Opinion Magazine
Number of visits: 9747785
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોબેલ ઇનામો : ઉમદા ઇતિહાસ અને થોડો વર્તમાન

પરેશ ર. વૈદ્ય|Opinion - Opinion|3 January 2021

ભાગ્યે જ કોઈ એવી શિક્ષિત વ્યક્તિ હશે, જેણે નોબેલ ઇનામોનું નામ નહીં સાંભળ્યું હોય. દર વર્ષે વિજ્ઞાનની ત્રણ શાખાઓ, સાહિત્ય અને શાંતિ એમ પાંચ ક્ષેત્રે નોબેલ ઇનામો અપાય છે. છેક ૧૯૦૧થી અપાતાં આ ઇનામોનું આ ૧૨૦મું વર્ષ છે. આ ઉપરાંત એક ઇનામ અર્થશાસ્ત્રનું પણ છે, જે મૂળથી નોબેલ ઇનામ નહોતું, પરંતુ ૧૯૬૯માં રૉયલ સ્વીડિશ બૅન્કે તે પોતા તરફથી શરૂ કર્યું છે, અને બીજાં ઇનામો જોડે જ જાહેર થવાથી હવે તેને લોકો નોબેલ ઇનામ જ ગણે છે. બધાં ઇનામોના વિજેતાઓનાં નામોની એક પછી એક જાહેરાત ઑક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ થાય છે અને ઇનામો નોબેલની જન્મતારીખ દશમી ડિસેમ્બરને દિવસે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અને શાંતિનું ઇનામ નૉર્વેના પાટનગર ઑસ્લોમાં અપાય છે. 

જેના નામે આ પારિતોષિકો અપાય છે, તે ઓલ્ફ્રેડ નોબેલનો જન્મ તો સ્વીડનમાં થયો, પરંતુ તે રશિયા, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને છેવટ અમેરિકામાં રહી ચૂક્યો હતો. એની પ્રતિભા સર્વતોમુખી હતી; ઇજનેર હતો, પણ રસાયણશાસ્ત્ર જાણતો અને ઉદ્યોગપતિ હતો. તેની અનેક શોધોમાંથી મુખ્ય તે ડાયનેમાઇટની. રશિયાની ખનીજતેલની કંપનીઓમાં પણ તેનું રોકાણ હતું. પ્રખ્યાત તોપ બોફોર્સની કંપનીમાં ય તેનો હિસ્સો હતો. આ બધાથી તેને પુષ્કળ ધન મળ્યું. આજીવન અપરિણીત અને શરમાળ પ્રકૃતિના નોબેલને પોતાની જાતને આગળ ધકેલવાની ટેવ ન હતી. થોડો શોખ સાહિત્યનો હતો. એક ઑસ્ટ્રિયન મહિલા બર્થા વોન સટનર(જે એનાં સેક્રેટરી હતાં)ના પરિચયથી તેમને શાંતિના વિષયમાં બહુ રસ પડ્યો. આથી ૧૮૯૩માં તેણે જ્યારે વસિયતનામું બનાવ્યું ને ઇનામોની રચના કરી, ત્યારે શાંતિનો પણ તેમાં સમાવેશ કર્યો. લોકકથા એવી છે કે તેના મૃત્યુની ખોટી ખબર છપાયા બાદ જેવી ‘અંજલિ’ તેને મળી, તેનાથી તેનો આત્મા જાગ્યો અને તેણે ઇનામોનું દાન કર્યું; એ વાતને આધાર મળે તેવું કંઈ એની જીવનકથામાં વાંચવામાં ન આવ્યું. વિજ્ઞાનને ક્ષેત્રે કશુંક ઉપયોગી શોધી કાઢનારાઓને સન્માનવા તે જ મુખ્ય ઉદ્દેશ દેખાય છે. આથી જ ઇનામો માટે જાતિ, ધર્મ કે દેશની સીમાઓને તેણે શરત તરીકે અંકિત નથી કર્યાં.

નોબેલનું મૃત્યુ થયું ૧૮૯૬માં, પરંતુ ઇનામો ૧૯૦૧માં જ શરૂ થઈ શક્યાં કારણ કે એના ભત્રીજાઓએ ‘વિલ’ સામે વિવાદ કર્યો અને તેને ઉકેલતા પાંચ વર્ષ ગયાં. સૌથી પહેલું ઇનામ ક્ષ-કિરણોના શોધક વિલિયમ કોનરાડ રોન્જન(૧૮૪૫-૧૯૨૩)ને ગયું. ખાસ કરીને વિજ્ઞાનને લગતાં ઇનામોની જાહેરાતની વૈજ્ઞાનિકો રાહ જોતા હોય છે. તેમાં કોને મળ્યું તે કરતાં કયા વિષયને મળ્યું તેનું નામ વધુ લેવાય છે. જેમ કે આ વરસે મેડિસીનનું ઇનામ હિપેટાઈટિસ ‘C’ના વાઇરસની શોધને મળ્યું; વિજેતાનાં નામ હાર્વે અલ્ટર, માઇકલ હફટન અને ચાર્લ્સ રાઇસ ઓછાં મહત્ત્વના બને. સામાન્ય રીતે દર વર્ષે પહેલું જે ઇનામ જાહેર થાય તે ‘શરીરશાસ્ત્ર અથવા ઔષધવિજ્ઞાન’નું હોય છે. (આ ઇનામનું નામ વસિયતનામામાં Physiology OR Medicine એ રીતે લખાયું છે, એટલે કે આ બંને વિષય મળીને એક જ ઇનામ આપવાનું છે.) કમળાના એક પ્રકાર ‘હિપેટાઇટિસ-સી’નું કારણ એક વાઇરસ છે, તે બતાવી તેને જુદું તારવવા માટે આ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે વહેંચાયું છે. અગાઉ કમળો થવા માટે A તથા B નામે ઓળખાતા વિષાણું જવાબદાર છે, તે નક્કી થઈ ગયું હતું. પરંતુ તે બંનેની ગેરહાજરીમાં પણ કમળો થાય છે અને તે આ વાઇરસ તેમ આ ત્રણ જણાએ દર્શાવ્યું. લોહીની તપાસમાં આ વિષાણુને પકડી શકાય છે. જેના યકૃત(લિવર)ને આ વાઇરસ લાગુ પડે તેમને લિવરનું કૅન્સર થવાની શક્યતા રહે છે. 

પદાર્થવિજ્ઞાન (Physics) માટેનું ઇનામ પણ ત્રણ જણ વચ્ચે સંયુક્ત રીતે મળ્યું. રોજર પેનરોઝ, ગેન્ઝેલ અને એન્દ્રિયા ઘેઝ (મહિલા) એ ત્રણે એ અલગ-અલગ સમયે Black Hole ‘શ્યામગર્ત’ ઉપર કાર્ય કરેલું. બ્લૅક-હૉલ એવા અવકાશી પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે તેમાં ગયેલો કોઈ પદાર્થ પાછો નીકળી શકતો નથી, તે એટલે સુધી કે પ્રકાશ પણ નહિ! જેમાંથી પ્રકાશ ન નીકળે તેને જોઈ કેમ શકાય? એટલે તેનું નામ ‘કાળું કાણું’ એવું પડ્યું. આપણી આકાશગંગાના કેન્દ્રમાં પણ આવું જ એક બ્લૅક-હૉલ છે. પેનરોઝે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદનો ઉપયોગ કરી તેનું અસ્તિત્વ સમજાવ્યું, પરંતુ તે વાસ્તવમાં છે કે નહિ તેની સાબિતી ગેન્ઝેલ અને ઘેઝે આડકતરી રીતે આપી. તેઓએ અવલોકન કર્યું કે બ્રહ્માંડમાં અમુક તારાઓનું ટોળું એક અદૃશ્ય બિંદુની આસપાસ પ્રદક્ષિણા કરે છે. એનો અર્થ કે ત્યાં આગળ એક ભારે પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ તેમને ફેરવે છે. પેનરોઝે કોલકાતાના એક પ્રોફેસર અમલકુમાર રાય ચૌધરીનું ગણિત વાપરેલું, એટલે અગાઉ એમને મળવા ખાસ કોલકાતા પણ આવી ગયા છે.

રસાયણશાસ્ત્રનું ઇનામ પણ આમ જુઓ તો બાયૉલૉજીને જ ગયું કહેવાય. આનુવંશિકતાના મહા અણુ DNAમાં આપણી ઓળખના જિન્સ (જનીન) રહેલા હોય છે. જિનેટિક એન્જિનિયરિંગમાં DNAના અમુક ભાગમાં રહેલા જિનને કાઢી નાખવાનું અથવા તેમાં ફેરફાર કરવાનો હોય છે. તો ખાસ જગ્યાએ એ મહા અણુમાં નવું જિન બેસાડવું હોય, તો તેને બરાબર જગ્યાએથી કાપવો પડે. અમુક રસાયણો આ કામ કરી આપે છે, જેને અણુને કાપવાની કાતર કહી શકાય. CRISPR Cas૧૯ નામની આ ટેક્‌નોલૉજી ઇમેન્યુઅલ ચાર પેન્ટિયર અને જેનિફર ડૂડના નામનાં બે સ્ત્રીવિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. CRISPRએ લાંબા નામના પ્રથમ અક્ષરોથી  બનેલું નામ છે. આ યુક્તિ વનસ્પતિ તેમ જ પ્રાણીઓના જનીનમાં ફેરફાર કરવા માટે વપરાય છે. કેટલાકે તેનો ઉપયોગ માણસની પ્રજાતિ સુધારવાના સંશોધન માટે પડકાર અને એમ કંઈક વિવાદ પણ ઊઠેલો. નોબેલ પ્રાઇઝના ઇતિહાસમાં પ્રથમ વાર છે કે સંયુક્ત ઇનામનાં બંને દાવેદાર મહિલા હોય, પરંતુ ભાભા પરમાણુકેન્દ્રના ડૉ. રથે આ વિષયે વ્યાખ્યાન આપતાં કહ્યું કે આ બંને ઉપરાંત લિથુયાનિયાના ડૉ. સિકિસ્નસે પણ આ જ શોધ કરી હતી, અને એમનું શોધપત્ર આ બંને કરતાં પહેલા પ્રકાશન માટે અપાયું હતું (મે ૨૦૧૨), પરંતુ આ લોકોએ જે જર્નલને પેપર મોકલ્યું, તેના તંત્રીને આ વિષય નવો લાગતાં તેમણે મોડા આવેલ પેપરને જલદી (જૂનમાં મળેલ પેપરને જૂનમાં જ) છાપ્યું. નોબેલ કમિટીએ ધાર્યું હોત, તો ત્રણેને સંયુક્ત ઇનામ આપી શકી હોત, પણ તેણે જે શોધપત્ર વહેલું છપાયું તેને ઇનામ આપ્યું. (એ વાત જુદી છે કે આમાંથી એક મહિલા સ્વીડનનાં છે, જ્યાં આ ઇનામોનો નિર્ણય થાય છે.)

સાહિત્યનું ઇનામ ૭૭ વર્ષનાં અમેરિકન કવિયિત્રી લુઇસ ગ્લુકને અપાશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છેક ૧૯૬૮માં પ્રકાશિત થયો હતો. એમ કહે છે કે એમની ખાસિયત છે કે બધાને સમજાય તેવી કવિતા લખવી. એમના કાર્ય વિષે સિતાંશુભાઈએ ગયા મહિનાના ‘નવનીત સમર્પણ’માં વિસ્તારથી વાત કરી છે. શાંતિનું પારિતોષિક યુનોની એક સંસ્થા વર્લ્ડ ફૂડપ્રોગ્રામને અપાયું. ફૂડપ્રોગ્રામ અનેક દેશોમાં શાળાનાં કુપોષિત બાળકોને ખોરાક પહોંચાડવાનું કામ છેલ્લાં સાઠેક વર્ષથી કરે છે. શાંતિ અને સાહિત્યનાં ઇનામો બાબતે ક્યારેક નોબેલ કમિટી થોડું ઍક્ટિવિઝમ કરી લેતી હોય છે. અર્થશાસ્ત્ર (જેને નોબેલ કમિટી Econonomic Science કહે છે!) માટે પોલ મીલ્ગ્રોમ અને રૉબર્ટ વિલ્સનની વરણી થઈ છે. એ લોકોએ નીલામી (Auction) કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને તેની વિવિધ રીતો પેશ કરી છે. આપણા દેશમાં સ્પેક્ટ્રમ અને કોલસાની ખાણોના પટ્ટાના નીલામી બાબતે બહુ ચર્ચા થઈ. પરંતુ આ અર્થશાસ્ત્રી જોડીએ દર્શાવ્યું છે કે મોઘા ભાવે ખરીદાયેલ પટ્ટા સરકારોને ગમે, પરંતુ સરવાળે પ્રજાને માથે જ ભારે પડે છે. 

ઇનામ મેળવનારે સામાન્ય રીતે મંચ પર પોતાના કામ વિષે વ્યાખ્યાન આપવાનું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે કદાચ અર્પણવિધિ પ્રત્યક્ષ નહિ હોય. આમ છતાં વ્યાખ્યાન હોઈ પણ શકે. નોબેલ ફાઉન્ડેશનની વેબસાઇટ ઉપર આજ લગી થયેલા દરેક ભાષણની પ્રતિલિપિ મળે છે. બી.બી.સી. વર્લ્ડ ન્યૂઝ ડિસેમ્બરની દશમી તારીખે ઇનામ અપાયાં પછી આ બધી વ્યક્તિઓ સાથે વાતચીતનો કાર્યક્રમ કરે છે, જેમાં તેઓના અભિગમ તેમ જ કાર્યક્ષેત્ર વિષે વધુ જાણવા મળે છે. આમ તો નોબેલ ઇનામો વિષે બીજી પણ ઘણી રસપ્રદ વાતો છે, જેમ કે કોને બે વાર મળ્યું, એક કુટુંબમાં કેટલાને મળ્યું, કોને મળવું જોઈતું હતું ને ન મળ્યું અથવા ના મળવું જોઈતું હતું, તેને મળ્યું વગેરે … પણ તે ટ્રિવિયા વિષે ક્યારેક પછીથી.

E-mail : pr_vaidya@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 13 તેમ જ 15

Loading

સેક્સવર્કરની સંગાથેઃ ૭

ગૌરાંગ જાની|Opinion - Opinion|3 January 2021

૩૮ : જયપુર રેલવે-સ્ટેશન પર સેક્સવર્કર બહેનો સાથે મુલાકાત.

વર્ષ ૨૦૦૬માં રાજસ્થાન એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટી હેઠળ જયપુર સહિત રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં સેક્સવર્કર બહેનોને ઓળખી, તેઓને એઇડ્‌સ-નિયંત્રણ અર્થે સક્રિય કરવાનો પ્રોજેક્ટ શરૂ થયો. ગુજરાતની તુલનાએ ત્યાં આ પ્રકારના રાષ્ટ્રીય પ્રોજેક્ટ્‌સ મોડા શરૂ થયા હતા. તેઓની એક ટીમ જ્યોતિ સંઘનો પ્રોજેકટ સમજવા અમદાવાદ આવી હતી. તેઓની મુલાકાત બાદ નક્કી થયું કે મારે રાજસ્થાન જઈ ત્યાંના કાર્યકરોને તાલીમ આપવી, ખાસ કરીને જ્યોતિ સંઘના અનુભવોની વાત કરવી.

તેઓની એક રજૂઆત એવી હતી કે જયપુરમાં કામ કરતા યુવા કાર્યકરો સેક્સવર્કર બહેનોને શોધવામાં મુશ્કેલી અનુભવે છે. ડર અને સંકોચ અનુભવાય છે. એટલે પ્રોજેક્ટની મજબૂત શરૂઆત થઈ શકતી નથી. મારે ત્રણ દિવસની કાર્યશાળા સંચાલિત કરવાની હતી. કાર્યકરોને તૈયાર કરવાના હતા, પણ મને એ ખ્યાલ ન હતો કે ત્યાં સેક્સવર્કર બહેનો કેવી રીતે વ્યવસાય કરે છે. હું પ્રથમ વાર જયપુર જઈ રહ્યો હતો. આ સ્થિતિમાં મેં નક્કી કર્યું કે તાલીમ કાર્યશાળા શરૂ થાય એ પૂર્વે જ જયપુરનાં સેક્સવર્કર બહેનોને શોધી, તેમની મુલાકાત લેવી અને તે અનુભવ ત્યાંના કાર્યકરોને વહેંચવો, જેથી તેઓને માર્ગદર્શન મળે.

તાલીમના આગલા દિવસે જ હું જયપુર પહોંચી ગયો અને હોટલમાં સામાન મૂકી સાંજ પડતાં જ જયપુર રેલવે-સ્ટેશને પહોંચી ગયો. સામાન્ય રીતે મોટાં શહેરોમાં રેલવે અને બસસ્ટોપની આસપાસ આ બહેનો ધંધો કરતી હોય છે, એવો મારો જાતઅનુભવ ગુજરાતનાં અને દેશનાં શહેરોની મુલાકાત બાદ થઈ ચૂક્યો હતો. સ્ટેશન પર અહીંતહીં ફરી થોડું નિરીક્ષણ કર્યું. ચા વેચતા રેંકડીવાળાને, કુલીને અને ત્યાં આંટા મારતા પોલીસવાળાને વિશ્વાસમાં લઈ સ્થિતિ જાણી લીધી. એ દરમિયાન સ્ટેશન પર ગ્રાહકો શોધતી બે બહેનોને મેં ઓળખી લીધી અને સ્વાભાવિક રીતે મારી ઓળખ આપીને વાતચીત શરૂ કરી દીધી. સામાન્ય રીતે સાંજ ઢળતાં આ બહેનો ગ્રાહકો શોધી કાઢે અને રાતનો ધંધો ક્યાં કરવો તે સ્થળ અને પૈસા નક્કી થઈ જાય. હું જ્યારે મળ્યો, ત્યારે બહેનો ગ્રાહકો શોધી ચૂકી હતી અને એટલે નવરાશ હતી, હું મોટે ભાગે મારી સાચી ઓળખ આપીને જ તેઓ સાથે ઘરોબો બાંધવાનો પ્રયત્ન કરતો અને મને સફળતા મળતી. તેઓ સાથે વાતચીતમાં કૉન્ડોમનો ઉપયોગ, એઇડ્‌સનો ખતરો એવી વાતો પણ ઝડપથી કરી લીધી. પણ મને રસ હતો સ્ટેશનની આસપાસના ગેસ્ટહાઉસમાં જઈ ધંધો કરતી બહેનોને મળવાનો.

બન્યું એવું કે એ બે બહેનો સાથે વાત કરતાં જ એક ત્રીજી બહેનને તેઓએ એમ કહી બોલાવી કે કોઈ ગુજરાતી સાહેબ આવ્યા છે. એ બહેન ગાંધીધામની હતી અને કોન્ટ્રાકટ પર જયપુરમાં ધંધો કરવા આવી હતી. આ ઉત્તમ મોકો મને મળી ગયો. તેને પણ મારામાં વિશ્વાસ બેઠો અને રાત્રે નવ વાગે તે મને સ્ટેશનની બહાર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ. પછી તો મેં ત્યાંના મૅનેજર સાથે જયપુરની સેક્સ ઇન્ડસ્ટ્રીની ‘કૂંડળી’ મેળવી લીધી. તેને પણ બહુ રસ પડ્યો અને અમને ખ્યાલ ન આવ્યો કે અમે બન્ને અજનબી સેક્સવર્કર, એઇડ્‌સ, પોલીસ, ટૂરિઝમ અને સેક્સવર્ક એવા વિષયોમાં ચર્ચા માંડી બેઠાં. પણ મારા એ ચાર કલાકે મને ત્રણ દિવસની કાર્યશાળાનું અણમોલ ભાથું ભેટ ધર્યું.

બીજે દિવસે કાર્યશાળામાં સવાલો ઊઠ્યા કે રાજસ્થાન રૂઢિચુસ્ત છે, એટલે સેક્સવર્કરને શોધવી, તેની પાસે માહિતી લેવી લોઢાના ચણા ચાવવા જેવું છે. ડર અને સંકોચની જ વાતો શરૂ થઈ અને મેં મારી આગલી રાતનો અનુભવ વર્ણવવો શરૂ કર્યો, તો સૌની આંખો પહોળી થઈ ગઈ. કોઈ માનવા તૈયાર ન હતું, પણ તાલીમના બીજા જ દિવસે સાંજે કાર્યકરોને લઈ જયપુર સ્ટેશને પહોંચ્યો અને ત્યાંની બહેનોએ મને જોતાંવેંત આવકાર આપ્યો અને કાર્યકરો તેમ જ બહેનો માટે શરૂ થઈ એક નવી સફર અને સર્જાયો ઇતિહાસ. આવી સફળતા મળે ત્યારે કહેવત યાદ આવે છે, ’પૂછતાં પંડિત થવાય’!

૩૯ : મૂકબધિર સેક્સવર્કરની વાત.

અમદાવાદમાં ૪,૦૦૦થી વધુ સેક્સવર્કર બહેનોને અમે સંગઠિત કરી પણ તે સૌ સુધી વિવિધ પ્રકારની સેવાઓ અને જાગૃતિ પહોંચાડવા માટે તેઓમાંથી જ પ્રતિનિધિઓ નિમાતા જેને પિયર-એજ્યુકેટર કહેવામાં આવે છે. તેઓ શહેરના જુદા-જુદા વિસ્તારોનું અને ત્યાં કામ કરતી કે રહેતી સેક્સવર્કરનું પ્રતિનિધિત્વ કરે. આવી ૬૦થી વધુ પિયર-એજ્યુકેટરમાં એક હતી છાયા, જે જન્મથી મૂકબધિર હતી. અનાથ કહી શકાય એવી છાયા જીવન ટકાવવા આર્થિક ઉપાર્જન અર્થે સેક્સવર્કર બની. ખાસ ભણી ન હતી. પણ ઇશારાઓથી પોતાની વાત કરતી.

અમારા પ્રોજેક્ટમાં શરૂઆતમાં તે શનિવારની મીટિંગમાં આવતી પણ તેને કંઈક મદદ કરવાની ઇચ્છા રહેતી. પરિણામે અમારા કાર્યકરોએ તેનો ઉત્સાહ જોઈ પિયર-એજ્યુકેટર બનાવી. પછી તો એ સતત તેના વિસ્તારમાં બીજી બહેનોને મળતી. તેઓને કૉન્ડોમ પહોંચાડતી. અમારા ગુરુવારના અને શનિવારના ક્લિનિક પર બહેનોની જાતીય સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવા તે બહેનોને લઈ આવતી. શનિવારની મીટિંગ હું લઉં ત્યારે પણ શક્ય બને એમ તેની વાત ઇશારાથી સૌને સમજાવે અને સમય જતાં કેટલીક સાઇન લૅંગ્વેજ તો અમે પણ શીખેલા.

તેના ગ્રાહકો સાથે પણ તે સહજતાથી ધંધાની વાત કરી શકતી હતી. ‘ના બોલે, ના સાંભળે’ એ સ્થિતિમાં જાતભાતના ગ્રાહકો સાથે કામ લેવું કેવું અઘરું હશે, એ સમજી શકાય એવું છે. તેનું એવું માનવું હતું અને મેં પણ વાંચેલું કે શારીરિક મર્યાદા ધરાવતી સેક્સવર્કર, પછી તે પ્રજ્ઞાચક્ષુ હોય કે મૂકબધિર તેને મુશ્કેલી ઘણી પડે, પણ તેઓને અન્ય સેક્સવર્કર કરતાં પૈસા વધુ મળે. પણ મુદ્દો એ છે કે ગ્રાહકોને તો સેક્સવર્કર જોઈએ પછી તે ગમે તેવા પડકાર કેમ ના ધરાવતી હોય. સમાજ પણ કેવો કે શારીરિક મર્યાદા ધરાવતી મહિલાઓને દેહવિક્રય કરવા સુધી જવું પડે !

૪૦ : એઇડ્‌સ દિનની ઉજવણી સેક્સવર્કર બહેનો વિના અધૂરી.

દુનિયાભરમાં વર્ષ ૧૯૮૭થી એઇડ્‌સ દિવસ ઊજવવાની શરૂઆત થઈ. પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્રસંઘ આ દિવસ માટે એક વિશિષ્ટ સૂત્ર આપે છે. આ સૂત્રોનો અભ્યાસ કરવાથી એ  સમજાય છે કે દુનિયાએ એઇડ્‌સ-પ્રતિકાર માટે કેવું અને કેટલું યોગદાન આપ્યું છે. આ વર્ષનું સૂત્ર છે, “Global Solidarity, Shared Responsibility”.

વિશ્વની સાથે ભારત, ગુજરાત અને અમદાવાદની સેક્સવર્કર બહેનોએ અદ્‌ભુત જાગૃતિ દર્શાવી પોતાનો અને ગ્રાહકોને એચ.આઇ.વી.-સંક્રમણથી બચાવ્યા છે. મર્યાદિત શિક્ષણ, આર્થિક પડકારો અને સામાજિક અસ્વીકૃતિ વચ્ચે પણ આ બહેનોએ ‘નો કૉન્ડોમ, નો સેક્સ’ના સૂત્રને સતત ચરિતાર્થ કર્યું. હંમેશાં ઓળખ છુપાવીને જીવવાનું તેમના નસીબમાં રહ્યું છે, પણ પ્રતિવર્ષ પહેલી ડિસેમ્બરે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સેંકડોની સંખ્યામાં તેઓ રેલીમાં ભાગ લે છે. આ વર્ષે કોરોનાં મહામારીએ ઉજવણી પર બ્રેક મારી છે, પણ તેઓનો એઇડ્‌સ-પ્રતિકાર બરકરાર છે. સામાજિક અંતરની સ્થિતિમાં તેઓનો વ્યવસાય બંધ છે અને બેકારી છે. એ સ્થિતિમાં તેઓને સરકાર અને સમાજ બનતી તમામ મદદ કરે એવી અપીલ.

E-mail: gaurangjani@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 12 

Loading

કોરોના વાયરસ વેળા

મૂકેશ પરીખ|Opinion - Opinion|2 January 2021

કોરોનામાં દૂરી જરૂરી :

તરછોડ્યા નથી કોઈને, મેં થોડી દૂરી રાખી છે,
સહુની સલામતી માટે એ વાત જરૂરી લાગી છે.

ખુશી નથી, તો એવી નારાજગી પણ ક્યાં છે!
સ્વેચ્છાએ સ્વીકારેલ શરત જરૂરી લાગી છે.

કંટાળો આવે એવી તો લેશમાત્ર હાલત નથી,
યંત્રવત આ જીવનમાં મરામત જરૂરી લાગી છે.

સરળ શબ્દોમાં સમજતી જ નથી માનવજાત,
તેથી જ વિધાતાને આ કરામત જરૂરી લાગી છે.

સહેલાઈથી જ સમૃદ્ધિ મેળવવાના નીચ ઇરાદે,
એક પ્રદેશને ગુનાહિત શરારત જરૂરી લાગી છે.

ડરી ગયા નથી આ તત્કાલીન સમસ્યાથી ‘મૂકેશ’,
સાચવવી હવે દેહરૂપી ઇમારત જરૂરી લાગી છે.

ન્યુ જર્સી, યુ.એસ.એ.; મે, ૨૦૨૦

e.mail : mparikh@usa.com

Loading

...102030...2,1062,1072,1082,109...2,1202,1302,140...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved