Opinion Magazine
Number of visits: 9747843
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાજ અને રાષ્ટ્રહિત-ચિંતક, સર્જક મોહનભાઈની વિદાય ….

રજની દવે|Opinion - Opinion|26 October 2020

મહાત્મા ગાંધીની ૧૯૩૦ની દાંડીકૂચથી વિશ્વવિખ્યાત થયેલ દાંડી ગામમાં દાંડીકૂચનાં બે વર્ષ પછી ૯/૧૧/૧૯૩૨ના રોજ મોહનભાઈ દાંડીકરનો જન્મ થયો. મોહનદાસ ગાંધીના મીઠાના સત્યાગ્રહનો ગુંજારવ હજી વાતાવરણમાં  ગુંજતો હતો, તેથી નામ પડ્યું મોહન.

૧૯૩૦ની દાંડીકૂચ પહેલાં હિંદુસ્તાનના નકશામાં દાંડીનું નામોનિશાન નહોતું ! માંડ ૪૬૦ લોકોની વસ્તીવાળું અભાવગ્રસ્ત ગામ. ગામમાં જવા ૧૦ માઈલ કાદવ ખૂંદીને જવું પડતું. આખા ગામ વચ્ચે એક જ કૂવો, તેમાંથી લોટે-લોટે પાણી ઉલેચવું પડે ! દાંડીકૂચ વખતે સત્યાગ્રહીઓ માટે ૧૬ કિલોમીટર દૂર નવસારીથી ગાડામાં પાણી લાવવું પડતું. ગામમાં જીવનજરૂરી વસ્તુઓ, શાકભાજી કે તાર-ટપાલની સગવડ નહીં, એટલે ગાંધીજી દાંડીમાં માત્ર ૧૧ દિવસ રહ્યા ને પછી એમની ધરપકડ થઈ ત્યાં સુધી ૨૨ દિવસ નજીકના કરાડી ગામે રહેલા. છતાં ગાંધીને મન દાંડી હરદ્વાર હતું ! ગાંધીજીએ દાંડીકૂચ કરીને આ ખોબા જેવડા દાંડીનું નામ જગવિખ્યાત કર્યું, તો મોહનભાઈએ દાંડીકર અટક ધારણ કરીને પોતાના સાહિત્યસર્જન થકી દાંડીનું નામ ઉજાળ્યું !

મોહનભાઈની જીવનઝરમર

મોહનભાઈના પિતાજી જમશેદપુરના કારખાનામાં કામ કરતા હતા તેથી તેમનું મોટાભાગનું બાળપણ મોસાળ સામાપુરમાં જ વીત્યું. અને ત્યાં જ તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તે પછી ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલન વખતે શાળા-કૉલેજો બંધ રહી એટલે ભણવાનું છૂટ્યું. ’૪૨ની લડતના એ માહોલમાં પ્રભાતફેરી, સભા-સરઘસમાં ગીતો-સૂત્રો પોકારવાનું, કાંતણપ્રવૃત્તિ અને કેટલોક સમય મોજમસ્તીમાં વીત્યો. ’૪૨ની લડત આટોપાતાં શાળાઓ ફરી શરૂ થઈ. પણ શાળાએ જવાનું ગમે નહીં, એટલે પિતાજી જમશેદપુર લઈ ગયા. ત્યાં તેમણે નવમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ છેલ્લા વર્ષમાં નાપાસ થતાં ફરી ભણવાનું અટક્યું.

તેવામાં એમના શિક્ષક ચુનીભાઈએ આપેલ ‘હરિજનબંધુ’ના અંકમાં ગ્રામસેવક વિદ્યાલય, વેડછીની જાહેરાત જોઈ અને ૧૯૫૦માં વેડછીના ગ્રામસેવક વિદ્યાલયમાં એક વર્ષની તાલીમ લઈ વેડછીના વડલાસમા જુગતરામકાકાની દોરવણી હેઠળ નજીકના દેવગઢ ગામે એક વર્ષ ગ્રામસેવકનું કામ કર્યું. પણ આગળ અભ્યાસનું ખેંચાણ પણ એટલું જ હતું એટલે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ગયા. ત્યાં હિંદી કાર્યાલયમાં ક્લાર્ક તરીકેની કામગીરી સાથે ૧૯૫૪માં એસ.એસ.સી. સમકક્ષ ‘વિનીત’ પરીક્ષા પાસ કરી. પછી ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં જોડાયા.

પણ કંઈ ગોઠ્યું નહીં એટલે હિંદી કાર્યાલયના વડા નરેન્દ્રભાઈ અંજારિયાના સૂચનથી ૧૯૫૪માં લોકભારતી, સણોસરા ગયા. ત્યાં નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ જેવા વત્સલ ગુરુજનોના હાથે દીક્ષિત થયા. ૧૯૫૭માં લોકભારતીમાંથી સ્નાતક થઈને ૧૯૫૯માં રાજપીપળામાં ડી.એડ. (ડિપ્લોમા ઈન એજ્યુકેશન) કર્યું. ૧૯૫૯માં જ લોકભારતીનાં સ્નાતિકા ધીરજબહેન અવરાણી સાથે એમનાં લગ્ન થયાં. તે પછી ૧૯૬૫માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ. કર્યું. ત્યારે એમના નિબંધનો વિષય હતો, ‘નાનાભાઈ ભટ્ટનું શૈક્ષણિક પ્રદાન.’

શિક્ષણ-લોકશિક્ષણ સેવા

મોહનભાઈ ૨૩ વર્ષ સુધી શિક્ષક-અધ્યાપક તરીકે અને ૧૦ વર્ષ આચાર્ય-સંચાલક તરીકે વિવિધ શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત રહ્યા. તેમણે વેડછી, વાપી, જામનગર, સાવરકુંડલા અને બોરખડી (જિ. સુરત)ના અધ્યાપનમંદિરમાં દસ વર્ષ તેમ જ લોકશાળા, માલપરા (જિ. ભાવનગર), અને સાવરકુંડલામાં શિક્ષક તરીકે અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ખરવાણ (જિ. સુરત) તેમ જ અગાસી (જિ. વલસાડ)માં આચાર્ય તરીકે કાર્ય કર્યું.

લોકકેળવણી અને લોકજાગરણના માધ્યમ તરીકે તેમણે આ વિવિધ સ્થળે અભ્યાસવર્તુળ, નાટ્યસ્પર્ધા, વ્યાખ્યાનમાળા જેવી પ્રવૃત્તિઓ કરી અને ખરવાણ જેવા ઊંડાણના આદિવાસી ગામમાં તો ૧૯૭૧માં દ.ગુજરાતના ઉત્તર બુનિયાદી વિદ્યાલયોનો ‘સાહિત્ય શિબિર’ પણ યોજ્યો. સાવરકુંડલામાં ઘેલાણી કેળવણી ટ્રસ્ટના માનદ્દ મંત્રી તરીકે સેવા આપી અને કુંડલા તાલુકાની પૂનમ-સભાની માસિક પત્રિકા ‘લોકશક્તિ’નું લેખન-સંપાદન પણ સંભાળ્યું. તેઓ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના હિંદી વિષયના પરામર્શક અને લેખક-સંપાદક રૂપે પણ કાર્યરત રહ્યા.

સાહિત્યસર્જન સેવા

મોહનભાઈ ૧૯૯૧માં શિક્ષણસેવામાંથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેમની ૨૨ જેટલી કૃતિઓ પ્રગટ થઈ હતી. તે પછી શેષ ૨૯ વર્ષમાં તેમનાં ૫૫ જેટલાં પુસ્તક-પુસ્તિકા પ્રગટ થયાં. પાંચ પુસ્તકો ટૂંક સમયમાં પ્રગટ થશે અને બીજાં લગભગ ૭-૮ પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરી છે. આમ તેમના દ્વારા બધું મળીને ૯૦ જેટલાં પુસ્તક-પુસ્તિકાઓનું સર્જન-કાર્ય થયું.

વર્ષો પહેલાં આંખનો મોતિયો ઊતરાવતાં તેમની એક આંખ કામ કરતી બંધ થઈ હતી અને બીજી આંખમાં ત્રણ વાર કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેમ છતાં એ એક આંખનાં ચશ્માંના જાડા કાચના સહારે તેમણે લેખનનો સાતત્યયોગ છેવટ સુધી ચાલુ રાખ્યો.

મહાદેવ દેસાઈની અંતિમ ક્ષણોમાં ગાંધીજી બોલી ઊઠ્યા હતા, “મહાદેવ ! ઊઠો ! મહાદેવ ! ગાંધીજીને વિશ્વાસ હતો કે એમના શબ્દો જો મહાદેવના કાને પડ્યા હોત તો એ મૉતનો સામનો કરીને ઊભા થઈ ગયા હોત ! મોહનભાઈ માટે પણ એવું વિચારવાનું મન થાય કે, જો કોઈએ તેમને છેલ્લી પળોમાં એમ કહ્યું હોત કે, આ ૧,૦૦૦ પાનાંનું એક સરસ, નવું પુસ્તક આવ્યું છે અને તેનો અનુવાદ કરીને ગુજરાતી વાચકોના હાથમાં જલદીમાં જલદી મૂકવાનું છે, તો કદાચ તેમના બંધ થયેલા શ્વાસ ચાલુ થઈ ગયા હોત, બ્લોક થયેલી રક્તવાહિનીઓ ખૂલી ગઈ હોત અને હૃદય ફરીથી ધબકવા માંડ્યું હોત.

મોહનભાઈની લેખનયાત્રાની વિસ્તરતી ક્ષિતિજો

મોહનભાઈની લેખનયાત્રા ૧૯૫૨થી શરૂ થઈ અને છેલ્લે ૨૦૨૦માં હિંદીનાં જાણીતાં લેખિકા નાસિરા શર્માની નવલકથા ‘કૂઈંયાજાન’ના અનુવાદનું કામ કરીને લગભગ ૬૮ વર્ષે અટકી. તેમની અનુદિત ૨૨૫ જેટલી વાર્તાઓ અને લેખો ‘આરામ’, ‘ચાંદની’, ‘સંસાર’, ‘જીવનમાધુરી’, ‘નવનીત-સમર્પણ’, ‘અખંડ આનંદ’, ‘વિશ્વમાનવ’, ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ', ‘કોડિયું’ જેવાં સામયિકોમાં છપાતાં રહ્યાં. તેમનું પ્રથમ પુસ્તક ‘સાહિત્ય સર્જન’ નામે ૧૯૬૮માં પ્રગટ થયું હતું.

તેમની કલમની ક્ષિતિજો વતન દાંડીના પોતાના ફળિયાના, ન્યુઝીલેન્ડની ટીમના ક્રિકેટર અંગેની પુસ્તિકા ‘સ્પિન ડોક્ટર દિપક પટેલ’ના લેખનથી માંડી, દાંડીના મીઠાના સત્યાગ્રહ અંગેની પરિચય પુસ્તિકા ‘ચપટી મીઠાનો ચમત્કાર’થી આગળ વધી, નવસારી તાલુકાનાં ‘સ્વાતંત્ર્ય સંગ્રામનાં સંસ્મરણો’થી વિસ્તરીને આગળ વધતાં, ગુજરાત રાજ્ય અને દેશનાં અન્ય રાજ્યોના સાહિત્યને પોતાના મનોજગતમાં સમાવતાં સમાવતાં ‘વિશ્વ વાર્તા સૌરભ’ પુસ્તક સુધી વિસ્તરતી રહી.

મોહનભાઈની મૌલિક કૃતિ હોય કે અનુવાદ-સંપાદનની કૃતિ હોય, તેમાં તેમની સંવેદનાના તારોનું સ્પંદન ઝીલાયેલું દેખાય છે. તેમનાં પુસ્તકોમાં ‘દાંડીની વાતો’થી લઈને લોકભારતી, સાવરકુંડલાની ‘ધરતીની સુગંધ’ અને ‘પારિજાતની સુગંધ’ પણ છે. તેમણે ‘ખુલ્લા પગે યાત્રા’ કરતી ‘ખાનાબદોશ’ એવી નારીહૃદયની વ્યથાકથા અને આંતરપ્રવાહો રજૂ કરતાં પુસ્તકોનો અનુવાદ ગુજરાતી વાચકવર્ગને હાથવગા કર્યા છે.

દેશના ભાગલા વખતે પોતાની ૧૪-૧૫ વર્ષની વયે મોહનભાઈએ તે વખતનાં બિહાર જમશેદપુરનાં કોમી હુલ્લડો નજરોનજર જોયાં હતાં. ત્યારે તો તેઓ હજુ લેખક નહોતા પણ ભાગલાની એ કરુણ દાસ્તાને તેમના દિલને હચમચાવી મૂક્યું હતું ! તે પછી પણ બાબરી ધ્વંસ કે ૨૦૦૨માં કોમવાદ કે ધાર્મિક ઝનૂનની પરાકાષ્ઠા જોવા મળી હતી. તેના પરિણામ-સ્વરૂપે મોહનભાઈની સર્જનયાત્રા તેમને કમલેશ્વરના ‘કિતને પાકિસ્તાન’થી સરૂપ ધ્રુવના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકના અનુવાદ સુધી લઈ જઈને ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ પણ બતાવે છે.

વર્ષો સુધી ધૂળધોયાનું કામ કરનાર મોહનભાઈ

નવી પેઢીને ‘ધૂળધોયો’ શબ્દ કદાચ ન સમજાય. એક જમાનામાં સોનીબજારના રસ્તા પરની રેતી-માટીને પાણીમાં ધોઈને, નીતારીને તગારાં ભરીને આવી રેતી-માટીમાંથી સોના-ચાંદીની કરચ શોધવાનું કામ તે ‘ધૂળધોયા’નું કામ કહેવાતું. આ કામ ખૂબ જ મહેનત અને ધીરજનું છે. મોહનભાઈએ પણ એવી જ ધીરજ અને ખંતપૂર્વક તેમની નજર સારા એવા પ્રમાણમાં હિંદી સાહિત્ય તરફ નાંખી છે. તેઓ ‘ધર્મયુગ’, ‘સારિકા', ‘નઈ કહાનિયાઁ’ જેવાં સામયિકો ઉપરાંત હિંદીમાં પ્રગટ થતાં કે થયેલાં વાર્તાસંગ્રહ, નવલકથા, આત્મકથા, જીવનચરિત્રનું બહોળું વાંચન કરતા.

તેમને જે રચના કે પુસ્તક ગમી જાય એટલે તે ક્યારે ગુજરાતી વાચકના હાથમાં પહોંચાડું અને ‘ગમતાંનો કરીએ ગુલાલ’ એવી તેમને તીવ્ર ઇચ્છા જાગે પછી તો એ કામ પાછળ તેઓ મચી જ પડતા ! ગિરિરાજ કિશોરની ૯૦૦ પાનની હિંદી નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ મોહનભાઈના હાથમાં આવી અને દોઢેક વર્ષમાં તો તેનો અનુવાદ તૈયાર કરી દીધો, જેને ૨૦૦૭ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.

આમ તો મોહનભાઈની સાહિત્યસેવામાં લેખન, સંપાદન અને અનુવાદના વિવિધ આયામો ગણાવી શકાય. તેમ છતાં તેમનાં અડધો અડધ પુસ્તકો અનુવાદનાં છે.

પોતાના અનુવાદકાર્ય અંગે વાત કરતાં મોહનભાઈ કહેતા, ‘અસલ તે અસલ અને અનુવાદ તે અનુવાદ. આટલી મર્યાદા સમજવા છતાં પણ મેં દિલથી અનુવાદનું કામ કર્યું છે.’ વાર્તાઓના અનુવાદકાર્ય અંગે તેઓ કહે છે, ‘વાર્તાનો આત્મા જળવાઈ રહે, એની સુવાસ જળવાઈ રહે, લેખકને જે અભિપ્રેત છે તેને જફા ન પહોંચે, તેમાં ક્યાં ય ગોબો ન પડે તેટલી કાળજી રાખીને મેં અનુવાદ કરવાનું કામ કર્યું છે.’

મોહનભાઈના આ અનુવાદકાર્યને પોંખતાં રતિલાલ બોરીસાગર નોંધે છે કે, “અનુવાદના ક્ષેત્રને દાંડીકરનું અર્પણ એમને ગુજરાતી ભાષાની સમગ્ર અનુવાદપ્રવૃત્તિમાં માનભર્યું સ્થાન અપાવે તેવું છે. એમણે જીવનભર હિંદી ભાષાનું શિક્ષણકાર્ય કર્યું છે. હિંદી ભાષા-સાહિત્યનું એમનું વાચન પણ ઘણું બહોળું છે. આ કારણે એમના અનુવાદોમાં મૂળ ભાષાની ખૂબીઓ યથાતથ ઊતરી છે. એમના અનુવાદો તજ્જ્ઞો દ્વારા અનુસર્જનો તરીકે આવકાર પામ્યા છે. ‘મૂળનો પરિમલ જળવાયો છે, ને છતાં ગુજરાતી ભાષાની સ્ફૂર્તિ પણ લીલીછમ છે.’ એવું દાંડીકરના અનુવાદિત પુસ્તક ‘શ્રેષ્ઠ ઉર્દૂ વાર્તાઓ’ વિશેનું મોહનભાઈ શં. પટેલનું કથન એમના બધા અનુવાદો માટે સાચું ઠરે એવું છે.

મોહનભાઈને “પહેલો ગિરમીટિયો’ના અનુવાદ માટે ભારતીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું તે અંગે અકાદમી નોંધે છે કે, ‘યહ કૃતિ અપની પઠનીયતા ઔર પ્રવાહમય ભાષાશૈલી કે કારણ ઉલ્લેખનીય હૈ. યદ્યપિ યહ એક અનુવાદકાર્ય હૈ, તથાપિ ઐસા લાગતા હૈ કિ યહ મૂલત: ગુજરાતી મેં લિખા ગયા ઉપન્યાસ હો. ઈસ કૃતિ કે ગુજરાતી અનુવાદ કો ભારતીય સાહિત્ય કા એક મહત્ત્વપૂર્ણ યોગદાન માના ગયા હૈ.

મોહનભાઈની કૃતિઓ અંગે થોડું વિગતે

કોઈપણ લેખકની કૃતિઓને જડબેસલાક ખાનાઓમાં વિભાગીકરણ કરવાનું કામ અઘરું પણ છે અને લેખકને અન્યાય કરનારું પણ છે. તેમ છતાં પ્રાથમિક સમજ પ્રાપ્ત કરવા માટે તેમની કૃતિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય.

ગાંધી અને ગાંધીદર્શન આસપાસનું સર્જન

નારીની વ્યથાકથા, સંઘર્ષ અને આંતરપ્રવાહોની રજૂઆત

દેશના ભાગલા પછી સર્જાયેલાં નફરત-હિંસાના વમળોને રજૂ કરતું તેમ જ આ આંધી સામે ભારતની ગંગા-જમનીની સંસ્કૃતિને ઉજાગર કરતું સાહિત્ય.

ભારતના પ્રગતિશીલ સ્કૂલના લેખકોની, કંઈક અંશે ડાબેરી વિચારધારાને રજૂ કરતું સાહિત્ય.સ્વને અભિવ્યક્ત કરતું, પોતાના જીવનની વાતો રજૂ કરતું સાહિત્ય.

વ્યાપક લોકશિક્ષણ માટે પરિચય પુસ્તિકા જેવું સાહિત્ય.

મોહનભાઈ વિષે પ્રકાશભાઈ ન. શાહ ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ની પ્રસ્તાવનામાં જે કંઈ કહે છે તે ધ્યાનથી નજર નાંખવા જેવું છે –

“સર્વોદય સંસ્કાર અને રાષ્ટ્રીય ચળવળનાં મૂલ્યોમાં રમેલા મોહનભાઈને સૌ એક સમર્પિત શિક્ષક અને સંવેદનશીલ લેખક તરીકે પિછાણે છે. બલકે, સહૃદય લેખનકારી થકી એમનું શિક્ષણ વર્ષોથી વર્ગખંડના સીમાડાને ઓળાંડી ગયું છે. એક પા દર્શક આદિની ગાંધી સ્કૂલના હેવાયા પ્રેમીજન, તો બીજી પા કમલેશ્વર જેવાની પ્રગતિશીલ સ્કૂલના પણ એવા જ અનુરાગી મોહનભાઈનો એક વિશેષ એ રહ્યો છે કે ધર્મતત્ત્વને પ્રીછતે છતે અને ધર્મભાવનાને પ્રમાણતે છતે એ ધર્મવશ એવા કોઈ વ્યામોહમાં વમળાયા નથી.

મોહનભાઈ આવા કોઈ વ્યામોહમાં વમળાયા નથી, પરંતુ પોતાની જાતને મોટાં ને મોટાં વલયોમાં સમાવતા ગયા.”

ગાંધી અને ગાંધીદર્શન આસપાસનું સર્જન

આ વિભાગમાં આપણે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર આધારિત નવલકથા – ‘પહેલો ગિરમીટિયો’ને (લેખક : ગિરિરાજ કિશોર, અનુવાદ : મોહન દાંડીકર) સૌ પ્રથમ મૂકવી પડે. ત્યારબાદ ‘મનીષીની વિચારયાત્રા’ (દર્શકનાં કેટલાંક વ્યાખ્યાનો – સંપાદન : મોહન દાંડીકર) મૂકી શકાય. આ ઉપરાંત ‘દર્શક : જેવા મેં જોયા-જાણ્યા’, ‘નાનાભાઈનું જીવનદર્શન’, ‘ગુરુવંદના’, ‘બાપુ’ (અનુવાદ) લેખક : ઘનશ્યામદાસ બિરલા, ‘લોકશક્તિના ઉપાસક શ્રી લલ્લુભાઈ શેઠ’, ‘લોકનાયક જયપ્રકાશ’, ‘ગાંધી : માનવમાંથી મહામાનવ’, ‘અમુલખ વસ્તુ જડી’ (સંપાદન) તેમ જ ‘જેમણે મૉતને મીઠું કર્યું’ જેવાં અન્ય પુસ્તકોનો સમાવેશ કરી શકાય.

નારી વ્યથાકથા, સંઘર્ષ અને આંતરપ્રવાહોની રજૂઆત

આ વિભાગમાં અમૃતા પ્રીતમ પછીની પેઢીની પંજાબી લેખિકાઓ અજિત કૌર અને દલિપ કૌર ટિવાણાની મોહનભાઈએ અનુવાદ કરેલી કૃતિઓનો સમાવેશ કરી શકાય.

અજિત કૌરની આત્મકથા ‘ખાનાબદોશ’ અને ‘મારી કરમકથા’ તેમ જ તેમના જીવનની આસપાસ ગુંથાયેલી વાતોનો સંગ્રહ ‘અંત:સલિલા’ વાંચવા જેવાં છે. ‘ખાનાબદોશ’ના પ્રકરણ-૪ની શરૂઆતમાં અજિતકૌર લખે છે –

“મિત્રો, સૌથી પહેલાં હું તમને એક અત્યંત નિર્દોષ વાત સંભળાવું છું. નિર્દોષ અને સામાન્ય, પણ ચિત્રાત્મક …

“ગુનો નં. એક – સ્ત્રી હોવું તે.

“ગુનો નં. બે – એકલાં હોવું તે.

“ગુનો નં. ત્રણ – એકલી અને પોતાનો રોટલો પોતે કમાઈ લેતી સ્ત્રી હોવું તે.

“ગુનો નં. ચાર – પોતાનો રોટલો પોતે જ કમાતી પણ સ્વમાન-પ્રિય અને બુદ્ધિશાળી એકલી સ્ત્રીએ આ દેવતાઓના દેશ હિંદુસ્તાનમાં હોવું તે.

“એટલે દોસ્તો, સૌથી પ્રથમ તો આ ચારે સંગીન ગુનાઓને હું મારું સદ્ભાગ્ય સમજું છું.

‘ખુલ્લા પગે યાત્રા’ દલિપ કૌર ટિવાણાની આત્મકથા છે અને ‘અગ્નિપથનાં યાત્રી – દલિપ કૌર’ તેમની જીવનકથા છે. આ ઉપરાંત સરસ્વતી સન્માન પ્રાપ્ત, બે ભાગમાં લખાયેલી દલિપ કૌરની નવલકથા ‘કથા કહો ઉર્વશી’માં દલિપ કૌર નવલકથાની ચરિત્રનાયિકા કુલદીપ બને છે. આ નવલકથામાં આત્મતત્ત્વની શોધ, બ્રહ્મતત્ત્વની પ્રાપ્તિ માટેની ઝંખનાનું વિસ્તારથી ચિત્રણ થયું છે. મોહનભાઈએ દલિપ કૌરની, સ્ત્રીજીવનના આંતરપ્રવાહોને રજૂ કરતી લઘુવનવલ ‘ગોરજટાણે’ અને ‘ફિનિક્સ પંખી’નો અનુવાદ પણ કર્યો છે.

આ વિભાગમાં રાજેન્દ્રસિંહ બેદીની મોહનભાઈએ અનુવાદ કરેલ નવલકથા ‘એક ચાદર મેલી’નો પણ સમાવેશ કરી શકાય. આ નવલકથામાં પંજાબી લોકજીવનની ઝિંદાદીલીની સાથેસાથે એનાં સુખ-દુ:ખ, રીત-રિવાજોની ઝલક જોવા મળે છે. રાનો વિધવા થતાં પોતાનાથી ૧૦-૧૨ વર્ષ નાનો દિયર, જેને તેણે નાની વયે દીકરાની જેમ ઉછેર્યો હતો તેની સાથે કરવા પડતા દિયરવટાની મથામણ લેખકે બહુ બારિકાઈથી ઉજાગર કરી છે.

બીજું એક પુસ્તક ‘પંજાબી વાર્તા વૈભવ’માં ૧૭ પંજાબી વાર્તાઓનો અનુવાદ છે. આ પુસ્તકમાં અજિત કૌરની ૧૯૮૪માં દિલ્હીમાં થયેલ કત્લેઆમની કરુણ કથની વાંચતાં રૂંવાડાં ઊભાં થઈ જશે.

દેશના ભાગલા પછી સર્જાયેલ નફરત-હિંસાનાં વમળોને રજૂ કરતું તેમ જ આ આંધી સામે ભારતની ગંગા-જમની સંસ્કૃતિને ઉજાગર કરતું સાહિત્ય

આ પુસ્તકોમાં મોહનભાઈએ અનુવાદ કરેલ કમલેશ્વરનું ‘કેટલા પાકિસ્તાન’, નિરંજન તસ્નીમનું ‘ખોવાયેલા અર્થો’, નાસિરા શર્માનું ‘રાષ્ટ્ર અને મુસલમાન’, ‘એક બીજી કુંતી’ (વિભાજન વિષયક વાર્તાઓ), ‘મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’, સરૂપ ધ્રુવનું ‘અણસાર ક્યાંક આશાનો’ તેમ જ ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ જેવાં પુસ્તકો ગણાવી શકાય.

દેશના ભાગલા વખતે, ઇંદિરા ગાંધીની હત્યા પછી થયેલ શીખોની કત્લેઆમ વખતે, બાબરી મસ્જિદના પ્રશ્નને કે ગુજરાત-૨૦૦૨નાં તોફાનો વખતે ફેલાયેલી નફરતથી સમાજમાં ઉદ્ભવેલાં વમળોની વાત તેમ જ તે સમયે ફેલાયેલી વ્યાપક હિંસાને કારણે ઉદ્ભવેલા સમાજના દર્દને આ પુસ્તકો વાચા આપે છે. તો કેટલાંક પુસ્તકોમાં ભારતમાં વર્ષોથી એક મીલી-ઝૂલી, ગંગા-જમની સંસ્કૃતિ પનપી રહી છે તેની પણ વાત છે.

અહીં ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ પુસ્તકમાંથી કમલેશ્વરના લેખ ‘ખોલો જુબાં, ચૂપ ન રહો’માંથી એક નોંધ પર નજર નાંખીએ –

“આ એવો સમય છે જ્યારે વિશ્વભરમાં નિરંકુશ, ધર્માંધ અને વસાહતવાદી શક્તિઓએ પોતાનો એજન્ડા લાગુ કર્યો છે. એવે સમયે શબ્દો દ્વારા મૂલ્યો, સંવેદનશીલ મન, સમજણ અને વિવેક સાથે સાહિત્ય-સર્જન કરનારા આપણે પોતાને ધર્મસંકટમાં મુકાયેલા જોઈએ છીએ. તે એટલા માટે નહીં કે આપણે ખોટા પડ્યા છીએ. પરંતુ તે એ કારણે કે નિરંકુશ શક્તિઓના શુદ્ર રાજકારણે પુરાણો અને દંતકથાઓને ઇતિહાસ અને આસ્થાનો પ્રશ્ન બનાવી દીધો છે. ધર્મને તેમણે ધર્મનો શિકાર બનાવી દીધો છે. અને જાતીયતાને તેમણે ધર્માંધતાની પ્રયોગશાળામાં વંશ, રક્ત અને ધર્મનું દેશીવિદેશી હોવાનું રસાયણ ભેળવીને એક રક્તપિપાસુ, આંધળા હથિયારમાં પરિવર્તિત કરી દીધેલ છે.

કમલેશ્વરે પ્રગતિશીલ લેખક સંઘના અધિવેશનમાં ૨૦૦૩માં કરેલ આ વાત પછી, આજે સ્થિતિ એનાથી પણ બદતર થતી જઈ રહી છે. ત્યારે એ નોંધવું રહ્યું કે મોહનભાઈનું ઘણું ખરું સાહિત્ય આ ‘ખોલો જુબાં, ચૂપ ન રહો’ના ભાવને ચરિતાર્થ કરતું જોવા મળે છે.

આઝાદી પછીની પ્રગતિશીલ સ્કૂલની ડાબેરી વિચારધારાને રજૂ કરતું સાહિત્ય.

અહીં મુખ્યત્વે બે લેખકોનાં નામ લેવાં પડે. એક મન્ટો અને બીજું કમલેશ્વરનું. મોહનભાઈએ તૈયાર કરેલ મન્ટોનાં પુસ્તકો છે – ‘મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘મન્ટોના કેમેરામાં ઝીલાયેલી છબીઓ,’ ‘મન્ટો-અમારો દોસ્ત’, ‘મન્ટો જીવે છે.’ (જીવનચરિત્ર, લે. નરેન્દ્ર મોહન), અને ‘સઆદત હસન મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’. જ્યારે કમલેશ્વરનાં ત્રણ પુસ્તકોનો અનુવાદ મોહનભાઈએ કર્યાં છે : ‘મારી સંઘર્ષકથા’ (આત્મકથા), ‘સળગતી નદી’ (આત્મકથા) અને ‘કેટલા પાકિસ્તાન’ નામે નવલકથાનો. આમાં એક ચોથા પુસ્તકને પણ ધ્યાન પર લેવા જેવું છે, જે કમલેશ્વરનાં જીવનસાથી ગાયત્રી કમલેશ્વરે લખ્યું છે – ‘કમલેશ્વર : મારા હમસફર.’

મન્ટો સ્થાપિત મૂલ્યો સામે બળવો કરનાર લેખક છે. કમલેશ્વર હિંદી સાહિત્ય જગતના પ્રથમ હરોળના મૂલ્યનિષ્ઠ, સત્તા સામે ન ઝૂકનારા લેખક છે.

કમલેશ્વરની આત્મકથા ‘સળગતી નદી’માંના (પાન નં. ૨૨૬) કમલેશ્વરના વર્ષો પહેલાંના શબ્દો આજે પણ એટલા જ બંધબેસતા લાગે છે. – “એક સમય એવો હતો જ્યારે કાનૂની કટોકટી ચાલુ હતી. આજે હવે સવર્ણ, સામંતી હિંદુ કટોકટી ચાલુ છે.”

પુસ્તકમાં બીજી એક જગ્યાએ કમલેશ્વર જયપ્રકાશ નારાયણ સામે નારાજગી વ્યક્ત કરતાં લખે છે – “લોકનાયક જયપ્રકાશ નારાયણે હિંદુત્વવાદી સાંપ્રદાયિક જનસંઘને બિનસાંપ્રદાયિક હોવાનું અવસરવાદી પ્રમાણપત્ર આપી દીધું હતું.”

કમલેશ્વર હંમેશાં દલિતો, પીડિતો, વંચિતોને પડખે રહ્યા. તેમણે સુધારાવાદી વહોરાઓના સામાજિક ન્યાય માટેના આંદોલનને પોતાનું આંદોલન ગણ્યું હતું. મુલ્લા-મૌલવીઓની માનસિકતા વિશે, કટ્ટરતા વિશે, અંધ-શ્રદ્ધામૂલક મનોવૃત્તિ વિશે કમલેશ્વરે હિંમતપૂર્વક લખ્યું છે.

આવા હિંદી સાહિત્યજગતને ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરીને મોહનભાઈએ સારી સેવા બજાવી છે તેમ કહેવું પડે.

સ્વને અભિવ્યક્ત કરતું, પોતાના જીવનની વાતો રજૂ કરતું સાહિત્ય.

એક લેખક તરીકે પોતાના લખેલા કે સંપાદન-અનુવાદ કરેલ પુસ્તકની પ્રસ્તાવનામાં મોહનભાઈ અવારનવાર પોતાની વાત મૂકતા રહ્યા છે. જેમાં તેમનો ભાવ, સંવેદના, ચિંતા વ્યક્ત થતાં રહ્યાં છે. યજ્ઞ પ્રકાશનના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકના પ્રાસ્તાવિકમાં તેઓ લખે છે –

“સરૂપબહેને ૨૦૦૨ના ગોધરાકાંડ પછી ગુજરાતમાં જે ઘટનાઓ બની, જે સંહારસત્ર ચાલ્યું, એક જ કોમને નજર સામે રાખીને જે બર્બરતા આચરવામાં આવી તેની વિગતો આપી છે. તે વાર્તાઓ વાંચીને રૂંવાડાં ઊભાં થઈ જાય છે … બેચેન બની જવાયું. એમ થયું કે અરે ! આટલું બધું બની ગયું છે, મારા ગુજરાતમાં ? સાવ નિર્દોષ માણસોને આ રીતે રહેંસી નાંખવાનાં ? ઘરબાર વિનાનાં કરી દેવાનાં ? કોઈ જ કારણ વિના ? એવો અધિકાર તેમને કોણે આપ્યો ? તમે અમુક કોમના છો, બહુમતીમાં છો, એટલે ? તો તો ‘એ લોકો’ જ્યાં જ્યાં બહુમતીમાં હશે ત્યાં ત્યાં આવા અત્યાચારો કરવા માંડશે તો ? થશે શું મારા દેશનું ?”

મોહનભાઈની આ નિસ્બત, ચિંતાને પ્રમાણતાં યશવન્તભાઈ શુકલએ મોહનભાઈને એક મૂલ્યનિષ્ઠ, રાષ્ટ્રહિતચિંતક અને સમાજના પ્રશ્નનો વિશે સદ્ભાવથી વિચારનારા જાગરૂક નાગરિક કહ્યા છે.

મોહનભાઈએ ૧૯૮૩માં, ૫૦ વર્ષની વયે પોતાના જીવન વિશેનું આત્મકથન ‘કેડી અને ચડાણ’ (લોકભારતી પ્રકાશન શ્રેણી) પુસ્તિકામાં કર્યું છે. આમાં તેમના વડવાઓની, વતન દાંડીની, મોસાળની, કિશોરા-વસ્થામાંના કાંતણપ્રેમની, પોતાના શિક્ષણકાળની તેમ જ વિવિધ સ્થળોએ રહીને શિક્ષકધર્મ બજાવ્યો તેની વાતો છે.

શિક્ષણ અંગેના તેમના વિચારો રજૂ કરતાં તેઓ ‘સમાજ-જીવનનાં બિંબ પ્રતિબિંબ’ પુસ્તકમાં લખે છે – ‘પરંપરાગત શિક્ષણની મર્યાદા તેમ જ અધ્યાપનકાર્ય માત્ર પાઠ્યપુસ્તકના ભણાવવામાં સમાપ્ત થતું નથી. તે સિવાયનું જગત પણ છે. તેનો પણ ખ્યાલ રાખવાનો છે. આજુબાજુ વિશાળ સમાજ પડેલો છે, એ સમાજના ભાત-ભાતના પ્રશ્નનો છે, મૂંઝવણો છે, મથામણો છે. અધ્યાપકે આ બધું સમજવાની સજ્જતા કેળવવાની છે. આનાથી શિક્ષણ ધારદાર અને અર્થપૂર્ણ બનશે. આ ખ્યાલમાં રાખીને આ પુસ્તકમાં તેમણે કેટલાક પોતાના લેખો સમાવ્યા છે.

૨૦૧૪માં તેમનાં અન્ય બે પુસ્તકો પ્રગટ થયાં – ‘ધરતીની સુગંધ’ અને ‘ગમતાંનો કરીએ ગુલાલ’. તેમાં તેઓ લખે છે, “આ મારી અનુભવકથા છે, મારી ઘડતરકથા છે. અંદરથી જે આવ્યું, ઊગ્યું તે લખ્યું છે …. સામાજિક અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જે વસ્તુ ગમી તે અહીં રજૂ કરી છે.”

મોહનભાઈ નાનાભાઈ, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ, લલ્લુભાઈ શેઠ કે અમુલખભાઈ ખિમાણી વિષે કે તેમના અન્ય ગુરુજનો-વડીલો જુગતરામભાઈ, દિલખુશભાઈ દિવાનજી, લલ્લુભાઈ મકનજી કે પોતાના સાહિત્યિક ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવનાર ઈશ્વર પેટલીકર કે યશવંતભાઈ શુકલ વિષે લખે ત્યારે તેમની સાથેના સંબંધોના તાણાવાણાની વાત પણ તેમાં ગુંથાતી જાય છે.

વ્યાપક લોકશિક્ષણ માટેનું પરિચય પુસ્તિકા જેવું સાહિત્ય

મોહનભાઈએ શરૂઆતનાં વર્ષોમાં પ્રૌઢશિક્ષણ માટેની ૯/૧૦ પુસ્તિકાઓ તૈયાર કરી. તે પછી તેમના આત્મકથનની ‘કેડી અને ચડાણ’ (લોકભારતી પ્રકાશન શ્રેણી), મહાદેવી વર્માની ‘સાવધાન ! દેશ આજે સંકટમાં છે !’, વિમલા ઠકારની ‘ગાંધી જીવન દર્શન’, ‘સ્પિન ડૉક્ટર દિપક પટેલ,’ ‘વ્યસન-મુક્તિ’, ‘સર્વધર્મ સમભાવ’, ‘ચપટી મીઠાનો ચમત્કાર’ (પરિચય પુસ્તિકા નં. ૧૧૮૧) જેવી બીજી આઠેક પુસ્તિકા તૈયાર કરી.

આ ઉપરાંત સાવરકુંડલામાં યોજાયેલ વ્યાખ્યાનમાળાની ૧૩ પુસ્તિકાઓ જેનું સંકલન પછીથી ‘અમૃતપર્વ’ નામે પ્રકાશિત થયું અને મનુભાઈ પંચોળીનાં વ્યાખ્યાનોની પાંચ પુસ્તિકા જે પણ પછીથી ‘મનીષીની વિચારયાત્રા’ પુસ્તકમાં ગ્રંથસ્થ થઈ.

મોહનભાઈનાં પાંચ અનુવાદિત પુસ્તકો ટૂંક સમયમાં પ્રગટ થશે તેમાં ગિરિરાજ કિશોરની કસ્તૂરબા પરની નવલકથા ‘બા’, ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત, નાસિરા શર્માની નવલકથા ‘પારિજાત’, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર હકુ શાહનું કલા અને જીવન વિષયક પુસ્તક ‘માનુષ’, નાસિરા શર્માની જીવનકથા ‘એક ઝુઝારુ નારી’, અને સોપાન જોષીનું ‘જલ, થલ, મલ’.

મોહનભાઈની આગવી ઓળખ

મોહનભાઈએ પોતાની જાતને ઘડતાં ઘડતાં માતબર લેખનકાર્ય કર્યું, લોકશિક્ષણનું કામ પણ કર્યું. અને આ બધું કરતાં કરતાં પણ એમની જે આરત હતી તે તેમની એક ડાયરીના ઊઘડતા પાને તેમણે લખી છે:

અને પછી ત્રીજા પાને લખ્યું છે : ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’.

આમ તો દાંડીના દરિયાનાં ઊછળતાં મોજાં જેવા તેમના પ્રેમની છાલકો જેમણે માણી છે, તે તેમને સદાને માટે યાદ કરશે.

તેમનો નશ્વરદેહ ૨૧, ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ પંચમહાભૂતમાં ભળી ગયો પણ તેમનો અક્ષરદેહ તેમની યાદ સદાકાળ આપતો રહેશે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020

Loading

ગાંધીજી નીડર-અખંડ સમાજ ઇચ્છતા

રમેશ ઓઝા|Opinion - Opinion|25 October 2020

૧૯૧૫ના જાન્યુઆરી મહિનામાં ગાંધીજી ભારત આવ્યા, ત્યારે ગાંધીજીએ જેમને પોતાના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા એ ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને સલાહ આપી હતી કે તેમણે એક વરસ કોઈ પણ પ્રકારનું રાજકીય નિવેદન કર્યા વિના ભારતભ્રમણ કરવું જોઈએ અને ભારતીય સમાજના સ્વરૂપને પોતાની સગી આંખે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ગાંધીજીને તેમની વાત ગળે ઊતરી હતી અને ગોખલેના આદેશને શિરોમાન્ય માન્યો હતો. તેમણે એક વરસ ભારતભ્રમણ કર્યું હતું. અહીં જ એક વાત નોંધી લેવી જોઈએ કે ભારતમાં પશ્ચિમમાં ક્વેટાથી લઈને પૂર્વમાં મણિપુર સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગાંધીજીએ જેટલો પ્રવાસ કર્યો છે અને જેટલી વખત પ્રવાસ કર્યો છે એટલો પ્રવાસ ગાંધીજીની પહેલાં અને તેમની પછી કોઈએ નથી કર્યો. એમ કહી શકાય કે ભારતમાં ગાંધીજીની કંઈ નહીં તો ચોથા ભાગની જિંદગી રેલવેમાં વીતી છે.

આગલા લેખમાં કહ્યું હતું એમ એવું પણ નહોતું કે ગાંધીજી ભારત આવતા પહેલાં ભારતના સમાજથી અને તેના રાજકારણથી પરિચિત નહોતા. તેમને આની ઠીકઠીક પ્રમાણમાં જાણ હતી અને દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લખતા પણ હતા. તેમને એ વાતની પણ જાણ હતી કે ભારતનો શિક્ષિત વર્ગ રાજ્યના અને વિકાસના પાશ્ચાત્ય ઢાંચાથી પ્રભાવિત છે અને એને એમને એમ તેના સંપૂર્ણ સ્વરૂપમાં ભારતમાં લાગુ કરવા માગે છે. ગાંધીજીને રાષ્ટ્રની/રાજ્યની અને વિકાસની પાશ્ચત્ય અવધારણા પણ કબૂલ નહોતી અને તેનો ઢાંચો પણ કબૂલ નહોતો. ગાંધીજીને એ વાતની પણ જાણ હતી કે ભારતનો બહુજન સમાજ, મુસલમાનો અને અન્ય લઘુમતી કોમો અને સંપન્ન ભદ્ર વર્ગ અંગ્રેજ રાજ્યની તરફેણ કરે છે. લગભગ ૭૫થી ૮૦ ટકા ભારતીય પ્રજાને સ્વરાજ જોઈતું જ નથી, બલકે તેનો વિરોધ કરે છે. આનો અર્થ એ થયો કે ભારતીય પ્રજામાં પરસ્પર અવિશ્વાસ છે. ભારત આવ્યા એ પહેલા ગાંધીજીને એ વાતની પણ જાણ હતી કે ભારતીય પ્રજા બીકણ ભયભીત છે. પ્રતિકાર કરી શકતી નથી એટલે કાકલૂદીઓ અને માગણીઓ કરે છે. ટૂંકમાં દૂર રહીને પણ તેઓ ભારતના પ્રશ્નોથી પરિચિત હતા. ખાતરી કરવી હોય તો તેમણે આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લખેલા લેખો જોઈ શકાય એમ છે.

આમ છતાં તેમણે મૂંગા રહીને ભારતભ્રમણ કરવાનું ગોખલેને વચન આપ્યું હતું અને પાળ્યું પણ હતું. તેઓ ભારતમાં ફરતા હતા એ દરમ્યાન દરેક જગ્યાએ તેમનું સન્માન કરવામાં આવતું હતું અને સન્માનના ઉત્તરમાં તેમને બોલવાનું કહેવામાં આવતું હતું. મોટા ભાગે ગાંધીજી બે વાત કહેતા હતા. એક અસ્પૃશ્યતા નિવારણની અને બીજી નિર્ભયતાની. તેમને એમ લાગતું હતું કે આમાં ગોખલેને આપેલા વચનનો ભંગ થતો નથી. માણસ બીજા માણસ સાથે માણસ તરીકે વર્તે એ માણસાઈનો પ્રશ્ન છે એમાં રાજકારણ ક્યાં આવ્યું? અને બીજું માણસ જો બીકણ હોય તો બીજા માટે તો ઠીક, પોતાના માટે પણ કોઈ કામનો નથી તો રાષ્ટ્ર તો બહુ દૂરની વાત છે. પોતાનાથી બીજાને દૂર રાખનારો માણસ, બીજાથી દૂર રહેનારો માણસ અને અનેક પ્રકારના ડરથી ડરનારો ભયભીત માણસ કોઈ મહાન કામ કરી જ ન શકે. આમ એક વરસના ભારતભ્રમણ દરમ્યાન ગાંધીજી નીડર અને અખંડ માણસની હિમાયત કરતા હતા.

આ રાજકીય બાબત નહોતી? ગાંધીજી ભારત આવ્યા એ પછી ગોપાલ કૃષ્ણ ગોખલેનું તરત જ અવસાન થયું હતું. જો તેઓ હયાત હોત તો કદાચ તેમણે આ સવાલ ગાંધીજીને પૂછ્યો પણ હોત. માણસની માણસ તરીકેની અખિલાઈ અને નીડરતા એ રાજકારણ છે કે આધ્યાત્મિકતા એવો વળતો સવાલ કદાચ ગાંધીજીએ ગોખલે મહારાજને પૂછ્યો હોત. બીજા શબ્દોમાં કહીએ તો અભેદ અને અભય એ આધ્યાત્મ છે કે રાજકારણ? આ તો માત્ર મારું અનુમાન છે, તમારે તો મેં જે મુદો ઉપસ્થિત કર્યો છે એના વિષે વિચારવાનું છે. ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને રાજકીય નિવેદનો કર્યા વિના એક વરસ ભારતભ્રમણ કરવાની સલાહ એટલા માટે આપી હતી કે તેઓ રાજકારણને જૂની પરંપરાગત નજરે જ જોતા હતા જેમાં છાવણીઓ હોય. આશ્ચર્ય એ વાતનું છે કે તમામ ભારતીય નેતાઓમાં ગોખલે ગાંધીજીને સૌથી વધુ જાણતા હતા. ૧૯૦૯માં તેમણે કૉન્ગ્રેસના અધિવેશનમાં લગભગ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના શબ્દોમાં કહ્યું હતું કે આ ધરતી ઉપર ભાગ્યે જ જોવા મળે એવો માણસ ભારતમાં અવતર્યો છે અને આફ્રિકામાં કામ કરે છે. આમ છતાં ગોખલેને અખંડતા અને નિર્ભયતાના આધ્યાત્મિક ગણાતા ગુણોની રાજકીય સંભાવના ધ્યાનમાં નહોતી આવી.

એ પાસું ધ્યાનમાં આવ્યું હતું પાછળથી દીનબંધુ તરીકે ઓળખાયેલા સી.એફ. ઍન્ડ્રુઝને. તેઓ પાદરી હતા, દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાં ભણાવતા હતા, ગોખલે અને રવીન્દ્રનાથ ટાગોરના મિત્ર હતા. ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી અને જનરલ સ્મટ્સ વચ્ચે રાજકીય મડાગાંઠ સર્જાઈ અને રાજકીય ઉકેલ આવતો નહોતો ત્યારે ગોખલેએ ભારતના વાઇસરોયને કહ્યું હતું કે ભારત સરકારે દક્ષિણ આફ્રિકાની સરકાર ઉપર સમાધાન માટે દબાણ લાવવું જોઈએ. વાઇસરોયના પ્રતિનિધિ તરીકે સર બેન્જામીન રોબર્ટસન અને કૉન્ગ્રેસના પ્રતિનિધિ તરીકે ઍન્ડ્રુઝ અને ડબલ્યુ. ડબલ્યુ. પીઅરસન એમ ત્રણ સભ્યો મધ્યસ્થી કરવા આફ્રિકા ગયા હતા. તેઓ બીજી જાન્યુઆરી ૧૯૧૪ના રોજ ડર્બન બંદરે પહોંચ્યા ત્યારે ડોક પર તેમનું સ્વાગત કરવા દક્ષિણ આફ્રિકાની સરકારના અધિકારીઓ અને ગાંધીજી હાજર હતા. ઍન્ડ્રુઝ બહાર આવીને ગાંધીજીને પગે લાગ્યા હતા. એક લવાદ અને ખ્રિસ્તી ફાધર પક્ષકારને પગે લાગે અને એ પણ હિન્દી? અધિકારીઓ તો ચોંકી ગયા હતા.

આનું રહસ્ય બે જણ જાણતા હતા. એક જનરલ સ્મટ્સ અને બીજા સી.એફ. ઍન્ડ્રુઝ. ઍન્ડ્રુઝ વિષ્ટિ કરાવવા આવ્યા હોવા છતાં ગાંધીજીને પગે લાગે એમાં સ્મટ્સને કોઈ આશ્ચર્ય નહોતું થયું. ગાંધીજીમાં રહેલા અભેદ અને અભય એ બે ગુણ બે અંગ્રેજોના ધ્યાનમાં આવી ગયા હતા, જે ગોખલેના ધ્યાનમાં નહોતા આવ્યા. આનું કારણ એ છે કે ઍન્ડ્રુઝ યુરોપિયન હતા, અંગ્રેજ હતા, ખ્રિસ્તી હતા, ફાધર હતા, ભારતમાં રહેતા હતા એટલે પાશ્ચાત્ય અને પૌર્વાર્ત્ય સભ્યતા વિશેના ગાંધીજીના દૃષ્ટિકોણને બન્ને છેડેથી સમજી શકતા હતા. સ્મટ્સ પ્રચંડ શક્તિશાળી સામ્રાજ્યના પ્રતિનિધિ સત્તાધીશ હતા અને ગાંધીજીની અંદર રહેલા સામ્રાજ્યને હલાવી શકનારા શક્તિના સ્રોત વિશે તેઓ જાણતા હતા. રોજેરોજ અનુભવ કરતા હતા. એક બાજુએ સામ્રાજ્યની શક્તિ અને બીજી બાજુ મુઠ્ઠી હાડકાંના માનવીની શક્તિનો તેમને અનુભવ હતો. એટલે તો સમાધાન પછી ગાંધીજીએ આફ્રિકાથી ભારત આવવા વિદાય લીધી ત્યારે સ્મટ્સે લખ્યું હતું, ‘અંતે સંતે આફ્રિકાનો કિનારો છોડ્યો, હું આશા રાખું છું કે કાયમ માટે’.

ગાંધીજીએ તેમની આત્મકથામાં ‘શાંતિનિકેતન’ નામના પ્રકરણમાં અંતમાં લખ્યું છે: ‘ઍન્ડ્રુઝ બર્દવાન સુધી મારી સાથે આવ્યા હતા. તેમણે મને પૂછ્યું, ‘તમારે હિંદુસ્તાનમાં સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ લાગે છે ખરું? ને લાગતું હોય તો ક્યારે એની કાંઈ કલ્પના આવે છે?’

મેં જવાબ આપ્યો, ‘આનો જવાબ આપવો મુશ્કેલ છે. મારે એક વર્ષ તો કાંઈ કરવાપણું છે જ નહીં. ગોખલેએ મારી પાસેથી વચન લીધું છે કે, એક વર્ષ લગી મારે ભ્રમણ કરવું, કોઈ જાહેર પ્રશ્ન પર વિચાર ન બાંધવો, ન બતાવવો. આ વચન હું અક્ષરસઃ પાળવાનો છું. પછી પણ મારે કોઈ પ્રશ્ન પર બોલવાપણું હશે તો જ હું બોલવાનો છું. એટલે પાંચ વર્ષ લગી સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ મને લાગતું નથી.’’

એ પછી ગાંધીજી લખે છે, ‘અહીં આટલું કહેવું પ્રસ્તુત છે કે ‘હિંદ સ્વરાજ’માં મેં જે વિચારો દર્શાવ્યા છે તેને ગોખલે હસી કાઢતા અને કહેતા: ‘એક વર્ષ તમે હિંદુસ્તાનમાં રહી જોશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે.’’

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 25 ઑક્ટોબર 2020

Loading

Diversity in Nation Building: Contributes or Hinders?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|25 October 2020

There is news that in UK, Chancellor Rishi Sunak has unveiled (17/10/2020) 50 Pence 'Diversity coin’ to celebrate Britain’s diverse history and recognise the profound contribution minority communities have made to the shared history of the country. The coin carries the message “Diversity Built Britain”. This is in the backdrop of the campaign led by ‘We too built Britain’ group. The release of the coin is the beginning of the series which will honour the country’s ethnic minorities. There can be a detailed elaboration as to how different ethnic minorities have lived and made Britain their home. A significant number of these are from South Asia, including India.

The real import of this is the backdrop of the thesis of ‘Clash of civilizations’ by Samuel Huntington, as per which the present era is the one where after the collapse of socialist Soviet union, the clash is along the lines of civilizations. Different religions will be in conflict as per this thesis. "It is my hypothesis that the fundamental source of conflict in this new World will not be primarily ideological or primarily economic. The great divisions among humankind and the dominating source of conflict, will be that the cultural. Nation states will remain the most powerful actors in world Affairs, but the principal conflicts of global politics will occur between Nations and groups of different civilizations. The clash of civilizations will dominate global politics. The fault lines between civilizations will be the battle lines of the future."

This theory dominated the global scene particularly in the aftermath of 9/11 attack on World Trade Centre. Osama bin Laden called 9/11 jihad and George Bush launching the attack on Afghanistan used the word Crusade, while Tony Blair, the then UK PM, attributed ‘divine reasons’ for the attacks on the countries of West Asia.

This theory did provide an ideological cover for the attacks on different countries by US and allies. It was primarily driven by lust for control over oil resources. The ‘Clash theory’ provided cover for the violations done by American axis always out to control global resources, earlier in form of direct colonization and now as imperialist forces, influencing global economy with an eye on oil resources. At ideological level the best response to this thesis came from the then President of India, Dr K.R. Narayanan, who stated that ‘civilizations don’t clash, it is barbarisms which clash’.

The United Nation at that time was led by Kofi Annan, who was the General Secretary. He went on to appoint a high level international committee, cutting across different religions and nations to come up with an understanding of the world today and to recommend the measures to restore the amity of civilizations, cultures and people of the of the World. The report (Mid Nov2006) (http://www.unaoc.org/repository/report.htm) is a landmark in more ways than one.This committee came out with a brilliant document, ‘Alliance of Civilizations’.

There is not much awareness about this global study, which aptly describes the role of migrations, building of nations by diverse communities through alliances at multiple levels.

Talking of India, diversity has been the hall mark of this society from long. Christianity entered India, right in first century. Already different religious traditions, Jainism Buddhism were present here. Islam came in 7-8 Century from Malabar Coast through Arab traders and later many of those who were victims of Varna-Caste system embraced Islam through Sufi saints. The Muslim invaders coming from North West were more for reasons related to power and wealth. Buddhism had spread in various South East Asian countries. Indians also migrated to different parts of the World mostly for economic purpose, employment or greener pastures. UK has abundant number of them, Similarly America and Canada, now Australia has lot of migrants from India. Earlier many Indians did migrate to Caribbean’s, Mauritius, and Ceylon among other places.

The migrating communities have no monolithic approach in the countries of their migration. Most of them do maintain their nostalgia for the country of their origin, while relating to the societies of their migration in different ways. Today you will see a large numbers of Indians in West Asia, particularly in Gulf region. Here in India the sectarian elements uphold the Non Resident Indian’s nostalgia for India, they also look down upon minorities (Muslims and Christians) as foreigners. There is an infinite diversity within the Hindu fold itself. Indian culture has been a total mix of diverse sections of society, each contributing in their unique ways. All our Literature, Art, Architecture is a mix of contributions from multiple streams.

India’s diversity has been multi-factorial and at different layers. Different communities have been living and celebrating this diversity. Religious festivals have been one of the strong platforms for community interactions. In the area of religions Bhakti and Sufi traditions have upheld the diversity. While ‘melting pot model’ of cultural integration does apply partly, the main expression of diversity has been a ‘salad bowl’ model where different components are visible and still are thick part of the whole. Our literature for example not only mirrors the reality of society, it also tells us the diversity which has been prevailing here. We can learn this from so many literary giants and see this diversity of our culture. The same diversity formed the base of freedom movement of India, which gave space to each of these components of diversity.

In contrast to those who were part of national movement, the communal streams went for monolithic concepts, like ‘Urdu-Muslim-Pakistan’ and matching ‘Hindi-Hindu-Hindustan’. The leasers of freedom movement went on to uphold this diversity as a strength to coin phrases like ‘Unity in Diversity’. One of the paramount leaders of freedom Movement, Jawaharlal Nehru, went on to express the same as a celebration in his magnum opus, ‘Discovery of India’.

Today we do need to learn from the UK example where role of minorities is recognised, appreciated and upheld. One needs to give the similar acceptance for diversity, to pave the path of peace and progress.

Loading

...102030...2,1782,1792,1802,181...2,1902,2002,210...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved