Opinion Magazine
Number of visits: 9680512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જો બાઈડન અને કમલા હૅરિસનાં ચૂંટણી સ્વીકૃતિ અને વિજય પ્રવચન

અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|9 November 2020

નવેમ્બર ૭, ૨૦૨૦ વિલમીંગ્ટન

કમલા હૅરિસનું પ્રવચન

મૂળ લિપ્યંતર : ‘વૉશીંગટન પોસ્ટ’ સ્ટાફ

ગૂડ ઈવનીંગ. કૉંગ્રેસ સદસ્ય જૉન લુઇસે મૃત્યુ પહેલા લખેલું : “લોકશાહી અવસ્થા નથી, કર્મ છે.” એમનો કહેવાનો અર્થ હતો કે અમૅરિકાની લોકશાહીની બાંહેધરી નથી. એના માટે લડવાની, એની રક્ષા કરવાની અને ક્યારે ય એને કોરાણે નહીં મુકવાની આપણી તૈયારી જેટલી મજબૂત હશે એટલી એ મજબૂત બને છે. ને આપણી લોકશાહીનું રક્ષણ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે, બલિદાન આપવાં પડે છે. પરન્તુ એમાં આનંદ ને પ્રગતિ હોય છે, કારણ કે આપણે લોકો વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવાની શક્તિ ધરાવીએ છીએ.

જ્યારે આપણી લોકશાહી આ ચૂંટણીમાં બૅલૅટ પર નિર્ભર હતી, અમૅરિકાનો આત્મા દાવ પર હતો ને આખું વિશ્વ જોતું હતું, તમે અમૅરિકા માટે નવો દિવસ ઊગાડ્યો.

અમારા પ્રચારના કર્મચારીઓ અને સ્વયંસેવકો, આ જબરદસ્ત ટીમ — લોકશાહીની આ પ્રક્રિયામાં અત્યાર સુધીના સૌથી વધુ લોકોને સાંકળવા માટે અને આ ચૂંટણીને શક્ય બનાવવા માટે આભાર. પ્રત્યેક મતની ગણતરી થાય એની ખાતરી કરવા દેશભરના જે ચૂંટણી કાર્યકરો અને અમલદારોએ અથાગ મહેનત કરી છે — આપણું રાષ્ટ્ર તમારા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે કારણ કે તમે આપણી લોકશાહીની અખંડિતતાનું રક્ષણ કર્યું છે.

આપણા સુંદર દેશને બનાવનાર અમૅરિકન લોકોને કહેવું છે, વિક્રમી સંખ્યામાં મત આપવા માટે, તમારો અવાજ સંભળાવવા માટે તમારો આભાર.

હું જાણું છું સમય ખૂબ પડકારરૂપ રહ્યો છે, ખાસ કરીને છેલ્લા અમુક મહિના — દુ:ખ, શોક ને પીડા, ચિંતાઓ ને સંઘર્ષોથી ભરેલા હતા. પરન્તુ અમે તમારી હિંમત, સ્થિતિસ્થાપકતા અને દિલેરીનો અનુભવ પણ કર્યો છે.

ચાર વર્ષ સુધી સમાનતા અને ન્યાય માટે, આપણાં જીવન માટે અને આપણા ગ્રહ માટે તમે કૂચ ચાલુ રાખી ને આયોજનો કર્યે રાખ્યાં. ત્યાર બાદ તમે મત આપ્યા. તમે સ્પષ્ટ સંદેશો મોકલી આપ્યો. તમે આશા ને એકતા, શિષ્ટાચાર, વિજ્ઞાન અને હા, સત્યની પસંદગી કરી.

તમે જો બાઈડનને અમૅરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા. જો સાજા કરનાર, એકતા રાખનાર, અનુભવી ને સ્થિર વ્યક્તિ છે, એવી વ્યક્તિ જેમના દુ:ખના અંગત અનુભવમાંથી જન્મેલા હેતુસર જીવન જીવવાનો ગુણ આપણા માટે, એક રાષ્ટ્ર તરીકે મદદરૂપ થશે ને આપણને આપણા પોતાના જીવનનો હેતુ પાછો મેળવવામાં મદદ કરશે. વિશાળ હૃદય ધરાવતા જો ખૂબ પ્રેમાળ છે. એ જિલ માટેનો એમનો પ્રેમ છે. જિલ ઉમદા ફર્સ્ટ લેડી સાબિત થશે. હંટર ને ઍશલી ને પૌત્રો-પૌત્રીઓ ને સમગ્ર બાઈડન પરિવાર માટેનો એમનો પ્રેમ છે. જોને પ્રથમ ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે ઓળખતી હતી. પરન્તુ મારા પરમ મિત્ર બોને ખૂબ ચાહતા પિતા તરીકે એમની ખરી ઓળખ થઈ. બોને આજે યાદ કરીએ છીએ.

મારા પતિ ડગ, અમારા સંતાનો કોલ અને ઍલા, મારી બહેન માયા અને અમારો આખો પરિવાર — હું ક્યારે ય વ્યક્ત કરી ના શકું એટલા તમને હું ચાહુ છું. આ સુંદર મુસાફરી માટે એમના કુટુંબમાં આપણને આવકાર આપવા બદલ આપણે જો અને જીલના ખૂબ આભારી છીએ, ખાસ તો આજે મારા અહીં હોવા માટે સૌથી વધુ જવાબદાર મહિલાને યાદ કરું છું — મારી માતા શ્યામલા ગોપાલન હૅરિસ જે હંમેશાં અમારા હૃદયમાં વસે છે.

૧૯ વર્ષની ઉંમરે જ્યારે એ ભારતથી અહીં આવ્યાં હશે, એમને કદાચ આ ક્ષણની કલ્પના પણ નહીં હોય. પરન્તું એમને એવા અમૅરિકામાં, જ્યાં આવી ક્ષણ શક્ય છે, ખૂબ ઊંડો વિશ્વાસ હતો. માટે હું એમને અને મહિલાઓની પેઢીઓને યાદ કરું છું — અશ્વેત મહિલાઓ, એશિયન, શ્વેત, લૅટિનો, નેટિવ અમૅરિકન મહિલાઓ જેમણે આપણા રાષ્ટ્રના ઇતિહાસ દરમ્યાન આજ રાતની આ ક્ષણ માટે માર્ગ તૈયાર કર્યો છે. એ મહિલાઓ જેમણે બધા માટે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય મેળવવા લડત આપી ને સંઘર્ષ કર્યો. આમાં અશ્વેત મહિલાઓનો પણ સમાવેશ છે, જેમને ઘણી વખત, મોટા ભાગે નજરઅંદાજ કરવામાં આવે છે, પરન્તું જેમણે અનેકવાર પુરવાર કર્યું છે કે એ આપણી લોકશાહીની કરોડરજ્જુ છે. તમામ મહિલાઓ જેમણે ૧૦૦ વર્ષથી વધુ મતાધિકાર મેળવવા અને એની રક્ષા કરવા માટે મહેનત કરી. ૧૦૦ વર્ષ પૂર્વે ૧૯મા સુધારા દ્વારા, ૫૫ વર્ષ પૂર્વેનો મતાધિકાર ધારો અને હવે ૨૦૨૦માં આપણા દેશની મહિલાઓની નવી પેઢીએ ચૂંટણીમાં ભાગીદાર બનીને, મત આપવાનો તથા અભિવ્યક્તિના મૂળભૂત અધિકાર માટેની લડત ચાલુ રાખી છે.

આજ રાતે જ્યારે હું એમના સંઘર્ષ, એમનાં સ્વપ્ન અંગેના એમના નિર્ધાર અને શક્તિ પર ચિંતન કરું છું — શું હોઇ શકે એ જોવા, જે હતું એનાથી મુક્ત બનીને. હું એમના ખભા પર ઊભી છું. જોના વ્યક્તિત્વ અંગે આ કેટલી મોટી ગવાહી છે કે આપણા દેશના સૌથી મજબૂત અવરોધને તોડી પાડવાની એમણે સાહસિકતા બતાવીને એમણે ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે એક મહિલા ઉમેદવારને પસંદ કરી.

ભલે, આ પદ પર હું પ્રથમ મહિલા છું, છેલ્લી નહીં હોઉં, કારણ કે આ ઘટના નિહાળતી પ્રત્યેક નાની બાળા સમજશે કે આ દેશ શક્યતાઓનો દેશ છે. આપણા દેશના બાળકોને કહેવું છે કે તમારી જાતિ-લિંગ જે હોય તે, આપણા દેશે તમને સ્પષ્ટ સંદેશો આપ્યો છે : મહત્ત્વાકાંક્ષા રાખી સ્વપ્ન જુઓ, પ્રતીતિથી આગેવાની કરો ને બીજા ન જોઈ શકે એ દૃષ્ટિથી તમારી જાતને જુઓ કારણ કે એમણે આવું કદી જોયું નથી પણ જાણજો કે માર્ગના દરેક પગલે અમે તમને વધાવીશું.

અમેરિકન લોકોને કહેવું છે : ભલે તમે કોઈને પણ મત આપ્યો હોય, રાષ્ટ્રપ્રમુખ ઓબામાના ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે જો જેવા હતા એવી બનવા માટે તત્પર રહીશ — વફાદાર, પ્રામાણિક અને સજ્જ, દરરોજ સવારે તમારો અને તમારા પરિવારના વિચાર સાથે જાગીશ.

ખરું કામ હવે શરૂ થવાનું છે. મહેનતનું કામ. જરૂરી કામ. સારુ કામ. જિંદગીઓ બચાવવા અને આ મહામારીને માત આપવાનું અનિવાર્ય કામ. નોકરી-ધંધો કરતા આપણા લોકોને રાહત થાય એ માટે આપણા અર્થતંત્રને બેઠું કરવાનું છે. આપણા ન્યાયતંત્ર અને સમાજમાંથી પ્રણાલીગત નૃવંશવાદને નાબૂદ કરવાનો છે. હવામાન પરિવર્તનની કટોકટી સામે લડવાનું છે. આપણા દેશમાં એકતા સ્થાપવાની છે અને આપણા રાષ્ટ્રના આત્માને સાજો કરવાનો છે.

માર્ગ સહેલો નહીં હોય. પરન્તુ અમૅરિકા સજ્જ છે ને જો અને હું પણ.

આપણે એવા રાષ્ટ્રપ્રમુખ ચૂંટ્યા છે જે આપણામાં જે શ્રેષ્ઠ છે એનું પ્રતિનિધિત્વ કરે છે. એવા નેતા જેને વિશ્વ આદરથી જોશે અને બાળકો માટે પ્રેરણાસ્રોત હશે. એવા કમાન્ડર-ઇન-ચીફ જે આપણા સૈન્ય દળોનો આદર કરીને આપણા દેશને સુરક્ષિત કરશે. ને એવા રાષ્ટ્રપ્રમુખ જે બધાં અમૅરિકનો માટે હશે.

અમૅરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ, જો બાઈડનને તમારી સમક્ષ રજૂ કરવા એ મારે માટે ખૂબ ગૌરવની ક્ષણ છે.

••••••••

જો બાઈડનનું પ્રવચન

મૂળ લિપ્યંતર : ઍમ્બર ફિલિપ્સ

મારા સાથી અમૅરિકનો, અને મને આ મંચ પૂરો પાડનારા ડેલાવૅરના વતનીઓ. મારા મિત્ર ટૉમ, સૅનૅટર ટૉમ કાર્પર મને સામે દેખાય છે. મને લાગે છે સૅનૅટર કૂન્સ પણ અહીં છે. ગવર્નર પણ આવ્યા લાગે છે ને … ત્યાં રુથ ઍન છે શું? પૂર્વ ગવર્નર રુથ ઍન મિન્નર ઉપસ્થિત છે. સૌથી અગત્યનું, મારાં સાળીઓ અને મારાં બહેન વૅલરી આવ્યાં છે. ભલે.

સાથીઓ, રાષ્ટ્રના લોકો બોલ્યા છે. એમણે અમને સ્પષ્ટ વિજચ, વિશ્વાસપ્રદ વિજય અપાવ્યો છે. આપણને, આપણને એટલે કે અમૅરિકાના લોકોને વિજય અપાવ્યો છે. રાષ્ટ્રના ઇતિહાસમાં રાષ્ટ્રપ્રમુખના પદ માટે પ્રથમ વખત સૌથી વધુ મતથી અમે જીત્યાં છીએ. ૭૪ મિલિયન.

મારે કબૂલવું પડશે આજ રાતે હું ચોંકી ગયો છું. આપણા આખા રાષ્ટ્રમાં, બધાં જ શહેરોમાં અને દેશના ભાગોમાં, વિશ્વભરમાં આનંદ, આશા, વધુ સારા ભવિષ્ય માટે આવતીકાલમાં નવા વિશ્વાસની લાગણી ઊભરાઈ રહી છે. મારામાં તમે મુકેલા વિશ્વાસ અને શ્રદ્ધા જોઈને મારું માથું ઝૂકી જાય છે. હું એવા રાષ્ટ્રપ્રમુખ બનવાની ખાતરી આપું છું જે વિભાજન નહીં પણ એકતા કરાવશે, જે લાલ અને વાદળી રાજ્યો નહીં માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ જોશે.

હું મારા પૂરા હૃદયથી કાર્ય કરીશ, તમામ લોકોના વિશ્વાસ સાથે, તમારા બધાનો વિશ્વાસ જીતવા.  કારણ કે હું માનું છું કે અમૅરિકાનો આ જ અર્થ છે. અમેરિકા એના લોકો માટે છે. અમારો વહીવટ એને કેન્દ્રમાં રાખીને ચલાવવામાં આવશે. અમૅરિકાના આત્માના જીર્ણોદ્ધાર માટે, આ રાષ્ટ્રની કરોડરજ્જુના — મધ્યમ વર્ગના પુન:બંધારણ માટે હું આ પદ માટે ચૂંટણી લડ્યો છું. અમૅરિકાને વિશ્વમાં ફરી આદર અપાવવા માટે. ને અહીં ઘરમાં આપણી વચ્ચે એકતા સ્થાપવા માટે.

મારી જિંદગીભરનું ગૌરવ છે કે આટલા મિલિયન અમૅરિકન લોકોએ એ સ્વપ્ન માટે મત આપ્યા છે. ને હવે એ સ્વપ્નને વાસ્તવિક્તા બનાવવાનો સમય આવી ગયો છે. આપણા સમયનું આ કાર્ય છે.

સાથીઓ, મેં જેમ અનેકવાર ભૂતકાળમાં કહ્યું છે, હું જિલનો પતિ છું. એના અને મારા દીકરા હંટર, મારી દીકરી ઍશલી, માારાં પૌત્રો-પૌત્રીઓ, એમનાં પતિ-પત્ની અને અમારા સમગ્ર કુટુંબના પ્રેમ અને સહકાર વિના હું અહીં ના પહોંચી શક્યો હોત. એ બધાં મારું કાળજુ છે.

જિલ માતા છે, મિલિટરી માતા છે, કેળવણીકાર છે. એણે એનું જીવન કેળવણીને સમર્પિત કરેલું છે. પરન્તુ એ કેળવણી માત્ર આપવાનું જ કાર્ય નથી કરતી. એનું કાર્ય એના ચરિત્રની વ્યાખ્યા છે. અમૅરિકાના કેળવણીકારો, તમારા માટે આ મોટો દિવસ છે. વ્હાઇટ હાઉઝમાં તમારામાંનું એક વ્યક્તિ હોવાનું છે. ને જિલ ખૂબ ઉમદા ફર્સ્ટ લેડી બનવાનાં છે. એમનાં માટે મને ખૂબ ગૌરવ છે.

આવા ઉત્તમ ઉપ-રાષ્ટ્રપ્રમુખ સાથે કાર્ય કરવાનું મને સમ્માન મળ્યું છે. તમે હાલ કમલા હૅરિસને સાંભળ્યાં. આ દેશમાં ચૂંટાયેલાં પ્રથમ મહિલા તરીકે, પ્રથમ અશ્વેત મહિલા તરીકે , સાઉથ એશિયન વંશનાં પ્રથમ મહિલા તરીકે, ઇમિગ્રન્ટ માતા-પિતાનાં પ્રથમ દીકરી તરીકે એમણે ઇતિહાસ સર્જ્યો છે. એવું ના માનશો કે અમૅરિકામાં આવું શક્ય નથી. ખરેખર તો ઘણા વિલંબે આવું બન્યું છે.

આને શક્ય બનાવવા ઘણાં બધાં વર્ષો જેમણે આકરી લડત આપી છે એ તમામ આજે રાત્રે યાદ આવે છે. ફરી એક વાર અમૅરિકાએ નૈતિક વિશ્વનું વૃત્તખંડ ન્યાય તરફ વાળી બતાવ્યું છે. કમલા, ડગ, કહો કે ના કહો, તમે મારાં કુટુંબનો હિસ્સો છો. માનદ્દ બાઈડન બન્યા સિવાય કોઈ રસ્તો નથી તમારી સામે.

મહામારી વચ્ચે ચૂંટાયેલા અમલદારોએ આગળ થઈને ચૂંટણીનું જે કાર્ય કર્યું છે એમને સમગ્ર રાષ્ટ્ર તરફથી વિશિષ્ટ ધન્યવાદ પાઠવવામાં આવે છે.

આ પડાવ શક્ય બનાવવા મારા કૅમ્પૅનની ટીમ અને તમામ સ્વયંસેવકોએ એમનો ભરપૂર સમય અને શક્તિ ખર્ચ્યા છે. હું તમારો ઋણી છું. તમારો ઋણી છું. હંમેશાં તમારો ઋણી રહીશ.

જે તમામ લોકોએ અમને ટેકો આપ્યો છે. અમારી કૅમ્પેન માટે મને ગૌરવ છે. જે ગઠબંધન અમે રચ્યું, ઇતિહાસમાં સૌથી બહોળું અને વૈવિધ્યપૂર્ણ ગઠબંધન, એના માટે મને ગૌરવ છે. ડૅમોક્રૅટ, રિપબ્લિકન, અપક્ષ, પ્રગતિશીલ, મધ્યમમાર્ગી, રૂઢિચુસ્ત, યુવાન, વૃદ્ધ, શહેરી, પરાવિસ્તારના, ગ્રામીણ, સમલૈગિંક, વિજાતિય, જાતિ-લિંગ પરિવર્તન કરેલા, શ્વેત, લૅટિનો, એશિયન, નેટિવ અમૅરિકન.

હું બોલું છું એ માનું છું. ખાસ કરીને જ્યારે આ કૅમ્પૅનનો જોશ સાવ ઓસરી રહ્યો હતો, આફ્રિકન-અમૅરિકન સમુદાય ફરીથી મારા માટે ખડો થઈ ગયો. તમને મારો ટેકો હંમેશાં રહેલો છે ને મને તમારો ટેકો રહેશે.

મેં શરૂઆતમાં કહ્યું તેમ, આ કૅમ્પૅન અમૅરિકાનું પ્રતિનિધિત્વ કરે અને અમૅરિકાનું પ્રતિબિંબ બને એવું મેં ધાર્યું હતું. એ અમે સિદ્ધ કર્યું છે. હવે વહીવટ પણ એ મુજબ દેખાય અને કાર્ય કરે એવું હું ઈચ્છું છું.

હું સમજું છું કે જે બધાંએ પ્રેસિડન્ટ ટ્રમ્પને મત આપ્યા છે તે આજે રાતે હતાશ છે. હું ય કેટલી વખત હાર્યો છું. પરન્તુ હવે આપણે એકબીજાને મોકો આપીએ.

કર્કશ વાણીને જાકારો આપવાનો, તાપમાન નીચું આણવાનો, એકબીજાને મળવાનો સમય આવી ગયો છે. એકબીજાને સાંભળવાનો સમય આવી ગયો છે. ને પ્રગતિ કરવા આપણે આપણા વિરોધીઓને દુશ્મન તરીકે જોવાનું બંધ કરવું પડશે. એ આપણા દુશ્મન નથી. એ અમૅરિકન છે. એ અમૅરિકન છે.

બાઈબલમાં લખ્યું છે કે દરેક બાબત માટે ઋતુ હોય છે, રોપણીની ઋતુ અને લણણીની ઋતુ. સાજા થવાની ઋતુ. અમૅરિકાને સાજું કરવાનો આ સમય છે.

આ કૅમ્પૅનનો અંત આવ્યો છે. લોકોની મરજી શું છે? આપણું ફરમાન શું છે? મને લાગે છે તે આ છે: અમૅરિકાએ આપણને શિષ્ટાચારના પરિબળોને, ન્યાયના પરિબળોને આયોજિત કરવાનું આહ્વાન આપ્યું છે. આપણા સમયના મહાયુદ્ધોના સંદર્ભે વિજ્ઞાનનાં પરિબળો અને આશાનાં પરિબળોને આયોજિત કરવાનું સોંપ્યું છે. વાયરસ પર કાબૂ મેળવવાનું યુદ્ધ, સમૃદ્ધિ સ્થાપવાનું યુદ્ધ, તમારા પરિવારના આરોગ્ય સંભાળવાનું યુદ્ધ. નૃવંશવાદ સંદર્ભે ન્યાય મેળવવાનુ યુદ્ધ અને આ દેશમાં પ્રવર્તતા પ્રણાલીગત નૃવંશવાદનો રકાસ કરવાનું યુદ્ધ. હવામાન પરિવર્તન સંદર્ભે આપણા ગ્રહને બચાવવાનું યુદ્ધ.

શિષ્ટાચારની પુન:સ્થાપના કરવાનું, લોકશાહીનું રક્ષણ કરવાનું અને આ દેશમાં બધાંને સમાન તક આપવાનું યુદ્ધ.

સાથીઓ, કોવિડને નિયંત્રણમાં લાવવાથી આપણા કાર્યની શરૂઆત થાય છે. એને નિયંત્રણમાં લાવ્યા સિવાય આપણે અર્થતંત્રને સમું નહીં કરી શકીએ, આપણી જીવનશક્તિ પાછી નહીં મેળવી શકીએ અથવા જિંદગીની સૌથી મૂલ્યવાન પળો માણી નહીં શકીએ, આપણાં પૌત્રો-પૌત્રીઓ, આપણાં સંતાનોને આલિંગન નહીં આપી શકીએ, આપણી વર્ષગાંઠો, લગ્નો, ગ્રેજયુએશન, આપણાં જીવનમાં મહત્ત્વ ધરાવતી તમામ પળોને માણી નહીં શકીએ.

સોમવારે હું અગ્રણી વૈજ્ઞાનિકો અને તજ્જ્ઞોનાં નામ જાહેર કરીશ જે ટ્રાન્ઝીશન ઍડવાયઝર તરીકે બાઈડન-હૅરિસ કોવિડ પ્લાનને આગળ લઈ જવામાં અને ૨૦ જાન્યુઆરી, ૨૦૨૧થી એને ઍકશન બ્લુપ્રિન્ટમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે. એ પ્લાન વિજ્ઞાનના પાયા પર તૈયાર કરવામાં આવશે. અનુકંપા, સહાનુભૂતિ અને દરકાર પર એ નિર્ભર હશે. આ મહામારીને કાબૂમાં લેવા માટે હું કોઈ જ પ્રયત્ન કરવામાં અથવા પ્રતિબદ્ધતા દાખવવામાં ચુકીશ નહીં.

સાથીઓ, હું ડૅમોક્રેટ હોવામાં ગૌરવ અનુભવું છું પરન્તુ હું વહીવટ કરીશ અમૅરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે. મને મત આપનારા માટે કરીશ એટલી જ મહેનત મને મત નહીં આપનારા માટે પણ કરીશ. અમૅરિકામાં શેતાનિયતના ભયાવહ યુગનો અંત અહીં અને હમણાં જ આવવા દો.

ડૅમોક્રૅટ્સ અને રિપબ્લિકન્સનો એકબીજાને સહકાર આપવાનો ઈનકાર. આપણા કાબૂ બહારનું આ કોઈ રહસ્યમય પરિબળ નથી. એ નિર્ણય છે, આપણે કરેલી પસંદગી છે. અને જો આપણે અસહકાર કરવાનું નક્કી કરી શકીએ તો સહકાર કરવાનું પણ નક્કી કરી જ શકીએ છીએ.

હું માનું છું કે અમૅરિકન લોકોએ આપણને આપેલા ફરમાનનો આ હિસ્સો છે. એમના હિતમાં આપણે સહકારથી કાર્ય કરીએ એવું એ ઇચ્છે છે. અને હું એ પસંદગી કરીશ. ને મારી સાથે એ પસંદગી કરવા હું કૉંગ્રેસ, ડૅમોક્રૅટ્સ અને રિપબ્લિકન્સને આમંત્રણ આપીશ.

અમૅરિકામાં તકોનો ધીરો પણ સ્થિર વિસ્તાર કરવો એ અમૅરિકન કહાણી છે. ભ્રમમાં ના રહેશો, ઘણા લાંબા સમયથી ઘણાં બધાં સપનાં ખોરંભે પડ્યાં છે. દેશનાં વચનોને બધાં માટે વાસ્તવિક બનાવવાં પડશે, ભલે એમનો નૃવંશ, વંશીયતા, ધર્મ, અસ્મિતા કે અક્ષમતા કોઈ પણ હોય.

સાથીઓ, સમયના જુદા જુદા તબક્કે અમૅરિકા હંમેશાં વળાંકના બિંદુઓથી આકાર પામ્યું છે. આપણે જે છીએ અને જે બનવા માગીએ છીએ એના માટે આપણે  કઠોર નિર્ણયો કર્યા છે. ૧૮૬૦માં લિંકન યુનિયનને બચાવવા મથ્યા, ૧૯૩૨માં ત્રસ્ત દેશને નવી દિશા દેખાડી એફ.ડી.આર.એ. જે.ઍફ.કે.એ ૧૯૬૦માં નવી ક્ષિતિજનું વચન આપ્યું. બાર વર્ષ પૂર્વે જ્યારે બરાક ઓબામાએ ઇતિહાસ સર્જતી વેળાએ આપણને કહ્યું : યેસ, વી કૅન.

સાથીઓ, આપણે એક વળાંક પર ઊભા છીએ. નિરાશાને પરાજીત કરવાની, સમૃદ્ધિ અને ઉદ્દેશના રાષ્ટ્રનું નિર્માણ કરવાની તક છે આપણી સામે. આપણે એમ કરી શકીશું. એની મને ખાતરી છે. અમૅરિકાના આત્મા માટેના યુદ્ધની હું ઘણા સમયથી વાત કરતો આવ્યો છું. અમૅરિકાનો આત્મા આપણે પુન:સ્થાપિત કરવાનો છે. આપણા ગુણ અને દુર્ગુણ વચ્ચેના સતત ઘમસાણથી આપણા રાષ્ટ્રે આકાર લીધો છે. આ ઘમસાણો વચ્ચે રાષ્ટ્રપ્રમુખો જે કહે છે એનું મહત્ત્વ હોય છે. આ સમયે આપણા ગુણનો વિજય થવા દો. આજ રાતે આખા વિશ્વની આંખો અમૅરિકા પર મંડાયેલી છે અને મને આપણી શ્રેષ્ઠતામાં વિશ્વાસ છે. આખી દુનિયા માટે અમૅરિકા દીવાદાંડી છે.

આપણી સત્તાના દાખલા દ્વારા નહીં પરન્તુ આપણા દાખલાની સત્તા દ્વારા આપણે આગેવાની કરવાની છે. હું જાણું છું, હું હંમેશાં માનતો આવ્યો છું, તમારામાંના ઘણાએ મને બોલતા સાંભળ્યો છે કે આપણે અમેરિકાને એક શબ્દમાં વર્ણવી શકીએ છીએ : શક્યતાઓ. એટલે કે અમૅરિકામાં દરેકનાં સપનાં અને ઈશ્વરે બક્ષેલી ક્ષમતાના આધારે દરેક જણને તક આપવી જોઈએ.

એવું છે કે હું આ દેશની શક્યતાઓમાં વિશ્વાસ રાખું છું. આપણે આગળ જોવાનું છે. એવા અમૅરિકા ભણી જે વધુ સ્વતંત્ર અને ન્યાયી હોય. એવા અમૅરિકા ભણી જે સન્માન અને આદર દ્વારા નોકરીઓનું નિર્માણ કરે. એવા અમૅરિકા ભણી જે કૅન્સર અને ઑલઝાઇમર્ઝ જેવા રોગનો ઉપચાર કરે. એવા અમૅરિકા ભણી જે કોઈને પાછળ ન મૂકી દે. એવા અમૅરિકા ભણી જે કદી હાર ન માને, તાબે ન થાય. આ મહાન રાષ્ટ્ર.

અમૅરિકા વિરુદ્ધ બાજી લગાવવી હંમેશાં ખરાબ બાજી સાબિત થઈ છે. આપણે સારા લોકો છીએ. આ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમૅરિકા છે. એવું કશું જ નથી, એવું કશું જ નથી, જે આપણે સાથે મળીને કર્યું હોય ને ના કરી શક્યા હોય.

સાથીઓ, કૅમ્પેનના અંતિમ ચરણમાં હું એક ભજન વિશે ચિંતન કરવા લાગેલો કારણ કે મારા અને મારા પરિવાર માટે આ ભજનનું મહત્ત્વ ખૂબ જ છે, ખાસ કરીને મારા સ્વર્ગસ્થ દીકરા બો માટે. મને ટકાવી રાખનાર અને હું માનું છું અમૅરિકાને ટકાવી રાખનાર શ્રદ્ધા એમાં મૂર્ત છે. હું આશા કરું છું — ને હું આશા કરું છું આ ભયાનક વાયરસને લીધે ૨,૩૦,૦૦૦ અમૅરિકનોએ જે સ્વજનો ગુમાવ્યાં છે એમને આ ભજનથી દિલાસો અને સાંત્વના મળશે. હું તમારા પ્રત્યેકના દુ:ખમાં સહભાગી છું. આશા કરું છે કે આ ભજન તમને પણ સાંત્વના પૂરી પાડશે.

આ ભજનના શબ્દો આ મુજબ છે : અને તેઓ તમને સમડીની પાંખો પર ઊંચા કરશે, પરોઢના શ્વાસ પર તમને ઊંચકશે ને તમને સૂર્યની માફક સહી કરાવશે ને એમની હથેળીમાં તમને રાખશે. ને હવે સૌ સાથે, સમડીની પાંખો પર સવાર થઈ, ઈશ્વર અને ઇતિહાસે જે કાર્ય આપણને સોંપ્યું છે, તેને પૂરા હૃદય અને મજબૂત હાથથી, અમૅરિકામાં અને એકબીજામાં વિશ્વાસ રાખીને, દેશ માટેના પ્રેમ અને ન્યાય માટેની તરસ સાથે પાર પાડવા આગળ વધીએ.

આપણે જે બનવા સક્ષમ છીએ એવું રાષ્ટ્ર બનીને બતાવીએ. અવિભાજીત રાષ્ટ્ર, સશક્ત રાષ્ટ્ર. સાજું થયેલું રાષ્ટ્ર. ધ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમૅરિકા, સજ્જનો અને સન્નારીઓ, એવું કશું જ ક્યારે ય નથી બન્યું કે આપણે પ્રયત્ન કર્યો હોય ને કરી શક્યા ના હોય.

મને યાદ છે કે સ્ક્રૅન્ટનમાં નાનપણમાં મારા દાદાનું ઘર છોડ્યું ત્યારે એમણે મને કહેલું: “જોઈ, વિશ્વાસ ટકાવી રાખજે.” ને મારાં દાદી જ્યારે જીવતાં હતાં ત્યારે મોટે અવાજે કહેતા: “ના, જોઈ, એનો પ્રસાર કરજે.” વિશ્વાસનો પ્રસાર કરજે.

ઈશ્વર તમને બધાંને પ્રેમ આપે. ઈશ્વર અમૅરિકાને આશીર્વાદિત કરે અને ઈશ્વર આપણા સૈન્યનું રક્ષણ કરે. થૅંક યુ. થૅંક યુ.

સ્રોત : washingtonpost.com

Loading

એક કથા-કાવ્ય

સુમન શાહ|Poetry|8 November 2020

જગદીશચન્દ્ર જાણીને કૂવામાં ઊતરેલો
નાનો હતો જગલો હતો
‘બિલાડી’ ઉતારીને
કૂવામાં પડી ગયેલી વસ્તુઓ કાઢી આપતો
મોટપણે પ્રેમમાંયે જાણીને ઊતરેલો
પણ
કૂવામાં ટાંટિયા લંબાવીને
કૉલસા ચાવવાનો વારો આવ્યો
કેમજે
સખી છાંડી ગઈ
ગઈકાલે એણે
કૂવાનાં શીળાં જળમાં ચાંદો જોયો
પકડવાને ફાંફું માર્યું
સખી ખીલ ખીલ હસતી તે
મધુરાં હસવાં યાદ આવ્યાં
રડવા જેવું મલકાયો
કશેકથી મ્હૅકી ઊઠી
મઘમઘતી તારાભરી રાતો
ખિસ્સેથી મૂઠીએથી પાંપણને પલકારે
કેટલીયે વસ્તુઓ સરકીને
ક્યારે કેમ દડી પડી
ન સમજ્યો
અધૂરી આશા જેવી ડાયરી
લિક થયે જતી ઇચ્છા જેવી પેન
ચોખ્ખાં ચશ્માં
પછીના દિવસે
ફોન ફંગોટી દીધેલો કૂવામાં
ચાંદાના ચૂરા થયેલા
માથું પકડીને
મગજને ય ખખડાવી જોયેલું
આંસુ લૂછવાનો રૂમાલ સખીએ
સુખડની સુગન્ધી લગાડીને તો આપેલો
કહેલું
કૂવામાં આકાશ ને પાણી બન્ને હોય
તરાય કે ડુબાય
એટલે ઊતરેલો
પણ
મૉઢું નીરખ્યા કરે
દાઢી પંપાળે દાંતિયાં કરે
હથેળી જુએ મુઠ્ઠી વાળે ખોલે
ફરી વાળે ફરી ખોલે
હાથ ન આવે છેડો ન તળિયું
એટલે
કૉગળા કર્યા પિચકારીઓ મારી
કશેકથી યાદોના ગુચ્છા કાઢ્યા
ચાવ્યા ચગળ્યા થૂંકી કાઢ્યા
ને પછી
જગદીશચન્દ્રે
અંગાંગે ઘસ્યા ચાંદાના ચૂરા
થયું
પાછા નથી જવું
કહી દઉં
બૂમ પાડી જોઈ
પછી કૂવાનાં જળ
ધીમેશથી થયાં સરખાં ને
ચાંદો ફરી દેખાયો
કોઈ આજે કૂવામાં
‘બિલાડી’ ઉતારીને
પોતાની વસ્તુ કાઢવા કરે છે
લોક કહે છે
એ છે જગલાની સખી

= = =

નૉંધ : 'બિલાડી' લોખંડનું એક સાધન. એની બન્ને બાજુએ ૪-૫ ૪-૫ આંકડા હોય. એને કૂવામાં ઉતારવાનું. પડી રહેલી વસ્તુ પર સિફતથી ગોઠવવાનું. પછી કળથી વસ્તુ જોડે ફસાવવાનું અને વસ્તુ છૂટી જાય નહીં એવી કાળજી કરીને ઉપર ખૅંચી લેવાનું. ગામડાંઓમાં અને કસબાઓમાં ખાસ વપરાતું હતું…

(November 4, 2020: Peoria, IL U.S.A.)

સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

The Hopeful Note

Natwar Gandhi|English Bazaar Patrika - Features|8 November 2020

As I am writing this TV news has just declared a definitive Biden victory.  So, as Trump departs with his incoherent and incompetent leadership, I am hopeful! My faith in good sense of American people and in American democracy is reaffirmed.

Yes, we don’t have much talked about Blue Wave that I had hoped and predicted. So, we will have a divided government for at least for next two years. Is that too bad?  Republican controlled senate will push back on an aggressive, left leaning agenda starting with cabinet appointments.  Chances of Elizabeth Warren for Treasury and Bernie Sanders for Labor are substantially diminished, if not eliminated.  Imposition of any large tax burden on the rich as well as on large corporations looks unlikely.  This has already eased the markets as all indices have risen since the election day.

Chances are McConnell and Biden, two old senate friends, are likely to work together better than had been the case when Obama was president.  Washington is likely to work better in an old fashioned horse trading way and come up with a moderate legislative agenda on critical issues such as pandemic relief, economic stimulus and infrastructure. I doubt whether there will be any more silliness of shutting down the government and of not raising the debt ceiling.

With this hopeful note, I do not want to minimize the fundamental fact that the country is bitterly divided.  Trump might be gone but Trumpism is likely to stay here for a foreseeable future.  Approximately 5 million more people voted for Trump in 2020 than four years ago. Indeed, half of the country still voted for an amateurish and morally depraved President who has done incalculable damage at home and abroad.  Further, we still have a profound existential issue of climate change that must be addressed.  Will we be able to do that with this level of distrust and division?  Further, we still have a raging pandemic that costs more than a thousand American lives each day.  I am hopeful that at least under Joe Biden we will begin to address these issues.

Loading

...102030...2,1282,1292,1302,131...2,1402,1502,160...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved