Opinion Magazine
Number of visits: 9680555
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી પ્રજાતિઓનાં શોધકાર્યનું વિશ્વ …

કિરણ કાપૂરે|Opinion - Opinion|6 December 2020

પૃથ્વી પર નવી પ્રજાતિઓની શોધ અવિરત થતી રહે છે. દુનિયાભરમાં આવી શોધ કરનારાં પ્રતિબદ્ધ વિજ્ઞાનીઓ છે, જેઓ દર વર્ષે આવી નવી પ્રજાતિ આપણી સમક્ષ મૂકે છે. આ પ્રજાતિઓને વ્યાખ્યાયિત અનેક રીતે કરાય છે, પણ તેનો સરળ અર્થ જેનામાં સેક્સુઅલ રિપ્રોડક્શનની ક્ષમતા હોય તે છે. આ વર્ષે આ પ્રકારની 163 જેટલી પ્રજાતિઓ નવી ઓળખાઈ છે. સતત ચાલતાં આ શોધકાર્યથી અત્યાર સુધી પૃથ્વી પરના અંદાજે વીસ લાખ પ્રજાતિઓ મળી છે. વીસ લાખની પ્રજાતિઓની સંખ્યા ખૂબ મોટી લાગી શકે, પરંતુ તેની સામે હજુ પણ જે પ્રજાતિઓ વિશે માહિતી મેળવી નથી શકાઈ તેનો અંદાજો એક કરોડ ત્રીસ લાખનો છે! મતલબ, કે પૃથ્વી પર સર્વવ્યાપી રીતે અજાણ હોય તેવી પ્રજાતિઓની સંખ્યા અધધ્ કહી શકાય તેટલી છે. આ વિશાળ ફલક પર કામ કરવું, નવી પ્રજાતિઓને ઓળખી કાઢવી, તેનું વિધિસરનું નામકરણ અને તેની નોંધ કરવી તે ઝીણવટભર્યું અને લાંબા ગાળાનું કાર્ય છે. આ કાર્યની ચીવટ તેને એટલું ધીરુ બનાવે છે કે વર્ષમાં માંડ હજારેક નવી પ્રજાતિઓ જ આપણી સમક્ષ આવે છે.

માનવજાત પૃથ્વીને ઓળખવાનો દાવો કરે છે અને તેમાં મહદંશે તે સફળ પણ થયો છે. તેમ છતાં તેની પહોંચની બહાર હજુ તેણે કલ્પ્યું નથી એટલું છે. તે માત્ર આ પ્રજાતિઓના શોધકાર્ય પરથી અંદાજી શકાય. નવી પ્રજાતિઓની શોધ વિશેષ કરીને તેમની સાચવણી માટે ઉપયોગી છે, તે સાથે મેડિસીન જગતમાં નવી દવા શોધવા અર્થે પણ તે અતિ ઉપયોગી છે. હવે આ કામ ઝડપથી આગળ વધવું જોઈએ તેવું પ્રજાતિની શોધકાર્ય કરનારાં વિજ્ઞાનીઓ માને છે. તેમાંના જ એક ફિનલેન્ડની 'યુનિવર્સિટી ઓફ તુર્કુ'ના બાયોડાયવર્સિટી રિસર્ચના પ્રોફેસર ઇલારી ઇ. સાકાસર્જીવી છે. તેમનું કહેવું છે કે, "જીવવૈવિધ્યતા જે ઝડપે નાશ પામી રહી છે તે જોખમી છે. આજે લાખો પ્રજાતિઓ જોખમમાં છે અને તે કારણે તેમને ઝડપથી ઓળખી લેવી તેમને સુરક્ષા પ્રદાન કરવા જેવું છે.”

