Opinion Magazine
Number of visits: 9573811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 November 2020

હૈયાને દરબાર

જૂની રંગભૂમિ એનાં ગીત-સંગીતને લીધે વધારે સમૃદ્ધ હતી. નાનપણમાં કેટલાંક હાસ્યાસ્પદ અને હાસ્યરસ પ્રધાન ગીતો સાંભળ્યાં હતાં પણ એ વખતે ખબર નહોતી કે આ ગીતો આપણી જૂની રંગભૂમિનાં ગીતો હતાં! આવાં ફારસ ગીતોમાં તરત યાદ આવે એવાં ગીતો એટલે, છગન મગન તારે છાપરે લગન, તમે જોજો ના વાયદા વિતાવજો પિયુ પહેલી પેસેન્જરમાં આવજો, સામી સડક પર બંગલો, ગુડબાય ગુડબાય ટાટા ટાટા તથા ઝટ જાઓ ચંદનહાર લાવો ઘુંઘટ નહીં ખોલું હું …!

ઝટ જાઓ ગીત પછીથી ‘અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મમાં લેવાયું હતું. આજે ય ગીત-સંગીતની મહેફિલમાં હોટ ફેવરિટ છે. આપણા કવિઓએ ગુજરાતી નાટકો માટે હિન્દી ગીતો પણ લખ્યાં હતાં.

જૂની રંગભૂમિમાં ગીતો હોવાં જ જોઈએ એવો આગ્રહ માત્ર કવિ કે ગાયકનો જ નહીં દરેક નાટ્યકારનો રહેતો. તખ્તા પર પ્રસંગો આકાર પામે, વાતાવરણ સર્જાય અને કોઈક કટોકટી કાળે ગીત હાજર થતાં સંવાદો અટકે અને ઊર્મિ તંત્ર સાબદું થાય. શ્રોતાઓને તરબતર કરી દે એવું સંગીત પિરસાય અને તખ્તાનો માહોલ બદલાય. પ્રાચીન રંગભૂમિમાં મુખ્યત્વે હાર્મોનિયમ, તબલાં અને ક્યારેક પખાવજ અને પાવાનો ઉપયોગ થતો. આ વાદ્યો સાથે પાત્ર સ્ટેજ પર ગીત ગાય. કેટલીકવાર કથા કંઈક જુદી ચાલતી હોય અને લોકોના મનોરંજન માટે વચ્ચે કોઈ ગીત આવી જાય.

ત્યાર પછી જમાનો બદલાયો. ટેકનોલોજીના વ્યાપ સાથે નાટકનું સ્વરૂપ બદલાયું. પરંતુ, નવી રંગભૂમિમાંથી સંગીતનું મહત્ત્વ જરા ય ઓછું થયું નથી. આધુનિક રંગભૂમિમાં કેટલા ય ઉત્તમ સંગીતકારોએ સંગીત આપ્યું છે.

જો કે, આ વાતને ય વર્ષોનાં વહાણાં વાયાં. નાટકમાં હવે તો ગીત-સંગીતની આખી સ્ટાઈલ જ બદલાઈ ગઈ છે. નવી રંગભૂમિમાં છેલ્લે સાંભળેલાં ઉત્તમ નાટ્યગીતોમાં ‘અમે બરફનાં પંખી’, ‘સંતુ રંગીલી’, ‘ખેલૈયા’, ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’, ‘અમસ્તા અમસ્તા’, ‘તાથૈયા’, ‘માસ્ટર ફૂલમણિ’, ‘કલાપી’, ‘અખો આખાબોલો’, ‘મીરાં સામે પાર’, ‘મારો પિયુ ગયો રંગૂન’ જેવાં નાટકનાં ગીતો અચૂક યાદ આવે. ‘અમસ્તા અમસ્તા’ નાટક દ્વારા આપણા સચિન-જિગર જોડીમાંના એક સચીન સંઘવી લાઈમ લાઈટમાં આવ્યા હતા.

પરંતુ એ પછી દોર આવ્યો ગુજરાતી નાટકોમાં ફિલ્મી ગીતો ઘુસાડવાનો. દરેક નાટકમાં ફિલ્મી ગીતોની મેડલી અથવા ફિલ્મી ડાન્સ હોય જ. શું ગુજરાતી પ્રેક્ષકોને બધે જ ફિલ્મી ગીતોના વઘારનો છંટકાવ જોઈએ છે? કે નિર્માતાઓ ધારી લે છે કે ફિલ્મ સંગીત વિના ગુજરાતી નાટકો ના ચાલે? તો પછી ઉપર દર્શાવ્યાં એ તમામ નાટકોનાં ગુજરાતી ગીત લોકહૈયે કેવી રીતે વસ્યાં?

અલબત્ત, તાજેતરમા લંડનની ‘શિવમ’ નાટ્યસંસ્થા દ્વારા રજૂ થયેલાં બે રમૂજી નાટક ‘મારી હનીને ભાવે મની’ તેમ જ ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ વીડિયો પર ઓનલાઈન જોયાં. ઓન ડિમાન્ડ આ નાટકો જોઈ શકાય છે. સોશિયલ કોમેડીથી સામાન્ય રીતે હું દૂર રહું છું. પરંતુ, આ બન્ને નાટકોમાં ભદ્દી કોમેડીને બદલે સામાજિક સંદેશ સાથે હળવી રમૂજ હતી. એ ય પાછી લંડનવાસીઓની ટિપિકલ ગુજરાતીમાં. છોગામાં ગીતો ય ખરાં. જૂની રંગભૂમિનાં ગીતોના ઢાળ ઉપર નવા શબ્દો. ઝટ જાઓ ચંદનહાર પ્રકારનું ગીત; ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે, જીવનમાં ભંગ પડ્યો રે મારા ભૈ કે આજ મારી પૂરી ફજેતી થઈ, હું તો લકી ડીપ ભરી ભરી થાકી કાનુડા તારા મનમાં નથી, આ મારી વાઈફ અને આ મારી લાઈફ …જેવાં ગીતો જૂની રંગભૂમિની યાદ અપાવતાં હતાં.

આ વિશે આ નાટકોના નિર્માતા, દિગ્દર્શક, લેખક કિરણ પુરોહિત કહે છે, "લગભગ ત્રીસેક વર્ષથી હું લંડનમાં નાટ્યપ્રવૃત્તિ કરી રહ્યો છું. ૧૯૮૫માં લંડન આવ્યો ત્યારે શરૂઆતમાં ભારતીય વિદ્યાભવન સાથે નાટ્યપ્રવૃત્તિ કરતો હતો. ફૂલ ટાઈમ ડ્રામા ડિરેક્ટર તરીકે જોડાયો હતો. ત્યારબાદ મારી સર્જનાત્મકતા વિકસાવવા ૧૯૯૩માં મેં મારા દીકરાના નામ પરથી ‘શિવમ થિયેટર્સ’ શરૂ કર્યું. એ સાઉથ એશિયન થિયેટર કંપની છે. સૌથી પહેલું નાટક મૂળરાજ રાજડાની સ્ક્રિપ્ટ પરથી ‘ચકડોળ’ કર્યું જેનું નામ અમે ‘એક ભૂલ ડબ્બાડૂલ’ રાખ્યું હતું. ખૂબ વખણાયું. એ પછી મેં પોતે જ લંડનની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને નાટકો લખવાનાં શરૂ કર્યાં. લંડનની અંડરગ્રાઉન્ડ ટ્યુબ રેલવે લાઈનનો નકશો જેમને ખબર હશે તેઓ સમજી શકશે કે કેટલી બધી લાઈનોનાં ક્રોસ કનેક્શન હોય છે. દરેક પાટા એકબીજાને અડકીને છૂટા પડી જાય. જોબ માટે ટ્રેનમાં જતો ત્યારે મેં આ નોંધ્યું અને વિચાર્યું કે માનવસંબંધો પણ આવા અટપટા અને ટચ એન્ડ ગો જેવા જ હોય છે. એક જ છત નીચે રહે છતાં સૌ એકબીજાથી અલગ. આત્મા અને ફેમિલી બોન્ડિંગ વગરનું ઘર. એ થીમ પરથી ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ નાટક લખ્યું. એક છત નીચે રહેતો પરિવાર એકબીજાથી સાવ દૂર છે પરંતુ ઘરમાં બનતી એક દુ:ખદ ઘટના એમને નજીક લાવે છે એ નાટકનો મુખ્ય સૂર હતો. આ નાટક અત્યંત સફળ નિવડ્યું. એને ઇંગ્લેન્ડ આર્ટ કાઉન્સિલની ગ્રાન્ટ પણ મળી. ગુજરાતી નાટક માટે આ બહુ મોટી ઘટના કહેવાય.

“ત્યારપછી લગભગ દર વર્ષે હું એકાદ-બે નવાં નાટકો કરતો. અમારાં ગુજરાતી નાટકો ઘણીવાર અંગ્રેજો પણ જોવા આવે છે. અંગ્રેજો નાટકના ખૂબ શોખીન છે. લંડનનાં નાટ્યગૃહો છ મહિના પહેલાં હાઉસફૂલ થઈ જાય છે. એમને ઘણીવાર ગુજરાતી નાટકોમાં ય રસ પડે છે. તેથી આખા ગુજરાતી નાટકને અમે એવા શોમાં ગુજલિશ બનાવી દઈએ છીએ. જાણીને આશ્ચર્ય થશે પરંતુ ગયા વર્ષે રજૂ થયેલા ‘મારી હનીને ભાવે મની’ નાટકને પણ ‘આર્ટ્સ કાઉન્સિલ ઑફ ઇંગ્લેન્ડ’ તરફથી એવોર્ડ મળ્યો છે. અત્યાર સુધીમાં ૮૦ શો કર્યા પરંતુ લોકડાઉનમાં થિયેટર્સ બંધ હોવાથી થોડા સમય પૂરતાં સ્થગિત છે. આ નાટકમાં આશિત દેસાઈએ સંગીત આપ્યું છે. આ નાટકની થીમ લોટરીમાં રાતોરાત કમાઈને પૈસાદાર થઈ જવાની વૃત્તિ વિશે છે. અવનવી ઘટનાઓ બાદ લોભી પરિવારને ખાતરી થાય છે કે ‘મની કાન્ટ બાય હેપીનેસ’. એટલું જ નહીં, ભગવાને તમને જે કલા-કારીગરી આપી છે એના પર જ ફોકસ કરવું. પૈસા રળવા બીજે ફાંફાં ન મારવાં એ પણ આ નાટકનો સંદેશ છે. આર્ટ કાઉન્સિલે આ નાટકને આખા યુ.કે.ની ટૂર કરવા માટે ફંડ પણ આપ્યું છે એ અમારે માટે ગર્વની વાત છે. ‘શિવમ થિયેટર’ અત્યારે આખા યુ.કે.નું એક માત્ર સ્વતંત્ર અને સ્વનિર્ભર પ્રોડક્શન હાઉસ છે.”

નાટકનાં ગીતો લખનાર અને પોતે જ ગાનાર કિરણ પુરોહિત ગીતોનાં સંદર્ભમાં કહે છે કે, "મ્યુઝિકલ પ્લે હંમેશાં દર્શકોનું મનોરંજન કરે છે. એમાં ય હું લંડનના ગુજરાતીઓની માનસિકતાને આધારે, અહીં બોલાતી ગુજરાતી ભાષા પ્રમાણે હાસ્ય નિષ્પન્ન થાય એવાં જ ગીતો લખું છું. આ ગીતોમાં ક્યાં ય બેઢંગ કે અશોભનીય ભાષા નથી હોતી. નાટકની કથા પ્રમાણે શુદ્ધ મનોરંજન આપવાનો જ હેતુ છે. લેસ્ટરના ચંદુભાઈ મટ્ટાણીએ આશિત દેસાઈનું નામ સૂચવ્યું હતું. એમણે નાટકને અનુરૂપ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતોનું ડબિંગ કરી આપ્યું હતું.’

સંબંધોની નોકઝોંક દર્શાવતાં ગીતો તથા લંડનના ગુજરાતીઓની ભાષા સાંભળવી એ આ નાટકોનો લહાવો છે. જૂની રંગભૂમિને ૨૧મી સદીના સંવાદો સાથે સજીવન કરી હસતાં હસાવતાં જીવનના સાચાં મૂલ્યો આ નાટકો સમજાવે છે. દરેક શહેરની, એના વિસ્તારોની અમુક ખૂબીઓ હોય છે. મુંબઈનાં નાટકોમાં જેમ મરીન ડ્રાઈવ, કાંદિવલી-બોરીવલી કે બાન્દ્રાની વાત સાહજિક રીતે વણાઈ જાય એમ આ નાટકોમાં વેમ્બલીનાં ખાખરા-થેપલાં, વોટફર્ડના હાઈ ફંડાની વાત પણ આવે. પિકાડેલી સર્કસના ઓટલે પાનનો ગલ્લો ખોલવાનું તો એક ગુજરાતી જ વિચારી શકે. વાત મૂળ એ છે ભાંગવાડી બંધ થઈ, જૂની રંગભૂમિ ગઈ પણ એનાં ગીતો વિદેશમાં ય હજુ ગાજે છે. સંગીતની આ જ તો કમાલ છે!

—

ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે
મને લેવો છે જેકપોટનો લહાવો
રસોડે નહીં રાંધું રે

ન મળે ફ્રીઝરમાં ફ્રોઝન ફૂડ ને
નહીં મળે દાળ-ભાત
જેકપોટ જો નહીં લાગશે,
તો વારે વારે હું પાડીશ હડતાલ રે,
રસોડે નહીં રાંધું રે …

આ..હા.. નાણાંનાં નખરાં બધાં ને
નાણાંના સૌ નાદ
સમજીને માગવાનું તું નહીં મૂકે,
મને મુકાવીશ લંડન શહેર રે …
અરે, હેરોડ્ઝમાં શોપિંગ કરીશ
અને કરીશ લંડનમાં લહેર, સમજ્યાને!
લોટરી લાગી તો હું બદલીશ તમારી ચાલ રે ..
ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે!

•   ગીતકાર : કિરણ પુરોહિત     •   સંગીત : આશિત દેસાઈ     •   ગાયકો : કિરણ પુરોહિત અને રમીલા હાલાઈ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 નવેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658907  

Loading

બદલતું ઑસ્ટ્રૅલિયા : આદિમવાસીઓથી લઈને આપણા સુધીનું — 3

જેલમ હાર્દિક|Diaspora - Features|5 November 2020

ભાગ 3. ઑસ્ટ્રેલિયામાં ઘોળાયો ગુજરાતી રંગ ..

એકીસાથે ત્રણ-ત્રણ મહાસાગરને ખોળે ઉછરતો ઑસ્ટ્રૅલિયા દેશ. એના ખોળે ઉછરતી આદિમવાસીઓની અઢીસો જેટલી જાતિઓ. અને લગભગ અઢીસો વર્ષ પહેલાં જ એ આદિમવાસીઓની ભૂમિ પર અચાનક આવી ચડતા અણધાર્યા આગંતુકો. કેવી રીતે એ અણગમતા મહેમાનોએ આદિમવાસીઓની એ ભૂમિને ‘Terra Nullius’ જાહેર કરી, સામ, દામ, દંડ, ભેદથી એમને જ સગેવગે કરી ત્યાં પોતાનો ઝંડો ફરકાવી ને અંગ્રેજી શાસનના પાયા નાંખ્યા એ આપણે જોયું આ લેખમાળાની પહેલી કડીમાં. બીજી કડીમાં આપણે જોયો શ્વેતરંગી ઑસ્ટ્રેલિયાનો ઊગી રહેલો સુવર્ણકાળ. ‘જહાઁ ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’ જેવું ચમકી રહેલા ઑસ્ટ્રેલિયા દેશને પોતાનો કરવા ચીન ને બીજા અનેક દેશોમાંથી એ સમયે ત્યાં ઊમટી પડેલાં અનેક લોકો, જેના લીધે ડોલવા માંડેલું અંગ્રેજી રામરાજ્ય. ને એ અંગ્રેજી રામરાજ્યને શ્વેતરંગી રાખવા માટેના એમના મારણિયા (મરણિયા નહીં જ) ને સફળ પ્રયાસો. હા, લેખમાળાની એ બીજી કડીમાં જ આપણે સાક્ષી બન્યાં White Australia Policyનાં; એમાં જ આપણે એને બનતી ય જોઈ અને જોઈ વિખેરાતી ય. અને એમાં જ ઉપસતું જોયું આજનું વિવિધરંગી, બહુસાંસ્કૃતિક ઑસ્ટ્રૅલિયા. તો ક્યારે ભળ્યા એમાં ભારતીય રંગો ને ક્યારે ઘોળાયો એમાં ગુજરાતી રંગ !? જાણશું લેખમાળાની આ ત્રીજી ને અંતિમ કડીમાં. પણ એ માટે શરૂઆત કરીએ રંગોળીની મૂળ ભાતમાં પડતાં ભારતીય રંગ છાંટણાંથી.

એક રસપ્રદ અભ્યાસ મુજબ, મૂળ ઑસ્ટ્રેલિયન એટલે કે આદિમવાસીઓનાં DNA તપાસતાં એવું જાણવા મળ્યું હતું કે ભારતીયો સાથેનો એમનો નાતો અંદાજે ચાર હજાર વર્ષ જૂનો છે. એક માન્યતા પ્રમાણે કોઈ ભારતીયો ઇન્ડોનેશિયન લોકોના સંપર્કમાં આવ્યા હોય, એ ઈન્ડોનેશિયન લોકો આગળ જતાં ઑસ્ટ્રેલિયાના આદિમવાસીઓ સાથે જોડાયા હોય અને એમ ઑસ્ટ્રેલિયન લોકોમાં ભારતીય જીન્સ ભળ્યાં હોય, અથવા તો કોઈ ભારતીયોએ જ દુનિયાના એ દક્ષિણ ભાગમાં સ્થળાંતર કર્યું હોય અને ઑસ્ટ્રેલિયાનાં એ સ્થાનિક લોકો સાથેના સંબંધનું આ પરિણામ હોય. જે હોય તે, પણ ભારતીયોનાં બીજ તો અહીં સદીઓ પૂર્વે રોપાયેલાં છે એમાં ના નહિ. આ તો વાત થઈ સહસ્ત્રાબ્દિ પહેલાંની, પણ આપણને અત્યારે રસ છે એ જાણવામાં કે સવા બે સદી પહેલાં, અંગ્રેજોએ અહીં કૉલોની સ્થાપ્યા પછી, પહેલા ભારતીયોએ આ ભૂમિ પર ક્યારે પગ મૂક્યો !

આગળના લેખમાં આપણે જોઈ ગયાં એમ, ઓગણીસમી સદીના પ્રારંભે અંગ્રેજો ઑસ્ટ્રેલિયાને વસાવી ને વિકસાવી રહ્યા હતા. એ સમય એવો હતો જ્યારે વિશ્વના ઘણા બધા દેશોમાં અંગ્રેજો શાસન સ્થાપવાની પેરવીમાં હતા. આપણને ખ્યાલ છે એમ ભારતમાં ઈ.સ. 1758થી ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્વરૂપે એમનાં શાસનનો નક્કર પ્રવેશ થઈ ગયો હતો. એટલે મળી આવતી કેટલીક માહિતી પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ઘરકામમાં મદદરૂપ થાય એવા પહેલા ભારતીય શ્રમિકો કલકત્તા બંદરેથી ઈ.સ. 1816ના ગાળામાં આ દેશમાં આવ્યા. પણ આ તરફનું ભારતીયોનું નોંધપાત્ર દેશાંતર જોઈ શકાય છે ઈ.સ.1830 પછીના સમયમાં. એ વખતે ઇંગ્લેન્ડથી ઑસ્ટ્રૅલિયા આવતા કેદીઓની સંખ્યા ઘટવા માંડી હતી, એટલે બાંધેલા કારીગરો તરીકે ભારતથી કેટલાક લોકોને આ તરફ લાવવામાં આવ્યા. મુખ્ય જરૂરિયાત શારીરિક મહેનતનાં કામ માટે હતી, એટલે આવનાર લોકોમાં સૌથી વધુ હતા શીખ લોકો, અને બાકી અફઘાન બાજુના મુસ્લિમ પણ ખરા. તેમને ઊંટો સંભાળવાનું કામ મળતું અને શીખ લોકોને મોટે ભાગે ઢોર ઉછેરના નેસડાઓ – sheep stations – પર કે ખેતરોમાં મજૂરી કામે રાખવામાં આવતા. પંજાબથી આવેલા એ મુઠ્ઠીભર શીખ લોકો પહેલાં કવીન્સલૅન્ડ રાજ્યનાં શેરડીનાં ખેતરો પર કામ કરતા હતા. કેટલાંક વર્ષોમાં પહેલું વિશ્વ યુદ્ધ થયું, એ સમયે આ શીખ લોકો ઑસ્ટ્રૅલિયા તરફથી લડ્યા. એમની આ સેવાઓને બિરદાવવા ઑસ્ટ્રેલિયાએ એક ઐતિહાસિક પગલું ભર્યું. દેશને માટે જાનનું જોખમ ખેડનાર આ શીખ લોકોને સરકારે ત્રણ હક્કો આપ્યા; મતદાન કરવાનો, પૅન્શન મેળવવાનો અને બાકીનાં કુટુંબીઓને બીજા દેશમાંથી અહીં લાવવાનો. રંગ, જાતિ અને વંશીય ભેદભાવ ટોચ પર હતો એવા સમયમાં ઑસ્ટ્રેલિયામાં આવા હક્કો મેળવનાર આ પંજાબી ભારતીયો પહેલા બિનઅંગ્રેજી લોકો હતા. પછી તો બીજું વિશ્વ યુદ્ધ થયું. એને લીધે ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યમાં ઉત્તર તરફ આવેલાં વૂલગૂલગા(Woolgoolga)નાં કેળાંનાં ખેતરો ખાલી પડ્યાં. કેળની ખેતી અતિ શ્રમ માગી લે એવી હતી, એટલે શીખોને ત્યાં મોકલવામાં આવ્યા. એવામાં ભારત સ્વતંત્ર થયું, એના ભાગલા પડ્યા. ભારતની એ અસલામત પરિસ્થિતિથી બચવા એ શીખ લોકો ત્યાંથી પોતાનાં કુટુંબીઓને ઑસ્ટ્રેલિયા લઈ આવ્યા. એના થોડા સમયમાં વૂલગૂલગામાં કેળની ખેતી પૂરી થઈ, પણ પંજાબથી આવેલાં એ મહેનતુ લોકોએ ત્યાં ફરી ખૂબ શ્રમ માગી લે એવી બ્લૂ બૅરિનું વાવેતર કર્યું. જેમ કોઈપણ કામમાં રોપેલી મહેનત ક્યારે ય નિષ્ફળ જતી નથી, એમ અહીં પણ ખંતથી કરેલી એમની બ્લૂ બેરિની ખેતી તો વિસ્તરી જ સાથે-સાથે વિસ્તરી તેમની સમૃદ્ધિ ને શાખ. અને ખેત મજૂર તરીકે આવેલા એ લોકો જોતજોતાંમાં ખેત માલિકો અને મકાન માલિકો બની ગયા. ઈ.સ.1968માં તો ત્યાં ઑસ્ટ્રેલિયાનું પહેલું શીખ મંદિર – ગુરુદ્વારા બની ગયું.

ઑસ્ટ્રેલિયાના પહેલા શીખ ગુરુદ્વારાના અનાવરણની તક્તી

(Source : https://www.sikhiwiki.org/index.php/File:The_First_Sikh_Temple_of_Australia_plaque.jpg)

આજે સ્થિતિ એવી છે કે તમે જો એ વૂલગૂલગા ગામે પહોંચો તો તમને ઑસ્ટ્રૅલિયાને બદલે પંજાબ પહોંચી ગયાં હો એવું લાગે ! ખરેખર. ગામમાં છે મોટ્ટા સોનેરી ઘુમ્મટવાળું ગુરુદ્વારા અને બોલ્યે-ચાલ્યે ને પહેરે-ઓઢ્યે નખશીખ એવા પંજાબીઓની ત્યાં રહેતી લગભગ ચોથી પેઢીઓ. બસ, તો આમ થયાં હતાં ઑસ્ટ્રેલિયાનાં વૂલગૂલગામાં શિક્ષિત અને સમૃદ્ધ ભારતીય ઇતિહાસ રચાવાનાં મંડાણ. આ ઉપરાંત એવું જાણવા મળે છે કે એ ઓગણીસમી સદીની મધ્યમાં, ઈ.સ.1850ની આસપાસ શ્રી પમ્મુલ નામનો એક હિન્દુ સિંધી વેપારી વિક્ટોરિયા રાજ્યનાં મેલબર્ન શહેરમાં આવ્યો હતો, જ્યાં એણે ઑસ્ટ્રેલિયાની ખાણોમાંથી મળી આવતા કિંમતી પથ્થર ‘ઓપલ’નો ધંધો શરૂ કર્યો હતો, જે એની પેઢીઓ સુધી ફળ્યો હતો. 

આ તો વાત થઈ ઑસ્ટ્રેલિયામાં બ્રિટિશ કૉલોની સ્થપાયા પછી સૌથી પહેલા, ઓગણીસમી સદીમાં અહીં આવેલા ભારતીયોની. પણ લગભગ એ જ સદીના અંતમાં ઑસ્ટ્રેલિયામાં ‘વ્હાઈટ ઑન્લી પૉલિસી’ આવતાં અશ્વેતો માટે આ દેશના દરવાજા બંધ થયા હતા, જે વીસમી સદીના મધ્ય પછી, અનેક દેશોના આંતરવિગ્રહો અને ખાસ કરીને બીજાં વિશ્વ યુદ્ધ પછી થોડા ખુલવા શરૂ થયા. આગળના લેખમાં આપણે જેનો સંદર્ભ જાણ્યો એ કોલંબો પ્લાન અંતર્ગત શ્રીલંકાની સાથે ભારતથી પણ કેટલાક લોકો આવ્યા. પછી તો આપણે જાણીએ છીએ એમ ઑસ્ટ્રેલિયામાં જે કૌશલ્યોની અછત હતી, એ આવડત ધરાવતા લોકોને આ દેશમાં લાવવા માટે અહીંની સરકારે અન્ય દેશોમાં જાહેરાત આપવા માંડી હતી. એનાં પરિણામ સ્વરૂપ અહીં આવ્યા ભારતીય ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને શિક્ષકો. ઑસ્ટ્રેલિયામાં ભારતીયોનાં દેશાંતર ઉપરના આ લેખ માટેની શોધખોળ કરવામાં મને એક પુસ્તક ખાસ કામ લાગ્યું અને બહુ સ્વાભાવિક રીતે અનેક લોકો, જેમનો ઉલ્લેખ હું છેલ્લે અચૂક કરવાની, એમાંનાં કેટલાંક સાથે વાત કરતાં મને મળેલી માહિતી આપણને સીધી લઈ જાય છે વીસમી સદીના ઉત્તરાર્ધમાં. એ સમયે અહીંનાં વિક્ટોરિયા રાજ્યમાં સૌથી પહેલા આવેલા ભારતીયોમાં હતા બંગાળ અને દક્ષિણ ભારતના ડૉક્ટર્સ, મહારાષ્ટ્રના કેમિકલ એન્જિનિયર્સ અને ઉદ્યોગપતિઓ. પણ પહેલવહેલા ગુજરાતીઓનું પગેરું શોધતાં હું સીધી જઈ પહોંચું છું ઈ.સ.1959માં અહીં આવી પહોંચેલા ઋષિ શેઠ, ઋષિકેશ અમૃતલાલ શેઠ સુધી. છૂટ્ટા છવાયા ગુજરાતીઓ આ પહેલાં અહીં આવ્યા હોઈ શકે, પણ લગભગ આ સમયથી ગુજરાતીઓના નોંધી શકાય એવા એકધારા પ્રવાહની શરૂઆત થઈ હોય એવું લાગે છે, એટલે આપણા માટે અહીંથી વહી છે ગુજરાતીતાની ગંગોત્રી.

આવાં કોઈનાં પણ દેશાંતર પાછળ કેટલાંક ‘Push and pull factors’; વ્યક્તિને પોતાના દેશની બહાર ધકેલતાં અને નવા દેશ તરફ આકર્ષતાં પરિબળો જોવા મળે છે, એની ચર્ચા આપણે આ લેખમાળાની બીજી કડીમાં વિગતે કરી ગયાં છીએ. સ્વાભાવિક રીતે, એવાં જ પરિબળો ઑસ્ટ્રેલિયા આવી વસનાર ગુજરાતીઓ માટે પણ કારણભૂત રહ્યાં છે. ભારત કે લંડનથી આવેલા ગુજરાતીઓને ઑસ્ટ્રેલિયાએ ઘણુંખરું એના તરફ ખેંચ્યા હતા, જ્યારે યુગાન્ડા, આફ્રિકાના ગુજરાતીઓને એ દેશની પરિસ્થિતિએ ત્યાંથી બહાર જવા મજબૂર કર્યા હતા. જાણીએ અહીં આવેલા ગુજરાતીઓનાં આવાં સારાં-નરસાં કારણો, અને ડોકિયું કરીએ એ સમયનાં ઑસ્ટ્રેલિયામાં. 

ચાલો, માંડીએ વાત ઋષિ શેઠની. એમના વિષે નોંધવા જેવી વાત એ છે કે ભારતથી તેઓ એક સામાન્ય માઈગ્રન્ટ તરીકે નહિ, પણ એક કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે પહેલાં સિડની અને પછી મેલબર્ન પહોંચ્યા હતા. આ કારણે એમની આર્થિક અને માનસિક પરિસ્થિતિ બીજા કોઈપણ માઈગ્રન્ટ કરતાં જુદી અને સ્વાભાવિક રીતે ઘણી સારી રહી. એ સમયના એમના અનુભવો પરથી ત્યારનાં ઑસ્ટ્રેલિયાનું એક જીવંત ચિત્ર આપણી સામે ખડું થાય છે. અત્યારે ઑસ્ટ્રેલિયામાં જ્યારે અમે કોઈપણ નળ ખોલીને બિન્દાસ્ત પાણી પી લઈએ છીએ, ત્યારે છએક દસક પહેલાંના ઑસ્ટ્રેલિયા વિષે ઋષિ શેઠ પાસે જાણવા મળે છે નવાઈ પમાડે એવી કેટલીક વાતો; “ઘણાં પરાંઓ ત્યારે ગટરવ્યવસ્થા વિનાનાં હતાં. દુકાનો અને સુપર માર્કેટ્સ ખુલ્લી રહેવાનો સમય સોમથી શુક્રવાર સવારના નવથી સાડા પાંચ અને શનિવારે બપોરે એક સુધીનો હતો, રવિવારે તો બધું જ સદંતર બંધ.” તેઓ આગળ નોંધે છે કે “રસ્તા પર પસાર થતા ઘણા સ્થાનિકો બીજાં વિશ્વયુદ્ધની અસરરૂપે શારીરિક ખોડવાળા દેખાતા. બાકી, આપણી સાથેનાં એમનાં વર્તનમાં ભેદભાવની તો કોઈ વાત જ નહિ, ખૂબ મૈત્રીપૂર્ણ લોકો.” પાડોશીનો એમને થયેલો આ અનુભવ વાંચીને આપણને અત્યારે ય એમની હૂંફ પહોંચ્યા વિના ન રહે; “નવો નવો રહેવા આવેલો હું એ વિસ્તારમાં. એક રવિવારે સવારે કંપનીની ગાડી ધોઈ રહ્યો હતો, ત્યારે પાડોશી ફ્રેડ સામે ચાલીને ઓળખાણ કરવા આવ્યો. વાતવાતમાં એને ખબર પડી કે બીજે દિવસે સવારે મારી પત્ની ને નાનો દીકરો ભારતથી આવી રહ્યાં છે. હું એમને ઍરપોર્ટથી લઈને ઘેર પહોંચ્યો, અને જેવું ફ્રીઝ ખોલ્યું તો એમાં દૂધ, બ્રેડ-બટર, ફળો ને શાકભાજી ભરેલાં હતાં અને બહાર હતી એક ચિઠ્ઠી કે ‘આટલી લાંબી મુસાફરી પછી એક નવા દેશમાં આવેલાં તારી પત્ની અને દીકરાને આ વસ્તુઓની જરૂર પડશે. સાથે બિલ રાખ્યું છે, નિરાંતે સગવડ થયે ચૂકવવું.’” વિચાર તો કરો, એક પારકા પ્રદેશના ને ગઈકાલ સુધી બિલકુલ અજાણ્યા એવા ફ્રેડે કેવી તો કાળજી લીધી એમની! આ હતી ઑસ્ટ્રેલિયા પહોંચેલા પહેલ-વહેલા ગુજરાતીની લાગણી. એકાદ-બે ગુજરાતીઓને બાદ કરતાં મારી જાણમાંના મોટા ભાગનાનો મત મને આવો જ જોવા મળ્યો. પહેલાં ઔપચારિક ભારતીય સંગઠન વિષે ઋષિ શેઠ કહે છે કે, કોલંબો પ્લાનમાં આવેલા વિદ્યાર્થીઓનું Indian students’ association બન્યું, જેના ભાગરૂપે દિવાળી કે અન્ય મેળાવડા ઉજવાતા થયા. ધીમે-ધીમે ભેગા થયેલા કેટલાક ગુજરાતી પરિવારોએ 70મા દસકની શરૂઆતમાં પહેલી નવરાત્રિ ઋષિ શેઠનાં આંગણામાં મનાવી. એમની દીકરી ઓસ્ટ્રેલિયામાં જન્મેલું એવું પહેલું ગુજરાતી બાળક જેનાં માતાપિતા બંને ગુજરાતી હોય. એ દીકરીનાં લગ્નનું જમણ પણ ઘરની અને અન્ય ગુજરાતી સ્ત્રીઓ દ્વારા ઘરનાં આંગણામાં જ બનાવાયું. આપણે જાણીએ છીએ કે એ સમયગાળામાં વિશ્વના લગભગ દરેક દેશની સ્થિતિ આવી જ હતી, ઘરમેળે જ ઉજવાતા સારા-માઠા પ્રસંગો, પણ આપણે જ્યારે ઑસ્ટ્રેલિયામાં ગોઠવાઈ રહેલા ગુજરાતીઓની વાત માંડી છે, ત્યારે એમનાં અહીંનાં જીવનના આ પડાવો આપણા માટે માત્ર મહત્ત્વના જ નહિ રસપ્રદ પણ રહેશે.

આરંભના દિવસો વેળા ઘર આંગણે થતા નવરાત્રી શા ઉત્સવોની એક ઝાંખી

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 59)

અહીંથી આપણો કાફલો આગળ વધે છે ને સીધો અટકે છે એક દસક પછી, ઈ.સ.1968માં અહીં પહોંચેલા ડૉ. ભાસ્કર દેસાઈ અને ડો. વિઠ્ઠલ પટેલ પાસે જઈને. આપણી પાસે વધુ વિગત છે ડો. વિઠ્ઠલ પટેલ વિષે, તો એમનો પરિચય મેળવીએ. ભારતથી ડૉક્ટર થઇ, પરણી, યેમનથી નાઈરોબી ગોઠવાયા વિઠ્ઠલ પટેલ, પણ એ સમયની ત્યાંની સામાજિક ને રાજકીય સ્થિતિને લીધે એમણે ઑસ્ટ્રેલિયા સ્થાયી થવાનો વિચાર કર્યો. ઈ.સ.1963માં ‘વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પોલિસી’ને લીધે એમની અરજી નામંજૂર થઈ. કૅનેડાની મંજૂરી મળી, પણ એમને ઑસ્ટ્રેલિયાની જ ઈચ્છા હોતાં એમણે રાહ જોઈ. ને અંતે1968માં ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટર્સની જરૂરિયાત ઊભી થતાં એમને ધાર્યું પરિણામ મળ્યું, ને એ લોકો પહેલાં ઑસ્ટ્રેલિયાનાં ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યનાં એક નાનાં ગામ ગૉલબર્ન ને ત્યાંથી ચાર મહિના પછી સિડની પહોંચ્યા. આજે એ ઘટનાને વર્ષો વીતી ગયાં છે, પણ એક ગુજરાતી તરીકે ગૌરવની વાત એ છે કે એમના દીકરાઓ હવે સિડનીના ખ્યાતનામ ડૉક્ટર્સ છે.

એ જ અરસામાં અહીં આવી વસનારા ડૉક્ટર્સની યાદીમાં હવે ઉમેરાય છે ડૉ. શશાંક યશશ્ચંદ્ર મહેતા. તમને આ નામમાં કૈંક જાણીતું લાગે તો તમે સાવ સાચાં છો. ગુજરાતી સાહિત્યમાં ખૂબ બળુકું અને આગવું પ્રદાન કરનાર આપણા સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રના એ મોટા ભાઈ. શશાંકભાઈ મૂળે મુસાફર પ્રકૃતિ એટલે ભારતથી આફ્રિકા અને ઇંગ્લેન્ડ થઈને અંતે બાળકોનાં વિકસિત અને સુરક્ષિત ભવિષ્ય માટે એમણે ઑસ્ટ્રેલિયા પર પસંદગી ઉતારી. 1969ની સાલમાં પહેલાં અહીંનાં વિક્ટોરિયા રાજ્યમાં જીલોન્ગ અને મેલબર્નમાં પાંચેક વર્ષ રહીને 1974થી સિડનીને એમણે પોતાનું ઘર બનાવ્યું. અહીં પોતાનાં કામ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે અજાણતાં જ તેઓ ગુજરાતી ભાષા સાથે સંકળાઈ ગયા, અને ત્રીસ વર્ષો સુધી ગુજરાતીને ગુજરાતીઓ સાથે જોડતી મજબૂત સાંકળ બની રહ્યા. બન્યું એવું કે, 1975માં અહીંના ભારતીય સમાજને ધ્યાનમાં રાખીને એથ્નિક કાઉન્સિલ રેડિયો  2EA માં હિન્દી, પંજાબી, બંગાળી, ઉર્દૂ અને તમિળ સાથે ગુજરાતી ભાષાનો રેડિયો શરૂ કરવાની તૈયારી બતાવી. પણ પ્રશ્ન એ ઊભો થયો કે પોતાનો સમય, શક્તિ અને પૈસા ખર્ચીને આમાં જોડાય કોણ? ભારતમાં રેડિયો કાર્યક્રમ આપવાનો શશાંક દંપતીને, વિનીતાબહેનને વધુ અને શશાંકભાઈને થોડો અનુભવ ખરો, એટલે શશાંકભાઈના શબ્દોમાં કહીએ તો ‘અંધામાં કાણો રાજા’ના ન્યાયે ગુજરાતી ભાષા માટેનો કળશ એમના પર ઢોળાયો. ત્યારથી શશાંકભાઈએ ગુજરાતીનો અને વિનીતાબહેને હિંદીનો હાથ ઝાલ્યો. 1978થી આ કમ્યૂનિટિ રેડિયો 2EA ઑસ્ટ્રેલિયાનો પબ્લિક રેડિયો SBS (Special Broadcasting Services) બન્યો. શશાંકભાઈએ એમનાં જીવનનાં ત્રીસ વર્ષો સુધી, 1975થી 2004 સુધી, ઑસ્ટ્રેલિયાની ઓળખ એવા SBS રેડિયોની ગુજરાતી ભાષાને જતનપૂર્વક ઉછેરી અને પછી આગલી પેઢીના હાથમાં સોંપી. આજે પણ હું જ્યારે SBS જાઉં છું, ત્યારે એમના પ્રસારણ છોડ્યાના દોઢ દાયકા પછી, ભલે, ગુજરાતી ન જાણતા, પણ એમની સાથે કામ કર્યું હોય એવા કેટલાક સ્ટુડિયો ઓપરેટર્સ ‘શશ’ મહેતાના ભારતીય શાસ્ત્રીય સંગીત માટેના પ્રેમને અને પસંદગીને ખૂબ ભાવથી સંભારે છે.

2EA રેડિયો : ભારતીય ભાષાઓને સાંકળતી જાહેરાત

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 42)

1969ની જ સાલમાં ઑસ્ટ્રેલિયા આવ્યા ડૉ. જીતેન્દ્ર વોહરા. અહીં ગુજરાતીઓનું ગૌરવ બની રહેનાર ડૉ. વોહરા ભારતમાં MBBS અને MD કરી, ઇંગ્લેન્ડમાં કાર્ડિયોલોજીનું ભણવાનું પૂરું કરી રહ્યા હતા ત્યારે જ મેલબર્નની રૉયલ હૉસ્પિટલના ડિરેક્ટરે એમને પોતાને ત્યાં નોકરી માટેની ઑફર આપી. ડૉ. વોહરાએ એ સ્વીકારી લીધી. અહીં આવીને તેઓ હૃદયરોગનાં ક્ષેત્રે સતત અવનવી શોધ કરતા રહ્યા અને તબીબી ક્ષેત્રને એમનાં જ્ઞાન અને અનુભવથી સમૃદ્ધ કરતા રહ્યા. વર્ષ 2013ના ઑસ્ટ્રેલિયા દિવસે, 26મી જાન્યુઆરીએ અહીંનાં તબીબી ક્ષેત્રમાં, ખાસ કરીને હૃદયરોગનાં ક્ષેત્રમાં એમનાં એ અમૂલ્ય પ્રદાન બદલ એમને AM- Member of Order of Australia સન્માનથી નવાજવામાં આવ્યા. ઑસ્ટ્રેલિયાની સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતું આ સન્માન ભારતનાં ‘પદ્મશ્રી’ની જેમ આ દેશનાં કોઈ એક ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. ભારતથી દૂરના દેશમાં થયેલું એમનું આ સન્માન ગુજરાતની ગરિમા વધારનારું બની રહ્યું છે.

લગભગ એ જ સમયમાં બહેતર ભવિષ્ય માટે ભારતથી મેલબર્ન આવ્યાં ડૉક્ટર દંપતી કિરીટ અને રેખા પરીખ. પહેલા દિવસથી જ કામ પર લાગી ગયાં હતાં કિરીટભાઈ અને અત્યાર સુધી કાર્યરત છે. આ દેશનો અને લોકોનો ઉદારતાભર્યો અનુભવ યાદ કરતાં હજી તેઓ કહે છે કે, તમારા પાસે જો યોગ્ય લાયકાત હશે તો આ દેશમાં પ્રગતિ કરતાં તમને કોઈ નહિ રોકે. જ્ઞાનનું આ દેશમાં ખૂબ માન છે. અને આજ સુધી કોઈનું પણ ભેદભાવભર્યું વર્તન એમની સ્મૃતિમાં નથી. શરૂઆતમાં એ બંને એક વાર ભારત પાછાં ફરી ગયાં હતાં, પણ ત્યાંનું વ્યવસ્થાતંત્ર ન રુચતાં ફરી આ દેશમાં આવ્યાં અને રહી ગયાં. આજે એ નિર્ણય માટે ખૂબ આનંદ અને સંતોષ છલકે છે એમની વાતોમાં.

આ જ દશકના અંત તરફ અહીં આવી પહોંચે છે હર્ષદ દેસાઈ. પરિસ્થિતિ કૈંક એવી થઈ કે તેઓ ગયા હતા ઇંગ્લેન્ડનો વિઝા લંબાવવા ને ઓસ્ટ્રેલિયા માટે અરજી કરી આવ્યા. ચાર જ અઠવાડિયાંમાં પ્રોવિઝનલ PR મળી ગયો: સાથે હતી બે શરતો – દેશમાં દાખલ થતી વખતે 100 $નો ડ્રાફ્ટ, અને Good Neighbour Council અથવા Catholic Churchમાંથી એકમાં રહેવાની બાંયધરી. હર્ષદભાઈએ ભારતમાં કરેલાં સામાજિક કાર્યોને લીધે એ વ્યવસ્થા થઈ ગઈ. પહેલાં ઑસ્ટ્રેલિયા તેઓ એકલા પહોંચ્યા, પછી કુટુંબને ભારતથી ઑસ્ટ્રેલિયા પહોંચવાના ખર્ચ માટે વગર વ્યાજની લૉન માટે ચર્ચના એક પાદરીએ તેમને ખૂબ મદદ કરી. પતિ-પત્ની બંનેની નોકરીને લીધે બાળકોને શાળા પછીનો થોડો સમય પાડોશીને ત્યાં રાખવાનું બનતું. આમ, દેસાઈ પરિવારને સ્થાનિક લોકોનો ખૂબ સારો સાથ મળ્યો. બાળકો મનીષ અને સ્વાતિ માટે શરૂઆતમાં નવા દેશમાં, નવી ભાષામાં ગોઠવાવું મુશ્કેલીભર્યું હતું. દીકરી સ્વાતિ હાઈસ્કૂલ સુધી વર્ગમાં એક માત્ર ભારતીય, જો કે આગળ જતાં ગ્રીસ, જર્મની, ઇટલિ, લેબેનન જેવા દેશના મિત્રો એને મળ્યા હતા. એ અને મનીષ કહે છે કે ઑસ્ટ્રૅલિયાએ એમનાં મનમાં વિશ્વની જુદી-જુદી સંસ્કૃતિઓ માટેની સમજ અને માન કેળવ્યાં. હર્ષદભાઈએ અહીં આવતાંવેંત બીજું એ નોંધ્યું કે ઇંગ્લેન્ડ ને અમેરિકાની સરખામણીમાં આ દેશમાં ગુજરાતીઓ નહિવત્ હતા. એને લીધે ઘરની જરૂરિયાત માટે ભારતીય કરિયાણું ક્યાં ય નજીક નહોતું મળતું. એના માટે છેક દૂરનાં Bondi પરામાં એક માત્ર દુકાન હતી ભારતીય યહૂદીની – Ezy Moses, જેમાં પણ ઘઉંનો લોટ તો ન જ મળતો. પણ એ દુકાનમાંથી ખરીદીને બહાને આસપાસના વિસ્તારના ગુજરાતીઓને મળવાનું બનતું. પછી તો ભેગાં થવા ગુજરાતીઓએ પ્રવાસોનું આયોજન કરવા માંડ્યું અને શરૂઆત થઈ તહેવારો ઉજવવાની. પહેલી નવરાત્રિનું આયોજન ઘર આંગણે થયું હતું એ તો આપણે જાણીએ છીએ, પછી આ અરસામાં અહીં ગુજરાતી કુટુંબો વધતાં આવી ઉજવણી કમ્યૂનિટિ હૉલમાં શરૂ થઈ. ટૂંક સમયમાં જ ઔપચારિક સંગઠનની જરૂર ઊભી થતાં પહેલી વિધિવત Indian-Australian Cultural Societyની રચના થઈ, જેમાં આગળ જતાં ગુજરાતી સમાજ અને વૈષ્ણવ સંઘ ઉમેરાયા. મેં આગળ વાત કરી એમ હર્ષદભાઈ પહેલેથી એક સામાજિક કાર્યકરનો જીવ, એટલે અહીં આવીને પણ ગુજરાતી સમાજ અને ભાષાને ઉછેરવામાં એમણે ખૂબ ભાગ ભજવ્યો. અરે, ગુજરાતી ભાષાને અહીંના રેડિયોમાં સ્થાન અપાવવામાં તો એમનો મુખ્ય ફાળો. એમનાં સૂચન અને પ્રયત્નોથી વર્ષ !973થી 75માં દિવાળી-હોળી અહીં પહેલવહેલાં ખુલ્લામાં ઉજવાયાં. હિન્દી ફિલ્મો અહીં લોકોને ખૂબ યાદ આવતી, અને ઋષિ શેઠ ને ડૉ. નવીન ખંધારને ફિલ્મ ઉદ્યોગનો થોડો અનુભવ ખરો, એટલે હર્ષદભાઈએ એમની સાથે મળીને અહીં SKD Film Distributors નામે એક કંપની શરૂ કરી, જેમાં પહેલી ફિલ્મ બતાવી ‘કટી પતંગ’. પોતાના દેશથી કપાયાં હોવાની લાગણીને એમણે આ રીતે સમાજ સાથે વહેંચી.

SKD Film Distributorsનું પ્રચારસાહિત્ય

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 44)

ઈ.સ. 1991માં પ્રતાપભાઈ અમીન જેવા બીજા કેટલાક લોકો સાથે મળીને આ બધાંએ ગુજરાતી સમાજની સ્થાપના વિધિસર કરી. પછી તો એમાં વડા પ્રધાન પદેથી મોરારજી દેસાઈ અને મુખ્યમંત્રી પદેથી નરેન્દ્ર મોદી જેવા રાજનેતાઓ અને લતાજી જેવાં કલાકારો સાથે અહીંના ગુજરાતીઓની મુલાકાત પણ ગોઠવી.

 

નરેન્દ્ર મોદીની સિડનીની મુલાકાત, 2005

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 93)

1971નાં વર્ષમાં મુંબઈમાં સાથે ભણેલા મિત્રોની પાછળ ઑસ્ટ્રેલિયા આવી પહોંચ્યા ડો. કીર્તિ જસાણી. અહીં આવીને એક અસ્સલ ગુજરાતીની જેમ નોકરી સાથે ડૉક્ટરીના પ્રાઈવેટ ધંધામાં અન્ય સાથે ભાગીદારી કરી અને ખૂબ સફળ કારકિર્દી બનાવી. એ જ વર્ષમાં ઘણા ડૉક્ટર્સ અહીં સ્થાયી થવા આવ્યા, જેમાનાં ડો.સુરેખા દેસાઈએ બે ડૉક્ટર્સ લાંબી રજામાં હોવાને લીધે સિડની આવવાનું બન્યું. બધું જ પહેલેથી નિશ્ચિત હોવાને લીધે અહીં ગોઠવવામાં એમને કોઈ મુશ્કેલી ન પડી. લગભગ એ જ અરસામાં અહીં આવ્યા ડો. સુરેશ ખત્રી. 1968માં એમને લાગ્યું કે ભારત પોતાની સમાજવાદી વિચારધારાને પરિણામે વિશ્વથી આર્થિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ અળગું છે, જેને લીધે ત્યાં નવા તબીબો માટે બૌદ્ધિક એકલતાનો માહોલ છે. આ કારણે એમને વિદેશ માટે આકર્ષણ થયું અને ઑસ્ટ્રેલિયામાં સરળતાથી વિઝા ને નોકરી મળી જતાં તેઓ અહીં આવી ગયા. એમને સ્થાનિક ડૉક્ટરોનાં ભેદભાવભર્યાં વર્તનનો અનુભવ થયો હતો, જે અત્યાર સુધીનાં લોકો કરતાં થોડો જુદો કહી શકાય. તો ભારતથી જ અહીં આવેલા ડો. અવિનાશ જોશીને શરૂઆતમાં અહીંના વૃદ્ધોની સ્થિતિ જોઈને ચિંતા થઈ અને ઑસ્ટ્રેલિયામાં ન રહેવાનો વિચાર કર્યો, પણ પછી તેઓ અહીં જ સ્થાયી થયા. એમની દીકરીઓ કહે છે કે એમના માટે ભારતીય સંસ્કૃતિ એટલે કુટુંબ, મિત્રો, સાથે જમવાનું અને રંગીન ઉજવણીઓ, પણ પોતાને ભારતીય કહેવાં કે ઑસ્ટ્રેલિયન !? એ મૂંઝવણનો ઉકેલ કાઢતાં તેઓને એક જ લાગણી થઈ કે પોતાની ઓળખ એટલે આ બંને સંસ્કૃતિઓનું સુંદર મિશ્રણ.

યુગાન્ડાથી આવેલા પહેલવહેલા વસાહતીઓના આગમન અંગે સ્થાનિક “ડેયલી ટેલિગ્રાફ” અખબારમાં આવેલી બાતમી

(Source : Early Gujarati Migration to Australia 2015, Page 149)

અત્યાર સુધી જે ગુજરાતીઓની આપણે વાત કરી એમાંથી મોટા ભાગના ભારતથી કે ઇંગ્લેન્ડથી અહીં આવ્યા હતા. હવે આવનારામાં હતા આફ્રિકાના ગુજરાતીઓ. અત્યારે આ વાત કરતાં-કરતાં આપણે વીસમી સદીના લગભગ અંત તરફ પહોંચ્યાં છીએ, અને આપણે જાણીએ છીએ એમ એ સમય આફ્રિકામાં, ખાસ કરીને યુગાન્ડામાં વસતા ભારતીયો માટે ઊથલપાથલનો હતો. 1971ની સાલમાં ઈદી અમીન યુગાન્ડાનો વડો બન્યો અને એનાં એક જ વર્ષમાં, 1972ના ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં, એણે એશિયાનાં લોકોને નેવું દિવસની અંદર દેશ છોડી જવાનો હુકમ બહાર પાડી દીધો. ઘણાખરા ગુજરાતીઓ એ સમયે ઇંગ્લેન્ડ પહોંચી ગયા, અને કેટલાકે ઑસ્ટ્રેલિયાને પોતાની નવી ઓળખ બનાવી.

આ સ્થિતિને આગળથી કળી જનાર ડો. ગુણુ નાકર વર્ષ 1971માં જ તાન્ઝાનિયાથી અહીં આવી ગયા હતા. આ વર્ષે, 2020ના ઑસ્ટ્રેલિયા દિવસે, આંતરરાષ્ટ્રીય સમાજને તન,મન, ધનથી એમની તબીબી સેવાઓ પૂરી પાડવા માટે એમને OAM – Order of Australia સન્માન આપવામાં આવ્યું. ગુજરાતીઓનું ગૌરવ બનનાર આ ડૉ. ગુણુ નાકરની અહીં ગોઠવાવાની સફર રસ પડે એવી છે. એ વિષે તેઓ કહે છે; અમેરિકા કે ઇંગ્લેન્ડ જવું ત્યારે શક્ય નહોતું બની શક્યું, સાથે એ ગાળામાં ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટરોની જરૂરિયાતને લીધે અહીંના વિઝા સરળતાથી મળતા, અને ઑસ્ટ્રેલિયાના નકશા અને ભૂગોળનું એમનું અગાઉનું આકર્ષણ પણ એમને અહીં લાવવામાં નિમિત્ત બન્યું. ખૂબ આર્થિક ખેંચતાણ વચ્ચે તેઓ પત્ની સાથે સિડની પહોંચ્યા. પણ અહીં એમને અહીંના લોકોના માત્ર સારા અનુભવો જ મળ્યા, એવું કહીશ તો એમાં જરા ય અતિશયોક્તિ નથી. અરે, ઊતરતાંવેંત એક ઑસ્ટ્રેલિયન દંપતીએ એટલી મદદ કરી કે એમના ખર્ચની ટૅક્સીને પરિણામે તો એ લોકો રાતવાસો  કરવાનું ઠેકાણું નક્કી કરી શક્યાં, અને પહેલા ભારતીય, પંજાબીનો સંપર્ક થઈ શક્યો. પછી તો એ પંજાબી થકી અન્ય બે ગુજરાતી ડૉક્ટર્સ મળ્યા અને એમની સાથે મિત્રતા થઈ. અહીંનાં મૅડિકલ બૉર્ડનો પણ સારો અનુભવ રહ્યો, જેમણે નોકરી માટે પણ મદદ કરી, અને નોકરી મળી. કામની નજીકના વિસ્તારમાં રહેવાનું નક્કી કર્યું અને ખૂબ સારા, વડીલ ઑસ્ટ્રેલિયન પાડોશીઓ મળ્યા, જેમણે એમને અહીં સ્થિર થવામાં પોતાનાં કુટુંબ જેવી મદદ કરી. એમની પહેલી ગાડી માટે લૉન પણ એ પાડોશીએ જ આપી! બીજા દેશમાં રહેતાં પોતાનાં કુટુંબીઓ સાથેના સંપર્કની વાત કરતાં ડૉ. નાકર કહે છે કે પહેલાં તો પત્રવ્યવહાર જ હતો, કેમ કે ફોન બહુ મોંઘા પડતા, પણ ધીમે-ધીમે એનો એક સરસ રસ્તો સૂઝ્યો, ને એ લોકો પોતાની વાતો કૅસેટમાં રેકૉર્ડ કરીને મોકલાવવા માંડ્યાં. એનાથી બે ફાયદા થયા; એક તો સમય મર્યાદાની ખાસ ચિંતા ન રહી અને બધાં લોકો એમનો અવાજ પણ નિરાંતે સાંભળી શક્યાં. આ બધી વાતો વાંચીને આજે આપણે ય જાણે એ સમયમાં પહોંચી ગયાં હોઈએ એટલી મજા આવી જાય, નહીં?!

બાકી, યુગાન્ડાની અસ્થિર સ્થિતિને લીધે ડો. બાબુ ગોરડિયા, ડો.વજુ ઘેલાણી, ડો. જયંત દવે, ડો. એન.સી.પટેલ જેવા પૂર્વ આફ્રિકામાંના ઘણા નામાંકિત ડૉક્ટરો આ તરફ આવી ગયા. ડૉ. નાકર જેવા એક યા બીજા મિત્રોના અનુભવને લીધે મોટા ભાગનાંઓને અહીં ગોઠવાવામાં ખાસ અગવડ ન પડી. એ જ સમય આસપાસ આફ્રિકાથી શરણાર્થી તરીકે સિડની આવ્યા એન્જિનિયર અશોક મહેતા. એમને રહેવાનું હતું માઈગ્રન્ટ સેન્ટરમાં, જે માત્ર શ્વેતો માટે હોવાથી એમની હાલત સાવ નિરાશ્રિત જેવી થઈ હતી. અહીંનાં રાષ્ટ્રીય પ્રસારણ- ABC(The Australian Broadcasting Corporation)એ લીધેલી એમની મુલાકાત જોઈને મૂળ ભારતના એક બંગાળી ધંધાર્થી મદદે આવ્યા અને એમની સ્થિતિ સુધરી. બીજો પ્રશ્ન થયો નોકરી માટેનો; આફ્રિકાના એન્જિનિયર્સ અહીં માન્ય નહોતા ગણાતા, એટલે અશોકભાઈ સિડની યુનિવર્સિટીના એક પ્રૉફેસરને મળ્યા. એમની સાથે નૈરોબીના પ્રૉફેસરની ઓળખાણ નીકળતાં એમની મદદથી એક જ દિવસમાં એ પ્રશ્ન હલ થયો અને એમને સારી નોકરી મળી ગઈ હતી. એમને પણ ઑસ્ટ્રેલિયાનાં લોકોની સરળતા, નિખાલસતા અને ઉદારતા સ્પર્શી ગઈ.

અશોક મહેતાના કહેવાથી નૈરોબી યુનિવર્સિટીના એમના સહકર્મી આશક નથવાણીએ આફ્રિકામાં જ ઑસ્ટ્રેલિયન હાઈ કમિશનના કર્મચારીને હાથોહાથ અરજી આપતાં એમનો તત્કાલ ઇન્ટરવ્યૂ થઈ ગયો, અને પોતે પ્રાધ્યાપક-લેક્ચરર હોવાને પરિણામે એ જ ક્ષણે ઓસ્ટ્રેલિયા માટે મંજૂરી પણ મળી ગઈ ! ઓસ્ટ્રેલિયાનું પર્થ શહેર ભારતથી સૌથી નજીક હોતાં આશકભાઈની ઈચ્છા ત્યાં જવાની હતી, જો કે ઑફિસરે આશકભાઈની લાયકાત અને ઑસ્ટ્રેલિયામાં એની જરૂરિયાત જોઈને સિડનીને ‘ઘર’ બનાવવા કહ્યું ને ત્યારથી નથવાણી પરિવારનું એ જ સાચું ઘર બની રહ્યું. એ અહીં પહોંચ્યા ત્યારની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે કે યુગાન્ડામાં બાકી રહેલા શરણાર્થીઓનાં હિત માટે ત્યારે અહીં એક પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં એમને પૂછવામાં આવ્યું કે, ‘શું ઑસ્ટ્રેલિયાએ તમને અહીં લાવીને તમારા પ્રત્યે સદ્ભાવ દેખાડ્યો છે?’ આનો સ્પષ્ટ જવાબ આપતાં તેમણે કહ્યું હતું, ‘ના, અમે અમારી લાયકાત ને યોગ્યતાને કારણે અહીં છીએ. એ માપદંડ સિવાય જો ત્યાંનાં લોકોને આ દેશ સ્વીકારશે તો એ સાચો સદ્ભાવ હશે’. ત્યારથી લઈને આજની તારીખે પણ અહીં આવનારાં લોકોની પસંદગી ઑસ્ટ્રેલિયા એમની લાયકાતને આધારે જ કરે છે, અને વિશ્વના વિકસિત દેશોમાંથી ઓછામાં ઓછા શરણાર્થીઓને સ્વીકારનારો દેશ પણ આ જ છે. શરૂઆતથી જ આવી સ્પષ્ટતા અને નેતૃત્વનાં લક્ષણો ધરાવતા હતા આશકભાઈ.

એક પાયાના સ્થાપક તરીકે તેઓ નોંધે છે કે ઈ.સ. 1972માં અહીં ઈસ્માઈલીઓનું એક ઔપચારિક સંગઠન બન્યું અને આગાખાન સમિતિની રચના થઈ, અને ઈ.સ. 1979ના નવેમ્બર મહિનામાં એમના આધ્યાત્મિક વડા આગાખાન અહીંની મુલાકાતે આવ્યા. અહીં આવ્યાનાં થોડાં વર્ષો પછી એમની પત્ની બનનાર સમીમને તો અહીં આવ્યાના બીજે જ દિવસે નોકરી અને થોડા મહિનામાં PR મળી ગયો હતો. જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા એમણે વર્ષો સુધી હેલ્પ લાઈન પ્રોગ્રામ ચલાવ્યો. પણ આશકભાઈને પહેલી નોકરી સિડની યુનિવર્સિટીની મદદથી મળી. પછી તો એન્જિનિયર તરીકે એમણે અનેક નામાંકિત પ્રોજેક્ટ્સ કર્યા. આગળ જતાં તેઓ એક સારી કંપનીમાં ડિરેક્ટર થયા, અને કંપનીએ એમની નિવૃત્તિ માટેનો કાર્યક્રમ એમને એક ‘મહારાજા’ જેવા દમામથી આપ્યો. અહીંનો સમાજ એમને ખૂબ નિખાલસ, બહુસાંસ્કૃતિક અને આવકારનારો લાગ્યો. ગૌરવની વાત એ છે કે ખિસ્સામાં માત્ર વીસ સેન્ટ્સ સાથે અહીં પહોંચેલા આશકભાઈની ઝોળીમાં હવે આ દેશનું AM સન્માન પણ છે, જે એમનાં સામાજિક કાર્યોની સાથે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એમનાં નોંધપાત્ર પ્રદાનનો બોલતો પુરાવો છે. અહીં આવીને સ્થાયી થયેલા ગુજરાતીઓ વિષે હર્ષદ દેસાઈના સહકારથી 2015માં એમણે પુસ્તક બહાર પાડ્યું-  Early Gujarati Migration to Australia: A Pioneer’s Perspective. એક શૈક્ષણિક દસ્તાવેજ બની શકે એટલું વિગતે અને વ્યવસ્થિત કામ થયું છે આ પુસ્તકમાં. મેં આગળ ઉલ્લેખ કર્યો હતો એમ આ લેખમાં મને ખૂબ કામ લાગ્યું એ પુસ્તક આ જ.

‘ઑર્ડર ઑવ્ આસ્ટૃેલિયા’ સન્માન સ્વીકારતા આશક નથવાણી

(Source : supplied)

હંઅ..તો આપણે આગળ વધીએ સિત્તેરના એ દસકમાં જ્યારે આફ્રિકાથી એક શરણાર્થી તરીકે વિક્ટોરિયા રાજ્યમાં આવ્યા પ્રવીણ ઘેલાણી. આજે પોતાનાં જીવનના સિત્તેરમા દસકને આરે ઊભેલા હોવા છતાં એક સારા ટેનિસ ખેલાડી એવા એ યાદ કરે છે એમની અહીંની શરૂઆત. નવા દેશમાં પહેલાં તો નોકરીની શરૂઆત કરવી પડી પોતે હતા એના કરતાં ખૂબ ઓછી લાયકાતવાળાં કામથી, પણ જો ગુણવત્તા હોય તો વ્યક્તિનો વિકાસ કોઈ અટકાવી શકતું નથી એનું પોતે જ જીવંત ઉદાહરણ બન્યા. ગુજરાતી સમાજ માટે એમનું ખૂબ નોંધપાત્ર કામ એટલે કોઈની અંતિમક્રિયા માટે મદદરૂપ થવું. કોઈ સગાં-વહાલાંનું અચાનક દુનિયા છોડી જવું અને એ પણ માતૃભૂમિથી દૂર બને ત્યારે એ કુટુંબીનાં દુઃખ ને તકલીફની કલ્પના માત્ર પણ આપણને હચમચાવી નાખે, એવાં કામ માટે વર્ષો પહેલાં પ્રવીણભાઈ આગળ આવ્યા અને પૂરાં માન- સન્માન અને વિધિપૂર્વક એ વિદાય લેનાર લોકોના અંતિમ સંસ્કાર થાય એવી વ્યવસ્થા કરાવી આપી. ઑસ્ટ્રેલિયામાં આવું પહેલું કપરું કામ એમણે કર્યું, અને આજ પર્યંત ચાલુ છે. સમાજ માટે બીજા આટલા જ પ્રવૃત્ત એવા દીપક મંકોડી સાથે મળીને બાકીની સાંસ્કૃતિક ઉજવણીઓની સાથે-સાથે નવી પેઢીમાં ગુજરાતી ભાષા ટકાવવા માટે એમણે વર્ગો ચાલુ કર્યા અને પુસ્તકાલય પણ શરૂ કર્યું. અહીં ઉછરતી બીજી પેઢીનાં લગ્ન એ અહીંનાં માતા-પિતાઓ માટેનો એક મોટી ચિંતાનો મુદ્દો હતો. દીપકભાઈએ એમનાં બીજાં અનેક સમાજ ઉપયોગી કામો સાથે આ ચિંતાના હલ તરીકે એક મેરેજ બ્યુરો પણ ચાલુ કર્યો. આશા રાખીએ કે આવી સેવાઓથી અહીંનાં માતાપિતાઓ થોડાં હળવાં થશે.

ભારત અને આફ્રિકા થઈને અહીં આવ્યા પ્રતાપ અમીન. એમને પૉન્ડિચેરીમાં સુંદરમ્ પાસે ગુજરાતી ભાષા શીખવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે, એટલે ગુજરાતી માટેનો એમનો પ્રેમ અને આગ્રહભરી કાળજી સહજ રીતે અહીંની એમની પ્રવૃત્તિઓમાં પડઘાય છે. ફીજીથી 1984ની સાલમાં અહીં આવેલા કાંતિલાલ ઝીણાએ ઑસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં પ્રવીણભાઈની જેમ બહારથી આવેલાં અને માત્ર અંગ્રેજી સિવાયની ભાષા સમજતાં લોકોને એમનાં કુટુંબીઓની અંતિમક્રિયાની વ્યવસ્થામાં ખૂબ મદદ કરી. એ ઉપરાંત એવા સમાજનાં વૃદ્ધોની ખાસ સંભાળ માટેનાં કામોમાં પણ ખૂબ પ્રવૃત્ત રહ્યા. એમની આવી અમૂલ્ય સેવાઓ માટે એમને વર્ષ 2018નો OAM એવૉર્ડ આપવામાં આવ્યો છે. આવા લોકો થકી અમારા જેવા આજના ગુજરાતીઓ અહીં નિશ્ચિંન્ત રીતે જીવી રહ્યા છે.

આપણે હવે જઈએ 1973ની સાલમાં અહીં આવેલાં કાંતિભાઈ અને પ્રતિભાબહેન ગોકાણી પાસે. એમણે હવામાનને લીધે કૅનેડાને બદલ ઑસ્ટ્રેલિયાની પસંદગી કરી હતી. અહીંના એમના અનુભવોમાં એક ખાસ વાતે મારું ધ્યાન ખેંચ્યું તે એ કે, એમનાં એક વડીલ ઑસ્ટ્રેલિયન પાડોશી પિયાનો ખૂબ સારો વગાડતાં, એમણે પ્રતિભાબહેનને દીકરી અમિતાને પિયાનો શીખવા મોકલવા કહ્યું. પ્રતિભાબહેન કહે છે કે એ સમયે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે પૈસા ખર્ચવા બાબતે પસંદગી કરવી પડે, અને એમણે નિખાલસતાથી પાડોશીને આ કારણ સમજાવીને ના પાડી. મારી જેમ તમને ય જાણીને આશ્ચર્ય અને આનંદ બંને થશે કે એ પાડોશીએ પોતાની કળા આગળ વધારવાના નાતે એક પણ પૈસો લીધા વિના અમિતાને પિયાનો શીખવ્યો. બાકી, પૈસાની જરૂર તો એમને ય નહિ હોય શું? પ્રતિભાબહેને આવું જ કૈંક આગળ વધારવા, અહીં ભારતીય વારસો જાળવવા, સિડની પ્રાર્થના મંડળની રચના કરી. એ બધાં ઉપરાંત, આ પરિવારે ઉદ્યોગ સાહસિક તરીકે અહીં અનેક સફળ ખેડાણ કર્યાં.

હવે, વર્ષ 1976માં લંડનથી અહીં આવ્યા અલાદીન રહેમતુલ્લા. વર્ષો સુધી કવીન્સલેન્ડ રાજ્યની સુપ્રીમ કોર્ટમાં મુખ્ય લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવી. એ દરમિયાન ઘણા બધા મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે ગ્રાન્ટ મેળવી આપી તો સાથે કવીન્સલેન્ડનાં બંધારણ જેવાં ઘણાં મહત્ત્વનાં પ્રકાશન પણ કર્યાં. કવીન્સલેન્ડની કોર્ટને, ત્યાંના સમાજને આવી સેવાઓ પૂરી પાડવા માટે અને દેશનો કાયદાકીય વારસો જાળવવામાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે વર્ષ 2011માં એમને OAM સન્માન મળ્યું. આ સન્માનની વાતમાં એક વધુ ગુજરાતી નામ ઉમેરાય છે 1988ની સાલમાં અહીં આવેલા દર્શક મહેતાનું. ભારતથી જ અનેક ક્ષેત્રે આગળ રહેલા અને ક્રિકેટના ખેલાડી રહી ચૂકેલા દર્શક્ભાઈએ અહીં આવીને LB W- Learning for a better world ટ્રસ્ટ ચાલુ કર્યું ને એના ભાગ રૂપે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, અફઘાનિસ્તાન ને જમૈકા જેવા દેશોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી. આવા ઓછા વિકસિત કે વિકસી રહેલા દેશોનાં બાળકોનાં ભવિષ્ય માટે આવી મહત્ત્વની સેવાઓ માટે એમને પણ OAMથી નવાજવામાં આવ્યા. તો એડિનબરોથી 1995ની સાલમાં કૅનબેરા આવેલાં ડૉ. વનિતાને સન્માન મળ્યું સેક્સ્યુઅલ હેલ્થ અને ફોરેન્સિક મેડિસીનનાં ક્ષેત્રમાં એમનાં પ્રદાન માટે. કેનબેરામાં એક રાતે એક સ્ત્રી પર થયેલા બળાત્કારે એમને અંદરથી હલબલાવી મૂક્યાં અને ત્યારથી આ પ્રશ્નને એમણે પોતાનાં જીવનનો ઉદ્દેશ બનાવી દીધો. હવે તો ઑસ્ટ્રેલિયન ડિફેન્સ ફૉર્સ અને ફેડરલ પોલીસ ઓફિસર્સ ઘણા કેસમાં એમની સેવાઓનો લાભ લે છે. એક નવા દેશનાં આટલાં જુદાં જુદાં ક્ષેત્રમાં આવા ગુજરાતીઓનું નામ ચમકે ત્યારે આપણા કોલર આપોઆપ ઊંચા થઈ જ જાય ને!

હંઅ, તો આપણે અટક્યાં હતાં ત્યાંથી આગળ વધીએ. 1977ની સાલમાં આફ્રિકાથી યુનિવર્સિટી લેક્ચરર તરીકે મેલબર્ન આવ્યા ઈશ્વર દેસાઈ. Gujarati Association of Victoriaના તેઓ સ્થાપક પ્રમુખ બન્યા, ને અહીં અને ભારતમાં અપંગ લોકો માટે ખૂબ કામ કર્યું, જેના માટે એમને સન્માન પણ મળ્યું છે. સિત્તેર-એંસીના દસકનો આ સમય એવો હતો જ્યારે અહીં ડૉક્ટર્સ ઉપરાંત લેક્ચરર્સ અને એન્જિનિયર્સ આવવા માંડ્યા હતા ને એમ, 1986માં આફ્રિકાથી સ્કિલ્ડ માઇગ્રન્ટ્સ-એન્જિનિયર તરીકે અહીં આવ્યાં સમીર અને મીના, તો 1988માં ભારતથી અહીં આવી પહોંચ્યાં પ્રદીપ અને કામિની પંડ્યા. અહીંના ગુજરાતી સમાજમાં ને સાથે ઑસ્ટ્રેલિયાના સમાજમાં પણ અનેક સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસપૂર્વક જોડાયેલું છે આ દંપતી. આ બધાં લોકોએ ખાસ એમનો સમય ફાળવીને મારા અનેક પ્રશ્નોના ધીરજપૂર્વક જવાબ આપ્યાં છે, ત્યારે હું અહીંના ગુજરાતીઓ વિષે તમને આટલું કહી શકી છું. આભારી છું આવાં અનેક લોકોની.

આફ્રિકા, અમેરિકા, કૅનેડા કે યુનાઇટેડ કિંગ્ડમ – યુરોપ કરતાં આ દેશ નાનો છે, એટલે ગુજરાતીઓ અહીં ઘણાં વર્ષો મોડાં પહોંચ્યાં છે અને સંખ્યામાં ય ઘણાં ઓછાં છે. 2009ની સાલમાં અહીં ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા અનેક વંશીય હુમલાઓને લીધે ભારતીયો, ગુજરાતીઓ અહીં આવતાં અચકાતા જરૂર હતા, ખાસ કરીને મેલબર્ન અને સિડનીમાં, પણ હવે તો અહીંનાં નાનાં ગામોમાં પણ ગુજરાતી કુટુંબો વસેલાં જોવા મળે છે, એટલું જ નહિ મોટા ભાગના સંપ્રદાયોનાં આસ્થાનાં સ્થાનકો પણ બની ગયાં છે. આજે અહીં ગુજરાતીઓની બીજી પેઢીઓ સમૃદ્ધ થઈ છે અને ત્રીજી પેઢીઓ ઉછરવા લાગી છે. ઓસ્ટ્રેલિયાનાં લગભગ દરેક રાજ્યનાં મુખ્ય શહેરોમાં પહેલાં શરૂ થયેલાં ગુજરાતી સંગઠનની હવે અલગ-અલગ શાખાઓ વિસ્તરી છે. જો કે એનાથી ગુજરાતી ભાષા, સાહિત્ય કે સંસ્કૃતિ સાચા અર્થમાં વિસ્તર્યાં હોવા વિષે ખાતરી નથી, કેમ કે એમની મોટા ભાગની પ્રવૃત્તિઓ નવરાત્રિના ગરબા કે સામાન્ય સ્તરનાં નાટકો જેવી વ્યવસાયિક હેતુ સિદ્ધ કરનારી વિશેષ બની છે. હા, ગુજરાતી ભાષા અહીં સચવાઈ રહે એ માટે એક સ્વયંસેવી સંસ્થા ORA(Om Rameshwar Association Inc.)એ 2016ની સાલમાં સિડનીમાં ગુજરાતી ગ્રામર સ્કૂલ શરૂ કરી છે. એમનો અભ્યાસક્રમ ન્યુ સાઉથ વૅલ્સ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે માન્ય રાખ્યો છે અને કમ્યુનિટી લૅન્ગવેજિસ પ્રોગ્રામ હેઠળ એમને સરકારી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. આ શાળાના શિક્ષકો ગુજરાતી ભાષા થકી વિદેશમાં પોતાની સંસ્કૃતિ વિકસે એ માટે આ કાર્યમાં પોતાનો સમય અને શક્તિ રોપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતી બાળકો સાથે આ શાળામાં મૂળ વિયેતનામનાં લિન ટ્રેન પણ ગુજરાતી શીખવા આવે છે. એક ગુજરાતીને પરણ્યા પછી પોતાનાં સાસરાંનાં સંબંધીઓ સાથે વાત કરી શકે એટલે પોતાનાં ત્રણ બાળકો સાથે આ માતા પણ એક નવી ભાષાને અપનાવી રહી છે!

આવાં અનેક ઉત્સાહી વિદ્યાર્થીઓમાં ગુજરાતીનો પ્રસાર કરી રહેલી આ શાળાની શાખાઓ આજે ઓસ્ટ્રેલિયાનાં એકથી વધારે શહેરોમાં ફેલાઈ છે અને દૂરના વિસ્તારનાં બાળકો માટે ઑનલાઇન વર્ગો પણ ગોઠવે છે. હિન્દી, પંજાબી અને તમિળ ભાષાઓ તો આજે ઑસ્ટ્રેલિયાની શાળાઓમાં એક વિષય તરીકે સ્વીકારાઈ ગઈ છે, હવે ગુજરાતી માટે પણ ખાસ રાહ નહિ જોવી પડે એવું લાગે છે, કેમ કે અગત્યના ઘણા સરકારી સંદેશ હવે ગુજરાતીમાં છપાવા લાગ્યા છે. આ જ મુદ્દે આગળ વધીએ તો, અહીંનો પબ્લિક રેડિયો SBS ગુજરાતી અઠવાડિયાંમાં બે દિવસ એક-એક કલાકનું પ્રસારણ કરે છે, જેમાં મોટે ભાગે સમાચારો અને સાંપ્રત ઘટનાઓની સાથે મહત્ત્વની મુલાકાતો વણી લેવાતી હોય છે. ડૉ. શશાંક મહેતાએ શરૂ કરેલ આ કામને નિતલ દેસાઈ એમની ટીમ સાથે સરસ રીતે આગળ વધારી રહ્યાં છે. તો છેલ્લાં તેર વર્ષોથી આરાધના ભટ્ટ ‘સૂર સંવાદ’નાં નામથી દર રવિવારે એક કલાક માટે કમ્યુનિટી ગુજરાતી રેડિયો ચલાવી રહ્યાં છે. એનાં પ્રસારણમાં તેઓ ગુજરાતી સાહિત્ય અને સંગીત ઉમેરી સાંપ્રત બાબતોને પણ રસાળ બનાવી પીરસે છે. તેઓના લેખો અવારનવાર ગુજરાતનાં જાણીતાં સામાયિકમાં છપાતા હોય છે. એ ઉપરાંત ‘સૂર- સંવાદ’ની એમની સક્ષમ અને સ્વયંસેવી ટીમ સાથે તેઓ બે વર્ષે એકાદવાર ગુજરાતી સાહિત્ય સાથે સંગીત, નૃત્ય ને નાટકનો એક સ્ટેજ કાર્યક્રમ પણ આપે છે, જેની સિડનીનાં કળાપ્રેમી લોકો આતુરતાથી રાહ જોતાં હોય છે. એમની ટીમનો જ એક અતૂટ હિસ્સો છે પાર્થ નાણાવટી. વ્યવસાયથી તો તેઓ અહીંનાં પબ્લિક હૅલ્થ ડિપાર્ટમેન્ટમાં ઊંચા હોદ્દા પર કાર્યરત છે, પણ પોતાની માતૃભૂમિ અને માતૃભાષાના પ્રેમને તેઓ પોતાના શબ્દમાં અભિવ્યક્ત કરતા રહે છે. ગુજરાતીઓમાં ખૂબ વખણાતાં સામાયિકમાં તેમની નવલકથાઓ છપાતી રહે છે. એ ઉપરાંત તેઓ કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખે છે. આવાં અનેક વ્યક્તિગત પ્રદાનો અહીં ગુજરાતીને ધબકતી રાખે છે. બાકી, કેટલાંક શોખીનો સાથે મળીને ગુજરાતી શબ્દને, સંગીતને ગીતો ને ગરબા સાથે ઘરમેળે તો અવારનવાર ઉજવતાં હોય જ છે.

વાતવાતમાં આપણે ય જુઓને, કેટકેટલી સંસ્કૃતિઓને ઉજવી! અંગ્રેજો અહીં આવી વસ્યા એનાં મૂળિયાં ખોળતાં આપણે મળ્યાં ઑસ્ટ્રેલિયાના આદિમવાસીઓને, અને ધીમે- મે એમાં ભળતાં ભાળ્યાં વિશ્વનાં અનેકવિધ લોકોને. મૂળે બહુરંગી રહેલી ભૂમિને એકરંગી થતી જોઈ, ને જોયા એમાં વિધવિધ રંગો ફરી પૂરાતા. ને હવે આ રંગપૂરણીમાં મેઘાણીનો કસૂંબલ ગુજરાતી રંગ ઘોળાયો. અહીં આવેલા ગુજરાતીઓની સાથે આપણે લગભગ અડધી સદીની યાત્રા ખેડી. અને યાત્રા કોઈ પણ હોય, એની શરૂઆત તો સંઘર્ષમય હોવાની જ. એમના એ શરૂઆતી દૌરમાંથી પસાર થતાં મને ‘શૂન્ય’ પાલનપુરીની આ પંક્તિઓ સાંભરી આવી હતી;

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!

આજે તો વૈશ્વિક ભૂગોળની સરહદો ઘણી ભૂંસાઈ રહી છે, હવાઈ ઉડાનોએ દેશો વચ્ચેનું અંતર પણ ઓગાળ્યું છે, એટલે કોઈ નવા દેશને પોતાનો બનાવવો ખાસ મુશ્કેલ નથી. પણ હજી થોડા સમય પહેલાં જ અહીં પહોંચેલાં અમે જે સરળતાથી અહીં ભળી શક્યાં એનું મોટા ભાગનું શ્રેય દાયકાઓ પહેલાં સંઘર્ષથી આ દેશને પોતાનો બનાવનાર આ બધાંને જાય છે. આજે અમને અહીં ગામેગામ અને ગલીએ ગલી ગુજરાત ગુંજતું અનુભવાય છે એ એમણે છેડેલા ગુર્જરી તારને લીધે. પ્રામાણિકપણે કબૂલવું પડે કે અત્યારે અમને અહીં best of both the worldsનો પૂર્ણ અહેસાસ થાય છે. 

બાકી, ઇતિહાસ કોઈ પણ દેશનો ઊલેચીએ તો કદાચ લોહિયાળ જ નીકળે. પરિવર્તન પીડા વિના શક્ય નહિ બનતું હોય, એ સમજ સાથે આ દેશના જન્મની આપણે કરેલી વાતો વિષે ફરી વિચારતાં એમાંના અન્યાયો થોડા સહ્ય બનશે. આદિમવાસીઓની આ ભૂમિના ભૂતકાળને આદરપૂર્વક પાયામાં રાખી ધબકી રહ્યો છે આજે અહીંનો વર્તમાન. અંગ્રેજોનાં પ્રકૃતિદત્ત શાણપણને પરિણામે ભવિષ્ય પણ સુરક્ષિત દેખાય છે આ દેશનું. અને એટલે જ મૂળે કેદીઓને ઠેકાણે પાડવા માટે બનેલા આ દેશે આજે લગભગ આખાં વિશ્વને પોતાની કાળજીભરી વ્યવસ્થાનું બંદી બનાવ્યું છે. પણ એની પાછળ રહેલા સદીઓના સંઘર્ષને કાગળ પર ઉતારવો મારા માટે સરળ નહોતો, એટલે એને ઉઘાડવામાં રહી ગયેલી મારી તમામ ક્ષતિઓને તમે ક્ષમ્ય ગણશો એવી શ્રદ્ધા છે. ખૂબ આનંદ આવ્યો તમારા સૌ સાથે આ સફર ખેડ્યાનો. ફરી મળશું કોઈ નવા પડાવે.

~~~~~~~~~~

References

*Books:

The Australian People: General Editor- James Jupp
Aboriginal Australians by Diana Marshall
A short history of Australia by Manning Clark
Indigenous Australia for Dummies by Larissa Behrendt
A Failure to Understand: Early Colonialism and the Indeginous Peoples by Margaret McPhee
Story of Migration to Australia from Asia by Nicolas Brasch
Stories of Australian Migration: Edited by John Hardy
The Changing Face of Australia: A century of Immigration (1901-2000) by Kate Walsh
From White Australia to Woomera: The Story of Australian Immigration by James Jupp
Early Gujarati Migration to Australia- A pioneer’s perspective: Compiled by Samim and Ashak Nathwani with Harshad Desai

*Documentaries:

Sbs Documentary: First Australians
Sbs Documentary: Immigration Nation- The secret history of us
Sbs Documentary: Dirty Business- How mining made Australia
Interviews and articles from Sbs radios- Gujarati and Hindi

*Websites:

www.adb.anu.edu.au
www.nationalgeographic.com.au
www.aiatsis.gov.au

*Special thanks to Dipak Mankodi, Pravin Ghelani, Dr. Kirit Parikh, Dr. Ishwar Desai (Melbourne), Harshad Desai, Ashak Nathwani, Vini Mehta, Pradip Pandya, Sameerbhai (Sydney) and Amit Mehta (Perth).

~~~~~~~~~~

જેલમ હાર્દિક સિડની(ઓસ્ટ્રેલિયા)સ્થિત મીડિયા બ્રૉડકાસ્ટર છે.

e.mail : jelamhardik@gmail.com

પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”; પુસ્તક 85, અંક 3; જુલાઈ – સપ્ટેમ્બર 2020; પૃ. 25-41

Loading

રાજનીતિનું અપરાધીકરણ, અપરાધની રાજનીતિ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 November 2020

ત્રણ ચરણમાં યોજાનાર બિહાર વિધાનસભાની ચૂંટણીના બે ચરણ પૂરા થયા છે. પ્રથમ ચરણમાં જે ૭૧ બેઠકો માટે મતદાન થયું, તેમાં ૬૧ બેઠકો પર રેડ એલર્ટ હતું. જ્યાં ત્રણથી વધુ ઉમેદવારો અપરાધિક પૃષ્ઠભૂના હોય તે બેઠકોને ચૂંટણીપંચ રેડ એલર્ટવાળી ઘોષિત કરતું હોય છે. ભૂતકાળમાં ૫૦ ટકા બેઠકો પર રેડ એલર્ટ જાહેર કરાતું હતું. આ વખતે પ્રથમ તબક્કાના મતદાનમાં જ આવી બેઠકોની સંખ્યા ૮૫ ટકા હતી ! આ હકીકત રાજકારણમાં અને ચૂંટણીમાં કઈ હદે ગુનાહિત તત્ત્વોનું જોર વધી ગયું છે તે દર્શાવે છે.

‘એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ના અહેવાલ મુજબ ૨૦૦૫થી ૨૦૨૦ સુધીના પંદર વરસોમાં, ઇન્ડિયન પિનલ કોડની વિવિધ ધારાઓ હેઠળ જેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવા, બિહારમાંથી ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધતી જાય છે. છેલ્લા પંદર વરસોમાં જનતા દળ(યુ)ના ૨૯૬ સાંસદો – ધારાસભ્યોમાંથી ૧૪૯ (૫૦ %), આર.જે.ડી.ના ૧૫૮માંથી ૮૯ (૫૬ %), ભા.જ.પ.ના ૨૬૪માંથી ૧૫૪ (૬૩ %) અને લોકજનશક્તિ પાર્ટીના ૨૭માંથી ૧૯ (૭૧ %) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા જનપ્રતિનિધિઓમાં બિહારનો કોઈ ઈજારો નથી. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં વિજયી થઈ માનનીય ધારાસભ્ય બનેલામાંથી ૧૪૩ અર્થાત્‌ ૩૬ ટકા પર પોલીસ કેસ થયેલા છે. તેમાંથી ૨૬ ટકા પર બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, અને અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.

સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી માહિતીમાં જણાવાયું છે કે હાલમાં દેશની વિવિધ અદાલતો સમક્ષ વર્તમાન અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો સામેના કુલ ૪,૪૪૨ અપરાધિક કેસો પડતર છે. તેમાં ૪૧૩ ગંભીર પ્રકારના અપરાધોના કેસો છે. રાજ્યોની વિધાનસભાઓમાં અને સંસદમાં ૧૭૨ ગંભીર અપરાધિક કેસો ધરાવતા સભ્યો વિરાજમાન પડતર અપરાધિક કેસો સાથે લોકસભામાં વિરાજતા માનનીય સાંસદો ૨૦૦૪માં ૨૪ ટકા, ૨૦૦૯માં ૩૦ ટકા, ૨૦૧૪માં ૩૪ ટકા અને ૨૦૧૯માં ૪૩ ટકા હતા. ઉમેદવારોએ જાતે જાહેર કરેલ અપરાધિક કેસોના વિવરણ પરથી નેશનલ ઈલેકશન વોચનું તારણ છે કે ગંભીર અપરાધના કેસો સાથે લોકસભામાં વિરાજતા સાંસદો ૨૦૦૯માં ૭૬ હતા. એક દાયકા પછી, ૨૦૧૯માં, તેમાં ૧૦૯ ટકાનો વધારો થયો છે અને હાલની લોકસભામાં ગંભીર ગુના નોંધાયા હોય તેવા સાંસદો ૧૫૯ છે.

ચૂંટણી પંચે અને સુપ્રીમ કોર્ટે વખતોવખત રાજનીતિમાં અપરાધિક તત્ત્વોના પ્રવેશને રોકવા પ્રયાસો કર્યા છે. પરંતુ તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને તેઓએ શા માટે ગુનાહિત કેસો જેમની સામે પડતર છે તેવા ઉમેદવારો પસંદ કર્યા છે તેના કારણો જણાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષોએ અપરાધિક છવિ ધરાવતા કે અદાલતોમાં કેસો પડતર હોય તેવા લોકોને ઉમેદવારો બનાવ્યા છે. એ રીતે રાજકીય પક્ષોએ દેશની સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોળી પીધો છે.રાજકીય પક્ષો માટે ઉમેદવારીનો એક માત્ર માપદંડ ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારનો છે. આ માપદંડ પાર પડતો હોય તો તેની અપરાધિક પૃષ્ઠભૂ તેમના માટે જરા ય મહત્ત્વની નથી.

દિનેશ ગોસ્વામી સમિતિ (૧૯૯૦), એન.એન. વોહરા સમિતિ (૧૯૯૩) ઇન્દ્રજિત ગુપ્તા સમિતિ (૧૯૯૮) અને જસ્ટિસ વેંકટ ચૈલેયાના અધ્યક્ષસ્થાને રચાયેલા બંધારણ સમીક્ષા પંચ (૨૦૦૨),એ  ચૂંટણી સુધારા અને રાજકારણમાં અપરાધિક તત્ત્વોના પ્રવેશને અટકાવવા મહત્ત્વની  ભલામણો કરી છે. હવે ઉમેદવારે પોતાની સામેના પડતર ગુનાની લેખિત માહિતી ઉમેદવારી પત્ર સાથે આપવાની હોય છે. તે રાષ્ટ્રીય અને પ્રાદેશિક વર્તમાનપત્રોમાં જાહેર કરવાની જોગવાઈ પણ અર્થહીન બની ગઈ છે. કેમ કે મતદારો આ હકીકતથી વાકેફ હોવા છતાં તેને મત આપે છે. લોક પ્રતિનિધિત્વ કાનૂનમાં કોર્ટમાં સજા પામેલાને છ વરસ માટે ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવવાની જોઇવાઈ છે પણ જેમની સામે કોર્ટમાં કેસો પડતર છે અને કોઈ સજા થઈ નથી તેને ચૂંટણી લડતા અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી.

રાજકારણીઓ, વહીવટી અને પોલીસ તંત્ર તથા અપરાધીઓ વચ્ચેની સાંઠગાંઠ લોકતંત્રને નબળું પાડે છે. પરંતુ અપરાધીઓ, બાહુબલિઓ અને ધનપતિઓનાં સમર્થન અને સક્રિય સહયોગ વિના ચૂંટણીઓ લડી કે જીતી શકાતી નથી. પહેલાં જે અપરાધિક તત્ત્વો ચૂંટણી જીતાડતા હતા તેઓ પોતે જ હવે ઉમેદવારો બની ધારાગૃહોમાં બેસતા થઈ ગયા છે. ચૂંટણીમાં વિજેતા થઈને તેઓ જાણે તેમના બધા ગુના માફ થઈ ગયા હોય તેવો રૂઆબ ધરાવે છે. રાજકીય અપરાધિક તત્ત્વો પર સરકારોનો પણ વરદહસ્ત હોય છે. એટલે તેઓ પોતાની સામેના કેસોને નબળા પાડવામાં, પોલીસ તપાસને પોતાના પક્ષે કરવામાં, સાક્ષીઓને સત્તાના જોરે ફોડવામાં અને પુરાવાઓનો નાશ કરવામાં સફળ રહે છે. તેઓ ન્યાયિક પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી શકે છે. અદાલતોમાં ન્યાય મેળવવામાં સરેરાશ પંદર વરસનો સમય લાગે છે એ દરમિયાન તો આવા તત્ત્વો એક બે ટર્મ આસાનીથી ધારાસભ્ય કે સાંસદ બની રહે છે. ન્યાય મેળવવામાં થતો વિલંબ, કોર્ટોમાં કેસોનો ભરાવો અને ન્યાયના લાંબા પણ હવે વૃદ્ધ અને જર્જર બની ગયેલા હાથ આવા તત્ત્વોને મોકળું મેદાન આપે છે.

માત્ર નેતાઓ જ નહીં અપરાધિક છવિ ધરાવતા તેમના સમર્થકો અને રાજકીય પક્ષોના કાર્યકરો પણ રાજનીતિને કલંકિત કરે છે. પોતાના કાર્યકરની નેતાજીને ગરજ હોય છે એટલે તે તેના ગુનાઓ તરફ આંખમિચામણા કરે છે કાં તે છાવરે છે કે ખુલ્લેઆમ સમર્થન કરે છે. એક સામાન્ય ચપરાશીની સરકારી નોકરી માટે કોઈ પોલીસ ફરિયાદ ન હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે,પરંતુ કાયદા ઘડનારા ગૃહોમાં અનેક પોલીસ કેસો પડતર હોવા છતાં વગર એન.ઓ.સી.એ, બેરોકટોક, પ્રવેશ મળે છે. જેમની સામે પોલીસ તપાસ પૂર્ણ થઈ હોય અને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયું હોય તેવા ઉમેદવારો કોર્ટનું એન.ઓ.સી. મેળવીને જ ઉમેદવારી કરી શકે એટલી જોગવાઈ તો હાલના સંજોગોમાં અપેક્ષિત છે જ. રાજકારણીઓ સામેના પડતર કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી તેમને પાક-સાફ જાહેર કરી દેવાના પ્રયાસો થાય છે પરંતુ રાજકારણીઓની મથરાવટી જ એવી મેલી હોય છે કે એક કેસ પૂરો થાય ત્યાં નવા બે ઉમેરાય છે. વળી તેઓ માનનીય સાંસદ કે ધારાસભ્ય હોવાના એક માત્ર વિશેષાધિકારને કારણે જ્યારે દેશના આમ નાગરિકને ન્યાય મેળવવામાં જો પંદર વરસ લાગે તો તેને ઝડપી ન્યાય કેમ ? એવો પણ સવાલ વાજબી છે.

રાજકારણીઓ સામેના કેટલાક પોલીસ કેસો તેમના લોકોના પ્રશ્નો માટેના જાહેર વિરોધ કાર્યક્રમોના કારણે હોય છે તેમાંના ઘણા કેસો રાજનીતિપ્રેરિત પણ હોઈ શકે છે. પણ તેને અલગ તારવવા મુશ્કેલ છે. જો કે તેનું પ્રમાણ બહુ મોટું હોતું નથી. અને આવા કેસો અદાલતોમાં ટકતા પણ નથી. એટલું ખરું કે આવા કેસોના કારણે પણ અમુક રાજકારણીઓ ગુનાના આરોપીઓની પંગતના ગણાતા રહે છે.

રાજકીય પક્ષો વચ્ચે અપરાધિક છબિ ધરાવતા નેતાઓ કોના પક્ષમાં વધુ છે તેની પણ જાણે કે સ્પર્ધા ચાલતી હોય.છે.  બિહારમાં તો વળી ૨૦૦૫ પછીના પંદર વરસોમાં ૨૧ માંથી ૧૫ એટલે કે ૭૧ ટકા અપરાધિક કેસો ધરાવતા અપક્ષો ચૂંટાયા છે. ૨૦૦૫ પછી જે ૯૦ મહિલાઓ ધારાસભ્ય-સાંસદ બન્યાં છે તેમાંથી ૩૦ (૩૩ ટકા) મહિલાઓ પણ ગુનાહિત પડતર કેસો ધરાવે છે. એટલે  રાજનીતિનું અપરાધીકરણ પક્ષ-અપક્ષ-સ્ત્રી-પુરુષના ભેદ પણ ધરાવતું નથી રાજનીતિના અપરાધીકરણની ઉધઈ સમગ્ર લોકતંત્રને ભરખી જાય તે પહેલાં જાગવાની જરૂર છે.

(તા.૦૪-૧૧-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,0942,0952,0962,097...2,1002,1102,120...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved