દિવાળી પછી કોલેજો શરૂ કરવાનો આદેશ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુ.જી.સી.) આપ્યો છે. 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કોલેજો શરૂ કરવાની વાત છે. આમ તો આ ફતવો છે. 50 ટકા વિદ્યાર્થીઓ એટલે કયા ને કેવા વિદ્યાર્થીઓ એ અંગે સ્પષ્ટતા નથી, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય સાવચેતીનાં પગલાંની વાત એમાં છે તે નક્કી છે. એ હિસાબે એક બેંચ પર એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીઓ વચ્ચે છ ફૂટનું અંતર એટલું અભિપ્રેત છે. 6 ફૂટનું અંતર જાળવવા તો પાછલી બેંચને પણ ખાલી છોડવી પડે. આ ઉપરાંત સ્કેનિંગ, ટેસ્ટ, સેનિટાઇઝેશન, માસ્ક વગેરેની તકેદારી પણ રાખવાની રહે. આ પાછું એક દિવસનું કામ નથી, રોજની સાવચેતી રાખવાની રહે જ છે. ક્લાસમાં તો નહીં જ, કોલેજ પરિસરમાં પણ વિદ્યાર્થીઓ ટોળે ન વળે એ પણ જોવાનું રહે. આદર્શ તરીકે આ સારું જણાય, પણ તે વ્યવહારુ કેટલું તે વિચારવાનું રહે. જાહેરમાં પણ કેટલું પળાય છે તે સૌ જાણે છે. રોગનું જોર નરમ પડે એવું હોય ત્યારે એક પણ પગલું એવું ન ભરાવું જોઈએ જે જોખમ વધારે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ વાત કરીએ તો તેની સાથે 300 કોલેજો અને 2.75 લાખ વિદ્યાર્થીઓ સંકળાયેલાં છે. એમાં મોટી સંખ્યામાં આવતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 200 કોલેજોમાં બે લાખની છે. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ જેવી ઘણી કોલેજોમાં તો વર્ગમાં વિદ્યાર્થીઓ 200ની સંખ્યામાં બેસતા હોય છે. ત્યાં 50 ટકા વિદ્યાર્થીઓની 6 ફૂટનું અંતર રાખીને બેસવાની ગોઠવણ અઘરી છે. વર્ગો મોટા થઈ શકે નહીં અને વિદ્યાર્થીઓ ઘટે નહીં, ત્યાં 50 ટકાવાળી ફોર્મ્યુલા વ્યવહારુ લાગતી નથી. આવો કોઈ પણ ફતવો બહાર પાડતી વખતે તે કેવી રીતે લાગુ થશે એ અંગે શિક્ષણ વિભાગ કે યુ.જી.સી. વિચારે એ વધુ પડતું છે. મોટે ભાગે આવા નિર્ણયોના અમલની જવાબદારી કોલેજો કે યુનિવર્સિટીઓ પર નાખી દેવાતી હોય છે.
આવામાં કોલેજના આચાર્યો કે યુનિવર્સિટીના અધ્યાપકો કે ડિપાર્ટમેંટ હેડ્સ કે મંડળોના હોદ્દેદારો પોતપોતાના તર્કો લડાવીને વિકલ્પો સૂચવે છે. આમાં પણ એમ જ થયું છે. કેટલાકનું કહેવું છે કે આ વર્ષે પ્રત્યક્ષ શિક્ષણ ભૂલી જાવ અને ઓનલાઈન શિક્ષણથી જ સંતોષ માનો. જો કે ઓનલાઈન શિક્ષણ પહેલેથી જ ચર્ચામાં રહ્યું છે ને ગામડાંની કોલેજોમાં સાધનોની અછત અને વિદ્યાર્થીઓની ટાંચા સાધનોની સ્થિતિને કારણે તે ખાસ સફળ થયું નથી. મોટાં શહેરોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે, પણ એમાં અધ્યાપકો ને વિદ્યાર્થીઓ ખરેખર સંતુષ્ટ છે જ એવી વાત બહાર આવી નથી. ઇચ્છીએ કે એ સફળ થયું હોય.
જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે ત્યાં સવારની અને બપોરની પાળીમાં કોલેજ શરૂ કરવાની વાત પણ છે. એ સારું સૂચન છે, પણ પ્રશ્નો તો એમાં પણ છે જ ! બે પાળીમાં જે અધ્યાપકો ભણાવશે તે એક જ હશે કે જુદા જુદા? જુદા હોય તો એ સ્ટાફની જોગવાઈ કેવી રીતે થશે? જો અધ્યાપક બદલાવાના ન હોય તો વર્ક લોડ વધશે અને એની અનુકૂળતા કેટલી હશે તે નક્કી કરવાનું રહે. એક અધ્યાપક એક જ રીતે ભણાવે એ શકય કેટલું? કારણ એ માણસ છે, મશીન નથી. બંને પાળીમાં એક જ અધ્યાપક ભણાવે એ વ્યવહારુ કેટલું? જો આ સ્થિતિ હોય તો જુદા જુદા અધ્યાપકો એક સરખું જ ભણાવે એ તો સવાલ જ ઊઠતો નથી. આવામાં બધા વિદ્યાર્થીઓને સરખું શિક્ષણ મળવા અંગેના પ્રશ્નો રહે જ . આ બધું જોતાં પ્રત્યક્ષ શિક્ષણ સરળ જણાતું નથી.
રહી વાત પરીક્ષાઓની, તો એ વખતે તો બધા વિદ્યાર્થીઓ સાથે હોવાના. એમાં 50 ટકા એક બેચ પરીક્ષા આપે ને બીજો 50 ટકાનો બેચ એ જ પ્રશ્નપત્રના જવાબો આપે તો ગોપનીયતાના પ્રશ્નો રહે. એમાં જો એક બેચ એક પ્રશ્નપત્રના જવાબો લખે ને બીજો બીજાના, તો તે પણ ન્યાય સંગત ન રહે. એટલે કે ૫૦ ટકાની વાત પરીક્ષા વખતે કામ લાગે એમ નથી. માની લઈએ કે કદાચ પરીક્ષા ખંડમાં વ્યવસ્થા થઈ રહે, પણ કોલેજના પરિસરમાં ભીડ થવાની શક્યતા નકારી શકાય નહીં.
આમ તો ગુજરાતનું શિક્ષણ કથળેલું હતું જ, તેમાં કોરોનાએ દાટ વાળ્યો છે એટલે એ નજીકનાં ભવિષ્યમાં પાટે ચડે એવું લાગતું નથી. બીજી તરફ યુ.જી.સી. અને શિક્ષણ વિભાગમાં કોઈને શિક્ષણની દાઝ કે ચિંતા હોય એવું ઓછું જ છે. વધારામાં કોઈ પણ સંતોષજનક ઉકેલ મળે એવી સ્થિતિ કોરોનાએ રહેવા દીધી નથી. શિક્ષણ પોતે જીવદયા પર નભે છે ને પરીક્ષાનાં પરિણામો પણ જીવદયા પર જ નિર્ભર રહે એવી પૂરી શક્યતાઓ છે. આમાં શિક્ષણનું શું અને કેવું ધોરણ રહે તે સમજી શકાય એવું છે.
આ સંજોગોમાં બહુ મહત્ત્વનો હોય એવો અભ્યાસક્રમ નક્કી કરવાનો હતો, 30 ટકા કાપ મૂકવાની રીતે, પણ જે કાપ મૂકાયો તે અણઘડ રીતે મૂકાયો. એ મૂકનારા નિષ્ણાતો હોવા વિષે શંકા છે. થવું તો એવું જોઈતું હતું કે જે તે વિષયના તટસ્થ અને નિષ્ણાત શિક્ષણશાસ્ત્રીઓને એ કામ સોંપાવું જોઈતું હતું, પણ એમ ન થયું અને શિક્ષણ વિભાગની બેદરકારી જ સામે આવી. આ સ્થિતિ બદલાવી જોઈએ. ફરી એક વાર એકદમ કોમ્પેક્ટ અને સર્વગ્રાહી અભ્યાસક્ર્મ બીજી ટર્મને ધ્યાનમાં રાખીને નક્કી થવો જોઈએ.
ખરેખર તો જ્યાં ઓનલાઈન શિક્ષણ સફળ છે ને જેમને તે માફક આવે છે તેમને તે વિકલ્પનો લાભ આપવો જોઈએ ને જેમની પાસે સાધનોનો અભાવ છે તેમને પણ સાધનો પૂરાં પાડી ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવું જોઈએ એ પછી બાકીનાઓને કોલેજમાં પ્રત્યક્ષ શિક્ષણનો લાભ આપી શકાય. આમ થશે તો વર્ગખંડો પરનું ભારણ ઘટશે. અહીં પણ અધ્યાપકોનો પ્રશ્ન તો નડશે જ. એના વિકલ્પમાં નિવૃત્ત આધાયપકોને યોગ્ય વળતર આપીને તેમના જ્ઞાનનો લાભ લઈ શકાય. જો ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ સ્વીકાર્ય ન હોય તો બે પાળીમાં વર્ગો ચલાવી શકાય ને ત્યાં પણ વધારાના અધ્યાપકોની જરૂર પડે તો નિવૃત્ત અધ્યાપકોના જ્ઞાનનો લાભ લઈ શકાય.
આ બધાં પછી પણ પરીક્ષાનો પ્રશ્ન તો રહે જ છે. એનો ઉકેલ પણ શોધી શકાય. એક રસ્તો છે, પરીક્ષાનાં કેન્દ્રો વધારવાનો. સાધારણ રીતે પરીક્ષા વખતે અભ્યાસક્રમો પૂરા થઈ જતા હોય છે. ન થાય તો તે પૂરા થઈ જાય એવું આયોજન કરવાનું રહે. આટલું થાય તો ઘણા વર્ગખંડો ખાલી પડશે અને ત્યાં પરીક્ષાનું આયોજન સરળતાથી થઈ શકશે. મુશ્કેલીઓ પડશે, પણ આ પરિસ્થિતિમાં જે ઉપકારક નીવડે તે, થોડું વેઠીને પણ પાર પાડવાનું રહે. બને કે એ દરમિયાન વાયરસનું જોર પણ નરમ પડે ને થોડી મોકળાશ વધે તો આયોજનો આટલાં મુશ્કેલ ન પણ રહે. ટૂંકમાં, કોશિશ તો કરવાની રહે જ.
એમ લાગે છે કે હવે કોલેજો બંધ રહે એ ઇચ્છનીય નથી. આખું વર્ષ લખી ન વાળવું હોય તો દિવાળી વેકેશન પછી કોલેજો શરૂ કરવી જ જોઈએ. વિદ્યાર્થીઓની કેરિયર બચાવવાનો આ કદાચ છેલ્લો અવસર છે. થોડી કાળજી લેવાથી જો શિક્ષણ શક્ય બનતું હોય તો એક પ્રમાણિક પ્રયત્ન કરી જોવામાં કશું ખોટું નથી. સંસ્થાઓ ફી વગર અને અધ્યાપકો પગાર વગર મુશ્કેલીઓનો સામનો કરી જ રહ્યાં છે. એવામાં કોલેજો શરૂ થશે તો ઘણાંને ઘણી રાહત થશે. સમય ખરાબ ચાલે છે તેની કોઈ ના પાડી શકે એમ નથી. એમાં શિક્ષણ લાંબો સમય બંધ રહે તો સારું થવાની શક્યતાઓ એકદમ ઘટી જાય છે. આમાં જોખમો છે, તેની ના નહીં, પણ શિક્ષણ બંધ રહેવાનાં જોખમો કરતાં એ ઓછાં જ છે તે સમજી લેવાની જરૂર છે. અસ્તુ !
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર” દૈનિક, 09 નવેમ્બર 2020
![]()


As I am writing this TV news has just declared a definitive Biden victory. So, as Trump departs with his incoherent and incompetent leadership, I am hopeful! My faith in good sense of American people and in American democracy is reaffirmed.