જેમ કે આ વખતે 'તહેરાન યુનિવર્સિટી'ના એલેક્ઝાન્ડર વી. રુડોવ અને 'સ્ટુગર્ટ સ્ટેટ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી'ના ડો. હુસૈન રાજાઈએ વિશ્વના સૌથી ગરમ સ્થાન લુટ રણમાંથી એક પ્રજાતિ શોધી કાઢી છે. આ બંને સંશોધકો રણમાં વર્ષોથી આ અંગે પ્રજાતિઓને ઓળખવાનું કામ કરી રહ્યા છે. આ વખતે તેઓએ 'ફેલોક્રિપ્ટસ' જાતિમાં પ્રજાતિની શોધ કરી છે. આ નવી પ્રજાતિનું નામ ઇરાનના કન્ઝર્વેશન બાયોલિજસ્ટ હાદી ફાહિમીના નામ પરથી “ફાહિમી” આપવામાં આવ્યું છે. આ પ્રજાતિ સંભવત્ ઇરાનના આ રણમાં જોવા મળતી હોય અને વિશ્વમાં તેનું ક્યાં ય અસ્તિત્વ સુદ્ધા નથી, તેમ છતાં જીવવૈવિધ્યતાની દૃષ્ટિએ તેનું મહત્ત્વ અમૂલ્ય છે. અગાઉ પણ આ સ્થળે અનેક સંશોધકો ગયા પણ તેઓને ફાહિમી જીવ ન મળ્યો. અવિજ્ઞાનીક રીતે વિચારીએ તો આ પૂરી કવાયત બેમતલબી લાગી શકે, પરંતુ અત્યાર સુધી જે પ્રજાતિઓને આપણે ઓળખીએ છીએ અને તેમને જોઈને તેમનાં નામથી સંબોધીને તેમની વિશેષતા બતાવી શકીએ છીએ; તે બધું જ જ્ઞાન આ શોધોને આભારી છે.

આ રીતે જ 2010માં 'વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટી'ના ટીમ ડેવેનપોર્ટે એક વાંદરાની પ્રજાતિ શોધી કાઢી હતી. દક્ષિણ-પશ્ચિમ તાન્ઝાનિયામાં છ હજારથી વધુ ફીટ પર આવેલાં જંગલ વિસ્તારમાં જ્યારે ટીમ ડેવેનપોર્ટ સંશોધન અર્થે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમને એક ‘વિચિત્ર’ જીવ દેખાયો. જેઓને સ્થાનિક લોકો ‘કિપુંજી’ના નામથી ઓળખતા હતા. હવે આ કિપુંજી વાંદરાની જ એક પ્રજાતિ હતી, પણ 2010 સુધી વિશ્વ સમક્ષ તેનું અસ્તિત્વ આવ્યું નહોતું. પરંતુ જ્યારે ટીમ ડેવેનપોર્ટે તેને જોયું ત્યારે તેમણે પહેલાવહેલા શબ્દો ઉચાર્યા તે હતા કે : “મેં જોયેલા સૌથી વિચિત્ર વાંદરાઓમાંનો તે એક હતો”. ત્રણ ફીટ ઊંચો, ભરાવદાર રુંવાટી અને બ્રાઉનીશ વાળ સાથેનો કાળો ચહેરો ધરાવતો તે વાંદરો વિશ્વ સમક્ષ પહેલીવહેલી વખત આવ્યો હતો. આ કિંપુજીને આજે વિજ્ઞાનીઓએ જે નામ આપ્યું તે સ્થાનિક રુન્ગ્વે પર્વત પરથી આપ્યું છે અને તે છે ‘રન્ગ્વેસેબસ કિપુંજી’.

હવે આ પ્રજાતિઓનું નામકરણ કરવું તે પણ આ શોધનો જ ભાગ છે. આમ તો આ પ્રજાતિઓના ચોક્કસ નામે ઓળખવા તેનાં ઘણાં કારણો છે. મુખ્યત્વે જ્યારે પણ કોઈ એક પ્રજાતિને લઈને માહિતી મળે તો તે માહિતી તે પ્રજાતિના ખાનામાં જ સમ્મિલિત થવી જોઈએ અને આવું ત્યારે જ બને જ્યારે વિશ્વભરની નામી સંસ્થાઓ કોઈ એક નામ અનુસરીને જ ચાલતી હોય. આવું ન થાય તો કોઈ પણ પ્રજાતિ વિશે સંશોધન કરવું મુશ્કેલ બને. નવા શોધાtI પ્રજાતિઓનો નામોનો ઇતિહાસ પણ લાંબો છે. જેમ કે, નામકરણને માન્યતા આપવાનું કાર્ય આંતરરાષ્ટ્રિય સ્તરે 'ઇન્ટરનેશનલ કોડ ઑફ ઝુલોજિકલ નોમેનકલ્ચર’ સંસ્થા કરે છે. આ નામ પ્રજાતિના વૈજ્ઞાનિક ઢબે પાડેલું હોવું જોઈએ, 1933માં હિટલરના માનમાં એક ભમરાનું નામ 'એનોપેથાલ્મુસ હિટલરી’ એવું પાડ્યું હતું. આ નામ એ વખતે મંજૂર પણ થયું હતું અને આજે પણ એ જ પ્રમાણે ચાલી રહ્યું છે. પ્રાણી-પશુ અને અન્ય જીવોનાં નામોનો ઇતિહાસ પણ રોચક છે.

નામની જેમ નવી પ્રજાતિઓના શોધખોળની પણ અનેક કહાનીઓ છે. જેમ કે આ વખતે ઇક્વાડોરમાં આવેલા યાસુની નેશનલ પાર્કમાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મના શૂટીંગ દરમિયાન માછલીની પ્રજાતિ મળી આવી. ઇક્વાડોરનો આ પાર્ક વિશ્વનો સૌથી વૈવિધ્યભર્યો ગણાય છે, અને તે નવી પ્રજાતિ મળવાની સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. ન્યૂઝિલેન્ડમાં શૂટ થયેલાં એક ફિલ્મ દરમિયાન આ પ્રમાણે એક નવી માછલીની શોધ થઈ હતી!

ભારતમાં પણ આ પ્રકારના રિસર્ચ થઈ રહ્યાં છે અને જીવવૈવિધ્યતાની રીતે ભારતમાં તે રીતે અનેક સંભાવના જોવામાં આવે છે. જેમ કે આ વખતે શોધાયેલી નવી પ્રજાતિઓમાં એક પ્રજાતિ જે ભારતની છે તેમાં કીડીની પ્રજાતિ પણ છે.  અત્યાર સુધી વિશ્વમાં બાર વિવિધ કીડીઓની પ્રજાતિ જાણીતી છે, તેમાં હવે આ ગોવાની કીડીનો ઉમેરો થયો છે. તેનું નામ 'વૈભવ્સ પ્રોટેનિલ્લા' આપવામાં આવ્યું છે. ઘણાં કિસ્સામાં વ્યક્તિગત રીતે પણ આ પ્રકારની પ્રજાતિઓની શોધ થાય છે. તેના ન્યૂઝ ચમકે છે, પણ તેને વિધિવત્ રીતે નામ આપીને તેને આધારભૂત યાદીમાં સામેલ કરવાનું થાય પછી જ તેની ગણના અલગ પ્રજાતિ તરીકે થાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે વાઇલ્ડ લાઇફ રિસર્ચર છે અને તેણે આ વર્ષે જૂનમાં સેન્ટ્રલ વેસ્ટર્ન ઘાટમાંથી ગરોળીની એક નવી પ્રજાતિ શોધી કાઢી હતી. 24 વર્ષના રિસર્ચ સ્કોલર રાકેશ મોહાલિક પણ આ વર્ષે ઓડિશાના બાલાસોરમાંથી પીળા કલરનો કાચબો શોધી કાઢ્યો છે અને તેની તસવીર લીધી હતી. ભારતમાં તેની નોંધ 'ઝુલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા' કરે છે.

પ્રજાતિઓનું આ શોધ મહદંશે જે-તે દેશોની નામી સંસ્થાઓ કરે છે, તેમ છતાં ય હજુ પણ પ્રજાતિઓને શોધવાનું-ઓળખવાનું કાર્ય એકસૂત્રતામાં બંધાયું નથી. વિશ્વના હજારો વિજ્ઞાનીઓ આ કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે તેનું એક માત્ર કારણ તેમનો આ ક્ષેત્રે સંશોધનકાર્યનો રસ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

ગઈકાલના લેખના અનુસન્ધાનમાં …

સુમન શાહ|Opinion - Literature|5 December 2020

= = = = સુરેશ જોષી નામના સાહિત્યવિચારથી આપણને કલાતત્ત્વની જે કેળવણી મળી એ આપણા સમયમાં પ્રગટેલો સૌથી મોટો ઉપકારક સંજોગ છે = = = =

= = = = ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘સર્જક વ્યક્તિ વિરુદ્ધ સાહિત્યસંસ્થા’  – ‘Writer VS Institution’-નો જે ભાવ દૃઢ કરાયો છે તે વાસ્તવમાં તો ન હોવો ઘટે કેમ કે સંસ્થાઓ પોતાની મર્યાદાઓમાં રહીને સાહિત્યોપકારક ઘણું કરી શકે, અને તે થયું છે, કેટલીયે સંસ્થાઓ કરી રહી છે. પણ એ વિરોધવચનનો  દુરુપયોગ થયો છે અને સુરેશ જોષી સમી કેટલીયે શક્તિશાળી વ્યક્તિઓ એનો ભોગ બની છે. એમના વિચારોને તરછોડાયા છે, એમની વગોવણીઓ કરાઈ છે ! = = = = =

તારીખ ૩ ડિસેમ્બરના મારા ‘સિદ્ધાન્તવિવેચક સુરેશ જોષી વિશે બે વાત’ લેખના પ્રતિભાવોમાં અનેક મિત્રો ભળ્યા છે, એનો આનન્દ છે.

‘કૉમન સૅન્સ’ શીર્ષકથી ચાલતા બ્લૉગમાં તત્ત્વચિન્તનની સરસ વાતો રજૂ કરતા મારા મિત્ર કર્દમ આચાર્યે, કલાકારે સેવેલા કે ધારણ કરેલા કે કરવા જોઈતા સત્ય વિશે સરસ પ્રશ્ન કર્યો, જેનો મેં લાઉડ થિન્કિન્ગની રીતે પ્રતિભાવ આપ્યો છે, કૉમેન્ટ્સમાં હજી છે.

એક બીજા સન્મિત્રને મેં મારો એ લેખ મોકલેલો. તો એમણે મને લખ્યું કે ‘એમની (સુરેશ જોષીની) અદ્વિતીયતા સિદ્ધ કરવાને બદલે એમની ઉપકારકતાને બિરદાવવી અને એ માટે એમની સાહિત્યમીમાંસાનો તટસ્થ અને ઝીણવટભર્યો અભ્યાસ કરવો …’ વગેરે.

એમને મેં સમુચિત ઉત્તર વાળ્યો છે.

પણ સુરેશ જોષીની અદ્વિતીયતા અને ઉપકારકતા વિશે મને જે વિચારો સૂઝ્યા છે એ અહીં મૂક્યા છે :

‘ન તુ અપૂર્વ કિંચિત્’ જેવા વિનમ્ર વચનથી સુરેશભાઈએ પ્રારમ્ભ કર્યો છે. અને છેવટ લગી પૂર્વના કે પશ્ચિમના જે તે પૂર્વસૂરિને નામોલ્લેખ સાથે ટાંક્યા છે. એટલે કે, એ વ્યક્તિ પોતે જ પોતાને અપૂર્વ કે અદ્વિતીય નથી ગણતી.

પણ પોતાના સાહિત્યવિચારને કે કલાતત્ત્વને સમજવાની અને પોતાનાં લેખનો વડે આપણને સમજાવવાની એમની જે રીતિ છે, તે નિ:શંક અપૂર્વ છે.

મારા એ લેખમાં એ વાત મેં "મને આ ક્ષણે એમને વિશેના મારા શોધગ્રન્થ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ના ઉપસંહારનું છેલ્લું પાનું દેખાય છે…" એ ફકરામાં મૂકી છે. એનું પુરાવર્તન કરવાની જરૂર નથી. (એ લેખમાં જુઓ, એ ફકરો છઠ્ઠો છે.)

પણ એ પાનાને અન્તે, એ ફકરા પછી, થીસીસના અન્તે, મેં એક યાદી વીગતવાર આપી છે કે સુરેશ જોષીનો સાહિત્યવિચાર કોના કોના વડે પ્રેરાયો, પુષ્ટ થયો, અને સુધર્યો. એ આ પ્રમાણે છે :

રૂપવિભાવ, વસ્તુનું નિગરણ – ઑર્તેગા વડે; કૃતિ સ્વયંસિદ્ધ સૃષ્ટિ – ઍરિસ્ટોટલ, સુસાન લૅન્ગર, વાલેરી વડે; કલાની પ્રાતિભાસિક સત્તા – રસસમ્પ્રદાય, સુસાન લૅન્ગર, વાલેરી, બૉદ્લેર વડે; અસમ્બદ્ધ અને કપોલકલ્પિત – કામૂ, કાફ્કા, રવીન્દ્રનાથ વડે; પ્રિમિટિવિઝમ અને ઍન્ટિઇન્ટેલૅક્ચ્યાલિઝમ – રિલ્કે, વાલેરી, યુન્ગ વડે; કલામાં ટૅકનિક – માર્ક શોરર વડે; કલાસર્જન પ્રક્રિયા છે – પૉલ ક્લી વડે; કૃતિ ઇર્રીડ્યુસિબલ મિનિમમ છે – માલ્કમ બ્રૅડબરી વડે; માનવીય પરિસ્થિતિનાં અસ્તિત્વપરક આકલનો – દોસ્તોએવસ્કી, કિર્કેગાર્દ, સાર્ત્ર, કાફ્કા, કામૂ વડે; કલા પ્રતીકધર્મી છે – બૉદ્લેર, વાલેરી અને ફ્રૅન્ચ પ્રતીકવાદી કવિઓ વડે; સર્જકભાષા – કુન્તક, આનન્દવર્ધન, વાલેરી વડે; શુદ્ધ કવિતા અને અતિવાસ્તવવાદી અકુણ્ઠિત સાહસ – ડાલિ, વાલેરી વડે; કલા સવાઈ સત્ય છે – રવીન્દ્રનાથ, આયોનેસ્કો વડે. વગેરે વગેરે.

એમને પશ્ચિમવાદી ગણનારાઓએ પૂર્વપશ્ચિમથી મુક્ત આ સુભગ સિદ્ધાન્ત-સાયુજ્ય નથી જોયું કેમ કે વાંચ્યું નથી …

એમની રીતિ અપૂર્વ છે ને એમાં વિશ્વભરના આટલા બધા સાહિત્યકારોનું વિચારદ્રવ્ય ભળ્યું છે એ કેટલી મોટી વાત છે. એ અર્થમાં સુરેશ જોષી કોઈ વ્યક્તિ નથી પણ બુલંદ સાહિત્યવિચાર છે, વળી એ વિચાર પૂરો થઈ ગયેલો નથી, નિરન્તર ચાલુ રહેનારો છે. એની એ લાક્ષણિકતા પણ એ જ દર્શાવે છે કે કશું અહીં અદ્વિતીય કે સમ્પૂર્ણ નથી. તેમ છતાં આપણી સર્જનાત્મક પરિસ્થિતિને મદદ કરનાર એમના સમો કોઈ સાહિત્યવિચારપુરુષ વીસમી સદીના ઉત્તરાર્ધથી માંડીને આજદિન સુધી સંભવ્યો નથી એ મારું સુદૃઢ મન્તવ્ય છે. એમને એવા મદદગાર ન ગણનારને શું કહીશું? એ કાં તો નિર્દોષ હશે અથવા તો સુબુધ પણ દમ્ભી હશે !

આ હું કહું છું એટલે તો ખરું જ છે પણ ૧૯૫૭થી માંડીને ૨૦૨૦ લગીમાં ગુજરાતી સાહિત્યજગતમાં જે સર્જનો થયાં, વિવેચનો થયાં, પરમ્પરા સામે જે સંઘર્ષો થયા ને જે ઉન્મેષો પ્રગટ્યા, એ સર્વ ઘટનાઓનો સાચ્ચો ઇતિ-હ-આસ વાંચી શકનારી કોઈપણ વ્યક્તિ પણ કહેશે, અવશ્ય કહેશે.

ફરિયાદો કરનારા ગુજરાતી સાહિત્યકારોની સરેરાશ વિશેષતા એ છે કે વગર વાંચ્યે બોલવું. મારો સવાલ છે કે કેટલાયે સુરેશ જોષીનું સાદ્યન્ત સઘન વાચન કર્યું છે -? કેટલાએ એમને વિશેનાં સંશોધનો કે લેખનો વાંચ્યાં છે? કશા તોલમોલ વિના બોલવું એ અવિવેક નથી તો શું છે? કરુણતા એ છે કે આ બેઢંગ પ્રવૃત્તિથી મહાન ગણાતા સાહિત્યકારો પણ મુક્ત નથી, અરે, કેટલાક તો એ પ્રવૃત્તિના જનકો છે !

એમની સાહિત્યમીમાંસાનો વસ્તુલક્ષી ધોરણનો અભ્યાસ કેટલાએ કર્યો છે? એથી આપણી સર્જનાત્મક પરિસ્થતિ પર જે ઉપકાર થયો છે એ કંઈ દીવો ધરીને બતાવવું પડે એવું થોડું છે? તમે નામ લો એ સર્જકમાં હું એ તત્ત્વ બતાવી દઈ શકું, જે એમના વિચારજગતમાં ન હોય. એ સાહિત્યવિચારપુરુષ સૌ સર્જકો, વાચકો અને ભાવકોના સાહિત્યિક અનુભવની ચીજ રહી છે. દરેકના આગવાં મત-માન્યતાઓ ઉપરાન્તની ચીજ છે એ. અરે, એ તો ગુજરાતી સાહિત્યસમાજના ‘કલેક્ટિવ અન્કૉન્શયસ’ -માં ઊતરી ગયેલી હકીકત છે.

પણ આ સત્ય સ્વીકારવાની કેટલાકોની તૈયારી નથી. એ અસ્વીકારની પશ્ચાદભૂમાં સુરેશભાઈના થયેલા ભરપૂર સ્વીકારથી આઘાત, ઈર્ષા, સ્વકીર્તિનાશનો ડર છે. એની નુક્તેચિની કરવાની કશી જરૂર નથી. જાગ્રત સૌ જાણે છે.

સુરેશ જોષી નામના સાહિત્યવિચારથી આપણને કલાતત્ત્વની જે કેળવણી મળી એ આપણા સમયમાં પ્રગટેલો સૌથી મોટો ઉપકારક સંજોગ છે. અને એ કંઈ એમનાથી નથી, એમના ધોરણે તો એ માત્ર કિંચિત્ છે, સર્વ સંજ્ઞાતા પૂર્વસૂરિઓના સ્મરણે સંભવ્યો છે અને તેઓના વિચારોના રસાયને રસાયેલો છે.

એક વાત સાંભળવાજોગ છે : ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘સર્જક વ્યક્તિ વિરુદ્ધ સાહિત્યસંસ્થા’  -‘Writer VS Institution’-નો જે ભાવ દૃઢ કરાયો છે તે વાસ્તવમાં તો ન હોવો ઘટે કેમ કે સંસ્થાઓ પોતાની મર્યાદાઓમાં રહીને સાહિત્યોપકારક ઘણું કરી શકે, અને તે થયું છે, કેટલીયે સંસ્થાઓ કરી રહી છે.

પણ એ વિરોધવચનનો અપપ્રયોગ થયો છે અને સુરેશ જોષી સમી કેટલીયે શક્તિશાળી વ્યક્તિઓ એનો ભોગ બની છે. એમના વિચારોને તરછોડાયા છે, એમની વગોવણીઓ કરાઈ છે ! અને એની સામે, દેશનાં ને પ્રદેશનાં ઇનામ-ઍવૉર્ડ વિજેતાઓને તથા સરકારી કે લોકશાહીય અધ્યક્ષ કે પ્રમુખ જેવાં પદોને મહિમાવન્ત ગણવાનો ચાલ ઊભો થયો છે.

આ વિરોધવચનનો જો આવનારા સમયમાં સમીક્ષાપૂર્વક નાશ નહીં કરાય તો એ આપોઆપ નાશ પામશે એ વાત નક્કી છે. એટલા માટે, કે આવનારી પેઢીઓને એની કશી તમા હશે નહીં કેમ કે ઇનામવિજેતાઓ ને પદધારકો એવા તોરતરીકાથી અને એવા દરજ્જાના આવી ગયા હશે કે તમા રાખવાની જરૂર જ નહીં પડે.

= = =

(December 4, 2020: USA)

Loading

કેનેડાના વડા પ્રધાન કરતાં નરેન્દ્ર મોદી વધુ ગુનેગાર ગણાય કે નહિ?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|5 December 2020

દિલ્હી જતા ખેડૂતોને અટકાવવા માટે પોલિસે જે કાર્યવાહી કરી તેના સંદર્ભમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ત્રુદોએ ભારતમાં ખેડૂતોના "શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારનો બચાવ" કર્યો. આ મામલો ભારતનો આંતરિક મામલો છે એવું કહીને ભારત સરકારે તેની ટીકા કરી. આ ઘટનાના સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા:

(૧) દુનિયાભરમાં આશરે ૨.૩૫ લાખ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. તેઓ દુનિયામાં બધે રોકાણ કરે છે ત્યારે સરકારોના કાયદા તેઓ બદલાવે છે અથવા સરકારો પોતે તેમને બોલાવવા કાયદા બદલે છે. તે સમયે કેમ કશી બાબત કોઈ દેશની આંતરિક બાબત નથી ગણાતી?

(૨) જો મૂડી રોકાણ અને તે કરનારી કંપનીઓ વૈશ્વિકીકરણનો ભાગ હોય તો, સ્વતંત્રતાનો અધિકાર અને એકંદરે તમામ માનવ અધિકારો પણ વૈશ્વિકીકરણનો ભાગ જ ગણાય. કોઈને પણ કોઈ પણ દેશમાં થતા માનવ અધિકારોના ભંગ સબબ અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે.

(૩) તા. ૨૨-૯-૨૦૧૯ના રોજ ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 'હાઉડી મોદી' કાર્યક્રમમાં અમેરિકાની ધરતી પર "અબકી બાર ટ્રમ્પ સરકાર”-નો નારો ૨૦૨૦ની અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના સંદર્ભમાં અમેરિકન ભારતીયો સમક્ષ પોતે લગાવ્યો હતો. ત્યારે તે ‘અમેરિકાની રાજકીય બાબતમાં મોદીની સીધી દખલગીરી’ હતી કે નહિ? તે સમયે અમેરિકાના કોઈ રાજકીય નેતાએ પોતાની ચૂંટણીમાં કોને જીતાડવા કે હરાવવા એ અમેરિકાનો આંતરિક મામલો છે અને નરેન્દ્ર મોદીએ એમાં દખલગીરી ના કરવી જોઈએ એવું કશું કહ્યું હોવાનું જાણમાં નથી. 'કૃષ્ણ કરે તે લીલા અને બીજા કરે તે છીનાળું?'  કેનેડાના વડા પ્રધાને તો સ્વતંત્રતાના ભારતના બંધારણમાં લખવામાં આવેલા અધિકારના સંદર્ભમાં વાત કરી, જ્યારે મોદીએ તો સીધી ચૂંટણીમાં જ દખલગીરી કરી! જસ્ટિન ત્રુદોનો જો ગુનો હોય જ તો મોટો ગુનો મોદીનો ના ગણાય?

(૪) 'સંયુક્ત રાષ્ટ્રો'(UN)માં અને એવી અનેક વૈશ્વિક સંસ્થાઓમાં થતી અનેક સંધિઓ અને સમજૂતીઓમાં દુનિયાના ભારત સહિતના દેશો સહીસિક્કા કરે છે અને તેમનું પાલન કરવા બંધાય છે. તે વખતે ભારત સહિતનો કોઈ દેશ કોઈ મુદ્દો પોતાની આંતરિક બાબત છે એવો ચીપિયો પછાડતો નથી. તે સમયે સાર્વભૌમત્વ ક્યાં લપાઈ જાય છે?

આમ જુઓ તો, સાર્વભૌમત્વનો ખ્યાલ તદ્દન ઘસાઈ ગયો છે આ વૈશ્વિકીકરણના યુગમાં, એ સમજવાની જરૂર છે. જો ભારત સરકાર વિદેશી કંપનીઓને લાલ જાજમ બિછાવીને બોલાવતી હોય અને દેશની જમીનો અને અન્ય સંસાધનોની તેમને માલિક બનાવતી હોય, આ દેશમાં નફો રળીને પોતાના દેશભેગો કરવાની તેમને છૂટ આપતી હોય, તો ત્યારે દેશનું સાર્વભૌમત્વ કયા માળિયામાં સંતાઈ જાય છે એ સમજાતું નથી. દેશભક્તિ ત્યારે કેમ સૂકાઈને ઠીકરું થઈ જાય છે?

માનવ અધિકારો વૈશ્વિક મામલો છે કારણ કે મૂડી રોકાણ વૈશ્વિક મુદ્દો છે.

તા. ૦૨-૧૨-૨૦૨૦.

https://www.facebook.com/profile.php?id=100008214734262  

Loading

...102030...2,1042,1052,1062,107...2,1102,1202,130...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved