Opinion Magazine
Number of visits: 9680559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવાળી પછી કોલેજો શરૂ થવી જ જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 November 2020

દિવાળી પછી કોલેજો શરૂ કરવાનો આદેશ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુ.જી.સી.) આપ્યો છે. 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કોલેજો શરૂ કરવાની વાત છે. આમ તો આ ફતવો છે. 50 ટકા વિદ્યાર્થીઓ એટલે કયા ને કેવા વિદ્યાર્થીઓ એ અંગે સ્પષ્ટતા નથી, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય સાવચેતીનાં પગલાંની વાત એમાં છે તે નક્કી છે. એ હિસાબે એક બેંચ પર એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીઓ વચ્ચે છ ફૂટનું અંતર એટલું અભિપ્રેત છે. 6 ફૂટનું અંતર જાળવવા તો પાછલી બેંચને પણ ખાલી છોડવી પડે. આ ઉપરાંત સ્કેનિંગ, ટેસ્ટ, સેનિટાઇઝેશન, માસ્ક વગેરેની તકેદારી પણ રાખવાની રહે. આ પાછું એક દિવસનું કામ નથી, રોજની સાવચેતી રાખવાની રહે જ છે. ક્લાસમાં તો નહીં જ, કોલેજ પરિસરમાં પણ વિદ્યાર્થીઓ ટોળે ન વળે એ પણ જોવાનું રહે. આદર્શ તરીકે આ સારું જણાય, પણ તે વ્યવહારુ કેટલું તે વિચારવાનું રહે. જાહેરમાં પણ કેટલું પળાય છે તે સૌ જાણે છે. રોગનું જોર નરમ પડે એવું હોય ત્યારે એક પણ પગલું એવું ન ભરાવું જોઈએ જે જોખમ વધારે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ વાત કરીએ તો તેની સાથે 300 કોલેજો અને 2.75 લાખ વિદ્યાર્થીઓ સંકળાયેલાં છે. એમાં મોટી સંખ્યામાં આવતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 200 કોલેજોમાં બે લાખની છે. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ જેવી ઘણી કોલેજોમાં તો વર્ગમાં વિદ્યાર્થીઓ 200ની સંખ્યામાં બેસતા હોય છે. ત્યાં 50 ટકા વિદ્યાર્થીઓની 6 ફૂટનું અંતર રાખીને બેસવાની ગોઠવણ અઘરી છે. વર્ગો મોટા થઈ શકે નહીં અને વિદ્યાર્થીઓ ઘટે નહીં, ત્યાં 50 ટકાવાળી ફોર્મ્યુલા વ્યવહારુ લાગતી નથી. આવો કોઈ પણ ફતવો બહાર પાડતી વખતે તે કેવી રીતે લાગુ થશે એ અંગે શિક્ષણ વિભાગ કે યુ.જી.સી. વિચારે એ વધુ પડતું છે. મોટે ભાગે આવા નિર્ણયોના અમલની જવાબદારી કોલેજો કે યુનિવર્સિટીઓ પર નાખી દેવાતી હોય છે.

આવામાં કોલેજના આચાર્યો કે યુનિવર્સિટીના અધ્યાપકો કે ડિપાર્ટમેંટ હેડ્સ કે મંડળોના હોદ્દેદારો પોતપોતાના તર્કો લડાવીને વિકલ્પો સૂચવે છે. આમાં પણ એમ જ થયું છે. કેટલાકનું કહેવું છે કે આ વર્ષે પ્રત્યક્ષ શિક્ષણ ભૂલી જાવ અને ઓનલાઈન શિક્ષણથી જ સંતોષ માનો. જો કે ઓનલાઈન શિક્ષણ પહેલેથી જ ચર્ચામાં રહ્યું છે ને ગામડાંની કોલેજોમાં સાધનોની અછત અને વિદ્યાર્થીઓની ટાંચા સાધનોની સ્થિતિને કારણે તે ખાસ સફળ થયું નથી. મોટાં શહેરોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે, પણ એમાં અધ્યાપકો ને વિદ્યાર્થીઓ ખરેખર સંતુષ્ટ છે જ એવી વાત બહાર આવી નથી. ઇચ્છીએ કે એ સફળ થયું હોય.

જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે ત્યાં સવારની અને બપોરની પાળીમાં કોલેજ શરૂ કરવાની વાત પણ છે. એ સારું સૂચન છે, પણ પ્રશ્નો તો એમાં પણ છે જ ! બે પાળીમાં જે અધ્યાપકો ભણાવશે તે એક જ હશે કે જુદા જુદા? જુદા હોય તો એ સ્ટાફની જોગવાઈ કેવી રીતે થશે? જો અધ્યાપક બદલાવાના ન હોય તો વર્ક લોડ વધશે અને એની અનુકૂળતા કેટલી હશે તે નક્કી કરવાનું રહે. એક અધ્યાપક એક જ રીતે ભણાવે એ શકય કેટલું? કારણ એ માણસ છે, મશીન નથી. બંને પાળીમાં એક જ અધ્યાપક ભણાવે એ વ્યવહારુ કેટલું? જો આ સ્થિતિ હોય તો જુદા જુદા અધ્યાપકો એક સરખું જ ભણાવે એ તો સવાલ જ ઊઠતો નથી. આવામાં બધા વિદ્યાર્થીઓને સરખું શિક્ષણ મળવા અંગેના પ્રશ્નો રહે જ . આ બધું જોતાં પ્રત્યક્ષ શિક્ષણ સરળ જણાતું નથી.

રહી વાત પરીક્ષાઓની, તો એ વખતે તો બધા વિદ્યાર્થીઓ સાથે હોવાના. એમાં 50 ટકા એક બેચ પરીક્ષા આપે ને બીજો 50 ટકાનો બેચ એ જ પ્રશ્નપત્રના જવાબો આપે તો ગોપનીયતાના પ્રશ્નો રહે. એમાં જો એક બેચ એક પ્રશ્નપત્રના જવાબો લખે ને બીજો બીજાના, તો તે પણ ન્યાય સંગત ન રહે. એટલે કે ૫૦ ટકાની વાત પરીક્ષા વખતે કામ લાગે એમ નથી. માની લઈએ કે કદાચ પરીક્ષા ખંડમાં વ્યવસ્થા થઈ રહે, પણ કોલેજના પરિસરમાં ભીડ થવાની શક્યતા નકારી શકાય નહીં.

આમ તો ગુજરાતનું શિક્ષણ કથળેલું હતું જ, તેમાં કોરોનાએ દાટ વાળ્યો છે એટલે એ નજીકનાં ભવિષ્યમાં પાટે ચડે એવું લાગતું નથી. બીજી તરફ યુ.જી.સી. અને શિક્ષણ વિભાગમાં કોઈને શિક્ષણની દાઝ કે ચિંતા હોય એવું ઓછું જ છે. વધારામાં કોઈ પણ સંતોષજનક ઉકેલ મળે એવી સ્થિતિ કોરોનાએ રહેવા દીધી નથી. શિક્ષણ પોતે જીવદયા પર નભે છે ને પરીક્ષાનાં પરિણામો પણ જીવદયા પર જ નિર્ભર રહે એવી પૂરી શક્યતાઓ છે. આમાં શિક્ષણનું શું અને કેવું ધોરણ રહે તે સમજી શકાય એવું છે.

આ સંજોગોમાં બહુ મહત્ત્વનો હોય એવો અભ્યાસક્રમ નક્કી કરવાનો હતો, 30 ટકા કાપ મૂકવાની રીતે, પણ જે કાપ મૂકાયો તે અણઘડ રીતે મૂકાયો. એ મૂકનારા નિષ્ણાતો હોવા વિષે શંકા છે. થવું તો એવું જોઈતું હતું કે જે તે વિષયના તટસ્થ અને નિષ્ણાત શિક્ષણશાસ્ત્રીઓને એ કામ સોંપાવું જોઈતું હતું, પણ એમ ન થયું અને શિક્ષણ વિભાગની બેદરકારી જ સામે આવી. આ સ્થિતિ બદલાવી જોઈએ. ફરી એક વાર એકદમ કોમ્પેક્ટ અને સર્વગ્રાહી અભ્યાસક્ર્મ બીજી ટર્મને ધ્યાનમાં રાખીને નક્કી થવો જોઈએ.

ખરેખર તો જ્યાં ઓનલાઈન શિક્ષણ સફળ છે ને જેમને તે માફક આવે છે તેમને તે વિકલ્પનો લાભ આપવો જોઈએ ને જેમની પાસે સાધનોનો અભાવ છે તેમને પણ સાધનો પૂરાં પાડી ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવું જોઈએ એ પછી બાકીનાઓને કોલેજમાં પ્રત્યક્ષ શિક્ષણનો લાભ આપી શકાય. આમ થશે તો વર્ગખંડો પરનું ભારણ ઘટશે. અહીં પણ અધ્યાપકોનો પ્રશ્ન તો નડશે જ. એના વિકલ્પમાં નિવૃત્ત આધાયપકોને યોગ્ય વળતર આપીને તેમના જ્ઞાનનો લાભ લઈ શકાય. જો ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ સ્વીકાર્ય ન હોય તો બે પાળીમાં વર્ગો ચલાવી શકાય ને ત્યાં પણ વધારાના અધ્યાપકોની જરૂર  પડે તો નિવૃત્ત અધ્યાપકોના જ્ઞાનનો લાભ લઈ શકાય.

આ બધાં પછી પણ પરીક્ષાનો પ્રશ્ન તો રહે જ છે. એનો ઉકેલ પણ શોધી શકાય. એક રસ્તો છે, પરીક્ષાનાં કેન્દ્રો વધારવાનો. સાધારણ રીતે પરીક્ષા વખતે અભ્યાસક્રમો પૂરા થઈ જતા હોય છે. ન થાય તો તે પૂરા થઈ જાય એવું આયોજન કરવાનું રહે. આટલું થાય તો ઘણા વર્ગખંડો ખાલી પડશે અને ત્યાં પરીક્ષાનું આયોજન સરળતાથી થઈ શકશે. મુશ્કેલીઓ પડશે, પણ આ પરિસ્થિતિમાં જે ઉપકારક નીવડે તે, થોડું વેઠીને પણ પાર પાડવાનું રહે. બને કે એ દરમિયાન વાયરસનું જોર પણ નરમ પડે ને થોડી મોકળાશ વધે તો આયોજનો આટલાં મુશ્કેલ ન પણ રહે. ટૂંકમાં, કોશિશ તો કરવાની રહે જ.

એમ લાગે છે કે હવે કોલેજો બંધ રહે એ ઇચ્છનીય નથી. આખું વર્ષ લખી ન વાળવું હોય તો દિવાળી વેકેશન પછી કોલેજો શરૂ કરવી જ જોઈએ. વિદ્યાર્થીઓની કેરિયર બચાવવાનો આ કદાચ છેલ્લો અવસર છે. થોડી કાળજી લેવાથી જો શિક્ષણ શક્ય બનતું હોય તો એક પ્રમાણિક પ્રયત્ન કરી જોવામાં કશું ખોટું નથી. સંસ્થાઓ ફી વગર અને અધ્યાપકો પગાર વગર મુશ્કેલીઓનો સામનો કરી જ રહ્યાં છે. એવામાં કોલેજો શરૂ થશે તો ઘણાંને ઘણી રાહત થશે. સમય ખરાબ ચાલે છે તેની કોઈ ના પાડી શકે એમ નથી. એમાં શિક્ષણ લાંબો સમય બંધ રહે તો સારું થવાની શક્યતાઓ એકદમ ઘટી જાય છે. આમાં જોખમો છે, તેની ના નહીં, પણ શિક્ષણ બંધ રહેવાનાં જોખમો કરતાં એ ઓછાં જ છે તે સમજી લેવાની જરૂર છે. અસ્તુ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર” દૈનિક, 09 નવેમ્બર 2020   

Loading

ગૃહિણી દિને:

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|9 November 2020

‘ગૃહિણી દિને’

મને સપનું આવ્યું કે સ્વાયત્ત નારીવાદી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ! 

એક દાદીઅમ્મા, ગૃહિણી અને લેખિકાની ગુજરાતથી પહેલ થાય એવી આશા પૂરી થશે ?

                                                                                 — બકુલા ઘાસવાલા

હું ગૃહિણી :
       વર્ષોથી કહેવાતું આવ્યું છે કે
       गृहिणी गृहम्युचते।।
       ધર્મ, અર્થ, કામ અને મોક્ષની
       કર્તવ્યયાત્રા પર
       સપ્તપદીનાં વચનોની ભૂલભુલામણીમાં
       કયાં ખોવાઈ જવાયું
       તેનો અહેસાસ જ ન રહ્યો!
       ગયાં વર્ષો, રહ્યાં વર્ષોની
       એ દડમજલમાં
       પત્ની, મા, ભાભી, કાકી, મામી, દાદી અને
      બીજી પણ કંઈકેટલી ભૂમિકાની
       વૈતરણી પાર જ કયાં થઈ?
       કોઈકે કહ્યું કે
       આજનો દિવસ: ત્રણ નવેમ્બર
        House Wife Day છે!
        ગૃહિણીનાં પ્રદાનની કદરદાનીનો દિન!
         ગૃહિણી દિન કે ગૃહિણી દીન?
         એ દીનતા મટે  ક્યારે?
         જીવનભર  એણે ભરેલાં
         હજારો પાણીનાં  બેડાં
          વણેલી લાખો રોટલીઓ
          ને ઘડેલા અગણિત રોટલા!
          દિવસમાં બે વાર વાળેલાં વાસીદાં ને
          કરેલી બાળકો, ઘરડાંવરડાં ને માંદાની માવજત!
          જેવાં
         અઢળક કામની ગણના થાય
         ઘરકામનું મળે જો વેતન!
        સાથે
         પતિ પરમેશ્વર અને દેવનાં દીધેલાં બની રહેજો ‘ગૃહસ્થ’!

Loading

ફાધર વાલેસ સાથેનું સંસ્મરણ

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|9 November 2020

જ્યારે વલસાડમાં ઉશનસ્ સર સાથે અમે સંસ્કાર મિલન નામની સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થામાં સક્રિય હતાં ત્યારે ફાધર વાલેસનો કાર્યક્રમ રાખેલો. મને ખબર હતી કે તે એ અરસામાં ફાધર જુદા જુદા પરિવારો સાથે રહેવા જતા અને સંસ્કારની અમીટ છાપ છોડતા. જો કે એ પ્રવૃત્તિ બંધ થઈ હતી, પરંતુ મારી એવી ઈચ્છા કે ફાધર જ્યારે વલસાડ આવે ત્યારે અમારે યજમાન બનવું અને મારી એ ઈચ્છા પૂરી થઈ. મારો દીકરો આનંદ નાનો હતો અને એને ગુજરાતી સાહિત્યકારો સાથે ઓળખાણ થાય, એમની બે સારી વાતોની એના પર અસર થાય અને એનો પુસ્તકપ્રેમ જળવાય આટલો મારો સ્વાર્થ. 

આમ તો આ વાતને કદાચ પાંત્રીસ-સાડત્રીસ વર્ષ થયાં હશે. ફાધર આવ્યા અને દસપંદર મિનિટની વાતચીતમાં અમે એમનાં સંતાનો હોઈએ તે રીતે ભળી ગયા. આનંદના ઓરડામાં ફાધરના રહેવાની ગોઠવણ, હેતુ એ કે આનંદ વધારે સમય ફાધર સાથે પસાર કરે. ફાધર તો સવાયા ગુજરાતી એટલે તેઓ ગુજરાતી બોલ્યા, ગુજરાતી ખાણું ખાધું, ગુજરાતી થઈને હળ્યાભળ્યા. મારી સાથે બેસીને મારી અસ્તિત્વની પ્રવૃત્તિઓ જાણી, સ્ત્રીઓની સમસ્યા સમજવાનો પ્રયત્ન કર્યો. ઉશનસ્ સર સાથે અમે સાથે બપોરનું ભોજન લીધું. ગુજરાતી સાહિત્યનાં ભાવિની ફિકર કરી. સાંજે ફાધરે પ્રવચન આપ્યું. રાત્રે બંધુત્રિપુટીના આશ્રમમાં યોગાનુયોગે વલસાડમાં સ્વામી સચ્ચિદાનંદજી આવ્યા હતા એટલે ત્રણે સંતોનો સત્સંગ થયો, જેનો અમને અનાયાસ લાભ મળ્યો. બધું સરસ સરસ અને ગમતું થયું. હવે એ ચર્ચા પૂરેપૂરી યાદ રહી નથી અને નોંધેલું નહીં એટલે વધારે લખતી નથી, પરંતુ મુદ્દો એ હતો કે સમાજમાં સંવાદિતા વધારવા શું થઈ શકે? 

એ દિવસે મુખ્ય સંવાદ એ થયેલો કે ફાધરે મારા ઘરનો સિનારિયો બરાબર જોઈ લીધેલો એટલે એમણે ઉશનસ્ સરની હાજરીમાં મને સવાલ કર્યો કે બકુલાબહેન, તમે નારીવાદી  પ્રવૃત્તિઓ કરો  છો તો અશોકનો સાથસહકાર મળે છે? હું તો વિચારીને સાચો જવાબ આપવા માંગતી હતી, પણ ઉશનસ્ સરને તો અશોક પર એટલો પ્રેમભાવ કે મારા વતી સરે જ જવાબ આપી દીધો કે અશોકનાં કારણે જ તો બકુલા આ બધી પ્રવૃત્તિ કરી શકે છે. એટલો સારો છોકરો છે કે આની બધી વાત ચલાવી લે! હવે વાત પર પૂર્ણવિરામ મુકાયું કે અલ્પવિરામ તે તો મને ન સમજાયું, પરંતુ પછી મને થયું કે હવે સરની જે છાપ છે તે મારે બદલવી નથી. બાકી આપણે તો નીરક્ષીર વિવેકમાં માનીએ એટલે કે તે સમયે મારો અશોક સાથેનો જેવો સંબંધ હશે તે  વિશે બોલ્યા વગર હું તો રહેતે જ નહીં.

ફાધરને અમારી યજમાનગતિ પસંદ પડેલી અને અમે અરસપરસ રાજી થયેલાં તે તો યાદ છે. અમારો પત્રવ્યવહાર પણ થયેલો, પરંતુ એ કાંઈ સચવાયું નથી. સંસ્કાર મિલન પાસે કદાચ એ કાર્યક્રમના ફોટા હોય તો હોય. અમારી ઘરે તો પાડી શકાયેલા નહીં કારણ કે ત્યારે એવી કોઈ ગતામત તે સગવડ ન હતી. પ્રથા પણ ન હતી. પછી એકાદ વાર અમદાવાદ મળેલાં. સંપર્ક છૂટી ગયો. ફાધર સ્પેન ગયા ત્યારે ઈચ્છા હતી કે મળી આવું પણ મેળ ન પડ્યો. છેલ્લે અમદાવાદ આવ્યા ત્યારે તો એમ જ થયું કે મળવા જઈએ તો પણ હવે એમને અમે યાદ હોઈએ ન પણ હોઈએ.

જે આ સમાચારથી યાદો ઊભરાઈ તો થયું કે મિત્રો સાથે વહેંચું.

અલવિદા, ફાઘર. 

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

...102030...2,1272,1282,1292,130...2,1402,1502,160...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved