Opinion Magazine
Number of visits: 9747122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન (અગેઇન)

સુમન શાહ|Opinion - Opinion|7 April 2021

= = = = આમે ય, સુખ એટલે શું? પૈસાટકા ને પદપ્રતિષ્ઠાથી સુખ મળે પણ સાચકલા સમ્બન્ધનું સુખ તો અનોખું, એના જેવું કશું નહીં ! હર પળ જીવને બસ સારું લાગે, એ સુખ! = = = =

2019-ના May મહિનાની ૯ તારીખે મેં આ પેજ પર ‘લૂઝ કનેક્શન’ લેખ મૂકેલો – નિબન્ધિકા. પછીથી તો ‘લૂઝ કનેક્શન’ નામે માનવ-સમ્બન્ધોની વાત કરતી નિબન્ધિકાઓની લેખશ્રેણી કરેલી.

હવે એ નિબન્ધિકા-શ્રેણીમાં આગળ વધવું છે…

ત્યારે ૧૦૦થી પણ વધુ મિત્રોનું એ પર ધ્યાન ગયેલું. એક મિત્રે મને ફોનમાં કહેલું કે ‘લૂઝનેસ’ જેવી માનવ-સમ્બન્ધોમાં બીજી અનેક સટપટર હોય છે, મને એમ છે કે તમે માનવસમ્બન્ધો વિશે આવું બધું વધારે લખો. મેં એમને કહ્યું કે તમારો ‘સટપટર’ શબ્દ મને ગમ્યો છે, કેમકે સમુચિત છે. હું પ્રયત્ન કરીશ. આભારી છું.

પછી એ ‘સટરપટર’ શબ્દે મારા મગજમાં ચકલીની જેમ કૂદાકૂદ કરવા માંડેલી. મને થયું, સમ્બન્ધોમાં ઝીણી-મોટી કેટલી બધી સટરપટર હોય છે; મારે એ વાતો કરવી જોઇએ. પણ મને થયું, હું કોઇ મનોવિજ્ઞાની કે સમાજવિજ્ઞાની તો છું નહીં. થયું, નથી કરવી એવી વાતો, કે લખવું પણ નથી એવું કશું.

છતાં સટરપટરની સટરપટર ચાલુ રહી. સટરપટર મને કહે, તારી પાસે સાહિત્યસર્જનની સૂઝબૂઝ જે કંઇ છે ને એથી તને માણસની જે અને જેટલી કંઇ ખબર પડી છે એને આધારે મિત્રો આગળ બે વાત કરવામાં તારું શું જાય છે, વાંધો શો છે, વિજ્ઞાનબિજ્ઞાનની ચિન્તા છોડ …

એટલે, વાત આગળ ચાલેલી.

લૂઝ કનેક્શન શ્રેણીમાં મેં અત્યાર સુધીમાં કહ્યું એને દેસીમાં કહેવું હોય તો

આમ કહી શકાય :

બારણું બરાબર નહીં વાસ્યું હોય તો સ્ટોપર મારી શકાશે નહીં. એટલે કે, સમ્બન્ધો અધબોબડા હશે તો કાયમ માટે સ્ટોપ કરવાનું મુશ્કેલ રહેશે. કાં તો બારણાં સજ્જડ બંધ કરી રાખો અથવા બારણાં ખુલ્લાં રાખો ને સ્ટોપરો રાખો જ નહીં, હોય તો કાઢી નાખો.

માનવ-સમ્બન્ધોનાં કનેક્શન્સ લૂઝ ન રહે તે માટે આ શ્રેણીમાં મેં ત્રણ જુદા જુદા ઇલાજ દર્શાવ્યા હતા એમ કહેવાય :

૧ : હમેશાં તમે ‘ટાકો બેલ’-ના ‘ફાયર સૉસ’-ની જેમ સામી વ્યક્તિને તમારામાં રસ પડે એવું કરો.

૨ : સમ્બન્ધમાં હમેશાં ખુલ્લાપણું બલકે કંઇપણ કહેવાની મૉકળાશ અને ‘હા’ કે ‘ના’ કહેવા-સાંભળવાની ઉદારતાભરી ખુલ્લાદિલી રાખો.

૩ : સમ્બન્ધ બાંધવા અને તેને ટકાવી રાખવા માટે તમારી ઈચ્છાશક્તિમતિનો હમેશાં ભરપૂર વિનિયોગ કરો :

જો આટલું કરી શકાય તો અનુભવાશે કે સમ્બન્ધ ખરો છે. અને, એટલે સુખ અનુભવાશે.

આમે ય, સુખ એટલે શું? પૈસાટકા ને પદપ્રતિષ્ઠાથી સુખ મળે પણ સાચકલા સમ્બન્ધનું સુખ તો અનોખું, એના જેવું કશું નહીં ! હર પળ જીવને બસ સારું લાગે, એ સુખ !

Picture Courtesy : iStock

પ્લગ-પિન બરાબર હોય, પાવર લાઇન ઑન હોય, એટલે સ્વિચ પાડીએ કે તરત બધી લાઇટો ફટાફટ થઇ જાય. આસપાસનું વિશ્વ આખું ઝાકઝમાળ – રંગરંગીન દીવા – ઝુમ્મરોની રોશની – દીવાળી દીવાળી – ધૉળે દિવસે દીવાળી.

પ્રતીતિ થાય કે બધાં કનેક્શન બરાબર છે. ક્મ્પ્યૂટર અને ફોન ફાસ્ટ ચાલે. કારનાં ટાયર ટાઇટ હોય, એમાં પૂરતી હવા હોય, કશાં ડચકાં વિના કે કશી ગરબડ વિના ચાલે. એમાં હોય એ મ્યુઝિક સૂરીલાં સંભળાય.

વૅલ-કનેક્ટેડ પ્રેમની પ્રતીતિ પણ આવી અને એટલી જ સુખદ હોય છે …

આ દુનિયાનું મોટામાં મોટું સુખ કયું છે, જાણો છો? આપણને જ્યારે બરાબ્બર લાગે છે કે કનેક્શન એકદમ ફિટ ઍન્ડ ફાઇન છે, સૉલિડ છે, ફન્કશનલ છે. તો થશે, અરે યાર, એ મને કેટલું બધું ચાહે છે; મારા જેવું સુખી કોઇ નથી.

આ, આમ લખી નાખવાની ચીજ નથી, અનુભવવાની વસ્તુ છે. અને અનુભવીઓને એની પ્રતીતિ છે જ.

(April 6, 2021: USA)

Loading

કોથળામાં પાંચશેરી

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 April 2021

કાવ્યકૂકીઝ 

0

ધારો કે તમે ડોક્ટર છો 
પણ તમને ખબર નથી કે 
દર્દીને કેમ કાતરવો 
મતલબ કે દર્દીને ખંખેરતાં તો આવડે 
પણ તેને કેમ વેતરવો અને સીવવો 
તે ન આવડે તો ચાલે?
એ ખરું કે ખોટી ડિગ્રી લઈને
ખરા ડોક્ટર તો થઈ જવાય 
પણ તાલીમ ન હોય તો ચાલે?
એમ જ તમે પાઇલટ થઈ જાવ 
પણ વિમાન ઉડાડતાં ન આવડે તો
ચાલે?
ચાલે તો બધું, 
માત્ર યાત્રીઓ ઉપરથી જ ઉપર જાય 
એમ બને
એમ જ પીને કાર ચલાવવા કોઈ 
આરટીઓને ખટાવીને લાઇસન્સ લે 
ને રોડ પર કોઈ છોકરીને ઉડાવી દે
એટલું જ નહીં, રોકડા નાખીને 
છૂટી પણ જાય તો એ અશક્ય નથી 
એમ જ કોઈ વકીલ ડિગ્રી વગર પણ 
વકીલાત કરે તો એ બને જ નહીં એવું નથી 
ખરેખર તો તાલીમ વગર 
કોઈ લલ્લુ પંજુ ગમે ત્યાં 
ગોઠવાઈ જાય તો ન ચાલે
પણ માસ્તર એવો છે જે ગમે ત્યાં ચાલે
વસતિ ગણતરી કરાવવી છે 
તો માસ્તર હાજર છે !
ચૂંટણીમાં ફરજ બજાવવાની છે? 
માસ્તર તૈયાર છે 
હવે જ્યાં ભણવવાનું જ નથી 
ને ઈતર પ્રવૃત્તિઓ જ કરવાની છે 
ત્યાં તાલીમ હોય કે ન હોય 
શો ફરક પડે છે? 
માસ્તર એટલે દાઢીની દાઢી 
અને સાવરણીની સાવરણી !
વિદ્યાર્થીઓનું શું છે કે એમને તો 
માસ્તર જોઈએ 
એ માસ્ટર હોય કે પ્લાસ્ટર 
એમને કોઈ ફેર પડતો નથી 
એણે તો ભણ્યા વગર પાસ જ થવાનું છે!
ને બાપા પાસે આમ પણ ઘણું છે 
એ ક્યારે કામ આવશે?
હમણાં એવું આવ્યું કે હજારો શિક્ષકો 
તાલીમ વગર જ સ્કૂલમાં ભણાવે છે
ભણાવે હવે – 
વિદ્યાર્થી ભણી થોડા ગયા કે  સંતાપ !
એમ કહેવાય છે કે 
બીજા બધાંમાં તાલીમ જોઈએ
પણ માસ્તરમાં ન હોય તો ચાલે 
ચાલ્યા વગર 
તાલીમ વગરના હજારોની સંખ્યામાં 
સ્કૂલમાં ઘૂસી ગયા?
પૂછવાનું તો એ થાય કે 
તાલીમ વગરના માસ્તરો 
એમ જ ભણાવવા લાગ્યા ક્લાસમાં?
એમને પસંદ કરનારા અભણ હતા?
કે એમને પસંદ કરવાની તાલીમ 
કોઈએ આપી જ ન હતી?
કે ગરમ ગજવે એમને 
પાછલે બારણેથી ક્લાસમાં ઘૂસાડયા? 
ખરેખર તો આ તાલીમ અને લાયકાત 
ને એવું બધું બંધ જ કરી દેવા જેવું છે
ગજવા ગરમ કરે તે જ પાત્ર 
બાકીના ઢોર માત્ર !
ને લાયકાતનું પણ રોજ શું રડવાનું?
લાયકાત વગર પ્રધાન નથી થતા?
લાયકાતવાળો તો કલેક્ટર હોય 
મંત્રી તે વળી લાયકાતવાળો હોય?
શું તમે ય તે ! 
વગર લાયકાતે ને તાલીમે 
આખો દેશ ચાલી શકતો હોય ત્યાં  
માસ્તરની મેથી મારવાનો કોઈ અર્થ ખરો? 

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

Loading

પીળું પત્રકારત્વ હવે લાલ પણ થયું છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 April 2021

એક સમય હતો જ્યારે વિદેશના સમાચારોનું પ્રમાણ ઓછું જ રહેતું અને દૈનિકોમાં પહોંચતાં તેને દિવસો લાગતા. શહેરમાં હત્યાની કોઈ ઘટના બનતી તો રાત્રે રસ્તાઓ સૂમસામ થઈ જતા. હવે એ સ્થિતિ નથી. હત્યા, બળાત્કાર, લૂંટની ઘટનાઓ એટલા પ્રમાણમાં બને છે કે લોહિયાળ સમાચારોનું જ દૈનિક પ્રગટ થઈ શકે. ઘણીવાર તો પ્રશ્ન થાય કે ગુના વધે છે તે છાપાંમાં આવે છે કે છાપાંનું જોઈને ગુના વધે છે? એ સાચું કે ગુનાખોરી વધી છે, પણ વર્તમાનપત્રો તેના પ્રચારની ભૂમિકામાં ન રહે તે ઈચ્છવા જેવું છે. પૂર્તિઓમાં કે અન્યત્ર, અઠવાડિયે જ નહીં, રોજ જ નવલકથાનું પ્રકરણ પ્રગટ થાય છે, એમાં પણ ગુનાખોરી, રહસ્ય કે ચીલાચાલુ પ્રણય પ્રાધાન્ય ભોગવે છે. આમાં વાચકોની રુચિને ઘડવા કરતાં તેને અનુકૂળ થવાનો પ્રયત્ન વધારે છે.

મહિલાપૂર્તિઓમાં પણ સૌંદર્ય પ્રસાધનો અને રેસિપી દ્વારા હેતુ તો પતિને ખુશ કરવાનો જ હોય છે, કદાચ એ દ્વારા જ મહિલા ઉત્કર્ષ કે સ્વમાન જળવાતાં હશે. એક સમય હતો જ્યારે કોઈ અભિનેત્રી કે અભિનેતાના સંબંધો ચગાવાતા, પણ હવે તો તેઓ જ સામેથી સંબંધો જાહેર કરીને લોકનજરમાં ઝીલાઈ રહેવા મથે છે. ઘટનાઓ અને માહિતીઓનો એટલો વિસ્ફોટ થયો છે કે એનાથી ત્રાસીને કોઈ આત્મહત્યા કરે તો નવાઈ નહીં ! ચેનલો, ગૂગલ, ઇન્ટરનેટ કે ઈ –પેપરની વ્યવસ્થાએ એ સ્થિતિ સર્જી છે કે લોકો સરળતાથી સમાચાર મેળવી લે છે. ખબરપત્રીઓ હવે કબરપત્રીઓ પણ છે. પોતે દફન કરતા હોય એવી ચોકસાઈથી એ વિગતો આપે છે ને એમાં હકીકત એ હોય છે કે કોઈનું દફન ના થયું હોય.

પત્રકારત્વની દિશા વફાદારી તરફની ઓછી અને નફાદારી તરફની વધુ છે. કોરોનાની મહામારીમાં છાપાંઓએ વાચકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો ડરાવ્યા પણ છે. લોકો રોગ, શત્રુ, યુદ્ધથી ડરેલા જ રહે એવી કોશિશો પણ થાય છે. દૂધ ન પીઓ તો નુકસાન થશે, એમ કહેતું છાપું, દૂધ પીવાથી થતા ગેરફાયદા બતાવીને વાચકોને ગભરાવે પણ છે.

વર્તમાનપત્રોમાં ઘણું કવર થાય છે ને માહિતી અધિકૃત રીતે અપાતી હોય તો પણ સચ્ચાઈ ઓછી જ હોય છે. પત્રકારત્વ ધંધો છે ને જાહેરાત પ્રાણવાયુ છે. એટલું થયું છે કે જાહેરાતના અભાવમાં કોઈ છાપું હવે નબળું નથી પડતું. મંત્રીઓ સમાચારમાં જ નહીં, આખું પાનું ભરીને જાહેરાતોમાં પણ દેખા દે છે એટલે છાપાં હવે સૂકતા નથી પીડાતાં નથી. કેટલાંક છાપાં એટલાં સમૃદ્ધ છે કે વાચકે જાહેરખબરો વચ્ચેથી સમાચારો શોધી લેવાના રહે. એની સામે છાપાં ક્યારેક રાજકીય વફાદારી નિભાવે પણ છે.

પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાના ભારતે અગાઉ પ્રયત્નો કર્યા છે, પણ આ વખતે પાકિસ્તાને પ્રયત્ન કર્યો, તો પાકની સાન ઠેકાણે આવી – જેવું વર્તમાનપત્રોએ ચલાવ્યું ને ભારત બહુ ખાટી ગયું હોય તેવી હેડલાઇન્સ ચમકી, બીજે જ દિવસે પાકિસ્તાને પોત પ્રકાશ્યું ને ભારતે 370મી રદ કરી હોવાથી ધંધો થઈ શકે એમ નથી એવું કહી દીધું. ભારતની ને અખબારોની સ્થિતિ ચાટ પડ્યા જેવી થઈ. ધંધો રદ થવાના સમાચાર ખૂણે નંખાયા ને કેટલાકે તો છાપ્યાં જ નહીં. એવું જ પહેલી એપ્રિલથી વ્યાજદરો પર કાપ પડવાના સમાચાર મામલે પણ થયું. નાણાંમંત્રીએ, નાનામંત્રી હોય એમ નિખાલસ ભાવે કબૂલી લીધું કે વ્યાજ દરો પર કાપ પડયાનું “ઓવરસાઇટ” થયું. ટ્વિટ્સ પર લોકોએ નાણામંત્રીની ખબર લઈ નાખી એટલે વ્યાજદરો પરનો કાપ રોકવાની ફરજ પડી. ખરેખર તો મત નહીં મળે એવું લાગતાં વ્યાજકાપ પાછો ખેંચાયો. અહીં પણ વર્તમાનપત્રોની હિમ્મત ને પ્રમાણિક્તા ઓછી જ પડી. છાપાંનું કામ ટ્વિટ્સે કર્યું તે સૂચક છે. ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીએ મહારાષ્ટ્રમાં કોરોના, ક્રિકેટ કે ચૂંટણી ન હોવા છતાં ફેલાયો એમ કહીને ગુજરાતમાં થયેલી ચૂંટણીનો અને મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ષકોની હાજરીનો બચાવ કર્યો. આ મુદ્દે પણ વર્તમાનપત્રોએ ચૂપ રહેવા જ સ્વીકાર્યું. સાહેબને પૂછી શકાયું હોત કે ભીડથી કોરોના નથી ફેલાયો તો સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો અને એકલદોકલને માસ્ક ન હોવાને કારણે દંડ શું કામ કરો છો?

2 એપ્રિલના જ એક ડિજિટલ દૈનિકમાં 2600 વર્ષ જૂનાં મમીની હત્યા ચપ્પુથી નહીં, પણ કુહાડીથી થઈ – એવી વિગતો છે. એમાં તો જૂનાં ને બદલે “જૂની” મમી છપાયું છે. માણસની તો સમજાય, પણ    મમીની પણ હત્યા થાય તો આશ્ચર્ય થાય. કુહાડીથી હત્યા થઈ એટલું કહેવું પૂરતું ન લાગ્યું તો ઉમેર્યું કે કુહાડી ધારદાર હતી ને એનો ઉપયોગ ઈજિપ્તના સૈનિકો કરતા હતા. એ વખતે બુઠ્ઠી કુહાડીથી પણ હત્યા થતી હશે એમ માનવું પડે. 2600 વર્ષ જૂનાં મમીની વાત એક સમાચાર તરીકે સ્વીકારીએ તો પણ, એમાં એટલી વિગતો ખડકાઈ કે તેની અનિવાર્યતા અંગે પ્રશ્નો થાય. જેમ કે, વૈજ્ઞાનિકે મમીના વાળની તપાસ કરી ને એ બતાવ્યું કે વાળ વ્યવસ્થિત કાપેલા હતા ને કર્લી હતા. કઈ ઉંમરે હત્યા થઈ ને તે શબને કયા મટિરિયલથી પેક કરવામાં આવ્યું – જેવી વિગતો છેવટે તો શબનો શણગાર જ બની રહે છે.

થોડા વખત પર વિદેશના એક સમાચાર ફોટા સાથે છપાયેલા કે એક કૂતરો બિલાડીનો પીછો કરતાં ઝાડ પર ચડી ગયો. એ સમાચાર નથી તો કૂતરો વાંચવાનો કે નથી તો બિલાડી વાંચવાની, તો આવા સમાચારથી શું સિદ્ધ થાય છે તે નથી સમજાતું. એવા જ એક સમાચાર 24 ઓગસ્ટ, 2020ને રોજ એક વર્તમાનપત્રે ફોટા સાથે છાપેલાં જેમાં ફ્રાન્સના ન્યૂડ રિસોર્ટમાં 95 લોકોને કોરોના થયાની વાત હતી. સૂચવવું એ હતું કે નગ્ન હોવા છતાં લોકોએ માસ્ક પહેરેલાં હતાં ને ગમ્મત એ હતી કે જે ફોટો છપાયો એમાં કોઈએ માસ્ક પહેર્યું ન હતું.

એ દુખદ છે કે ગુજરાતીનું એક પણ અખબાર ભાષા બાબતે પૂરતી કાળજી નથી લેતું. સરકાર જ ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવાની ફિરાકમાં હોય ત્યારે ગુજરાતી ભાષા બાબતે ઉદાસીનતા સહજ ગણાય. કેટલાં ય છાપાં સાદી વાક્ય રચના બાબતે પણ સભાન નથી. “હોય” અને “હોઈ” સમજ વગર લખાયા કરે છે. આવું હોઈ શકે – એમ લખવાનું હોય ત્યાં હોય શકે અને આવું હોય પણ ખરું – ત્યાં આવું હોઈ પણ ખરું એમ છપાય છે. એક જ સમાચારમાં ઊંઝા અને ઊઝા છપાય કે સુસાઇડ નોટ ને બદલે સ્યૂસાઇટ નોટ – છપાય તો ચાલે છે. હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું-ને બદલે સીલ મારવામાં આવી કે આપઘાત જેવું કૃત્ય-ને બદલે આપઘાત જેવો કૃત્ય છપાય તો પણ ગાડું ગબડે છે. ભાવ વધારાથી મધ્યમવર્ગ કચડાય, પણ છાપું, મધ્યમવર્ગ કચડાયું એમ છાપે કે પ્લાઝમાસેન્ટર ને બદલે પ્લાઝામાં સેન્ટર છાપે તો કોઈને સંકોચ થતો નથી. મા, નિષ્ણાત, નિમણૂકમાં ક્યાં ય અનુસ્વાર ન જ આવે, પણ છાપાંઓ અનુસ્વાર મૂકવાની કાળજી રાખે જ છે. ઘણાં એવી દલીલ કરે છે કે અનુસ્વાર મૂકાય કે ન મૂકાય તો શો ફેર પડે છે, વાત તો સમજાય છેને ! એ મિત્રો ન્યુમોનિયાની કે સાયકોની સ્પેલિંગમાં પી લખવાનો રહી ન જાય એની કાળજી રાખે છે. પુટ ને પટ ને બટ ને બુટ નથી કહેતા, તો ગુજરાતી અંગેની બેદરકારી પણ અક્ષમ્ય ગણાવી જોઈએ. ખોટું ગુજરાતી શીખવવાની જવાબદારી છાપાંએ ઉપાડી હોય, તો પણ ગુજરાતી શીખતા વિદ્યાર્થીઓ છપાયેલું સાચું માને છે ને એમને જ છાપું ખોટું શીખવે તો તે યોગ્ય છે? ભૂલો કોઇની પણ થઈ શકે, પણ એ ન સુધારવાની દાનત ઠીક નથી.

એ સાચું છે કે આજનો ટ્રેન્ડ પોપ્યુલર રાઇટિંગનો છે, પણ એને નામે અખબારો ધર્મ ચૂકી ન શકે. ગમે એટલા પોપ્યુલર થઈએ તો પણ તંત્રીલેખ ને બદલે હાસ્યલેખ ન જ ચાલે એ કહેવાની જરૂર ખરી?

એટલું સમજી લઈએ કે આવનારો સમય મીડિયા પર વધુ નિયંત્રણો લાવવાનો છે. હવે બેન્ક એકાઉન્ટ કે કોમ્પ્યુટર જ હેક થાય એવું નથી, આખી પ્રજા હેક થઈ શકે એવા સમયમાં આપણે જીવીએ છીએ. પ્રજાને વધુ સલામત ને સુરક્ષિત કરવાને નામે તેને કાબૂ કરવાનું નથી જ થતું એવું નથી. ટેક્નોલોજીના સૌથી વધુ લાભ ખટાવીને, તેની ટેવ પાડીને પ્રજાને અજાણતાં જ અનીતિ તરફ દોરવાનું બને છે. ટેક્નોલોજીના વ્યાપક દુરુપયોગે અનેક કૌભાંડોને એક સાથે જન્મ આપ્યો છે. વ્યાપક હિંસા ને અનાચાર ટેક્નોલોજીનું જ પરિણામ છે. સગવડો અને માહિતીએ એ સ્થિતિ સર્જી છે કે અનીતિ તરફનું ખેંચાણ વધે અને પ્રજા તેને વશવર્તીને રહે. એનો અર્થ એવો નથી કે માહિતી કે ટેક્નોલોજી દરેક વખતે ખરાબ છે. એ ટેકનોલોજીનું જ પરિણામ છે કે ઈ- પેપર લોકડાઉન છતાં આપણા સુધી પહોંચ્યું. એટલે લાભ પણ છે જ, જરૂર છે તે વિવેકની. આજે ખૂટે છે તે, પ્રમાણભાન ! એટલી ચિંતા થાય તો ઘણું ઉત્તમ હાથવગું થઈ શકે એમ છે. અસ્તુ !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ઍપ્રિલ 2021

Loading

...102030...2,0092,0102,0112,012...2,0202,0302,040...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved