Opinion Magazine
Number of visits: 9573965
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીળા પત્રો

‘બાબુલ’|Poetry|6 September 2020

 

 ફરી
એ જ પીળા પત્રો
જૂની શ્યાહી, પણ
લીલી છમ્મ!
મોસમના
સતત બદલાતાં સત્રો
કોઈક ધરડા પાન ઉપર
નસેનસ સંકોરી કોતર્યા કરે છે
સંદેશો
ઓતરાદી વાયરાના
ટાઢુકા વાયદામાં
એ પાન –
ઝૂલશે
ભૂલશે એ ભાન,
તૂટશે
ખૂટશે એ ડાળ પર
એ અંદેશો.
પછી
ખુલ્લાં એવાં ઝાડ
વચાળે 
ઊડાઊડ કરશે 
પીળા પત્રો
વગડે ખાલી ખમ્મ.
(એ)મને 
વાંચી શકાય તો 
વાંચો, મિત્રો.

5 સપ્ટેમ્બર  ’20

http://avataran.blogspot.com/2020/03/blog-post_28.html

e.mail : fdghanchi@hotmail.com

Loading

ગુલઝારના ઉર્દૂ અપ્રકાશિત કાવ્યસંગ્રહ મુરારિલાલની ડાયરીમાંથી અમુક કાવ્યો

મૂળ કવિ : ગુલઝાર સંકલન-અનુવાદ : રૂપાલી બર્ક, મૂળ કવિ : ગુલઝાર સંકલન-અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|5 September 2020

ગુલઝારનાં ઉર્દૂ કાવ્યોના રકશંદા જલીલના અંગ્રેજી અનુવાદ પરથી. સ્રોત : thequint.com


પ્રસ્તાવના

મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી
મુરારિલાલને ચિંતાઓ ઘણી છે
જો કોઇ એમને પૂછે કે દુબળા કેમ છો, તો કહે છે :
“મને કાયમ શહેરની બીક લાગ્યા કરે છે!”
ફરિયાદ કરવી ને ચિડિયાપણું હવે આદત બની ગયાં છે
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી!

મુરારિલાલ ને નોટબંધી

મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી
દુનિયા બદલાઈ ગઈ છે પણ એટલી બધી ય નહીં
માત્ર થોડી ચલણી નોટો બદલાઈ છે
એમના રંગની માફક
કોઈ કોઈ રેલવે સ્ટેશનનાં પાટિયાં
ને શાસકોના ચહેરા
જૂનાં પોસ્ટર બદલાયાં છે
ને અમુક ગાડીઓનાં મોડલ પણ!
કન્હૈયા, છોલેવાળો હજુ ય
ફૂટપાવડી પરથી છોલે વેચે છે
ભિખુ મોચીનો દીકરો ય મોચી છે
ત્યાં બેસી સ્લિપર સાંધે છે
દુનિયા બદલાઈ ગઈ છે પણ એટલી બધી ય નહીં
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી.

•

મુરારિલાલને ખેડૂતોની આત્મહત્યા ને દેવાની ચિંતા

મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી
ગાજવા સાથે કેટલી દલીલો કરી
એણે પીધે જ રાખ્યું, તો ય હોંશ ગુમાવ્યો નહીં
હસતો રહ્યો ને લૂણ ચાટતો રહ્યો
આ વખતે એણે નાણા ધિરનાર પાસેથી અધધ રકમ વ્યાજે લીધેલી
“તું જમીન ખોવાનો છે . . . અંગૂઠાનું નિશાન લગાવી દીધું છે તેં!”
એ હસ્યો . . .
“અંગૂઠાનું નિશાન લગાવતો હતો
પણ આ વખતે મેં અંગૂઠો હલાવી દીધો છે!”
કહી ફરી એકવાર હસ્યો
ને એ જ રાત્રે એણે આત્મહત્યા કરી લીધી
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી.

હું મા પાસેથી આ શિખ્યો હતો
કે જ્યારે જમવા બેસીએ
ત્યારે પોતાની થાળીમાંથી રોટલીનો એક ટુકડો તોડી
બિલાડીને આપવો
નહીં તો એ ઘુરકવાનું શરૂ કરી દે
“ના આપીએ તો શું થાય?”
“એ છલાંગ મારીને ઝૂંટવી લે
ભુલીશ નહીં એ માંસાહારી છે.”
થોડા દિવસોમાં અમારા આંગણામાં કૂતરા ભેગા થવા લાગ્યા
કોઈકવાર અમે રોટલીનો ટુકડો ઉછાળતા
ને ક્યારેક માંસની બોટી પણ
“ના નાખીએ તો શું થાય?” તો એ ઘૂરકે ને ભસે પણ
હવે અમે શહેરમાં ફ્લેટમાં રહેવા આવ્યા છીએ
હવે પિતા કહે છે :
“તારા નામનો એક ચેક આવ્યો છે;
ટેક્સ બાદ કરી ને ચૂકવી દેજે બાકીનું.”
“એમ ના કરું તો?”
“આપણે ખાતા હતા ત્યારે શું થતું એ યાદ નથી?”
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી.

•

મુરારિલાલને ય ટેક્સ અને શાસનની સમસ્યાઓ છે

હું બે કૂતરા રાખતો હતો
એક છોટુ ને બીજો મોટુ
જ્યારે ડાઈનિંગ ટેબલ પર બેસતો
એ પણ મારી બાજુમાં બેસી જતા
કારણ કે એમને રોટલીનો ટુકડો ને માંસની બોટી મળતી
લાંબો સમય મેં એમને કંઈ આપ્યું નહીં
મોટાએ નાનાને કહ્યું: “જો ટેક્સમાંથી એ કંઈ બચાવી શકે તો
કદાચ આપણને આપે.”
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી.

•

એને આશા છે કે રસ્તા પરના ખાડા
પુરાઈ જશે એક દિવસ
ને રસ્તા લિસ્સા થઈ જશે
પણ એના કોલ્હાપુરી ચપ્પલનો તૂટી ગયેલો
અંગૂઠો હજુ સંધાયો નથી
ચાલે ત્યારે એને પગ ઘસડીને ચાલવું પડે છે.
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી.

•

મુરારિલાલ રમી રમે છે
પણ એની ફરિયાદ છે કે એને ક્યારે ય ‘જોકર’ મળતો નથી
દરેક વખત જ્યારે એ પત્તાની કૅટમાંથી પત્તું ખેંચે છે
ત્યારે મોટેથી સૂત્ર પોકારે છે :
“ઓ માલિક, આવો
મારું બગડેલું કિસ્મત સુધારો!”
હવે એને આદત પડી ગઈ છે
વોટ નાખવા જાય છે ત્યારે પણ
એ જ સૂત્ર પોકારે છે
“ઓ માલિક, આવો
મારું બગડેલું કિસ્મત સુધારો!”
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી.

•

ફુગાવો, ગરીબી અને બેદરકારી

મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી!
પૃથ્વીનો બે તૃતિયાંશ હિસ્સો દરિયાથી ઢંકાયેલો છે
આપણા દેશનાં આ પાણી પર, આપણી નદી ને ઝરણામાં,
વહાણો તરે છે.
એમાં આપણે નાહીએ છીએ ને કપડાં ધોઈએ છીએ
એમની પર હોડીઓ ફરે છે, બંધ બંધાય છે
ઘણાં તળાવો પણ છે
વરસાદી પાણીના સંગ્રહ માટે પાળા છે
પાણી, પાણી ને વધુ પાણી છે!
પણ મારા નળમાં પાણી કેમ નથી?
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી!

•

મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી!
બધું કેટલું મોંઘું થઈ ગયું છે, મારા મિત્રો
કિંમતો આસમાને છે
મારી દીકરીનાં લગ્ન લીધેલાં છે
મહામુસીબતે એનું ‘મંગળસૂત્ર’ કરાવ્યું છે
દહેજમાં એને બીજું શું આપું?
થોડી ડુંગળી ઉમેરી દઉં?
એની કિંમત સોના જેટલી જ છે
મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી!

•

ગઈકાલે
અમારા મહોલ્લામાં
મોટી રાજનૈતિક મિટિંગ હતી
ખેડૂતો અને મજૂરોના તમામ નેતાઓ આવેલા
રસ્તો મર્સીડીઝ ગાડીઓથી ચક્કાજામ હતો
મુરારિની ફરિયાદ છે કે એની સાયકલ મુકવાની
જગા નથી ક્યાંય

મુરારિલાલના કપાળની કરચલીઓ પુરી ભૂંસાતી નથી!

•

ગલી કાસીમ જાન – ૨૦૨૦

ભરત તિવારીના અંગ્રેજી અનુવાદ પરથી. સ્રોત : theprint.in

મુરારિલાલના કપાળની કરચલીઓ પૂરી ભૂંસાતી નથી …
મરકી ફેલાઈ ત્યારે ગાલિબે એમની ડોશીને કહ્યું
હું એકોતેરનો ને તું સિત્તેરની
બેમાંથી એક મરે તો સમજીએ કે મરકી આવી
મરકી આવી તો કેવી આવી
મરકી ફરી આવી છે બલ્લીમારાંમાં
ગલી કાસિમમાંથી પસાર થઈ છે
મહોલ્લાવાળાએ એટલી હદે ભચડી નાખી એને
કે કોઈનું કશું બગડ્યું નહીં
ખુદાએ ખેર કરી છે.

#

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!

અશ્વિનકુમાર|Opinion - Opinion|5 September 2020

સંસ્થાના મધ્યસ્થ ગ્રંથાલયમાં ધ્યાનસ્થ થવા જઈ રહ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી, મારી એક પૂર્વ વિદ્યાર્થિનીએ મને રસ્તામાં જ અટકાવ્યો. મેં એને અટકાવી. કારણ કે, એ મને પગે લાગવા જતી હતી. કોઈ મને પગે લાગે એટલે મને બહુ જ સંકોચ થાય છે. કારણ કે, હું કોઈ સાધુ-બાવો કે મૌલવી-પાદરી નથી. અરે, યતિ-સંન્યાસી કે પ.પૂ.ધ.ધૂ. ૦.૧૦૦૮ પણ નથી! જો કે, મેં એને એક વાક્યનો ઉપદેશ તો આપી દીધો : "કોઈને પગે લાગવું નહીં, કોઈને પગે લગાડવા પણ નહીં!" એણે પહેલાં સ્મિત કર્યું. પછી વાત કરી : "મને નોકરી મળી ગઈ છે."

કોઈ વિદ્યાર્થી 'બેરોજગારી' નામના શબ્દમાંથી પહેલા અક્ષરને ઊંચકીને ફેંકી દે ત્યારે સૌથી વધુ આનંદ એના અધ્યાપકને થવો જોઈએ. મને પણ આ આનંદ લાધ્યો. મેં એને કહ્યું : "બહુ સરસ, ખૂબ અભિનંદન". તેણે મારા અભિનંદનને આભારસૂચક સ્મિત દ્વારા ઝીલવાનો સફળ પ્રયાસ કર્યો. ત્યાર બાદ એણે એક જ શ્વાસે કેટલાક શબ્દો ઉચ્ચાર્યા : "મારી પ્રથમ નોકરીનો પહેલો મહિનો પૂરો થયો છે. તેનો પહેલો પગાર પણ મને મળી ગયો છે. આ પગારનું મારે મન વિશેષ મહત્ત્વ છે. તમે પણ આ માટે નિમિત્ત બન્યા છો." આટલું બોલીને તેણે પાકીટમાંથી એક રૂપિયાનો એક સિક્કો કાઢ્યો અને કહ્યું : "આ રૂપિયો મારા પહેલા પગારનો છે. તમારા પ્રત્યે સદ્ભાવ વ્યક્ત કરવા માટે આ એક રૂપિયો તમને આપું છું. સારા શુકન ગણીને એને સ્વીકારશો."

હું આશ્ચર્યથી ચકિત અને સ્નેહથી ગદ્ગદિત થઈ ગયો. મેં એણે વ્યક્ત કરેલા ઋણસ્વીકારનું માન રાખીને ધનસ્વીકાર કર્યો. આ એક એવું ધન હતું, જેણે મને ધન્ય બનાવી દીધો. એક રૂપિયાના આ સિક્કાને એક પણ ખૂણો ન હોવા છતાં, મેં તેને તમામ ખૂણેથી ધારી-ધારીને અવલોક્યો. એક રૂપિયાથી અનેક હજાર ગણા રૂપિયાનો પગાર મેળવતો હોવા છતાં આ રૂપિયો મને મહામૂલો લાગ્યો. એ સિક્કો મારા ખિસ્સાનો હિસ્સો બની ગયો. પળે પળે હું એ સિક્કાનો ભાર નહીં, પણ તેનું ‘વજન' અનુભવતો રહ્યો.

મેં એ રૂપિયાને ઘણા બધા દિવસ ખૂબ જ કાળજીપૂર્વક સાચવ્યો. પણ એક દિવસ ન બનવાનું બની ગયું! હું અધ્યયનકાર્યમાં વ્યસ્ત (કે પછી અસ્તવ્યસ્ત!) હતો. એટલામાં જ એક વિદ્યાર્થી આવ્યો. મારી ભાવિ વર્ગકાર્ય માટેની વર્તમાન તૈયારીને ભૂતકાળ બનાવતા તેણે મને કહ્યું : "પાંચ રૂપિયાના છૂટા મળશે?" મેં સ્વ-ભણતરનું મુખ્ય કામ પડતું મૂકીને 'પરચૂરણ' કાર્ય હાથમાં લીધું. એ માટે ખિસ્સામાં (પોતાના જ તો વળી!) હાથ નાખ્યો. મેં બે-બે રૂપિયાના બે સિક્કાની સાથે પેલો એક રૂપિયાનો સિક્કો મેળવી દીધો. પાંચ રૂપિયાનું પરચૂરણ તૈયાર થઈ ગયું. એ વિદ્યાર્થીને છૂટા પૈસા આપતાની સાથે જ એ એક રૂપિયો મારાથી કાયમ માટે છૂટો પડી ગયો.

મેં જિંદગીમાં પહેલી વખત કોઈ નાણાકીય લેવડદેવડ અંગે દુઃખ અનુભવ્યું. એ પીડા પણ ફક્ત, કેવળ, માત્ર એક રૂપિયા માટે! આમ જોવા જઈએ તો મેં પાંચ રૂપિયાના બદલામાં જ પાંચ રૂપિયા આપ્યા હતા. પણ, મને આ વિત્ત-વ્યવહાર સંદર્ભે આદાનપ્રદાન ઓછું અને નાદાનપ્રદાન વધારે લાગ્યું હતું! મારી શૈક્ષણિક કારકિર્દીમાં આ એક રૂપિયો મૂડી રોકાણ સમાન હતો, જે હવે મારા માટે રૂડી મોકાણ સમાન બની ગયો હતો!

આમ તો એ રૂપિયાની કોઈ ઝાઝી કિંમત નહોતી. પણ તેનું નોખું મૂલ્ય તો હતું જ. આથી મેં આ ઘટનામાંથી સમાધાન નામનું તત્ત્વ શોધી કાઢ્યું. એ વિદ્યાર્થિનીએ મારી વિદ્યાપીઠમાં પત્રકારત્વની પારંગત પદવી મેળવી હતી. મેં એના લઘુ શોધનિબંધના માર્ગદર્શકની જવાબદારી પણ નિભાવી હતી. એ વર્ષ ઈ. સ. ૨૦૦૨નું હતું. આથી મેં એ વિદ્યાર્થિની અને એ ખોવાયેલા(?) રૂપિયાની કાયમી યાદગીરીરૂપે એક 'સ્મારક' બનાવવાનું નક્કી કર્યું. આ માટે મેં એક એવા રૂપિયાની શોધખોળ આદરી, જેની પર એ વર્ષ એટલે કે ૨૦૦૨ અંકિત થયેલું હોય. બહુ થોડા પ્રયત્નોના અંતે મેં ઈ. સ. ૨૦૦૨નું જન્મવર્ષ ધરાવતો એક રૂપિયાનો સિક્કો શોધી કાઢ્યો.

મારે આ સિક્કો મારી નજર સામે રાખવો હતો. એ માટે મેં એને મારા કાર્યાલયના મેજ ઉપરના પારદર્શક કાચની નીચે, ગાંધીજીની તસવીરની બાજુમાં ગોઠવી દીધો. આજે પણ સત્યના સંબંધ સમાન ગાંધીજીની છબી સાથે શિક્ષક-વિદ્યાર્થીના સંબંધના સત્ય સમાન એ રૂપિયો શોભી રહ્યો છે.

આપણે રૂપિયાનું સ્થૂળ મૂલ્ય જ જાણતા હોઈએ છીએ. તેનું સૂક્ષ્મ મૂલ્ય તો માણવાનું હોય છે. આટલાં વર્ષોમાં પગાર તો ખૂબ મેળવ્યા છે પણ રૂપિયો તો આ એક જ કમાયો હોઉં એવું લાગે છે. આપણે વર્તમાનપત્રોમાં છાશવારે એવું વાંચીએ છીએ કે રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે, પણ મારી પાસે રહેલા એ એક રૂપિયાનું મૂલ્ય મને તો સતત વધતું જણાયું છે!

સૌજન્ય : 'એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!' 'દૃષ્ટિ' (ISSN 0971-6629), 'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક, અંક : ૦૯, વર્ષ : ૪૦, સપ્ટેમ્બર, ૨૦૦૪ પૃષ્ઠ : ૦૩-૦૪

સંપર્ક : પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, મહાત્મા ગાંધી પરિસર, આશ્રમ માર્ગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦૦૧૪

E-mail id : ashwinkumar.phd@gmail.com

Blog-link : https://ashwinningstroke.blogspot.com

Loading

...102030...2,1902,1912,1922,193...2,2002,2102,220...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved