સૌપ્રથમ તો પ્રામાણિકપણે એક કબૂલાત કરવી પડે. હું ‘નિરીક્ષક’ની જૂની વાચક નથી. અલબત્ત, આ બાબત ગુજરાતી જાણતી એક સમાજશાસ્ત્રની વિદ્યાર્થિની માટે અજ્ઞાનથી વધુ કશું જ ન કહેવાય. કોરોનાકાળમાં ડિજિટલ સ્વરૂપે અવતર્યા પછી જ ‘નિરીક્ષક’ સાથે ઘરોબો બંધાયો છે અને આ પરિચય એક ધરપત લઈને આવ્યો છે કે ગુજરાતી ભાષામાં પણ સમાજનો અરીસો દેખાડે એવું કશુંક નિર્ભીક રીતે છપાય છે. વર્ષોથી સાતત્યપૂર્ણ રીતે છપાયું છે. સૂચિમાં આવરી લીધેલા લેખકોનાં નામ તેમના ‘નામ’ને લીધે નહીં, પણ કામ અને અભ્યાસપૂર્ણ અભિપ્રાયને કારણે છે, એ ‘નિરીક્ષક’નો પાયાનો નિયમ રહ્યો છે. આખા ય લૉકડાઉનકાળમાં ગુજરાતી અને ઇતર ભાષામાંથી અનુવાદિત થયેલ લેખ-કાવ્યો ન્યૂઝ કે વ્યૂઝ નથી પણ reflected realityના reviews છે એ પ્રતિદિન સાબિત થતું ગયું. જે સર્વવિદિત નથી, સર્વસ્વીકૃત નથી પણ તળની હકીકત છે એવી વિચારપ્રેરક વાંચનસામગ્રીનું સરનામું એટલે ‘નિરીક્ષક.’
અને જેમ ‘નિરીક્ષક’ ફક્ત ધૂળધોયાનું નહીં પણ મગજ પર બાઝેલી દંભની ધૂળ ખંખેરવાનું કામ કરે છે, એવું જ કામ કર્યું છે ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. ગૌરાંગ જાનીએ. એમણે સમાજે જેને અયોગ્ય, અનૈતિક કે અસ્વીકૃત વ્યવસાય અથવા તો બદી ગણ્યો એવા વેશ્યાવ્યવસાયના આંતરિક વિશ્વને ઉજાગર કર્યું છે. આજથી લગભગ બે-અઢી દાયકા પહેલાં જ્યોતિસંઘ સાથેના પ્રોજેક્ટની શરૂઆત તો AIDS prevention માટે કરી હતી. પણ એ સફરમાં ગૌરાંગભાઈને થયેલા અવિસ્મરણીય, ક્યાંક હૃદયસ્પર્શી, ક્યાંક હૃદયવેધક અનુભવોનું ભાથું એમણે પહેલા ફેસબુક પર વહેંચ્યું. ’નિરીક્ષક’ની પારખુ નજરે એની નોંધ લીધી અને ૧લી સપ્ટેમ્બરથી એક શ્રેણીબદ્ધ ઉપક્રમ સાથે ‘સેક્સવર્કરની સંગાથે’ આપણને જોડી આપ્યા. સમયાંતરે થયેલ અનુભવોમાં ક્યાંક આશા, તો ક્યાંક અરેરાટી, ક્યાંક એક આખા વર્ગને હાંસિયામાં ધકેલી દીધાનો આક્રોશ, તો કયાંક નિષ્ઠાપૂર્વક થયેલ કાર્યનો સંતોષ છલકાતો હતો. અને એ બધા જ અનુભવ જાણે આપણા સમાજનાં અજ્ઞાન, આભડછેટ, દંભ, અપ્રામાણિકતા અને સંકુચિત માનસનાં મહોરાં એક પછી એક ઉતારતા હોય એવું લાગતું.
The sociology of other, from below, of marginalised વિશે ગુજરાતીમાં ચર્ચાઓ ઘણી થાય છે, પણ નક્કર કામ ઓછું. આવું ભગીરથ અને કપરું કાર્ય, એ પ્રત્યેની નિષ્ઠા અને એ અનુભવ પ્રામાણિકપણે વહેંચવાની જહેમતને તો સલામ આપવી ઘટે જ, પણ સત્તા કે સત્તાધારી વિરોધી જ નહીં, સત્ય તરફી અને સમાજલક્ષી લખાણને આ રીતે વધાવવા અને વહેંચવા માટે ‘નિરીક્ષક’ને અભિનંદન. સામાજિક નિસબત ધરાવતા લખાણનો હેતુ ફક્ત માહિતી પીરસવાનો નહીં, પણ ક્રાંતિનાં બીજ રોપવાનો કે દૃષ્ટિકોણ બદલવાનો હોય છે. ‘સેક્સવર્કરની સંગાથે’ વાચકને ફક્ત ‘food for thought’ જ ન પીરસીને અભિગમ બદલવાનો પ્રયાસ બની રહે એ આશા તો ખરી જ. સાથે ગુજરાતીમાં જ્વલ્લે જ મળતું આવું લખાણ પુસ્તક રૂપે પણ પ્રગટ થાય એવી શુભેચ્છાઓ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2020; પૃ. 16
![]()


અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ૪૦ લાખ મતની સરસાઈથી જો બાઈડન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અમેરિકાની પ્રજાએ ચાર વર્ષ પછી ટ્રમ્પ અને તેના રાજકીય સરકસને જાકારો આપ્યો છે એ.બી.સી. ન્યૂઝના મુખ્ય ઍંકરમેનના શબ્દોમાં કહું તો “અમેરિકા અને ખાસ તો અમે મીડિયાના માણસોને હાશકારો અનુભવાયો છે; વાસ્તવમાં તો સમગ્ર વિશ્વે હાશકારો અનુભવ્યો છે. ટ્રમ્પના રોજ નીતનવા આધારવિહીન ષડ્યંત્રોનાં ગતકડાં, વિરોધીઓને જેલમાં પૂરી દેવાની ધમકીઓ, પોતાની જ સરકારનાં ખાતાંઓના વડાઓને છુટ્ટા કરી દેવા, સન્માનીય જીવતા કે મૃત નેતાઓ વિશે હલકા શબ્દો વાપરવા, લશ્કરી નેતાઓનું અપમાન કરવું, મુખ્યધારાની મીડિયાને રોજરોજ “ફેઇક મીડિયા”નું નામ આપી પોતાના ગપ્પા ચલાવવાં. આ બધાંથી કંટાળેલી અને ત્રાસેલી પ્રજાએ ટ્રમ્પને ફાયર કર્યા છે. જો કે આ લખું છું ત્યારે પણ હજુ ટ્રમ્પનું રાજકીય સરકસ ચાલુ છે. વીસમી જાન્યુઆરીએ બાઈડન પ્રમુખ તરીકેના શપથ લેશે, ત્યાં સુધીમાં તો ટ્રમ્પ હજુ કાંઈ ખેલ પાડશે.