હતી આ નાટક પાસે. એક છોકરાએ પચીસ વાર આ નાટક જોયું પછી એની પાસે પૈસા નહોતા તો એણે કહ્યું કે મને આ નાટકમાં બેક સ્ટેજનું કામ આપો જેથી હું નાટક સાથે જોડાઈ શકું. ‘ખેલૈયા’ નામ પડે એટલે લોકોના ચહેરા પર મુસ્કાન આવી જતી. ઉત્સવની જેમ આ નાટક ભજવાતું હતું. ભાવનગર, રાજકોટ, અમદાવાદથી લોકો ટિકિટ બુક કરાવતા. ગીતોનો ક્રેઝ તો જાણે રોકસ્ટાર ફેસ્ટિવલ હોય એવો. કલાકારોમાંથી એકેય ગાયક નહીં પણ આપણા સંગીતકાર અજિત મર્ચન્ટ એકવાર નાટક જોવા આવ્યા તો મેં એમને પૂછ્યું કે હું બરાબર ગાઉં છું ને? તો કહે નાટકના કલાકારો સંગીતમાં માહેર હોય એ જરૂરી નથી. એમનું ગાયન ભાવવાહી હોય તો સૂર થોડા ઉપર-નીચે જાય તો પ્રેક્ષકો ચલાવી લે. તમારા ઈમોશન્સ-એક્સપ્રેશન્સ અભિવ્યક્ત થવા જરૂરી છે. નાટકમાં પિયાનોની ઈમ્પેક્ટ જબરજસ્ત હતી. આ પ્રકારનું પિયાનો પ્લેયિંગ કોઈ ગુજરાતી નાટકમાં મેં જોયું નથી. પિયાનો વાદનમાં સુરિન્દર સોઢીએ કમાલ કરી હતી. દરેક શોમાં અમે ઉત્તરોત્તર જુવાન થતા જતા હતા. નાટકમાં ચંદુએ જે ભાષા ઉપયોગમાં લીધી હતી એ લાજવાબ હતી. કાળક્રમે સરસ ગુજરાતી ભાષા નાટકમાંથી લુપ્ત થવા માંડી છે. મને તો થાય કે શુદ્ધ ગુજરાતી ભાષા જ નાટકમાં વાપરો અને સાથે ગાઈડબુક આપો જેથી નવી પેઢી એ શબ્દો સાથે નાતો બાંધી શકે. ઉદય શેટ્ટી બિનગુજરાતી હતો એટલે એનું પાત્ર મૂક હતું છતાં નાટકનો એ સ્ટાર હતો. ઉગ્રતા, વ્યગ્રતા, સંતાપ સાથે આવ્યા હો તો તમને ચંદન લેપ લગાડીને મોકલી દે એવું નાટક હતું.

‘ખેલૈયા’ની કથા હવે સાંભળો. ખૂબ સરળ એવી વાર્તામાં છોકરો-છોકરી (ફિરોઝ અબ્બાસ ખાન-મમતા શેઠ) બન્ને પડોશી છે, એકબીજાને ચાહે છે. બન્નેના બાપાઓને એ ખબર છે પણ એમને આ પ્રેમ પસંદ નથી એવો દેખાડો કરે છે. સુરેન ઠાકર ‘મેહુલ’ અને હનીફ મોહમ્મદ આ નાટકમાં છોકરા-છોકરીના બાપ છે. છોકરાઓ વિશેનું એક રમૂજી ગીત તેઓ તોફાની અંદાજમાં રજૂ કરે છે. બન્નેના પ્રેમની પરીક્ષા લેવા તેઓ એક પેંતરો ઘડી કાઢે છે જેમાં છોકરીનું અપહરણ ભાડૂતી અપહરણકારો (દર્શન જરીવાલા-કિરણ પુરોહિત) કરે, છોકરો ફિલ્મી હીરોની જેમ પ્રેમિકાને છોડાવે, છોકરી અંજાઈ જઈને ફરી પ્રેમમાં પડે અને લગ્ન લેવાય એવો પ્લોટ તૈયાર થાય છે.

અહીં નાટક કંપનીના માલિક પરેશ રાવલ અપહરણ કરવાની જુદી જુદી રીતો, સસ્તું-મોંઘું, જાજરમાન, અટપટી સ્ટાઈલો બતાવતું એક લાંબું રેપ સોંગ રજૂ કરે છે.

નાટકમાં પછી અપહરણનો તખ્તો તૈયાર થાય છે. પ્રેમીઓને મળવાનું લોકેશન નક્કી થાય છે. વાદળ ઘેરાયાં છે, વરસાદ પડવાની તૈયારીમાં છે એ દરમ્યાન બે-ત્રણ રોમેન્ટિક ગીતો દિલ બહેલાવી જાય છે. પ્રેમીઓની મુલાકાત જામી છે એવામાં જ હુમલો થાય છે. અપહરણની કોશિશ, બનાવટી મારામારી, સૂત્રધાર સાથેની ફાઈટ અને છેવટે છોકરાની જીત. છોકરો હીરો પુરવાર થતાં છોકરી ઓળઘોળ થઈને એને પરણવાના ખ્વાબમાં ખોવાઈ જાય છે. બે પ્રેમીઓ અને એમના પિતાઓ લગનમાં કેવી રીતે ફોટા પડાવશે એવા પોઝમાં ચારેય જણ ચિયર્સ કરી ફોટો પડાવે છે ત્યાં ઇન્ટરવલ પડે છે. બટાટાવડાં અને આઈરિશ કોફીનો સમય થઈ ગયો છે. પેટપૂજા કરી આવીએ પછી સંગીતકાર રજત ધોળકિયા તથા અન્ય એક-બે કલાકારો સાથે વાત કરીશું.

નાટકનો વધુ રસપ્રદ ભાગ અને મસ્ત મજાનાં બીજાં ગીતોની વાત આવતા અંકે.

—————————-

હો આવ્યા આવ્યા ખેલૈયા આવિયા
રંગરાજિયા ખેલૈયા
હો લાવ્યા લાવ્યા છે ખેલ પેલી
સાંજનો રંગભીનો ખેલૈયા
કેવી સાંજ?
એવી તમારી ઉંમરની સાંજ હતી
કેવી ફાગણની મધમધ સાંજ હતી
ફાગણની કલબલતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે આજે ખેલૈયા
કેસરિયાળા તમે ખીલ્યા’તા પહોર ત્રીજામાં
તરવરિયાં રે તમે ખોવાતાં એકબીજામાં
એવી ફાગણની સાંજનો કે
રણકાતી સાંજનો કે ટહુકાતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
યાદ આવે છે?
યાદ આવે તો સપનાંની સાંજ હતી
એવી તમારા ફાગણની સાંજ હતી
તમારા ફાગણની સાંજનો બપૈયા.
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
ફાગણિયા રે આજ ખીલેલાં ફૂલો ને ભમ્મરા
શ્રાવણિયા રે આજ ભીંજાશે કોતર ને કંદરા
હો એવી શ્રાવણની સાંજનો કે ભીંજાતી
સાંજનો કે ટહૂકાતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
હો ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
વીંખાતી પીંખાતી પડઘાતી સાંજ હતી
પડઘાતી સાંજ હતી!
પડઘાતી સાંજ હતી!
પડઘાતી સાંજ હતી!
પડઘાય છે તમારા એ ફાગણની કુંવારી સાંજ?
ફાગણની કલબલતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે આજે ખેલૈયા
મોરલિયા રે તમે ટહુકતા વન જોયા’તા
વનરાયા રે તમે અમ્મારી જેમ મોહ્યા’તા
હો તમે અમ્મારી જેમ મોહ્યા’તા
એવી ફાગણની સાંજનો કે રણકાતી
સાંજનો કે વૈશાખી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
હો લાવ્યા લાવ્યા છે ખેલ પેલી
સાંજનો રંગભીનો ખેલૈયા…!

ગીતકાર : ચંદ્રકાન્ત શાહ   •   સંગીતકાર : રજત ધોળકિયા   •   લીડ સિંગર્સ : પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, દર્શન જરીવાલા, કિરણ પુરોહિત.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 ઑગસ્ટ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=654598

Loading

...102030...2,2042,2052,2062,207...2,2102,2202,230...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved